સાહિત્ય અને ચિંતન/હું મારા પાત્રો કેમ સર્જું છું?

વિકિસ્રોતમાંથી
← નાટક સાહિત્ય અને ચિંતન
હું મારા પાત્રો કેમ સર્જું છું?
રમણલાલ દેસાઈ
નવતર સાહિત્યનાં પ્રેરક બળો →



હું મારાં પાત્રો કેમ સર્જું છું ?

આ પ્રશ્ન સમજવો અને સમજાવવો જરા કઠિન છે. લેખકનાં માનસિક સંચલનો અનેક વ્યક્તિગત અને સામાજિક પ્રવાહોનું પરિણામ હોય છે. એ દૃષ્ટિએ પાત્રસર્જન કરતા લેખક એના જ યુગે સર્જેલું એક પાત્ર જાતે જ બની ગયેલો હોય છે.

ઉપરાંત તે વાસ્તવ કે આદર્શપાત્રો સજી પોતાના તેમ જ આગામી યુગના સર્જનમાં સારા કે માઠા ફાળા આપે છે. અને ઓછા વધતા પ્રમાણમાં એ અંગત તેમ જ સામાજિક જીવનનો જવાબદાર ઘડવૈયો બની રહે છે; પછી એ કોઈ ઉદ્દેશથી લખતો હોય કે ઉદ્દેશ વગર પાત્રસર્જન કરતો હેાય, ખરી કે ખોટી રીતે લેખક તરીકે સ્વીકાર પામેલી વ્યક્તિને આ પ્રશ્ન જરૂર પૂછાય.

મેં પણ કાંઈક લખ્યુ છે અને લખવાના ચાળા હજી કરી રહ્યો છું. એટલે પ્રશ્નનો ઉત્તર મારે આપવો રહ્યો-જો કે હું જાણું છું કે આ પ્રશ્નનો ઉત્તર ભાગ્યે જ કોઈ લેખક સમાધાન થાય એવા સંપૂર્ણ પણે આપી શકે.

પ્રથમ તો હું મને જ પૂછી જોઉં કે હું શા માટે લખું છું ?

કેટલાક મહામાનવોને જીવનસંદેશ આપવો હોય છે માટે તેઓ લખે છે એમ કહેવાય છે. હુ તો હજી સદેશ શેાધું છું. મારામાં સંદેશ આપવાનું મહત્ત્વ નથી.

પૈસા મેળવવા હું લખું છું? હજી પશ્ચિમની માફક લેખન-વ્યવસાય હિંંદમાં રોજી આપતો ધંધો બન્યો નથી; બને તેા ખોટું પણ નથી. છતાં એક એક નવલકથાના મને માત્ર પચાસ રૂપિયા મળ્યા એ પણ મને યાદ છે. લેખન ઉપર મારું ગુજરાન હું ચલાવી શક્યો ન હોત.

કદાચ પ્રતિષ્ઠા માટે હું લખતો હોઉં તો ? પરંતુ લેખનમાં પ્રતિષ્ઠા ગુમાવવાનો પણ ભય હોય છે, અને પ્રતિષ્ઠાનું તત્ત્વ અશત : ભાગ ભજવતું હેાય એમ માનીએ તોય પ્રતિષ્ઠાનું તત્ત્વ જીવનમાં બહુ અનિશ્ચિત છે. એ સમજતાં વધારે વાર લાગતી નથી. વિદ્યાર્થીઓને હસ્તાક્ષરો આપતી વખતે આપણે પોતાને કદાચ પ્રતિષ્ઠાસંપન્ન માની લઈએ પરંતુ અમલદારને થતી સલામ ધર્મગુરુ કે રાજકીય નેતાઓને થતાં નમન, અને ધનપતિઓની આસપાસ વાગતી ભૂંગળ કે ભૂંગળાં આગળ લેખકની પ્રતિષ્ઠા કશી વિસાતમાં નથી, પ્રતિષ્ઠાની જ શોધમાં હું લેખક થયેા હોઉં એમ મને યાદ નથી.

ત્યારે લેખક લખે છે કેમ ?

ઝખ મારવા! એટલો જ માત્ર જવાબ આપ્યો હોય તો ઘણું ઘણું સમજાઈ જાય એમ છે. પરંતુ એ જવાબ આપવાના પ્રસંગો હું ભાવિ માટે રહેવા દઉં.

