સત્યવીર શ્રદ્ધાનંદ/યૌવનના ફાંસલા

વિકિસ્રોતમાંથી
←  યૌવનના તડકા-છાંયા બે દેશ દીપક
યૌવનના ફાંસલા
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
પાપનું પરિબળ →




યૌવનના ફાંસલા


વિદ્યાર્થી-અવસ્થા દરમિયાન મારા જીવનમાં એક પછી એક અપલક્ષણનો પગપેસારો થતો ચાલ્યો હતેા. રજાના દિવસોમાં ઘોડેસ્વારીની સાથોસાથ શિકારની લત લાગી. દશેરાને દિવસે પિતાજી શસ્ત્ર–પૂજા કરતા તેથી શસ્ત્રોમાં જ મેં ક્ષત્રિયવટ માની લીધી. હું કાંઈ સિંહ, વાઘ અથવા જંગલી સૂવરોનો શિકાર કરીને લોકોનાં ખેતરોની રક્ષા કરતો નહોતો. નિરપરાધી પક્ષીને ગોળી છરાથી વીંધી તિસમારખાંથી કીર્તિને વરી રહ્યા હતો ! બીજી વાત વધુ મલિન છે. પાપનો પ્રત્યક્ષ પ્રવેશ મારામાં થવા લાગ્યો. હું પિતાજીનો પરમ વિશ્વાસુ હોવાથી પૈસાની તો રેલમછેલ હતી. એમાં વિલાસનું નિમંત્રણ મળ્યું. અમારા મકાનની પાસે જ એક બેઠકમાં મુજરો થયો. મુજરામાં વેશ્યા બેઠી બેઠી નાચ્યા વિના ગાય છે. મને નિમંત્રણ મળ્યું. મેં કહ્યું કે પિતાજી નાચતમાશાની વિરૂદ્ધ છે, એટલે એની રજા માગવા હું નહિ જાઉં. મિત્રોએ માર્ગ બતાવ્યો કે પિતાજી પોઢી ગયા પછી ચોરીછુપીથી આવવું, પિતાજી સૂતા. કેસરી જભ્ભો ચડાવીને હું જલસામાં જઈ બેઠો. પ્રથમ લજજા આવી. પછી સંકોચ છૂટી ગયો. સહુની સાથે મેં પણ ચાર કલાકમાં પચાસ પાનપટી ચાવી કાઢી. ત્રણ બજે ચુપકીદીથી આવીને હું સૂઈ ગયો. પ્રભાતે ગળું સૂકાઈને સોઝી ગયું. પસ્તાવો થયો. પણ પ્રાયશ્ચિત્તની હિંમત ચાલી નહિ. મારી અને પિતાજીની વચ્ચેનો આ પહેલો અંતર્પટ હતો.

એક મહેમાને પિતાજીને આશરે આવીને મને હુક્કાની પણ લત લગાડી. પિતાજીની કૃપાનો બદલો વાળ્યો ! પ્રથમ મેં મારો એકલાનો જ હુક્કો વસાવ્યો. પછી તો મિત્રોને માટે પણ માટીના જુદા જુદા હુકકા, દરેકની ઉપર નામ લગાવીને જમાવ્યા. ધીરે ધીરે મારી એારડી હુક્કાનો જ અડ્ડો બની ગઈ ને રોજ સાંજે એમાં દાયરો ભરાવા લાગ્યો.

હું શૂરવીર તો બેશક હતો જ. એક વખત એક મિત્રને ઘેરથી ભોજન લઈ રાતે દશ બજે ઘેર વળતાં એક ગલીમાં કોઈને મારવા માટે એક ગુંડો ચકચકતી છૂરી લઈ ઊભેલો. ભૂલથી એ મારા પર કૂદ્યો. મારી ગરદન પકડીને એણે મારા માથાના ડાબા લમણા પર છૂરી ભોંકી દીધી. મારો હાથ મારી કમરની છૂરી પર ગયો, ને પલકમાં મારી છૂરી એની છાતી પર જોરથી પડી. ગુંડો ભાગ્યો, મારા માથામાંથી લોહીની ધાર ચાલી. ઘેર જઈ, રેશમ બાળી, પાટો બાંધી

હું સૂઈ ગયો.
યોગીરાજ !

