સાહિત્યને ઓવારેથી/પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ

વિકિસ્રોતમાંથી
← દી. બ. કેશવલાલ ધ્રુવ સાહિત્યને ઓવારેથી
પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ
શંકરલાલ શાસ્ત્રી
શ્રી. ન્હાનાલાલ કવિ →


પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ

અને હવે લઈએ વિદ્યાર્થીસંઘમાં પ્રિય અને પ્રસિદ્ધ થયેલા પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવ. બુદ્ધિમત્તાની સૂચક ભવ્ય મુખમુદ્રા, ભાલને શોભાવતો પૂર્ણિમાના ચંદ્ર જેવો ગોળ ચાંલ્લો, અને નાગરશાહી પાઘડીના કરંડીઆમાં ઢંકાઈ રહેલી તેમની લાંબી શિખા: આ બધું તેમના તરફ વિદ્યાર્થીઓમાં પૂજ્યભાવ પ્રેરવા માટે બહુ મદદગાર થાય છે; અને જ્યારે આ ‘શ્લથલમ્બિની’ (શિથિલ અર્થાત્ વીખરાએલી અને લાંબી) જટા તેમના ખાનગી અભ્યાસખંડમાં તેમના પીઠપ્રદેશને આવરી લે છે ત્યારે તે પૂજ્યભાવથી પ્રેરાએલા વિદ્યાર્થીને મન તો જાણે કે બુદ્ધિમાન મસ્તિકમાંથી વેદવિદ્યાની વડવાઈઓ ફૂટી બહાર નીકળતી હોયને ! સાહિત્યનાં સમૃદ્ધ સર્જનથી નહિ, તો સરસ્વતીની અવિરત ઉપાસનાથી કેટકેટલા ગુર્જર યુવકોને તેમણે સારસ્વત પ્રેરણાનાં પાન કરાવ્યાં, વિદ્વતાનાં જળ પાયાં, ધર્મનું સ્વરૂપ સમજાવ્યું અને અનુભવનાં સૂત્રો બોધ્યાં. આજે પણ ગુજરાતના મહાવૃક્ષની વિવિધ ટોચે બેઠેલા તેમના કેટલાએ શિષ્યો જોવામાં આવે; અને વર્ષો સુધી તેમણે અધ્યાપકપદ ભોગવેલું હોવાથી આજના ‘વાનર સૈનિક’ના પિતા અને પિતામહ પણ કોલેજમાં તેમનું શિક્ષણ પામ્યાના દાખલા મળી આવે. અમદાવાદની ગુજરાત કોલેજના વિકાસનો પા સદી ઉપરાંતનો ઈતિહાસ તેમના જીવન સાથે સુદૃઢ સંકળાયેલો છે. એવા આ મહાત્માજીના માનીતા અને વર્ચસ્વંતા આચાર્ય ધ્રુવ ભાગીરથીને કાંઠે વારાણસીના હિંદુ વિદ્યાપીઠને વર્ષો સુધી શોભાવી આજે અમદાવાદમાં નિવૃત્તિ સેવી રહ્યા છે.

ગુજરાતની આધુનિક, ગૌરવવંતી અને સતત વૃદ્ધિગત થતી અગાધ વિદ્વત્તાના અગ્રગણ્ય પ્રતિનિધિઓમાં તરી આવે તેવી ત્રણ વિદ્યમાન વ્યક્તિઓ છે: દી. બ. કેશવલાલ ધ્રુવ, પ્રિન્સિપાલ આનંદશંકરભાઈ અને પ્રો. બ. ક. ઠાકોર. અન્ય કોઈને અવિદ્વાન તરીકે ઉવેખવાનો અહીં હેતુ નથી; આટલું તો માત્ર ગણનારૂપે જ. જીવનભર વિદ્યાવ્યાસંગ કર્યો હોય અને તેનો જ અપ્રતિમ રસ માણતાં માણતાં જેમણે જીવન વ્યતીત કર્યું હોય, તેવા આ ત્રણ વિદ્વાનો આજે પણ ગુજરાતની સંસ્કૃત વિદ્વત્તાને શોભાવી રહ્યા છે. આનંદશંકરભાઈ મુખ્યત્વે તો સંસ્કૃતના જ અધ્યાપક રહ્યા, એટલે સંસ્કૃત વિદ્યાનાં તિલક કરતાં કરતાં તેઓ ‘વન’ વટાવી ગયા. સંસ્કૃતના સંગીન જ્ઞાન માટે તેમણે પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃત વિષયક શિક્ષણપદ્ધતિઓ જાણી લીધી છે. શ્રીમંત પિતાના આ વિદ્યાવિલાસી પુત્રે શાસ્ત્રીય રીતે સંસ્કૃત વિદ્યાને સેવી તેનાં વિશેષ મૂલ્ય આંક્યાં, પૂર્વના સાયણ અને પશ્ચિમના મેક્સ મૂલર જેવા પંડિતોના મતોનો સમન્વય કર્યો, અને હંસવૃત્તિથી યોગ્ય અને અયોગ્યનો, સત્ય અને અસત્યનો વિવેક કર્યો.

