સાહિત્ય અને ચિંતન/રાજકીય પ્રતિનિધાન

વિકિસ્રોતમાંથી
← વાતચીતની કલા સાહિત્ય અને ચિંતન
રાજકીય પ્રતિનિધાન
રમણલાલ દેસાઈ
વાઘેર →




રાજકીય પ્રતિનિધાન

દુનિયા સાંકડી થતી જાય છે, રાષ્ટ્રો પરસ્પર નિકટ સંબંધમાં આવતાં જાય છે. પ્રજાઓમાં પરસ્પર ગરજ અને જરૂર વધતી જાય છે. યુદ્ધ માટે અને શાંતિ માટે એક રાજવહીવટને બીન રાજવહીવટ ઉપર ઘણો આધાર રાખવો પડે છે. એવા વર્તમાન યુગમાં રાજકીય પ્રતિનિધાનનું તત્ત્વ અતિશય મહત્ત્વ ધારણ કરતું જાય છે. પરદેશ અને પરરાજ્ય સાથે સબંધ બાંધનાર અને સંબંધ સાચવનાર અંગ તરીકે આ પ્રતિનિધાન પ્રત્યેક દેશના રાજ્યશાસનનું એક મુખ્ય અંગ બનતું જાય છે.

કૌટિલ્ય અને પ્રણીધી મંડળ કહે છે. પશ્ચિમની અસર તળે આપણે સહુ એને Embassy–Consulate, Lcagation, Charged Affairs, Envoys, Deplomatic Agencies – વગેરે નામોથી આપણે એળખીએ છીએ. એથી જૂનાં નામોમાં આપણે આવી સંસ્થાને એલચી અગર વકીલ મંડળ તરીકે ઓળખતા હતા, જે નામો હવે કોઈને ગમતાં નથી – આપણને પણ નહિ અને પ્રતિનિધિઓને તો નહિ જ. વિષ્ટિકાર, સંધિવિગ્રાહક, પ્રતિનિધિ, એવાં એવાં નામ પણ આપણે વપરાતાં જોઈએ છીએ. આપણા સ્વરાજ્યમાં હવે આ વર્ગનું કયું નામ અપાય છે એ જોવાનું રહ્યું. એટલું ચોક્કસ કે આ સંસ્થા ભારે મહત્ત્વ ધારણ કરતી જાય છે અને એ સંસ્થામાં યોજાયેલા કાર્યકરોમાં વિશિષ્ટ પ્રકારના ગુણ, વિશિષ્ટ પ્રકારની આવડત અને વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન જરૂરી બનતું જાય છે. પરદેશના ઘનિષ્ટ સબંધમાં આવતું પ્રત્યેક રાજ્યશાસન હવે આ પરદેશ–પ્રતિનિધિઓનું મહત્ત્વ સ્વીકાર્યા વિના રહી શકે એમ નથી.

રાજ્યશાસનના ઉદ્દેશ સામાન્યત: આટલા જ હોય:

(૧) રાજ્ય સીમાના આંતરપ્રદેશમાં શાંતિસ્થાપના અને ચોર લૂંટારા, ગુન્હેગારો અને રાજ્યદ્રોહીઓથી રક્ષણ. (૨) પરરાજ્યાના આક્રમણમાંથી રક્ષણ,

(૩) આબાદી–સુખસંવર્ધન.

પહેલા ઉદ્દેશ માટે પોલિસ તથા છૂપી પોલીસ, કે રાજકીય પોલિસની સામાન્યત: યોજના થાય છે. સૈન્યરચના બીજા ઉદ્દેશની સાચવણી કરે છે. કૃષિ, ઉદ્યોગ, વ્યાપાર, વણજ, નહેર, માર્ગ, કરવેરા, કેળવણી અને મહેસૂલની શીતળ યોજનાનુ ઘડતર ત્રીજા ઉદ્દેશની સાચવણી કરે છે.

એ ત્રણે ઉદ્દેશ સફળ કરવામાં રાજ્યશાસનનું સ્વરૂપ બહુ મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યશાસનનાં ત્રણ સ્વરૂપ :

(૧) વ્યક્તિશાસન – રાજા અને સરમુખત્યાર એ બે સ્વરુપો આપણે મુખ્યત્વે ઓળખીએ છીએ.

(૨) સત્તાધીશ મંડળીનુ રાજ્યશાસન Oligarchy – અમીર, ઉમરાવો અગર દક્ષ ટોળકીઓ દ્વારા થતો રાજ્ય વહીવટ.

(૩) Republic – ગણરાજ્ય-પ્રજાસત્તાક રાજ્ય.

