સરસ્વતીચંદ્ર ભાગ ૧/બુદ્ધિધન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← બુદ્ધિધનનું કુટુંબ સરસ્વતીચંદ્ર ભાગ ૧
બુદ્ધિધન
ગોવર્ધનરામ ત્રિપાઠી
બુદ્ધિધન (અનુસંધાન) →


પ્રક૨ણ ૩.
બુદ્ધિધન.

રાજેશ્વર મહાદેવનું દેવાલય સુવર્ણપુરથી ત્રણેક ગાઉને છેટે હતું. એટલે લોકોનો અવર જવર થોડો હતો. કોઈ કોઈ વેળા આ કારણથી શ્રીમંત વંઠેલાનું અને કોઈ કોઈ વખત રાજ્યપ્રપંચના ખટપટી વર્ગનું તે સંકેતસ્થાન થઈ પડતું. તપોધનને અા માર્ગે ઉપજમાં વધારો થતો હતો અને સર્વ જાતના યજમાનવર્ગને પ્રસન્ન રાખવાની, અનુકૂળતા કરી આપવાની, અને અનુકૂળ થઈ જવાની તેનામાં કળા અાવી હતી. ઘણું ખરું યજમાનવર્ગ તેની સાથે પ્રથમથી બંદોબસ્ત કરી મુકતા એટલે એક સંકેત સમયે બીજાઓ સંકેત કરવા અાવી ગુંચવા૨ામાં પડતા ન હતા. પરંતુ કથાનો પ્રસંગ ચાલે છે તે વખતના સાંકેતિક સાધારણ વર્ગના ન હતા અને પૂજારી અથવા બીજા સર્વે સાંકેતિકોની ફરજ હતી કે નગર અને દેવાલય બેના સ્વામીયો સ્વતંત્ર રીતે વર્તે તેમાં ખલેલ ન પ્હોંચે એ જાતે પોતાની બુદ્ધિથી જ જોઈ લેવું.

“નિઘા રખે મ્હેરબાન !” એમ પોકાર થતાં જ સુવર્ણપુરનો સ્વામી બુદ્ધિધન સાથે દેવાલયમાં આવ્યો અને પોઠીયા આગળ રાજસેવકો સોનેરી ભરતનો ગાલીચો બીછાવી ચાલ્યા ગયા તેના ઉપર બંને જણ બેઠા. મૂર્ખદત્ત જમીન સુધી નીચો પડી ત્રણ સલામ કરી પોતાની ઓરડીમાં રસોઈ કરવા ચાલ્યો ગયો. ચોમાસામાં રાત્રે વાદળાં આવે અને એક બાકામાંથી માત્ર ચંદ્ર અને કોઈ પાસેને તારો જણાય તેમ રાણો અને અમાત્ય આખા શિવાલયની એકલી વસ્તીરૂપ રહ્યા.[૧]

રાણો સાડત્રીશ અાડત્રીશ વર્ષની ઉમરનો હતો. પાછલા રાણાને ઐૌરસ પુત્ર ન હોવાથી, જુના કારભારીયો અને જુની રાણીયોને ખોટો પુત્ર મેળવવામાં કાંઈક જોગવાઈની ખામીને લીધે અને જોગવાઈ મળી તેટલી નિષ્ફલ જવાને લીધે, તે મેળવનારાઓમાં ફાટ પડી એટલે ખરા વારસને જાતે - સરકારી રેસિડેંટ મારફતે – અને પોતાના ધન પરિજનના બળ અને યુક્તિવડે પોતાનો હક સંભાળવામાં અનુકૂળ પડવાથી, મયત રાણાના પિત્રાઈ ભૂપસિંહને ત્રણચાર વર્ષ થયાં ગાદી મળી હતી. તે સાધારણ વર્ગમાં ઉછર્યો


  1. * આટલા ભાગની સાથે પ્રકરણ છઠ્ઠાનું અનુસંધાન છે. વચલા ભાગમાં બુદ્ધિધનની પૂર્વ વાર્તા છે
હતો અને રાજમ્હેલની ઝેરી હવા તેની કોમળ વયે જરી પણ અનુભવી

