સાહિત્યને ઓવારેથી/શ્રી. કનૈયાલાલ મુનશી

વિકિસ્રોતમાંથી
← શ્રી. ન્હાનાલાલ કવિ સાહિત્યને ઓવારેથી
શ્રી. કનૈયાલાલ મુનશી
શંકરલાલ શાસ્ત્રી
દી. બ. નર્મદાશંકર મહેતા →


શ્રી. કનૈયાલાલ મુનશી

સિનેમાની ફિલમનાં દૃશ્યોની જેમ રેખાચિત્રોની વેગવંતી હારમાળા આપનાર શ્રી. ચંદ્રશંકર પંડ્યાએ જ્યારે પોતાના મનશ્ચક્ષુથી તેમના ગાઢ મિત્ર અને તેમને મન ‘Superman’ સરીખા લાગતા શ્રી. કનુ મુનશીના જીવનના મેઘધનુષ્યના જેવા વિવિધ રંગો નિહાળ્યા, અને ‘વીસમી સદી’ની પ્રયોગશાળામાં જ્યારે તેમના જીવનનું વિવિધ ને નિરનિરાળું પૃથક્કરણ કરી બતાવ્યું, ત્યારે તો મને પણ મુનશીજીવન સંબંધી અવનવા વિચારો સ્ફુર્યા. પણ પછી ધીમે ધીમે મુનશીના જાહેર પ્રશંસકોમાં એટલી ભરતી થઈ કે તેમણે મારા હૃદયદ્વાર સુધી આવી ખૂબ કોલાહલ કરી મૂક્યો. મને પણ લાગ્યું કે આ પ્રશંસાકાર્યમાં જો હું પાછળ રહી જઈશ તો મુનશીને કદાચ તેમના જ કહેવાતા પ્રશંસકોના હાથે અન્યાય થઈ બેસશે; ને તેથી જ આમ અમદાવાદના કેટલાક જીવંત મહાજનોનું સ્વાગત મુલતવી રાખી શ્રી. મુનશીને આજે અહીં સમયોચિત અને સુયોગ્ય સત્કાર આપવાની મેં હિંમત કરી છે.

અભ્યાસકાળ દરમિયાન વડોદરાની કોલેજમાં પ્રો. અરવિંદ ઘોષની પ્રેરક જ્ઞાનગંગાનાં પાન કરનાર, ગોવર્ધનરામના અભિનવ સાહિત્યયુગનો પરિચય સાધનાર, ઊગતી જુવાનીમાં ડો. એનિ બિસેન્ટની ‘હોમરૂલ’ની પ્રવૃત્તિને ઝીલનાર અને વર્ષો પછી કેમે કરી ગાંધી–યુગની અહિંસાને સત્કારનાર મુનશીએ કેટલા ટૂંક સમયમાં જ તેમના અનેરા ચળકાટથી જનતાને આકર્ષી લીધી છે ! મહત્તા અને માતૃભૂમિની સેવાનાં રવપ્ન સેવનાર મુનશીએ દેશાભિમાન અને વ્યાવહારિકતાનો યોગ્ય સમન્વય કરી કેટલી વસ્તુઓ આજે સિદ્ધ કરી લીધી છે ! એક જ પ્રહારે સંસ્કારી ને ગૌરવભરી મંજરીને મારનાર, અને કલ્પનાના ઊડણદંડે મહાઅમાત્ય મુંજાલ અને પૃથ્વીવલ્લભ મુંજનાં મન પારખનાર આ લેખકે આપણને કેવાં જીવંત અને જ્વલંત પાત્રો આપ્યાં છે ? ‘મા’ની સેવાનાં સ્વપ્ન સેવનાર ‘સુદર્શન’ દ્વારા તેમણે પોતાની જ મનઃસૃષ્ટિના ભાવિ સ્પષ્ટ આંક ઉકેલ્યા, ‘ભગવાન કૌટિલ્ય’ અને ‘ધૃવસ્વામિની દેવી’ દ્વારા ભૂતકાળના ગાઢ અંધકારભર્યા પડદા ચીર્યા, અને ‘કોનો વાંક‘, ‘વેરની વસુલાત’ ને ‘સ્નેહસંભ્રમ’ જેવી કૃતિઓ વડે વર્તમાન સમાજના વિવિધ રંગ અવલોક્યા; અને આ રીતે તેમણે કેટલું યે સર્જનાત્મક સાહિત્ય ગુજરાતની સાહિત્યપ્રિય જનતાને ચરણે ધર્યું.

પણ ભૂલ્યો; મુનશી માટે ‘ચરણે ધરવું’ એમ કહેવું તે એમને મન તો માનહાનિ જ ગણાય. તેમણે તો આ સર્જનાત્મક સાહિત્યના થાકેથોક ગુજરાતની જનતા ઉપર બૉમ્બના ધડાકાની માફક નાખ્યા કર્યા; અને અંજાઈ ગયેલી, મૂઢ બનેલી એ જનતાએ આંખો ચોળતાં મુનશીની સાહિત્યશક્તિઓનો સ્વીકાર કર્યો. પણ આ જ વસ્તુને ગુજરાતી યુવકો માટે વધુ સ્પષ્ટ કરી બતાવું ? પ્રખ્યાત અંગ્રેજલેખક મૅકોલેએ ‘ઈંગ્લેન્ડનો ઇતિહાસ’ લખી તેની અદ્‌ભુત શૈલી અને અવનવા વિચારપ્રવાહને લીધે અન્ય લેખકોનાં માન મૂકાવ્યાં, અને યુવાન પુરુષ કે સ્ત્રી–વાચકોના ટેબલ ઉપર તેને પ્રથમ સ્થાન અપાવ્યું; તેવું જ સ્થાન ગદ્ય સાહિત્યમાં મુનશીની ‘ગુજરાતનો નાથ’ નામે નવલકથાએ પ્રાપ્ત કરી ગુજરાતના યુવકોના હૃદયગઢ સર કરી લીધા છે, ને ગોવર્ધનરામના ‘સરસ્વતીચંદ્ર’ને વાચકના મનશ્ચક્ષુ આગળથી જરા પાછળ પાડી દીધો છે.

