લખાણ પર જાઓ

સાર-શાકુંતલ/અંક પાંચમો

વિકિસ્રોતમાંથી
← અંક ચોથો સાર-શાકુંતલ
અંક પાંચમો
નર્મદ
૧૮૮૦
અંક છઠ્ઠો →


અંક પાંચમો.
(રાજમંદિર.)
(રાજા બેઠો છે ને તેની પાસે વિદુષક છે.)

વિદૂ૦— (કાન દેઈ) હો હો વયસ્ય ! સંગીતશાળાની માંહેલીભણી લક્ષ્ય ધરો, કોમળ શુદ્ધ ગીતમાં સુસ્વરમેળ સંભળાય છે, હું ધારૂંછું કે આપણી હંસપદિકા રાગનો અભ્યાસ કરતી હશે.

રાજા— છાનો, મને સાંભળવા દે

(અંતરિક્ષમાં)

કેમરે ભ્રમર એને વીસર્યો,
નવાં મધનો તું લેાભી હોઈ – ટેક.
આંબમોરને કરી રસે ચુંબન,
આવ્યો કે કમળની માંહિ.- કેમરે૦ ૮૨

કેવું પ્રેમે ઉભરાતું ગીત !

વિદૂ૦— કેમ એ ગીતનો અક્ષરાર્થ સમજાયો ?

રાજા— (કંઈક હસીને) એક વાર તેની સાથે પ્રીતિ કરેલી પણ પછી રાણી વસુમતીના સંબંધથી હું તેના વાંકમાં આવ્યો છું; સખા! તું હંસપદિકાને કહે કે તેં મને ઠીક વગેાવ્યો.

વિદૂ— જેમ આજ્ઞા. (ઉઠીને) પણ ઓ વયસ્ય ! તે મને રાખી બીજાને હાથે મારા કેશ પકડાવી માર મરાવશે તો વેરાગીનો અપ્સરા પાસેથી તેમ મારો પણ છુટકારો થનારો નથી.

રાજા— નાગરી રીતે તેને સમજાવજેની.

(બડબડતો જાય છે.)
વિદૂ૦—ચાલ ભાઈ, કાંઈ ચાલવાનું છે?

રાજા–(સ્વગત) એમ કેમ હશે કે ગીતનો અર્થ જાણી ઈષ્ટજનના વિરહવિના હું ઉદાસ થઈ ગયો ! અથવા,

રમ્ય વસ્તુઓ જોઈને વળી મધુર શબ્દ સુણી તેહ,
સુખમાં પ્રાણી હોએ રમતો ઉદાસ ઝટ થઈ રેહ;
પૂર્વજન્મની મૈત્રિ ઠસેલી અંતરમાં સ્થિર ભાવે,
સ્પષ્ટ જણાએ નહિ તોએ પણ ચિતમાં સાંભરિ આવે. ૮૩

(ચિંતાતુર થઈ રહે છે ને પછી કંચુકી આવે છે.)

કંચુકી— (સ્વગત) શી આ અવસ્થાને પામ્યો છું કે રૂઢિપ્રમાણે મેં રાજાના રણવાસમાં નેતરની લાકડી લીધી તે કાળે કરીને હવે મારી વૃદ્ધાવસ્થામાં મારગ ટેકવાને કામ આવેછે; હશે ! રાજાનાં ધર્મકાર્ય વેળાનાં વેળાએ થવાં જોઈએ; પણ અમણાજ તે કામ આટોપી ન્યાયાસનથી ઊઠ્યા છે તો કણ્વના શિષ્ય આવ્યા છે એ જણાવવું ઠીક નહિ; પણ વળી પ્રજા રક્ષણનાં કામમાં વિશ્રાંતિ ક્યાંથી મળનારી છે ? ને મારે મારૂં કામ કરવું જોઈએ; આ અહીં બેઠા છે દેવ.–

સંતાન પઠે પાળી પ્રજા, એકાંતે વિશ્રામ,
લે ગજ જુથ કરિ ચારતૂં, શેાધી શીળું ઠામ. ૮૪

(પાસે જઈ) જય જય દેવ ! હિમાલયના અરણ્યમાં વાસ કરનારા તપસ્વી કણ્વનો સંદેશો લેઈ કોઈ બ્રાહ્મણો એક સ્ત્રી સાથે આવ્યા છે, આ સાંભળી દેવે ઉચિત તે કરવું.