આ ત્રણે રાજ્યશાસનનાં સ્વરૂપોનો અનુભવ માનવજાતે કર્યો છે. ત્રણેના ગુણદોષ માનવજાતે અનુભવ્યા છે. એક સ્વરૂપથી કંટાળતો માનવસમાજ બીજા સ્વરૂપનો અખતરો કરે છે, બીજાથી કંટાળે છે એટલે ત્રીજાનો આશરો લે છે અને ત્રીજાથી કંટાળે એટલે શાસન વર્તુલ નવેસર શરૂ કરે છે. હજી આદર્શ રાજ્યશાસન માનવજાતને જડ્યું નથી. કદાચ આદર્શ માનવ જડશે ત્યારે આદર્શ રાજ્યશાસનનું સ્વરૂપ જડશે.

આ ત્રણે પ્રકારના રાજ્યશાસનના ઉદ્દેશ સિદ્ધ કરવા અર્થે રાજ્ય સત્તા સ્પષ્ટ-અસ્પષ્ટ ઢબે પોતાનાં ત્રણ અંગ ઘડે છે, જે દ્વારા તે પોતાનું જીવન સ્પષ્ટ કરી શકે છે:

(૧)લેજીસ્લેચર – શાસનઘડતર – કાયદાની રચના.

(૨) એક્ઝીયુટીવ – કાયદાનો અમલ કરનાર તંત્ર – પ્રધાનથી માંડી પોલિસ-સિપાઈ અને ગામડાના ચોકિયાત સુધીનો, રાજ્ય સેવક વર્ગ.

(૩) જ્યુડીશ્યરી – ન્યાય શાસન – અદાલતાના સમૂહ, જે ઘડાયલા કાયદાનો અર્થ કરે, શાસનદારો–અમલદારોનું કાર્ય જરૂર પડે કાયદેસર છે કે નહિ તે ઠરાવે અને એક પ્રજાજન તથા બીજા પ્રજાજન વચ્ચેના ઝઘડા અને મતભેદો કાયદા પ્રમાણે પતાવે.

રાજ્યના ત્રણે ઉદ્દેશો સિદ્ધ કરવા મથતા શાસનતંત્રનો એક ધર્મ એ છે કે ઉદ્દેશસાફલ્યમાં વિઘ્ન નાખનાર તત્વોની માહિતી રાખવી અને એ માહિતી અનુસાર રાજનૈતિક પગલાં લેવાં, વિધ્ન નાખનાર તત્ત્વ રાજ્યની અંદર પણ હોય છે અને રાજ્યસીમાની બહાર પણ હોય છે, એ બંને તત્વોનો સામનો કરવા માટે બે પ્રકારના ઈલાજ રાજ્યતંત્રે શોધ્યા છેઃ

(૧) શાંતિમય ઉકેલ.

(૨) બળપૂર્વકનો–હિંસક ઉકેલ, જે માટે પોલીસ અને સૈન્ય બંનેનો ઉપયોગ કરવામાં આવે છે.

યુદ્ધનો શોખ માનવજાતને ઘણો છે. સત્તા ગર્વિષ્ટ રાજયકર્તાઓ અને પ્રજાઓ નિર્બળ પ્રજાઓને યુદ્ધથી સતત દાબમાં રાખવા મથે છે. પરંતુ યુદ્ધ મોટે ભાગે જીતનાર તથા હારનાર પ્રજાના જીવનની ખાખાખીખી કરી નાખે છે. અને જે પ્રશ્નો ઉપર ઝઘડો થયો હોય તે પ્રશ્નનો ઉકેલ ભાગ્યે જ લાવી શકે છે. યુદ્ધની અનેકાનેક મર્યાદાઓ છે એમ ધીમે ધીમે માનવજાતને સમજાતું ગયું છે એટલે રાજ્યો ન છૂટકે યુદ્ધમાં ઉતરે. બની શકે ત્યાં સુધી શાંતિમય ઉકેલના માર્ગ શોધવાની પ્રથા પ્રાચીનકાળથી ચાલતી આવી છે. યુદ્ધ કરવું હોય તો પણ અને શાંતિમય માર્ગ લેવો હોય તો પણ ઉપયોગમાં આવે તેવી પરદેશ સાથે સંબંધ ધરાવતી રાજકીય સંસ્થા રાજકારણે વિકસાવી છે જેને પ્રણીધી મંડળ – પ્રતિનિધિ મંડળ – એલચી મંડળ – એસેમ્બલી જેવા શબ્દથી ઓળખીએ છીએ. યુદ્ધ માટે તેમજ શાંતિમય ઉકેલ માટે બે પ્રકારનું તંત્ર નિયોજવામાં આવે છે:

(૧) ચર–ગુપ્તચર જાસૂસ તંત્ર.– Spies, Espionage.

(૨) પ્રતિનિધિ મંડળ–એલચી મંડળ–વિષ્ટિ મંડળ.