કહે છે કે મહાઅમાત્ય મુંજાલની જેમ મહત્ત્વાકાંક્ષી અને સર્વલક્ષી થવા પ્રયત્ન કરનાર મુનશીએ અનેક ક્ષેત્રોમાં ઘૂમી સાહિત્યને અન્યાય કર્યો; પણ તેમ કહેનારે મુનશીનો દોષ કાઢતા પહેલાં મુનશીહૃદયને વધારે પારખવું રહ્યું. શ્રી. મુનશી એટલે ગુજરાતની અર્થસાધક, વિજયવંતી અને અનેકગણી મુશ્કેલીઓને પણ તરી પાર ઊતરનાર કુશાગ્ર બુદ્ધિ. અને તેમની બુદ્ધિનું આ વિશિષ્ટ લક્ષણ તેઓ જ્યારે યુનિવર્સિટીના ‘રજીસ્ટર્ડ ગ્રેજ્યુએટ’ તરફથી ધારાસભાના સભ્યપણ માટે થનાર ચુંટણીમાં પહેલવહેલા ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારે જણાઈ આવ્યું. અને તેવું જ કૈંક યુનિવર્સિટીની કાર્યવાહીમાં, ને સાહિત્ય પરિષદનાં બંધારણોમાં પણ; કારણ કે મુનશીની નજર સાધ્ય તરફ જ હોય છે, પછી ભલે સાધન ગમે તેવું હોય. એકાગ્રતાને શુષ્ક અને સારહીન માનતા હોય તેમ તેમનું મન નવીનતાથી આકર્ષાય છે. પ્રાપ્ત થયેલાં કુસુમને આકામ ચૂસી લેઈ દૂરના અણદીઠ પ્રદેશનાં અભિનવ કુસુમો તરફ વિવિધતાના આશક બની ઊડી જનાર ભ્રમરની તેમનામાં ઉત્સુકતા અને અસ્થિરતા છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં વિચરતા મુનશી જ્યાં જાય ત્યાં નવી ભાત પાડે અને આગળ તરી આવે. હાઇકોર્ટમાં, ધારાસભામાં, યુનિવર્સિટીમાં, બારડોલી સત્યાગ્રહમાં અને બીજા કેટલાંયે કમિશન અને કમિટિઓમાં ગમે તે સાધનનો ઉપયોગ કરી તેમણે ક્યારે આગળ પડતો ભાગ નથી લીધો ? કારણ કે, અગાઉ કહ્યું તેમ સાધનની શુદ્ધાશુદ્ધતા વિષે તેઓ બહુ ચિંતા નથી ધરાવતા.

મુનશી એટલે વિચક્ષણ જાદુગર; વખત જોઈને સફળ પાસા ફેંકનાર તરીકે તેમને ઘણા જણ ઓળખે છે. તેઓ પળેપળનો અને પ્રસંગે પ્રસંગનો સદુપયોગ કરી જાણે છે, અને તેથી જ તેઓ કેટલીયે કાર્યસિદ્ધિ કરી શકે છે. તેઓ અમદાવાદમાં કેસ માટે કે કમિટિ માટે આવે, ને થોડી ફુરસદની પળોમાં બીજા કેટલાંયે મહત્ત્વનાં કાર્યોમાં ભાગ લે, અને ભાષણો પણ રાખે. પણ એવાં બધાં ભાષણોનાં મૂલ્ય એકસરખાં ક્યાંથી હોય ? અમદાવાદમાં ‘સાહિત્યના પંચદેવ’ની પિછાન આપનારા ભાષણમાં જે અનેરી ભાત હતી, નડિઆદના ‘ગુજરાત : એક ભાવના’ એ ભાષણમાં જે સર્વગ્રાહી સમાલોચના અને અદ્‌ભુત આશાવાદ હતાં, એ કાંઈ બધાં જ ભાષણમાં ઓછાં હોય છે ? ‘સાહિત્યનાં ઋણ’નામે અમદાવાદના એ ભાષણ વખતે તો કેટલાક શ્રોતાઓને લાગ્યું કે ગુર્જર સાહિત્યના ખંડો રચનાર અને ડો. કેતકરને ગુજરાતી જ્ઞાનકોષમાં સ્હાય આપનાર મુનશીની ભાષા કેમ આમ ઠોકરાઈને વ્યાકરણદોષોથી કલુષિત બનતી હતી ? પણ આ અસંબદ્ધતા તે જ મુનશીની વિવિધતા છે ને ? મુનશી એમની અદ્‌ભુત શક્તિથી કેટકેટલું લખી લખીને ફેંકી દે છે ? કોઈ મિત્રોની સ્હાયથી ને અઢળક લક્ષ્મીના બળથી તૈયાર સાધનો મેળવી મુનશી તેમને પોતાની સર્વગ્રાહી અને સચોટ દૃષ્ટિથી વ્યવસ્થિત કરી ઓપ આપે છે, ને તેમનું સુયોગ્ય સંવિધાન કરી જનતા માટે જાહેરમાં મૂકે છે; અને પછી તેમને પોતાની કૃતિઓનાં વિવેચનો વાંચવામાં, તેમનાં લાલિત્યભર્યા શબ્દોમાં વખાણ સાંભળવામાં, અને ટીકાકારોના સખત ટીકા–પ્રહારો ઝીલવામાં ખૂબ મઝા પડે છે. તેમની ચકોર બુદ્ધિથી આવી ટીકા કે પ્રશંસાનું માપ આગળથી કાઢી લે તે માટે તેઓ તૈયાર જ રહે છે, ને તેમાં જ તેઓ રાચે છે. પ્રણાલિકાભંગના તેઓ હિમાયતી હોઈ સ્વ. નરસિંહરાવે અને પ્રો. બ. ક. ઠાકોરના સંગરંગે જાણેકે નવીન સ્વરૂપે સાહિત્યમાં ક્રાન્તિકારક તત્ત્વોનું પુનરુજજીવન કરતા હોયની ! ‘કાકાની શશી’ અને ‘પુરંદર પરાજય’ તથા ‘ગુજરાત’ના દિવાળીના અંકમાં પ્રગટ થયેલી વાર્તાઓ અને નાટિકાઓ: આવું આવું તો તેઓ કેટલું યે લખ્યા જ જાય છે; જનતા તે વાંચે છે, વિચારે છે, ને તેનું વિવરણ કરે છે. પણ સાહિત્યનો આમવર્ગ કૈંક શાંત થાય ના થાય ત્યાર પહેલાં તો મુનશીએ કૈંક નવું સરજાવ્યું જ હોય. તેમનાં સાહિત્યસંસદનાં ભાષણો, ને તેમાંયે બારડોલી ઉપરનું તેમનું ‘મૂલ્યપરિવર્તન’ અને ‘સુવર્ણયુગનાં સર્જન’ કોઈ અજબ શબ્દસામર્થ્ય બતાવી સાહિત્યની અમોઘ શક્તિ પૂરવાર કરે છે.

