સત્યવીર શ્રદ્ધાનંદ/રાજદ્વારે સંન્યાસી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← રાષ્ટ્રીય શિક્ષણનો પિતા બે દેશ દીપક
રાજદ્વારે સંન્યાસી
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
જેલયાત્રા →રાજદ્વારે સંન્યાસી


રંતુ શ્રધ્ધાનંદના તો સંન્યાસની પણ એક અપૂર્વ જ તવારીખ લખાવાનું સરજાયું હતું. ભગવાં વસ્ત્રો માનવ જાતને માટેના રાજપ્રકરણી યુદ્ધમાં પણ સ્વાર્પણનો કેવો રૂડો વાવટો ફરકાવી શકે તેની ખાત્રી આ સંન્યાસીને હાથે દુનિયાને થવી નિર્માયેલી હતી.

પાંચ વર્ષો સુધી એ વૈરાગ્યની સાધનામાં જગતની નિર્જનતાને ખોળે દટાઈ રહ્યા. પાંચ વર્ષ સુધી હિમાચળનાં શિખરો સાથે આ વિશ્વના ભેદોની ગુપ્ત વાત ચલાવી. બ્રહ્મચર્યપાલન અને આચારશુદ્ધિરૂપી સાચા આત્મિક સ્વરાજના સંદેશા વડે ગામેગામ ભરી દીધાં, ધોળપુરના મુસ્લિમ દીવાને એક મંદિરનો ભાગ તોડાવી ત્યાં જાહેર પાયખાનાં કરવાનો ઈરાદો રાખેલ ત્યાં સફળ સત્યાગ્રહ કરી દીવાનની અક્કલ ઠેકાણે આણી, ગઢવાળમાં દુષ્કાળનિવારણનું કામ કર્યું. અને છઠ્ઠા વર્ષની પ્હો ફાટતાં તો રણશીંગાના ધ્વનિ એના કાન પર અથડાયા. અંચળો ખંખેરીને સંન્યાસીએ નિર્જનતાને સલામ કરી. શાંતિનાં પાથરણાં સંકેલી લીધાં, સૃષ્ટિસૌંદર્યનો વૈભવ એને વસમો થઈ પડ્યો, એકાંત આકરી બની, કેમકે પોતાની જન્મભૂમિના દેહ પર એણે રાઉલેટ કાયદા રૂપી ફણીધરને ભરડો લેતો ભાળ્યો.

૧૯૧૯નું એ યાદગાર સંવત્સર : આખા દેશમાં પુણ્યપ્રકોપ ભભૂકી ઊઠ્યો છે, ચાહે તેવા નિરપરાધી પ્રજાજનને પણ, અરધી રાતની સુખભરી નિદ્રામાંથી, વિના વાંકે, કેવળ રાજદ્રોહના સાચા યા બનાવટી શક ઉપરથી જ ઢંઢોળીને સરકારની પોલિસ પલકારાની અંદર બેડીઓ પહેરાવી ઉઠાવી જઈ શકે, અદાલતમાં એના પર આરોપ સાબિત થયા વગર પણ વર્ષોનાં વર્ષો સુધી એને પોલિસ કરાવાસમાં પૂરી રાખી શકે, તેવા એ કાળા કાયદા સામે કરોડો માતાઓ, પત્નીઓ બહેનભાઈઓ અને બાળકોના વિલાપસ્વર સંભળાયા. અને મહાત્મા ગાંધીજીએ એ કાયદા સામે સત્યાગ્રહનો મહાદંડ ઉગામ્યો. એ સત્યાગ્રહની અંદર સંન્યાસીએ પોતાના દેહને રમતો મેલી દીધો. પોતે જ લખી ગયા છે –

