સત્યવીર શ્રદ્ધાનંદ/લગ્નજીવન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પાપનું પરિબળ બે દેશ દીપક
લગ્નજીવન
ઝવેરચંદ મેઘાણી
૧૯૩૧
અજવાળાંનો ઉદય →


લગ્ન–જીવન

જાલંધરના એક પ્રસિદ્ધ શાહુકારની પુત્રી વેરે મારૂં લગ્ન કરવામાં આવ્યું. ઉમેદ હતી કે મને યુવાન સ્ત્રી મળશે. પણ માયરામાં બેસતી વેળા જોયું કે એ તો બાર વર્ષની જ બાલિકા હતી. તો પણ મેં નિશ્ચય કર્યો કે હું પોતે જ એને ભણાવી ગણાવી નવલકથાઓના મારા મનોરથો સફળ કરીશ. આ વિચારમાંથી મને ઘણું સાંત્વન મળ્યું. પરંતુ ત્યાં તો મને એનું મુખ જોવાનો યે લહાવો ન મળ્યો. પરણી ઊતર્યા કે તુરત એનાં પિયરીઆં એને પિયર ઉપાડી ગયાં. એક માસ પછી આણું વાળવામાં આવશે એ સાંભળીને મને ધીરજ આવી. પરંતુ ફરીવાર પણ એને બે ત્રણ દિવસ રાખી, અમારો મેળાપ પણ થવા દીધા વિના, મોટાભાઈઓએ એને પિયર વળાવી દીધી. ત્યાર પછી ત્રીજી વાર પિતાજીની આજ્ઞાથી જલંધરથી હું પોતે જ મારી પત્નીને હોંશેહોંશે તેડી લાવ્યો. પહેલવહેલા પ્રણયાલાપની અંદર જ નવલકથા માંહેથી રચેલા મારા હવાઈ કિલ્લા તૂટી પડ્યા. પણ નવો ભાવ ઉત્પન્ન થયો કે જે અબળા મારે આશરે પડી ગઈ છે તેને હું મારે હાથે જ ગુણવંતી બનાવી લઈશ. એ વિચારથી મારા અંતરમાં દયા અને રક્ષાનો ભાવ જન્મ પામ્યો.

અમારો ગૃહસંસાર ચાલુ થયો. દિવસે તો એ મારી પછી જ ભોજન કરતી, પણ રાતે મને આવતાં મોડું થાય ત્યારે પિતાજીને જમાડી લઈ અમારી બન્નેની રસોઈ મેડી પર મગાવી લેતી, અને હું આવું ત્યારે શગડી પર ગરમ કરી મને જમાડ્યા પછી પોતે જમતી. આ સમય દરમ્યાન હું દારૂની લતે તો બેહદ ચડી ગયો હતો. એક દિવસ રાત્રિયે હું ઘેર આવતો હતો. રસ્તે એક મિત્રે મને રોકી પાડ્યો અને આગ્રહ કરીને પ્યાલી લેવરાવી. પછી વાતોએ ચડ્યા. એ ના પાડતા રહ્યા ને હું ચાર પ્યાલી ગટગટાવી ગયો. દારૂ ચડ્યો. મિત્રો મને વેશ્યાના ઘરમાં તેડી ગયા. પહેલી જ વાર મેં વેશ્યાના ઘરમાં પગ દીધો ! કોટવાળ સાહેબના પુત્રને દેખી તમામ વેશ્યાઓ ઝુકી ઝુકી સલામો ભરવા લાગી. મુજરાની તૈયારી થવા માંડી, ત્યાં તો મારા મોંમાંથી કોણ જાણે શું નીકળ્યું ને આખું ઘર કાંપવા લાગ્યું. “નાપાક ! નાપાક !” કરતો હું નીચે ઊતર્યો. લથડિયાં લેતો ઘેર પહોંચ્યો. નોકરે બૂટ ઊતાર્યા, ઉપર ચડવા જાઉં, પણ ઊભું જ થવાયું નહિ એવો ચકચુર હતો ! બે નેાકરોને ખભે ટેકો દઈને ચડ્યો. પરંતુ ઊલટી તો વધવા જ લાગી.

