લખાણ પર જાઓ

સત્યની શોધમાં/ભૂખ્યો છું

વિકિસ્રોતમાંથી
← ભિખારો સત્યની શોધમાં
ભૂખ્યો છું
ઝવેરચંદ મેઘાણી
અદાલતમાં →


3

ભૂખ્યો છું

હેરનો વિશાળ ચોક હતો. બહોળી બજારો હતી. રસ્તા પર ટ્રામ-ગાડીઓના પાટા હતા. પણ હજુ ભળભાંખળું હતું. શામળની આંખે અંધારાં આવતાં હતાં. શામળ એક અંધારિયા દરવાજામાં પેસીને ખૂણામાં લપાયો. થોડાં ઝોલાં ખાધાં. ત્યાં તો પ્રભાત થયું. લોકોનો અવરજવર મંડાઈ ગયો.

ફરીને નળ પર જઈ પાણી પીધું. શરીરને તાજગી મળી. એક બજારમાં એક માણસ દુકાન ખોલી રહ્યે હતો ત્યાં જઈને શામળ ઊભો. દુકાનની બારીમાં મેવા, પાંઉ વગેરે ચીજો ગોઠવેલી દીઠી. લાંઘણ્યા શામળથી રહેવાતું નહોતું. એણે પૂછ્યું : “ભાઈ, કશુંક કામ આપો તો હું કરી દઉં.”

જવાબમાં દુકાનદારે માથું ધુણાવ્યું.

શામળ આગળ ચાલ્યો. ઠેર ઠેર દુકાનો ઊઘડી રહી હતી. દુકાને દુકાને એણે કામની માગણી કરી – જે કંઈ કામ, મહેનતમજૂરીનું, ખાંડવાનું, ઝાડું કાઢવાનું, પાણી ભરવાનું – જે કશું હોય તે આપો ! જવાબમાં નકાર જ મળ્યો.

ઠેકઠેકાણેથી ઘી-તેલમાં તળાઈ રહેલી મીઠાઈઓની, હોટલમાં રંધાતાં શાકપૂરી કે ભજિયાંની સોડમાં આવતી હતી. શામળ ટહેલતો હતો. એનું જઠર અંદરથી ઊઠી ઊઠીને જાણે ધસતું હતું. પણ ભીખ કેમ મંગાય ? હું ભીખ નહીં જ લઉં. હું કામ શોધી કાઢીશ.

દુકાને દુકાને એ રઝળ્યો. કોઈ ઠેકાણે સભ્ય નકાર સાંભળતો, તો કોઈ ઠેકાણે ધુતકાર પામતો શામળ પાટક્યો. કોઈએ એને પૂરી એક મિનિટ પણ ઊભો રહેવા ન દીધો. ચાલતો ચાલતો એ ગોદામોમાં ગયો. ત્યાં થોકેથોક ડબા ખાલી થતા દીઠા. બસ, આંહી તો અંગમહેનતનું કામ છે. અહીં તો અઢળક માલ ઊતરે છે ને ચડે છે. આંહી કાંઈ કામ મળ્યા વિના થોડું રહેવાનું છે ?

બાંયો ચડાવીને મુકાદમ ઊભો હતો તેને શામળે કહ્યું : “મને પણ કશીક મજૂરી આપોને ?”

“મારે તને કેટલી વાર ના પાડવી ?” મુકાદમ તાડૂક્યો.

“ક્યારે ! – કેટલી વાર ! – હું તો આંહીં હજુ પહેલવહેલો જ આવું છું, ભાઈસા’બ !” શામળે હેબતાઈને કહ્યું.

“કોણ જાણે ! તારા જેવા તો અઢારસો રોજ હાલ્યા આવે છે. મને શું ખબર કે તું નહીં હો ! ચાલ, રસ્તો પકડ, કામ આંહીં નહીં મળે.”

“તારા જેવા અઢારસો હાલ્યા આવે છે.” એ એક જ વાક્યે શામળને ભાન કરાવ્યું કે આ આલેશાન બજારોમાં ચાલતાં પોતે પોતાના જેવા કંગાલ દેખાતા અનેક માણસોને દીઠા હતા, એ બધા જ શું ધંધો માગતા હતા. અને છતાં બેકાર રહેતા હતા ? કદાચ કેટલાક તો ભીખ માગતા હશે છતાંય પેટ નહીં ભરી શકતા હોય.