ન હતી, તેથી તેની સાધારણ બુદ્ધિ નષ્ટ થવા પામી ન હતી. ગરીબ અવસ્થા થોડાંક વર્ષ દીઠી હતી એટલે ઝાઝી ઉદારતા ન હતી પરંતુ એ અવસ્થા યાદ ર્‌હેવાથી ગરીબ લોકો ઉપર અમી દ્રષ્ટિ હતી. બાપનો ગરાસ ખવાઈ જતો અટકાવવા કારભારીયો, અમલદારો અને તેમના સીપાઈઓનો પણ પ્રસંગ પડેલો હતો. કોઈની પાસે આજીજીઓ કરી અપમાન અને લુચ્ચાઈને તાબે થવું પડ્યું હતું, લાંચ આપવી પડી હતી, ધક્કા, તેમ જ ધુપ્પપા ખાવા પડ્યા હતા, પ્રપંચો જોવા તથા કરવા પડ્યા હતા, રાજાના સંબંધમાં બ્હારથી દેખાડવામાં અને મનમાં રાખવામાં માન તથા પ્રીતિમાં જે અંતર તેનાં પોતાનાં ક્‌હેવાતાં માણસો પણ રાખતાં તેની કાંઈક વાસના આવી હતી, રાજમહેલમાં રાજ્યકાર્યને પ્રસંગે અને બ્હાને અધિકારી । વર્ગની સ્વચ્છંદ વર્ત્તણુક તેના કાનમાં આવી હતી, અને આ સર્વ અનુભવનું ફળ ગાદીએ બેઠા પછી લેવા તેનો ઠરાવ હતો. રાજ્યતંત્રનાં ઘણાં માણસને ઓળખતો અને ઘણાંને ઓળખું છું એમ ધારતો. જુની અવસ્થામાં પ્હોંચેલા અપમાનનું વેર વાળવું એ પોતાનો ધર્મ સમજતો હતો અને તે સમયે પોતાનો પક્ષ ખેંચનારાઓને હવે ઉંચા ચ્હડાવવા એમાં વટ માનતો હતો. ખરેખરા રાજધર્મનો આભાસ પણ મગજમાં ન હતો તેથી અા ધર્મ અને વટ રાખવામાં જ ખરેખરો રંગ રહેશે એમ તેની દૃઢ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધાનો તનખો જુની અવસ્થામાં પ્રકટ્યો હતો અને તેને નવી અવસ્થામાં સ્વાભાવિક રીતે પુષ્ટિ મળી હતી એટલે અને તે પ્રદીપ્ત બની ભડકો થવા તત્પર રહેતો. પરંતુ ગાદી પર બેસવા પછી જુના કારભારીના લચી પડવાથી વેશ બદલવાથી, ઉદારપણાથી, અને ઉચ્ચનીચ યુક્તિયોથી ભૂપસિંહનો સ્વભાવ બદલાયો દેખાતો હતો અને રાજવૈભવના શીયાળામાં તેનો અનુભવ-અગ્નિ ધીમે ધીમે કજળાતો અને તેના ઉપર મોજશોખની રાખનાં પડ બંધાતાં જોઈ સર્વ જુનું મંડળ નિશ્ચિંત થઈ જતું હતું.

અમલના ઘેનમાં, સ્વાર્થના જડપણામાં, ઉન્માદવિરોધના આવેગમાં, બાહ્યસૃષ્ટિની ભભકમાં અને રોજના લાગ્યા વ્યવહારના જાળમાં, ઘેરાઈ જતું, ઉઘતું, મૂર્ચ્છા પામતું, અંજાઈ જતું, અને લપટાઈ જતું – સર્વ મંડળ અા પ્રમાણે શુન્યવત્ થતું હતું અને રાજફેરની વાત જુની થઈ જતી હતી તે સમયે માત્ર બુદ્ધિધન એકલો જાગતો હતો, જોતો હતો, સાંભળતો હતો, વિચારતો હતો અને નવા ખેલ રચતો હતો. सर्वभूतની આ निशाમાં સુવર્ણપુ૨ના રાજયતંત્રનો અા યંત્રી, માંદા માણસની પથારી પાસે જાગનાર વૈદ્યની પેઠે અને શીકારટોળું નજરબ્હાર-ક્રમ[૧] બ્હાર - ન થઈ જાય એ સરત રાખતા સિંહની પેઠે, જાગતો હતો; અને સુવર્ણપુરનું રાજ્ય શ્રેષ્ઠ કહેવાય, પોતાનો અમલ સ્થિર ઉચ્ચ થાય, રાજ્યતંત્ર પોતાના હાથનું રમકડું બની જાય, અને ભૂપસિંહ અને તેની પ્રજા પોતાની અને પોતાના સ્વજનની કામધેનુ થઈ ર્‌હે: આવા વિચાર બુદ્ધિધનની અાંખ આગળ ભૂત પેઠે નાચ્યાં કરતા, અહોનિશ તેને ઉજાગરો કરાવતા, બીજા કોઈ પણ વિષય પર તેનું નેત્ર પડતાં તેમાં અંધારાં આણતા, તથા નિરંતર ચિંતામાં અાનંદમાત્રને લીન કરતા, અને આ તેના મહાયોગને જોઈ શકવા – પરખી શાકવા – જડ જગતના ચર્મચક્ષુમાં તાકાત ન હતી.