આનંદશંકરભાઈ આજે તો પ્રિન્સિપાલ તરીકે બહુ પ્રખ્યાત થયા છે, એટલે વિદ્યાપીઠની પરિભાષા પ્રમાણે તો આચાર્ય કહેવાય. પણ, ગુજરાતમાં તો તેઓ ગુજરાત કોલેજના પ્રોફેસર તરીકે જ જાણીતા થયેલા છે, એટલે હું તેમને અધ્યાપક તરીકે જ વિશેષ ઓળખાવીશ.

આ સમર્થ વિદ્વાનની અભ્યાસવૃત્તિ તે વેદોની આર્ષવાણીથી જકડાઈ ગઈ નહિ; પ્રાચીન પ્રણાલીના વૃત્રથી રૂંધાયેલાં એ સંસ્કૃત વિદ્યાનાં વિશુદ્ધ જળ નીરખવા તેમણે અન્ય વિદ્યાઓનો પણ અભ્યાસ જારી રાખ્યો; ને તેથી સંસ્કૃતિ ઉપરાંત તેમનો ગુજરાતી ને અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ પણ તલસ્પર્શી અને સ્તુતિપાત્ર છે. અંગ્રેજીના પ્રોફેસર તરીકે પણ તેમણે થોડા સમય કામ કર્યું છે. વિશેષમાં તેમનો લોજિક, ઈતિહાસ, તત્ત્વજ્ઞાન વગેરેનો અભ્યાસ પણ તેટલો જ સૂક્ષ્મ અને સમૃદ્ધ છે. સમાજશાસ્ત્ર (Sociology) એ તત્ત્વજ્ઞાનનું મૂર્ત સ્વરૂપ છે એમ માની તેમણે આ વિષયને પણ પોતાના અભ્યાસક્ષેત્રમાં સ્થાન આપ્યું છે. અને આ ઉપરાંત એલએલ. બી. ની ડીગ્રી વડે તેમણે કાયદાના વિષયોને પણ અપનાવી લીધા છે. ખરેખર સતત વિદ્યોપાસના અને સૂક્ષ્મ બુદ્ધિ શું શું નથી સાધી શકતી ?

આનંદશંકરભાઈની સાહિત્યકારકિર્દી સ્વo મણિલાલ દ્વિવેદીના ‘સુદર્શન’થી શરૂ થઈ તે બ્રહ્મનિષ્ટ સાક્ષરના અવસાન પછી તેમણે ‘સુદર્શન’ સંભાળ્યું; અને ‘સુદર્શન ગદ્યાવલી’ની પ્રસ્તાવના રૂપે સ્વo મણિલાલભાઈના જીવનની ટૂંકી રૂપરેખા પણ આપી. ‘સુદર્શન’ને આનંદશંકરભાઈએ કેટલાંક વર્ષ ચલાવ્યું; પણ તેઓ તેના ‘આદ્યદ્રષ્ટા’ ની માફક આર્ય ભાવનાના પ્રચારક (Missionary)ના બનતાં માત્ર પૂજક જ રહ્યા. તેમની આવી સ્વતંત્ર લેખનવૃત્તિ ‘સુદર્શન’ના વાચકોને મળી લાગવાથી અને ક્ષિતિજ ઉપર યુગ પરિવર્તનનાં ચિહ્ન દેખાવાથી નવા યુગને અનુરૂપ થવા તેમણે ‘વસન્ત’નો પ્રારંભ કર્યો. ત્યારે આજના જેવી ગાંધીયુગની સમગ્ર જીવનને આવરી લેતી આધ્યાત્મિકતા નહોતી. સનાતનીઓની સ્થિતિચુસ્તતા અને ‘સુધારાવાળાઓ’ ની તે વખતની ઝનૂની ખંડનાત્મક નીતિ: આ બંનેનું સુયોગ્ય સંમિશ્રણ કરી પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનાં સુંદર તત્ત્વો બતાવવાં, જનતાને યોગ્ય પંથે વાળી ઉત્સાહના પૂરમાં ઉન્માર્ગે જતી અટકાવવી, આર્ય ધર્મને ઉજાળવો, સાહિત્યને સમૃદ્ધ કરવું, અને રાજકારણને રાષ્ટ્રભાવનાથી પ્રદીપ્ત રાખવું: આ બધું કરવાની ત્યારે જરૂર હતી. આવી ઉદાત્ત ભાવનાઓથી પ્રેરાઈ તેમણે ‘વસન્ત’ને વધામણાં દીધાં, અને તેને સમર્થ વિચારોનું વાહન બનાવ્યું. ‘વસન્ત’ના તંત્રીપદેથી તેમણે ધર્મ અને નીતિ ઉપર છૂટાછવાયા કેટલાયે સ્વતંત્ર લેખો લખ્યા; અને સાહિત્યના વિવેચન ઉપર પણ તેમણે પોતાની વિદ્વત્તાનો પ્રકાશ નાખ્યો. આ ધર્મ અને નીતિ ઉપરના લેખોનો સંગ્રહ તે તેમનો ‘આપણો ધર્મ’ નામે ગ્રંથ.

