સાહિત્યને ઓવારેથી/નરસિંહ મહેતો : આદિ ભક્તકવિ

વિકિસ્રોતમાંથી
← શ્રી. મોતીભાઈ ન. અમીન સાહિત્યને ઓવારેથી
નરસિંહ મહેતો : આદિ ભક્તકવિ
શંકરલાલ શાસ્ત્રી
નરસૈયો : સાહિત્ય અને સંશોધનની નજરે →


નરસિંહ મહેતો: આદિ ભક્તકવિ

જૂનાગઢની સાહિત્યસેવા, મેં નર્મદ જયંતીના પ્રસંગે કહ્યું છે તેમ, વિવિધ અને વિશાળ છે. સાહિત્યના ઇતિહાસની દૃષ્ટિએ નહિ, તો લોકપરંપરાની રીતિએ ગુર્જર સાહિત્યના આદ્ય કવિ તરીકેની કીર્તિ ભોગવનાર આપણા નરસિંહ મહેતાએ ગુર્જર કાવ્યસ્રોત વહેતો કર્યો, ત્યાર પછી તો જૂનાગઢમાં શ્રીધર, મનહર સ્વામી અને રણછોડજી દીવાને યથાશક્તિ ગુજરાતી સાહિત્યના વિકાસમાં ફાળો આપ્યો છે. તે ઉપરાંત હાલના લેખક, કવિઓ ને પંડિતો તરફ નજર નાખીએ તો શ્રી ગિરિજાશંકર આચાર્ય, લલિતજી, મોતીશંકર ઘોડા, જયસુખરાય જોશીપુરા, હરિરાય બુચ, ઉછરંગરાય ઓઝા, અને નટવરલાલ વૈષ્ણવ જેવા અનેક નાના મોટા સાહિત્યભક્તો માટે જૂનાગઢ જ જશ ખાટી જાય તેમ છે. પણ આટલું તો ગુર્જર સાહિત્ય પરત્વે જ; સંસ્કૃત અને અન્ય ભાષાઓના સાહિત્યને કે વિદ્વત્તાને વેગ આપવા માટે અહીંના સરસ્વતીપુત્રોની સેવાનાં મૂલ્ય તે ભવિષ્ય ઉપર જ હું મુલતવી રાખું છું.

ઇતિહાસની ખાણ સમું પુરાતન જૂનાગઢ અનેક ઉદય અસ્તનું સાક્ષી છે. આ ઐતિહાસિક નગરીના સ્થળે અનેકવિધ જંગ ખેલ્યા છે, કૈં કૈં રાજકીય ઉથલપાથલો જોઈ છે, અને કૈં કૈં ધાર્મિક વિપર્યયો નિહાળ્યા છે. પણ જો જૂનાગઢ આજેય આખા ભારતવર્ષમાં જાણીતું હોય તો મુખ્યત્વે ત્રણ કારણે. પ્રથમ તો તેના જુગજૂના, પ્રકૃતિ–સોહામણા ગરવા ગિરનારને લીધે; બીજું, તેની સતી સાધ્વી વીર રજપુત રમણી રાણકદેવીને લીધે; ત્રીજું, તેના ભક્તશિરોમણિ વૈષ્ણવ નરસૈયાને લીધે.

સાહિત્યને ઓવારેથી આજે આપણે એ નરસૈયાની જયંતી ઉજવવા એકઠા થયા છીએ. જન્મે તેટલા બધાયની કાંઈ જયંતી ઉજવાતી નથી. જયશાળી હોય તેની જયંતી ઉજવાય. એ જય તે શસ્ત્રોનો નહિ, પણ શાસ્ત્રોનો; પશુબળનો નહિ, પણ આત્મબળનો. શ્રાદ્ધ જેમ કુટુંબનો–કુલનો પ્રસંગ છે, તેમ જયંતી એ સમગ્ર પ્રજાને ઉત્સવ છે. એવા આત્મબળથી સંસારીઓને જીતનાર એ ભક્તિધન નરવીર નરસિંહની આ કારણે આપણે જયંતી ઉજવવા એકઠા થયા છીએ. સદીઓ ગઈ, ત્હોયે કાળને કાંઠડે અમર નામ મૂકી ગયેલા આ ભક્તજનને તેથી જ આજે આપણે સંભારીએ છીએ.

