સાહિત્યને ઓવારેથી/દી. બ. નર્મદાશંકર મહેતા

વિકિસ્રોતમાંથી
← શ્રી. કનૈયાલાલ મુનશી સાહિત્યને ઓવારેથી
દી. બ. નર્મદાશંકર મહેતા
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. રામનારાયણ વિ. પાઠક →


દી. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા

રારાજ્યતંત્ર, તત્ત્વજ્ઞાન અને સાહિત્યને જિંદગીભર સાથે જ સેવતા દી. બ. નર્મદાશંકરભાઈ સંસ્કૃત વિદ્વત્તાના વિરલ ગુર્જર ઉપાસકોમાં વિશિષ્ટ સ્થાન ભોગવે છે. મહારાષ્ટ્રની સરખામણીએ ગુજરાતે દાખવેલી સંસ્કૃત વિદ્યા તરફની ઉદાસીનતા સંસ્કૃત સાહિત્યના અભ્યાસીઓને તો વિષાદ ઉપજાવે તેવી જ છે. પૂનાના ‘ડૉ. ભાંડારકર પૌર્વાત્ય સંશોધનમંડળ’ ની માફક સંસ્કૃત વિદ્વત્તાને વેગવંતી કરવાના પદ્ધતિસરના પ્રયત્નો તો હજુ ગુજરાતમાં થાય ત્યારે ખરા, પણ આજે ગુજરાતના જે વિદ્યમાન સંસ્કૃત વિદ્વાનો કોઇ આવી કેન્દ્રીભૂત સંસ્થાના સંગીન સહકાર વિના પણ પોતાની વિદ્વત્તાના બળે પરપ્રાન્તમાં ને વિદેશોમાં યે કીર્તિપાત્ર બને તેમ છે, તેઓમાં નર્મદાશંકરભાઈનું નામ તો અવશ્ય ગણાવવું જ પડે; કારણ કે પૂર્વ ને પશ્ચિમના તત્ત્વજ્ઞાનના વિષયમાં તેમની વિદ્વત્તાના તેજે આજે ઘણાને આંજી દીધા છે.

ગંભીર મુખ પાછળ ડોકિયાં કરતી તેમની વિનોદવૃત્તિ તેમના તત્ત્વજ્ઞાન પાછળ છુપાયલી સાહિત્યરસિકતાની સાખ પૂરે છે. શ્રી. નર્મદાશંકરભાઈએ કર્તવ્ય કે મોભા ખાતર પ્રયત્ન વડે ભારેખમ દેખાવાની ટેવ પાડી જણાય છે; નહિ તો મને તો ખાત્રી છે કે બાલ્યાવસ્થામાં ને યૌવનમાં આજના જેટલા જ્યારે માનનીય ને મહાન નહિ હોય ત્યારે તેઓ વધુ વિનોદી ને ટીખળી હોવા જોઈએ. આજે પણ તેમમા અંતરંગ મંડળમાં તેમનો હાસ્યરસ તેટલોજ ઠાવકો ને આનંદપ્રદ છે.

ઈશ્વરે તેમને ઊંચા કુટુંબમાં જન્મ આપ્યો, ને પુરુષાર્થ વડે તેઓ ભાગ્યવિધાતા થયા છે. માસિક રૂ. ૨૦) જેટલા પગારથી મહેસુલી ખાતાના કારકુન તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી રૂા. ૩૦૦૦) સુધીના માસિક પગારવાળા ભારે હોદ્દાઓ ભોગવવા તેઓ ભાગ્યશાળી થયા છે. સતત ઉદ્યોગ, કુશાગ્ર બુદ્ધિ ને કુનેહ શું નથી સાધતાં ?

નાનપણમાં હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન, મોસાળ નડિઆદમાં જ તેઓ ઘણાં વર્ષ રહ્યા. કવિ બાલાશંકર કંથારિયા તેમના મામા થાય ને તત્ત્વજ્ઞાનપ્રિય ઉલ્લાસરામ તેમના માતામહ; એટલે બંનેના સંસ્કારોની દૃઢ છાપ તેમના જીવન ઉપર પડી. મામાએ ‘નૃસિંહ–ચમ્પૂ’ ને ‘નારદભક્તિસૂત્ર’ના અભ્યાસથી શરૂઆત કરી ભાણેજમાં સંસ્કૃત સાહિત્યનો શોખ ઉત્પન્ન કર્યો, ને માતામહે તેમનામાં શાક્તમત, ઉપનિષદ્, ને યજ્ઞયાગાદિક માટે શિક્ષણ દ્વારા અભિરૂચિ જગાડી. મેઘાવી ભાણાએ પછી તો વ્યાકરણ ને કાવ્ય–નાટકના અનેક ગ્રંથો ભણી કેટલાય શ્લોકો, સ્તોત્રોને યજુર્વેદનાં સૂક્તો કંઠસ્થ કરી લીધાં; અને કંઠસ્થ સાહિત્યને ગાવામાં ને લલકારવામાં આ ચપળ બટુકે બહુ ઉત્સાહ દાખવી સંગીતનો પણ શોખ કેળવ્યો. તેવામાં જ તેઓ મેટ્રિક પાસ થયા, ને ‘બરોડા કોલેજ’ના અભ્યાસ માટે વડોદરા ગયા. ત્યાં શ્રીમન્નૃસિંહાચાર્યના સમાગમે તેમના માતામહે વાવેલા તત્ત્વજ્ઞાનના સંસ્કારને વધુ વિકસાવ્યા. શ્રીમાન્‌ ગુરુનો આ સંપ્રદાય આજે પણ તેમને સુખદ અને પ્રેરક બન્યો છે.