ગાંધીયુગની સર્વતોમુખી અને પુણ્યપ્રદ પ્રવૃત્તિ આગળ મુનશીની સાહિત્ય કે રાજકીય પ્રવૃત્તિ ઢંકાઈ જતી હોવાથી સાહિત્યક્ષેત્રમાં મુનશી તે યુગસ્રષ્ટ્રા કે યુગભોક્તા, આ પ્રશ્ન કેટલાક નવીન અભ્યાસીઓને મૂંઝવે છે; પણ આ પ્રશ્ન જ અહીં અસ્થાને છે. મુનશી પોતાના બુદ્ધિબળે અને સ્વાભાવિક નીડરતાથી નાનકડા ગુજરાતમાં થાય તેટલું બધું જ કરી દે, એમ તેમણે બારડોલીના સત્યાગ્રહયુદ્ધ વખતે પણ બતાવી આપ્યું. મુનશીમાં જે તીક્ષ્ણ બુદ્ધિ સાથે લાક્ષણિક નીડરતા અને દેશદાઝ ના હોત તો તેઓ આજે વર્ષો પછી પણ મહાસભાની છત્રછાયા ન સ્વીકારત, અને તેમનું તેજસ્વી વ્યક્તિત્વ ક્યારનું યે અમલદાર પિતાને પગલે ચાલીને સરકારની સોડમાં ઢંકાઈ ગયું હોત.

એવા આ બુદ્ધિબળના ઉપાસકને પણ જગદ્‌વિભૂતિ સમા મહાત્માજીની આધ્યાત્મિક્તા માટે અપૂર્વ માને છે, એમ તેમના ‘જ્યોતિર્ધરો’ સાખ પૂરે છે. ને એ જ આધ્યાત્મિક તેજથી રંગાઈ કે અંજાઈ તેમણે સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. મુનશી એ પ્રથમ ગુજરાતી, ને પછી હિન્દી. ખ્વાબને માણનાર, ગુજરાતના–પાટણના–લાટના–ભૃગુકચ્છના ગૌરવની યશોગાથાઓ રચનાર આ ગ્રંથકારે પોતાની વાણીને વર્તનમાં ઉતારવા માતૃભૂમિને ચરણે પોતાની સર્વ શક્તિઓ સમર્પી, ધારાસભાનું સભ્યપદ તજી દીધું. વકીલાતને પણ વેગળી મૂકી, અને રાષ્ટ્રસેવાની દિશામાં ગૌરવભરી ભાત પાડી.

મુનશીને કેટલાક સાહિત્યચોર માને છે, અને ‘કૌમુદી’માં તેના પુરાવા પણ અપાયા. યુરોપના સાહિત્યઋણ વિષે જો મુનશીએ પોતે નિખાલસતાભર્યો ખુલાસો બહાર પાડ્યો હોત તો સાહિત્યનો આમવર્ગ કેટલાયે તર્ક–વિતર્કને વિતંડાવાદમાંથી બચી જાત. એ સાહિત્યઋણનો સ્વીકાર કર્યા છતાંયે મુનશીની પ્રભાવંતી પ્રતિભાની ગુજરાત જરૂર કદર કરી હોત. પણ મુનશીના સ્વભાવમાં આવી નિખાલસતા હશે ખરી ?

મુનશીની સર્વ નવલકથાઓમાં ‘પ્રતાપ’ ‘ડારે તેવી, દઝાડે તેવી નિશ્ચલતા’ ‘સખત બીડાયલા હોઠ’ એવું એવું તો કેટલું યે સામાન્ય જ હોય છે. અને તેમની લેખનપદ્ધતિ ને શૈલી પણ હવે એટલી તો રૂઢ બની ગઈ છે કે ‘કૌમુદી’ના અંકમાં એક વાર કોઈએક લેખકે તેમની ઢબે જ ‘ભગવાન કોટિલ્ય’નું આગળથી જ અનુસંધાનમાં એક પ્રકરણ લખી આપ્યું; ને ‘મુનશીજી, નવીન આપો, નહિ તો પિષ્ટપેષણ તો તમ જેવા નવીનતા ને વિવિધતાના ઉપાસકને શોભે નહિ’ તેમ સુચવીને મુનશીની એ નવલકથા તેમની જ પદ્ધતિએ પૂરી લખી આપવાની તેણે અનુજ્ઞા માગી હતી.

શ્રી. મુનશીની ઘણીખરી નવલકથાઓનું વસ્તુસંવિધાન કલાયુક્ત અને મોહક, રસપ્રદ અને વેગભર્યું છે. લાંબાં વર્ણનો, નીરસ પાત્રપરિચય, અને શુષ્ક વાચ્યત્વના દોષોથી ઘણે અંશે તેમની નવલકથાઓ મુક્ત છે. તેમનો વસ્તુપ્રવાહ તે સરિતાપ્રવાહ જેવો જ રમ્ય, વેગવંતો ને આહ્‌લાદક છે. વાચકને બધો વખત જિજ્ઞાસાપરાયણ કેમ રાખવો એ વિચાર પ્રસંગોની ફૂલગૂંથણીમાં તેમના ધ્યાનબહાર ભાગ્યે જ હોય છે. એક પણ પાન છોડવાનું મન થાય નહિ, ને વાર્તાપ્રવાહની ખાતર તે છેડી શકાય પણ નહિ, – ‘ભગવાન કૌટિલ્ય’ જેવાં માટે નહિ, –એ જ વસ્તુ વાચકને પ્રસંગોના પૂરમાં ખેંચાતો રાખે છે. મુનશીની લોકપ્રિયતાનું આ પણ એક મુખ્ય કારણ છે.

