સત્યની શોધમાં/પહેલો અગ્નિસ્પર્શ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ફૂલોનો બાગ સત્યની શોધમાં
પહેલો અગ્નિસ્પર્શ
ઝવેરચંદ મેઘાણી
મહેફિલ →


9
પહેલો અગ્નિસ્પર્શ

બીજે દિવસે દિત્તુભાઈ શેઠે શામળને વાડીનો વહીવટ સોંપ્યો, કહ્યું : “તમને ફાવે છે કે નહીં તે મને જણાવતા રહેજો હોં કે ?” શામળનું હૈયું આભારની લાગણીથી દબાઈ ગયું.

‘નંદનવન’માં નોકરનો એકંદર તો પાર નહોતો. દિત્તુભાઈની અંગત સરભરા ઉઠાવવામાં પચીસ જણ રોકાયા હતા. એ પચીસની અંદર પણ દરજ્જા પડી ગયેલા. દિત્તુભાઈનો રસોઇયો પાંચેય કામવાળી બાઈઓને પોતાનાથી ઊતરતી લેખી દબડાવતો. રસોઇયા ઉપર વળી ‘ભાઈ’નો પાસવાન ભૂપતો લાલ ડોળા રાખતો : હિસાબી મહેતો રંગીલદાસ પગાર ચૂકવવાને દિવસે તમામની પાસે લાચારી કરાવી પોતાની મહત્તાનો પરમ આનંદ લેતો. પચીસ જણામાં જમવાની પણ પાંચ જુદી પંગત પડતી. ફક્ત એક-બે બાબતોમાં જ પચીસની એક ન્યાત હતી : નવરા પડીને એકબીજાની ખણખોદ અથવા ત્રાહિતની કૂથલી કરવામાં, તથા ઠાંસી ઠાંસીને જમવામાં. પચીસેયને જીવનમાં એક જ ધ્યેય હતું : લક્ષ્મીનંદનના કુટુંબની મોટાઈ ગાવાનું, કલાકોના કલાકો સુધી આ ઘરની સંપત્તિની તેમ જ સત્તાની સ્તુતિ કરવાનું, અને શેઠના કુટુંબીજનોની ઝીણીમોટી આદતો તથા અભિરુચિઓની મીમાંસા કરવાનું.

બાગવાન બનીને મેંદી કાતરતા શામળને પણ એક કાબર જેવી વાતોડિયણ ચાકરડી મળી ગઈ. ખવાસ કોમની એ સજુડીએ શેઠના આ માનીતા નવજુવાનના કાનમાં શેઠ-કુટુંબની અથ-ઇતિ કથા સીંચી દીધી : વરસ દહાડે દિત્તુભાઈને તો બેઠા બેઠા પાંચ લાખની આવક ચાલી જ આવે છે; કોને ખબર, માડી ! કે આ નાણું ‘ભાઈ’ ક્યાં ખરચે છે; બાપા મૂઆ પછી ‘ભાઈ’ એકલે પંડે જ રહે છે; ઘણુંખરું નવીનાબાદમાં પડ્યાપાથર્યા રહે છે; અહીં પછવાડેથી આખાં કોળાં ગળાય છે; હજી સગીર છે; વહીવટ એના એક વકીલના તથા વિનોદબોનના બાપા લીલુભાઈના હાથમાં છે; લીલુભાઈ મોટા શેઠના છેટેના સગા થાય; ભાઈબંધ પણ હતા. સહુ સમજે છે કે, ‘ભાઈ’ અને વિનોદબોન પરણશે. પણ વિનોદબોન તો એ સાંભળીને રાતાચોળ થઈ જાય છે. વિનોદબોનને બંગલે મારા ભાઈ કામ કરે છે, એટલે વિનોદબોનની તો તલેતલ વાત હું જાણું. ગરબા ગાવા મોટા મેળાવડામાં જાય; ઘોડેસવારી તો મરદ શું કરશે એવી કરે; જાળીવાળા બૅટ અને રબરના દડાની રમત રમવામાં મુછાળાનેય ભૂ પાઈ દે. વિનોદબોન દર સાલ ઉનાળે ધવલગિરિ નીલગિરિના પહાડોમાં જાય; દરિયાકાંઠે પણ પડાવ નાખે; દરિયામાં છરી ઘાટની મોટર-બોટ ચલાવે. ઓહોહો. કાંઈ વેગમાં ચલાવે, કાંઈ હાંકણી એની ! અને વિનોદબોનને લીંબુની પિપરમેટ બહુ ભાવે !

વિનોદબહેન વિશે શામળે તો ઘણી ઘણી વાતોનું શ્રવણ-પાન કર્યું. તેજુએ દીધેલી એની બેઉ છબીઓ શામળે બદનની નીચે બેવડમાં બરાબર કલેજા ઉપર જ દબાવી હતી. રોજ એના કાન એ ‘દેવી’ની મોટરના ભૂંગળાના અવાજ સારુ કે એના ઘોડાના ડાબલા સારુ એકધ્યાન થઈ મંડાઈ રહે છે. એનું ધ્યાન ધરતો ધરતો એ પોતાના હાથ નીચેના માળીઓને મેંદીનાં ઝુંડોમાંથી મોરલા ને ખુરસીઓ કંડારતા જોઈ રહે છે. બેએક મહિનામાં તો એનાં વેશપોશાક, વાણી, સૂરત, રંગઢંગ, બધું ફરી ગયું.