વડોદરા કોલેજમાંથી તેઓ સંસ્કૃત લેઈ બી.એ. પાસ થયા, ને યુનિવર્સિટીનું ભાઉ દાજી ઇનામ મેળવ્યું. પછી ગુજરાત કોલેજમાં ‘ફેલો’ નીમાયા ને એમ. એ. માટે પ્રો. આનંદશંકરભાઈ સાથે વૃત્તિપ્રભાકર અને વેદાન્તના અન્ય ગ્રંંથો વાંચ્યા. પણ ભાગ્ય તેમને અન્ય દિશામાં દોરતું હતું; અને પિતાની ઈચ્છાને માન આપી એમ. એ. થવાનું સ્વપ્ન જતું કરી ટૂંક સમયમાં જ તેમણે મહેસૂલી ખાતામાં કારકૂન તરીકે માસિક રૂા. ૨૦)ના પગારથી સરકારી નોકરી સ્વીકારી. રાજ્યતંત્ર સાથે રમત ખેલનાર આ નરે પછી કાળક્રમે રેવન્યુ, ન્યાય, સુધરાઈને સ્થાનિક સ્વરાજ્યના ક્ષેત્રમાં એવી તો જ્વલંત સેવા કરી કે તેમના સમાગમમાં આવનારા સર્વ અમલદારોએ તેમનાં મુક્તકંઠે વખાણ કર્યાં છે. કિસ્મતના કૃપાપાત્ર જનના કૂદકા અહીં નોંધવા તે અસ્થાને છે. તેમની ‘સર્વિસ બુક’ તેમની કુનેહ, ખબરદારી, ખંત ને બુદ્ધિમત્તા આદિ વિશિષ્ટ ગુણોની સળંગ નોંધપોથી જ ન હોયની ! આ તીક્ષ્ણ, ચપળને ઉદ્યોગી નરનું સમગ્ર નિરીક્ષણ કરવામાં કદાચ બેધ્યાન બની ઓવારા ઉપરથી લપસી જવાય, માટે સાહિત્યની દૃષ્ટિએ જ તેમને નિરખી આપણે સંતોષ માનીશું.

“રેવન્યુ ખાતુંજ એવું છે કે ભલભલો સરસ્વતી દેવીનો ઉપાસક તેની આરાધના અને સેવામાં શિથિલ થઈ જાય; એટલી બધી તે નોકરી વ્યવસાયી, શ્રમભરી અને વ્યગ્રતા કરનારી છે.” મ્યુનિસિપાલિટી અને લોકલબોર્ડ પણ અત્યંત શ્રમ અને ઉદ્યોગની અપેક્ષા રાખે છે. આ બધી પ્રવૃત્તિમાંથી પણ નર્મદાશંકરભાઈ વખત ચોરી અધ્યયનપરાયણ રહી સાહિત્યસેવા કરી શક્યા, તે ગૌરવભરી બીના છે.

મહેસૂલી અમલદાર તરીકે ગામડાંની મુલાકાતો લેવી, અજ્ઞાન લોકો સાથે પ્રસંગો પાડવા, તેમની યોગ્ય અયોગ્ય ફરિયાદો સાંભળવી, ને રેવન્યુખાતામાં અનુભવાતા પ્રપંચો ગડમથલો ને ચિંતાઓને મહાત કરી સ્વાધ્યાયનો પ્રવાહ સતત ચાલુ રાખવો તે કેટલું કઠિન છે તે તો અનુભવે જ સમજાય.

નર્મદાશંકરભાઇનું ઘડતર જરા વિચારીએ તો જણાશે કે મોસાળમાં મામા ને માતામહે તેમને ધર્મ અને સાહિત્યના સંસ્કાર આપ્યા, શ્રીમન્નૃસિંહાચાર્યની પ્રેરણાએ તે સંસ્કારોને પાંગરાવ્યા ને પ્રો. મણિલાલ દ્વિવેદી, પ્રો. જેકીશનદાસ કણીઆ ને પ્રો. આનંદશંકરભાઈ ધ્રુવના પરોક્ષ કે પ્રત્યક્ષ સંપર્કે તેમને ફળવંતા કર્યા. રેવન્યુ ખાતાએ તેમને લોકોના સમાગમમાં લાવી વેદિયા પંડિત થતા અટકાવ્યા, ને માનવજીવનના પ્રપંચો અને ત્રુટિઓની પર લઈ જઈ તેમની પારલૌકિક દૃષ્ટિને પોષી; કાયદાના જ્ઞાને તેમની સમાલોચના ને સંશોધનની શક્તિઓને વધુ સૂક્ષ્મ ને ચોક્કસ બનાવી, અને રાજ્યતંત્રના અભ્યાસે ધર્મ ને તત્ત્વજ્ઞાનના વિરોધી દેખાતા પ્રવાહોને સુસંવાદી બનાવવાની તેમને કુનેહ અર્પી.