રાજા— (સાદરે) શું તેઓ કાશ્યપનો સંદેશો લાવનારા છે ?

કંચુકી— હા દેવ !

રાજા— તો તું પુરોહિતને જઈને કહે કે ઋષિયોને વેદોક્ત પ્રકારે સત્કાર કરી પોતેજ તેઓને પ્રવેશ કરાવે, હું પણ તપસ્વીનાં દર્શન લેવાને ઘટતે ઠેકાણે જઈ બેસું છું.

કંચુકી— દેવની આજ્ઞા. (જાય છે.)

રાજા— (ઉઠીને) વેત્રવંતી ! હોમશાળા ભણી ચાલ.

વેત્રવંતી— અામ અામ, દેવ !

રાજા— (સ્વગત-ચાલતા) સર્વ જંતુ ઇછેલી વસ્તુ પામી સુખી થાય છે પણ રાજાને તો જેમ જેમ ઇચ્છા પૂર્ણ થાય તેમ તેમ દુ:ખ પણ વધે છે.

પ્રાપ્તિ અર્થની તેતો ઇચ્છા વધેલિ માત્ર સમાવે,
પ્રાપ્તિનું પાલણ કરવું તેજ કહું ક્લેશ અતીશ કરાવે;
શ્રમને પમાડ્યા વિના ન ટાળે અતિશ્રમ જેથી એવૂં
રાજ્ય, ધરેલો હાથે દાંડો હોય છત્ર વળિ જેવૂં. ૮૫

વૈતાલિક—(પડદામાં)

તજિ નિજ સુખ ઇચ્છા વેઠતા લોક અર્થે,
શ્રમ પ્રતિ દિન એવી વૃત્તિતો છે સમર્થે;
શિર ઉપર સહંતો વૃક્ષ તો ઉષ્ણ તીવ્ર,
શરણ જનતણો છાયે હરે તાપ શીઘ્ર. ૮૬

રાજા—(સ્વગત) મારા મનની વ્યગ્રતા ટળી ને સ્વસ્થ થયો.

(અહીં તહીં ફરેછે.)

વેત્ર૦— અમણાજ ધોઈ સ્વચ્છ કરી સાથિયા પૂરેલી ને પાસે ગાય બાંધી છે એવી હોમશાળાની ઓટલીપર ચઢી બેસો દેવ !

રાજા૦— (બેસીને) વેત્રવતી ! મુનિ કણ્વે શામાટે ઋષિયોને મારી કને મોકલ્યા હશે વારૂ ?

વેત્ર૦— દેવના ઉત્તમ ચરિત્રથી આનંદ પામેલા ઋષિયો આશીર્વાદ દેવાને આવ્યા હશે.

(શકુંતલાને આગળ કરી બાતમી સહિત કણ્વના શિષ્યો આવે છે પણ બધાની આગળ કંચુકી તથા પુરોહિત આવે છે.)

કંચુકી— આમ અામ, મહારાજો !

શારંગ૦— (સાથીને)

ખરૂં રાજા મોટો, રહિતમરજાદા નવ રહે,
પ્રજામાં નીચો તેપણ ભુલિ કુમાર્ગે નવ વહે;
તથાપી હું જેને, મનથિ નિત એકાંતજ ગમ્યૂં,
જનોની ભીડે અા, લહું છું ઘર આગે ફરિવળ્યૂં ૮૭

શારદ્વત૦— એમજ છે; પુરમાં પ્રવેશ કરતાં મને આમ લાગ્યું,-

નાહેલૂં મેલાંને, શુચિ તે અશુચિ પ્રબુદ્ધ ઉંઘતાંને,
છૂટૂં તે બાંધ્યાં ને, તેમજ જાણું વિષયસુખીઆને. ૮૮

શકું૦— (અપશકુન જેવું દેખાડી) રે કેમ મારી જમણી આંખ ફરકે છે ?

