સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/મહીયાનાં બહારવટાં/(૧) કનડાને રીસામણે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← મહીયાનાં બહારવટાં સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો/મહીયાનાં બહારવટાં
મહીયાનાં બહારવટાં - (૧) કનડાને રીસામણે
ઝવેરચંદ મેઘાણી
(૨) ગીગો મહીયો →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.

કનડાને રીસામણે

ગીરના ખોળામાંથી વિખૂટો પડી ગએલ આ કનડા ડુંગરો : એની દક્ષિણે દાદરેચો અને દાદરેચી નામના બે ડુંગરાની જુગલ જોડી ઉભી છે: એને અગ્નિ ખુણે રાયડો ને રાયડી નામના ડુંગરા બેલડીઓ બેસીને જાણે અહોરાત વિવાહ જ ઉજવ્યા કરે છે. એની છેડાછેડી જાણે કો દિ' છૂટતી જ નથી. આઘે આઘે ઘેડના કાંઠા માથે સૂરજ જ્યારે આથમતો હોય છે, ત્યારે દરિયાનાં પાણી ઉપર છવાતા ઝળેળાટ આંહી કનડે ઉભેલાને ય કોઈ કોઈ વાર નજરે દેખાય છે. એવો આ કનડો ડુંગરો: સોરઠની શુરવીર પદ્મણી હોથલ એક દિવસ 'એકલ મલ' બની ને બાપનું વેર વાળવા બાંભણીઆ બાદશા ઉપર આંહીથી ચડી હતી. બાપની મરણ-સજાઇ માથે આપેલા બોલ-કોલ પળાય નહિ ત્યાં સુધી પરણવું નહિ, એવાં વ્રત ધરનારી હોથલે એ બોલ પાળીને આંહી કનડે આવી પુરૂષના વેશ ઉતાર્યા હતા. વાંભ વાંભ જેવડી લટો મોકળી મેલીને જે તળાવડીમાં હોથલ નહાવા પડેલી, તે તળાવડીની મૂળ જગ્યા પણ આ કનડાની ગોદમાં બતાવવામાં આવે છે. જેની પાળે ચડીને એક દિવસ ઓઢાએ હોથલ નિહાળી–

ચડી ચખાસર પાર, ઓઢે હોથલ ન્યારિયાં,
વિછાઈ બેઠી વાર, પાણી મથ્થે પદમણી !

એ જ આ શંખાસર તળાવડીની પૂરાયેલી જગ્યાઃ અને એ જ આ ડુંગરો, જ્યાં છેવટે લુંબઝુંબ વનરાઈને આંગણે

રણમેં કીધો માંડવો, બિછાઈ દાડમ ધ્રાખ,
ઓઢો હોથલ પરણીજે, સૂરજ ! પૂરજેં સાખ.

દાડમ અને દ્રાક્ષના એ વલ–વળુંભ્યા માંડવામાં ઓઢાના ને હોથલના હથેવાળા મળ્યા, સોરઠની શૂરી સુંદરી ને કચ્છના વંકા મર્દ વચ્ચે છેડાછેડી બંધાણી, અને ઈશ્વરની જમણી આંખ જેવા સૂરજે એ પરણેતરમાં સાક્ષી પૂરી. એ જ શું આ કનડો ! ને એ જ શું આ સૂરજ ! ઓઢા હોથલનાં ભોંયરાં આજ કોઈ વખંભર વનસ્પતિમાં અદીઠ થયાં બોલાય છે. માલધારીઓ માલ ચારતા ચારતા એવી એક વનરાઈ-ઢાંકી જગ્યા પાસેથી નીકળે છે, ત્યારે એ કોતરના ઉંડાણમાંથી પારેવાંના ઘૂઘવાટા સાંભળીને તેઓના કાન ચમકે છે. ત્યાં કાઈક ઉંડું નવાણું હોવું જોઈએ: કાંઈ અકળ અગમ થાનક ત્યાં ગારદ થઈ ગયું હશે : આવી આવી કલ્પના અડાવતા ગોવાળો કનડામાં ભમે છે. કઠીઆરાંનાં જોડલાં કરમઠીઆં વીણતાં વીણતાં માંહોમાંહે વાત કરે છે કે “હોથલ તો હજી કનડે જીવતી છે, ઇ મરે નહિ ભાઈ ! ઈ તો દેવભોમની ૫દ્મણી હતી. તે દિવસ કચ્છમાં ઓઢે એનું નામ છતરાયું કર્યું, તેથી

ચિઠીયું લખિયું ચાર, હોથલજે હથડે
ઓઢા ! વાંચ નિહાર, અસાંજો નેડો એતરો !