પરંતુ આ શૈાર્ય મને કેવા ગુપ્ત પાપ પ્રત્યે ઘસડી જતું હતું ! એક દિવસ હું ગંગાકિનારે ટેલતો ટેલતો આગળ વધતો હતો. ખબર પડી હતી કે ગંગાતીરે એક ઘાટ ફસકી પડ્યો હતો અને એની નીચે એક ગુફા બની ગઈ હતી ત્યાં એક નગ્ન યોગી રહેતો. યોગી એક જ વખત આહાર કરતો ને પ્રથમ જેનું ભોજન પહોંચે તેનો જ સ્વીકાર કરતો. તેથી સેંકડો સ્ત્રીપુરુષો ઉત્તમ વાનીઓ તૈયાર કરી યોગીરાજને જમાડવા દોડતાં એ ઘાટ પર પહોંચતાં જ મને એક ચીસ સંભળાઈ. દોડીને ગુફા પાસે જાઉં ત્યાં મેં શું જોયું ! એક સ્ત્રીનું મસ્તક બહાર દેખાય છે, એના હાથ પકડીને કોઈક જાણે એને ગુફાની અંદરથી ખેંચી રહ્યું છે, ને એ બહાર નીકળવા મથે છે ! દોડીને મેં એના બન્ને હાથ પકડ્યા. ખેંચીને દુશ્મનના પંજામાંથી છોડાવવા મથ્યો. પણ મને લાગ્યું કે અંદરનો પિશાચ ઘણો જોરાવર અને કામાંધ હોવો જોઈએ. અબળાનો શ્વાસ ઘૂંટાતો હતો. મેં દૂરના પહેરગીરને બૂમ પાડી કે 'બિનાસિંહ ! બિનાસિંહ !' બિનાસિંહ ધસી આવ્યો. આવીને એણે મને જોરથી પકડ્યો એટલે મેં એ અબળાને બહાર ખેંચી લીધી.

સોળ વર્ષની એ યુવતી મૂર્છામાં પડી ગઈ. ત્યાં તો એક બીજી આધેડ સ્ત્રી આવી પહોંચી. મેં એ કુલટાને એાળખી. મારા એક ગ્રેજયુએટ મિત્રની એ ભોજાઈ હતી; અને મેં બચાવેલી અબળા એ ગ્રેજયુએટની પત્ની હતી. હું નામ નથી આપતો. મને પાછળથી પતો લાગ્યો કે પતિરાજ વકીલાતની પરીક્ષાને માટે તૈયારી કરવામાં મશગૂલ હતા અને આ ભોજાઈ પોતાના દિયરને પુત્રપ્રાપ્તિ કરાવવાની ઉમેદથી કાળા બપોરે મીઠાઈના થાળ સાથે પોતાની ભોળી દેરાણીને યોગીરાજ પાસે મોકલી પોતે બહાર ઊભી હતી ! યુવતીનાં વસ્ત્રો ચીરાઈને ઊડી ગયાં હતાં, અંગે ઉઝરડામાંથી લોહી ટપકતું હતું, ને એ થરથરતી હતી. મેં બનાત ઓઢી હતી તે વતી એ અબળાનો દેહ ઢાંકી હું એને ઘેર પહોંચાડી આવ્યો. એ નગ્ન પિશાચ પર લોકોના જૂતા વરસ્યા. નાક ધરતી પર ઘસીને એણે કરગરી ફરીવાર કાશીમાં પગ ન મૂકવાની પ્રતિજ્ઞા લીધી. લોકોએ એને છોડી મૂક્યો. પરંતુ હિન્દુ સમાજની અંધશ્રદ્ધા પર કેટલાં અાંસુ વહાવું ! ઈ. સ. ૧૮૮૧માં એજ નરપિશાચ ગંગાના ઘાટને રસ્તે બેઠેલો, અને સ્ત્રીપુરુષો એની ગુહ્ય ઈન્દ્રિય પર પુષ્પ ને પાણી ચડાવી રહ્યાં હતાં ! મેં જમાદારને પૂછયું કે 'આ શું ?' જવાબ મળ્યો 'અરે ભાઈ, શું કરવું ! ધરમની વાત ઠરી ખરી ને !'