'લાંબા કાળથી હું જેલની વાટ જોતો હતો. રૌલટ બિલ વડી ધારાસભામાં રજૂ થયું અને સમસ્ત હિંદમાં હીલચાલ મચી ગઈ. ગુરૂકુલના એક સ્નાતકને આશીર્વાદ આપીને મેં દિલ્હીમાં 'વિજય' નામનું દૈનિક પત્ર શરૂ કરાવ્યું. એમાં ત્રણ મુખ્ય લેખ ક્રમાનુસાર નીકળ્યા. એનું મથાળું હતું 'અમારી છાતી પર પિસ્તોલ.' એ લેખોએ પ્રાંતેપ્રાંતમાં ધૂમ મચાવી. દિલ્હીમાં એની એટલી માંગ વધી કે સાત હજાર પ્રતો છાપવા પછી પણ સેંકડો ઉત્સુક મનુષ્યો નિરાશ બની પાછા ગયા.*[૧] ઉર્દુ રાણીના પાટનગર દિલ્હીમાં હિન્દી દૈનિકની આટલી ખપત ! દરેક આર્ય નારીને 'વિજય' એટલું વહાલું હતું કે, રાયબહાદુરની પત્નીઓ પણ પતિ 'વિજય'નો તાજો અંક હાથમાં લઈને ઘેર ન આવે તો ઘરમાં પગ મૂકવા ન દેતી.

'આંદોલન તો પ્રચંડ બન્યું. એ જ સમયે મહાત્મા ગાંધીજીએ સત્યાગ્રહની ઘોષણા કરી, હું એ આંદોલનમાં કઈ રીતે શામિલ થયો એની કથા કેટલીયે વાર બહાર આવી ગઈ છે. મારા પરમ મિત્ર સ્વ. ગોપાલકૃષ્ણ ગોખલેના મુખ્ય શિષ્ય મિસ્ટર શ્રીનિવાસ શાસ્ત્રી (મિસ્ટર અને શાસ્ત્રી એ બેનો મેળ મળતો નથી પણ એમને તો એ જ મંજૂર છે.) ને હું પં. માલવિયાજીની પ્રેરણાથી મળવા ગયો. મારા


  1. * આજે આપણને સાત હજાર પ્રત તો મામૂલી લાગે છે.

મળવાનો ઉદ્દેશ એ હતો કે રાઉલેટ-ખરડાને મંજૂર કરાવવા નોકરશાહી ખડે પગે તત્પર થઈ રહી છે, અને હિન્દી સભાસદો પોતાની નારાજી બતાવવા એ સભામાંથી ઊઠી જાય તો શાસ્ત્રીજીએ પણ એમની સાથે ઊઠી જવું. મેં શાસ્ત્રીજી સાથે આ ચર્ચા ઉપાડી અને એમણે મને કહી દીધું કે પોતે તો ગાંધીજીની જાહેરાતની વિરૂદ્ધ કલમ ઉપાડનાર છે. મેં કહ્યું કે જો પોતે ગાંધીજીના અભિપ્રાય કે કૃત્યો માટે જવાબદાર નથી તો નાહક કુહાડીના હાથા બનવાથી શો લાભ છે ? એ કશું જ કાને ન ધરતાં જ્યારે એમણે કહ્યું કે 'વિરૂદ્ધ અવાજ ઊઠાવવો એ મારી ફરજ છે' ત્યારે મેં જવાબ દીધો કે 'તો પછી સત્યાગ્રહની પ્રતિજ્ઞા પર સહી કરવાની મારી પણ ફરજ છે.' એ રીતે મારે માટે સત્યાગ્રહના પ્રતિજ્ઞાપત્ર પર સહી મૂકવાનું આવશ્યક બન્યું.'

શાસ્ત્રીજીને મળીને પાછાં વળતાં તુરત એમણે ગાંધીજીને તાર કર્યો, ત્રીજે જ દિવસે ગાંધીજી દિલ્હી આવ્યા, એટલે સ્વામીજીએ તા. ૫ કે ૬ માર્ચ ૧૯૧૯ ના રોજ પહેલી જ વાર રાજનૈતિક આંદોલનમાં ભાગ લેવાની જાહેરાત કરી. પંદર દિવસ ગાંધીજી સાથે મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદ વગેરે ઠેકાણે ઘૂમીને પાછા દિલ્હી આવ્યા. અને એમના હાથમાં એક સરકારનો ખાનગી પત્રવ્યવહાર આવ્યો. એ હતો તે વખતના વાઈસરોય લોર્ડ ચેમ્સફર્ડનો, હિન્દી વજીર મિ. મોન્ટેગુ પર સાંકેતિક ભાષામાં ગયેલો તાર. એમાં લખ્યું હતું:– 'આંદોલન સખત ચાલી રહ્યું છે, મહાત્મા મુન્શીરામ, કે જેમણે સ્વામી શ્રદ્ધાનંદ એવું નામ ધારણ કર્યું છે, તેણે ગાંધી સાથે સહકાર કર્યો છે. ઘણા ય કાળથી એ પ્રસિદ્ધ ધાર્મિક નેતા રહ્યા, અને સામાજીક સુધારામાં પણ એણે બહુ ખ્યાતિ મેળવી છે. હવે જણાય છે કે એને રાજકીય આંદોલનમાં પણ મશહુર બનવું છે. જોવું છે કે એનામાં સહન કરવાનું કેટલું પરાક્રમ છે. એનો મેાટો છોકરો થેાડો સમય બ્યુનોએરીસ નગર (દક્ષિણ અમેરિકાના એક પ્રજાતંત્રની રાજધાની)માં પ્રસિદ્ધ વિપ્લવકાર …….…….નો મહેમાન પણ બની આવ્યો છે. ને એનો નાને દીકરો દિલ્હીમાં સરકાર વિરોધી ઉગ્ર હિન્દી દૈનિક ચલાવે છે. જોઈએ શું બને છે !'