બુદ્ધિધનના ચોથી પાંચમી પ્હેડીના પૂર્વજો સુવર્ણપુરના કારભારીયો હતા; અને કારભાર ગયા પછી ન્હાનામાં ન્હાની નોકરીને પણ હાથમાં રાખી દરબારમાં પગ રાખવો એ નીતિ તેના કુટુંબે ૨ાખી હતી. પ્હેડીયે પ્હેડીયે તો શું પણ એક જ પ્હેડીમાં કાળચક્રના વારા ફેર બદલાયા હતા અને શ્રીમંતપણા અને નિર્ધનતા વચ્ચે આ ગર્ભશ્રીમંતપણાની ખુમારીવાળા કુટુંબે હિંદોળા ખાધા હતા. બુદ્ધિધનને પિતાના તરફથી વારસામાં પોતાના આભિજાત્યનું અભિમાન - ખાનદાનની ખુમારી – અને તે ગુણની પાછળ ખેંચાતા ગુણો વિના બીજું કાંઈ મળ્યું ન હતું. પરંતુ તેની મા ઘણી બુદ્ધિવાળી, ડાહી, તથા ગરીબ આવસ્થામાં ઘર-રખણી અને સારી અવસ્થામાં ઉદાર રહી શકે એવી હતી; અને એવું કહેવાતું કે તે પુરુષ હત તો આ 'કારભારી' કુટુંબનો કારભાર પાછો મેળવત. આ બાઈના અા ઉજળા ગુણો તેના પુત્રમાં વિકાસ પામ્યા હતા અને તેમની દિનપર દિન વૃદ્ધિ થતી જોઈ નિર્ધન માતા પિતા આશા અને આનંદમાં સારા દિવસની વાટ જોતાં હતાં. મહારાજ શિવાજીને જીજીએ ઉશ્કેર્યા હતા તેમ બુદ્ધિધનની પાસે તેની મા ન્હાનપણામાંથી રસભેર વાતો કહી બતાવતી હતી કે એક દિવસ રામરાય અાવી રીતે કારભારી થયા, લક્ષમણચંદ્રે ન્હાની ઉમરમાં રાણાની પ્રીતિ મેળવી હતી, અને કૃષ્ણદાસે સુંદરસિંહ રાણાના વખતમાં ઢગલા ધન મેળવ્યું હતું, કુટુંબને તારી દીધું હતું, અધિકારીયોમાં આણ વર્તાવી હતી અને વસ્તીમાં તેની હાક વાગતી હતી. આ સર્વ વાતો બાળક બુદ્ધિધન એકાગ્ર ચિત્તથી બોલ્યાચાલ્યા વિના સાંભળતો. માની વર્ણનશક્તિ વિદ્યાના સંસ્કાર વગરની હતી પરંતુ તેમાં સ્વભાવોક્તિ, સુંદરતા, રસિકતા અને સૂચકતા ઉભરાઈ જતાં સ્ત્રીભાષાનું કોમળપણું તથા સંસ્કારીપણું તેમ બ્હેંકી ર્‌હેતું. સુંદર અને લલિત સ્ત્રીએ


  1. ૧ - કુદકો.
સંસારના પ્રેરેલા સાધારણ અલંકારો ધ્યાન ખેંચ્યાવિના હૃદયમાં પરોવાઈ

જતા. માના મસ્તિકની (મગજની) કલ્પનાશક્તિ અને હૃદયની ઇચ્છાઓ બાળકના મસ્તિક તથા અંત:કરણમાં નદીની પેઠે વહ્યાં જતી. બાપ પોતાના કુટુંબના જુના વખતની મ્હોટી વાતો, સંભારતો, બડાશો હાંકતો, અને રંક જન્મેલા અાજકાલના મ્હોટા થયેલા જુવાનીયાઓ અને અમલદારો તુચ્છ હોય તેમ તેમને ધિક્કારી હસી ક્‌હાડતો, ગણતરીમાં જ ન ગણતો, અને અપ્તરંગી [૧] મૂર્ખ વિધાતા - નસીબ - ને માથે આ ક્ષુલ્લક લોકને થન થન નચાવી સાતમે આકાશ ચ્હડાવી દેવાનો દોષ તિરસ્કારભરેલી દ્રષ્ટિથી મુકતો. કુમળા મસ્તિકમાં આ સર્વ સંસ્કારો ભરાયા હતા અને બુદ્ધિધને ઠરાવ કર્યો હતો કે બ્રહ્માની આવી ભુલ સુધારી દેવી અને પોતાની યોગ્યતા પ્રમાણે - મ્હોટા પદ પર ચ્હડવું.