પણ તેમની નવલકથાઓની આથીયે સુંદર વિશિષ્ટતા તો તેમનું પાત્રાલેખન ને પાત્રવિકાસ છે. તેમનાં પાત્રો તે જીવંત; સૃષ્ટિમાં મળી આવે તેવાં, દેશાભિમાની, આકર્ષક અને આબેહૂબ છે. પ્રસંગો અને સંવાદો દ્વારા તે તે પાત્રોના ગુણદોષથી વાચક વિશેષ માહીતગાર બને છે, અને પછી તે તેમનાથી તે એટલો બધો પરિચિત થાય છે કે પાત્ર દૂર હોય કે વેશ બદલીને આવે તોપણ તે તેને ઓળખી કાઢે છે. કાકની વિચક્ષણ સાહસિકતા, મુંજાલનો સત્તાદર્શક પ્રભાવ અને ઉદા મહેતાનું મીઠું હાસ્ય વાચકને તે તે પાત્રની અંધારી રાત્રિએ પણ ઓળખાણ આપે તેવાં તાદૃશ છે. યુરોપના ‘Introduction’ ના સામાજીક શિષ્ટાચારને અનુસરતા હોય તેમ મુનશી એક વખત વાચકને મુખ્ય પાત્રો સાથે પરિચય કરાવી આપે છે અને પછી તો બંને એકબીજાની ગાઢ મૈત્રી સાધવા પોતાની જ મેળે વિશેષ પરિચયમાં આવે તેવી ઇચ્છાથી તેઓ પોતે અદૃશ્ય થતા લાગે છે. સંક્ષેપમાં, બીજમાંથી રોપ થાય ને રોપમાંથી વૃક્ષ થાય તે જ રીતે મુનશીનાં પાત્રો ઉત્તરોત્તર સ્વાભાવિક વિકાસ પામતાં કહી શકાય.

અને આ ગુણદર્શનની જમે બાજુને ત્રુટીઓની ઉધાર બાજુ પણ છે. ‘રેખાચિત્રો’ની વિશાળ સૃષ્ટિ રચનાર બ્રહ્માના જેવી ઉધાર બાજુને ઊંચી મૂકવાની ‘પંડા,’ કે જમે બાજુને જ નમતી બતાવવાની ‘નાગરિકતા’ મારામાં બહુ થોડી છે, ને તેથી જ મારે તેની સાથે છાયા પણ બતાવવી રહી. મુનશીનાં પાત્રો કેટલેક અંશે તો સ્વછંદી, સાહસિક, સત્તાશીલ, તોફાની કે યુક્તિ–પ્રયુક્તિવાળાં છે. તેમના પાત્રાલેખનમાં જાણે કે આત્મલક્ષિત્વના (Subjectivity) જ ઓળા પડતા હોય તેમ તેમનાં પાત્રોની એક વખત જે વિવિધતા ને વિશિષ્ટતા સમજી લીધી તો પછી વગર વાંચ્યે પણ તેમની કોઈ પણ નવલકથાનાં પાત્રો વિષે તમે જ્ઞાન ધરાવવાનું સાહસ કરી શકો. પાત્રોના સુંદર સમન્વય ખાતર મુનશીએ ઈતિહાસનું ખૂન કર્યું, ને યુરોપના સાહિત્યનાં કેટલાંક પાત્રોને ગુજરાતી સ્વાંગ સજાવી ઈતિહાસને ઉવેખ્યો; નહિ તો તેમનાં પાત્રો પ્રેમાનંદનાં પાત્રો જેવાં ગુજરાતી અને ગુર્જર સંસ્કૃતિના પ્રેરક કેમ ના લાગે ? અને તેમના ‘પુરંદર,’ ‘ચ્યવન,’ ‘જયસિંહ,’ કે ‘કીર્તિદેવ’ વિદ્વાન અને રસિક વિવેચકોને કેમ કૃત્રિમ અને અનૈતિહાસિક લાગે ? પણ એ તો જેમ તેમનાં કેટલાંક વિભૂતિમાન પાત્રો યે મનુષ્યની સહજ ત્રુટિઓથી પર થઈ શકતાં નથી, તેમ તેમની ઉત્તમ નવલકથા પણ ઈતિહાસ સાથે સ્વચ્છંદતાએ વર્તવાની લાલચને દૂર ન કરી શકે તો તે બહુ આશ્ચર્યકારક ન લેખાય. આટલું તો માત્ર સુત્રાત્મક રીતે જ; નહિ તો પછી સાહિત્યસંસદ મુનશી માટે ક્યાં ઓછો પક્ષપાત ધરાવે છે ?