અને નરસિંહનું સ્થૂલ જીવન તો ઘણાને જાણીતું છે. રખડતો અને દરકાર વગરનો એ દિયેર ભાભીના મ્હેણાથી શિવપૂજક બને છે, રાસદૃષ્ટા થાય છે, અને દીવેટીઓ કહેવડાવે છે. પછી તે કપાળમાં તિલક, પગમાં ઘૂઘરા, કંઠે તુલસીની માળા અને કરમાં કરતાળ સાથે કીર્તન કરતો, ક્વચિત્ થેઇ થેઈ નાચ કરતો, ક્વચિત્ રાસ ખેલતો, એ નરસૈયો પોતાનું પુરુષપણું ભૂલી ભગવાનને ગોપીભાવે ભજે છે, કૈં કૈં અકલ્પ્ય વિહારો માણે છે, ને અકથ્ય આનંદ અનુભવે છે. તેમ કરતાં તે નાતીલાઓનો તિરસ્કાર ભોગવે છે, અને જડ સંસારીઓના અસહ્ય ઉપહાસ ખમે છે. પણ નરસિંહ તેની ધૂન અને તેના દીનાનાથ ગોપીવલ્લભને કેમ તજે? તે તો તેના હૃદ્‌ગત ભાવોને શબ્દદેહ આપે છે, કવિ થાય છે, અને મસ્ત ગોપી બની અમરવાણીનો વારસો પાછળ મૂકતો જાય છે. જુવાનીનો જુસ્સો શમતાં તે સૂક્ષ્મ સ્નેહ તરફ વળે છે, ‘વાચ કાચ્છ’ ના સંયમ વડે સાચો વૈષ્ણવ બને છે, અને સમગ્ર જગત સાથે એકતા અનુભવે છે. જીવનમાં તે અનેક પ્રસંગોએ દીન બની દીનાનાથને યાચે છે, અને તેની સ્હાયનો અધિકારી બને છે. શામળશાનો વિવાહ, શ્રાદ્ધ, હુંડી, મામેરૂં, હારમાળા: આ બધાય તેના જીવનના ધન્ય પ્રસંગો મનાયા. તેથી કાળબળે દૈવી બનેલા પ્રસંગો વડે લોકોની દંતકથાએ નરસૈયાને દેવ જેવો બનાવ્યો છે, અને ભક્તજનોના પૂજ્યભાવે તેને અલૌકિક માન્યો છે.

મહેતાનો યૌવનમસ્ત સ્થૂલ પ્રેમ આપણને ચાતુરી ષોડશી, ચાતુરી છત્રીસી, શૃંગારમાળા, ગોવિંદગમન અને સુરતસંગ્રામ નામે કૃતિઓ આપે છે. તેની સંયમયુક્ત, સૂક્ષ્મ સ્નેહથી રંગાયેલી ઉત્તરાવસ્થાની ભક્તિ શામળશાનો વિવાહ, હૂંડી તથા અસંખ્ય પદો વગેરેનો પાછળ વારસો મૂકી જાય છે. તેના જીવનના પ્રસંગોને નિરખવાથી તેણે કવેલા ભાવોના કેટલાયે કૂટ પ્રશ્નો આપણને આપોઆપ ઉકલી જાય છે. આ ભક્તજન તેની સરળ, પ્રવાહી ને ભાવપૂર્ણ ભાષામાં તેના મનોરથો વ્યક્ત કરે છે. તેની વાણી મીરાં જેટલી સંગીતમય નથી, દયારામ જેટલી લલિત નથી; અખા જેટલી દુર્બોધ નથી; પણ તેમાં ભક્તિની નૈસર્ગિક ભરતી અને ઊર્મિના ઉછાળા છે, તથા ક્વચિત્ તેમાં તત્ત્વજ્ઞનું ગૂઢ ચિન્તન પણ છે.

હિંદી અને મરાઠી સાહિત્યના તુલસીદાસ, બિહારીદાસ અને નામદેવ જેવા ભક્ત કવિઓની હારમાં ઉભા રહે તેવો આ નરસૈયો તેના જીવનકાળ પછી હિંદભરમાં મશહૂર થયો છે. ગુજરાતના રાજકીય રીતે અસ્થિર અને અશાંત વાતાવરણમાં જન્મેલો હોઇને તે ભક્તિ તરફ વળ્યો, ભજન ગાતાં ગાતાં ક્રાન્તદર્શી કવિ થયો, અને અજાણતાં માનીતો સરસ્વતીપુત્ર બન્યો.