ગૌતમી— પુત્રિ ! તારૂં અમંગળ ટળે ને તારા ભર્તાની કુળદેવતાઓ તારૂં કલ્યાણ કરે.

પુરોહિત— અહો તપસ્વિયો ! વર્ણાશ્રમનું રક્ષણ કરનાર આ રાજા અમણાજ ધર્માસનેથી ઉઠેલો તમારી અપેક્ષા કરે છે તે જુઓ.

શારંગ૦— હે મહાબ્રાહ્મણ ! ખરે એ આનંદની વાત છે, પણ અમે તો અહીં મધ્યસ્થ જેવા છીએ, કેમકે,

વૃક્ષો નમે છે ફળભાર આવવે,
ઝૂમે વધૂ વાદળિઓ જળે નવે;
સમૃદ્ધિયે ઉદ્ધત સજ્જનો નહીં,
સ્વભાવ એવો ઉપકારિનો સહી. ૮૯

રાજા—(સ્વગત)

સ્ત્રી ઉપવસ્ત્ર થકી ઘુંઘટાળી, હેશે કોણ એ રે.–ટેક.
સુંદરતા પૂરી ન દિસંતી,
તપસ્વિયોની મધ્ય રહંતી;
પક્વ પીળાં પત્રોમાં છે અંકૂર પેરે -ની ઉ૫૦ ૯૦

પણ હશે પારકી સ્ત્રીને નિહાળવી નહિ.

શકું૦— હૃદય તું કેમ ધડકે છે? આર્યપુત્રના ભાવનું સ્મરણ કરીને ધીરજ ધર.

પરો૦— (આગળ જઈને) આ તપસ્વિયોનું યથાવિધિ પૂજન થયું, હવે એઓના ગુરુનો કાંઈ સંદેશો છે તે દેવે સાંભળવો.

રાજા— એકચિત્તે સાંભળું છું.

ઋષિયો— હો રાજા ! વિજય છે તારો.

રાજા— હું અભિવંદન કરૂં છું.

ઋષિયો— તારૂં અભિષ્ટ સિદ્ધિને પામો.

રાજા— મુનિયો નિર્વિધ્ને ત૫ કરેછેની ?

ઋષિયો

ક્યાંથી ધર્મક્રિયાવિધ્ન: સંતરક્ષક તૂં છતે;
તપંતો સૂર્ય હોયે ત્યાં ઉદ્ભવે તમ કેમ તે? ૯૧

રાજા— તે સર્વથા રાજશબ્દનું સાર્થક થવું, વારૂ લોકકલ્યાણને અર્થે કણ્વ કુશળ તો છે ?

ઋષિ— રાજા ! સિદ્ધિમંત પુરૂષોને સ્વાધીન રહે છે કુશળ. તેણે નિરુ૫દ્રવના પ્રશ્નપૂર્વક આ પ્રમાણે તને કહાવ્યું છે.

રાજા— શી આજ્ઞા કરે છે ભગવાન્ ?

શારંગ૦— પરરપર વદાડ કરી આ મારી પુત્રી સાથે તેં જે લગ્ન કીધું તે તમારા બેનું મેં પ્રીતિયે ક્ષમાપૂર્વક માન્ય રાખ્યું છે કેમકે –

તું યોગ્યમાં અગ્રસર પ્રમાણિ આ
શકુંતલા મૂર્તિમતી જ સત્ક્રિયા;
સમાન છે તુત્યગુણે વધૂવર.
સદાનિ નિંદા ઉગર્‌યો પ્રજાકર. ૯૨

તો હવે એ ગર્ભિણીનો સ્વીકાર કર, ધર્માચરણ સાથે કરવાને.

ગૌતમી— આર્ય ! મારાં મનમાં છે કે કાંઈ બોલવું પણ અવસર નથી કેમકે–

વડીલને ન અપેક્ષ્યા એણે, તેં નહિ બંધુને પૂછ્યું,
એકકમાં હવું એમ ચરિત તો, કોણે કોને કહેવું શું ? ૯૩

શકું૦— (સ્વગત) હવે આર્યપુત્ર શું કહેશે ?