આનંદશંકરભાઈના હાથે સ્વતંત્ર પ્રકાશન પામેલું તેમનું આ એકનું એક ગુજરાતી પુસ્તક છે. તેની સુગમ શૈલી, તેનું વિચારગૌરવ અને તેના જ્ઞાનપૂર્ણ વિષયોને લીધે તે અભ્યાસશીલ વાચકને આનંદ આપે તેવું છે. ધર્મ, નીતિ અને તત્ત્વજ્ઞાન ઉપર તેમણે કેટલાંક બીજાં પુસ્તકો પણ લખ્યાં છે. બાળક માટે લખાયેલાં ‘હિંદુધર્મની બાળપોથી’, ‘નીતિશિક્ષણ’ અને ‘ધર્મવર્ણન’ તથા મોટેરાઓ માટે લખાયેલાં ‘હિંદુ વેદધર્મ’ અને શ્રી રામાનુજાચાર્યના શ્રીભાષ્યના ભાષાંતરના બે ગ્રંથો: આ બધામાં તેમની ઉચ્ચ વિચારસરણી, અગાધ વિદ્વત્તા, અને જગતભરના સર્વ ધર્મોનો તુલનાત્મક અને તટસ્થ અભ્યાસ ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. બાળકો માટે લખાયેલાં પુસ્તકોમાં તો કઠિન અને ગહન વિચારો પણ તેમણે બહુજ સ્પષ્ટ, સરળ અને ચોક્કસ શબ્દોમાં જણાવ્યા છે; ને તેથી તેઓ આનંદશંકરભાઈની વિચક્ષણ શિક્ષણશક્તિની સાખ પૂરે છે. ટુંકમાં, આ બધા ધાર્મિક ગ્રંથોમાં અને સંસ્કૃત ‘ન્યાયપ્રવેશ’માં તેમની વિદ્વત્તા તેમણે બહુ જ સરળ સ્વરૂપે ને મનોરંજક રીતે વહેવરાવી છે.

અને સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમની ‘સ્મરણસંહિતા’ ઉપરની વિવેચનાત્મક નોંધ અને વસંતમાં ‘ગ્રંથાવલોકન’ ના મથાળા હેઠળ તેમના વિવેચનના લેખો પશ્ચિમના સમૃદ્ધ, વિવિધ અને વિશાળ સાહિત્યની દૃષ્ટિએ મૌલિક રીતે લખાયેલા હોઇને આપણા સાહિત્યમાં અનેરી ભાત પાડે છે.

આનંદશંકરભાઈને પુસ્તકો લખવા કરતાં વાંચવાનો અને તે વિચારવાનો વધારે શોખ છે; એટલું જ નહિ, પણ સાહિત્યની દૃષ્ટિએ કીમતી ગ્રંથો ખરીદીને તેમને પોતાના ખાનગી પુસ્તકાલયમાં સંગ્રહવાનો પણ તેટલો જ શોખ છે. તેમની લાયબ્રેરીમાં તેમના અભિમત વિષયો ઉપરનાં છેક તાજાં જ પ્રસિદ્ધ થયેલાં પુસ્તકો પણ મળી આવે, ને તેથી તે લાયબ્રેરી તેમના અભ્યાસી મિત્રોમાં સારી રીતે જાણીતી થયેલી છે. ખરેખર, આનંદશંકરભાઈએ વિત્ત અને વિદ્વત્તા વડે લક્ષ્મી અને સરસ્વતી ઉભયને પોતાનામાં ‘એકસંસ્થ’ (એક જ સ્થળે રહેતી) કરી છે. સોનું જેમ સુગંધથી વિશેષ વખણાય તેમ તેમની શ્રીમંતાઈને વિદ્વત્તા અન્યોન્યમાં યોગ્ય રીતે ભળી ખાસ આદર ને આકર્ષણનું પાત્ર બન્યાં છે.