પ્રિયા ! કે ધર્મભગિની !

પરંતુ મારૂં પતન ક્યાં ઉતરે તેવું હતું ! એક અબળાને ઉગારવાનું વીરત્વ તો આત્માને ઊંચે લઈ જનારૂં લેખાય. પરંતુ મારી નાસ્તિકતાએ અને જૂની અંગ્રેજી નવલકથાઓમાં વર્ણવાયેલ વિચિત્ર આચાર-નિયમોએ મારા મનની ગતિ ક્યારની યે પલટી નાખી હતી. પાશ્ચાત્ય પ્રેમશૌર્યના આદર્શને વશ બની મેં મને એક પીડાતી રમણીનો વીરરક્ષક (Knight-errant) માની લીધો. મનમાં ને મનમાં એ અબળાને હું મારી પ્રિયા (Lady-Love) અને મને પોતાને એનો સદાનો રક્ષક (Champion) કલ્પવા લાગ્યો. એ જ અરસામાં મારા મામાએ મને મદ્યપાનનો અભ્યાસ પણ મંડાવી દીધો. એટલે મેં મદ્યપ-વીર (Drinking kinght-errant)નું સ્વરૂપ ધારણ કર્યું. જો મને આપણા પ્રાચીન ઇતિહાસ પર શ્રદ્ધા રહી હોત તો હું એ પીડિત સ્ત્રીજાતિનો રક્ષાબંધુ બનીને એની રક્ષાનું વ્રત લેત અને રામાયણની જે જાનકી ઉપર મેં વારંવાર પવિત્ર અશ્રુધારા વહાવી હતી તે જાનકી મૈયાનાં જ આ અબળામાં દર્શન કરી હું એનો લક્ષમણજતિ બનત. પરંતુ એ વખતે તો હું આપણી સંસ્કૃતિને જંગલી અને આપણા સાહિત્યને મૂર્ખાઈનો ભંડાર સમજી બેઠો હતો !

અધઃપાતને એ માર્ગે હું બીજી વાર લપસ્યો. બે ત્રણ જ દિવસ પછી વિજયાદશમીનું તીર્થસ્નાન હતું. ચાર ઘડી રાત રહી હતી. હું મારાં ધોતી ઉપરણું બગલમાં મારી ગંગામૈયા પર જવા નીકળ્યો. બેક કદમ તો નહિ ભર્યા હોય ત્યાં એક તરૂણ અબળાને ગભરાટભરી, સ્ત્રીઓની ભીડમાંથી મારી તરફ દોડતી આવી દીઠી, એને એકલી અસહાય દેખીને એક દુષ્ટ મર્દે એના અંગ ઉપર હાથ નાખ્યો. આ દૃશ્ય મારાથી ન જોવાયું. દોડીને જોરથી એ અસૂરના મેાં પર મેં થપ્પડ ધરી દીધી, અને ગોથું ખાતો ખાતો એ કામાંધ દિવાલની ઓથ મળવાથી જ પટકાતા રહી ગયો. એ ગભરાયેલી અબળાને હું મારા મકાન પર લઈ આવ્યો અને મેં એને પૂછ્યું કે 'કેાને શોધો છો ?' ઉત્તર મળ્યો કે 'મારા પતિદેવથી વિખુટી પડી ગઈ છું.' મારા ઘરને આશરે એને મૂકીને હું એના સ્વામીની શોધમાં ગંગાકિનારે ચાલ્યો. એ પણ બહાવરો બની પોતાની સ્ત્રીને શોધતો હતો. મે એને સાંત્વન દીધું અને નહાઈ ધોઈ એને મારે ઘેર લઈ આવ્યો. પતિપત્નીનો એ મેળાપ કરાવી આપવાથી મારા અંતરમાં ઊંડો હર્ષ ઊછળવા લાગ્યો હતો. મારો નોકર ગામ ગયેલો તેથી એ અબળાએ જ રસોઈ કરી ને અમે જમ્યાં. બપોરે તે દંપતીને ઉપરના માળ પર ઉતારો આપી હું બહાર ચાલ્યો. એ અબળાનો સ્વામી પણ દશેરા જોવા નીકળી પડ્યો. સાંજે છ બજે હું ઘેર પાછો આવ્યો અને એ સમયે હું પ્રલોભનમાં ફસાઈ ગયો. હાય ! કૈં વર્ષોની કમાણી એક કલાકમાં ડૂબી ગઈ. એ રાતે મેં ખાધું નહિ. આખી રાત વ્યાકૂલ બની રહ્યો. બીજે દિવસ પ્રભાતે પુન: રામાયણનું સ્મરણ થયું. ગંગાસ્નાન પછી મારા મિત્રને ગામ જવા ચાલી નીકળ્યો. ચાર ગાઉને અંતરે આવેલા એ ગામમાં ભૂખ્યો ને તરસ્યો પહોંચ્યો. મિત્રની સમક્ષ મારા પતનની કથની કહી સંભળાવી. બિમાર બંધુ પોતાની બિમારી ભૂલી ગયો ને મને દિલાસો દેવા લાગ્યો. બધી વાત સાંભળીને મને એણે નિર્દોષ ઠરાવ્યો. એ સદાચારી સ્નેહીએ વિવાહ પૂર્વેની પોતાની પતિત હાલત યાદ કરી પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું. બે દિવસ રહીને હું પાછો કાશી આવ્યો ને મારાં કર્મો ધોવાતાં હોય તેવું સૂચવનારી એક ઘટના બની.