તેઓ હાઈસ્કૂલમાં ભણતા ત્યારે સુધારાના ભણકાર શમી ગયા હતા, ને કવિ નર્મદ ઉચ્છેદક મટી સંરક્ષક બન્યો હતો; તેથી જૂની ધાર્મિકતાના ધામ સરીખા મોસાળમાં નર્મદાશંકરભાઈને ધર્મ, સમાજ ને રાજકારણમાં પણ ખંડક નહિ પણ સંરક્ષક થવાના જ સંસ્કારો મળ્યા. નાગરત્વ ને નાગરિકતાથી અંકાયેલા આ સંસ્કારે ભવિષ્યમાં દૃષ્ટિવિશાળતાએ રંગાયા, ને કબૂલ કરવું પડે કે તે અસ્પૃશ્યતાનિવારક પણ બન્યા; છતાં કદી એ સચોટ ખંડનાત્મક તો ન જ બન્યા. તેમની ધાર્મિક વૃત્તિઓ ઉચ્છેદ નહિ. પણ સંવાદને જ શોધે છે; તેમના રાજકારણના વિચારો ક્રાન્તિકારક ન બનતાં ક્રમિક વિકાસનું શરણ શોધે છે; અને મામાના ‘ભારતીભૂષણે’ ને દોલતરામના ‘ઈન્દ્રજીતવધ’ કાવ્યે પોષેલા સાહિત્યના સંસ્કાર પણ તેવી જ સંરક્ષક નીતિમાં વિહરે છે.

નર્મદાશંકરભાઈને શિસ્ત સાચવનાર અમલદાર તરીકે જ નિરખનાર જનને તેમનું સાહિત્ય ને ધર્મતત્ત્વજ્ઞાનના વાણાતાણાથી તૈયાર થયેલું સાદું જીવનપટ ન જણાય, કારણકે તેને તો ઉપર લાગેલા રંગો જ આંજી દે છે. નોકરી દરમિયાન આમવર્ગ સાથે સાધેલા સમાગમને લીધે તેમની વિનોદવૃત્તિ એક વ્યવહારદક્ષ વ્યક્તિ તરીકે આજે પણ તેમની પાસે ‘બામણા,’ ‘પત્તર ફાડવી’, ‘મહેરબાન’ જેવા ઘરગથ્થુ શબ્દો બોલાવરાવે છે. આ સમાગમથી પ્રાપ્ત થયેલી કુનેહે તેમને સરકારવિરોધી લોકસેવકોના પણ મિત્ર બનાવ્યા, એમ તેમની મ્યુનિસિપાલિટીઓની સેવાઓ સાબીત કરે છે.

તેમના અભ્યાસખંડમાં જરા ડોકિયું કરો તો વેદની સંહિતા, કોઈ કમિટી કે કમિશનનો રિપોર્ટ, મ્યુનિસિપલ કે લોકલબોર્ડ ઉપરનું કોઈ પુસ્તક, સાહિત્ય કે તત્ત્વજ્ઞાનનો સંસ્કૃત, અંગ્રેજી કે ગુજરાતી ગ્રંથ, આવી વિવિધ સામગ્રી દૃષ્ટિગોચર થશે. અભ્યાસના જુદા જુદા વિષયો તેમને મૂઝવતા નથી, પણ ઊલટું તેઓ તે બધાને માપવા મથે છે. પોસ્ટના કાગળો સ્થળ પ્રમાણે વહેંચી નાખવા માટે ખાનાં હોય છે તેમ વિષયો પ્રમાણે જાણે કે મગજનાં ખાનાં ના પાડી દીધાં હોયને ! આવા પરસ્પરવિરોધી, અસંબદ્ધ કે નિરપેક્ષ વિષયનો સમન્વય કુશાગ્ર બુદ્ધિ વિના કોણ કરી શકે ? આવી બુદ્ધિમત્તા ને વિજ્ઞાન બળે બબ્બે વખત સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત ઈનામ જીતનાર નર્મદાશંકરભાઈ આ જ ઈનામી નિબંધના મુંબઈ યુનિવર્સિટી તરફથી ઇ. સ. ૧૯૧૯માં પરીક્ષક તરીકે નિમાયા, ઈ. સ. ૧૯૨૮માં સાહિત્ય પરિષદના ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. ઇ. સ. ૧૯૨૯માં લોકલ સેલ્ફ-ગર્વન્મેન્ટ ઈન્સ્ટીટ્‌યુટ’ના ઉપપ્રમુખ થયા, ને એમ. કોમ. (M. Com.)માં લોકલ ફાઈનન્સ ઉપરની ‘થીસીસ’ માટેના ઈ. સ. ૧૯૩૨માં એક ૫રીક્ષક બન્યા.

શ્રી. નર્મદાશંકરભાઈની વિદ્વત્તા યજ્ઞયાગાદિક ને વેદની સંહિતામાં જ પૂરાઈ ન રહેતાં, ઉપનિષદો, દર્શન, બૌદ્ધ ને જૈન ધર્મો, તથા શાક્ત ને લોકાયત સંપ્રદાયોના વિવિધ પ્રદેશોમાં વિચરે છે, ને તેથી જ તેમની પ્રસિદ્ધ થયેલી કૃતિઓ તેમના ગહન ને વિશાળ અભ્યાસના પરિપાક સમી છે, તેમનો અભ્યાસ તલસ્પર્શી, ચિંતન ઊંડું, સમાલોચના તુલનાત્મક, ને અનુમાનો તર્કયુક્ત છે. આદ્ય શંકરાચાર્ય, શાક્ત સંપ્રદાય કે બૌદ્ધ ધર્મ સંબંધી ચાલતી આવેલી ઘણીએ અનૈતિહાસિક માન્યતાઓને ઉચ્છેદીને તેમણે સત્ય હકીકતોને અભ્યાસબળે પ્રકાશમાં આણી છે. તેમનાં મુંબઈ અને અમદાવાદનાં ભાષણો ધ્યાનમાં લેતાં આ હકીકતનું તથ્ય સમજાશે.

