સુન્દરી શીળે ભરી રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
સુન્દરી શીળે ભરી રે
દામોદર બોટાદકર
(સ્નેહધામ સૂનાં સૂનાં રે - ઢાળ) અથવા (આવેલ આશાભર્યા - ઢાળ)


<poem>

શીળાં સરોવર ઝીલવાં સખિ ! શીળો મનોહર મેઘ રે, સુન્દરી શીળે ભરી રે.

શીળાં શશીમુખ શેરડા, એવાં શીળાં તારલિયાંના રે. સુન્દરી૦

શીળા ઊષા અલબેલડી, સખિ ! શીળી સોહાગણ સાંજે રે. સુન્દરી૦

શીળાં પ્રભુજીનાં પેખણાં, સખિ ! શીળા તે શારદ રાસ રે. સુન્દરી૦

શીળી દાદાજીની ડેલીઓ, એવી શીળી મીથે મન માય રે. સુન્દરી૦

શીળાં વીરાજીનાં વેણલાં, એવા શીળા ભાભી કેરા ભાવ. સુન્દરી૦

શીલું પિયર શીળી સાસરી, કાંઈ શીળો સમોવડ સાથ રે. સુન્દરી૦

શીળાં સાસુ સસરા સદા, સખિ ! શીળી વાલ્યમની વાત રે. સુન્દરી૦

શીળી નણંદ ઉર નાગરી, કાંઈ શીળો તે દૂધમલ દેર રે. સુન્દરી૦

શીળી સાહેલી સંગની, એવી શીળી સંસારની સેર રે. સુન્દરી૦

શીળી ગોરાંદેની ગોઠડી, એનો શીળો કોડાયલ કન્થ રે. સુન્દરી૦

શીળી પ્રીતમની પ્રીતડી, એવા શીળા પ્રભુનીના પન્થ રે. સુન્દરી૦

શીળી વામા વિનયે ભરી, એની શીળી લાખેણી લાજ રે. સુન્દરી૦

શીળી શિયળ કેરી છાંયડી, સખિ ! શીળાં રમણનાં રાજ રે. સુન્દરી શીળે ભરી રે.