આવું આલેશાન શહેર, આવો ધમધોકાર વેપાર, આટલી ઊભરાતી સમૃદ્ધિ – અને છતાં આંહીં ધંધા વગર રઝળવું પડશે ! કૂતરાને મોત મરવું પડશે ! વારંવાર પોતાની જોરાવર ભુજાઓ સામે જોતો જોતો, અને અંતરમાં કોઈ અકળ ભય અનુભવતો શામળ ચાલ્યો. રસ્તે એણે ઘણાયે ચહેરા ઉપર અનુકંપા તરવરતી દીઠી. સાચે જ, એ લોકો જો મારી વેદના સમજત તો મને મદદ કરત. પણ એ લોકને મારી મૂંઝવણ સમજાવવાનો ઈલાજ બીજો શો હતો ? – ભિક્ષા ! ભિક્ષા સિવાય એકેય નહીં.

બજારલત્તા છોડીને એ વસ્તીના પરામાં આવ્યો. દ્વારે દ્વારે પૂછ્યું : ‘કાંઈ કામકાજ, મજૂરી, ધંધો આપશો ? હું તમે કહો તે કરું.’ પણ સહુએ કહ્યું : ‘આંહીં કામ નથી.’

સહુનાં રસોડાં દાળશાકના વઘારની સુગંધ ભભકતાં હતાં. કમાડ ઊઘડે કે તુરત જ રસોઈની ભભક આવીને શામળના નાકમાં અથડાય. અંદર જમનારાઓના સબડકા સંભળાય. એ બધું ન સહેવાયાથી પાછો શામળ શહેરમાં પહોંચ્યો. હવે એનાં ગાત્રો ઢીલાં પડ્યાં, અને ડર લાગી ગયો કે હવે હું કામકાજ પણ કરી નહીં શકું.

આ સંસ્કૃતિ અને સમૃદ્ધિની છોળો વચ્ચે શું હું ભૂખમરાથી મરીશ ! શું શેરીમાં, રસ્તામાં જ મારા શ્વાસ નીકળી જશે ! કે મને આ લોકો ક્યાંઈક બીજે – જ્યાં બેકારોને સારુ મરવાનું ઠરાવ્યું હશે ત્યાં ઉપાડીને નાખી જશે ?

એમ આખો દિવસ ગુજર્યો. કેટલાક લોકોએ એને સલાહ આપી કે, “ભાઈ, તું આ શહેર છોડીને ક્યાંઈક બહાર નીકળી જા. આંહીં કામધંધો શોધવો એ નિરર્થક છે.” શામળને ગમ ન પડી કે આ શહેરનું તંત્ર ક્યાં ખોટકાઈ ગયું છે. એને એ બધું રહસ્ય સમજાવવા કોઈ ઊભું પણ નહોતું રહેતું.

જીવનમાં પહેલી જ વાર શામળે શહેર દીઠું. પથ્થર, ઈંટ અને ચૂનાનાં બુલંદ મકાનો, ટ્રામો, બંબાખાનાં ને એવું તો કંઈ કંઈ દીઠું. સેંકડો વીઘાં જમીનને રોકી લઈ ઊભેલાં ગગનચુંબી ભૂંગળાં; કારખાનાં, મજૂરોની ચાલીઓ; માયકાંગલાં, ચીભડાં જેવા પીળાંપચ છોકરાં; હાડપિંજર જેવી સ્ત્રીઓ, સર્વત્ર કાળા ધુમાડાથી રંગાયેલ આ દુર્ગંધ મારતી દુનિયા ! હવામાં ઉકળાટ, બફારો, શેક ચાલી રહેલ છે. આખા નગરને જાણે ન્યુમોનિયાનો તાવ લાગુ પડ્યો છે !

