સત્ય વસ્તુમાં જેનું ચિત્ત

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

સત્ય વસ્તુમાં જેનું ચિત્ત ભળી ગયું
એ ચારે વાણી થકી પાર રે,
સ્વપ્નમાં પણ જે ચળે નહીં
એ તો નિર્ભય નર ને નાર રે ... સત્ય વસ્તુમાં

ભેદવાણીપણાનો સંશય ટળી ગયો ને
મટી ગયો વર્ણવિકાર રે,
તનમનધન જેણે પોતાનું માન્યું ના
સતગુરુ સાથે જે એકતાર રે ... સત્ય વસ્તુમાં

એવાને ઉપદેશ તુરત જ લાગે
જેણે પાળ્યો સાંગોપાગ અધિકાર રે,
અલૌકિક વસ્તુ આ એવાને કહેજો
નહીં તો રહેશે ના કંઈ સાર રે ... સત્ય વસ્તુમાં

હરિ ગુરુ સંતને એક રૂપ જાણજો
ને રહેજો સ્વરૂપમાં લીન રે,
ગંગાસતી એમ બોલિયાં રે પાનબાઈ
સમજુ તમે છો મહાપરવીણ રે ... સત્ય વસ્તુ