ત્યારે ભાગવત અથવા પાંચરાત્ર સંપ્રદાયે ભક્તિપ્રવાહ અવિચ્છિન્ન રાખ્યું હતું, અને તે જયદેવ ને નરસૈયો જેવા ગોવિંદનાં ગીત ગાનારાથી જાણીતો થયો હતો. એ ભક્તિનો પ્રવાહ અને તેની રાસલીલાના અંશો મહાભારતના હરિવંશમાં ભાગવતના દશમસ્કંધમાં અને અન્ય પુરાણોમાં પણ મળી આવે છે. છતાં નરસિંહની ભક્તિને આજે ગ્રહણ લાગ્યું છે. સ્વ. ગોવર્ધનરામ ત્રિપાઠીએ ગુજરાતના તેજસ્વી વાણીવ્યક્ત ભક્તિસંપ્રદાયનો જશ નરસિંહ મહેતાને આપ્યો. પણ પછી તો તેને નકારનાર પણ પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ અને શ્રી. મુનશી જેવા મળી આવ્યા છે. કોઈ તેની ઉપર ચૈતન્યદ્વારા વૃંદાવનીય ભક્તિની અસર જુએ છે, તો કોઈ તેને વલ્લભસંપ્રદાયની છાયામાં બેસાડે છે. પણ ઉતાવળાં ને એકતરફી અનુમાને શાને કરવાં? આજે તો ‘ગુજરાતી’ સાપ્તાહિકે, શ્રી. બધેકાએ, શ્રી. મુનશીએ અને અન્ય લેખકો એ નરસૈયાની સ્થિતિ વધારે દુર્ગમ અને કફોડી કરી નાખી છે. સંગીન સંશોધનાત્મક અભ્યાસ જ આ બધાનો ઉકેલ લાવી શકે તેમ છે.

જૂનાગઢમાં નહિ રહેનાર વિવેચકોએ નરસિંહના જીવનને તથા સાહિત્યને સમરાંગણ બનાવી સાઠમારી શરૂ કરી દીધી છે, છતાં આપણે જૂનાગઢમાં રહીને પણ નરસિંહ મહેતા વિષે પ્રમાણભૂત કાંઈ ઉચ્ચારી ના શકીએ તે આપણી કેવળ લાચારી જ છે. પણ નરસિંહ વિષેના કૂટ પ્રશ્નો ઉપર આવું ત્યાર પહેલાં તેના જીવનના અદ્‌ભુત પ્રસંગો વિષે સ્હેજ કહી લેઉં. એ ચમત્કારોનો સ્વ. હ. દ્વા. કાંટાવાળા ‘મેસ્મેરિઝમ’ વડે ખુલાસો કરતા; ભાવિક ભક્તજન શ્રદ્ધાપૂર્વક કૃષ્ણના આશ્રયે તેમને તદ્દન વાસ્તવિક માને; વિવેચક તેમાં અર્થવાદની અતિશયોક્તિ જુએ; અને તત્વજ્ઞ તેમાં મહારૂપક નિરખે. શ્રી. નરસિંહરાવભાઈ કહે છે તેમ સંજયને મળેલાં દિવ્ય ચક્ષુનો આ દીનભક્તે પોતાના કાવ્યોમાં એકરાર કર્યો છે, અને તેના ચમત્કારયુક્ત જીવનપ્રસંગોને આ સરસ રીતિએ આપણે ઘટાવી શકીએ છીએ.

ગુજરાતી કાવ્યસાહિત્યના ‘ચોસર’ મનાતા આ ભક્તકવિ વિશે શું કહેવું અને કેટલું કહેવું ? તેની સમભાવ દૃષ્ટિ, સ્વમાનશીલ સ્વભાવ, અપરિગ્રહ વ્રત, તેની નિઃસીમ નીડરતા અને ધાર્મિક નમ્રતાઃ આ બધાએ તેના જીવનને સવિશેષ ધન્ય કર્યું છે. તેણે નાગરોની જ્ઞાતિ ખોઈ, સંસારીઓનું જડ જગત ગુમાવી, કાલાંત સુધી વૈષ્વોના જગતની એક નાત બનાવી; અને દિવ્ય ધામનાં દર્શન અનુભવતાં તેણે જગતઘેલાંની જડતાનું પ્રબળ ભક્તિ વડે પ્રાયશ્ચિત્ત કર્યું.