ગુપ્તચરની સંસ્થા પ્રાચીન કાળથી આજ સુધી બહુ ઉત્તેજક પ્રસંગો ઉપજાવી રહી છે અને આજનાં સુધરેલાં રાજ્યો પણ આ ગુપ્તચર સંસ્થાને શાસ્ત્રીય ઢબે વિકસાવી રહી છે એ આપણે ભૂલવું ન જોઈએ. કેટલાંયે પરદેશી વેપારી મંડળ, નિષ્ણાતો, વિદ્યાગુરુઓ, શોધકો, પર્વતપર ચઢનારાં મંડળો, અને પરદેશી ગણિકાઓ અને કલાકારો પણ રાજ્યના ગુપ્તચર વિભાગમાં કામ કરતાં સાબિત થાય તો નવાઈ નહીં. પરંતુ એ ગુપ્તચરની યોજના તદ્દન છૂપી રહે છે અને તેનું અસ્તિત્વ હોવા છતાં તેનું કાયદેસરપણું ખુલ્લી રીતે સ્વીકારતું નથી. ગુપ્તચર પરરાજ્યમાં પકડાય તો તેની જવાબદારી કોઈ પણ રાજકીય સંસ્થા સ્વીકારતી નથી – જોકે એ ગુપ્તચર એ રાજકીય સંસ્થાએ મોકલ્યો હોય તો પણ.

પરંતુ પ્રતિનિધિમંડળ, એલચી મંડળ તો રાજ્યની કાયદેસર સંમતિ પામેલું મંડળ હોય છે અને જે રાજ્યમાં તે જાય તે રાજ્યે પણ તેના પ્રતિનિધિત્વનો સ્વીકાર કરેલો હોય છે. એ સંસ્થા પ્રતિષ્ઠિત ગણાય છે, કાયદેસર ગણાય છે અને બન્ને રાજ્ય વચ્ચેના સંબંધો સારા બનાવવા માટે તેને માથે ખૂબ ભારે જવાબદારીઓ હોય છે. પ્રાચીન કાળ કરતાં આજની દુનિયા વરાળ, વીજળી અને વિમાન અંગે બહુ સાંકડી બની ગઈ છે. દુનિયાનાં દેશો અને દુનિયાની પ્રજાઓ બહુ પાસે પાસે આવી ગયાં છે. આંતરરાષ્ટ્રીય સંબધો વધી ગયા છે, અને ગાઢ બનતા જાય છે. અને જો એ કારણે મોટાં નાનાં છમકલાં પ્રજા પ્રજા વચ્ચે થવાના સંભવો વધતા ગયા, છતાં, આંતર- રાષ્ટ્રીય એકતા એટલી વધતી જાય છે કે પરસ્પર અવલંબનનો ખ્યાલ વિકસતો જાય છે અને ઉપસ્થિત થતા પ્રશ્નોના નિરાકરણ અર્થે આંતરાષ્ટ્રીય શિષ્ટતાના પ્રકારો વિકસતા જાય છે. આંતરષ્ટ્રીય સંમેલનો અને પરિષદો વિપુલ પ્રમાણમાં મળે છે. આંતરાષ્ટ્રીય કાયદા અને આંતરાષ્ટ્રીય અદાલતનાં સ્વરૂપ સ્પષ્ટ થતાં જાય છે, અને એમાંથી આગળ વધીને એક માનવરાજ્યની ભાવના પણ પણ જાગૃત થતી જાય છે. એ ભાવના જ્યારે સફળ થાય ત્યારે ખરી. હજી આજ પણ એ ભાવના એક સ્વપ્નના પ્રદેશમાં વસે છે. છતાં માનવ મહા–રાજ્યની ભાવના દૃઢ કરવાના માનવ રાજકીય પ્રયત્નો આપણે ધ્યાનમાં લેવા જોઈશે.

(૧) હેગની આંતરરાષ્ટ્રીય અદાલત. (ર) લીગ એફ નેશન્સ–રાષ્ટ્ર સમૂહ

(૩) U.N.O. સંયુક્ત રાષ્ટ્રતંત્ર

આ ત્રણેમાંથી એકે સંસ્થા સફળ થઈ થઈ એમ કહી શકાય નહિ. હેગની અદાલત માંદી માંદી હજી રસળ્યા કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયલું લીગ ઓફ નેશન્સ બીજા વિશ્વયુદ્ધમાં અંત્યેષ્ટિ સંસ્કાર પામી ચૂક્યું છે. એની ભસ્મમાંથી ઉપજેલું U.N.O. આજ તો કોરિયાને સ્મશાન ભૂમિ બનાવી રહ્યું છે, અને કાશ્મીરને એ જ માર્ગ વાળવા મથે છે. એને જ્યારે સફળતા મળે ત્યારે ખરી, પરંતુ એક સત્ય તો સ્પષ્ટ થાય છે કે યુદ્ધ એ પ્રજા વચ્ચેના કોઈપણ પ્રશ્નનો અંતિમ ઉકેલ લાવી શકતું નથી, વિનાશના માર્ગો મોકળા કર્યે જાય છે. એના કરતાં શાંતિનો માર્ગ સ્વીકારવામાં વધારે માણસાઈ છે એટલું જ નહિં; પરંતુ વધારે વ્યયહારપણું છે. એ શાંતિના માર્ગ તરફ લઈ જવાની શક્યતા ધરાવતું એક મહત્ત્વનું રાજ્ય અંગ તે આ પ્રતિનિધિમંડળ.

