સત્યવીર શ્રદ્ધાનંદ/પરીક્ષાની કતલ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← ધાર્મિક કસોટી બે દેશ દીપક
પરીક્ષાની કતલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
વકીલાતની ગાડી →પરીક્ષાની કતલ


પરીક્ષાના દિવસો સમીપ આવ્યા. મેં પરીક્ષા પહેલાં બે દિવસથી વાંચવું બંધ જ કરેલું, એ દેખીને મારા એક સહાધ્યાયી મુખ્તીયાર બંધુ તો મને જાનવર જ માની બેઠેલા ! અને મેં એ નાદાનને જ્યારે પરીક્ષાના સમય પહેલાં એક કલાક સુધી પણ ગોખતો જોઈને દયા લાવી એને પોપટમાંથી મનુષ્યાવતારમાં આણવા યત્ન કર્યો, ત્યારે એ પ્રેમના ઈનામ રૂપે મને એણે થોડી ગાળો ચખાડી. બીજી અજાયબી મારા માટે સહુને એ થતી હતી કે ત્રણ ત્રણ કલાકમાં પણ પૂરા ન થઈ શકે એવા પ્રશ્ન-પત્રને હું દોઢ જ કલાકમાં પતાવી દઈ શી રીતે બહાર નીકળી આવતો ! અને છતાં એ લેખન -પરીક્ષામાં હું પાસ કેમ કરીને થયો !

બે પરીક્ષકો

બીજી સ્મૃતિ એક પરીક્ષકની પણ છે, કે જેણે મને બે જ દોકડા માટે નાપાસ કર્યો હતો. મૌખિક પરીક્ષા માટે બધા વિદ્યાર્થીઓને એકત્ર કરી, પછી એક પછી એક વિદ્યાર્થીને પરીક્ષક પાસે બેલાવવામાં આવતા, અને વિઘાર્થી પોતાની મૌખિક પરીક્ષા પૂરી થયે પાસ નાપાસનું પરિણામ ત્યાં ને ત્યાં સાંભળી પાછળની સીડી પરથી જોડાની ચમચમાટી બેાલાવતો નીચે ઉતરી જતો. મારો વારો આવતાં, પરીક્ષકની સાથે (જેનું નામ બાબુ યોગેન્દ્રનાથ વસુ હતું ને જે મોટા દેશભક્ત ગણાતા) પહેલા જ પ્રશ્ન પર ટપાટપી બોલી ગઈ પછી એણે મને કોઈ પણ પ્રશ્ન પર એક મીનીટથી વધુ સમય આપવા ના પાડી. એક પ્રશ્ન તે પાઠ્ય પુસ્તકની બહારનો હતો, અને એની ઉપર તો મોટી હાઇકોર્ટોના પણ પરસ્પર વિરૂદ્ધ મત પડેલા, એના જવાબમાં મેં પંજાબ ચીફ કોર્ટ તથા કલકત્તા હાઈકોર્ટથી મતભેદ બતાવી મદ્રાસ હાઈકોર્ટ સાથે સંમતિ નોંધાવી એ જવાબ બદલ મને મીંડું મળ્યું ને બે જ દોકડા માટે હું નાપાસ પડ્યો. પરીક્ષક સાહેબને મેં પૂછયું કે 'કયા પ્રશ્નમાં મને મીંડું મળ્યું છે ?' 'I refuse to argue on this point : એ વાત પર વાદ કરવા હું તૈયાર નથી.' એવો ઘમંડી જવાબ મળ્યો ! પ્રસન્ન વદને હું નીચે ઊતર્યો, મને હર્ષથી ઉછળતો દેખી મિત્રે સમજ્યા કે હું પાસ થયો છું. મારી વાત તેએાએ માની જ નહિ.

