સર્વગોચર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
સર્વગોચર
અરદેશર ખબરદાર


નાથ! જ્યાં જ્યાં હું જોઉં ત્યાં તું જ રે!
તું જ ખીલી રહ્યો વિશ્વકુંજ રે,
નાથ! બીજે ક્યાં જઈ શોધવો એ જી?

કનકે રેલ્યાં દ્વારથી રે
દીસે સૂર્યભર્યો તુજ હાથ;
જ્યોતિફુવારા ફોરતો
સૌને તેમાં ઝગાવે સાથ રે;
નાથ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી?

સંધ્યા ઉષાના કેશમાં રે
તારી અંગુલિઓ કરે ગેલ;
પળપળ નવનવ રંગમાં
તેમાં રેલે હ્રદયરસ રેલ રે!
નાથ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી?

કાળી અંધારી રાતમાં રે
તારી દિવ્ય ચરણરજ સોહ્ય;
અનંતતાના પંથમાં
તારકપગલી પડી સહુ જોય રે!
નાથ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી?

સાગર કેરી ઊર્મિમાં રે
તારા ઊછળે સનાતન સૂર;
તેમાં અબોલ ઊંડો વહે
પેલો નાદ ભરપૂર રે!
નાથ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી?

ફૂલે ફૂલે નૂર ઝૂલતું રે!
તારો શ્વાસ સુગંધિત વાય;
થળ થળ લીલા લસી રહી
તારું હ્રદય બહેકાવે માંહ્ય રે!
નાથ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી?

પ્રાણી પ્રાણીના પ્રાણમાં રે
ઝળે તારું જ ચેતન એક;
ઠોકી રહ્યો ઉરબારણાં;
તારો ગજવું અદલ અહાલેક રે!
નાથ! બીજે ક્યાં જઈ તને શોધવો એ જી?