એ પ્રતિનિધિમંડળને કાયદેસરપણાની છાપ મળેલી હોય છે એટલે એ પ્રતિષ્ઠિતમંડળ ગણાય. જે રાજ્યમાંથી તે જાય તે રાજ્યની રાજ્યનીતિ, તે રાજ્યના અને તે રાજ્યની પ્રજાના સંસ્કાર અને તેની દક્ષતાનું એ પ્રતિનિધિ હોય. એના ઉપર જ મુખ્યત્વે જે તે રાજ્યની પ્રતિષ્ઠા તથા શાખનો આધાર રહેલો છે. પોતાના દેશની પરદેશમાં પ્રતિષ્ઠા જાળવવી અને પરદેશ સાથેના સંબંધો, સરળ, શીળા અને પ્રતિષ્ઠિત બનાવવા એ તેનુ પ્રથમ કાર્ય.

અને બીજું મહત્ત્વનું કાર્ય એ કે જે દેશમાં એને પ્રતિનિધાન મળ્યું હોય તે દેશની ચાલુ હકીકતો અને વિચાર પ્રવાહોનો પરિચય સાધવો, એ દેશના ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ સમજવાં, એના બલાબલની તુલના કરવી, એ દેશના વિવિધ સમૂહોનું માનસ ઓળખવું, વિવિધ પ્રશ્નોના હાર્દને ઉકેલવું, પોતાના સ્વદેશને એ પરદેશ કેમ કરી વધારેમાં ઉપયોગી થઈ પડે, એવી પ્રણાલિકાઓ સ્થાપવી અને દેશ અંગે જાતે સજાગ રહી પોતાના સ્વદેશના રાજ્યતંત્રને સજાગ રાખવાં. સ્વદેશ અને પરદેશના સંબધો બાંધવાની કળાને આજની દુનિયા DiPlomacy–મુત્સદ્દીગીરીને નામે ઓળખે છે.

રખે કોઈ માને કે આ મુત્સદ્દીગીરીનો ઉપયોગ આજની દુનિયા કરે છે. આ વહીવટ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. એક રાજ્ય વચ્ચે સંબંધ બાંધવામાં રહેલાં શાસ્ત્રીય તત્ત્વો સમજાવતા પ્રાચીનગ્રન્થો, પ્રાચીન ભારતમાં પણ હતા, જેમાં મુખ્યત્વે આપણે નીચ પ્રમાણે ગણાવી શકીએ:

(૧) ચાણાક્યનું અર્થશાસ્ત્ર

(ર) શુક્રનીતિ.

(૩) કામન્દક નીતિસાર.

(૪) મહાભારતમાંનું શાંતિપર્વ

એ સિવાય ઘણું સાહિત્ય જુદા જુદા ગ્રંથોમાં વેરાયેલું પડ્યું છે અને રાજ્યનીતિનાં અનેક સુભષિતો પણ પ્રચલિત છે.

અંગ્રેજી ભાષામાં તો એ સંબધી અનેક પુસ્તકો મળી આવે છે જેમાંથી થોડાંક નામ અત્રે આપવાં યોગ્ય થશે:

(૧) મેશિયાવેલીનું પ્રીન્સ તથા હીસ્ટ્રી ઑફ ફ્લોરેન્સ.

(ર) થ્રોટીઅસનું–Ambassador and, his functions, પ્રતિનિધી અને એનો કાર્ય પ્રદેશ.

(3) Mowat's history of European diplomacy. યુરોપીય મુત્સદ્દીગીરીનો ઇતિહાસ.

(4) Cambridge History of British foreign policy. બ્રિટીશ પરદેશ નીતિનો ઇતિહાસ.

Diplomacy by Lord Renell–મુત્સદ્દીગીરી.

આ સિવાય ઘણા ગ્રંથો, પત્રવ્યવહારો, રાજકીય પુરુષોનાં જીવનચરિત્રો, યુદ્ધ ઇતિહાસો અને વિશિષ્ટ ઇતિહાસોમાંથી ઘણું ઘણું વાચન મળી આવે એમ છે.

