સવિતા-સુંદરી/સોચના

વિકિસ્રોતમાંથી
← કુલીન જમાઈ સવિતા-સુંદરી
સોચના
ઇચ્છારામ દેસાઇ
૧૮૯૧
સ્વપત્નિ સંભાષણ →


પ્રકરણ ૭ મું.

સોચના.

વહ સુંદર રૂપ વિલોકી સખી,
મન હાથ તે મેરો ભગ્યો સો ભગ્યો;
ચિત્ત માધૂરી મૂરતિ દેખતહી,
હરિચંદ જૂ જાય પગ્યો સો પગ્યો;
મોહિ ઔરનસો કછૂ કામ નહીં,
અબ તો જો કલંક લગ્યો સો લગ્યો;
રંગ દૂસરો ઔર ચઢૈગો નહી,
અલિ સાંવરો રંગ રગ્યો સો રગ્યો.
[પ્રેમમાધુરી.

વિગ્રહાનંદ જમાઈરાજને તેડીને આવ્યા તે ખબર સુંદરીને તેની સખી મેાતીગવરીએ આપી. આ સમાચાર જાણતાંજ સુંદરીના હોંસ કોશ ઉડી ગયા; કેમકે તે માનતી હતી કે તેના પિતાએ જે મંગળમૂર્તિ પસંદ કરી હશે તે તેના સંસારને દુ:ખ દાવાનળ સમાન કરવાને બસ થશે. જેવા તેના પિતા ઘરમાં આવ્યા તેવીજ તે પડશાળમાં આવીને પોતાના પિતા, જેના દર્શન જન્મ પછી બીજીવાર આજેજ થયા તેના, અને પોતાના ભવિષ્યના પતિના દર્શન કીધાં કે તે એકદમ બાવરી બની ગઈ. તે તુરત પોતાના ઓરડામાં એકાંતે ગઈ ને એકદમ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, તેટલામાં તેની સખી મોતીગવરી પણ આવી પહોંચી. તેણે સુંદરીને સોડમાં લઈ શાંતિ આપવા માંડી, પણ સુંદરીનું હૃદય ભરાઈ આવ્યું હતું, અને તેણે પોતાની માતાનું દુ:ખ જોયું છે એટલે તે જરા પણ ધૈર્ય ધરી રહી નહીં, તે બોલી, “બેહેન મોતી, તું શું મને હવે ધૈર્ય આપે છે? આ મારો મનખો તો હવે એળે ગયોજ સમજજે. મારા પિતા, કોણ જાણે મારા કીયા જન્મના શત્રુ છે, તે આજે મને દુ:ખ દાવાનળમાં હડસેલી પાડીને કૃત્કૃત્ય થવા ઇચ્છે છે. રે હું મરી ગઈ હોત તો ૫ણ વધારે સારૂં થાત. મારૂ ભણ્યું ગણ્યું સર્વે અવસ્થા ગયુંજ તે હવે હું સારી રીતે સમજુ છું. મારા દુ:ખનો કશો પણ આરો આવે તેમ નથી."

મોતીગવરીએ કહ્યું, “પણ આમ શોક કરવાથી કંઇ આવેલું સંકટ જવાનું છે. તેનો ઉપાય કરવો જોઇએ. ધીરજ એ સઉથી મોટી વસ્તુ છે. ધૈર્ય ધર ને ઉપાય કર.”

સુંદરી બોલી, “ શું ઉપાય કરૂં ? હું જાણું છું કે મારી જ્ઞાતિમાં સવીતા જેવા સારા ભણ્યા ગણ્યા ઘણાજ થોડા છે, ને તેની સાથે મારા લગ્ન થયા હોય તોજ હું સુખ પામું તેમ છે. પણ ઓ ઈશ્વરા ! ઓ નોધારાનાઆધાર, કરુણાસાગર, દયાસિંધુ, તું આ વેળા મારી કંઇ સહાય કરશે નહીં ? જો તેં મને આટલે સુધી જ્ઞાન આપ્યું નહોત, ભણાવી નહોત, જો તેં મને જ્ઞાનચક્ષુ આપ્યા ન હોત, જો તેં મને આંધલીજ રાખી હોત તો બેશક હું મારૂં જીવન આ મારી બીજી બેહેનો પેરે ગમે તેમ ગાળત, પણ તેં મને સમજણ આપી, સારા નરસાની પરીક્ષા કરવાની શક્તિ આપી, અને પછી આવી રીતે આજે મને મરણ શરણ કરતા પણ વધારે ભુંડો જે સંસાર તેમાં નાંખવા તૈયાર થયો છે શું ? રે પ્રભુ, સહાય કર, ને તારે આધારે આવેલી બાળકીને તાર.”