હવે તેમની રસિક વિનોદવૃત્તિને મારા અનુભવમાં આવેલા પ્રસંગથી જરા મૂર્ત સ્વરૂપ આપું. ઈ. સ. ૧૯૩૧ના મે માસમાં આચાર્ય આનંદશંકરભાઈએ શ્રી. ચંદ્રશંકર નર્મદાશંકર પંડ્યાના માનમાં આકાશેઠ કૂવાની પોળમાં પોતાના મકાન ઉપર રાત્રે નાનકડા સ્નેહી મિત્રમંડળને આમંત્ર્યું હતું, કે જ્યારે ચંદ્રશંકરભાઈ સ્વરચિત કાવ્યો જાતે જ ગાઈ બતાવનાર હતા. ગુરુવત્સલ શ્રી. નર્મદાશંકરભાઈ તો આ પ્રસંગે હોય જ. શ્રી ચંદ્રશંકરે પોતાના કેટલાંક કાવ્યોને ગાઈ બતાવી અંતર્ગત ભાવ સમજાવ્યા, ને અંતમાં થોડાં પણ કવિત્વભરપુર ઉત્તમ કાવ્યોના સ્રષ્ટા તરીકે પોતે કવિ હોવાનો હક રજુ કર્યો. ‘રવિકિરણ પણ તેજ:પુંજ રવિ જેટલું જ ઉત્કૃષ્ટ હોઈને રવિથી કોઈ પણ રીતે ભિન્ન નથી,’ એ ઉદાહરણ આપી શ્રી, આનંદશંકરભાઈને પોતાના કવિત્વ વિષેના અનુકૂળ અભિપ્રાય તેમણે કહી બતાવ્યો. દી. બ. નર્મદાશંકરભાઈને પછી કંઈક બોલવા માટે વિનંતિ થઈ. આ આખી યે ચર્ચાને તેમણે રમુજી શૈલીથી અવનવું સ્વરૂપ આપી શ્રોતાજનને ખૂબ હસાવ્યા. આ રહ્યો તેમના શબ્દનો સાર:–“રા. ચંદ્રશંકરને બનારસ વિદ્યાપીઠના ‘વાઈસચેન્સેલર’ના હાથે કવિની પદવી મળી છે, તો આ પદવીદાન સમારંભ પ્રસંગે તેમને મારાં અભિનંદન.” ‘દ્વિરેફ’ પણ ત્યાં હાજર હતા, તેમણે સ્વૈરવિહાર ન કર્યો, નહિ તો વળી આથી યે વિશેષ આનંદ આવત.

બીજા એક પ્રસંગ સાથે મારો છેક પ્રત્યક્ષ સંબંધ નથી; પણ જાણું છું એટલે જણાવી લેઉં. દેશી રાજ્યના કેળવણી ખાતાના એક વડા તેમના મિત્ર હતા. દેશી રાજ્યમાં દીવાનો આવે ને જાય, રાજકીય પક્ષો સ્થપાય ને તૂટે. જૂદા જૂદા ખાતાના અધિકારીઓને આવી ઉથલપાથલમાં બહુ સાંખવું પડેલું. પણ કેળવણીખાતાના ખટપટવિહીન, સ્થિતપ્રજ્ઞ સરખા આ મિત્રને તેમની નિર્દોષ ને પ્રમાણિક નીતિથી ઊની આંચ પણ નહોતી આવી. બંને મિત્રો મળતાં નર્મદાશંકરભાઈ આવું કૈંક બોલ્યા:– “ભાઈ, તમે તો બહુ જબરા. ઈંદ્ર ફરે, પણ ઈંદ્રાણી તો તેની તે જ.” બધું વક્તવ્ય સમાવી દેનાર આ વાક્ય કેટલું રસિક ને વ્યંજક છે !