અને શ્રી. મુનશી કેવળ નવલકથાકાર જ નથી; નાટ્યકાર તરીકે પણ તેમનું સ્થાન વિશિષ્ટ રીતે નોંધપાત્ર છે. સબળ પાત્રાલેખન, વેગવંત કાર્યપ્રવાહ, સુક્ષ્મ હાસ્યરસ, કૌશલભરી સંયોજનકલા અને વાસ્તવિકતા, તથા તે બધામાં તરી આવતી ઉલ્લાસિતા તેમનાં નાટકોમાં પણ ધ્યાનપાત્ર બને છે. પણ તેમનાં આ નાટકોના બે પ્રકારો છે; એક વિનોદપ્રધાન નર્મવૃત્તિથી લખાયેલાં નાટકોનો, અને બીજો તે સમાજ, ઇતિહાસ કે પુરાણનો આશ્રય લેઈને ગંભીરતાથી રચાયેલાં નાટકોનો પ્રથમ પ્રકાર તે ‘ગાંભીર્યના ઈજારદારો’એ વાંચવા જેવો નથી તેમ કર્તા પોતે જ જણાવે છે. આ વિનોદપ્રધાન નાટકોમાં હૃદયના ઉદાત્ત ભાવો, સૂક્ષ્મ મનોમંથન, કે જીવનનું કોઈ અનુકરણીય તત્ત્વચિંતન સ્વલ્પાંશે જ વાચકને અનુભવગોચર થાય છે. ‘કાકાની શશી,’ ‘બ્રહ્મચર્યાશ્રમ,’ ‘સામાજીક નાટકો’–અને ‘સ્નેહસંભ્રમ’ નામે નવલકથા પણ–બધાં જ અગંભીરવૃત્તિથી રચાયાં છે; અને બહુધા તેમાં ગાંભીર્ય, નીરસતા કે માનવજીવનના કોઈ ક્ષુદ્ર સ્વરૂપ કે લક્ષણને બહાર લાવી તેની ઠેકડી કરવાનો જ હેતુ હોય છે. આથી ઉલટું, તેમનાં ‘પૌરાણિક નાટકો’માં–ને તેમાંયે ‘તર્પણ’ ને ‘પુત્ર સમોવડી’માં– તથા ‘ધ્રુવસ્વામિનીદેવી’માં માનવજીવનની મહત્તા, રાષ્ટ્રની અસ્મિતા, પ્રબળ વીરતા, નિઃસીમ સ્વાર્પણ ને ચિત્તાકર્ષક સંઘર્ષણ વાચકવર્ગને વિસ્મયવશ કરી મંત્રમુગ્ધ બનાવી દે છે ?

હમણાં હમણાં તો શ્રી. મુનશીની કલમ નવલકથા કરતાં નાટક તરફ જ વધુ ઢળતી જાય છે, અને આ વૃત્તિ તેમનામાં કેટલી પ્રબળ થતી જાય છે, તે ‘લોપામુદ્રા’ના અંક જોવાથી આપણને સમજાય તેમ છે. પણ એકંદરે તો નવલકથા અને નાટક બંને તેમને સબળ ને સફળ રીતે આકર્ષે છે; કારણકે આ બંને વચ્ચે અનેક પ્રકારનું સામ્ય છે.

શ્રી. મુનશી ભાગ્યે જ પદ્યમાં લખે છે. વૃત્તરચના ઉપર તેમણે તેમની કલમ અજમાવી જ નથી જણાતી; અને છતાં તેઓ કેટલેક અંશે કવિ પણ છે. ‘તર્પણ’માંનો દિવ્યાસ્ત્ર માટેની પ્રાર્થના આપતો ખંડ કે ‘ગુજરાતનો નાથ’માં ‘ઉષાએ શું જોયું ?’ તે પ્રકરણ કવિત્વથી ભરપુર હોઈને અનેરી રીતે જ આકર્ષક ને આહ્‌લાદક બને છે. વિશેષમાં ‘શિશુ ને સખી’ તો તેમનું ગદ્યકાવ્ય જ કહી શકાય. ગદ્ય અહીં અલંકૃત ને કલાયુક્ત બની તેની સાદાઈ ને સંયમિતા તજી દે છે; અને ઊર્મિ તથા ઉલ્લાસમાં સરી પડે છે. જાણે કે કોઈ જીવંત કાવ્ય ! હૃદયમાંથી પાતાળઝરણાં ફૂટતાં હોય તેવી ઉત્તગ ઉર્મિઓ ને મનોહર ભાવો તેમની સમગ્ર કૃતિને સ્નેહરસે છલોછલ ભરી નાખે છે ! આ ઉપરાંત ‘કેટલાક લેખો’, ‘થોડાંક રસદર્શનો,’ અને ‘આદિ વચનો’ : આ બધાંય સ્વાધ્યાય, ચિંતન, ઊર્મિલતા, સ્વદેશગૌરવ ને પ્રેરકતા આદિ તત્ત્વોથી વિશિષ્ટ બનેલાં છે. આ કૃતિઓ જેટલી તેમના ગુણોને લીધે આકર્ષક છે, તેટલી જ તેમની રુચિર શૈલીને લીધે મનોરંજક પણ છે. ‘નરસૈયો: ભક્ત હરિનો’ ને ‘અર્વાચીનોમાં આદ્ય’માં શ્રી. મુનશી આપણને જીવનચરિત્રકાર તરીકે દેખાય છે; અને છતાં તેમાં તેઓ સંશોધનપ્રિય વિદ્વાન તરીકેનું પણ પોતાનું સ્થાન સિદ્ધ કરે છે. બંને કૃતિઓ મનોહર શબ્દચિત્રોથી ભરેલી છે. તેમાં આવેગ, ઊર્મિ, અને અર્વાચીન દષ્ટિ કવચિત્‌ વિવેક અને સત્યને આવરી લે છે; તો કવચિત્ તે પરંપરાગત માન્યતા કે પ્રાચીન અતિશયોક્તિને છિન્નભિન્ન કરી નાખી પ્રકાશ પાડે છે. આ પુસ્તકોને હાથમાં લીધા પછી વાચક ભાગ્યે જ તેમને અપૂર્ણ મૂકી દઈ શકે. અને તેમાંયે ‘નરસૈયો: ભક્ત હરિનો’ ની પ્રસ્તાવનામાં સ્વાધ્યાય, તુલનાત્મક દૃષ્ટિ ને સૂક્ષ્મ સંશોધનવૃત્તિ ઈત્યાદિ લક્ષણો તેના વિદ્વાન લેખક તરફ માન ઉત્પન્ન કરે તેવાં છે. અધીરા ને ત્વરાપ્રિય સરજનહારને અહીં વિચારશીલ વિદ્વાન ને ગહન સંશોધક બનતા જોઇને વાચકહૃદયમાં તેમના તરફ સાશ્ચર્ય આદર થાય છે. જો કે તેમાં વકીલને શોભે તેવું સ્વપક્ષસમર્થન, પક્ષૈકદૃષ્ટિ ને ચાતુર્ય ઇત્યાદિ અપથ્ય અંશો નજરે પડે છે, છતાં એકંદરે તો આ કૃતિની પ્રસ્તાવના શ્રમસાધ્ય વિદ્વત્તાથી અંકિત હોઈને નરસિંહ મહેતાની સાહિત્યસેવા ને જીવનકાળ માટે કીમતી દીવાદાંડીની ગરજ સારે તેવી છે.