ભારતે જ્યારે સ્વરાજ્ય મેળવ્યું છે ત્યારે સ્વતંત્ર દેશ અને પ્રજા તરીકે પરરાજ્યો સાથે તેને સંબંધો ખીલવવા પડશે અને આંતર- રાષ્ટ્રીય ક્ષેત્રોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું પડશે, જેને માટે મુખ્ય સાધન આપણાં પ્રતિનિધિ મંડળો બની શકે એમ છે. આજના ભારતને કદાચ નવાઈ લાગશે છતાં નૂતન ભારતે એ જાણવું જરૂરી છે કે પ્રાચીન ભારતે પ્રતિનિધિ મંડળોની સંસ્થા સારા પ્રમાણમાં વિકસાવી હતી અને તેનો વ્યાપક ઉપયોગ પણ કર્યો હતો. પ્રાચીન કાળના પ્રતિનિધિ મંડળોની ટૂંકી કથની આજ પણ રસભરી થઈ પડે એમ છે. આપણે ટૂંકા ઉલ્લેખમાં થોડાં પ્રાચીન પ્રતિનિધિ મંડળો ઓળખી લઈએ :

(૧) રામે રાવણ તરફ મોકલેલી વિષ્ટિમાં અંગદનું પ્રતિનિધાન રામાયણમાં સુપ્રસિદ્ધ છે. ગુજરાતીમાં, ખાસ કરીને કવિ શામળ ભટ્ટનું અંગદવિષ્ટિનું કાવ્ય જાણીતું છે.

(૨) પાંડવો તરફથી પ્રતિનિધાન મેળવી કૌરવો પાસે ગયેલા વિષ્ટિકાર કૃષ્ણની વિષ્ટિ અને તેનાં પરિણામ જાણીતાં છે. કવિતામાં પણ એ ગવાયાં છે.

(૩) ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના યુગમાં ઈ. સ. પહેલાંની ત્રીજી ચોથી સદીમાં સીરિયાના ગ્રીક રાજવી સેલ્યુકસ નિકાટરના પ્રતિનિધિ તરીકે આવેલા મેગસ્થીનીસનું પ્રતિનિધાન જાણીતું છે. મેગસ્થીનીસનું ‘ઈન્ડીકા’ નામનું પુસ્તક આજ પણ એ યુગની ભારતીય કીર્તિનો કિંમતી દસ્તાવેજ છે.

(૪) ચંદ્રગુપ્તના પૌત્ર અશોકનો ઇતિહાસ તો જાણીતો છે. એના પોતાના જ લખાવેલા શિલાલેખમાં એણે મેાકલેલા પ્રતિનિધિ મંડળનો ઉલ્લેખ મળી આવે છે. એનાં પ્રતિનિધિમંડળો રાજકીય તો હતાં જ; સાથે સાથે તે ધર્મપ્રચારનાં મંડળો હતાં તે ભૂલવા સરખું નથી. એના છ પ્રતિનિધિમંડળો તો એના લેખ ઉપરથી જ ગણાવી શકીએ એમ છે : (૧) લંકામાં પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાની આગેવાની નીચે મોકલેલું મંડળ ( ૨ ) સીરિયાના એન્ટીઓકસના દરબારમાં (૩) ઇજિપ્તના ટોલેમીનાં દરબારમાં. (૪) મેસીડોનિયાના એન્ટીગોનસના રાજ્યમાં. (૫) મેગસના ક્રાઈરીનને યાં (૬) એપીરસના એલેકઝાન્ડરના દરબારમાં, આ યુગનું ભારત આમ એશિયા, યુરોપ અને આફ્રિકાના વિવિધ રાજ્યો સાથે રાજકીય અને સાંસ્કૃતિક સંબંધમાં હતું એ સહેજ પૂરવાર થઈ શકે એમ છે. (૫) ઈ. સ. પૂર્વે ૨૭ માં સીઝર સ્પેનમાં યુદ્ધ કરતો હતો ત્યારે તેણે એક ભારતીય પ્રતિનિધિ મંડળની મુલાકાત લીધી હતી.

(૬) સીઝર પછી થયેલા રોમન સમ્રાટ ઓગસ્ટસે ઈ. સ. પૂર્વે ૨૧ માં સામોસ નામના ગ્રીક ટાપુમાં હિંદી પ્રતિનિધિઓને મુલાકાત આપી હતી. ગ્રીક ઇતિહાસકારો પ્રતિનિધિમંડળ મોકલનાર રાજાને પાંડીયન રાજા કહે છે. એ ભારતીય રાજાએ મેકલેલો સંધિલેખ ગ્રીક ભાષામાં હતો એ પણ નોંધ કરવા જેવી હકીકત છે. ઉપરાંત વધારે નોંધપાત્ર આપણા ગુજરાતને માટે તો એ છે કે એ પ્રતિનિધિ- મંડળમાં ભરૂચના એક શ્રમણાચાર્ય પણ ગયા હતા, જે મુસાફરી કરતાં કરતાં એથેન્સ નગરમાં જાતે બળી મર્યા હતા.