રાજા— (સશંક) રે, વળી આ શું નિકળ્યું ?

શકું૦— (સ્વગત) આ ભાષણપ્રકાર તો કેવળ અગ્નિજ છે.

શારંગ— એમ કેમ ? પોતે લોકવ્યવહાર સારીપેઠે જાણો છો.

હોયે સતી પતિ જીવતો ને પીહર માં વાસો કરે,
તે સ્ત્રીવિષે લોકો વળી વિપરીત શંકાઓ ધરે;
માટે પ્રિયા કે અપ્રિય પતિની પરંતુ જો રહે,
તે સાસરે તો બંધુજન નિશ્ચિંત રૂડૂં સહુ કહે ૯૪

રાજા— શું એ મારી પૂર્વે પરણેલી છે ?

શકું૦— (સ્વગત) રે હૃદય ! તારી શંકા અાગળ અાવી.

શારંગ૦— શું પૂર્વ કીધેલાના ધિક્કારમાં રાજાને ધર્મથી વિમુખ થવું ઘટે છે ?

રાજા— કેમ વારૂ દુષ્ટ આરોપે પ્રશ્ન પુછો છો?

શારંગ૦— ઘણું કરીને ઐશ્વર્યથી ઉન્મત થયલા લોકમાં એવા વિકાર રહે છે.

રાજા— (સક્રોધ) એ વચને તો વિશેષ દોષ મૂકો છે અમારા ઉપર.

ગૌતમી— બેટા ! મુહર્તભર તું લાજ મૂક, હું તારું ઓઢણ કાઢી લેઉછું કે તને તારો ભર્તા ઓળખે. (એમ કરે છે)

રાજા— (શકુંતલાને જોઈ -સ્વગત) —

સરસ સરળ કાંતી રૂપ આવું સુહાયે,
પ્રથમ હું પરણેલો કે ન નિશ્ચે ન થાયે;
મધુકર જિમ વહાણે કુંદ ઓસેભર્‌યાંને,
નહિ સમરથ લેવે ભેાગ કે ત્યાજવાને. ૯૫

વેત્ર૦— ઓહો રાજાની ધર્મ ઉપર કેવી દૃષ્ટિ છે ! અનાયાસે પ્રાપ્ત થયલું સુંદર રૂપ જોઈને બીજો કોણ વિચાર કરે ?

શારંગ— હે રાજા ! કેમ આમ મૌન ધરી બેસાય છે ?

રાજા— મહારાજો ! ચિંતવન કરૂંછું; પણ એનો મેં સ્વીકાર કીધો હોય એવું મને સાંભરતું નથી. તો એ સ્પષ્ટ દીસતી ગર્ભિણીનો અંગિકાર શંકા છતે હું કેમ કરૂં ?

શકું— (સ્વગત-એક કોરે મોડું રાખી) આર્યને પરણ્યાનોજ સંશય છે તો હવે વધીગયલી મારી આશાએ શું ?

શારંગ૦— શું ? પોતાની કન્યાપ્રતિ કીધેલા અપરાધને અનુમોદન આપેછે – ચોરીનું દ્રવ્ય ચોર પાસે રહેવા દેછે તે મુનિની તું અવજ્ઞા કરેછે ? શાર૦— શારંગરવ ! તું હવે મા બોલ; ને શકુંતલા ! કહેવાનું તે અમે કહ્યું; એ એમ બોલે છે પણ હવે એને વિશ્વાસ પડે એવું ઓળખનું તારે જે કહેવાનું હોય તે કહે.