એમ છેલ્લા રામ રામની ચિઠ્ઠી ઓઢા માથે લખીને હોથલ પદમણી પાછી આંહી કનડે આવેલી, પણ પછી તે

ભૂંડું લાગે ભોંયરૂં, ખાવા ધાતી ખાટ
ઓઢા વણનું એકલું કનડે કેમ રેવાય !

આંહી કનડામાં એનો જીવ જંપતો નહોતેા. તલખતી, તલખતી, પાણી બહાર મીન તલખે તેમ તલખતી હોથલ આંહીં જ વસી છે. એકલી ને અટૂલી આંહી જ દિવસ વીતાવે છે. આયખાના તો અમરપટા લખ્યા છે એટલે મરાતું નથી. ઝૂરતી હશે કો'ક ભેાંયરાની અંદર.”[૧]

એવી એવી વાતો કરીને આથમતે પહોરે, અંધારાં ઉત્તરવાની વેળાએ, ગોવાળે ને કબાડીઓ કનડેથી નીચા ઉતરે છે: ને, જાણે પોતાના મરેલા બેટા કે બાંધવની ખાંબી ઉપર સીંદૂર ચડાવી રહી હોય તેવી અબોલ, ઉદાસ, અંધકાર રૂપી કાળી કામળી ઓઢેલી કોઈ વિજોગણ મા-બ્હેન સમાણી સંધ્યા પણ કનડે ઉતરી પડે છે.

વી એક સાંજને ટાણે દક્ષિણ દિશાએથી બે ઘોડેસવાર ડુંગરા ઉપર ચડ્યા આવે છે. ડુંગરાના પેટાળે પેટાળે પડેલી લાંબી કેડીએથી બેય ઘોડાં ઠેઠ ટોચ ઉપર પહોંચે છે. ડુંગરા


  1. * *જુઓ 'હોથલ'ની સાંગોપાંગ દોહાવાળી સંપૂર્ણ કથા : રસધાર -ધારા ચોથી.
ઉપર કેમ જાણે કોઈ માનવી સૂતેલાં હોય, અને કેમ જાણે જરા

જેટલા બોલાસથી પણ એની ઉંઘ ઉડી જાશે, એવી ચુપકીદી રાખીને એક અસ્વારે પલાણ છોડ્યું, અને બીજાની સામે પણ નાકે આંગળી મૂકી અબોલ રહેવાનો ઈસારો કર્યો. પગરખાં છેટે ઉતારીને બેય જુવાનો ડુંગર ઉપરના એ પહોળા ચોકની વચ્ચોવચ્ચ આવી ઉભા રહ્યા.

સાગ, સીસમ, દૂધલો, ધ્રામણ અને ખેરનાં ઝાડવાનાં અધસૂકેલાં ઠુંઠાં એ ચોકને કાંઠે કાંઠે છુટાં છવાયાં ઉભેલાં છે. વચ્ચેાવચ્ચ એક મોટું ને બળી ઝળી ગયા જેવું સાગનું ઝાડવું ઉભું છે. એ ઝાડના થડ ઉપર સીંદૂરનાં બે ત્રિશુળ કાઢેલાં છે. થડ પાસે બે પાવળીયા છે તેના ઉપર પણ સીંદૂરનાં એક્કેક ત્રિશુળ આલેખ્યાં છે. એ બે પાવળીયાની મોખરે, એક, બે, ત્રણ, ચાર, ને પાંચ લાંબી હાર્યોમાં એંસીક જેટલી ખાંભીઓ ખોડલી છે. પહેલી જ હાર્યમાં જમણા હાથ તરફની પહેલી બે ખાંભીઓ ઉપર બબ્બે ગોળ કુંડાળાં કંડારેલાં છે. (બાઈ માણસના બે થાનેલાની નિશાનીઓ લાગે છે.) બાકીની ખાંભીએામાં કશું જ કોતર કામ નથી. જમીનમાં ખોડેલા સાદા પથરા જ છે. માત્ર એને સીંદૂર ચડાવ્યો છે. જાણે કોઈ ધરતીકંપ થાતાં આખો ને આખો એક દાયરો ત્યાં બેઠો બેઠો ધરતીમાં સમાયો હોય એવો દેખાવ લાગે છે.

“ભાઈ ! હું ખાંભી જુવારી લઉં. તમે આ પાણકાના ઢગલા ઉપર બેસો.”