જન્મનો કારભારી નીશાળે ગયો હતો પણ ત્યાં ભણવાનું પ્રયોજન ન જડવાથી ઘણા દિવસ ગુંચવારામાં ક્‌હાડ્યા. આખરે એવી શોધ કરી કે ભણવું એ એક હુન્નર છે, પઈસા કમાવાનું સાધન છે, એ હુન્નર પાસે હોય તો એકની એક વાત લોક અંજાઈ જાય એમ લખતાં આવડે છે, અને મુત્સદ્દાઓ લખવા સમજવામાં ઝીણવટ આવે છે. માનું કહેવું એવું હતું કે ભણવાથી બુદ્ધિ વધે છે અને આ મત સામે દીકરાયે કદી તકરાર ન કરી પણ તેના મનમાં એમ જ છેક છેલે સુધી હતું કે આ બાબતમાં મા ભુલ કરે છે. આવી વૃત્તિથી નીશાળે કાંઈક ભણ્યો અને વર્ગમાં અવકાશ મળતો ત્યારે મ્હેતાજી વર્ગ કેમ ચલાવે છે, છોકરાઓની સંખ્યા કેમ વધારે છે, છોકરાનાં માબાપને કેમ ખુશી કરે છે, ઠોઠ છોકરાઓ સાથે કેમ માથું કુટે છે, અને છોકરાઓ મ્હેતાજીની પુઠે કેવું ટોળ ટીખળ કરે છે તે સઉ જોતો, સરત રાખતો, અને ગમત તથા બોધ પામતો. પ્રથમ તો આખા જગતમાં બુદ્ધિવાળાં માણસોની સંખ્યામાં માનાથી બીજે નંબરે મ્હેતાજી મુકાતા, પણ આખરે મહેતાજીનો નંબર ઉતરતો ગયો. એમ કરતાં કરતાં મ્હેતાજી મૂર્ખાઈ અને કમમુદ્ધિના નમુના જેવા લાગવા માંડ્યા એટલે તેમને પોતાની વિદ્યાર્થી, બુદ્ધિથી અને દ્રવ્યથી સંતોષ આપી અક્કલવાળા વિદ્યાર્થીએ નીશાળ છોડી; અને ભણેલા માણસો ઘણું ખરું મ્હેતાજી જેવા જ હશે એવો વિચાર જગતમાં પ્રવાસ સમયે ભત્થા સારુ લીધો. અાવી રીતે તેણે નિયમ બાંધ્યો હતો તેમાંથી બહુ બળવાન્ સાબીતીવાળા અનુભવ પછી જ એ મ્હોટી વયે પણ થોડાક પ્રસંગ પડેલા માણસોની બાબતોમાં અપવાદ સ્વીકારતો.


  1. “અફતરંગી”= અપ્તરંગી = પાણીના તરંગ જેવા તરંગી ચિત્તવાળા.

નીશાળ છોડવા પછી સંસારશાળામાં પાસ થવાની મ્હેનતમાં ઘણાક અનુભવ થયા અને ઘણાક વિચાર બદલવા પડ્યા. ન્હાનપણનાં સ્વપ્નોમાં એકદમ મ્હોટાં થઈ જવાનો વિચાર રાખ્યો હતો તેનો આવેગ કપરા અનુભવે મંદ પાડી નાંખ્ચો; અને ધીમે ધીમે, પગલે પગલે, અડચણો વેઠી, ઘણીક મ્હેનત કરી, ઘણીક ચિંતા સહી, ઘણીક વખત નિરાશ થઈ, પોતાની બાજીનું પરિણામ લાચાર બની અદ્રષ્ટાના હાથમાં ર્‌હેવા દેઈ, ઘણાં વર્ષ પછી, મૂળ ધારેલા પદે તો નહીં જ પણ એનાથી અર્ધે રસ્તે પણ પહોંચાય તો સંતોષ રાખવા વિના છુટકો નથી એવો સિદ્ધાંત કરી, બુદ્ધિધને સંસારસાગરમાં વગર તુમડે તરવા વામો ભરવા માંડી. બાપની બુદ્ધિ વિશે બહુ ઉંચો અભિપ્રાય ન હતો તે છતાં તેનો અનુભવ ઘણી વખત કામ લાગતો અને કેટલીક વખત તેની શીખામણ અને સૂચનાઓની અવગણના કરવા પછી 'મા તું ક્‌હેતી હતી તે ક્‌હે' કરવું પડતું. માની સૂચનાઓ કેટલીક વખત રુચિને અનુકૂળ લાગતી હતી, તથાપિ પ્રથમ જે માન તેની બુદ્ધિ વાસ્તે હતું તેમાંથી દિવસે દિવસે ઘણુંક કમી થતું ગયું. પુત્રને બ્હારના અનુભવે વધારે વધારે ઘડ્યો અને તેની બુદ્ધિને વયે પકવી તેમ તેમ ઘરના જ અનુભવવાળી જનનીની બુદ્ધિમાં કચાશ માલમ પડવા માંડી, અને ચ્હડતી અવસ્થાના બાળકને ઉતરતી અવસ્થાની મામાં સ્ત્રી-બુદ્ધિ ભાસવા માંડી તથા અંગવિકલ થતો પિતા બુદ્ધિ-વિકલ થતો લાગ્યો. બાળક પક્ષી માબાપના આશ્રય વિના ઉડવાની હિમ્મત કરવા લાગ્યું. માબાપના ધર્મની સીમા અનુમોદન અને અનુશોચનમાં આવી રહી. વ્યવહારશક્તિ જવાથી, બીજા સ્વાર્થ પરથી દ્રષ્ટિ વિરામ પામવાથી, અને કઠણ વૃત્તિયો વિકલ થઈ જવાથી, વૃદ્ધ માબાપની વત્સલતા ઘાડી થઈ ઉઘાડી ઉભરાવા લાગી, અને તે જમીન પર નિષ્ફલ ઢોળાઈ ન જાય એવી રીતે પોતાના ઉમળકાથી તેનો યોગ્ય સત્કાર કરી વૃદ્ધોના અપંગ આનંદને ટેકો આપવો એ મ્હારો ધર્મ છે એવી બુદ્ધિ બુદ્ધિધનમાં સ્પષ્ટ સ્ફુરવા લાગી. સંસાર પંડિતનો સ્વાભાવિક પ્રેમ સ્વાભાવિક રીતે નિર્ગન્ધ અદ્રુષ્ટ ર્‌હેતો તેના પર બુદ્ધિના રેડ્યા કૃત્રિમ પ્રેમનું પડ બંધાયું– જેણે રમણીયતા તથા સુગંધ ધારવા માંડી.

