સવિતા-સુંદરી/આમૂખ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સવિતા-સુંદરી
આમૂખ
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
આશાદાન →સવીતા-સુંદરી.


પ્રકરણ ૧ લું.

આમૂખ.
સાવન સરિત ન રૂકૈ કરૈ, જે જતન કોઉ અતિ;
કૃષ્ણ ગ્રહ્યો જિનકે મન તે, ક્યૌં રુકહિં અટલગતિ.
[નંદદાસજીની પંચાધ્યાયી.

ષોડશ વર્ષને પહોચેલી કુલીન કુમારી સુંદરી એક દિવસે પાછલા પોહેરે પોતાના એકાંત ભુવનમાં ચિંતા કરતી ને નિશ્વાસ નાંખતી બેઠી છે.

સુંદરી એ કોણ છે ?

ખેડાના કુલિન બ્રાહ્મણ વિગ્રહાનંદની પુત્રી છે; ને તે હમણાં વડોદરામાં પોતાના માતામહને ત્યાં રહી છે.

વિગ્રહાનંદ કેવા બ્રાહ્મણ છે ?

વિગ્રહાનંદ એ કુળને ઉચું પદ આપનારા પણ ગુણને ઠેસ મારનારા ઐદિચ સહસ્ત્ર બ્રાહ્મણ છે.

વડોદરાએ ગાયકવાડની રાજનગરી છે, ત્યાંની કન્યાશાળાને દિવાન મણીભાઈએ, કેળવણીખાતાવાળા હરગોવિંદદાસને સહાયમાં રાખીને, ગાયકવાડ મહારાજ શિયાજીરાવની સંમતિથી અપૂર્વ બનાવી દીધી છે.

સુંદરીએ આ કન્યાશાળામાં બહુ ચિત દઇને અભ્યાસ કીધો છે. તેનો હજી વિવાહ થયો નથી. સુંદરી ભણેલી ગણેલી હોવાથી તેના વિચાર ઘણા સુધરી ગયા છે, તે ઘણી સમજુક છે, પણ વયે પહોચવાથી હવે તે ચિંતામાં પડી છે.

વસંતઋતુનો સમય છે, ને મંદ મંદ પવન આવે છે તેટલું છતાં સુંદરીના પ્રફુલ્લ શતદળ સદૃશ મોઢાની પ્રભા ક્ષીણ થઇ છે. તેના નેત્રના પક્ષ્માગ્રભાગમાં બેચાર મોતી જેવા અશ્રુબિંદુ જણાય છે. નેત્રમાંથી પડેલા અશ્રુઓ ગાલ અને પગ ઉપર પડીને મેઘમાળાપેરે શોભી રહ્યા છે. ઉજ્વળ ગૌર કાંતિ વિદ્યૂતની પ્રભાપેરે વિકર્ણ ઝળકી રહી છે. આ વખતે સુંદરી નિચું માથુ કરીને રડતી હતી. એટલામાં તેના કાનપર કોઇ શબ્દ સંભળાયા. સુંદરી ચમકી ઉઠીને બારણા તરફ નજર કરી; તો જણાયું કે તેની માતા ગુણવંતગૌરી તેની તરફ આવે છે. આ જોતાંજ સુંદરીઓ આંખો લુછી નાંખી ને સેાય લઇને શીવવાને મંડી પડી. ગુણવંતગૌરીએ ઓરડામાં પેઠા પછી ચારે તરફ નજર કીધી ને જ્યાં સુંદરી બેઠી હતી ત્યાં ગઇ. સુંદરીએ મોઢું ઉચું કરીને જોયું નહીં, પણ તે તો જાણે સીવવામાંજ રોકાઈ ગઈ હોય તેમ સીવીજ ગઇ. તે પરથી તેની માતાએ ધાર્યું કે તે સીવવામાંજ રોકાઇ છે, ગુણવંતગૌરી થોડીકવાર તો ચૂપ બેસી રહી, પણ ઘણીવાર થઇ ત્યારે બોલી, “અલિ સુંદરી, આજ કેમ તું મુંગીજ બેસી રહી છે?”