શકું૦— (સ્વગત-મોડું એક કોરે કરી) આ અવસ્થાને પામ્યા પછી તેને સંભારી આપવે પણ શું ? હવે તો મારે પોતાનેજ શોક કરવાનું રહ્યું, (પ્રગટ) આર્યપુત્ર ! (સ્વગત) પણ પરણ્યાનોજ સંશય છે તો એને એ પ્રકારે બોલાવવો ઉચિત નથી. (પ્રગટ) પૌરવ ! પ્રથમ આશ્રમમાં સ્વભાવે ભોળા હૃદયની એવી જે હું તેને કેટલુંક વચન આપી ભોળવી લીધી ને પાછળથી અાવે અક્ષરે પાછી કાઢો છો એ તમને યોગ્ય નથી.

રાજા— હર હર હર !

શાંત પાપ એ થાઓ,
પા૫વાણી સંભળાવ મ સુંદરી. –શાંત૦
શું તું ઇચ્છે છે રાજકૂળને કલંગ લાગે એવૂં,
વળી પાડવા મુજને વહેલી નદી કરે છે જેવૂં–
નિજતટને એ લેઈ જતાં તો સ્વચ્છ નીર વણસાડે,
વળી વધારી બળ મોટાં સૌ તરૂને તોડી પાડે. –પા૫૦ શાંત૦ ૯૬

શકું૦— ખરેખર જે પરસ્ત્રીની શંકાએ તમે આ પ્રમાણે વર્ત્તો છો તો કોઈપણ એંધાણી આપી તમારી શંકા નિવારણ કરીશ.

રાજા૦— એ ઉત્તમ પ્રકાર છે.

શકું૦— (આંગળી સામું જોઈ) અરે રે મુદ્રિકા વિનાની મારી આંગળી !

(ખેદે ગૌતમીના સામું જોય છે.)

ગેૌતમી૦— શચીતીર્થનું વંદન કરતાં તારી આંગળીએથી તે નિકળી પડી હશે.

રાજા૦— (કાંઈક હસીને) સ્ત્રિયો ગતકડાંમાં કુશળ કહેવાય છે તે આમજ,

શકું૦— એમાં તો ભાગ્યે પ્રભુત્વ દાખ્યું, પણ બીજું કહુંછું.

રાજા૦— સાંભળિયે છિયે.

શકું૦— એક દિવસ નવમલ્લિકાના મંડપમાં પાણીભર્‌યો કમળનો દડિયો તમે તમારા હાથમાં નોતો લીધો શું ?

રાજા૦—સાંભળિયે છિયે.

શકું૦— મેં પુત્ર કરીલીધેલો મૃગબાળ તત્ક્ષણ પાસે આવ્યો તેને તમે દયા આણી પાવાને લલચાવ્યો પણ તેણે પરિચય નહિ માટે તમારે હાથે પીધું નહિ, પછી જ્યારે દડિયો મેં હાથમાં લીધો ત્યારે તેણે પતીજ પડેથી પીધું ને તે વેળા તમે હસીને નોતા બોલ્યા કે સૌને પોતાના સંબંધીનો વિશ્વાસ પડે છે ? તમે બેઉ અરણ્યના રહેનારાં છો.

રાજા— એમજ સ્વકાર્ય સાધવે પ્રવીણ સ્ત્રિયોનાં અસત્ય પણ મધુર ભાષણે વિષયીજન લોભાઈ જાયછે.

ગૌતમી— મહાભાગ ! એમ બોલવું યોગ્ય નથી; તપોવનમાં ઉછરેલું જન કપટથી અજાણ હોયછે.

રાજા— હે વૃધ્ધતાપસી !

મનુષ્ય નહિ તેવી સ્ત્રીમાં પણ કપટ હોય સ્વભાવેજી,
બુદ્ધિવાળી શીખેલી તે કાં ન વિશેષ બતાવે–
માજી મ માણિશ માઠું જી.
અંતરિક્ષે ઉડવાની પહેલાં કોએલ નિજ બચ્ચાંનેજી,
અવર પક્ષી પાસે ઉછરાવે એ પોતાનાં માને –
માજી મ માણિશ માઠું જી. ૯૭

શકું૦— (ક્રોધે) અનાર્ય ! તું પોતાના હૃદય પ્રમાણે સર્વેને જોય છે? કોણ બીજો, ધર્મનો વેષ રાખનારો પણ તૃણથી ઢંકાયેલા કૂપ જેવો તારી પેઠે વર્ત્તશે ?