આ દેશભક્ત પરીક્ષક ! હવે એની સરખામણીમાં એક વિદેશી પરીક્ષકના વર્તનની વાત પણ લખું છું : દિવાની કાયદાની મૌખિક [Oral] પરીક્ષા લેનાર બેરીસ્ટર હીગીન્સ હતા. મારે તો એક વિષયમાં નાપાસ થઈ ગયા પછી બીજા વિષયમાં બેસવાની ઇચ્છા જ નહોતી. પણ મિત્રોએ મને આગ્રહથી ધકેલ્યો. પ્રથમ તો હું બેપરવાઈથી પ્રશ્નો સાંભળવા લાગ્યો, પણ પરીક્ષકનું પ્રેમભર્યું વર્તન ભાળીને લજ્જિત બની મેં સીધા ઉત્તર દેવા માંડ્યા. ચાર પ્રશ્નોમાં ચાલીસ દોકડા મળી ગયા એટલે બંદાએ તો કહી દીધું કે પાંચમાનો જવાબ નથી આવડતો. મી. હીગીન્સે મને પાંચ મીનીટ વિચાર કરવાની દીધી, તો પણ મેં એજ જવાબ દીધો ત્યારે એણે મને પ્રેમભર્યા શબ્દમાં કહ્યું કે 'હું તને બે મીનીટ વધુ આપું છું યત્ન કરીને ઉત્તર દે. અરધા દોકડા જરૂર આપીશ. મને નિરાશ ન કર' એજ સમયે મને ઉત્તર યાદ આવ્યો, પાંચ દોકડા વધુ મળી ગયા.

પરીક્ષા દઈને હું બહાર આવ્યો. પરીક્ષાની કતલમાં ઘાયલ થયેલા અનેક ઉમેદવારો મારે ઉતારે એકઠા થયા. લાલા લાજપતરાયજી પણ એ જ વર્ષે પરીક્ષામાં બેઠેલા. અમે સહુએ સંપીને કાનૂની પ્રોફેસર કાર સ્ટીવન્સન સાહેબના મકાને ગયા. અને સહુની વતી મેં વિનંતિપત્ર રજૂ કર્યું. સાહેબે મને એકલાને જુદો લઈ જઈ સંભળાવ્યું કે 'મારા વિષયમાં તને સહુથી વધુ દોકડા મળ્યા છે, એટલે તું એકલો જ જે અરજી કરીશ તો હું સિફારસ કરીશ, બાકી બધાની સાથે રહીશ તો તારૂં કોઈ નથી સાંભળવાનું.”

લાંચીઓ લાર્પેન્ટ

ચુપચાપ હું પાછો ફર્યો અને અલાયદી અરજી કરવામાં આખા સમૂહનું અપમાન સમજી શાંત બેસી ગયો. પરંતુ મને એક અજાયબી માલૂમ પડી : મારી સાથેના તદ્દન નિરાશ થઈને પાછા ફરેલા અમુક સાથીઓના હૃદયમાં પાંચ સાત દિવસ વીત્યે પાસ થવાની આશા કયાંથી બંધાવા લાગી ! અરે એમાંના અમુક તો પાસ થઈને વકીલ સાહેબો પણ બની બેઠા. આનું રહસ્ય તુરત જ ખુલ્લું થયું. જાલંધર પહોંચતાં જ મને જણાયું કે પંજાબ યુનીવર્સિટિના નવા રજીસ્ટ્રાર મી. લાર્પેન્ટે રૂશવત લઈ પાસ કરવાની દુકાન માંડી દીધી છે. મને સંદેશો મળ્યો કે મારાથી તદ્દન ઉતરતા દોકડાવાળા સાથીએાએ પણ પાંચસો રૂપિયા ચુકાવીને પદવી મેળવી લીધી છે. અને લાર્પેન્ટ સાહેબ મારી પણ રાહ જુવે છે અને મારે માટે તો તેઓશ્રી અઢીસો રૂપિયા પણ બસ માનશે ! રૂશ્વત દેવાનો ઈન્કાર કરીને મેં તો મી. લાર્પેન્ટને લખી પણ નાખ્યું કે 'જાહેર પત્રોમાં તારી પોલ ઉઘાડી પાડીશ.' બીજા એક યુરેઝીઅને પણ જાહેર ભવાડો કરવાનો દમ દેખાડ્યો. પરિણામે અમે રૂશવત ન દેનારા પણ પેલા પાંચસો પાંચસો દેનારાઓની સાથોસાથ પાસ થઈ ગયા. અમારામાંથી એક વીર નીકળી આવ્યો. એનું નામ લાલા ભક્તરામ : જાલંધર આર્યસમાજના એ ઉપપ્રધાન : પેલા દેશભક્તિ પરીક્ષકની છૂરીએ એને પણ ઘાયણ કરેલા. લાર્પેન્ટ સાહેબે એની પાસેથી રૂપિયા અઢીસો ની રૂશ્વત માગી. એક સ્નેહીએ રૂપિયા લાવીને હાજર પણ કર્યા. પરંતુ એ રીતે પાસ થવાનું વીર ભક્તિરામે હરામ માન્યું. એલ. એલ. ની પદવી લોકોમાં જગબત્રીસીએ ચડી ગઈ, 'લાઈસેન્શીએટ ઈન લો ' ને બદલે લોકોએ એને ' લાર્પેન્શીઅન લૉયર' એવો અર્થ બેસાડી દીધો !