જેલનિવાસના થોડાક માસ, ને શ્રી. મુનશી થોકબંધ સાહિત્યસર્જનો સાથે બહાર આવ્યા. ‘બ્રહ્મચર્યાશ્રમ,’ ‘નરસૈયો ભક્ત હરિનો,’ ‘શિશુ ને સખી’ અને ‘ગુજરાત એન્ડ ઇટ્સ લીટ્‌રેચર’ ઇત્યાદિ નાની મોટી મૂલ્યવાન કૃતિઓ તેમના તરફથી ગુજરાતની સાહિત્યપ્રિય જનતાને મળી. શ્રી. મુનશીને આવી સાહિત્યસેવામાં જો મોટામાં મોટું કોઈ વિઘ્ન હોય તો તે સમયની ઉણપ છે. તેમની પ્રખ્યાત નવલકથાઓ પણ કેટલેક અંશે તો જેમ તેમ મેળવેલી ફુરસદની થોડી પળોમાં જ હફતે હફતે લખાઈ છે. ‘જય સોમનાથ’નાં પ્રકરણો પણ મુંબઈથી વર્ધા જતાં જતાં ચાલતી ગાડીએ જ લખાતાં. થોડાક કલાકની ફુરસદ, ને શ્રી. મુનશીની લેખિની કૈંક નવીન અને મૂલ્યવાન સરજાવે છે. પણ તેમના કીર્તિકળશ વિષે તો હજુ આપણે કાંઈ જ કહ્યું નથી. ‘ગુજરાત એન્ડ ઈટ્સ લીટ્‌રેચર’ નામે તેમનો વિપુલ ગ્રંથ ગુજરાતના વિવેચનક્ષેત્રમાં અજોડ ને અનન્ય છે, અને તેના કર્તાની સ્વાધ્યાયવૃત્તિ ને વિશિષ્ટ વિદ્વત્તા સિદ્ધ કરે છે. ઈતિહાસ, વિવેચન અને સર્જનના ત્રિવેણી સંગમ સમા આ ગ્રંથ ઉપર હવે આપણે આવીએ.

તેનો પૂર્વાર્ધ જેટલો સરસ અને સુંદર છે, સદ્‌ભાવ અને સહાનુભૂતિ–ભર્યો છે, તેટલો જ જો ઉત્તરાર્ધ હોત તો ? ઉત્તરાર્ધમાં પૂર્વાર્ધની સાધનવિપુલતા ભલે અસંભવિત હોય, પણ સ્વાધ્યાય તેને વધુ ગહન તો બનાવી જ શકે. પૂર્વાર્ધનાં અભ્યાસ, અવલોકન, ચિંતન ને તુલના ઉત્તરાર્ધમાં તેટલા ને તેવા પ્રમાણમાં નથી દેખાતાં; પૂર્વાર્ધમાં જે ધીર સમાલોચના ને ન્યાયદ્રષ્ટિ વિલસે છે, તે ઉત્તરાર્ધમાં ઓસરતી જણાય છે. ઉલ્લેખો, અવતરણો, વિગત ને વિચારણાઓથી ઉભરાતો આ ગ્રંથ તેની સરળ, વેગવંતી, ને મધુર તથા મનોહર શૈલીને લીધે શાસ્ત્રીય વિષયની શુષ્કતા તજી એક આહ્‌લાદક સાહિત્યકૃતિ જ બની જાય છે. ગ્રંથમાં કવચિત્‌ ક્ષતિઓ ને સ્ખલનો યે છે, પણ તે તો મહાસાગરમાં બિંદુ જેવાં લાગે છે. પૂર્વાર્ધમાં જો ગહનતા છે, તો ઉત્તરાર્ધમાં વિસ્તાર અને વિવિધતા છે, સમગ્ર ગ્રંથમાં વક્તવ્ય લક્ષ્યવેધી છે, શૈલી મનોહર છે, વિષય સુસંકલિત છે, ને ભાષા ભભકભરી છે. જેલના એકાંતવાસમાં ને થોડાશા સમયમાં લખાયેલો આ ગ્રંથ જો થોડીક વધુ નિવૃત્તિમાં રચાયો હોત તો ઉત્તરાર્ધમાં આટલી ઉતાવળ ન આવી હોત, અને આખુંયે પુસ્તક જ્વલંત રત્ન સમાન દીપત. આજ સુધી ગુજરાતની સાહિત્યપ્રિય જનતા શ્રી. મુનશીની ગુજરાતી ભાષાની રોચકતા ને મનોહરતાથી મુગ્ધ થતી; આ ગ્રંથ પરત્વે સમગ્ર દેશનો અંગ્રેજી ભાષા જાણતો વાચકવર્ગ તેમની અંગ્રેજી ભાષાથી તેટલો જ આશ્ચર્યવશ બનશે. અંગ્રેજી ઉપરનું યે શ્રી. મુનશીનું પ્રભુત્વ ગુજરાતીના જેવું ને જેટલું જ જણાય છે. પ્રવાહિતા, સરળતા, સૌન્દર્ય અને સ્વાભાવિક માધુર્ય વાચકને વેગથી આગળ ખેંચે છે. તેમાં કેવળ કલ્પનાના વિહાર કે ભાષાના આડંબર લેખકને આવરી લેતા નથી, કે ઉન્માર્ગે દોરતા નથી. ખરેખર, આવા કીમતી, મનોહર ને વિદ્વત્તાયુક્ત ગ્રંથ માટે ગુજરાતની રાષ્ટ્રપ્રેમી ને સાહિત્યપ્રિય જનતા લાંબો સમય તેમના તરફ ઋણભાવનાએ માન અને પ્રેમની જ નજરે નિરખી રહેશે.