રાજા— (સ્વગત) સંશયબુદ્ધિ હુંને એનો કોપ કપટરહિત જણાય છે. (પ્રગટ) ભદ્રે ! દુષ્યંતનું ચરિત પ્રસિદ્ધ છે. પણ તારૂં કહેવું મારા ધ્યાનમાં નથી આવતું.

શકું૦— ઠીક ઠીક,ત્યારે તે સ્વચ્છંદચારિણી કીધી મને ! પૂરુવંશને વિશ્વાસે મુખમાં મધ પણ હૃદયમાં વિષ એવાને હાથ હું પડી.

(મોડાપર છેડો નાખી રડે છે.)

શારંગ૦ — આમજ પોતે કરેલી પણ પાછી ન વારેલી ચપળતા બળેછે.

કરવો પારખી પૂછી સંગ અવશ્ય ગુપ્ત જે,
અજાણ હૃદયે થાએ આમજ વેરી મિત્ર તે. ૯૮

રાજા— અરે ઓ આ સ્ત્રીના ઉપર વિશ્વાસ રાખી દોષ એકઠા કરીને અમારાજ ઉપર મૂકો છો ?

શારંગ૦— (ક્રોધે) સાંભળી આ નીચને ઊંચને ઊંચને નીચ કરવાની નીતિ? જે જન્મથી કપટ શીખ્યું નથી તેનું ભાષણ અપ્રમાણ કરવું ને વિદ્યા છે એમ ભાવ રાખી છેતરવાની યુક્તિતિ લોકને શિખવે જે તેને સત્યવાદી ગણવો ! રાજા— હો સત્યવાદી ! તમે કહો છો તેવાજ અમને જાણો; તોપણ એનો છળ કરવે અમને શું પ્રાપ્ત થવાનું છે?

શારંગ— અધ:પાત.

રાજા— પૌરવ અધઃપાતની ઇચ્છા કરે છે એ વળી માન્ય થાય તેમ નથીજ.

શા૨૦— શારંગરવ ! ઉત્તર ને પ્રત્યુત્તર એથી શું અહીં ? ગુરૂનો સંદેશો કહીદીધો, હવે આપણે પાછા વળો. (રાજાને)

રાખ કે તજ એને તું પત્ની એ છે તાહરી;
સ્વસ્ત્રીઉપર ભર્ત્તાની સત્તા સર્વોપરી ખરી. ૯૯

(સૌ ચાલતા થાય છે)
ગૌતમી !ચાલ આગળ.

શકું૦— કેમ ? આ કપટીએતો મને પૂરી ફસાવી ને તમે પણ મને અહીં રડતી મહેલી ચાલ્યાં જાઓ છો.?

(પાછળ પાછળ જાય છે)

ગૌતમી— (ઉભી રહી) વત્સ શારંગરવ ! આપણી શકુંતલા કરુણભાષણ કરતી પાછળ પાછળ આવે છે. ભર્ત્તા કઠિણ થઈ ત્યાગ કરે ત્યારે પુત્રીપણ શું કરે ?

શારંગ૦— (પાછું ફરી ક્રોધે) રે અમર્યાદ ! આમ સ્વતંત્રતા લેછે ?

શકું૦—(બીહીને થરથર ધ્રુજે છે)

શારંગ૦— શકુંતલા ! સાંભળ, રાજા કહે છે તેવીજ જો તું હોય તો પછી તારા પિતાને કુળમાંથી નિકળી ગયલી સાથે શો સંબંધ ? અને જો તું પોતાને શુદ્ધ વ્રતવાળીજ જાણતી હોય તો પતિના કુળમાં તારૂં દાસીપણું પણ યોગ્ય છે. તું અહીં રહે, અમે જઈયે છિયે.

રાજા— હો તપસ્વી ! તમે એનો કેમ વાંક કાઢો છો ?

શશિ કુમુદજ વિકસિત કરે, નલિનિનેજ રવિ જેમ,
અન્ય પરિગ્રહથી હઠે, વશિ સજ્જન તો તેમ. ૧૦૦

શારંગ૦— અન્યને સંગે પ્રથમનું વ્રત વિસરી ગયો તે તું અધર્મભીરૂ કેમ ?

