સમરાંગણ/લોહીનું ટીપું પાડ્યા વિના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પરદેશીને તેડું સમરાંગણ
લોહીનું ટીપું પાડ્યા વિના
ઝવેરચંદ મેઘાણી
સોહાગની રાત →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


12
લોહીનું ટીપું પાડ્યા વિના

ધોળકા ગામમાં પ્રભાતે બે લાશો પડી હતી : એક સૈયદ મીરાનની, અને બીજી એના લડાઈ-ઘોડા ‘દુલદુલ’ની. બન્નેનું મોત આગલી જ રાતે ઇતમાદે ગુજરાત પર ઉતારેલા બહારના શત્રુઓ મિરઝાઓની સાથેના યુદ્ધમાં થયું હતું. સૈયદે પોતાનો બોલ પાળી બતાવ્યો હતો. એના શબ ઉપર મુઝફ્ફર નહનૂ અદબ ભીડીને ઝૂક્યો હતો. મુઝફ્ફરની કલગીમાં આગલી રાતનો વિજય ફરકતો હતો. પણ આ એક મૃત્યુએ રાતના વિજયને મોંઘો બનાવ્યો હતો.

લાશને દફન કરવામાં આવી. અઢાર વર્ષનો સુલતાન એની કબર પર ફાતેહા પઢીને વળતી સાંજે જ્યારે ઊભો થતો હતો, ત્યારે એણે ગુસપુસ કશીક તૈયારીઓ થતી નિહાળી.

“શેરખાન ફોલાદી !” એણે ચકિત બનીને પૂછ્યું : “ક્યાં જાવ છો ? કેમ ઘોડે ચડો છો ?”

“સુલતાન ! રજા લઈએ છીએ. તમારું સ્થાન આંહીં ગુજરાતમાં જ છે.”

“શા માટે રજા લઈ જાવ છો ? આપણો તો વિજય થયો છે ને ?”

“અકબરશાહ આવી પહોંચ્યો છે. ગુજરાતી સલ્તનતનું જીવતું મોત આવેલ છે.”

“ક્યાં છે ?”

“પાટણ.” “કોણ લઈ આવ્યું?”

“ઇતમાદખાન. બસ, અલાબેલી સુલતાન, અમારાથી હવે ગુજરાતમાં જીવી શકાશે નહિ.”

"પણ મારાથી ?”

“મરી શકાશે.”

એટલું કહીને શેરખાને પઠાણી ફોજ લઈ પલાયન કર્યું. સુલતાન નહનૂ થોડી ઘડી એ દરગાહ પાસે થંભી રહ્યો. બે વર્ષો પરની એક રાત યાદ આવી. તે રાતે ‘નહનૂ’ને કોઈ છોડવા તૈયાર નહોતું. આજ રાતે નહનૂને કોઈ સાથે લઈ જવા તૈયાર નથી. એક અમીરે આવીને એને હેબતાવ્યો : “સુલતાન ! આંહીં ઊભા છો, પણ આ સૈયદકુળ પર તમારી છાયા પડે છે. એનું જડમૂળ નીકળી જશે. એને છોડો, ભાગી છૂટો.”

“સાચી વાત. હું હવે જ્યાં ઊભો રહીશ ત્યાં ઝાડ પણ લીલું નહિ રહે.” નહનૂ મુઝફ્ફરે ઘોડો પલાણ્યો. એની સાથે પંદર-પંદર રૂપિયાના પગારદાર રક્ષકો સિવાય કોઈ નહોતું.

“નામદાર !” હવાલદારે ચેતવણી આપી : “આમ, સોરઠ ભણી.”

“નહિ, ગુજરાતમાં જ.”

“ઇતમાદખાં...”

“ભલે આવે ધગધગતી સાણસી લઈને.”

યુવાને અમદાવાદમાં પહોંચીને ભદ્રમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં સૂનકાર હતો. એકેએક અમીર, નગરના લખપતિઓ ને કોટ્યાધીશો અમદાવાદ છોડી ગયા હતા. ફોજના સેનાપતિઓ પણ ૨વાના થયા હતા. સેનાઓ સાથે ચાલી ગઈ હતી.

“કયા માર્ગે ગયાં બધાં ?”

“પાટણને માર્ગે. અકબરશાહને શરણે.”

“મારા આવવાની પણ વાટ ન જોઈ ? વાહ તકદીર ! ફિકર નહિ. ચાલો સિપાહીઓ, ચાલવું છે પાટણને પંથે ?”