(૭) રોમન શહેનશાહ ક્લેાડીઅસના રાજ્યમાં ઈ. સ. ૪૧ માં લંકાનું પ્રતિનિધિમંડળ પહોંચી ગયુ હતું. એ પ્રતિનિધિમંડળની માહિતીના આધારે પ્લીનીએ પોતાની સુપ્રસિદ્ધ ભૂગોળનો કેટલોક વિભાગ લખ્યા હતો.

(૮) ઈ. સ. ૮૯ માં કુશાન રાજવીએ ચીનમાં પ્રતિનિધિ મંડળ મોકલ્યું હતું.

(૯) ઈ. સ. ૧૦૯ માં રોમન સમ્રાટ ટ્રોજનના દરબારમાં ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળને રોમમાં થતા જાહેર રમત ગમતના ખેલોમાં આમંત્રણ આપી હાજર રાખવામાં આવ્યું હતું.

(૧૦)રોમન સમ્રાટ એન્ટોનીયસના દરબારમાં ઈ.સ. ૧૩૮માં પણ ભારતીય પ્રતિનિધિ મંડળ હતું એવા ઉલ્લેખ મળી આવ્યા છે.

આટલાં દશ મંડળોની હકીક્ત અહીં બસ થશે. આ ઉપરાંત પ્રાચીન કાળમાં ભારતથી પરદેશ ગયેલાં અને પરદેશથી ભારતમાં આવેલાં પ્રતિનિધિ મંડળનો ઇતિહાસ એ યુગના રાજકીય, સાંસ્કૃતિક તથા વ્યાપાર વિષયક સંબંધનો બહુ મનોરંજક ઇતિહાસ પૂરો પાડે એમ છે. ચીન, મધ્ય એશિયા, સુવર્ણદ્વીપ તથા અરબસ્તાન વગેરે પ્રદેશ સાથેના પ્રતિનિધાન દ્વારા બંધાયલા સબંધો આપણને ઘણી ઘણી વાત કહી જાય એમ છે. રાણી ઇલીઝાબેથે મોકલેલા સર-ટોમસ–રોનું પ્રતિનિધાન મોગલાઈ યુગમાં હતું. આ પ્રતિનિધિ મંડળો એટલું તો સાબિત કરે છે કે પ્રાચીન ભારતના પરદેશ સંપર્ક આપણે ધારીએ એ કરતાં વધારે ગાઢ હતા.

રાજકાજમાં સામ, દામ, ભેદ અને દંડના ઉપાયો આર્ય રાજનીતિજ્ઞોએ જ ઉપજાવેલા હતા એમ માનવાનું કારણ નથી. સ્વદેશમાંથી પરદેશમાં જતા રાજકીય પ્રતિનિધિઓનું કાર્ય અતિશય નાજુક હોય છે. એ નાજુકી હજી સુધી આવાં પ્રતિનિધિ મંડળો માટે પૂર્ણ વિશ્વાસ ઉપજાવી શકતાં નથી. રાજ્યકાજમાં કુટિલ નીતિ આવશ્યક છે અને રાજ્યકાજના મુખ્ય અંગ સરખા પ્રતિનિધિ મંડળમાં પણ તે આવશ્યક છે એવું હજુ સુધી મનાય છે. એને Realism કહેવામાં આવે છે, વ્યવહારુપણું કહેવામાં આવે છે અને એમાં અમુક અંશે પોતાના દેશના લાભમાં જુઠાણાનો ઉપયાગ થાય તો હરક્ત નહિ એવી પણ માન્યતા હજી ચાલુ રહી છે. આપણે કેટલાક અંગ્રેજી વિદ્વાનોના અભિપ્રાય જોઈ લઈએ. એક લેખક આવા પ્રતિનિધિની વ્યાખ્યા કરતાં કહે છે:

“An ambassador is an honest man sent abroad to lie on behalf of his country”–રાજકીય પ્રતિનિધિ–એલચી એટલે કોણ ? પોતાના દેશ અર્થે જુઠું બોલવા માટે પરદેશ મોકલવામાં આવેલો એક પ્રમાણિક માણસ.”

એલચી તરીકે પ્રત્યક્ષ કામ કરી ચૂકેલો એક એલચી કહે છેઃ

“I have a congenital repugnance to tell a lie But I do not therefore necessarily disclose all that is in my mind – જુઠું બોલવાને મને જન્મથીજ કંટાળો છે. પરંતુ એનો અર્થ એ નહિ કે મારે મારા મનમાં જે હોય તે અવશ્ય પ્રગટ કરવું જ કરવું.”

એક રાજનીતિજ્ઞ નીચે પ્રમાણે સલાહ આપે છે:

“It is permissible for the ambassadors to corrupt the ministers of the court to which he is accedited – જે રાજ્ય દરબારમાં રાજ્યની મહોર છાપ સાથે રાજ્ય પ્રતિનિધિ મોકલ્યો હોય તે એ રાજ્ય દરબારના મંત્રીઓને લાલચો આપી ફોડે એ ચલાવી લેવું જોઈએ.”