રાજા— હું તમને પુછું કે એમાં ગુરુલઘુ શું ? જો હું એને નથી રાખતો તો ત્યાગદોષ લાગે છે ને જો હું રાખું ને મારી સ્ત્રી ન ઠરી તો પરસ્ત્રીસંગનો દોષ લાગે.

(શારંગરવ ને સૌ ચાલ્યા ગયા)

પુરોહિત— (વિચારીને) જો આમ થયું હોય તો આમ કરવું.

રાજા— કરવી આજ્ઞા. પુરો૦— પ્રસવ થતાં લગી એ અમારે ઘેર રહેશે; તું પુછીશ કે કેમ, તો પૂર્વે સાધુઓએ આશીર્વાદ દીધો છે કે તારો પહેલો પુત્ર ચક્રવર્તી થશે માટે જો મુનિપુત્રીને તેવા લક્ષણનો પુત્ર થાય to એનો આદર કરી અંતઃપુરમાં પ્રવેશ કરાવવો; નહિતર એને પિતાને ઘેર જવું પ્રાપ્ત થશેજ.

રાજા— જેમ ગુરુને ગમે તેમ.

પુરો૦— (ઉઠીને) વત્સે ! મારી પાછળ ચાલી આવ.

(પુરોહિતની પાછળ રડતી જાય છે)

શકું૦— ભગવતી વસુધે ! દે મને માર્ગ.

(રાજા એકલો વિચારમાં છે એવામાં પડદામાંથી.)

ઓહો ! આ શું ?

રાજા— શું છે?

પુરો૦— દેવ ! અદ્ભુત થયું.

રાજા— એવું તે શું છે ?

પુરો૦— દેવ ! કણ્વના શિષ્ય ચાલતા થયા કે–

બાલા હીણાં ભાગ્યને નિંદતી જ્યાં,
રોવા માડે બાહુ ઊછાળતી ત્યાં

રાજા— ને શું ?

પુરો૦

સ્ત્રીને રૂપે અપ્સરા તીર્થ પાસે.
જ્યોતી તેને ચાલિ ઊપાડિ સાથે. ૧૦૧

રાજા— ભગવન ! એ વસ્તુનો મેં પૂર્વજ અનાદર કીધો છે, હવે વૃથા તર્ક શેા કરવો ? વિશ્રામ પામો.

પુરો૦— વિજય થાઓ.

રાજા— વેત્રવતી ! ઊંઘે ઘેરાયો છું, શયનભૂમિને માર્ગે ચાલ.

વેત્ર૦— આમ, આમ, દેવ !

રાજા— (સ્વગત) ગમેતેમ હો–

નથિ સાંભરતું પરણ્યો મુનિ કન્યાને ખરે ફરી પાછી;
એથી બળતું હઈઊં શંકે પણિયત હશે વળી સાચી. ૧૦૨


પ્રવેશક. (નાગરિક તથા બે રક્ષિણ એક બાંધેલા પુરૂષને આણે છે.)

રક્ષિણો—(પુરુષને મારી) કહે, પચ્ચીમાં કોતરેલાં નામની રાજાની અંગુઠી આ તે ક્યાંથી મેળવી ? પુરૂષ— (બીતો બીતો) ખમા કર ધણી! ઊં ઈવું કામ કરનારો મનખ નથ.

રક્ષિણ ૧— તો શું તને રૂડો બ્રાહ્મણ જાણી રાજાએ દાન આપ્યું છે ?

પુરૂષ— છાંભર અવાં, ઊં છકાવેતરની ભીતર રેનારો માછી છું.

રક્ષિણ ૨— ચોરટા ! શું અમે જાત પૂછી ?

નાગરિક— હેર ! કહેવાદે સગળું ક્રમે, વચમાં બોલી એને અટકાવ નહિ.

રક્ષિણ ૨— જેમ આજ્ઞા. (માછીને) સ્વામી આજ્ઞા કરે છે તે કહે.