હવે તેમની વિશિષ્ટ સાહિત્યસેવાઓ ઉપર આપણે આવીએ. સુજ્ઞ ગોકુળજી ઝાલા વેદાન્ત ઈનામ નિમિતે ઇંગ્રેજીમાં લખાયેલા ‘વેદાન્તસિદ્ધાન્તભેદ’ અને ‘અદ્વૈતબ્રહ્મસિદ્ધિ’ નામના ગ્રંથો તેમની તે વખતની ઊગતી વિદ્વત્તાને ઝેબ આપે તેવા છે. ‘હિંદુપ્રજનન શાસ્ત્ર’ તથા ‘વેદાન્ત ઉપર બૌદ્ધ ધર્મની અસર’ એ ઉપર ઇંગ્રેજીમાં લખેલા નિબંધોમાં તેમણે ઘણા ગહન ને પ્રેરક વિચારો, વ્યક્ત કર્યાં છે. પ્રથમનું તો ગુજરાતી ભાષાંતર પણ થયું છે. ‘સતી નાટક’ (ભાષાંતર), ‘વૈરાગ્ય શતક’ ને ‘સંધ્યાકર્મવિવરણ’ તે તેમના પ્રખર પાંડિત્યને જાણવા માટે બહુ નોંધપાત્ર નથી. ‘પ્રણવ–વિચાર–વિકાસ’ એ ૐ અક્ષરની ઉત્પતિ ને રહસ્ય સમજાવવા માટે લખેલો તત્ત્વજ્ઞાનપૂર્ણ નાનો નિબંધ છે. ‘કવિ બાલને તેની સેવાઓ’ ઉપરનું તેમનું ભાષણ ઘણું કીમતી ગણાય; કારણકે આ ‘ક્લાન્ત’ કવિના કવન ને જીવન ઉપર સારામાં સારો પ્રકાશ કોઈ પાડી શકે તેમ હોય તો તેમની છાયામાં ઉછરનાર શ્રી. નર્મદશંકરભાઈ જ છે. સાહિત્યના ક્ષેત્રને સગાસંબંધીઓના પક્ષપાતથી મુક્ત રાખવા ઇચ્છતા ભાણેજે કોઈ પણ જાતની અતિશયોકિત વિના મામાના જીવનપ્રસંગો યથાયોગ્ય રજુ કરી તેમાં તેમના ગુણદોષોનું દર્શન કરાવ્યું છે. નિકટના સગાઓએ સ્વર્ગસ્થને આપેલી આવી નિષ્પક્ષપાત અંજલિઓ સાહિત્યક્ષેત્રમાં કેટલી વિરલ છે.

કવિ અખો વેદાન્તી હોઈને ગુજરાતી સાહિત્યમાં તેમનો માનીતો કવિ લાગે છે; કારણ કે પ્રસંગ મળ્યે વારંવાર તેમણે તે કવિ ઉપર વ્યાખ્યાન કે ભાષણ રૂપે ઘણું કહ્યું છે. નડિઆદની નવમી સાહિત્ય પરિષદના ધર્મવિભાગના અધ્યક્ષ તરીકે તેમણે જે ભાષણ આપ્યું હતું, તે તેમના વિશાળ વાચન ને ઊંડા ચિંતનનું જ ફળ છે. ધર્મનું સ્વરૂપ રજુ કરી ધર્મ અને તત્ત્વજ્ઞાનનો સંબંધ સમજાવી, તેમણે ગુજરાતના તત્ત્વજ્ઞ–કવિઓને પણ યોગ્ય ન્યાય આપી, ગુજરાતના તત્ત્વજ્ઞાનના ઇતિહાસ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે. આ ઉપરાંત તેમનાં ‘સર રમણભાઈની મ્યુનિસિપલ સેવાઓ’, ‘સ્થાનિક સ્વરાજ્ય’ ‘સંસ્કૃત સાહિત્ય’ વગેરે ઉપરનાં છૂટક ભાષણોનો તો નામનિર્દેશ કરી જ હું સંતોષ માનું છું.

‘અખાકૃત કાવ્યો’ નામના પુસ્તકને તેમણે સંશોધન કરી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી છપાવ્યું છે. આ પુસ્તકમાં પ્રસ્તાવના દ્વારા તેમણે અખાના વખતની સામાજિક ને રાજકીય સ્થિતિનો ખ્યાલ આપી તેના જીવનપ્રસંગો, જીવનકાળ, તત્ત્વજ્ઞાન વગેરે ઉપર અભ્યાસપૂર્ણ માહિતી આપી ગુર્જર વાચકોને ઉપકૃત કર્યા છે. તેથી એ વિશેષ તો તેમણે ‘અખેગીતા’નાં કડવાનું પૃથક્કરણ કરી તેમનું રહસ્ય સમજાવ્યું છે, ને વેદાન્ત, ઇતર દર્શનો, જૈનધર્મ અને બૌદ્ધધર્મના સિદ્ધાંતોનો તુલનાત્મક દૃષ્ટિએ ઉલ્લેખ કર્યો છે. વિશેષમાં પાછળ ટૂંકી નોંધ આપી તેમણે પુસ્તકની ઉપયોગિતામાં ખાસ ઉમેરો કર્યો છે.

હવે આપણે તેમના ત્રણ કીમતી ગ્રંથો ઉપર આવીએ. ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઇતિહાસ–પૂર્વાર્ધ ને ઉત્તરાર્ધ,’ ‘ઉપનિષદવિચારણા’ ને ‘શાક્ત સંપ્રદાય,’ આ ગ્રંથત્રયી જો તેમણે ના આપી હોત તો તેમની વિદ્વત્તા બહુ સફળ ને ગૌરવવંતી ન બનત. આ ઉપયોગી ગ્રંથોની સવિસ્તર સમાલોચના આવા લઘુ લેખમાં શક્ય નહિ હોવાથી તેમનું સ્વલ્પ વિવેચન કરીને જ હું વિરમીશ.