રાજ્યકાજ એ જુઠ્ઠાણું હોય, ખટપટ હોય, બોલવું કાંઈ ને કરવું કાંઈ, એવી માનવવૃત્તિનો કલામય નમૂનો હોય, એક બીજા ઉપરની જાસુસી હોય, અમાનુષી હૃદયહીનતા હોય, કૃતઘ્નતા હોય, તો ખરેખર રાજકારણના અર્કસમી પ્રતિનિધિ યોજનાઓ એ સર્વનું જ પ્રતિબિંબ હોય એમાં શક નહિ. રાજને અંતે નરક એવી આપણામાં કહેવત પણ છે. વ્યક્તિની, ટોળકીની કે પક્ષની સત્તાને ચિરંજીવી બનાવવા માટેની રમત એનું નામ રાજકારણ હોય તો ખરેખર કાયદેસરનું પરદેશ પ્રતિનિધાન પણ આવી રાજકીય ઠગબાજીની રમત બની રહે. હજી રાજકારણ અને પ્રતિનિધિ મંડળ દુનિયાભરમાં ભાગ્યે જ સ્વચ્છતાનો દાવો કરી શકે એમ છે. રાજકાજને નામે ઘણાં પાપ કરવામાં આવે છે અને ઘણાં પાપને નિભાવી લેવામાં આવે છે. એવા સંજોગોમાં પરદેશ મેાકલતાં પ્રતિનિધિ મંડળો બાહોશ, ખટપટી, વાચાળ અને સત્યની ન પરવા કરનાર ખેલાડીઓથી ભરેલાં હોય એ સ્વાભાવિક લાગે.

પરંતુ આ રાજકારણ, આ પ્રતિનિધાન અને આ રાજનીતિ નવી દુનિયામાં ચાલશે ખરી ? પ્રજાનું ભલું એ રાજ્યનો ઉદ્દેશ હોય, માનવજાતનું ભલું એ આંતરાષ્ટ્રીય નીતિનો મંત્ર હોય તો એ નીતિ છોડવી જ રહી. કુટીલનીતિ જેમ વહેલી છૂટે એમ દુનિયા વધારે વહેલી સુખી થશે. ગાંધીજીએ કલ્પેલી અને આચારમાં મૂકેલી રાજનીતિમાં સારાસારવિવેક હેાય, સાચી માહિતી હોય, વિનયશીલતાની કલા હોય, બાહોશી હોય, સાચી માહિતી હોય, જુઠ્ઠાણાને ઓળખવાની શક્તિ હોયઃ એ બધું આજની પરદેશ પ્રતિનિધાન કલાની ખૂબીઓ જરૂર હોય. એમાં માત્ર ન હોય સ્વાર્થ; વ્યક્તિનો, ટોળકીનો, પક્ષનો કે પ્રજાનો. એમાં સત્ય જ હોય–ચોક્ખું નિર્ભેળ સત્ય જ હોય. હજી સુધી એ પરિસ્થિતિએ આપણે પહોંચ્યા નથી એ માનવજાતનું ભયંકર કમનસીબ છે. કોરિયા, ઇરાનનુ તેલ, જપાનની સંધિ, કાશ્મીરનું અંગછેદન, સુએઝ કેનાલના હક્ક, ફિલિપાઈન્સની માલિકી, ઈન્ડોચાઈના ઉપરનો ફ્રેન્ચ કાબુ, જર્મનીની શસ્ત્રસજાવટ અને સધન દેશોની શાંતિ માટેની યુધ્ધ તૈયારી:–આ બધાં જુઠ્ઠાણાની આસપાસ ચાલતી મુત્સદ્દીગીરી તે માનવજાતના ભલા માટે તો નથી જ; સત્ય ઉપર આધાર રાખી રહેલી મુત્સદ્દીગીરી તે માનવજાતના ભલા માટે તો નથી જ; સત્ય ઉપર આધાર રાખી રહેલી મુત્સદ્દીગીરી તો નથી જ. સ્વાર્થ; લોભ, ગર્વ, અને શંકાની એ સુરંગોમાંથી વિશ્વયુદ્ધ ક્યારે ફાટી નીકળે તે કહી શકાય એમ નથી. યુદ્ધે ચઢનારી માનવતા માનવ રાજકારણની એક ક્રૂર નિષ્ફળતા છે. એ કુટિલ રાજનીતિ નવા વિશ્વમાંથી જવી જાઈએ. એમાં પ્રતિનિધિમંડળ બહુ ઊંચો અને સ્વચ્છ ભાગ ભજવી શકે એમ છે. સાચી પ્રજાનું પ્રતિનિધિમંડળ પરદેશમાં એવું તો કાંઈ જ ન કરે કે જેથી યુદ્ધનો સંભવ વધતો રહે.