એટલું બોલીને બેમાંથી એક મોટી ઉમરના, ને મોટી મૂછોવાળા અસ્વારે એક ફુટેલા નાળીએરની રખડતી કાચલી ગોતી લીધી. અંદર દીવેલ પૂરીને વાટ્ય પલાળી. અને ખાંભીઓની ડાબી બાજુએ પાણકાઓની બનાવેલી આડશ વચ્ચે એનો દીવો પેટાવી, પાઘડીને છેડે અંતરવાશ (ગળાની આસપાસ) નાખી પાયલાગણ કર્યું. બીજી કાછલીમાં સીંદૂર પલાળીને એ ખાંભીઓ ઉપર લેપ કરવા લાગ્યો. કામ પૂરૂં કરીને જ્યારે એ ઉઠ્યો ત્યારે એની ચળકતી મોટી આંખોમાં બે આંસુડાં હતાં, પાઘડીને છેડે આંસુ લુઈ નાખીને એ પોતાના ભેરૂને ડુંગરાની જમણી બાજુએ લઈ ગયો. આંગળી ચીંધીને એક ધાર બતાવી પૂછ્યું, “એાલી ધારનું નામ શું, જાણો છો ?”

“ના.”

“એનું નામ તોપધાર. ત્યાં અમારા સામી તોપ ચડાવીને માંડેલી.”

“તમારા સામી ? કોણે ?”

“જુનાગઢના રાજે."

“ક્યારે ?"

“આજથી છેતાલીસ વરસ ઉપર: સંવત ૧૯૩૯ની પોષ સુદ પાંચમે: તે દિવસ સૂરજ હજુ ઉગ્યા નહોતા: માણસો હજુ જાગ્યાં નહોતાં: પંખીડાં બોલતાં નહોતાં: અને અમારા મહીયાએાની કતલ ચાલી હતી. આ કનડો અમારાં રાતાં ચોળ લોહીની નીકોમાં નાયો'તો. અમારા નવસો મહીયા આંહી કનડે ચડીને એક મહિના સુધી રહેલા, તેમાંથી એંશીની કતલ થઈ ગઈ છે.”

“શા માટે નવસો ચડેલા ? બહારવટે ?”

“ના ભાઈ, બહારવટે નહિ, પણ રીસામણે: વગર હથીઆરે : રાજ આપણો ધણી છે ને આપણને મનામણાં કરશે એવી આશાએ : પણ મનામણાંને સાટે તો કુવાડા ચાલ્યા. અમારા એંશી જણ ચુપચાપ બેઠા બેઠા રામનું નામ લેતા કપાઈ ગયા.”

“વાહ વાહ ! શાબાસ મહીયા ! ઉંચામાં ઉંચી રાજપૂતી એનું નામ. ત્યારે તો હવે મને એ આખી વાત કહો ભાઈ !”

એક ઢોરા ઉપર બેય જણાએ બેઠક લીધી અને પછી એ મહીયા કોમના મોટી આંખોવાળા, આધેડ ઉમ્મરના માણસે

વાત આદરી.

મે મૂળ તો મારવાડના મેણા (મીણા) રજપૂત. પછી અમે જે આણી મેર ઉતર્યા તે મહીયા કહેવાણા. આજથી ત્રણસો સાડા ત્રણસો વરસ ઉપર અમારા વડવા ભામા મહીયાએ મારવાડ ઉપરથી ઉતરતાં ઉતરતાં સોહામણી સોરઠ ભેામનાં સોણલાં દીઠાં. વાતો સાંભળી કે કાંઈ લોભામણો હાલાર દેશ છે !

નીલા તડ મચ્છુ તણાં, નીલી વાંકાનેર,
એકરંગીલાં આદમી, પાણી વળેજો ફેર.

[મચ્છુ નદીના લીલા તટ : લીલૂડી વાંકાનેરની ધરતી: અને એક રંગીલાં એ પ્રદેશનાં માનવી : એવો હાલાર દેશ છે. એ પ્રતાપ એના પાણીનો છે. ]

મચ્છુ કાંઠો અને મોરબી, વચમા વાંકાનેર,
નર પટાધર નીપજે, પાણીહંદો ફેર.

એવાં એકરંગીલાં માનવીને પેદા કરનારા પાણીવળાની દિશાએ અમારા વડવા ભીમા મહીયાએ ઉચાળા ઉતાર્યાં. મચ્છુ અને પતાળીઆ બે નદીનો જ્યાં સંગમ થાય છે તેને કાંઠે વાંકાનેર નામનું એક ગામડું વસાવ્યું.