સુંદરી મોઢું ઉંચું કરીને હસી, ને ધાર્યું કે મારા હસવાથી, માતા મારા મનનો ઉદ્વેગ ને ભાવ સમજી શકશે નહીં, પણ તેની આ ચેષ્ટા નિષ્ફળ ગઇ. ગુણવંતગૌરીએ તેના મોઢાપર વિખિન્નતાના ચિહ્ન ખુલ્લા જોયા, એટલે ફરીથી પુછ્યું, “આજ તને શું થયું છે ?” સુંદરીએ ફરીથી માતા સામું જોઇને હસવાનો પ્રયત્ન કર્યો, પણ આશાનું રૂપ કૃત્કાર્ય કરી શકી નહીં. ઉલટું હસવાની સાથે બંને આંખોમાંથી દડદડ આંસુઓ પડવા લાગ્યાં. તે જાણે ચાંદની અને મેઘજળ એક સાથેજ ૫ડ્યા હોય તેમ લાગતું હતું. ગુણવંતગૌરી, સુંદરીને પોતાના પાસામાં દાબીને બોલી, “બેહેન, એમ ચિંતા કરીને શું કરશે ? અદૃષ્ટમાં લખેલું કોઇ ફેરવી શકનાર નથી.” પણ માતાનું આ સકરૂણ કેહેવું સાંભળીને સુંદરી પૂર્વ પ્રમાણે વધારે વધારે રડવા લાગી.

સુંદરી ઘણી શ્યાણી કન્યા છે, જન્મથીજ તે પોતાના માતામહને ત્યાં રહી છે. એના પિતાને ચાર સ્ત્રીઓ છે, જેમાં એક સ્ત્રીને એક કન્યાને એક પુત્ર થયો છે, ને એકને માત્ર એક કન્યાજ છે. બાકીની બેને કશું સંતાન થયું નથી. સુંદરીની માતાને માત્ર તેજ એકલી છે, વિગ્રહાનંદ, સુંદરીના પિતા, જે સ્ત્રીને પુત્ર પુત્રી થયાં છે તેની સાથે ઘરસંસાર ચલાવે છે, અને બાકીની ત્રણના સરસમાચાર પણ પુછતા નથી કે તેઓ મૂવાં છે કે જીવતાં. વખત વિતતા સુંદરી વિવાહને યોગ્ય થઇ; ત્યારે તેના મામાએ કોઇ પાત્ર વર સાથે વિવાહ કરવાને વિગ્રહાનંદને પત્ર લખ્યો, પણ તેઓએ આ પત્ર પર કોઇ ધ્યાનજ આપ્યું નહીં. તેએા તો એમજ સમજતા હતા કે સુંદરીને કોઈ સત્પાત્ર કુલીન પતિ સાથે પરણાવવી એ તેના મામાનું આવશ્યક કર્મ છે. વળી સુંદરીની આજીએ(દાદી) પણ પત્ર લખીનેવિગ્રહાનંદને જણાવ્યું હતું, અને ત્યારે તેએાએ વરને શોધવા માટે ઘણો પ્રયાશ કીધો; પણ વિગ્રહાનંદને પોતાના કુળસમાન કોઈ યોગ્ય જમાઇ મળી આવ્યો નહીં.

આ પ્રમાણે સુંદરીને માટે પતિની શોધ થાય છે, એવામાં એક યોગ્ય જમાઈ ગુણવંતગૌરીને જડી આવ્યો. આ જમાઇ આશરે બાવીસ વર્ષનો છે. તેનું નામ સવીતાશંકર છે. સુંદરીના મામાના ઘરની પાસે, સવીતાનો બનેવી નેત્રનું ઐાષધ કરવાને માટે બહારગામથી આવીને ભાડાના ઘરમાં રહ્યા હતો. તેના બંને નેત્રને પડળ ફરી વળ્યા હતા, ને ઘણા ઘણા ડાક્તરોના ઉપાય કીધા પણ કંઈપણ ટીક્કી લાગી નહોતી. સવીતા, ગાયકવાડની કોલેજમાં અભ્યાસ કરતો હતો, તે નિરંતર બનેવીની ખબર લેવાને આવતો હતો. સવીતા ઔદિચસહસ્ત્ર હતો, તેની વિદ્યા પ્રાપ્તિ અને સ્વરૂપ સુંદરતા, તથા નમ્રતા જોઇને ગુણવંતગૌરીએ તેને પોતાનો જમાઇ કરવાનો દૃઢ ઠરાવ કીધો. સવીતા જાતે ઘણો શાણો હતો, બુધ્ધિશાળી હતો, પણ તેનું કુળ ન્યાત જ્યાતમાં માન્ય નહોતું તેથી તેનો અત્યાર સુધી વિવાહ થયો નહોતો.