એક દિવસ સવારે ખોબો ભરીને ગુલાબ લઈ શામળ બંગલા ઉપર દિત્તુભાઈને દેવા જાય છે. બીજા માળના ઓરડામાં પેસતાં જ એ વિનોદબહેનની સાથે અથડાતાં અથડાતાં રહી ગયો; સીધાસટ ચાલ્યા જવાને બદલે ખંચકાઈને ઊભો રહ્યો, એના હાથમાંથી ગુલાબનાં ફૂલ ભોંયે ઢળ્યાં. એનું હૈયું જોરથી ધબકી રહ્યું.

“ઓહો શામળજી !” વિનોદિનીએ એને ઉજ્જ્વળ મોંએ બોલાવ્યો. “કેમ છો ? નવા કામકાજમાં ફાવે છે ને ?”

“બહુ જ ફાવે છે.” પછી એટલા જ પ્રત્યુત્તરની ઊણપ સમજી જઈને શામળે ઉમેર્યું : “હું બહુ સુખી છું. અહીં મને ખૂબ ગમે છે.”

થોડી વાર ચુપકીદી રહી. પછી વિનોદિનીએ પૂછ્યું : “તું શા માટે મારી સામે એકીટશે જોઈ રહ્યો છે, શામળ ?”

“હું-હું-હું” શામળ જાણે ગલોટિયું ખાઈ ગયો, “ના – હું નથી –”

“ખરે જ, તું જોઈ રહ્યો છે.”

શામળ ફફડી ઊઠ્યો : “ખરે જ – મારો કશો એવો હેતુ નહોતો  - હું કદી જ એવું –” શું બોલવું તેની એને સૂઝ ન પડી.

ને વિનોદિનીની નિર્દય મીટ એની સામે જ મંડાઈ રહી હતી. “સાચે જ શું હું એવી રૂપાળી છું, શામળ ?” એણે પૂછ્યું.

ધીમેથી એ બોલ્યો : “સાચે જ.”

“કહે, મને કહે જોઉં, હું કેવીક રૂપાળી છું ?” એ પૂછતી વેળાની એની દૃષ્ટિએ શામળના આત્માનાં ઊંડાણ વલોવી નાખ્યાં.

શામળ સ્તબ્ધ ઊભો. એના કંઠમાં ને એની ગરદનમાં જાણે ગરમ ગરમ રુધિરનાં મહાપૂર ઊમટ્યાં.

“કહે, કહે મને.” ફરી પ્રશ્ન થયો.

“તમે – તમે – તમારા જેવું રૂપ મેં કદી દેખ્યું નથી.” શામળના ગળામાં શ્વાસ નહોતો.

“તું સ્ત્રીઓમાં બહુ ભળ્યોહળ્યો નથી લાગતો. ખરું ?”

“ના, હું તો ગામડાનો છું.” શામળ કંઈક વધુ બોલશે એવી વાટ જોતી વિનોદિની તાકી રહી. શામળના મોંમાંથી શબ્દો ટપક્યા : “ત્યાં ગામડાંમાં રૂપાળી કન્યાઓ હોય છે. પણ તમે – તમે તો –” શામળની પીગળી જતી જીભે મહામહેનતે ઉમેર્યું, “તમે તો રાજકુમારી જેવાં છો.”

“ને શામળ ! તું કેવો છે તને ખબર છે ? તું ગામડિયો નથી.”

“હું ગામડિયો નથી !”

“ઓ શામળ ! તું કેવો અલબેલો યુવાન છે ! હું જે કહું તે તું મારે ખાતર કરે, ખરું ?”

“ખરું.”

“દિત્તુભાઈને ખાતર તેં પ્રાણ જતા કર્યા, તેમ મારે ખાતર પણ કરે, ખરું ?”

“તમારે ખાતર શું ન કરું ?” શામળનું કલેવર જાણે ઓગળીને ટપકી જતું હતું.

“એવો કોઈ અવસર આવી પડે તો કેવું સારું !” વિનોદિની હસી, “પણ અરે પ્રભુ ! એવા કશાયે અદ્‌ભુત અવસર વિનાનું આ નીરસ સૂકું જીવતર દિનપ્રતિદિન ચાલ્યું જાય છે.”

ફરી ચૂપકીદી છવાઈ. શામળ પોપચાં નીચાં ઢાળીને રોમે રોમે કંપતો ઊભો હતો.

“આ ગુલાબ લઈને ક્યાં જાય છે, શામળ ?”

“બંગલાના ઉપરીને આપવા.” “એક મને આપીશ ?”

પોતાને હાથે વિનોદિનીએ એક ગુલાબ ઉપાડી લઈને હોઠે, ગાલે અને આંખે અડકાડી અંબોડામાં ભર્યું. “કોઈ વાર મારે સારુ ગુલાબ લાવતો રહેજે હો, ભૂલી ના જતો.” આટલું કહી, સ્મિત વેરતી એ ચાલી ગઈ. જતાં જતાં એણે શામળના હાથને સ્પર્શ કર્યો.

એ આંગળીઓના સ્પર્શમાંથી સળગી ઊઠેલી વીજળીએ શામળને રોમાંચિત કર્યો. એની આંખે અંધારાં ઘેરાઈ ગયાં. કદી સ્વપ્નમાં પણ ન મળેલો એ અનુભવ હતો. ખાલી ઓરડામાં કોઈ ચાલ્યા ગયેલા સોંદર્યની ખુશબો ફોરતી હતી.

આખો દહાડો એ જુવાનના માથામાં ભણકારા બોલ્યા : “ઓહો ! એ સુંદરીને મારામાં આટલો બધો રસ જાગ્યો છે ! મારા પર એણે સ્મિતો વેર્યા ! મારા હાથને એણે સ્પર્શ પણ કર્યો ! રૂપાળાં મનુષ્યો શું આટલાં બધાં હેતાળ જ હશે !”