એક દિવસ ભીમા મહીયાની દોઢીએ આવીને એક બાઈ ઉભી રહી. હાથમાં બાળ તેડ્યું છે. આંખે આંસુ ઝરે છે. ભેળું રક્ષા કરનારૂં કોઈ નથી. ભીમે મહીયે પૂછ્યું “બેન ! કોણ છે તું ? શીદ આવવું થયું ? તને આંહી રામરક્ષા છે. તારા દુ:ખની વાત દિલ મોકળું મેલીને કહે બા !”

“ભાઈ ! મારા ધર્મના વીર ! હું પડખેના જાડેજા રાજની રાણી છું. પાટ ઠકરાણી છું, પણ અણમાનેતી છું. અમને બેય શોક્યુંને દેવે દીકરા દીધા, પણ મારૂં ફુલ બે ઘડી વહેલું અવતર્યું તેથી મારો બાળક ટીલાત ઠર્યો ખરો કે ની, એટલે અપર-મા એને મારવા ફરે છે. મને કોઈ સંઘરે તેમ નથી. આજ મચ્છુને કાંઠે તમ જેવા રજપૂતનું બેસણું સાંભળીને તમારો ઓથ લેવા આવી છું.”

“વાહ વાહ ! મારાં વડાં ભાગ્ય મારી બેન ! તું ભલે આવી. તારો જાડેજો રાજા કદિક બળીયો હશે, તો અમે ય કેદિ' પારોઠનાં પગલાં દીધાં નથી. અમે ય રજપૂત છીએ. તું તારે આંહી સગી માનું પેટ સમજીને રે'જે.”

આંહી રાણીને આશરો અપાયાની વાત ફુટી, ને ત્યાં પડખેના રાજમાંથી જાડેજો રાજા વાંકાનેર ભાંગવા માટે કટક લઈને ઉતર્યો. અમારા ગામને ફરતી ફોજ વીંટીને પડ્યો. કેમકે ગઢ તો જીતાંય તેવું નહોતું.

રાતમાં ચાર આઠ મહીયા જુવાનોએ ભીમાની રજા લીધી. પૂછ્યું કે “ફોગટની શીદ લડાઈ માંડવી ? મૂળ ધણીને જ ઢોલીઆ સોતો ઉપાડી આણીએ તો કેમ ?”

“તો તો રંગ રહી જાય, બેટાઓ !”

ચોકીઓ ભેદીને ચાર મહીયાઓ રાજાના ડેરામાં ઉતર્યા. પાઢેલા રાજાને પલંગ સોતો ઉપાડી, દાંતોમાં ઉઘાડી તરવારે પકડી, મચ્છુનાં ઉંડાં પાણી વટાવીને ઢોલીઓ દોઢીમાં હાજર કર્યો. રાજા તો હજી ભરનીંદરમાં જ છે.

પ્રભાતે ભીમા મહીયાએ કસુંબો કાઢીને તૈયાર કર્યો. દાતણ ને ઝારી હાજર રાખ્યાં મહેમાન જાગે તેની વાટ જોતા બેઠા. મહેમાને આંખો ઉઘાડી ત્યાં એ વરતી ગયો કે કાળના હાથમાં પડ્યો છું.

“જાડેજારાજ ! આ દાતણ કરીને મ્હોં પખાળો. કસુંબો ખોટી થાય છે.”

એટલું કહીને ભીમા મહીયાએ અતિથિને દાતણ કરાવ્યું. કસુંબો પાતી વેળા ફોડ પડાવ્યો કે “રાજ ! તમારાં ઠકરાણાં તો મારી ધરમની બેન છે, ક્યાંયે બચવાની બારી ન રહી ત્યારે મારા ઉચાળામાં એ રીસામણે આવી છે. હવે જો તમારે લડવું હોય, તે અમે કટકા થઈ જવા તૈયાર છીએ. બાકી અમારાં બેનને પાછાં તમારા રાણીવાસમાં તો નહિ જ મોકલીએ. અમારો ભાણેજ આંહી જ રે'શે. અમે એને વાંકાનેર ગામ દઈએ છીએ. બોલો ! તમે એને શું દ્યો છે રાજ ?”