જે જે ન્યાતોમાં કુળ શોધવામાં આવે છે તે બીજી બધી વાતમાં કશી પણ તપાસ કરતા નથી - રૂપ, ચાલ, ચાતુરી, વિદ્યા, દ્રવ્ય કશા પર લક્ષ દેવામાં આવતું નથી, માત્ર કુળ કુળવાન હોય ને તે જો અંધ હોય, દુરાચારી હોય, વિદ્યાહિન હોય, દ્રવ્યહિન હોય તો પણ તેને કન્યા આપવામાં આવે છે. કુલીનના કશાયે દોષ જોવામાં આવતા નથી. જેને ન્યાતે અકુલીન માન્યા હોય તે સર્વ ગુણ સંપન્ન હોય તો પણ તેને કન્યા મળતાં વિલંબ લાગે છે. જેમ તેને કન્યા મળતી નથી તેમ તેના ત્યાંની કન્યા કોઈ લેતું પણ નથી.

સવીતાના કુલીનપણામાં કશી ખાંમી નહોતી, પણ તેના વડવાઓની સાતમી આઠમી પેઢીએ કોઈકને ગાયકવાડ સરકારના નાણા ઉચાપત કરવાના આરોપ માટે શિક્ષા થઇ હતી ને તેથી તેનું કુલીનપણું નિંદિત થયું હતું.

ગુણવંતગૌરીને કુળને માટે જરાપણ સદ્ભાવ નહોતો. તેના પિતાએ તેનો વિવાહ ન્યાત્યાચાર પ્રમાણે કુલીનને ત્યાં કીધો હતો, પણ તે બાપડીને સાસરામાં સાસુ સસરા તરફનું કે સ્વામિ તરફનું યત્કિંચિત પણ સુખ મળ્યું નથી. તે પોતાના પિતાને ત્યાં રહીનેજ કાળ નિર્ગમન કરતી હતી. તેની બાલ્યાવસ્થાનો કાળ તો મહા કષ્ટે નિકળ્યો હતો. તેના ધણીએ એક બે ત્રણ ને ચાર સ્ત્રી કીધી હતી, તેમાં એક શિવાય બાકીની ત્રણે પોતાના પિતાનેજ ત્યાં નિર્વાહ કરતી હતી. જ્યારે જ્યારે તેઓમાંથી કોઇ સ્વામિને ત્યાં જતી હતી ત્યારે ત્યારે તે પિતાને ત્યાંથી સુ૫ડાથી તે ટોપલા સુધી સર્વે લઇ જતી; તેા પણ કોઇ જાતનું સુખ મળતું નહોતું.

આ સર્વે ભવ વિટંબણાનો પાકો અનુભવ મળ્યા પછી ગુણવંતગૌરી પોતાની શ્હાણી પુત્રીનો વિવાહ કુલીન મૂર્ખ કરતાં અકુલીન સજ્જન ને વિદ્વાન સાથે કરવાને બહુ ઉત્સુક્ત હતી.

સવીતાની સજ્જનતા ને વિદ્વતા નિહાળી, તેનું ચાતુર્ય જોઇને ગુણવંતગૌરીએ નક્કી કીધું કે આ જમાઇ મળે તો ઘણું યોગ્ય; અને તેથી આ વાર્તા તેણે પોતાના ભાઇને કીધી. તેના ભાઇનું નામ ગોકુળરાય હતું. ગોકુળરાયજીને ભગિનીની વાર્તા પસંદ પડી; ને તેણે સવિતાના કુળની તપાસ કીધી, તો તેનું કુળ વિગ્રહાનંદના કુળ કરતાં નિચું જણાયું. આ વાત જાણતાંજ તેનો આનંદ દુ:ખરૂપ થઇ ગયો; કેમકે પસંદ કરેલો જમાઇ વિદ્યા, રૂપ, ચાતુરી, બુદ્ધિ સર્વમાં શ્રેષ્ઠ છે, પણ દુ:ખરૂ૫ એ છે કે તેનું કુળ નિચું છે, તે વિગ્રહાનંદ તેને પોતાની કન્યાનું દાન શી રીતે આપવા તત્પર થાય ? આથી તે વિચાર વમળમાં ગુંચવાઈ ગયો.