આનંદશંકરભાઈ એટલે નાગર અને નાગરિક બંને. જન્મે ઉચ્ચ કુટુંબના નાગર એટલે કુલ તરફથી આર્ય સંસ્કૃતિ વારસામાં મળી; વિશેષમાં નાગરોએ વ્યક્તિત્વ સાચવી સાધેલાં સમયજ્ઞતા અને સમયાનુસારિતાનાં લક્ષણો પણ તેમનામાં છે. આનંદશંકરભાઈ એટલે કેવળ વિદ્વત્તાનો શુષ્ક ભાર નહિ, શાસ્ત્રીય વેદિયાપણું નહિ, કે હાંસીપાત્ર પંતુજીપણું નહિ; નાગરત્વની સંકુચિતતાને તેઓ નાગરિકતાથી વિશાળ બનાવે છે, અને વિદ્વત્તાના ભારને વિનોદભરેલી રસિકતાથી હળવો કરે છે. તેમની આ રસિકતાને લીધે તો ગુજરાત કોલેજમાં તેમનાં વિદ્વત્તાપૂર્ણ ભાષણો પણ નીરસ નીવડતાં નહિ. ચશ્માંની દાંડી ઉપર આંગળી મૂકી અધ્યાપક ધ્રુવ જ્યારે ભાષણ આપતા હોય, ત્યારે તો વાણીનો અસ્ખલિત પ્રવાહ વહે, ને જ્ઞાનના ભંડાર ખૂલે. આ વિદ્વતા, આ રસિકતા અને આ સંસ્કારસંભારને લીધે તેમના એક અનુગામી સમર્થ વિદ્વાન કહે કે ‘आनंदशंकरगुरोश्चरणौ नमामि’ તો તેમાં શું આશ્ચર્ય !

આ બધા ગુણોને લીધે તેઓ વ્યવહારદક્ષ, તથા કાર્યકુશળ પણ મનાયા છે. મહાત્માજીને અને તેમને તો ‘આશક માશુકનો સંબંધ’ છે. મજુરોના લવાદ–મંડળ વખતે આનંદશંકરભાઈ પણ હતા, અને તે વખતે મહાત્માજીને તેમની વિશેષ કિંમત સમજાઈ. અને પછી થોડા જ વખતમાં ઈ. સ. ૧૯૧૯ની આખરમાં ગાંધીજીએ આ ‘અણમોલ રત્ન’ ની પંડિત માલવિયાજીને ભેટ કરી. ગુજરાત કોલેજમાંથી પ્રો. ધ્રુવની વિદાયગીરીના માનમાં કરેલો એ ભવ્ય મેળાવડો; પ્રિન્સિપાલ રોબર્ટસનની હાજરી, મહાત્માજીનું પ્રમુખપદ, સંભાવિત ગૃહસ્થોનું આગમન, અને વિષાદભર્યા હૃદયે માનભરી વિદાય દેતો વિદ્યાર્થીગણ: આ પ્રસંગ ‘નવજીવન’ ના પાને સચવાયો છે, તેમ જ ગુજરાત કોલેજના ઇતિહાસમાં પણ અમર થયો છે.

અને તેમની કાર્યકુશળતા માટે વિશેષ કાંઈક હું જણાવી લઉં. ગુજરાત કોલેજની તેમની નોકરી દરમ્યાન ધ્રુવ સાહેબને યુરોપિયન પ્રિન્સિપાલ અને યુરોપિયન પ્રોફેસર સાથે સંસર્ગમાં આવવું પડતું; છતાં તેમની ખુશામત કર્યા વિના સ્વમાન સાચવી પોતાની લાક્ષણિક વ્યવહારકુશળતાથી તેઓ બધાનાં મન જીતી લેતા. આવા બાહોશ નર ગુજરાત કોલેજના પણ એક વખત એક્ટિંગ પ્રિન્સિપાલ બન્યા હતા, તે આ જ વિશિષ્ટ વ્યક્તિત્વને લીધે. બનારસ હિંદુ યુનિવર્સિટીની કોલેજના પ્રિન્સિપાલ તરીકે તેમણે ત્યાંના પક્ષભેદો શમાવ્યા ને સ્થાનિક કલહોને નિર્મૂળ કર્યા. બધા પક્ષોથી પર રહી સ્વતંત્ર વિચાર અને વ્યવહાર કરવો એ તેમનું ખાસ લક્ષણ છે. આ જ વ્યવહારકુશળતા તેમણે નડિઆદની સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે બતાવી, અને તેની કાર્યવાહી સભાઓમાં ગંભીર અથડામણના પ્રસંગો દૂર રાખ્યા. પણ આ પ્રમુખપદ અન્યને સોંપે ત્યાં સુધી સાહિત્ય પરિષદનું નાવ સ્થિર ને સુરક્ષિત રાખવાનું કામ તેમના જેવા માટે ય સ્હેલું ન્હોતું. છતાં ‘જ્યાં જ્યાં આનંદશંકરભાઈ, ત્યાં ત્યાં સફળતા’ એમ મહાત્માજીએ બાંધેલી આ વ્યાપ્તિ સાહિત્ય પરિષદ સંબંધી પણ સાચી પડી !