કોઈ એવું માનસિક સંચલન જરૂર હોય છે જે લખવા વ્યક્તિને પ્રેરે છે એને ધક્કો કહીએ ઊર્મિ કહીએ, આવેગ કહીએ, પ્રેરણા કહીએ કે પયગામ કહીએ : જેવું આપણે આપણું મહત્ત્વ આંક્યું હોય એ પ્રમાણે શબ્દ ગોઠવીએ; સર્જનને સ્વાભાવિક ક્રિયા કહીએ તો પ્રત્યેક માનવીમાં ગુપ્તપણે લેખક છુપાતયેલો જ હેાય છે. માટે જ લેખકોને વાચકો મળે છે. માત્ર મોટા ભાગના માનવીઓને તેમની ઊર્મિ જુદાં જુદાં સર્જનક્ષેત્રોમાં લઈ જાય છે; લેખન દ્વારા થતા સર્જન માટેના જરૂરી વ્યાયામથી ઘણા માનવીઓ કંટાળી જાય છે, જીવનસંગ્રામ કેટલાયને લેખનવ્યવસાય માટે સમય આપતો જ નથી. એટલે લેખન માત્ર વિશિષ્ટ અભિમુખતા કેળવ્યા સિવાય સિદ્ધ થતું નથી. માત્ર ઊર્મિ અને પયગામ હૃદયને ધક્કા મારતા હોય તેાય બધાં માનવી લેખક બની શકતા નથી. અને એ જ ઠીક છે ! માનવીની અનેક પ્રકારે વ્યક્ત થતી સર્જનક્રિયાનો લેખન એક પ્રકાર છે, અને તેની સચેાટ અસર ઉપર તેની કિમત અંકાય છે.

એ સર્જનક્રિયા પાત્રોને કેમ સર્જે છે. એનો આછો અનુભવ એકાદ દષ્ટાંતથી જ આપવો વધારે સુલભ થશે. ‘ગ્રામલક્ષ્મી’ નામની એક નવલકથા મેં ચાર વિભાગમાં રચી છે, જેની પહેલાં પણ મેં કેટલીક નવલકથાઓ લખી હતી. વ્યવસાયે હું એક મુલકી અમલદાર હતો. પરિમિત ભૂમિવિભાગમાં અમલદારને સત્તા અને પ્રતિષ્ઠા બન્ને ઠીક ઠીક પ્રમાણમાં હોય છે, અને દેશભક્તિ, કે રાજયભક્તિના આછા-પાતળા આવેશમાં મેં એ પણ નક્કી કરી રાખ્યું હતું કે વર્ષમાં એકાદ બે વ્યાપક લોક્પયોગી કાર્યો કરવાકરાવવામાં એ સત્તા અને પ્રતિષ્ઠાને વાળવામાં જ મારી સાચી અમલદારી રહેલી હતી. નવસારી તાલુકાના મુલકી અમલદાર તરીકે મને લાગ્યું કે તાલુકાનાં સાઠેક ગામામાં ગ્રામસ્વચ્છતા સધાય, ગામની નાનકડી જરૂરિયાતો પૂરી પડે અને ગામનું શ્રમજીવન તથા રસજીવન ખીલી નીકળે એની વ્યવસ્થિત ચેાજના કરી શકાય એમ છે, ૫ંચાયત સપ્તાહને નામે મેં એ યોજના અમલમાં મૂકી. મારા ધાર્યા કરતાં એ યોજનામાં મને વધારે સફળતા મળી, અને ત્રણ ચાર વર્ષ સુધી ઉત્તરોત્તર આખા તાલુકાનું ગ્રામજીવન વધારે ઊંચું આવતું જતું મને દેખાયું.

એ યોજના અંગે તેમ જ સરકારી કામ અંગે ગામડાંમાં ફરવાનું મને ઘણું મળતું. છીણમ નામના એક ગામડામાં ફરતાં ફરતાં એક ઓટલે બેઠેલા સુધડ યુવાનને જોઈ મને લાગ્યું કે એનામાં નવીન ભણતરનો ઓપ હોવો જોઈએ. સહજ પૂછ્યું અને મારી સાથે જ ગામમાં ફરતા પટેલ કે પંચનો એ પુત્ર હતો એમ ખબર પડી. વધારામાં તે યુવક એક તાજો ઍન્જિનિયર હતો અને નોકરી મળતાં થતા વિલંબને લઈ નારાજીમાં નિષ્ક્રિય, નિરુત્સાહી જીવન પોતાના ગામડામાં ગાળતો હતો એમ હકીક્ત આગળ આવી. પંચાયત સપ્તાહની ચેાજનામાં મારા સદ્ગત મિત્ર શ્રી, વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ ઍન્જિનિયર તરીકે મને બહુ જ ઉપયાગી નીવડયા હતા, એટલે ગ્રામજીવનમાં ઍન્જિનિયરનું કેટલું મહત્ત્વ હેાઈ શકે એનો ખ્યાલ મને હતો.