જંગી જંગી પુલ વટાવી, નદી પાર કરી, એ આગળ ચાલ્યો. ત્યાં તો સાંકડા રસ્તા પહોળા થયા. લીલાંછમ ઝાડોની હારોની હાર આવી. બાગબગીચાની શીળી બાથમાં ઊભેલા નાનામોટા રૂપાળા બંગલા આવ્યા. એની બારીઓમાં નદીના વાયુની લહરે લહરે મોતીનાં તોરણ-પડદા ઝંકાર કરી ઝૂલી રહેલ છે. ફુવારા પર ગોઠવેલી પથ્થરની પરીઓ પાણીની કરામતભરી બારીક વૃષ્ટિ ઉરાડે છે. ફૂલો અને ફૂલ સમોવડ માનવ-મુખડાં ડોકાય છે. જોતાં જોતાં શામળ ભૂખનું દુઃખ વીસર્યો. આંખો એ સુખી લોકોનાં ધામ દેખી ઠરવા લાગી. પોતાને માટે આંહીં ક્યાંઈક વિશ્રામ પડ્યો હશે ! એમ કરતાં એ એક દરવાજા પર પહોંચ્યો. બહાર નામ લખેલું ભૂખ્યો છું ‘નંદન-વન’. અંદર નજર પહોંચી ત્યાં સુધી ભાતભાતનાં હરિયાળાં વૃક્ષો, ગાલીચા સરખાં લીલાં ‘લૉન’. કળા પૂરીને ચરતાં મોરલા-ઢેલડીઓ, કુંડોમાં તરતાં હંસો-બતકો, મેંદી કાતરતા માળીઓ, પાણી છાંટતા ઝારીવાળાઓ વગેરે અલૌકિક રમણીયતા દીઠી. વચ્ચે વાદળઊંચા થાંભલાવાળી હવાઈ મહેલાત દેખી. અંદર પેઠો ત્યાં તો ફૂલઝાડોને પંપાળતો પંપાળતો એક આદમી દોટ દઈને એની પાસે આવ્યો, પૂછ્યું : “આમ ક્યાં જાય છે તું ?”

“આંહીં કશો કામધંધો હોય તો હું માગવા આવ્યો છું.”

“માથાની ખોપરીનાં કાચલાં જ ઉડાડી નાખીશને ! પૂછ્યાગાછ્યા વગર અંદર દોડ્યો આવે છે તે !”

“પણ વાંધો શો છે, ભાઈ ?” શામળે આભા બનીને પૂછ્યું.

“હવે બહાર નીકળ બહાર, વેરાગીરામ !”

શામળ પાછો વળ્યો.

વેરાગીરામ !

એ શબ્દ પહેલી જ વાર એને પોતાના દીદાર તપાસવાનું ભાન કરાવ્યું. લૂગડાં કાદવમાં ખરડાઈ ગયેલાં; હાથ ને મોં પણ રજેભર્યાં; વાળ પંખીના માળા જેવા; આખોય દેખાવ એક કામધંધો માગવા જનાર ઉમેદવારને ન છાજે તેવો. એને ખૂબ ભોંઠામણ આવ્યું અને લાગ્યું કે આ લત્તો કાંઈ કામધંધો શોધવાનું ઠેકાણું નથી. એ ફરી પાછો પુલ ઓળંગીને શહેરમાં આવ્યો.

રાત પડી ગઈ. દુકાનો બંધ થવા લાગી. હમણાં જ તમામ ઠેકાણે તાળાં લાગી જશે, ને ખાધાપીધા વગર મારું મોત નીપજશે. પછી તો એ જીવ સાટે બાવરો બન્યો. એને સારાનરસાનું ભાન ન રહ્યું. એ એક દુકાનમાં ઘૂસ્યો.

એ દુકાન નહોતી; દારૂનું પીઠું હતું. હજુ માણસો અંદર આવ્યા નહોતા. ફક્ત એક વેચનાર જ ઊંચા થડાની પછવાડે ઊભો હતો.

“હું કાંઈ ભિખારી નથી.” જતાંની વારે જ શામળ પોકારી ઊઠ્યો.

“હા-હા ! ભાઈ ભાઈ ! શું કહ્યું આપ સાહેબે ?” પીઠા પરના આદમીએ લહેરમાં પૂછ્યું.

“કહું છું કે હું કંઈ ભિખારી નથી. હું આવી ને પૈસા ચૂકવી જઈશ. હું ભૂખે મરું છું. મને ઝટ કંઈ ખાવાનું આપો.”

“અલ્યા, તારે તે હજુ હવે નશો કરવો છે ? કે કરીને આવે છે ? આ ઠેકાણું શું છે તે તો ઓળખે છે ને ?”

“મેં અગાઉ કદી પીઠામાં પગ પણ નથી મૂકેલો. પણ આજ તો મહેરબાની કરીને મને કંઈક ખાવા આપો.” એ હાંફી ગયો.

“અરે તારી ખૂબી ! ભારી કોઈ ઍક્ટર લાગે છ હો ! ચાલાકી રમતાં અચ્છુ આવડે છે. આવ દોસ્ત, આવ ! કર ધરવ !”

“શું કહ્યું ?”