એ સમયે એક નાજુક આંગળીઓ વાળો હાથ મારા મસ્તક પર પંપાળવા લાગ્યો ને મેં ખુલાસાથી ઓકી કાઢ્યું. મારી દેવીના હાથમાં જાણે હું બાળક બની ગયો. એણે મને કોગળા કરાવ્યા, મોં લૂછ્યું, અંગરખું બગડ્યું હતું તે ફેંકી દીધું ને મને ઝાલીને અંદર લઈ ગઈ. પલંગ પર સુવાડી મને ચાદર ઓઢાડી, બેસીને મારૂં માથું દાબવા લાગી. કરૂણા અને શુધ્ધ પ્રેમથી ભરેલું એ મોં હું કદી નહિ ભૂલું. જાણે મારી માતાની છત્રછાયા તળે અખંડ શાંતિથી પોઢી ગયો. ગાઢ નિદ્રા આવી ગઈ. રાતે એક બજે મારી આંખ ઊઘડી ગઈ. જોઉ છું તો પંદર વરસની એક બાલિકા ચુપચાપ બેઠી બેઠી મારા પગ દાબી રહી છે. મને એણે પાણી આપ્યું. શગડી પરથી ગરમ દૂધ ઉતારી, તેમાં સાકર મિલાવી મારા હોઠે ધર્યું. દૂધ પીધા પછી મને તાકાત આવી એ મધરાતનું દૃશ્ય દેખતાં મસ્તકમાંથી અંગ્રેજી નવલકથાઓ નીકળી ગઈ, અને તુલસીદાસજીએ આલેખેલી ઘટનાઓ દૃષ્ટિ સન્મુખ હાજર થઈ. એને નજીક બેસાડીને મેં પૂછ્યું : 'દેવી ! તું જાગતી જ બેઠી છે ? વાળુ પણ નથી કર્યું ?' જવાબ મળ્યો 'તમે ભેાજન કર્યા વગર હું શી રીતે ખાઉં ? અત્યારે હવે ખાવામાં શી મઝા છે ?' એ સમયની મારી દશા કલમથી તો નથી વર્ણવી શકાતી. મારા પતનની બન્ને કથાઓ એને સંભળાવીને મેં એની ક્ષમા માગી. ઉત્તરમાં એણે કહ્યું 'આવું આવું સંભળાવીને મારા પર પાપ કાં ચડાવી રહ્યા છો ? મને તો એક જ શિક્ષણ મળ્યું છે કે મારે સદા તમારી સેવા જ કરવી.” અમે બન્ને જમ્યા વિનાનાં જ સૂઈ ગયાં. વળતા પ્રભાતથી મારા જીવનમાં પલટો આવ્યો.

મારી દેવી

બીજે જ દિવસે દારૂના પારસી ઈજારદારને ત્યાંથી અત્યાર સુધી ચડી ગયેલા રૂા. ૩૦૦નું બીલ આવ્યું. ત્રણચાર દિવસની મુદત માગીને એ ઉઘરાણી મેં પાછી તો વાળી, પરંતુ મારા મોં પર ગ્લાનિ છવાઈ ગઈ. શિવદેવી (મારાં પત્ની)એ મને જમાડતી વખતે ગ્લાનિનું કારણ પૂછયું. અને હવે તો અમારી બન્ને વચ્ચે કોઈ પણ વાતનો અંતર્પટ ક્યાં હતો ? મેં બધું સ્પષ્ટ કહી બતાવ્યું. એ વખતે તો દેવી ચુપ રહી. પણ મને કોગળા કરાવી, મેાં ધોવરાવી, પોતે જમવા બેઠા પહેલાં જ પોતાનાં સોનાનાં કડાં ઉતારીને મારી પાસે લાવી. હું ચકિત થઈ ગયો.

'અરે દેવી !' મેં લજવાઈને કહ્યું 'આવું તે કાંઈ બને ? તને આભૂષિત કરવી જોઈએ તેને બદલે શું હું તારાં આભૂષણો ઉતારી લેવાનું પાપ કરૂં ?'

'આમ જુઓ !' દેવીએ કડાની બીજી જોડ બતાવીને મને ફોસલાવ્યો.“આ એક જોડ પિયરની ને એક જોડ સાસરાની દીધેલી છે એટલે મારે તો બેમાંથી એક જોડ નકામી જ પડી છે. વળી એ તો મારી મિલકત છે ને ! આ દેહ તમારો છે. તો પછી ધૂળ જેવાં કડાં લેવામાં તમને શાનો સંકોચ હોય ? ને વળી, તમારી ચિંતાઓ ટળી શકતી હોય તે શું આ સોદો મોંઘો છે ?'

એના ઉદ્દગારો તો પંજાબી ભાષામાં હતા, ને એના અનુવાદમાં કદાચ મારાથી વધારો પણ થઈ ગયો હશે, પરંતુ ભાવ તો આ જ હતેા. કડાં વેચીને હું દારૂના દેવામાંથી મુક્ત થયો. પ્રલોભનથી બચવા ખાતર થઈને બાકી વધેલા રૂપિયા પણ મેં દેવીની પેટીમાં જ મૂકાવ્યા, અને મન સાથે ગાંઠ વાળી કે કમાવા લાગીશ ત્યારે પહેલાં પ્રથમ તો આ લીધા છે તેટલા રૂપિયાનો દાગીનો જ દેવીને ઘડાવી દઇશ.”