સંસારમાં કયા પ્રવાહમાં દોરાવું અને કીયા બંદર ભણી જવું એ વિચાર કરવાની બુદ્ધિધનને હવે જરૂર પડી અને તેના વિચારને પોતાના અભિલાષ પ્રમાણે વાળવા વૃદ્ધ માબાપ મથતાં. બાપના મનમાં જીવવાની મર્યાદા આ સંકલ્પ સિદ્ધ થયો જોવા સુધીની હતી. તેના મનમાં એમ હતું ` ` કે મ્હારા કુટુંબના ઓળખાણથી રાણાને અને બુદ્ધિધનનો પ્રસંગ કરી અાપવામાં હું સાધનભૂત થાઉ અને પોતાની ગરીબ અવસ્થા છતાં પણ બાપના તરફથી અાટલી મદદ વારસામાં આપ્યાનો સંતોષ પામું. માની ઇચ્છા એવી હતી કે રાણાનો કારભારી મ્હારા પીયરનો સગો થાય છે તેના ઉપર મ્હારા માસીયાઈ ભાઈ પાસે ભલામણ કરાવી પુત્રને તેની વયના બીજા છોકરાઓ કરતાં ઉંચી પાયરીની જગા અપાવું. ડોસો ડોસી પરસ્પર એકબીજાની દરખાસ્તના સરસપણા વિશે ચર્ચા ચલાવતાં બુદ્ધિધન સર્વ ચર્ચાનો ઉદ્દેશ સમજતો અને ઈચ્છતો કે વિચાર પોતાના પાર પડે અને માર્ગ મા બાપનો ઈચ્છ્યો લેવાય. સર્વસાધનભૂત લક્ષ્મીને ખેંચી ક્‌હાડવી એ તો સઉને સિદ્ધ હતું પણ કીયા કુવામાંથી તે બાબત મતભેદ હતો. राजद्वारे महालक्ष्मीर्व्यापारे वसति तथा વ્યાપાર કરવો કે રાજલક્ષ્મી શોધવી ? વ્યાપારમાં ખોટની બ્હીક, મુડીની જરૂર, ચિંતાની જરૂર, અધિકારીની ગરજ પડે ઇત્યાદિ કારણોથી રાજલક્ષ્મી શોધવી એવો ઠરાવ સંસારના ઉમેદવારે કર્યો. પણ આ કામ શી રીતે પાર પાડવું તેની ચિંતા રાતદિવસ રહ્યાં કરતી. રાણાને ત્યાં પ્રથમ તો ન્હાની સરખી નોકરી મળે, તેમાં પેટ ભરાય નહીં, પ્રતિષ્ઠાનું દ્વાર ર્‌હે નહીં, રાજસત્તા તો દૂર જ ર્‌હે, અને વળી મૂર્ખ અને પારકી માના જાયા અમલદારો પાસે વગ રાખવા કરગરવું પડે. બળી આ નોકરી. ધુળ નાંખી, દુ:ખી તો દુ:ખી પણ વ્યાપા૨માં અામ અરુચિકર ન થાય. અાવી રીતે સંશય-હિંદેાળે બુદ્ધિધન ચ્હડ્યો અને રાત્રે અને દિવસે, ઘરમાં અને બહાર, એકાંત શોધતો, વિચારમાં ગરક થઈ જતો, અને ઘણીકવાર માબાપની પાસે પણ શૂન્ય હૃદય – શૂન્ય-નેત્ર - શૂન્ય-કર્ણ બનતો. એકલો બેઠો બેઠો હજારો તર્ક કર્યા કરતો, હજારો લોકો પોતાનો નિર્વાહ કેમ ચલાવે છે તેનું સંશોધન કરતો, તેમને ઉપજીવિકાનું સાધન પ્રથમ કેમ મળ્યું એ વિશે ખંતથી પુછતો અને એ સઉ રસ્તા પોતાને વાસ્તે ઉઘાડા છે કે નહી તે વિચારતો. વળી એક રસ્તો અરુચિકર લાગતો. બીજો નિર્ભય નથી. ત્રીજામાંથી લક્ષાધિપતિ થવાય એમ નથી, ચોથામાં તો ઘણીક ખરાબ અડચણો પડે. એવી રીતે ગણતો ગણતો. અાંગળીવડે ભોંય ઉપર, હવામાં, અને કપાળે, મ્હોટાં મ્હોટાં મીંડાં વાળતો અને ગણગણતો કે–-

શું થાશે તેની નહી સમજાણ પડતી કાંય;
વિકળ વિમાસી ભાવિને અમુઝાવું મન માંહ્ય.