“મોતના મુખમાં ?” “ગુજરાતી તરીકેનું મૃત્યુ હાંસલ કરવા. ચાલો હવે, ભય નથી ઇતમાદનો, ભય નથી અકબરનો. સામી છાતીએ ચાલો. ચાલો એને એટલું જ કહેવાનું કે ગુજરાતને રોળીશ ના, શહેનશાહ, જેને એકને ખતમ કરવા તું આવેલ છે અથવા તને ઈજન થયેલ છે, તે આ રહ્યો. તે તારા હાથમાં સોંપાય છે; શરણાગત લેખે નહિ, સુલતાન લેખે.” એક જ બોલ, એ જેમજેમ આગળ ચાલ્યો તેમ તેમ એના કંઠમાં ગોઠવાઈ ગયો : “મારી ગુજરાતને છૂંદીશ ના, શહેનશાહ, જેને છૂંદવો છે તે આ રહ્યો.”

“એક પણ લોહીનું ટીપું પાડ્યા વગર... મારી ગુજરાતને એક પણ ચીસ પડાવ્યા વગર.... સમાપ્ત થતું હોય તો ભલે થાવ આ મારી ગુજરાતનું સ્વરાજ... મારી અમ્માએ જેવી ચીસો પાડી હતી, એવી ચીસો પડાવશો ના કોઈ ગુજરાતને...”

પોતાના આવા અંતર-સૂરો સાંભળતો નહનૂ આગળ ને આગળ ઘોડો ચલાવતો હતો. પાછળ મૂંગા થોડા અંગરક્ષકો હતા. પંથ પાટણનો હતો. પાટણ, ગુજરાતની રાજપૂતીનો દીવો જેમાં ગુલ થયો હતો તે સ્થાન : તે ધર્મસ્થાન, તે પ્રેતસ્થાન, તે કબ્રસ્તાન.

“આ શાની છાયા મારા ઉપર પડી રહી છે ?” નહનૂએ ઊંચે જોયું. પોતાના મસ્તક પર એણે આગના ભડકા જેવું છત્ર જોયું. હજુ પણ એક અનુચર એ છત્ર ધરી રહ્યો હતો. નહનૂએ કહ્યું : “હટાવી લો એ આગને. હવે શા માટે મને ને આસમાનને જુદાઈ પડાવો છો ? એ છત્ર મારી શોભાનું છે કે મારી મશ્કરીનું ? હટાવી લો એને. ફગાવી દો આ પૃથ્વીને ખોળે. છત્ર તો ગુજરાતના રક્ષકને શિરે હોય. હું ક્યાં ગુજરાતને રક્ષી શક્યો છું ?”

છત્ર એણે દૂર હટાવી દીધું. સાથે લેવાની પણ ના પાડી. છત્ર ધરતીને ખોળે મુકાવી દીધું.

“અને આ ચંદ્રવો પણ શા માટે ? કયા વિજયનું આ નિશાન છે ? હવે મારી હાંસી કરાવો ના.”

ચંદ્રવો પણ એણે ધરતી-ખોળે મુકાવી દીધો. “બસ, પરવરદિગાર !” એણે શાંતિનો ઉદ્‌ગાર કર્યો : “હવે હું ફરી એક વાર અદનો નહનૂ થઈ રહ્યો. હવે મનને કેટલી બધી મોકળાશ લાગી રહી છે ! રાત્રિના આવા શીતળ પવનને, પૂનમની આવી ચાંદની-ધારાઓને, ખેતરોની આવી ખુશબોને રૂંધનાર ચંદ્રવો અને છત્ર ખસી ગયાં.

થાક લાગ્યો છે. નીંદ આવે છે. પલંગોની ચિતાઓમાં સુખેથી સૂતો નથી કો’ દી. ઘોડાની પીઠ પર આંખો ઝોલે જાય છે. રસ્તામાં એક ખેતરનું ખળું આવ્યું. ઘઉંની ફોતરીની બિછાત ચાંદનીમાં ચમકી ઊઠી. નહનૂએ ઘોડાની રકાબ છાંડીને ઘઉંની ફોતરીને સ્પર્શ કર્યો. સ્પર્શ સુંવાળો લાગ્યો. પોતે ફોતરીમાં બેસી ગયો. લેટવા લાગ્યો. નીંદ એના મગજની ચોપાસ ઘુમરાવા લાગી.