માછી— ઊં જાલ, ગર ઈણે મછ પકરી કટમનું પેટ ભરું છું.

નાગરિક— (હસીને) પેટ ભરવાનો ધંધો તો ચોખ્ખો ખરો !

માછી— ધણી ! ઈ મ મ બોલ–

ભૂંડું પણ વરિ જનમથિ કિધલ કરમ તે કદી ન તજિદીજઈ;
ભામણ દીઆવાનજ હૂઈ જગને પછૂ ખરે મારઈ. ૧૦૩

નાગરિક— પછી પછી.

માછી— ઈક દી રાતે મછ પાયો. તિના કટકા કરે તાં તિના પેટમે રતને ઝરકતી આંગઠી મઈ દેખી; પછઈ ઈ ઈકવાને દિખાડતુ ઈતરઈ ધણીએ ઉને ધરેઓ; ઈમ મુજ ગોઠ છી. માર કી ભુચ.

નાગરિક— (અંગુઠી સૂંઘી રક્ષિણને) એ માંસના જેવા ગંધાતો ગોઝારો માછી છે નક્કી, પણ એને મુદ્રિકા જડી તેવિષે વધારે ખેાળ કરી જાણવું જોઈએ; જઈએ રાજવાડે.

રક્ષિણ— ચાલરે ગંઠીછોડા !

નાગરિક— હો ! હું ભર્ત્તાને જણાવી આવું ત્યાં લગી એનું રક્ષણ અહીંજ સાવધ રહી કરવું.

રક્ષિણ— ઠીક સ્વામી.

(નાગરિક જાય છે.)

રક્ષિણ ૧— મારા હાથ ચળવળેછે એ વધ્યને સુમનસની (ફૂલની) માળા બાંધવા ને (માછીને દેખાડેછે.)

માછી— વણ કારણઈ તું મારવાનઈ જોગ નથ.

રક્ષિણ ૨— બહુવાર થઈ નાગરિકને, હજી આવ્યા નહિ.

રક્ષિણ ૧— રાજાને ત્યાં અવસર જોઈને જવું જોઈએ.

રક્ષિણ ૨— એ આ આવ્યો સ્વામી, રાજા પાસેથી પત્ર લાવ્યો દેખાયછે (માછીના સામું ઘુરકી) ગીધનું ભખ થઈશ કે કુતરાનું મોડું જોઈશ પડીને. નાગરિક— (આવી) એ માછીને છોડી દે; એને અંગુઠી મળી તેને પ્રકાર સયુક્તિક છે.

રક્ષિણો— જેમ આજ્ઞા (છોડેછે.)

નાગરિક— (માછીને) અંગુઠીના મૂલ જેટલું દ્રવ્ય મહારાજે આપ્યું છે તે લે આ.

માછી— (પગે લાગી લેછે.) રાજાઈ કરપા કીઈ. કીવો મુજ ધંધઉ !

રક્ષિણો— આ પસાય ઉપરથી જણાય છે કે મહારાજનો તે આંગઠી ઉપર બહુજ પ્રેમ છે.

નાગરિક— મહારાજ રત્નનું બહુમૂલ કરે છે એમ નથી પણ તેના દર્શનથી તેને પોતાના ઈષ્ટનું સ્મરણ થયું છે; તેને જોતાંજ પ્રકૃતિયે ગંભીર છતાં મુહૂર્તભર ઉત્કંઠિત થઈ ગયા.

રક્ષિણ ૧— ખરેખરી સેવા કરી આજે નાગરિકે.

રક્ષિણ ૨— એમ નહિ, આ ગોઝારા નિમિત્તે કરી.

માછી— ધણી ! ઈનું અધ ઊં તુનઈ દઉ છું. છુમનછના મોલમાં.

રક્ષિણો— એ ઠીક છે.

નાગરિક— તું મારો મોટો મિત્ર થયો, આપણી પ્રથમ મૈત્રીનો પ્રસંગ કદંબની મંદિરા સાથે કરિયે.

(સૌ કલાલને હાટડે જાય છે.)