વળી આ રસ્તામાં બેવકુફાઈ લાગતી અને અચિન્ત્યો એકાંતે ખડખડ હસી પડતો. અાખરે પાછો ફરી ઠરાવ કર્યો કે નોકરી ખોળવી, પણ થોડાં દિવસ વાટ જોઈ, ધીરજ ખમી, સારી નોકરી કેઈ છે તે ખોળવું અને ખોળી તેને જ મેળવવા યત્ન કરવો. આ સર્વ વિચાર પુત્રના મગજમાં ચાલતા અને તોફાન મચાવતા તે વખત માબાપ તેથી અજાણ્યાં ર્‌હેતાં: તેઓ તો ઘણી વખત પુછતાં કે 'ભાઈ શું કરવું છે ?' પણ જવાબમાં કંઈ સંતોષકારક મળતું નહી.

અા બધા સમયમાં બુદ્ધિધનનો બાહ્ય વ્યાપાર દેખીતો અાનંદમય હતો. તેમાંથી તે કાંઈ કાંઈ ઉપયોગ શોધી લેતો અને તેમાં તેની મા રસ પુરતી. વિદ્યાભ્યાસનો ખાસ પ્રસંગ ન હતો તોપણ કાજીસાહેબ સાથે ઘરનું જુનું એળખાણ હતું તેમની પાસે જઈ ફારસી બેતો મ્હોડે કરતો અને સમજતો અને આખરે તેમાંથી તેનો સ્વભાવ ગંભીર અને શાણા બગલા જેવો થયો. શાસ્ત્રી પુરાણીની કથાઓમાંના સંસ્કારવડે તેનું અંતઃકરણ ઉંચી વૃત્તિયોથી ભરાયું અને સંન્યાસીઓને પ્રસંગે તેમાં શાંતિનો પાટ બેસાર્યો. બ્રહ્મજ્ઞાનના શબ્દ કાનમાં પડવાથી તથા તેના સંસ્કાર સ્ફુરવાથી સંસારી વિષયોમાં પણ ઉંડી વિવેક-બુદ્ધિ (ફીલસુફી) ઉત્પન્ન થતી. અવકાશને વખતે વૃદ્ધ પુરુષો સાથે ગપાટા મારવામાં પણ અાવતા. તેઓએ પોતાની જુવાનીના જોરમાં અને મદમાં પરાક્રમ કરેલાં અથવા ખત્તા ખાધેલા તથા યુક્તિયો રચેલી; તેઓ ફાવેલા, હારેલા; ફસાયલા, લલચાયલા, અને બચેલા. કોઈએ કારભાર કરેલો, કોઈએ વ્યાપાર કરેલો, કોઈએ રંડીબાજીમાં જુવાની ગુમાવેલી, કોઈએ બેવકુફાઈમાં કંઈ જોવાયલું નહી, કોઈએ પ્રમાદમાં થતું થવા દીધેલું, કોઈ ખટપટનો ભોગ થઈ પડેલો; ઈત્યાદિ વાતો અનુભવનારને જ ઘરડે મ્હોંએ કોઈ વાર વગર પસ્તાવે, કોઈ વાર બડાશના સંતોષ સાથે; અને કોઈ વાર નિઃશ્વાસ સાથે થતી તે સર્વનું ટીપ્પણ બુદ્ધિધનના હૃદયમાં થતું. બેતો, કથાઓ, અને ઘરડાઓના ગપાટા, સર્વ વાતો પ્રસંગે તથા અપ્રસંગે પુત્રના મ્હોંથી નીકળતી , તેમાં હોંકારો ભણી ઉમેરો કરી, તેના જેવી જ બીજી વાતો પોતે કહી, ટોળ કરી, ટાળી આપી, 'જોયું અામ થયું તેનું આ પરિણામ' કહી સાર ક્‌હાડી આપી, મા દીકરાને રીઝવતી, કેળવતી, અને રાચતી. આ વાર્તાઓ રસભરી થઈ બુદ્ધિધનના મનમાં ઠરતી અને વજ્રલેપ થતી. બ્રહ્મની પેઠે આ સર્વ માયામચી સૃષ્ટિનો નિર્ગુણ અને નિષ્કર્મ સાક્ષી–કુટુંબનો વડીલ બુદ્ધિધનનો બાપ સાંભળતો અને સઉના અાનંદમાં ગુપ્ત ભાગ લેતો. દાતણને વખતે, ન્હાતાં ન્હાતાં, જમવાની ઘડીએ, વાળું કરતાં, પથારીમાં સુતાં સુતાં, શીયાળામાં તાપતાં તાપતાં ઉન્હાળામાં ચંદની રાતના ગપાટા વખતે, અને ચોમાસામાં અંધારી રાતે કાળાં વાદળમાંથી વર્ષાદ ટપક ટપક થયાં કરતો સાંભળતાં સાંભળતાં - સુવર્ણપુરનાં 'કારભારી કુટુંબ' માં આવી રીતે સંસારશાળા વગર મ્હેતાજીએ, વગર પુસ્તકે વણજાણી ચાલતી. સ્ત્રીજાતની કોમળતા, કલ્પના, પ્રતિભાન, સ્નેહીપણું, રસિકતા, અને માર્મિકતાની લ્હેરો સ્ત્રીબુદ્ધિની અવગણના કરનારના અંતઃકરણમાં સતતગતિ[૧] બની પેસી જતી; અને નદી ઉપર પ્રભાતનો કમલ-સ્પર્શી પવન શરીરના ઉપર જેવી રમણીય, પાચક, અને બલવાન ગુપ્ત અસર કરે છે તેવી જ અસર આ અંત:કરણ ઉપર થતી. બેતો, કથાઓ, શ્લોકો, અને ગપાટા પ્રસાદિક [૨]બુદ્ધિશાળી બાઈએ ભેળવેલા સ્વાદિષ્ટ સંભારથી પચવામાં સુલભ થઈ જતાં.