“એ… ખા !” એમ કહીને પીઠાવાળાએ થડા ઉપર પડેલા, દારૂડિયાઓ નશો કરીને પછી આરોગે છે તે હલકા ફરસાણનો ઢગલો દેખાડ્યો. શામળે એ ગંધાતો ઢગલો દીઠો. જઈને એ ભૂખ્યા વરુની માફક આરોગવા લાગ્યો. કોઈ ગાંડપણ જાણે એને અંગે અંગે પ્રવેશી ગયું હતું.

એના રાક્ષસી કોળિયા અને ફાટ ફાટ થતાં ગલોફાં સામે પીઠાવાળો નોકર તાકી રહ્યો, પછી બોલ્યો : “હવે ભલો થઈને ભાગવા માંડ.”

“ભલા થઈને મને પૂરું ખાવા દ્યો.”

“આટલી ભૂખ !”

“હું પુરાઈ ગયો હતો માલગાડીના ડબામાં – બે દહાડાનો લાંઘણ્યો છું. મારા પૈસા ઉઠાવી ગયો ગાડીવાળો. એમ ન માનશો કે હું ભિખારી છું. ના. હું ભિખારી નથી. કાળી મહેનત-મજૂરી કરીને પણ હું તમને નાણાં ભરી દઈશ.”

“હં ! ભિખારી નહીં; જાટલીમેન !” પીઠાવાળો હસ્યો, “ઠીક, ખા ખા તું તારે, દોસ્ત ! કોના બાપની ગુજરાત છે !”

“મારે લાયક કંઈ કામ નથી તમારે ત્યાં ? હું લાકડાં ફાડી દઉં. એંહ આમ તો જુઓ, આ મારાં બાવડાં !” એમ કહીને શામળે બાંયો ચડાવી.

“અમે લાકડાં બાળતા જ નથી.”

“તો કાંઈ સાફ કરવાનું ? માંજવા ઊટકવાનું ? જુઓને આ ભોંય કેટલી ગંદી છે ? હું ઘસીને સાફ કરી આપું તો ?”

“ના, એ તો અમે રોજ સવારે સાફ કરાવીએ છીએ.”

“તો ઠીક, હું સવારે આવીશ.”

“અરે મૂરખા! મારી સલાહ માને તો આ શહેરમાંથી જલદી બહાર નીકળી જા. આ લક્ષ્મીનગર શહેરમાં કામધંધા કેવા ?”

“લક્ષ્મીનગર શહેર !” શામળના કાન ચમક્યા, “આ લક્ષ્મીનગર શહેર છે ?”

“તું ક્યાં છે તેનુંયે તને ભાન નથી ?”

 “મને ખબર નહોતી, ભાઈ ! આ પોતે જ લક્ષ્મીનગર શહેર – કાચના મોટા કારખાનાવાળું ?”

“એ જ.”

“લક્ષ્મીનંદન શેઠ શું અહીં જ રહેતા ?”

“કાં ? એનું શું કામ પડ્યું તારે ?”

“ના. કામ નહીં. પણ મારા બાપુએ તમામ મૂડી એ લક્ષ્મીનંદન શેઠની કંપનીમાં જ મૂકેલી, અને ગુમાવેલી.”

"ઠીક, ત્યારે તો તમેય લા’ણમાં આવ્યા છો બેટમજી, એમ ને ? કોઈને – કોઈ કરતાં કોઈને – મારે દીકરે કોરા નથી રહેવા દીધા !”

“એને કારખાને જઈને હું મારા બાપની મૂડીની વાત કરું, તો કદીક છે ને એ લોકો મને રોજી આપશે, ખરું ?”

“હા, કદીક છે ને આપે તે – ફક્ત કારખાને જ હમણાં તાળાં લાગેલાં છે એટલો જરીક જ વાંધો છે.”

“કારખાને તાળાં ?” શામળ હેરત પામ્યો. “એના મોતને લીધે હડતાલ હશે.”

“ના, એ તો હરસાલ ઉનાળે બંધ કરે જ છે. આ સાલ વેળાસર તાળાં માર્યાં, કેમ કે સમય બાલિસ્ટર છે ને !” પીઠાવાળાએ ‘સમય બારીક’ને બદલે છટાથી સંસ્કારી રીતે ‘બાલિસ્ટર’નો શબ્દપ્રયોગ કર્યો. “એટલે તારા જેવા રોજી શોધનારા તો અત્યારે ઠેબે આવે છે. સૂતરની મિલો પણ કાપડ વધી પડવાથી બંધ છે.”