ઉપર સૂચવ્યા પ્રમાણે આનંદશંકરભાઈ તે કેવળ ગુજરાતના જ નહિ, પણ સમગ્ર ભારતવર્ષના વિદ્વાન છે. તેઓ વર્ષો સુધી બનારસ હિંદુ કોલેજના પ્રિન્સિપાલ, ને હિંદુ યુનિવર્સિટીના પ્રો— વાઈસ-ચેન્સેલર હતા. આ વિદ્વત્તાને લીધે જ તેઓ એક વખત ‘ફિલોસોફિકલ કોન્ગ્રેસ’ના હિંદી વિભાગના પ્રમુખ ચુંટાયા, ને ‘ઈન્ટર યુનિવર્સિટી બોર્ડ’ના પણ પ્રમુખ થયા. વિશેષમાં તેમની કાર્યકુશળતાને વરેલી વિદ્વત્તાનો લાભ કવચિત્ પંજાબ, લખનૌ, આગ્રા, અલીગઢ વગેરે યુનિવર્સિટીઓએ પણ ઉઠાવ્યો છે. પણ મુંબઈ યુનિવર્સિટીને સ્વજનની કદર હોય ખરી ?

આનંદશંકરભાઈ જન્મથી જ ઉચ્ચ હોઇને ખાનદાનીનું ખમીર ધરાવે છે, ને આમવર્ગ સાથે બહુ થોડો સંબંધ ધરાવે છે. પણ ઠક્કર બાપાનું ‘ભીલ સેવા મંડળ’ કે અમદાવાદનું ‘મજાર મહાજન’ તેમને ખેંચીને લેઈ જાય ત્યારે તો જનતા સાથે ભળવામાં તેઓ બાકી નથી રાખતા. સરકારમાં તેમજ પ્રજામાં તેમને કેટલાય સાથે ગાઢ ને મીઠો સંબંધ છે. ટૂંકમાં, આનંદશંકરભાઈ વિશિષ્ટ વિદ્વાન છે, સમર્થ વિચારક છે, દીર્ધદર્શી પત્રકાર છે, સુપ્રસિદ્ધ અધ્યાપક છે ને બાહોશ સંચાલક છે. તેમની વિદ્વત્તા ઊંડા સમુદ્ર જેવી નહિ, પણ વિશાળ વટરાજ જેવી છે. શ્રી. કેશવલાલભાઈના સંશોધનદૃષ્ટિ કે સ્વ. નરસિંહરાવભાઈની ચોકસાઈ એ તેમની વિદ્વતાનાં ખાસ તરી આવતાં લક્ષણો નથી. ત્હોયે જણાવવું જોઈએ કે પરપ્રાંતોમાં ઝળહળતા આ રત્ન માટે તેનું જન્મદાતા ગુજરાત યોગ્ય ગૌરવ લઈ શકે.

વિવેકયુક્ત રસાળું સંમિશ્રણ, એ આનંદશંકરભાઈને સ્વભાવનું ખાસ લક્ષણ લાગે છે. આ સમન્વયશક્તિને લીધે તેઓ અસહકારના વખતમાં વિદ્યાપીઠ તેમજ ગુજરાત કોલેજ એમ બંને સાથે મીઠો સંબંધ સાચવી શકતા. આ જ લક્ષણને લીધે તેઓ ખાદી અને મિલકાપડને સાથે પહેરી શકે છે, ને આજ કારણે બે વિરુદ્ધ પક્ષો સાથે પણ સદ્ભાવભર્યો મેળ રાખી શકે છે. આ સુવર્ણમાર્ગ તેમની ચોકસાઈ, દૃષ્ટિવિશાળતા અને સમન્વયશક્તિને લીધે તેમણે સાચી સહૃદયતાથી જ સ્વીકાર્યો હોય; પણ જનસમાજ તે રીતે સમજવા જેટલી ધીરજ ને ડહાપણ દાખવી શકે ખરો ? તેને તો ‘પર્વતરાજ હિમાલયનું હિમમય થવું ને ઓગળવું બંને સ્વભાવસત્ય લાગે છે.’ પણ દૂરથી જ નીરખનારને હિમાલય એવો લાગે તો તેમાં કોનો દોષ: હિમાલયનો કે નીરખનારનો ?