દિલ્હીશ્વર !

ઈસ્વીસન ૧૯૧૯ ના માર્ચ મહિનાની એ ૩૦મી તારીખ હતી : અને દિલ્હી નગરી પર તે દિવસે સંન્યાસીનાં રાજ ચાલતાં હતાં. અસંખ્ય રાજમુગટોને ધૂળમાં રોળી નાખી રાજકુળોનું વિશાળ સ્મશાન સર્જનાર એ દિલ્હી નગરીએ, તે દિવસ એક નિઃશસ્ત્ર અને એકાકી વૈરાગીની ઇશ્વરી આણ કબૂલી હતી, એની આંગળીના ટેરવા ઉપર હિન્દુ કે મુસલમાન પ્રજાનાં લાખો માનવીઓ મરવા ય મારવા તલપતાં ઊભાં હતાં. અંગ્રેજ સલ્તનત પોતાની પાટનગરીના પાયા ડોલતા દેખતી હતી. અને તે દિવસે રાજસત્તાએ પોતાના વિપુલ લશ્કરને કિલ્લામાંથી બહાર કાઢી દિલ્હી નગરને ચૌટે ચૌટે અને માર્ગે માર્ગે મશીનગનો, ભરેલી બંદૂકો અને દારૂગોળાના રેંકડા ગોઠવી દીધા હતા. એક જ ઇસારો થતાં લોકોના દેહમાં પરોવાઈ જાય તેવા કાતિલ સંગીનો કતલના હુકમની રાહ જોતાં, અનેક કાળા ગોરા સૈનિકોના હાથમાં તત્પર બની ચમકતાં હતાં. ઈંદ્રપ્રસ્થ ઊથલી જવાના ભયની એ ભયાનક તિથિ હતી.

તે તિથિએ દિલ્હીનો એ બિનતાજ બાદશાહ, સંન્યાસી શ્રદ્ધાનંદ, બોડે માથે, ઉઘાડે પગે અને ભગવો અંચળો ફરકાવતો, પોતાના દિશાગજવતા બુલંદ અવાજે મૂંગા સમર્પણના મંત્રો છેડતો, લાખો માનવીઓની વચ્ચે માચડા ઉપર શોભે છે. સરકારી અન્યાયના જખમ વાગતાં ઘવાઈને અર્ધ પશુ જેવી સ્થિતિમાં આવી પડેલી એ પ્રજાને સંન્યાસી 'અહિંસા'નો આદેશ સંભળાવી ઉચ્ચ બલિદાનની મનોદશા પર ચડાવતા ઊભા છે. રાજસત્તાની મનાઈના સીમાડા લોપતો એ માનવ-સાગર જાણે કે પોતાને મોખરે કોઈ જળદેવતાના હુકમો સાંભળીને ઊમટતો હોય તેમ આજે પાયતખ્ત હસ્તિનાપૂરને બોળી દેવા હલક્યો છે. મોખરે રૂદ્રરૂપી શ્રદ્ધાનંદ : અને પાછળ દરિયાનાં મોજ સમી છલકાતી માનવ-સેના : એક જ આત્માનો લાખો જીવાત્મા પર લાગી ગયેલો ધર્મઅંકુશ : અને એ મહિમાવંત સવારી ચાલી જાય છે. આવી તો કોઈ પાદશાહની પણ સવારી ઇંદ્રપ્રસ્થને ટીંબે કદી નહિ નીકળી હોય. એ હતું મશીનગનના ભોગ બનેલાઓનું શોક સરઘસ. અચાનક એક સરકારી સૈન્ય આવીને આ સંન્યાસી- સમ્રાટનો રસ્તો રૂંધે છે. બે બંદૂકોની નળીઓ એ ધર્મસેનાની સામે લાંબી થાય છે. સંગીનો વીંધી નાખવા માટે આગળ વધે છે અને સરકારનો સેનાપતિ લાલઘૂમ ચહેરે, ખુન્નસભર્યા નેત્રે હાકલ કરે છે કે 'પાછા ફરો નહિ તો ઠાર થશો !'