હવે ગુણવંતગૌરીએ સવીતાને જે રીતે જોયો છે તેજ રીતે એક દિવસ સુંદરીએ પણ તેને જોયો. એક દિવસે તે પોતાના ઓટલાપર બેઠી છે તેવામાં સવિતા પોતાના બનેવીની ખબર લેવાને આવ્યો. સવીતાને જોતાંજ સુંદરીના નેત્રો પૂર્ણ પ્રકાશથી તેનાપર આકૃષ્ટ - એક તાર થઈ ગયાં. પ્રણવનો[૧] હંમેશાં એ જ રીતે પ્રારંભ થાય છે. તપાસ કરીને, સ્વભાવ જોઈને, વિદ્યાની પરિક્ષા કરીને કહો કોનો કોના પ્રત્યે પ્રેમ ઠસે છે ? અગ્નિ વાયુનો સ્પર્શ થતાંજ જેમ પ્રજ્વલીત થઈ પૂર્ણ પ્રકાશે છે, કંઇ કાષ્ટમાં રહીને ધુંધવાઈને બળતો નથી, તેમ પ્રેમ દર્શન થતાંજ ઉત્પન્ન થાય છે, ધીરેધીરે પ્રેમ ઉત્પન્ન થયો છે એવું કહો ક્યારે બન્યું છે ?

રોગી મનુષ્ય વિશ્રામ લાભની આશાએ જેટલીવાર


  1. પ્રેમ.
પાસુ બદલે છે તેટલી તેની નિદ્રા દૂર

જાય છે, એજ પ્રમાણે પ્રેમીજન પ્રેમને જેટલો છુપાવવાનો પ્રયત્ન કરે છે તેટલો જ તે પ્રકાશ પામે છે. થોડા દિવસમાં ગુણવંતગૌરી સુંદરીના મનનો ભાવ જાણી ગઈ. પરંતુ સવીતા, તેના બાપના કુળ કરતાં નિચા કુળનો છે, તેથી સુંદરીનાં તેની સાથે લગ્ન થાય એ અસંભવીત છે એવું મનમાં આવવાથી, તેણીએ પોતાની કન્યાને નાના પ્રકારનો ઉપદેશ દઇને સવીતાની વાત મનમાંથી કહડાવી નાંખવાનો પૂર્ણ પ્રયત્ન કરવા માંડ્યો. આ પરથી તે સુંદરીને ઓટલા૫ર પણ બેસવા દેતી નહોતી. કદી તેને કામકાજ વગરની બેઠેલી જોતી તો કાંઇને કાંઈપણ કામ સોંપી દેતી હતી. પરંતુ મેઘના જળનો અટકાવ કરવાની કોની શક્તિ છે ? સુંદરી કોઇ વખતે પણ એકલી પડતી કે તે પોતાના મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક કરીને સવીતાને સંભારતી હતી. તે મનમાં બોલતી કે, “હાય હાય ! માત્ર કુળને માટેજ આવા ભણેલા ગણેલા સાથે મારાં માતા પિતા મારાં લગ્ન કરતાં નથી, ને મને કોઈ મૂર્ખ ઢોરને ગળે બાંધશે ? અરે ! જળો એ કુળ ! જ્યાં સ્ત્રીઓના સન્માન નહીં તેને કુલીન કોણ કહે ?” જો તેની માતા ઘડીભર દુર જતી તો તે ઝટપટ સવીતાને જોવાને ઓટલે આવતી ને ઇચ્છતી કે પરમાત્મા મારો સબંધ એની સાથે કરે તોજ હું કૃત્કૃત્ય થઇશ. સવીતા પોતાના બનેવીને જોવાને નિત્ય આવતો હતો. જોકે પોતાના બનેવીની નેત્રપીડા કંઇક એાછી થઈ હતી, પણ સવીતા તેથી કંઈ આળસ કરીને નહીં આવતો એમ બનતું નહોતું; પણ તે તો વધારે વધારે આવતો હતો; ને સુંદરીને જોતાં તેના જેવી કન્યા સાથે લગ્ન થાય તો જન્મારો સફળ થયો એવું તેને ક્ષણભર લાગ્યું.

એક દિવસે સવીતાશંકર પોતાના બનેવીને મળવા માટે આવ્યો હતો, તે વેળાએ, તે જ્યાં સુધી પોતાના બનેવીના ઘરમાં હતો ત્યાંસુધી સુંદરી અનિમેષ લેાચનથી તેની તરફ જોયા કરતી હતી, ને તે જ્યારે પોતાની કોલેજમાં ગયો ત્યારે સુંદરી ઘરમાં આવીને દિલગીર થઇને બેઠી. અજ્ઞાતભાવથી તેના નેત્રમાંથી આંસુ પડ્યાં, પણ તેટલામાં ગુણવંતગૌરી સુંદરીના ઓરડામાં આવી ને તેની આ અવસ્થા જોઇને તે બહુ બહુ પ્રકારે તેનું સાંત્વન કરવા લાગી.