પરંતુ લાર્પેન્ટ–લીલા એટલેથી જ સમાપ્ત નહોતી થઈ ગઈ. બીજે જ વર્ષે મેં વકીલની પરીક્ષા દીધી. મહિનાઓ સુધી એનું પરિણામ બહાર ન પડ્યું. કારણ કે ગયા વર્ષના એ નવશિક્ષિત લાર્પેન્ટ સાહેબે આ વર્ષ તો અનુભવમાં આરપાર બની બે હાથે છચોક રૂશવત લેવી શરૂ કરી દીધી. પાસ થવાનું મૂલ્ય રૂ. ૧પ૦૦ ખુલ્લેખુલ્લું બોલાતું હતું. સાહેબ બહાદુરે દલાલો પણ રોકી દીધા હતા. ૨૦૦ એ દલાલના અને ૧૩૦૦ સાહેબના. કોઈ કોઈ અક્કલના ઓથમીર તો એવા નીકળ્યા કે પાસ થવાથી જ સંતોષ ન પકડતાં પહેલા બીજા આવવા માટે પ૦૦ અને ૨૫૦ દીધા. એટલું જ નહિ પણ જે પાસ થયા હતા તેઓને ઘેરે પહોંચીને પણ સાહેબના દૂતે કોથળીઓ ખાલી કરાવી. મને પણ હું પાસ હોવા છતાં ૧૦૦૦ ચુકવ્યા વગર પ્રમાણપત્ર ન મળવાની ચેતવણી પહોંચી. આ પાપનો ઘડો ફોડવાના આવેશ સાથે હું લાહોર પહોંચ્યો. પણ તે પહેલાં તો લાલા ચુડામણિએ વાઈસ ચેન્સેલરની પાસે જઈ શોર મચાવી દીધો. વાઇસ ચેન્સેલરે એ જ વખતે પરિણામની ફાઈલ તપાસી. યુનીવર્સિટિએ એક ચુડામણિ સિવાય તમામને નાપાસ કર્યા. હું પણ બળવાની અંદરના નિરપરાધી બાળકની માફક એ ગોળીનો શિકાર બન્યો. લાર્પેન્ટ પર આરોપ મૂકાયો. સાક્ષી પૂરાવા શરૂ થયા. કેટલાક રૂશવત દેનારા પહોંચ્યા અને તેઓ સાહેબને ડરાવી પોતાના તેરસો તેરસો રૂપીઆ પાછા પડાવી આવ્યા. બાકીનું દ્રવ્ય સાહેબે મુકદમો લડવામાં અને ઉત્તરાવસ્થા સુખમાં ગુજારવામાં યોજ્યું, એને કંઈક શિક્ષા પણ મળી. પરંતુ એના પાપના ભોગ તો મારા જેવા અનેક વિદ્યાર્થીએાને જ થવું પડ્યું. મારી નિષ્ફળતા તો મને વકીલાત પરથી વાળી લઈ ધાર્મિક આંદોલન તરફ લઈ ગઈ. એટલે એ એક ઈશ્વરી આશીર્વાદ જેવી જ થઈ પડી.