સાંતીડુ જોડીને

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

સાંતીડુ જોડીને સમજાવીએ,
રૂડા રામના બીજ લઈ વાવ.

દયા-માયાના ડોળિયા પ્રાણી ! પ્રેમના જોતર વાળ,
પ્રાણી પ્રેમના જોતર વાળ;
રાશ લેજે ગુરૂજ્ઞાનની, તારે સંત પરોણો હાથ. … સાંતીડુ

પહેલી ગણ પધોરની, પ્રાણી ! કાળના ગૂંડાં કાઢ,
પ્રાણી કાળનાં ગૂંડાં કાઢ;
બીજી ગણ બહુનામીની, તારાં પાપ સમૂળાં જાય. … સાંતીડુ

ત્રીજી ગણ ત્રિભોવનની, પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ,
પ્રાણી ! ત્રષ્ણા બેડી ટાળ;
ચોથી ગણ ચત્રભુજની, તારાં ખેતર આવ્યાં તાર. … સાંતીડુ

ત્રાટકની આવી વાવણી, ભાઈ ! સત્યની ઓરણી બાંધ,
પ્રાણી ! સત્યની ઓરણી બાંધ,
પાંચ આંગળીએ પૂરજે, ત્યારે લાખે લેખાં થાય. … સાંતીડુ

ઊગીને જ્યારે ઓળે ચઢ્યું, પ્રાણી ! વાડની મ કર ફેલ,
પ્રાણી ! વાડની મ કર ફેલ;
ચારે દિશાએ રાખ સુરતા, એથી પાકશે રૂપારેલ. … સાંતીડુ

પોંક આવ્યો હવે પાકશે, પ્રાણી ! મનનો મેડો નાખ.
પ્રાણી ! મનનો મેડો નાખ;
ગોફણ લેજે જ્ઞાનની ભાઈ ! પ્રેમના ગોળા ફેંક. … સાંતીડુ

ઢાળીયો આવ્યો ઢાળવા પ્રાણી ! ઢાળ ભરેલી થાય,
પ્રાણી ! ઢાળ ભરેલી થાય;
ખાઓ પીઓ ધન વાવરો, એનો ભોગ ભગવાનને જાય. … સાંતીડુ

ગાણું ગાજે હવે જ્ઞાનનું, ભાઈ ! હૈયાની હુંપદ હાર,
પ્રાણી ! હૈયાની હુંપદ હાર;
અખો ભગત કહે પ્રભુ ભજ્યા વિના, નહીં ઉતરો ભવપાર.

સાંતીડુ જોડીને સમજાવીએ,
રૂડાં રામના બીજ લઈ વાવ.