‘स्वाध्यायप्रवचनाभ्यां न प्रमदितव्यम्’ । એ આદેશને અનુસરીને તેઓ ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ’ લખવા પ્રેરાયા. પુરોગામી તત્ત્વજ્ઞ લેખકનું ઋણ સ્વીકારી તેમણે પોતાનું દૃષ્ટિબિંદુ પ્રસ્તાવનામાં જ સ્પષ્ટ કર્યું છે. ‘હિંદ તત્ત્વજ્ઞાનનો ઈતિહાસ’ તેમની તુલનાત્મક, ઐતિહાસિક ને સંશોધક દૃષ્ટિને સાંકળ નહિ, પણ અનેક નાની મોટી નદીઓના પ્રવાહોથી મિશ્રિત થઇ સમૃદ્ધ બનતા ગંગાપ્રવાહ સરખો જણાયો, ને પશ્ચિમના તત્ત્વજ્ઞાનનો પ્રવાહ લુપ્ત–અલુપ્ત રીતે વહેતી સરસ્વતીના જેવો ભાસ્યો. ગુજરાત કોલેજના પ્રો. ધ્રુવના આદેશથી તેમણે પશ્ચિમના તત્ત્વજ્ઞાનનાં સ્વરૂપ પણ નિરખ્યાં. બંનેના તુલનાત્મક અભ્યાસ પછી તેઓ ભારતીય તત્ત્વજ્ઞાનને આત્માની મુક્તિ ને શાંતિ આપનાર માને છે, જ્યારે યુરોપીય તત્ત્વજ્ઞાન તેમને બૌદ્ધિક સંતોષ આપનારૂં જ લાગે છે. તેમના આ વિશદ મંતવ્યને ઘણા તત્ત્વજ્ઞ વિદ્વાનોનો અવશ્ય ટેકો મળે.

આથી વિશેષ, જો તેમની તત્ત્વજ્ઞાન વિષેની રસિક ને સુંદર દૃષ્ટિનો વાચકને પરિચય કરવો હોય તો તેમનું પોતાનું જ નીચેનું વાક્ય બસ થશે:—

‘તત્ત્વજ્ઞાનની ભિન્ન, પ્રસ્થાન શ્રેણીઓ તે ગંગા, યમુના ને સરસ્વતી વડે ઉત્પન્ન થયેલી ત્રિવેણી જેવી છે. જેવી રીતે, સુંદર સ્ત્રીની વેણી વળથી ગુંથાય છે, ત્યારે તેના મસ્તકને શોભા આપે છે, અને છૂટાં લટીઆં સૌંદર્યને લજાવે છે, તેમ બ્રાહ્મણોના, બૌદ્ધોના અને જૈનોના વિચારોનો જેઓ સમન્વય કરી જાણતા નથી, તેને મારી અલ્પ મતિ તત્ત્વજ્ઞ કહી શકતી નથી, પરંતુ ધર્માંધ કહે છે.”

ધર્માંધતાથી ભિન્ન આવી ધાર્મિકતા ખીલવવી તે વિશાળ ને સત્યશોધક દૃષ્ટિ જ કરી શકે. આ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં તેઓ ગુજરાતના તત્ત્વજ્ઞાનનાં કે ગુજરાતના તત્ત્વજ્ઞ કવિઓનાં મૂલ્ય આંકવાનું પણ વિસર્યા નથી, એ હકીકત આપણા ગુજરાતી સાહિત્યને ગૌરવ આપે તેવી છે; કારણકે ગુજરાતી સાહિત્યનો આ દૃષ્ટિએ વિગતવાર ઈતિહાસ નહિ જેવો જ છે. સાદી ને ચોકસાઇવાળી શૈલી વડે લેખકનો શ્રમ કઠિન વિષયને સહેલો બનાવવામાં, ને પારિભાષિક ગહન શબ્દોને સરળ રીતે સમજાવવામાં સફળ નીવડ્યો છે. તેમાં તેમણે જ્ઞાન, કર્મ ને ભક્તિનો સમન્વય કર્યો છે; અને જુદા જુદા મતોને તથા દર્શનોને સમજાવ્યાં છે; એટલું જ નહિ, પણ ભારતીય ને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનું સાધર્મ્ય–વૈધર્મ્ય બતાવી આપ્યું છે. અંતમાં આપેલા સંદર્ભગ્રંથોની યાદી (Bibliography) તેમના વિશાળ વાચન ને ગહન વિદ્વત્તાની સાખ પૂરે છે.

‘ઉપનિષદ-વિચારણા’ ગુજરાતી પ્રજામાં ઉપનિષદોના અભ્યાસની વિશેષ અભિરુચિ ઉત્પન્ન થાય એવા હેતુથી લખાયેલો ગ્રંથ છે. જગતભરના સાહિત્યમાં ભારતવર્ષના જે ઉપનિષદ્ સાહિત્યમાં અપૂર્વ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તેમાંથી પ્રાચીન ને અર્વાચીન પદ્ધતિએ જાણવા યોગ્ય હોય તે સર્વ એકત્ર કરી વાચક સમક્ષ રજુ કરવાની લેખકની નેમ છે. મૌલિક ગ્રંથોનો અભ્યાસ કરી તેમણે ઉપનિષદોનો ઐતિહાસિક રીતે વેદ, દર્શનાદિ સાથેનો સંબંધ સમજાવી, તે વખતની સામાજિક સ્થિતિનો પણ ચિતાર આપ્યો છે. વળી યુરોપ અમેરિકામાં ઉપનિષદ્‌ સાહિત્યની અસર વર્ણવી તેમણે ઉપનિષદના તત્ત્વજ્ઞાન અને પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનની તુલના કરી છે. વિશેષમાં, આ સાહિત્યના પ્રધાન પ્રવર્તકો, મુખ્ય રહસ્યમય સિદ્ધાંતો તથા કાળનિર્ણય જેવા પ્રશ્નોને પણ છેડી પુસ્તકને તેમણે વધુ કીમતી બનાવ્યું છે.