આ ગ્રંથ જેમ શ્રી. મુનશીની વિદ્વત્તાનો ને સાહિત્યસેવાનો કીર્તિકલશ છે, તેમજ તે ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસનો દૃઢ આધારસ્તંભ છે. તેમાં ગુજરાતનો ઈતિહાસ–અને આવશ્યક હોય ત્યાં સમગ્ર ભારતવર્ષનો–તથા ગુજરાતી વાઙ્‌મય અભેદ્ય ને અવિભાજ્ય મિત્ર બની સાથે વિચરે છે. સાહિત્યની સમાલોચનામાં ઈતિહાસથી ફલિત થતાં અનુમાનો લેખકનું સાચું હોકાયંત્ર બને છે. ક્યાંયે તેમાં ઇતિહાસ–વિહોણી દૃષ્ટિ કે ઇતિહાસ–વિરુદ્ધ કલ્પના તેમને અસત્ય પંથે નથી લઈ જતી. સ્વદેશપ્રેમ, ગુજરાતની અસ્મિતા, ઈતિહાસની ઝાંખી ને યુગબળોની પરખ આખરે ગ્રંથને બહુધા વિશ્વસનીય ને પ્રમાણભૂત બનાવે છે. ક્વચિત્‌ તે ઇતિહાસનાં સત્ય ને સાહિત્યનાં સૌન્દર્યનો સુભગ સમન્વય સાધી આપણને सत्यं शिवं सुन्दरम्નું સ્મરણ કરાવે છે; તો ક્વચિત્ તે એક કવિત્વમય કૃતિ કે રસપ્રદ વાર્તા બની જાય છે. મૅકોલેના ‘ઇંગ્લેન્ડના ઇતિહાસ’માં અનુભવગોચર થતી સાહિત્યવિશિષ્ટ ઐતિહાસિક દૃષ્ટિ, વિષયની વિસ્તીર્ણ ભૂમિ, રુચિર શૈલી, ને મનોહર પદાવલી શ્રી. મુનશીના આ ગ્રંથમાં પણ નજરે પડે છે; છતાં મૅકોલેના ગ્રંથના અતિશયોક્તિ જેવા દોષોથી શ્રી. મુનશીની આ કૃતિ બહુધા મુક્ત છે.

શ્રી. મુનશીની સાહિત્યસેવા જેટલી સ્મરણીય છે, તેટલી જ સાહિત્ય પરિષદના સફળ સંચાલન અને બંધારણમાં તેમણે દાખવેલી બુદ્ધિમત્તા પણ નોંધપાત્ર છે. મતભેદના વિકરાળ વમળમાં સપડાઈ ગયેલું સાહિત્યપરિષદનું બંધારણ વધુ પ્રગતિશીલ અને પ્રવૃત્તિસાધક બનાવવામાં તેમનો ફાળો કેટલાયને ખૂબ જાણીતો છે, અને સાહિત્યપરિષદના સંમેલનોમાં ય તેમની વિચક્ષણતા ને બુદ્ધિમત્તા અજબ જ કામ કરે છે. પ્રેક્ષકવર્ગ જ્યારે લોકગીતના જલસામાં, સામાન્ય ભાષણમાં કે કોઈ નિબંધના વાચનમાં લીન હોય ત્યારે શ્રી. મુનશી ભાવિ કાર્યની ભૂમિકા રચવા મંચ ઉપરથી ક્ષણેક અદીઠ બને છે, ક્ષણમાં તે વિરોધી યુવાનોને પોતાના કરે છે, ને ક્ષણમાં વળી વૃદ્ધ સાક્ષરો અને સમવયસ્કોને સાધી લે છે. પળેપળનો ઉપયોગ, કુનેહ, કુશાગ્ર બુદ્ધિ ને સતત ઉદ્યોગ: તેમની વકીલાતનાં આ મુખ્ય લક્ષણો શ્રી. મુનશીને સાહિત્ય પરિષદના સંમેલનોમાં પણ સફળ સુકાની કે અદીઠ સૂત્રધાર બનાવે છે. વિશેષમાં તેઓ રાજકારણ અને સાહિત્ય વચ્ચે સુદૃઢ સેતુ સમાન બની અનેક ઉદ્દામવાદીઓના પણ મન જીતી શકે છે; અને આજે તો સચિવસ્થાનેથી સત્તા તથા રાષ્ટ્રસેવાને ભેગી સાંકળી લે છે.

આવા શક્તિશાળી અને સાધનસંપન્ન મુનશી હાલ સર્વાનુમતે કરાંચીમાં સાહિત્યપરિષદ સંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાયા તે માટે આપણે તેમને સહર્ષ અને સહૃદય અભિનંદન છે. ઉપયુક્તતાની દૃષ્ટિએ કે તેમની યોગ્યતાને કારણે, ગમે તેમ સંમેલનનું પ્રમુખપદ આજે એક કુશળ સુકાની પાસે જ ગયું છે, તેથી ઘણાને સંતોષ થશે. ગૃહમંત્રીનું વિકટ ને વિશાળ કાર્ય સંભાળતા શ્રી. મુનશી આવા સંમેલનના પ્રમુખ તરીકે કેટલો સમય બચાવી શકશે એ શંકાએ ઉચિત રીતે જ કેટલાક વિરોધી સૂરો પણ તેમની ચૂંટણી પહેલાં જગાડ્યા હતા. તેમની મોટામાં મોટી મુશ્કેલી તે સમયનો અભાવ છે, એ અગાઉ પણ કહેવાઈ ગયું છે. છતાં તેમની લોકોત્તર ને લાક્ષણિક શક્તિઓ ધ્યાનમાં લેતાં, શ્રી અને સરસ્વતીના આ લાડીલા સાહિત્યકાર ગુજરાતની સર્વદેશીય, અને વિશેષે તો સાંસ્કારિક અસ્મિતા સતેજ કરશે, ને ગુજરાતી સાહિત્યસંમેલનને વધુ કાર્યસાધક ને ઉપયોગી સંસ્થા બનાવશે, એવી ઉજમાળી આશા સાહિત્યપ્રિય જનતાના હૃદયને વધુ શ્રદ્ધાળુ ને ધીર બનાવે છે.