નવયુગનાં પ્રતિબિંબ ઝીલ્યા છતાં, પશ્ચિમની સંસ્કૃતિ જાણ્યા છતાં, ને ઉચ્ચ પદવી પામ્યા છતાં સરકારી દરબારી મેળાવડાઓમાં કે મિજલસોમાં આર્ય સંસ્કૃતિના પ્રતીક તરીકે ધોતિયાના પહેરવેશનું ગૌરવ સાચવવાની જેઓ હિંમત દાખવી શક્યા હોય, અને ખાસ પ્રસંગે પણ પાટલૂન પહેરવાના મોહ કે ભીરુતાની પર થઈ ઠેઠ વાઇસરોય જેવા બ્રિટિશ સલ્તનતના પ્રતિનિધિને મળતી વખતે પણ જેમણે ધોતિયાના પહેરવેશનું અપવાદ રૂપેય ઉચ્ચ સ્થાન સાચવ્યું હોય, તેવા આધેડ વયના, અગ્રગણ્ય અને સરકારી માનપાન પામેલા ગુજરાતી ગૃહસ્થોમાં ગણના થઈ શકે તેમ છે. સર પ્રભાશંકર પટ્ટણીની, સ્વ. સર લલ્લુભાઈ મહેતાની અને પ્રિન્સિપાલ આનંદશંકર ધ્રુવની. પાટલૂન પહેરવાનાં પ્રલોભનો ઊભાં થવા છતાં ગાંધીયુગના પુરોગામી સુધારાયુગમાં ય તેઓ પાટલૂનની પરાધીનતા દૂર રાખી શક્યા તે એક ગૌરવભરેલી–બીના છે. મહારાષ્ટ્રના સાદાઈભર્યાં જીવનમાં, કે હાલના ગુજરાતના રાષ્ટ્રીય વાતાવરણમાં આ વસ્તુની આટલી ઉચ્ચ કિંમત આજે ન અંકાય એ સંભવિત છે.

અસ્પૃશ્યતા માટે આનંદશંકરભાઈના વિચારોમાં કેટલાકને એક વખત અસંબદ્ધતાની ગંધ આવી, અને તેથી તેમણે તે વાતને છાપાને પાને ચઢાવી. પણ ન્યાયની ખાતરેય જણાવવું જોઈએ કે ધ્રુવ સાહેબ અંતઃકરણથી જ અસ્પૃશ્યતામાં માનતા નથી. તેમણે અસ્પૃશ્યતાનિવારક મંડળોની સભામાં ખુલ્લે દીલે હિંમતભેર ભાગ લીધો છે, ને મજૂર મહાજન તરફથી અંત્યજ મજૂરો વચ્ચે કામ કર્યું છે. વિશેષમાં, આ મહાજનના અંત્યજ પ્રતિનિધિઓને બનારસમાં પોતાને ઘેર અતિથિ તરીકે સત્કાર્યા છે ! સનાતનીઓને કદાચ આમાં આર્ય સંસ્કૃતિ અભડાઈ જતી લાગશે !

આનંદશંકરભાઈના ખાનપાનના વ્યવહાર વિશેના વિચારો સનાતન સંપ્રદાયને બંધબેસતા છે; ને ભોજનવ્યવસ્થા માટે તો તેઓ પોતાની સાથે નાગર રસોઈયો પણ રાખે છે. તેમની આ દૃઢ થયેલી ને સહૃદયતાથી અંકાયલી માન્યતાઓ માટે આપણે તેમનું મન દૂભવવાનું કારણ નથી. નાગરત્વ માટે તેમને નાગરિકતા કરતાં કદાચ વધારે અભિમાન હશે ખરું ? અને આનંદશંકરભાઈમાં ‘ગોળમટોળપણું’ છે, ‘ઉમળકા કરતાં Awe વધારે છે’ એમ કહેનારાઓએ તેમને ધીરજથી ને સત્યનિષ્ઠાથી વિશેષ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આવો જ બીજો આક્ષેપ એ છે કે ‘આનંદશંકરભાઈની વિદ્વત્તા વન્ધ્યા રહી છે.’ સત્ય તો એ છે કે તે વિદ્વત્તા વન્ધ્યા નથી રહી, પણ વીરપ્રસવિની નથી બની. તેમની કૃતિઓ જોતાં તેઓ વિદ્વતાચોર કહેવાય. તેમની વિદ્વત્તા, મૌલિકતા અને વિચારગૌરવ ધ્યાનમાં લેતાં કહેવું પડે કે તેમની કૃતિઓ આ સમર્થ ને સર્વદેશીય વિદ્વાનને ઝેબ આપે તેવી કે તેમના યશઃશરીરને વધુ કાન્તિમાન બનાવે તેવી નથી.