શક્તિ સંપ્રદાયના સંસ્કાર પણ તત્ત્વજ્ઞાનની જેમ માતામહ પાસેથી જ તેમને મળ્યા હતા, ને તે વર્ષો પછી વિકાસ પામી ‘શાક્ત સંપ્રદાય’ નામે પુસ્તકમાં પરિણમ્યા. બૌદ્ધધર્મનો ને તંત્ર શાસ્ત્રનો વિશેષ અભ્યાસ કર્યા પછી આ પુસ્તક લખવાની પણ તેમને ઈચ્છા થઈ. વેદાન્ત ને શાક્ત સંપ્રદાય બંનેની દૃષ્ટિ મતાંધ હોઈ ભૂલભરેલી છે; ને તે બંનેનો સમન્વય કરતાં નહિ આવડવાથી આપણા ધર્મનું સર્વાંગસુંદર સ્વરૂપ સમજવામાં તે તે પક્ષવાળાઓ નિષ્ફળ નિવડ્યા છે. આ ઉભયની મતાંધતાને વખોડી કર્તાએ શાક્ત સંપ્રદાયના છૂટક છૂટક વેરાયેલા કણોને, સંહિતામાંથી, બ્રાહ્મણોમાંથી, આરણ્યક, ઉપનિષદો ને વ્યાકરણદિ વેદાંગોમાંથી, સૂત્રો, આગમો, તંત્રો, નિબંધો ને પુરાણોમાંથી તથા જૈન ને બૌદ્ધ ધર્મોમાંથી વીણી વીણી એકઠા કર્યા છે; તથા શાક્ત પૂજનના પ્રકારો, યંત્રો આદિ સમજાવ્યા છે. અહીં પણ કેવળ સંસ્કૃત સાહિત્યની સીમાઓમાં જ પૂરાઈ ના રહેતાં લેખકે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલ શાક્ત સાહિત્યનો ઉલ્લેખ કર્યો છે, ને સ્ત્રી જાતિનું ગૌરવ વધારવામાં ગુજરાતી ભાષાદ્વારા ગુજરાતના મુખ્ય શાક્ત કવિઓએ આપેલો ફાળો પણ તારવી બતાવ્યો છે. આવી તુલનાત્મક ને ઐતિહાસિક દૃષ્ટિ, વિશાળ ને વિવિધ અભ્યાસ તથા સૂક્ષ્મ સંશાધનદૃષ્ટિ શું નથી આપતી ? ગુજરાતી સાહિત્યના આવા અક્ષુણ્ણ જેવા થઈ રહેલા પ્રદેશમાં આ પુસ્તકે આમ પગદંડાનો પ્રશંસામાત્ર માર્ગ પાડ્યો છે.

આવા કીમતી ગ્રંથો આપી નર્મદાશંકરભાઈએ પોતાની વિદ્વત્તાને ફળવંતી કરી છે એટલું જ નહિ પણ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ ને ગૌરવવંતું કર્યું છે. આ ગ્રન્થત્રયી પરપ્રાન્તોમાં ને પરદેશમાં પણ પ્રશંસા પામે તેવી વિદ્વત્તાથી સ્પષ્ટ રીતે અંકાયેલી છે.

આમ દી. બ. નર્મદાશંકરભાઈને રાજ્યતંત્રની અટપટી ભૂલભૂલાવીએ ફસાવીને સાહિત્યપરાઙ્‌મુખ નથી બનાવ્યા, તે માટે મારાં તેમને હાર્દિક અભિનંદન છે. પણ આટઆટલા ગુણદર્શન પછી પ્રવૃત્તિમાંયે નિવૃત્તિ શોધતા આ પંડિતની વિદ્વત્તા વિષે પ્રતિકૂળ પણ સત્ય બોલ કહ્યા વિના હું વિરમી જાઉં તો મારૂં કાર્ય અપૂર્ણ જ રહે.

અખાનાં કાવ્યોનું સંશોધન કરવામાં લેખકે જેવી વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના લખી, તેવી જ જો સંપૂર્ણ નોંધ આપી હોત તો અખાની વાણીને સામાન્ય જનસમૂહ વધુ સમજી શકત. નોંધમાં કેટલાક શબ્દો ઉપર ખૂબ સમજૂતી આપી છે, ત્યારે કેટલાક કઠિન શબ્દો તેમાં સ્થાન જ પામ્યા નથી. આ કારણે નથી પ્રમાણનું ઔચિત્ય સચવાયું, કે નથી અખાને સંપૂર્ણ ન્યાય મળ્યો. જોકે અખાની વાણી, ને તેમાં યે તેની ‘અખેગીતા’ કઠિન ને દુર્ગમ છે; પણ અખાની કૃતિઓ આવા ઉત્તમ વિદ્વાનના હાથે પદે પદે સરળ બને એ આશા શું વધારે પડતી છે ? કેટલાક શબ્દોની વ્યુત્પત્તિ જ્યારે તેઓ પોતાના જ્ઞાનબળે આપી શકે તેમ હોય ત્યારે પણ વ્યુત્પત્તિ તે અન્ય ભાષાશાસ્ત્રકોવિદોનો જ ઈજારો છે એમ દાખવી વ્યુત્પત્તિ કે અર્થ આપવાની ફરજમાથી તેમણે બચી જવાનો અયોગ્ય પ્રયત્ન કર્યો છે. તેમણે કેટલાયે સ્થળે ભ્રષ્ટ પાઠ દાખલ કર્યા છે. ને ક્વચિત્ અર્થહીન પાઠને ૫ણ ટકાવી રાખ્યા છે. કેટલીક પાઠ–ભૂલો તો સામાન્ય સંશોધક ૫ણ ન કરે તેવી છે. તો પછી નર્મદાશંકરભાઈ જેવા વિદ્વાનના હાથે સંશોધિત થયેલી આવૃત્તિમાં આપણને તે કેમ ન ખૂંચે ? પ્રવૃત્તિમય જીવનમાં વખતનો અભાવ આવી ભૂલ માટે મુખ્યત્વે જવાબદાર હોવા છતાં તે માટે તેમને સંપૂર્ણ દોષમુક્ત તો ન જ ઠરાવી શકાય.