વળી, ધારાસભામાં, યુનિવર્સિટીમાં, અને મહાસભાની સમિતિઓમાં: સર્વત્ર તેઓ જોતજોતામાં સૂક્ષ્મ દૃષ્ટા અને અદીઠ સૂત્રધાર બની જાય છે. સંસ્થાઓમાં તેઓ વ્યક્ત અને અવ્યક્ત સ્વરૂપે કૈં કૈં લક્ષ્યો સાધે છે. લોકસમુદાય તેમને અમુક લાગણીથી નિરખે છે, પણ તેથી તેઓ વધુ ઊંડા અને અગોચર છે. તેઓ મર્યાદિત ન રહેતાં વિરાટ થવા મથે છે, અને કૈં કૈં ક્ષેત્રો સર કરવા પ્રયત્ન કરે છે. રાજકારણ અને સાહિત્ય, કાયદો ને ઈતિહાસ: સૌ મુનશીનાં માનીતાં થવા મથે છે, પણ આમાંથી અંતે તો કોના તરફ તેમનો સ્નેહ વધુ ઢોળાશે તે તો સમય જ કહી આપશે. અને સાહિત્યમાં પણ તેઓ સર્જક ને સમાલોચક છે, નાટ્યકાર ને નવલકાર છે, તથા નવલિકાકાર ને નિબંધકાર છે. ઇતિહાસ તેમને આમંત્રે છે, સાહિત્ય તેમને આકર્ષે છે, ને સંશાધન તેમની સ્હાય યાચે છે. વામનકાય મુનશી વિરાટ થવાના કોડથી સૌને પ્રસન્ન કરવા ઈચ્છે છે. કોણ જાણે એ નાનકડા દેહમાં શી શી શક્તિઓ ભરી હશે ? જરાને ય જર્જરિત કરતા ને સદાય પ્રવૃત્તિમય રહેતા શ્રી. મુનશીની પ્રતિભા ને પ્રભા હવે કૈં કૈં સાધવાની આગાહી આપે છે; અને સમય જ તે બધાંનું ભવિષ્યમાં યથાયોગ્ય મૂલ્ય આંકશે.

આમ એકંદરે તો કબૂલ કરવું પડે કે મુનશી એ ગુજરાતનું ઝળહળતું રત્ન છે. ગુજરાતના જાહેર જીવન પરત્વે સરકારના જુલમોની ઘડીએ કે કુદરતી આફતોની પળે કવિઓ ને લેખકો તો બિચારા કુંભકર્ણ જ બની જાય છે. તેમની કલમ જ્યારે ઠરી જતી જણાઈ, ત્યારે મુનશીએ યુગધર્મને પિછાણ્યો, અને થોડા સાહિત્યસેવકોની માફક શબ્દ–દેહે પુસ્તકોમાં ગાયેલી અસ્મિતા ગુજરાતની ગૌરવવંતી ભૂમિ ઉપર ઉતારવામાં ફાળો આપ્યો. આ કાંઈ તેમને માટે ઓછું શોભાસ્પદ છે ? પણ મુનશી બુદ્ધિના પ્રમાણમાં એકાગ્રતા સાધે, નીડરતાના પ્રમાણમાં સ્નેહ સમભાવ દાખવે, ઊભરાઇ જતા ઉત્સાહના પ્રમાણમાં સ્થિરતા પ્રાપ્ત કરે, તો તેઓ તેમના માનીતા ગુજરાતની કેટ–કેટલી મહાન સેવાઓ કરી શકે ? એ એકાગ્રતાના અભાવે, નવીનતાના શોખને લીધે આજે તેમનાં ‘ગુજરાત,’ ‘સાહિત્ય સંસદ’ અને ‘સાહિત્યખંડ’ કેટલાં પ્રાણવાન કે ચેતનવંતાં રહ્યાં છે ? હાલ તો આપણે ‘આવા મનુષ્યની બુદ્ધિને જગત નમે, પણ ચાહી ન શકે’ એ શ્રીમતી લીલાવતીના તથ્યોવાળા અભિપ્રાયને જ ટેકો આપવો રહ્યો. જગન્નિયંતા તે બુદ્ધિ વર્ચસ્વંતી ને વરેણ્ય બનાવો !

અંતમાં, મુનશીએ સાહિત્યને ઉજાળ્યું, ચેતનવંતુ બનાવ્યું ને તેને નવો ઝોક આપ્યો. સાહિત્ય અને રાજકારણના સેતુ બનતાં–જો કે હજુ સાહિત્યસેવકોના સેતુ બનવાની કે ગુજરાત પ્રથમ વિદ્વાન બનવાની તો બહુ વાર છે–તેમણે પ્રજાની નાડ પરખી, રાષ્ટ્રની જરૂર પિછાણી, અને ‘મા’ની સેવામાં સહકુટુંબ જોડાયા. સાહિત્યને વ્યાવહારિક જીવનમાં સ્થાન નથી, સાહિત્ય એટલે આદર્શ, આચારની એરણ ઉપર ન ટીપાય તેવી ભાવનાઓ, આ માન્યતાને ઉચ્છેદી મુનશીએ તેવી ભાવનાઓને આચારમાં ઉતારી, પોતે ઝંપલાવ્યું, સ્વાતંત્ર્યની વેદી ઉપર બુદ્ધિ, દેહ અને દ્રવ્યની આહુતિઓ આપી, અને પ્રથમ પ્રયત્ને જ ઝડપાયા; પાછા છૂટ્યા અને વધુ તેજસ્વી બની ફરીથી ઘૂમવા લાગ્યા. તેથી જ આજે તેઓ ગૃહસચિવ બની શક્યા છે, ને સાહિત્યસંમેલનના પ્રમુખ પણ થઈ શક્યા છે. આમ આદર્શોના આદિત્યનાં હજારો કિરણો પોતાની કુશાગ્ર બુદ્ધિએ અનેકધા ઝીલનાર એ મુનશીને તેમની વિવિધ ગુર્જરસેવા, રાષ્ટ્રસેવા અને સાહિત્યસેવા માટે આપણાં હાર્દિક અને આદરભર્યાં અભિનંદન હો !