એટલા જ પ્રસંગમાંથી આખા ગ્રામજીવનને સ્પર્શતી ગ્રામસૃષ્ટિની રચના ‘ગ્રામલક્ષ્મી ’ માં ઊપસી આવી, જેનો અરુણ નામનો એક બેકાર ઍન્જિનિયર નાયક બન્યો; ગ્રામજીવનના સામાજિક રાજકીય અને આર્થિક પ્રશ્નો પણ એમાં વણાઈ ગયા અને વ્યવહારમાં રહી આદર્શો તરફ ગતિ કરતાં યુવકયુવતી, કૌટુમ્બિક ઝઘડામાં પડેલા વડીલો, વિધવા શિક્ષિકા, બહારવટિયો અને ગ્રામજીવનના પશુવિભાગના પ્રતિનિધિ ‘રંગીલ' એમાં ચીતરાઈ ગયાં.

પાત્રો વાસ્તવતામાંથી સર્જાય. અને આદર્શ, ભાવના, સ્વપ્ન પણ વાસ્તવતા નથી એમ શી રીતે કહી શકાય ? વાસ્તવવાદ અને આદર્શવાદ, બરાબર સમજાય એ માટે, કેટલાંક મુખ્ય લક્ષણો ભલે માગી લે. પરંતુ એ પરસ્પર વિરેાધી તત્ત્વો છે એમ માનવા–મનાવવામાં આપણે જીવનને કાપી નાખી અધૂરું જોઈએ છીએ. વાસ્તવતા અને આદર્શ મળીને જ આખું જીવન રચાય. એટલે પાત્રસર્જનમાં વાસ્તવતા પણ આવે અને આદર્શ પણ આવે. કલ્પના જીવન સાથે જડાયલી જ રહે છે એટલે પાત્રસર્જનની કલાને કલ્પનાનો ઉપયોગ કરવે! જ રહ્યો.

કલ્પનાના સાથમાં વાસ્તવતા ન ધારેલી સૃષ્ટિઓ ઉત્પન્ન કરી શકે છે. વાસ્તવ પાત્રોના સંમિશ્રણ થાય, ચાળવણી થાય, ગોઠવણી પણ થાય. અને સંસાર આવી મિશ્રણક્રિયાઓની એક પ્રયોગશાળા જ છે. વર્તમાન દષ્ટિ સામે સતત ઊભાં રહેલાં બે વાસ્તવ પાત્રો ગાંધીજી અને જવાહર. લેખકની કલ્પના એક એવું પાત્ર સર્જે કે જેમાં ગાંધીજીને જવાહરનું સ્વરૂપ મળ્યું હોય અગર જવાહરને ગાંધીજીનું સ્થિતપ્રજ્ઞ માનસ મળ્યું હોય, તો એમાં લેખક વાસ્તવતાનો ભંગ કરે છે એમ માનવાની જરૂર નથી.

અને મને તો સામાન્યતામાંથી, હાલતાં ચાલતાં, ડગલે પગલે પાત્રસૃષ્ટિ મળી આવે છે. આપણે સામાન્ય જીવનને હસી કાઢ્યું છે એટલે પાત્રસૃષ્ટિમાં અસામાન્ય સ્ત્રીપુરુષો અને પ્રસંગો માગવાની ભૂલ કરીએ છીએ. ઉત્તેજક વીરત્વ, હૃદયવિદારક કરુણ અને મુક્તહાસ્ય જીવનની અમુક જ ઉચ્ચ ભૂમિકામાં હોય એમ માનવાની ભૂલ હવે સુધરતી જાય છે, એટલે સાહિત્ય વધારે વાસ્તવ અને વધારે આદર્શ ભર્યું બનતું જાય છે.

હવે પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપું.