રેવન્યુ ને ન્યાયના અમલદાર તરીકે લોકજીવનના સમાગમમાં આવ્યા છતાં તેમની કલમે આમવર્ગના જટિલ પ્રશ્નોને સાહિત્ય દ્વારા ભાગ્યે જ છેડ્યા છે. જનસમૂહની મુશ્કેલીઓ ને ત્રુટિઓને તેમણે વિચાર ને આચાર વડે લક્ષમાં લીધી છે, પણ કદી સાહિત્યની અમર વાણીમાં તો નથી જ વણી. ભૂખે ભરતી પ્રજા ઐહિક જીવનના કૂટ પ્રશ્નોને ઉકેલે તો જ આધ્યાત્મિક જીવનને સ્પર્શતા તત્ત્વજ્ઞાનનો વિચાર કરી શકે, સુખમાં ઉછરેલા આ અમલદારે તેમની ભાવભીની વ્યવહારકુશળ દૃષ્ટિને સાહિત્યમાં જે કદી મૂર્ત સ્વરૂપ આપ્યું હોત, તો તેમની સાહિત્યસેવા વધુ જ્વલંત બનત. પણ તેમના સંસ્કાર, ઘડતર, વ્યવસાય ને સંયોગો જોતાં તો તેમણે સ્વીકારેલા સાહિત્ય—પ્રદેશો વિના અન્ય શું સંભવી શકે ? વિશેષમાં, વ્યક્તિગત વલણ પણ આવાં કાર્યમાં મુખ્ય ભાગ ભજવે છે.

અંતમાં, શ્રી. નર્મદાશંકરભાઈએ કુટુંબની ને નોકરીની અનેકગણી વિટંબણાઓ વચ્ચે પણ સ્વાધ્યાયશીલ રહી સાચા દીલથી ગુજરાતી સાહિત્યની કીમતી સેવા કરી છે; પણ તેમની સંસ્કૃત સાહિત્યસેવા આગળ આ ગૌણ લાગે છે. સંસ્કૃત નહિ, પણ ગુર્જર સાહિત્યને જ મુખ્ય ધ્યેય બનાવી તેઓ ગુજરાતના તત્ત્વજ્ઞ કવિઓ ને તેમણે ભાખેલા તત્ત્વજ્ઞાન ઉપર ગુજરાતી ભાષામાં પ્રમાણભૂત સ્વતંત્ર ગ્રંથ લખે, ને ગુજરાતના વર્તમાન વિવિધ સંપ્રદાયો ઉપર જનસમાજને ઉપયોગી થાય તેવાં પુસ્તકો રચે એ આશા તેમની વિદ્વત્તા ને ઉત્સાહ જોતાં જરા યે વધારે પડતી નથી, પણ તેમની લકવાની બીમારીને કારણે આ આશા હવે કેવળ કલ્પના જ બની ગઈ છે. ‘અખિલ ભારતવર્ષ તત્ત્વજ્ઞાન મહાસભા’ પણ તેમને વિશેષ માન અર્પે એમ આપણે ઈચ્છીએ. ગુજરાત પણ તેના આ તત્ત્વજ્ઞાનના પ્રખર વિદ્વાનની સાહિત્યસેવાઓ અને વિદ્વત્તાની ખાસ કદર કરે એ અભિલાષા શું અસ્થાને છે ? પણ જીવનભર અતિશ્રમ કરવાથી ઉત્તરાવસ્થામાં કુદરતની શિક્ષાને આધીન બનેલા આ જ્ઞાન–વૃદ્ધ અધિકારી આજે આવા કાર્ય માટે પણ છેક અશક્ત ને અસહાય જ બની ગયા છે. સંક્ષેપમાં નીતિ[૧] અને આન્વીક્ષિકી[૨] ઉભયના આ વેત્તા નર્મદાશંકરભાઈને જગત્‌પિતા સુંદર સ્વાસ્થ્ય ને દીર્ધ આયુષ્ય અર્પે એ જ અંતિમ પ્રભુપ્રાર્થના❋[૩]


  1. ૧. રાજનીતિ
  2. ૨. અધ્યાત્મવિદ્યા
  3. ❋ દી. બ. નર્મદાશંકરભાઇનું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું છે તેની અહીં સખેદ નોંધ લેવામાં આવે છે.—કર્તા (બીજી આવૃત્તિ).