સન્દેશ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
સન્દેશ
દામોદર બોટાદકર
(સ્નેહધામ સૂનાં સૂનાં રે - ઢાળ) અથવા (આવેલ આશાભર્યા - ઢાળ)


<poem>

ઊંચા આકાશનાં આંગણાં, સખિ ! નીચા તે મેઘલ મહેલ રે. આંખડી આંસુભરી રે.

ઊંચે ચન્દા ચળકી રહી, કાંઈ નીચાં ઢળે એનાં નેણ રે. આંખડી૦

ઊંચે ઉરે હુઇં એકલી, વહે નીચાં નેણાનાં નીર રે. આંખડી૦

ભીંજે હૈયાનો હીરલો, મારાં ભિંજાય નવરંગ ચિર રે. આંખડી૦

ચન્દા ! ચટકતી ચાલતાં, જરી સુણજે વિજોગની વાત રે. આંખડી૦

એક સન્દેશડો આપજે, મારી ઝૂરી મરે જ્યાં માત રે. આંખડી૦

"શાં શાં એંધાણે ઓળખું? કરી ઝૂરી મરે છે માય રે !" આંખડી૦

રોતાં આંખલડી રાતડી, એનું હૈયું હિંચોળા ખાય રે. આંખડી૦

ઘૂમી રહે ઘર ઘેલડી, એને કામ સૂજે નહિ કાંય રે. આંખડી૦

કાગ ઉડાડતી આંગણે, એ તો દોડી-દોડી ડોકાય રે. આંખડી૦

પન્થી-પન્થીને પૂછતી, એનો એકલડો અભીલાખ રે. આંખડી૦

એ રે એંધાણે ઓળખી, સખિ ! કહેજે કુશળનાં કે'ણ રે. આંખડી૦

આજ નાખ્યું મેં એટલું, તને વહાલી ગણીને વેણ રે. આંખડી આંસુભરી રે.