હું લખું છું શા માટે ? એ પ્રશ્નનો એટલેા જ જવાબ આપી શકું: લખવાનો શોખ ઉત્પન્ન થયા હોવાથી હું લખુ છુ. લખવા માટે મિત્રોનો આગ્રહ, તંત્રીઓની ઉઘરાણી, વિવેચકોની ચીમકી એ બધાં કારણેા ભલે હાય; અને એ જીવતાં રહે ! પરંતુ લેખન પાછળ ન સમજાય એવો કોઈ આછો પાતળો ધક્કો ખરો, એને હું પ્રેરણાનું મહત્ત્વ ન આપું; આદેશની ભવ્યતા ન આપું. ઊર્મિકલમમાં ઉતરી જાય છે, અને સંજોગોએ એ સાધન મને આપ્યું છે એટલું જ કહી શકું.

હું લખું છું એટલે પાત્રસર્જન પણ કરું છું. ઊંડા વિચાર કરતાં સમગ્ર લેખન એક રીતે પાત્રસર્જનની ક્રિયા છે એમ મને લાગ્યું છે. નવલકથા, નાટક કે નવલિકા જ પાત્રો સર્જે છે એમ કહેવામાં આપણે બીજા સાહિત્યપ્રકારોને અન્યાય ન કરી બેસીએ. કવિતા પણ એક રીતે નવલિંકા છે, નવલકથા છે. એમાં પણ પાત્રસર્જન જરૂર થાય છે. એક પત્ર પણ પાત્રાલેખન બની રહે છે. જોકે નાટક નવલકથાના પાત્રોની સ્પષ્ટ મૂર્તિ ઘડવી પડે છે અને બીજા સાહિત્ય પ્રકારોમાં પાત્રાલેખન સૂચિત હેાય છે.

પાત્રોનાં સર્જન હું સામાન્ય રોજબરોજના અનુભવેામાંથી કરી લઉં છું. મને આજસુધી મળી આવેલાં પાત્રોમાં સામાન્યતાના મિશ્રણ, ચાળવણી અને ગોઠવણ છે; છતાં મારે મન એ સાચાં પાત્ર છે.

લેખક પાત્રોને ઘડે છે? કે પાત્રો લેખકને ધડે છે ? પરસ્પરને ઘડતો એ કલાવ્યાયામ લેખકને અને પાત્રોને જીવતાં રાખે છે.

મારી માનસલઘુગ્રંથિ મને પાત્રોના સર્જનમાં ઉચ્ચતા- પૂર્ણત અપાવવા મથતી તો નહિ હોય ? એનો એટલો જ અર્થ કે જે મારામાંયે ન જોયું, અનુભવ્યું તે હું મારા પાત્રોમાં જોવા અનુભવાનો પ્રયત્ન કરું છું. આવી પણ એક માન્યતા છે ખરી. તોય એમાં શુ ખોટું ? અને જીવનની કોઈ કોઈ ક્ષણોમાં આપણે—મારા સરખા સામાન્ય જીવને–વીરત્વ, પ્રેમ અને કરુણાનો સ્પર્શ નથી એમ માનવામાં હું મારામાં રહેલી ઝાંખી ઝાંખી માનવતાને અન્યાય કરું છું. કોઈપણ માનવીએ જન્મ ધારણ કરી ઉચ્ચ ભાવો અનુભવ્યા ન હોય એમ માનવા મારું મન ના પાડે છે.

એટલું મિથ્યાભિમાન પણ ઊપજે તો મારે કલમ સાથે છૂટાછેડા કરવા પડે. પ્રકાશકો અને તંત્રીઓ મારા લેખો છાપે છે ત્યાં સુધી એ પ્રસંગ આવવા દેવાની ઉતાવળ હું નહિં કરું-મારી અને મારા અનેક મિત્રોની એવી ઈચ્છા હોય તો પણ |

આમ મને અને મારા રડચાખડયા વાચકોને ન સમજાય એવા અનેક પ્રવાહોના પૂતળારૂપે હું મારાં પાત્રોનાં પૂતળા સજું છું. આછોપાતળો પણ જીવ હશે તો એનાં પ્રતિબિંબ સમાજમાં ક્ષણ બે ક્ષણ માટે પડી રહેશે.

નહિં તો ? હું જેમ લુપ્ત થવાના છું. તેમ એ પાત્રો પણ લુપ્ત બનવાનાં.