પેલી જે અબળાને મેં ગુફામાંથી ઉગારી હતી, તેનો પતિ મારી પાસે આવીને મને કહેવા લાગ્યો કે 'ભાઈ, મારી પત્નીએ તમને જમવાનું નિમંત્રણ મોકલાવ્યું છે.' હું બીજે દિવસ ત્યાં જતા પહેલાં, પ્રભાતે સીતાહરણની કથા ફરીવાર વાંચી, આંસુ વહાવી, હૃદયને નિર્મળ કરી ચૂક્યો હતો. સાથે ફળ લઈ ગએલો. જઈને તુરતજ એ ફળ એ અબળાની સમક્ષ ધરીને કહ્યું 'બહેન રાજરાણી, આ તારે માટે લાવ્યો છું.' રાજરાણીના હૃદય પર આ શબ્દોની કેવી પુનિત અસર થઈ હતી તે એના સ્વામીએ મને પાછળથી કહ્યું હતું. અને એ દેવીના પાવનકારી પ્રેમનું દર્શન મને પણ તુરત જ થઈ ગયું. ભાઈબીજ આવી. પ્રત્યેક ભાઈબીજને દિવસે મારા ભાલમાં ચાંદલો કરનારી, મારે કાંડે રાખડી બાંધનારી અને મારા ખોળામાં મીઠાઈ દેનારી, મારી યજ્ઞોપવિત-ક્રિયા વખતની પેલી ધર્મભગિની તો કાશીમાં નહોતી. મને આજ એ બહેન સાંભરી આવી. ત્યાં તો એકાએક કોઈનો મીઠો, મમતાભર્યો ટંકાર સંભળાયો: 'વીરા ! ભાઈબીજનો ચાંદલો કરવા અાવી છું.' ચમકીને મેં નજર કરી, બહેન રાજરાણીને પોતાની સાસુ સાથે આવેલ દીઠી. નમન કરીને મેં શિર પર ટોપી પહેરી, ગળે દુપટ્ટો વીંટ્યો. બહેને મને ચાંદલો કર્યો, રક્ષાનું વ્રત લેવરાવ્યું અને મીઠાઈ ધરી. બહેનને મેં બે રૂપિયા આપીને વિદાય દીધી. કલુષિત અંતર જાણે કે ધોવાવા લાગ્યું. પ્રાયશ્ચિત્તનાં નીર વહેતાં થયાં. આ વખતથી મેં સ્ત્રીઓનો સમાગમ ત્યજ્યો, માતાજીના પિછાનવાળા પરિવારમાં પણ જવાનું છેાડયું.