ગુજરાતી સાહિત્યમાં નરસૈયાએ અનેક કવિઓને તથા ભક્તોને પ્રેર્યા છે, કે ઉપકારવશ કર્યા છે, જેમકે વિશ્વનાથ જાનીને, પ્રેમાનંદ ને દયારામ, દલપતરામ અને નર્મદને, મનસુખરામભાઈને, અને છેલ્લામાં છેલ્લા શ્રી. નાનાલાલ, ખબરદાર, લલિતજી અને ગાંધીજીને. શ્રી. મુનશીના શબ્દોમાં નરસિંહ મહેતા અનંત ઓચ્છવ કરતા ગુજરાતી સાહિત્ય અને જીવનને માટે સદીઓની પ્રેરણા અને મઘમધતી સંસ્કારસૌરભ મૂકતા જાય છે. તેણે જીવનને ધન્ય કર્યું; ને અન્યનાં–વિરોધીઓનાંયે સુદ્ધાંનાં જીવન તે ધન્ય બનાવતો ગયો. જીવતાં તેની કદર ન થઈ. બધાએ વિભૂતિવંતાઓને એમ જ થયું છે ને? અને તેથી જ તે આજે આપણે અનેકગણી પૂજા અને પ્રશંસાનું પાત્ર બન્યો છે.

ઐતિહાસિક દૃષ્ટિની ઉણપે નરસિંહ મહેતાને વધુ ગૂઢ બનાવ્યો છે. ભાષા અને દસ્તાવેજોના સાધનથી, ગુર્જર સાહિત્યની નિસરણીથી, ઇતિહાસ–શિલાલેખોના ઝબક–દીવાથી કે પરપ્રાંતના વાઙ્‌મયની જાળીથી આજે બધા નરસૈયાને પકડવા મથે છે; છતાં અજબ જાદુગર જેવો એ નરસૈયો હજુ અદીઠ જેવો ઉભો છે. એકી સાથે બધાં જ સાધનથી બરાબર પેરવી થાય તો જ કદાચ તે સંપૂર્ણ નજરે પડે. ત્યાં સુધી એ દૃશ્ય અદૃશ્ય જણાશે, પાસે અને દૂર લાગશે. આ સામટી સામગ્રીના અભાવે તેના વિષે કૈં કૈં અપૂર્ણ, એકતરફી કે ઉતાવળાં અનુમાનો થતાં જાય છે; અને તેથી તો વિવિધ પ્રયતને પણ મનોવાંછિત ફળ નથી આપતા.

આજકાલ ખૂબ ચર્ચાએલા અને તેથી જટિલ બનેલા, નરસિંહ વિષે નીચેના અગીઆર પ્રશ્નો તારવી શકાય તેમ છે:—

(૧) નરસિંહ મહેતાનો જીવનકાળ કયો? જન્મ અને મરણનાં ચોક્કસ વર્ષ કયાં?
(૨) ત્યારે રાજકર્તા કોણ હતો ? મંડળિક હોય તો કયો? ત્રીજો કે પાંચમો ?
(૩) એ મંડળિક શૈવ હતો કે વૈષ્ણવ? ત્યારે જૂનાગઢમાં, સોમનાથ પાટણમાં, સોરઠમાં અને સમગ્ર કાઠિયાવાડમાં મુખ્યત્વે કયો પંથ પ્રબળ હતો? શૈવ ધર્મ કે વૈષ્ણવ ?
(૪) હારમાળાનો પ્રસંગ ઐતિહાસિક ખરો કે કેમ? સંવત ૧૭૦૦ પહેલાં તે પ્રસંગનો ક્યાંયે ઉલ્લેખ મળે છે?
(૫) હારમાળા કોણે રચી? નરસિંહે, પ્રેમાનંદે કે અન્ય કોઈએ ?
(૬) નરસિંહ મહેતા તળાજાથી જૂનાગઢમાં ક્યારે અને અને કયા સંયોગોમાં આવ્યા?
(૭) નરસિંહ મહેતા જૂનાગઢમાં ક્યાં રહેતા ? હાલનો ચોરો જો તેમનું નિવાસસ્થાન હોય તો તે ભાગમાં અસલ નાગરવાડો હતો એમ લેખથી કે ઇતિહાસથી સિદ્ધ થાય છે કે કેમ ?
(૮) નરસિંહ મહેતાના વખતમાં ગુજરાતી ભાષા કયા સ્વરૂપે પ્રચલિત હતી ? નરસિંહે કયા સ્વરૂપમાં તેનાં મૂળ કાવ્યો લખ્યાં ? તેની કૃતિઓની જૂનામાં જૂની પ્રત કયા વર્ષની મળી આવે છે ? તેમાં ભાષા કયા સ્વરૂપે છે ?
(૯) નરસિંહ મહેતાના સ્વજનોનાં અને પૂર્વજોનાં સાચાં નામ શાં ? પર્વત મહેતા સાથે તેમને શો સંબંધ ? શા આધારે ?
(૧૦) નરસિંહની ભક્તિજ્વાળા સ્વયંભૂ પ્રકટી કે અન્ય કોઈ સંપ્રદાયની અસરથી જન્મી ? એ અસર હોય તો કોની ? પ્રાચીન પાંચરાત્ર સંપ્રદાયની, ચૈતન્યની કે વલ્લભાચાર્યની ?
(૧૧) નરસિંહે પ્રસન્ન કરેલા ગોપનાથ મહાદેવ ક્યાં આવ્યા અને તેના પુત્ર શામળશાનું સાસરૂં વડનગર ક્યાં આવ્યું ?
આ બધા પ્રશ્નોનો અંતિમ ઉકેલ થાય નહિ ત્યાં સુધી સાહિત્યના ભક્તોએ સંતોષ ના માનવો જોઈએ. વિશેષે, જૂનાગઢમાં રહેતા તેના સ્વજનો, નાતીલાઓ, ભક્તો, પ્રશંસકો, અને વિદ્વાન વિવેચકો ત્યાં સુધી ઋણમુક્ત નથી થતા.