સંન્યાસી વીરે પોતાની સેનાને શાંતિપૂર્વક આદેશ દીધો કે 'પરવા નહિ; ચુપચાપ આગળ વધો.'

સરકારી ફોજના જીવલેણ આદેશની સામે આવો હુકમ આપનાર બેમાથાળો માનવી શું જીવતો આગળ કદમ ભરી શકે ? અગીઆર ગુરખા સૈનિકોનાં નાગાં સંગીનો આગળ થયાં અને આગળ ડગલું માંડતા એ પહાડ સરખાં પુરુષસિંહની છાતી સામે, કાળની લસલસતી જીભો હોય તેવાં એ સંગીનો ચકચકવા લાગ્યાં.

સંન્યાસીનો એક જ શબ્દ-અને દિલ્હીના ચાંદની ચોકમાં તે દિવસે લોહીની નદીઓ વહી હોત. પોતાના સરદારની અાંખના પલકારા ઉપર પણ મીટ માંડી રહેલી લાખો અાંખોમાંથી તે દિવસ એક જ દૃષ્ટિપાતનો તણખો પડતાં એક દાવાનળ ફાટી નીકળત. પણ સંન્યાસીએ શાંતિ ગુમાવી નહિ. પોતાની સામે જાણે કે ફૂલોની બિછાત પથરાઇ હોય, તેમ માનીને એણે આગળ કદમ મૂક્યો.

ગુરખાનાં કાતિલ સંગીનો પોતાનું ધૈર્ય ગુમાવી બેઠાં. સંગીનો હુલાવવા ગુરખાઓ એ સત્તાના શત્રુ સામે ધસ્યા. મૃત્યુને અને શ્રદ્ધાનંદને લગીરે અંતર રહ્યું નહિ. અને સંન્યાસીએ પોતાના અંગ પરથી ભગવું ઓઢણ ખસેડી એ સંગીનોની પ્યાસ છીપાવવા માટે પોતાની લોહીછલકતી પહોળી છાતી પાથરીને પડકાર્યું કે 'આવો ! આ પ્રજાની ઉપર ગોળીબાર કરતા પહેલાં તો મને જ સુખેથી વીંધી નાખો !'

મૃત્યુને આટલા પ્યારથી ભેટવા તલસતા મહાવીરને સિપાહીએાએ આજે પહેલી જ વાર જોયો. જોતાંની વાર જ તેઓના અંતરમાં જાગૃત થયેલી પાશવતા સ્તબ્ધ બની ગઈ. સંગીનો ઝાંખાં પડીને હાથમાં ને હાથમાં થંભી ગયાં. હજારો કંઠમાંથી ગગનભેદી ધ્વનિ ગાજયો કે 'શ્રદ્ધાનંદની જય !' અને જાણે કશું જ બન્યું ન હોય એવી આત્મશાંતિથી ડગ ભરતા એ મૃત્યુંજય પોતાની પ્રજા-સેનાની સાથે પોતાને પંથે આગળ વધ્યા.

પછી દેશમાં રમખાણો થયાં. લશ્કરી રાજ્યવહીવટે પંજાબમાં કેર વર્તાવ્યો અને જલીઆંવાલા બાગની કતલ ચાલી. મહાત્માજીએ સત્યાગ્રહ સંકેલી લીધો. અને સંન્યાસી ફરી વાર પાછા થોડી ઘડી અદૃશ્ય થાય છે. અને ક્યાં જાય છે ? પંજાબને ગામડે ગામડે: લશ્કરી અમલના સિતમોની કથનીઓ એકઠી કરવા : એકઠી કરીને મહાસભા સમિતિના હાથમાં હેરત પમાડનારા પૂરાવાઓ ધરવા : અને એ ઓડવાયરશાહીના સળગતા અંગારામાંથી અણદાઝ્યું બહાર આવીને ફરી પાછું એ પહાડી સ્વરૂપ અમૃતસરની મહાસભાના અવસર પર આખા દેશને પોતાની છાયા આપતું ઊભેલું જોવાય છે.