મોતીગવરી બોલી, “બેશક તે તારશે, બેશક તે તને બચાવશે. ”

બેશક ઈશ્વરેજ તેવો બચાવ કીધો, અને ઈશ્વર જ તેને સહાય થયો.

સુંદરીનો કરુણસ્વર સાંભળીને મેાતી પણ રડવા લાગી. તેના દુ:ખનો વિચાર આવતાંજ તેનું મન પણ છિન્નભિન્ન થઈ ગયું. તે રડતાં રડતાં બોલી, “બેહેની, તું રડે છે શું કામ ? ચાલ આપણે કંઇ કરીયે, ને આ મોતમાંથી તને ઉગારીએ. ”

એટલામાં ગુણવંતગૌરી નિરાશ પગલે જ્યાં આ બે જણી બેઠી હતી ત્યાં આવી પહોંચી.

વિગ્રહાનંદ જે જમાઈને પસંદ કરીને, કાગડાની કોટે રતન બાંધવાને તૈયાર થયા હતા, તે જમાઈરાજને જોતાંજ ગુણવંતગવરી અત્યંત ઉદાસ થઈ ગઈ. તેણીએ પહેલા તો એમજ ધાર્યું હતું કે તેના ધણી, કંઇ નહીં તો, સવીતાથી શ્રેષ્ઠ તો નહીં, વિદ્વાન તો નહીં, પણ કોઈ તરૂણને પોતાની દિકરીને માટે પસંદ કરી આવશે; પણ આ વિઘ્નસંતોષીરામના જેવા જમાઈજી આવશે એવું તો તેના સ્વપ્નામાં પણ નહોતું. કદાચ સવીતાશંકરને ગુણવંતગૌરીએ જોયો નહોત તો તે આ વિઘ્નસંતોષીરામને નિરખી આટલી બધી કોપાયમાન ન થાત એમ નથી. પણ આ જમાઈરાજની સુંદરતા, વિદ્વતા સર્વે જોઈને તેને તો પગથી તે માથા સુધી આગ લાગી. કન્યા રૂપગુણ સર્વેમાં શ્રેષ્ઠ હતી, ત્યારે વરરાજા કોઈ મહામૂર્ખ શિરોમણી જણાતા હતા; તેમાં એકવાર સવીતા જેવા ગુણસં૫ન્નને જોયા પછી આવા અપાત્રને, કેવળજ અપાત્રને, પોતાની કન્યા આપવી તેના કરતા વિશ્વામિત્રીમાં ઝંપાપાત કરાવવો ગુણવંતગૌરીને વધારે યોગ્ય લાગ્યો. જ્યારે સારો જમાઇ મળે ત્યારે નઠારાને કોણ પસંદ કરે ? અને તેમાં વળી ગુણવંતગવરી જેવી, પોતાની એકની એક કન્યાને, આવા કુરૂપડા, ઘરડા, પલીયેલ, ભીખારડાને કેમ સમર્પણ કરે? નહીંજ કરે.

આવા વિચારમાં ગુંથાઈ ગયેલી ગુણવંતગવરી સુંદરીના ઓરડામાં આવી; તેમાં જ્યારે તેણીએ પોતાની દિકરીને ચોધારે રડતા જોઈ, ત્યારે તો તેનું કાળજું ફડકવા લાગ્યું. સુંદરી પાસે જતાંજ મા દિકરી સારી પેઠે રડી પડ્યાં; ને સાથે મોતીગવરી પણ રડી.

પછી ગુણવંતગવરી બોલી, “બેહન, રડ ના, તારા નસીબમાં જે લખ્યું હશે તે કોણ મિથ્યા કરી શકે તેમ છે ? ”

સુંદરી–માડી, તું પણ શું એમજ કહે છે કે ? રે નસીબ નસીબનું શું કરે છે ? મારું નસીબ તો રૂડું છે, પણ તું હાથે કરીને ભુડું કરશે તો તેમાં હું કોનો દોષ કાઢું ? જ્યારે વાડ થઇને ચીભડા ગળશે તો પછી સેાંઘી વસ્તુ ક્યાંથી મળશે?

ગુણવંતગવરી-પણ હવે હું શું કરું ?

સુંદરી-મારા ગળા પર છરી ફેરવ એટલે બસ. તેં મને જન્મતાજ દુધ પીતી કીધી હોત તો પછી તારે ને મારે કંઇ સંતાપ નહોતો. પણ તેં મને ઉછેરી પાછેરી મોટી કરી, ભણાવી ગણાવીને સમજણી કીધી, સારા નરસાની મને સમજણ આપી, ન્યાતમાં વર નહીં મળવાથી તેં મને આટલી બધી મોટી ઉંમરની કીધી, મારે દુ:ખે દુ:ખી પણ થઇ, તે હવે શું મારે દુ:ખે તું સુખી પણ થવા ધારે છે કે ? તું વિચાર કર, કે મને તું કોની સાથે પરણાવવા ધારે છે ? મારા પિતા તો તારા સદાના શત્રુ છે, તે મારા કેમ સ્નેહી હોય ? તું મને એક ઘોર અંધારા કૂવામાં ફેકી દે તે વધારે સુખદાયી છે, પણ તું મને આ ભેસપતિ જેવા સાથે નહીં પરણાવશે ! !