એ જ વખતે બે ઘરાકો આવીને પીઠામાં પેઠા. એ બંનેની જબાનોએ દારૂની દુર્ગંધને આંટે તેવી સરસ્વતી વહેતી મૂકી. શામળ ભાગ્યો – કહેતો ગયો કે : “સવારે હું ભોંય સાફ કરવા આવીશ.”

કલેજાં ચીરી નાખે તેવો પવન વાતો હતો. જેઠ માસનો પહેલો વરસાદ વરસતો હતો. શામળ પાસે ઓઢવા-પાથરવાનું કશું નહોતું. ઘરો બધાં બંધ થઈ ગયાં હતાં. એ ભીંજાતો ને થરથરતો ઓથ જોતો ચાલ્યો. એક દરવાજો ઉઘાડો દેખીને અંદર જઈ લપાયો. પડ્યાં પડ્યાં એને કંઈ કંઈ વિચારો આવ્યા. આ લક્ષ્મીનગર ! અહીં સેંકડો ભૂખે મરે છે ? હું અહીંથી ક્યાં જાઉં ? મને કોણ લઈ જશે ? આખરે મારે તો ભીખ માગીને જ પેટ ભરવું પડ્યુંને ! અને તે પણ કયા ઠેકાણે ? દારૂના પીઠામાં !

બહાર કોઈનાં પગલાં બોલ્યાં. ચોકીવાળો પોલીસ ઉઘાડી ખડકી તપાસવા આવ્યો. અંધારામાં શામળે પગ ટૂંકો કરતાં જ પોલીસે એને ટપાર્યો : “કોણ એ ?”

“એ તો હું.” શામળે નવલશા હીરજીની પેઠે જવાબ વાળ્યો.

“તું કોણ ?” પોલીસે પડકાર કર્યો, “ઊભો થા.”

શામળ ઊઠ્યો. પોલીસનો હાથ એની ગરદન પર પડ્યો : “કોણ છે તું ?”

જવાબ આપે તે પહેલાં તો એને પોલીસ બત્તી પાસે ખેંચી ગયો, ચહેરો નિહાળીને કહ્યું: “હં ! ભાઈશ્રી તાલમબાજ ! પધારો પધારો, મુરબ્બી !”

“પણ મહેરબાન ! હું કોઈને કશી જ અડચણ કરતો નથી. હું તો અહીં છાનોમાનો પડ્યો છું.”

“હં ! છાનોમાનોવ ! રાતમાં ગણેશિયો વાપરવા સારુ, કેમ ? ચલાવ ! ચાલાકી છોડીને આગળ થઈ જા.”

“પણ ક્યાં ?”

“ગેસ્ટ હાઉસમાં, બીજે ક્યાં ?” કહીને પોલીસે શામળભાઈને ઉઠાવ્યા.

“તમે મને કેદ તો નહીં પકડોને મહેરબાન ?” શામળને પેટમાં ફાળ પડી ગઈ.

“શા સારુ નહીં ?”

“પણ મેં કંઈ જ નથી કર્યું. હું ત્યાં સૂતેલો એ તો નિરુપાયે –”

એમ કહીને શામળે ઊભા રહેવા જોર કર્યું. પોલીસે પહોળા પંજામાં એની બોચી દબાવીને વળ દીધો : “મેથીપાક ખાવો છે કે, બચ્ચાજી ?”

શામળ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો : “મને શા સારુ કેદ પકડો  છો ? છોડી દો મને. મેં કશો ગુનો નથી કર્યો. મારી પાસે પૈસા નથી, હું કોઈને ઓળખતો નથી. હું બીજે ક્યાં જાઉં ? મારો શો વાંક ?”

એમ કહી શામળ ચોધાર રડવા લાગ્યો.

“એ બધું તું કોરટમાં માજિસ્ટ્રેટ સાહેબને કહેજે.”

"પણ – પણ મારો ગુનો શો છે ? શા સારુ મને —?”

“ચૂપ કર !” પોલીસે ત્રાડ દીધી, ગરદનને વધુ જોરથી વળ દીધો, ને ઉમેર્યું : “તારી ચાલાકી ઢોળાઈ જાય છે, ભામટા !”

ચાલાકી ! આ ‘ચાલાકી’ શબ્દ શામળે કેટલામી વાર સાંભળ્યો તે એ ગણતો રહ્યો; અને પોલીસચકલા ઉપર આ સિપાહી તથા એના ઝોકાં ખાતા અમલદાર વચ્ચે ટૂંકા સવાલ- જવાબોની વિધિ પતી ગયા પછી એ તુરંગના લોખંડી સળિયા પાછળ ધકેલાઈ ગયો.