અમૃતસરની યજ્ઞવેદી ઉપર

અમૃતસરની એ મહાસભા શ્રદ્ધાનંદ ન હોત તો ભરાત જ નહિ. એક તરફથી એ ૧૯૧૯ના અભાગી વર્ષની કાપાકાપીની તપાસ અર્થે વિલાયતથી હંટર કમિટિ આવી હતી. તેની સમક્ષ જુબાનીઓ આપવા તેમ જ મહાસભા તરફથી પણ એ હત્યાકાંડનો અહેવાલ તૈયાર કરવા માટે મહાત્માજી, માલવિયાજી વગેરે રોકાઈ ગયા. અમૃતસરના અધિવેશન માટે તૈયારી ઉઠાવનાર કોઈ નર પંજાબમાં રહ્યો નહિ, અને બીજી બાજુ જો અધિવેશન ભરાય તો ગુરખા અને ગેારા સૈનિકો તરફથી છેડતી થતાં જ પ્રજામાં ફરીવાર બળવો ફાટવાની દહેશત હતી. માલવિયાજી કહે કે 'શ્રદ્ધાનંદજી, રહેવા દો.' પરંતુ યુગદૃષ્ટાની આંખે એ સંન્યાસીએ નિહાળી લીધું કે જો આ અધિવેશન અમૃતસરમાં જ-અને તે પણ ડીસેમ્બરના છેલ્લા સપ્તાહમાં જ ભરાશે, તો જ બચાવ થશે. નહિ તો આવતા અર્ધા સૈકા સુધીને માટે રાજદ્વારી અાંદોલનનો અસ્ત થઈ જશે.

એણે માલવિયાજીની સાથે માથાં પછાડી આખરે પોતાનું ધાર્યું કબૂલ કરાવ્યું. આવા સમારંભના અનુભવ વિના પણ સાત્કાર–પ્રમુખની જુમ્મેદારી લીધી. દોડ્યા પંજાબના નવા ગવર્નર પાસે. ઓળખાણ હતી તેના બદલામાં માગી લીધું કે લશ્કર અને પોલિસનો દમામ દેખાડતા નહિ.' ગવર્નરનું કલેજું ફફડતું હતું. એણે પૂછ્યું કે 'દેશને ખૂણેખૂણેથી પંદર હજાર પ્રજાજનો એકઠાં થઈ જલીઅાંવાલા બાગની શોણિતભીની જગ્યા પર ઊભાં રહેશે ત્યારે તેઓ ઉશ્કેરાઈને શું નહિ કરે ?' સંન્યાસીએ કોલ આપ્યો કે 'હું એને શાંત રાખીશ.' અને ગવર્નરે મંજૂરી આપી.

પરંતુ મદ્રાસ, કલકત્તા અને મુંબાઈના હજારો પ્રતિનિધિઓને ઉત્તર હિન્દની કાતિલ ઠંડીમાંથી રક્ષિત રાખવા માટે અમૃતસરમાં પાકી ઈમારતો કોઈ આપતું નથી. તંબૂમાં રાખવાથી તેઓ ટાઢ સહન કરી શકે તેમ નથી. પાકાં મકાનોના માલેકો, લશ્કરી દોરના ભોગ થઈ પડેલા રાજદ્વારી અતિથિઓને ઉતારો આપી સરકારની ખફગી વહોરવા માગતા નથી. શ્રદ્ધાનંદ મુંઝાઈને બેઠા છે.