પ્રો. બ. ક. ઠાકોર તેમની તીખી ભાષામાં જણાવે છે કે નરસિંહ મહેતાની હયાતી સાબીત કરવા હજુ પણ સંતોષકારક ખાત્રીવાળો પુરાવો નથી મળતો. શ્રીયુત મુનશીએ નરસિંહ મહેતાનું લોકપરંપરાથી ચાલ્યું આવતું ઈ. સ. ૧૪૧૪નું જન્મવર્ષ પોણોસો વર્ષ પાછું હઠાવવા અભ્યાસપૂર્ણ દલીલો કરી છે; પણ તેમાંની ઘણી નકારાત્મક, ખંડનાત્મક, ઉતાવળી, એકતરફી કે ચાલાકીભરી છે. સમર્થ ધારાશાસ્ત્રી તરીકે શ્રી. મુનશી પણ જાણે છે કે નરસિંહ મહેતાને મોડો ઠરાવવા, કે સદીઓથી માન્ય રખાયેલા હારમાળાના પ્રસંગને નકારવા માટે સંગીન ખાત્રીલાયક પુરાવો રજુ કરવાનો છે જે બોજો તેમને શિર છે. તે કેવળ પ્રતિપક્ષીઓની દલીલોને તોડવાથી ઉતરી જતો નથી. “ગુજરાતી” સાપ્તાહિકના પક્ષકારોની દલીલોમાં અને સૈકાંઓથી ચાલતી આવેલી દંતકથાઓમાંયે કેટલાક તથ્યાંશો છે; પણ સંપૂર્ણ સત્ય તો એક્કેયમાં નહિ. કેવળ પક્ષાપક્ષી કે વાદાવાદીથી કાંઈ ખરૂં સત્ય ના જડે. પક્ષાપક્ષી હોય ત્યાં સત્યરૂપી પરમેશ્વર ના જ મળે એમ નરસૈયો પોતે પણ ભાખે છે.

અંતમાં, ઉપહાસ કરતી સમગ્ર નાતને ન્યાલ કરી જતો, ગુજરાતી કાવ્યસ્રોતને સમર્થ રીતે વહેતો મૂકતો તથા લોકસમુદાયની મશ્કરી સાંખી તેને ઉદ્ધારનો પંથ દાખવતો આ વૈષ્ણવજન જગતના જડવાદને અને દંભને હઠાવે છે; દેહનાં બંધનથી પર થઈ પરબ્રહ્મનાં દર્શન પામે છે, અને પાછળ અનુપમ ભક્તિનો પમરાટ પ્રસરાવતો જાય છે. નમ્ર નમન હો એ રાસદૃષ્ટા ભક્તકવિ વૈષ્ણવ નરસૈયાને, અને ધન્ય છે તેનાથી પુનિત થયેલી જૂનાગઢની આ ભારતપ્રસિદ્ધ ભૂમિને.❋[૧]




  1. ❋તા. ૧૬–૧૨–૩૪ના રોજ જૂનાગઢમાં બહાઉદ્દીન કોલેજની સાહિત્યસભા તરફથી ઉજવાયેલી નરસિંહ મહેતાની જયંતીના પ્રસંગે અપાયેલું ભાષણ. –કર્તા