રાજકારણમાં આમ પરદેશ પ્રતિનિધાન, પરદેશ પ્રતિનિધિમંડળ બહુ આવશ્યક છે. હવે તો એ પ્રતિનિધિમંડળ માટે વિશિષ્ટ કેળવણી આપવાની આવશ્યકતા સ્વીકારાઈ છે. એ માટે વિશિષ્ટ અમલદારી તંત્ર પણ યોજવામાં આવે છે. બહુશ્રુતપણું, વિપુલ ભાષાજ્ઞાન, સ્વભાવની વિશિષ્ટ કેળવણી, વાતચીતની લઢણ દેખાવ–છાપ પાડવાની શક્તિ વગેરે અનેક પ્રકારની આવડત પ્રતિનિધિમંડળમાં દાખલ થવા માટે આવશ્યક મનાય છે. લશ્કરી અમલદારોને એ અંગે વિવિધ ભાષાશિક્ષણની તાલીમ આપવામાં આવે છે. કારણ, હાલના પ્રતિ નિધિમંડળમાં રાજકીય લશ્કરી, વ્યાપારી અને સાંસ્કૃતિક વિભાગ, પણ ખીલવવામાં આવે છે. ગુપ્તચર કરતાં પ્રતિનિધિમંડળનુ કામ વધારે સ્વચ્છ અને વધારે કાયદેસર મનાય છે. છતાં એમાં ઊંડે ઊંડે ગુપ્તચરપણું રહે ખરું. એ અર્થે સંજ્ઞા, ચિન્હો અને સંજ્ઞાભાષાની વિશિષ્ટ આવડત પણ આવશ્યક ગણાય છે. પ્રતિનિધિ મંડળના ઉચ્ચ અધિકારીઓની પત્ની પણ પ્રતિનિધિના કાર્યમાં ઉપયોગી થઈ પડે એમ મનાય છે. એટલે તો એ મહાવિશાળ અને ખર્ચાળ ખાતાનું સ્વરૂપ ધારણ કરી રહે છે. ખર્ચાળપણું અને ડોળ દમામ એ જો વિકાસનું ચિન્હ હોય તો ભારતીય સ્વરાજનું પ્રતિનિધિમંડળ બહુ વિકસિત બન્યું છે એમાં શક નહિ. એમાં ગાંધીની સચ્ચાઇ રહેલી છે કે કેમ એ પ્રશ્ન છે. એ પ્રશ્ન તો આખા ભારતીય રાજકારણ માટે પૂછી શકાય એમ છે.

આ પ્રશ્ન ઉપર જ એક જ દૃષ્ટિથી ઉહાપોહ કરવામાં આવ્યો છે. દુનિયા નવી થતી જાય છે, ભારત નવીન બનતું જાય છે. ભારતીય સ્વરાજ પ્રજાનું પ્રતિનિધિ હોય તો ભારતનાં એલચી મંડળો, પ્રતિનિધિ- મંડળો પણ ભારતીય પ્રજાનાં જ સાચાં પ્રતિનિધિ હોવાં જોઈએ. પરદેશમાં ભારતની કીર્તિ, ગૌરવ, શાખા સંસ્કાર અને સંબંધ સાચવવાનાં રહ્યાં. એ પ્રતિનિધિ મંડળોએ પેાતાને સોંપાયલા પ્રદેશને ઓળખવો પડશે. એ પરદેશની ભાષા, સંસ્કાર-ખાસિયતો, ઇતિહાસ અને વિશિષ્ટ ખામી ખૂબી સમજવાં પડશે, સ્વદેશ અને પરદેશને લાભદાયક અને એવા ઔદ્યોગિક, વ્યાપારી અને સાંસ્કૃતિક સબંધો બાંધવા પડશે, અને જે દેશના પ્રતિનિધિ હોય તે દેશની પ્રજાની છાપ ઝીલીને જ તેમણે પરદેશ ખાતે વસવાટ કરવો ઘટે. સ્વદેશની નીતિ, સ્વદેશની રહેણી- કરણી, સ્વદેશની આવડત સ્વદેશની સભ્યતા, સ્વદેશની છટા, એ સઘળાં તેમણે પરદેશમાં પ્રદર્શિત કરવાનાં છે. એ અંગે પ્રતિનિધિ- મંડળો રાજકારણનું એક મહત્ત્વનું અંગ બની રહે છે,

રાજકારણ સિવાયનાં પ્રતિનિધમંડળોની પણ યોજના સમજવા જેવી છે. છતાં રાજકીય પ્રતિનિધિમંડળો કરતાં તેમનું મહત્ત્વ ગૌણ છે છતાં નૂતન વિશ્વમાં રાજકીય દૃષ્ટિએ ગૌણ લાગતાં સાંસ્કારિક ખેલ, રમત, કલાલક્ષી પ્રતિનિધાનો વધારે મહત્ત્વ ધારણ કર્યે જશે.