એમાં બીજો અકસ્માત બન્યો. અધિવેશન પહેલાં એક જ પખવાડીએ મહાસભાનો મંડપ ઊભો થવા લાગ્યો. અને એક જ અઠવાડિયું કામ ચાલ્યા પછી ધોધમાર વરસાદ મંડાયો. ત્રણ વાર એ મંડપ માટે ખોદેલ ખાડો પાણીથી ભરાઈ ગયો. અને ત્રણ વાર સંચાથી પાણી ઉલેચ્યું. પરંતુ જે દિવસે એ મંડપ છેવટને માટે ખડો કર્યો, ને બીજી બાજુ પ્રતિનિધિઓની બાર સ્પેશ્યલ ગાડીઓ જે દિવસ આવીને ઊભી રહેવાની હતી, તે દિવસ છેલ્લા ૪૦ વર્ષથી નહોતો દીઠો એવો ભારી વરસાદ અમૃતસરમાં તૂટી પડ્યો. પંજાબ અને સંયુક્ત પ્રાંતના પ્રતિનિધિઓ કે જેઓને તંબૂમાં ઉતાર્યા હતા, તેઓ પોતાના તમામ સામાન સાથે ઘૂંટણ ઘૂંટણ સુધી પાણીમાં દિગ્મૂઢ બનીને ઊભા છે. અને કેડ કેડ સમાણાં પાણીમાં રખડતા શ્રધ્ધાનંદજી શમીઆણાને ઊભો કરવા મથે છે. શહેરમાં ઉતારા શોધવાને માટે એણે મોટર મગાવી, અને એની તપશ્ચર્યાને પ્રભાવે ત્રણ મોટાં મકાનો, તંબૂઓમાં પલળતા મહેમાનોને માટે તો પૂરતાં મળી ગયાં. પરંતુ સ્પેશ્યલો તો આવવા લાગી, ને હાથમાં હતાં તે તમામ મકાનો ખૂટી ગયાં. બીજી બાજુથી અવાજ પડયો કે 'હજુ આવે છે!' મહેમાનો હજુ ચાલ્યા જ આવે છે અને વરસાદ ધોધમાર વરસે છે. સ્ટેશનમાં ભરચક મેદની ખદબદે છે. પણ સંન્યાસી આકાશે નજર નાંખીને પ્રભુને પૂછે છે કે 'હવે હું કયાં શમાવું ?'

અને અંતરિક્ષે ઉત્તર દીધો. સંન્યાસી મોટર દોડાવતા મકાનો શોધે છે, તે વખતે પાછળથી શોર સંભળાયો : 'સ્વામીજી ! સ્વાસીજી ! સ્વામીજી!'

સ્વામીજીએ મોટર થંભાવી. જોયું તો વૃષ્ટિમાં ભીંજાતો એક માણસ દોડ્યો આવે છે. આવીને કહે છે કે 'અરે સ્વામીજી! મારી વાત કોઈ સાંભળતું નથી. હવે આપ સાંભળો તો ખરા !'

'શું છે ભાઈ ! બોલ જલદી.'

'હું મારા ઘરમાં પચાસ મહેમાનોને ઉતારવા તૈયાર છું. બીજા અનેક મિત્રો એ જ રીતે પોતાના ઘર દીઠ પચીસ પચીસ પરોણાઓને વહેંચી લેવા તૈયાર છે, ને છતાં તમે શા માટે મુંઝાઓ છો ? અમારે ઘેર મોકલાવો ! અમારું બોલ્યું કોઈ સાંભળતું કેમ નથી !”

પ્રેમ અને કરૂણાના એ દેવદૂતને દેખી સ્વામીજીનું હૃદય ગદ્ગદિત બની ગયું. એણે કહ્યું કે “રંગ રાખ્યો ભાઈ ! તમે બધા 'હૉલ ગેટ' પાસે જઈને ખડા થાઓ, અને તમારે પ્રત્યેકને આંગણે પરોણાઓને લઈ જાઓ.'

પરિણામે રાતના બે વાગતામાં તે એક પણ અતિથિ રઝળતો ન રહ્યો. નગરજનોએ તમામને પોતાના ઘરેઘરમાં શમાવી લીધા. સંન્યાસીનો જયજયકાર બોલ્યો. અને એ અધિવેશનની વેદી પરથી સ્વામીજીએ ઉચ્ચારેલી સ્વાગતવાણીમાં માનવ-સેવાનું સંગીત ગાજી ઊઠ્યું. એ રીતે રાજપ્રકરણ અને સંન્યાસ વચ્ચે દોરાયેલી રેખાને ભૂંસી નાખી, એક સંન્યાસી તરીકે રાજકારણમાં ઝંપલાવવાની પહેલ કરનાર પણ સ્વામીજી જ હતા.