ગુણવંતગવરી – પણ આપણા ન્યાતિ ચાલ પ્રમાણે તારા પિતાના સમાન કુળવાળા સાથે તારા લગ્ન કરવા જોઇયે, જો તેમ નહીં કરીએ તો તારા પિતાના કૂળને હંમેશનું લાંછન લાગે, તો કહે હું શું કરૂં ? કોઈ બીજો કુલીન જમાઇ નહીં મળે તે પછી તારો, મારો ને તારા પિતાનો શો ઇલાજ છે ?

સુંદરી - ઓ મા, તું કુળની વાત પડતી મૂક, ને મારા કોઇ સુપાત્ર સાથે લગ્ન કર. કૂળ કૂળ શું કુટ્યા કરે છે ? જેનામાં સ્ત્રી પોષણનું સામર્થ નથી, જેણે એક બે નહીં પણ અગિયાર મારા જેવી કુંવારકાઓના ગળા પર છરી ફેરવી છે, જે એક રીતે સ્ત્રી હત્યારો છે, બાળ હત્યારો છે, જે ભિક્ષા માંગીને મહાકપટે પેટ ભરે છે, જે વલી વૃધ્ધ, વળી કુરૂપ, વળી પતિ ધર્મ નહીં જાણનાર એવો છે, તેને તું શું કુલવાન કહે છે ? અરે ! એવા કુળવાનના કુળપર આગ લાગે, એવા કુલવાનને જે પોતાની નિર્દોષ કન્યા પરણાવવાની ઇચ્છા કરે છે તેનાપર પ્રભુનો કોપ ઉતરે.

ગુણવંતગવરી - પણ મારાથી કંઇ થઇ શકે તેમ નથી તેનું કંઇ? હું શું કરૂં ?

સુંદરી - મને ન પુછ, તારા મનને પુછ. નહીં તો હું તને ખાત્રીથી જણાવું છુ કે આવા મનુષ્ય સાથે પરણવા કરતા હું મારો દેહ ત્યાગ કરીશ, જનની, તું શું મને મરણ પામેલી જોવા ચાહે છે ? મારૂં રક્ષણ તું નહીં કરી શકે તો કોણ કરશે ? વિચાર કર, ને જે યોગ્ય પુરૂષ છે, જેને તે તારા મન સાથે યોગ્ય ગણ્યો છે તેને મુકીને મને આવા મૂર્ખ સાથે નહીં પરણાવ. મારા શિક્ષકબાઇએ એક વખત કહ્યું હતું કે સંકટ આવે ત્યારે પ્રભુ સ્મરણ કરીને હિંમત રાખીને કાર્ય જે કોઈ કરે છે તેનું કાર્ય સિધ્ધ થાય છે. તું હિમત પકડ, મારા આ આસું તરફ જો, ને પછી શું કરવું તે તારા મનને પૂછ. જોઇયે તો મને લગ્ન પહેલા મરેલી જો, અથવા રૂડે ઠેકાણે પરણાવેલી જો.

ગુણવંતગવરી, સુંદરીનું આ ભાષણ સાંભળીને સકડજ થઈ ગઈ તેનું મન જરા ધચુપચુ હતું તે હવે દ્રઢ થયું, ને તેણે મનમાં નિશ્ચય કીધો કે ગમે તેમ કરીને પણ મારી આ સુલક્ષણ પુત્રીનું સંરક્ષણ કરવું એ ભારે ધર્મ છે, ને તે ધર્મ હું બજાવીશ. તે તુરત સુંદરીના કાનપર પડી ને કંઈ બોલી, જેથી સુંદરી સહેજ મલકાઇ, પણ તેનુ મન ધડકતું હતું. મા તરત ચાલી ગયા પછી બંને સખી એક બીજીને પ્રેમથી ભેટી. મેાતીગવરીએ કહ્યું, “જો તું ધૈર્ય ધરશે તે હવે હું તારી માતાને સમજાવીને કોઇપણ પ્રકારે તને સુખ મળે તેમ કરીશ. તું ઈશ્વર સ્મરણ કર, ને તેનાપર આસ્થા રાખ."

પછી બંને જણીઓ છુટી પડી. જો કે હજી સુંદરીને ધીરજ નહોતી, પણ તેના મનમાં કંઇ કંઈ આશાના ચિહ્ન દેખાતા હતા.