એણે આજ્ઞા આપી : “અંગરક્ષકો ! આવવા દો જે આવતા હોય તેને, તલવાર કે ખંજર ખેંચશો નહિ. એક પણ લોહીનું ટીપું રેડવું નથી. મને કેદ કરવા આવનારાઓને કહેજો ફક્ત આટલું જ, અરજ એક આટલી જ કરજો, કે મને છેલ્લી વાર પેટ ભરીને આ ગુજરાતની પૃથ્વી પર નીંદ કરી લેવા દે. પછી મને સુખેથી પકડીને પાદશાહ પાસે લઈ જાય. થોડીક જ વાર એને બેસવા કહેજો : હું જલદી જાગીશ.”

પછી એ જાગ્યો ત્યારે પ્રભાતનું સૂરજ-ફૂલ ઊઘડતું હતું, ને એની આસપાસ લાલ વાવટા ફરકાવતી મુગલ-ફોજ ઘેરી વળી હતી. તેમના કબજામાં મુઝફ્ફરે ફેંકાવી દીધેલાં બન્ને રાજચિહ્નો હતાં.

અંગેઅંગનાં પરિશ્રમને નિતારી લ્યે એવી એક નિરાંતની આળસ ખાઈને ‘હાશ’ કહેતો એ ખડો થયો. પેલાં બે રાજચિહ્નો પ્રત્યે એણે હસીને કહ્યું : “તમે ચીંથરાં પણ રાજપ્રપંચમાં ચાડિયાં બની શકો છો ને શું !”

મુગલ-ફોજની ચોકી વચ્ચે થોડી જ મજલ કાપ્યા પછી એ ઓગણીસ વર્ષનો યુવાન પાટણના કિલ્લામાં એકત્રીસ વર્ષના તેજસ્વી, હસમુખા, લાલીભર્યા અકબરશાહની સન્મુખ ઊભો રહ્યો. “આ ગુજરાતનો સુલતાન !” અકબરે અજાયબી બતાવી : “નૌજવાન ! તું તો હજુ કિતાબો પઢવા જેવડો છે. તારા હોઠની હિના તો હજુ માતાના દૂધ વડે ભીની ભીની ભાસે છે.”

“મારી માતાએ જેવી ચીસો એક વાર પાડી હશે, તેવી ચીસો ગુજરાતની કોઈ સૈનિક-માતાને ન પાડવી પડે માટે, હે દિલ્હીપતિ ! હું તમને સુપુર્દ થવા આવ્યો છું.”

એમ બોલીને એણે શહેનશાહના દરબારમાં દૃષ્ટિ ફેરવી. ઊભેલા સર્વ ગુજરાતી અમીરોને એક પછી એક ઓળખ્યા. એક દાઢીમાં ઢંકાયેલું મુખ નીચે ઢળ્યું હતું. કાળા સાપની સફેદ કાંચળી સોંસરી પાણીદાર લાલ આંખો ચમકે તેમ એ મોંની બે આંખો ચમકતી હતી.

“ઓહોહો ! આ તો મારા પાલક-પિતા ઇતમાદખાન !” નહનૂએ એ વૃદ્ધને પિછાની લીધો ને પછી નીચે જોયું.

“નૌજવાન !” અકબરે જવાબ દીધો : “મુગલશાહ ગુજરાતને ગુલશન બનાવશે.”

નહનૂએ દોડીને અકબરના હાથ પર બોસો લીધો. અકબરશાહ બોલ્યા : “પણ એક જ શર્તે કે તારે મારી સાથે આગ્રા આવવું. જો આ મારા સાથીદાર રાજા માનસિંહ અને ટોડરમલ : તારા જેવડા જ છે ને હજુ ! એ તને ઈલમ ભણાવશે – વીરતાનો ને રાજવહીવટનો. એ તને સવારીઓમાં લઈ જશે. અબુલફઝલ તને ઇતિહાસ શીખવશે. ફરી એક દિવસ હું તને ગુજરાતનું ગુલશન સંભાળવા મોકલીશ ત્યારે તારી આ દશા કોઈ ઇતમાદ, કોઈ શેરખાં કે કોઈ મિરઝા નહિ કરી શકે.”

“અહેસાન અકબરશાહનો.” નહનૂએ નમન કર્યું, અને યમુના નદીના કિનારા એની આંખો સામે અનંત હરિયાળી પાથરી રહ્યા.