અને આનંદશંકરભાઈની કૃતિઓમાં ‘આપણો ધર્મ’ વિના બધાં પુસ્તકો વડોદરા રાજ્ય તરફથી પ્રસિદ્ધ થયેલાં છે. વડોદરા સરકારની એ અર્થોષ્મા–જનિત પ્રેરણા ના હોત તો તેમની વિદ્વત્તા કદાચ ઉજ્જડ રણભૂમિ જ રહેત. ગુજરાતના શિષ્ટ વર્ગની સાહિત્યવૃત્તિને પ્રજ્વલિત કરે કે સમગ્ર ભારતવર્ષની મુક્ત કંઠે પ્રશંસા પામે તેવી તેમની કેટલી કૃતિઓ હશે ? સત્ય તો એ છે કે તેમને સ્વભાવથી જ સ્વતંત્ર લખવા કરતાં વાંચવાનું ને વિચારવાનું વધારે પ્રિય છે.

તો ઇન્ટર–યુનિવર્સિટી બોર્ડના મેમ્બર, હિંદુ બનારસ કોલેજના પ્રિન્સિપાલ અને અનેક વર્ષોના અનુભવી અધ્યાપક આ આનંદશંકરભાઈ ગુજરાતને તેમની વિદ્વત્તાનો ને સહજ શક્તિઓનો ક્યારે લાભ આપશે ? ‘ગુજરાતી યુનિવર્સિટી નીકળે તો હું મારી સેવાઓ મફત અર્પું’ એમ ઉચ્ચારનારને આવી નિઃસ્વાર્થ સેવાઓ ગુજરાતને ચરણે ધરવાનો પ્રસંગ ક્યારે આવશે ? ‘પોસ્ટ–ગ્રેજ્યુએટ્સ સ્ટડીઝ’ ની યોજના અમલમાં મૂકવાની, કે ‘ડેક્કન ઓરિએન્ટલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ જેવી ગુજરાતમાં એક વિશાળ સંસ્થા સ્થાપી તેના સંચાલક બનવાની, અથવા તો ‘ગુજરાતી યુનિવર્સિટી’ નાં સ્વપ્ન સફળ કરવાની તરુણ ગુજરાતની મહેચ્છા આચાર્ય ધ્રુવ ક્યારે સિદ્ધ કરશે ? તેઓ ધારે તો સરકાર, દેશી રાજ્યો ને શ્રીમંતવર્ગનો નાણાં માટે સારો સહકાર મેળવી આ બધું ગુજરાતની ભૂમિમાં ઉગાડી શકે. પણ એ દિન ક્યારે આવશે ? સાબરમતી તીરને ગંગાકાંઠડો માની ગુજરાતની કેળવણી ને સાહિત્યની સમગ્ર શક્તિઓથી નિષ્કામ સેવા કરવા તેઓ ક્યારે તૈયાર થશે ? ‘ગુજરાત સંશોધન મંડળ’ અને ‘અમદાવાદ એજ્યુકેશન સોસાયટી’ માં તેમણે જે સેવાનો આરંભ કર્યો છે, તે આ ઉજમાળી આશાનું એક ગૌરવભર્યું પ્રકરણું બનો !

પંડિત માલવિયાજી પાસેથી અંતે તેઓ મુક્ત થઈ શક્યા ખરા ! જો ગુજરાતની સેવા કરવાનો તેમને હવે દૃઢ સંકલ્પ હોય તો પછી તેમના દૃઢ મનને નીચાણમાં વહેતા જળપ્રવાહની માફક રોકવાને કોની હિંમત ચાલે ? દૃઢ સંકલ્પ એ માર્ગમાં આવતાં સર્વ સંકટોને દૂર કરે છે જ. ગુજરાતનું આ ઝળહળતું રત્ન તેની માતૃભૂમિને તેના અંબારભર્યાં તેજથી ખૂબ ઉજાળે ! ગુજરાતને આ સંક્રાન્તિયુગમાં આવા પાણીદાર રત્નની સેવા ગુમાવવી તે ના પરવડી શકે.