બુદ્ધિધનના બાપને પરાપૂર્વથી ચાલતું આવેલું વર્ષાસન મળતું. તે વર્ષાસન માત્ર બસેં રૂપીઆનું હતું પરંતુ હાલ તેની કનિષ્ટ અવસ્થામાં કોઈક વખતે મદદ કરનારું થઈ પડતું અને લોકમાં પ્રતિષ્ઠા આપનારું ગણાતું. કારભારી મંડળમાં એ વર્ષાસનથી 'કારભારી કુટુંબ' નું નામ વર્ષે દિવસે અકેકી વાર સ્મરણમાં આવતું. એ શિવાય મૂળ કારભારીયોયે પઇસો એકઠો કરી મુકેલો તથા જમીન હાથમાં રાખેલી તેમાંથી અવદાન ભરવા જોગ ઉત્પન્ન થાય એટલું બાકી રહ્યું હતું. રાજસત્તા હોય તો ઘણી મીલકત ખરી થાય એવી હતી. પણ તેવી સત્તા તો ભૂતકાળની વાત થઈ હતી અને હાલ તેનું સ્વપ્ન પણ કોઈને આવતું ન હતું. પઈસો પઈસાને પેદા કરે છે. પણ આ કુટુંબમાં તો પઈસો ન હતો એટલે સરકાર દરબારને રસ્તે ચ્હડવું અને લાંચ આપી જીતવું મુશ્કેલ થયું હતું. વગવાળા અને પઈસાવાળાઓ પાસે હાથ નીચા પડી જતા અને પોતાના જેવા જ માણસો પ્રતિસ્પર્ધી હોય ત્યારે ન્યાય મળવાનો સંભવ રહેતો અને એ સંભવનો આધાર પણ અમલદારના ઉદ્યોગ, ઉત્સાહ, અને સાવધાનપણા ઉપર રહેતો, અાવું છતાં કુટુંબનો વ્યવહાર ચાલતો અને ઘર ચલાવનારની બુદ્ધિ વેતરણ અને કરકસરથી નામ પ્રમાણે ખરચ રાખ્યું દેખાતું છતાં ઝાઝું ખરચ થતું ન હતું અને કોઈ રીતે લાગે એવી અડચણ પડતી ન હતી અને કેટલીક અડચણો વેઠવાની તો સઉને ટેવ પડી ગઈ હતી. મોજશોખ અપથ્ય ગણતાં; અને કુટુંબને અાનંદ, વૈભવ, અને ભોગ મા દીકરાના ત્હાડા પ્હોરના ગપાટાની બાંધી હદમાં રહેતા.

બુદ્ધિધનનો વિવાહ એના જેવા જ કુટુંબની કન્યા સાથે થયેા હતો અને તે નમાઈ હોવાથી સાસુના હાથ નીચે ઉછરી હતી એટલે ગજાપ્રમાણે કુશળ થઈ હતી. તેનું નામ સસરાયે પાડ્યું હતું અને નિર્ધનના ધન–વરકન્યા–ઉપર રંક 'કારભારી કુટુંબ' સુતું ઉઠતું હતું.


  1. ૧. પવન; હંમેશા ચાલનાર.
  2. ૨. ઈશ્વરની કૃપાથી જ મળેલ.