હિમાચળના એકાદ કોઈ છૂટા પડી ગયેલા શિખર સરખા એ સ્વામીજીને ત્યાર પછી આપણે આખા હિન્દમાં ઘૂમી જલીઆંવાલા બાગને માટે તેમ જ દિલ્હીના શહીદોના સ્મારક માટે દ્રવ્ય ઊઘરાવતા દેખ્યા. રાજદ્વારી લડાઈની વારેવારે ફરતી જતી વ્યૂહરચનામાં હાજર ને હાજર ઊભા રહી, સંન્યાસીને શોભે તેવી રીતે સ્પષ્ટવક્તૃતા વાપરતા અને મહાત્માજીને એમની ભૂલો બતાવતા એને આપણે દેખ્યા. ૧૯૨૧માં ગાંધીજીની રીતિઓ સાથે મતભેદ પોકારતા દેખ્યા. અંત્યજ ઉદ્ધારની ચળવળમાં ઝંપલાવતા દેખ્યા. મહાસભાની અંદર હિન્દુ–મુસ્લિમો વચ્ચેની ઉપરછલી મેહબ્બતની અંદર ઝીણી ઝીણી ચીરાડ જોતા દેખ્યા. અને આખરે મલબારમાં મેાપલાએાનાં દારૂણ અત્યાચાર પર એની ફાટેલી આંખ ને ચડેલાં ભવાં દેખ્યાં.

૧૯૨૧નો ડીસેમ્બર આવી પહોંચ્યો. અમદાવાદ મહાસભાનો મહાસાગર ઘૂઘવી ઊઠ્યો. પરંતુ સ્વામીજીના વક્ષઃસ્થળમાં તો એ અધિવેશનનું એક તીર આરપાર પરોવાઈ ગયું. અને તે હતું મોપલા પ્રકરણ સંબંધેનું; મોપલાઓના પૈશાચી વર્તાવ પર તિરસ્કારનો એક ઠરાવ આવ્યો અને મુસલમાનો ભભૂકી ઊઠ્યા. ધીરે ધીરે એ ઠરાવ પર સુધારાઓ આવતાં આવતાં ફક્ત “જેટલા મોપલાઓએ બલાત્કારે વટાળ તથા દુરાચાર કર્યો હોય તેટલાને જ માટે.” તિરસ્કાર દાખવવાનો પ્રસ્તાવ ઘડાયો - અને તેની સામે પણ મુસલમાનોએ રોષ દેખાડ્યો. છતાં આખરે મુસ્લિમ અભિપ્રાય જ ફાવ્યો અને ઠરાવ સદંતર ઊડી ગયો. ત્યારથી સ્વામીએ ફાટે નેત્રે નિરખી લીધું કે વાયરા કઈ દિશામાં વાય છે!

૧૨ : ૩: રર ના રોજ, જે વખતે સત્યાગ્રહ સંબંધેનો એમનો સુધારો મહાત્માજીએ પાછો ખેંચાવી લીધો, તે વખતે પોતે મહાસભાનું સક્રિય કામ છોડી દઈ કુરૂક્ષેત્રમાં બેસી સાહિત્ય-પ્રવૃત્તિઓ આરંભી : પોતે સતત માનતા હતા કે 'તદ્દન અહિંસાત્મક સવિનયભંગ માટે દેશ સમસ્તનું વાતાવરણ કદી તૈયાર થવાનું જ નથી. માટે સત્યાગ્રહ મંડાયા પછી મહાસભા સિવાયના બહારના લોકો રમખાણો કરે, તો તેથી સત્યાગ્રહ અટકાવવાની જવાબદારી આપણી છે જ નહિ' એથી વારંવાર સત્યાગ્રહ મુલતવી રાખવાની મહાત્મા ગાંધીજીની વિચારણા તેમને મંજૂર નહોતી.