અને વૃદ્ધની શિથિલ મંદ ગતિએ ડગલાં ભરતું તેમનું ‘વસંત’. તેની નિયમિત અનિયમિતતાથી તો ગુજરાતી વાચક વર્ગ ટેવાઈ ગયેલો છે. ‘નવયુગને અનુકૂળ થવાને’ તે અસ્તિત્વમાં આવ્યું; અને નવયુગને તેણે અનુકૂળ થવું જોઈએ એમ તેના તંત્રીએ તેના રજત મહોત્સવ વખતે ઉચ્ચાર્યું. ‘વસંત’ માં સ્થાન પામવું એ એક વખત ઊગતા લેખકો માટે ગૌરવભરી મહેચ્છા મનાતી. આજે તેમાં પહેલાંની વિવિધતા ને ઉચ્ચ કક્ષા કેટલી જળવાય છે ? ‘વસન્ત’ ની ગુણસમૃદ્ધિ જો વધશે તે ગુજરાત તેની અનિયમિતતા તો સાંખી લેશે. બનારસ જેટલા દૂર સ્થળેથી તેને સંભાળવું એ તેના તંત્રીની એક મુખ્ય અગવડ હતી; પણ તે અગવડને દૂર કરવા ‘વસન્ત’ ને વારાણસી લઈ જઈ તે વડે પરપ્રાન્તની વિદ્વત્તાથી તેને શોભાવી શકાત. એ અગવડ ને એ ઉન્નત અભિલાષ આજે હવે અપ્રસ્તુત છે. ત્યારે તેમાં તંત્રીની કલમ કોઈક વખત તો છેક અદૃશ્ય થઈ જતી. ને બે ચાર લાંબા લેખો ગમે તેમ છપાવી ‘વસન્ત’નો અંક બહાર પાડવામાં આવતો. શ્રીયુત ઈચ્છાશંકર પણ તેના તંત્રીની ઇચ્છાઓને કેટલે અંશે પૂરી પાડી શકે ? અને આજે પાછું વસંત તેની ગુણવત્તા વધારવા ને નિયમિતતા સાચવવા ત્રૈમાસિક બન્યું છે. તંત્રીની આવી કાળજી ને ત્યાગવૃત્તિ છતાંયે વસંત આજે કેટલું પ્રગતિસાધક કે સત્ત્વશાલી બન્યું છે તે એક પ્રશ્ન છે.

આનંદશંકરભાઈનાં સાહિત્યવિષયક વિવેચનો, ગ્રંથાવલોકનો કે પ્રાસંગિક નોંધો, ગંભીર વિચાર, નિષ્પક્ષપાત દૃષ્ટિ ને અગાધ અભ્યાસનાં સૂચક હેઈ યુવાન વાચકવર્ગને બહુ જ લાભ આપે તેવાં છે. ‘પ્રિયદર્શના’, ગાંધીજીની ‘ગીતા’ વગેરે અવલોકનો મનન કરવા જેવાં છે, ને તેમની નીડર અને તટસ્થ વૃત્તિની સાખ પૂરે તેવાં છે. પણ આવાં અવલોકનો–જીવંત લેખકોની કૃતિઓ ઉપરનાં–લખવાં તેમના કલહભીરુ સ્વભાવને બહુ અનુકૂળ નથી, ને તેથી ગુજરાતી સાહિત્યને એક સમર્થ વિવેચકની સેવાઓ નહિ મળવાનો અન્યાય થયો છે. જીવંત લેખકોની કૃતિઓના વિવેચક બનવાનું ધ્રુવ સાહેબને જો ના રુચે, તો છેવટે વિદેહી લેખકો ઉપર પણ વિવેચનશાસ્ત્રની દૃષ્ટિએ તેમના વિશાળ અભ્યાસ વડે તેઓ પ્રકાશ નાખે, ને યુવાન વર્ગને માર્ગદર્શક બને. તેથી ગુજરાતી સાહિત્યના વિકાસ પામતા વિવેચનક્ષેત્રને કેટકેટલો લાભ થાય ?

અંતમાં સામાન્ય રીતે જનતા સાથે અંતર રાખતા આ વર્ચસ્વંતા અધ્યાપક તેમનું શીર્ષ પાળિયાંથી સફેદ બને, અને અંગ ગલિત થઈ અશક્ત બને, ત્યાર પહેલાં ગરવી ગુજરાતની નિષ્કામ સેવા કરી માતૃભૂમિનું ઋણ અદા કરે, ને ગુજરાતના કેળવણીક્ષેત્ર ને સાહિત્ય પ્રદેશને વધુ ઉન્નત ને ઉજ્જવળ બનાવે, એવી આશા રાખતી ગુજરાતની સાહિત્ય આલમનાં ને શિષ્ટ જનતાનાં આર્ષ દૃષ્ટિ સેવતા ને આર્ય સંસ્કૃતિને પોષતા આ જ્ઞાન અને અનુભવના પરિપાકવાળા વૃદ્ધ આચાર્યને નમ્ર વંદન હો !