એમ દિવસ ચાલ્યા જતા હતા અને રંક કુટુંબ ઉપર ઉન્મત્ત પ્રમત્ત જગતમાંથી કોઈ પણ અાંખ ફરકતીયે ન હતી. સૂર્ય-કિરણનાં દર્શન કરવા વગર જમીનની અંદર કોઈ બળવાન ઝાડનું બીજ-વધતું જાય તેવી અવસ્થા બુદ્ધિધન ભોગવતો હતો, તેમ વિપત્તિનો તાપ તેના ઉપર પડ્યો ન હતો. મ્હોટાં થવાની ઈચ્છા શિવાય તેના મનમાં પણ બીજું કાંઈ ચિંતાનું કારણ ન રહેતું, અને આ ઇચ્છા એક જીર્ણજ્વર જેવી તેના મનમાં રહ્યાં કરતી. એ વ્યાધિની હયાતી ઘરમાં કોઈ જાણતું ન હતું. માત્ર જાતે જ એકાંત સમયે તેની સહજ પીડા અનુભવતો.

આવી અવસ્થા પણ ઘણા દિવસ ન ટકી. વિપત્તિનું વાદળ ઉછરતા છોડ ઉપર તુટી પડવા લાગ્યું. બાપનું મરણ અણચિંતવ્યું વિષૂચિકાથી[૧] થયું. આ બનાવ સારુ બુદ્ધિધન જરા પણ તૈયાર થયો ન હતો. અજાણ્યા અચિંત્યા થતા ઘાની પેઠે તે તેને લાગ્યો. તેનું બળવાન મન ઘડીક ચુર થતું જણાયું. તેના સ્વભાવને લીધે ગમત કરનાર જુવાન જગતમાં તેના સમાનશીલવ્યસનવાળું કોઈ ભાગ્યે મળી શકે એમ હતું. ગરીબ અવસ્થાને લીધે પઈસાવાળા ખુશામત શિવાય મિત્રતાનાં બીજાં દ્વાર બંધ રાખતા. ગરીબ લોકોમાં કુલીનસંસ્કાર ન મળતો. અને કોઈ એમ છતાં મિત્ર થવા જેવો મળે તો બુદ્ધિમાં અંતર રહેતું. આથી થયું એ કે બુદ્ધિધન મિત્ર વગરનો રહ્યો અને ખરી વિપત્તિને સમયે તેના મનનું ઐૌષધ કરવા તેની મા વગર બીજું કોઈ હતું નહી અને તે માને પણ વૈધવ્યદુ:ખ પડવાથી તેના મનની સંભાળ લેવી એ પણ હવે ખરેખર એકલા પડેલા બુદ્ધિધનને માથે ફરજ થઈ પડી.

અાટલાથી જ વિપત્તિનું ઝાપટું પુરું થયું નહી.

जीवतो वाक्यकरणात् मृताहे भूरिभोजनात् ।
गयायां पिण्डदानेन त्रिभि: पुत्रस्य पुत्रता ॥

બ્રાહ્મણ-સંસ્કારવાળા પુત્રને આ શ્લોક ઘણો વ્હાલો હતો અને ૨મણીય લાગતો. સુધારાવાળાઓની પુત્રતા પોતાની રુચિને અનુસરતી રીતે પિતાનું નામ લોકપ્રસિદ્ધ કરવામાં વિકાસ પામે છે. બુદ્ધિધનની પુત્રતા પિતાની રુચિને અનુસરતી રીતે વર્ત્તવામાં સ્ફુરવા ઈચ્છતી હતી. ઘણી ચિંતા કરી, આમ તેમથી પૈસા એકઠા કરી શ્રમ વેઠી, અને એવી એવી અનેક વર્ત્તમાન તથા ભવિષ્ય વિપત્તિયો માથે વ્હોરી તેમ કરવામાં પિતાના મરણનો


  1. ૧. કૉલેરા, કેાગળીયું.
શોક વ્યવહારવિપત્તિયોમાં લીન કરી બુદ્ધિધને શાસ્ત્રોક્ત પુત્રતા અનુભવવા

માંડી. આ વિપત્તિયોના કુહાડા ખમી ખમી ચંદન વૃક્ષ જેવો બાળક શરીરે ક્ષીણ થતો ગયો અને તેના અંતર્યામાંથી બુદ્ધિગંધ બ્હેંકવા લાગ્યો. ચારે પાસ વિપત્તિયોની ભીડ થઈ રહી હતી તેને બળવાન બાહુવડે હડસેલી હડસેલી ધક્કાધક્કી વચ્ચેથી આગાડી ધપી સંસારસુખની ઝાંખી ખોળવામાં પાછળ રહી ગયેલા ભૂતકાળ ઉપર નજર નાંખવાનો અવકાશ ન રહ્યો; અને તે નિમિત્તે વિપત્તિયોની વધતી ભીડમાં ચગદાતો બાળક એકલો બળ અજમાવવા લાગ્યો.