છૂટા થયા છતાં યે મહાસભાને માટે સ્વામીજીનું અંતર સદા બળતું જ રહ્યું, દેવદાસ અને જવાહિરલાલ જ્યારે સજા પામી કેદમાં સીધાવ્યા, ત્યારે સ્વામીજીએ પોતાના પ્યારામાં પ્યારા આર્યસમાજના પ્રમુખસ્થાનનું પણ રાજીનામું આપીને મહાસભાની કાર્યવાહીમાં કૂદી પડવાની ખુશી બતાવી, પરંતુ પોતે પોતાનાં 'મહાસભાનાં સંસ્મરણો'માં ચીરાતે હૃદયે નેાંધી ગયા છે કે 'તેજ અરસામાં રા. કેલકરને પણ મહાસભાની કાર્યવાહી પરથી રાજીનામું આપી નીકળી જવું પડ્યું અને એણે હકીમ અજમલખાનના શબ્દો મને સંભળાવી દીધા કે કાર્યવાહકોએ મહાસભાની સાથે જો મતભેદ હોય તો તે વ્યક્ત નથી કરવાનો, કાં તો તેઓએ પોતાનું પદ છોડી જવું, ને કાં મૂંગા મરી રહેવું.' આ શબ્દોએ સ્વામીજીની આંખો ઉઘાડી નાખી. એણે રાજીનામું ફરી વાર જારી કરાવ્યું.

એકાંતે બેઠાં બેઠાં પણ મહાસભા પ્રત્યે ભક્તિભાવ અનુભવતો એનો અંતરાત્મા જંપી ન શક્યો. પ્રજાએ મહાસભાના હાથમાં મૂકેલા એક કરોડ રૂપિયાની કેટલીક બરબાદી દેખીને વલોવાતે હૈયે એણે એક પ્રસંગની ઘટના ટાંકી છે:

'કુરૂક્ષેત્ર ગુરૂકુળથી હું અને ગુરૂકુળના વ્યવસ્થાપક, બન્ને ફક્ત તેર જ ગાઉ ઉપર આવેલા અંબાલા ગામમાં મહાત્માજીના કારાગૃહપ્રવેશની તિથિ - તા. ૧૮ : મે : ૧૯૨૨ - ઉજવવા માટે ત્યાંના મહાસભા સમિતિના મંત્રીના બેાલાવ્યા ઈન્ટર કલાસમાં બેસીને ગયા. આખો દિવસ અને અધરાત સુધી કામ કરીને વળતા પ્રભાતે પાછા કુરૂક્ષેત્ર જવા માટે જ્યાં અમે સ્ટેશન પર આવીએ, ત્યાં મંત્રીએ મારા હાથમાં પહેલા વર્ગની બે ટિકિટ ધરી દીધી. મેં કહ્યું કે “મારે એ વૈભવ ન ખપે; જાઓ ઇન્ટરની ટિકિટ લઈ આવો.' એ ભાઈ કહે કે 'આપ મને આપની સેવા કરતો શીદ અટકાવો છો?” જાણો કે એના આત્માને આઘાત થઈ રહ્યો હતો ! આખરે આગ્રહ અને રકઝકને અંતે ભીતરનો ભેદ ખુલ્લો પડ્યો. મંત્રીએ એક દેશનેતાની વાત કહી : એ નેતાનું નામ હું નહિ આપું : એ નેતા આગલે જ મહિને મારી જ માફક ૧૮મીના ઉત્સવ પર આવેલા અને રાતે પાછા ફરેલા. એમનું રેલભાડું રૂા. ૨પ૦ થી અદકું આવેલું અને એના માટેની ખાસ મોટર ગાડી રોકવામાં આવી તેનું ખર્ચ રૂ. ૨૦૦ નું ચડેલું ! હું હેરત પામી ગયો. મને યાદ આવ્યું કે મહાત્માજીએ એ એક કરોડ રૂપિયા એક જ વર્ષની અંદર પ્રજાહિતમાં ખરચી નાખવાની આજ્ઞા દીધેલી. મહાસભાનાં કાર્યો માટે મૂડી સંઘરવાના સિદ્ધાંતથી એ વિરૂદ્ધ હતા. એણે તો કહેલું કે હિન્દની પ્રજા પોતે જ આપણી મૂડી છે અને તેઓની 'શ્રદ્ધા' એ મૂડીનું વ્યાજ છે. માટે આપણે તો દર વર્ષે વ્યાજ જ ઊઘરાવીને વાપરી નાખવું રહ્યું : આ સૂત્રનું શબ્દશઃ પ્રતિપાલન કરનારા એમના ભક્તોએ દેશના દ્રવ્યને કેવું પાણીને મૂલે રેલાવી દીધું તેનું આ દૃષ્ટાંત છે !” [લીબરેટર : ૭ : ૧૦ : ૧૯૨૬ ]