રાજાએ પણ અણમાનેતીના દીકરાને પોતાની જમીન કાઢી દીધી. બેનને દીધેલું વાંકાનેર છોડીને મહીયા ચાલી નીકળ્યા. ત્યારથી વાંકાનેરનો રાજા મહીયાને મેસાળ કરી માનતો થયો. ભાઈ ! આ કનડાની કતલ થઈ ને, તે પહેલાં જૂનાગઢ રાજ સાથે મહીયાની તકરાર ચાલતી'તી ત્યારે વાંકાનેર-રાજે અમને કહેવરાવેલું કે શીદ તકરારમાં ઉતરો છો : જુનાગઢ જાકારો ભણે તો આંહી આવતા રહો. ત્રણ ગામ કાઢી આપું. મારાં તો તમે મોસાળ છો.”

પછી તો અમે રાજકોટના કુવાડવા મહાલમાં જઈ વસ્યા. રાજકોટની ચાકરી કરી. થાનના ગોરખા ભગતે અમારા વડવા ભાણ મહીયાને સોણે આવી થાન પરગણું હાથ કરવાના સંદેશો દીધો. અમે નાજા કરપડા નામના કાઠી પાસેથી થાન જીત્યું.

ખત જતાં તો અમારાં મહીયાનાં લોહી આયરના લોહી ભેળાં ભળ્યાં.

“એ શી રીતે ?” મહેમાને પૂછ્યું.

તે દિ' અમારો વડવો ભાણો મહીયો ભરજોબન અવસ્થાએ: ઘોડીએ ચડીને ગામતરે નીકળેલા: ગુંદા ગામને પાદર આષાઢ મહિનાના મોરલાએ ગળક દીધી ત્યાં એની ઘોડીએ ઝબકીને ઠેક મારી. હરણ જેવી ઘોડી પંદર હાથ ઉપર જઈ પડી. ભાણ મહીયો તો પલાણ પરથી ડગ્યા નહિ, પણ એની પાઘ એના માથા પરથી વીંખાઈને નીચે પડી ગઈ. પાઘ વીંખાતાં જ માથા ઉપરના પેનીઢક મોવાળાનો ચોટલો છૂટી ગયો. વિખરાએલી જટાએ ઘોડીને પણ ઢાંકી દીધી. ચંદ્રમાને વાદળીઓ વીંટે એમ કાળી લટોએ ભાણ મહીયાનું મોઢું છાઈ દીધું.

કૂવાને કાંઠે, ટીબકીઆળી ચુંદડીએ અને ભરત ભરેલે કપડે બે પનીઆરીઓ હેલ્ય ભરીને હાલું ! હાલું ! થાતી હતી તે આ દેખાવ દેખીને થંભી ગઈ. ભાણ મહીયાનો ચોટલો સંકેલાણો, પાઘ બંધાઈ ગઈ, ઘોડી પાદર વટાવી અણદીઠ થઈ, તો યે બેમાંથી એક પનીઆરી તો ખસતી જ નથી. એની આંખોની મીઠી મીઠી મીટ એ જ દિશામાં મંડાઈ ગઈ છે. માથે બેડું મેલ્યું છે તેનો ભાર પણ ભૂલાણો. જાણે જુવાનડી કાગાનીંદરમાં ઘેરાણી. અંતે બીજી પનીઆરીએ એને ઢંઢોળી :

"કાં બા ! હવે તો બેડાને ભારે માથાની ટાલ્ય બળે છે હો ! અને તમારે જો તમારી હેલ્ય પરબારી ત્યાં જ જઈને ઉતારવી હોય, તો પછી મને ઘર ભેળી થાવા દ્યો.”

તે વખતે તો પનીઆરી છાનીમાની ભોજાઈ ભેગી ચાલી ગઈ. પણ ઘેર ગયે એને જંપ ન વળ્યો. ભોજાઈનું મેણું માથામાં ખટકતું હતું અને નજરમાં રૂડો અસ્વાર રમતો હતો. હૈયું ક્યારનું એની પાછળ પંથ કરી રહ્યું હતું. ઘરમાંથી માણસો આઘાં પાછાં થયાં એટલે પોતે હેલ્ય લઈને ચાલી. પાદરને એ જ કુવેથી પાણી ભર્યું અને હેલ્ય માથે ઉપાડી કુવાડવા ગામને માર્ગે ચડી. ગામમાં જઈને ભાણ મહીયાની ડેલીએ ઉભી રહી. માથે હેલ્ય ને મોઢે મલીરનો ઘૂમટો : પગ ઉપર ઢળતી પડી છે રાતીચોળ જીમી : ભાણ મહીયો જોઈ રહ્યો. પાસવાનોને કહ્યું, “પૂછો, આ બાઈ કોણ છે ! અને શા કામે આવી છે?”

માણસો પૂછવા ગયા. ઘૂમટાવાળીએ કહેવરાવ્યું કે “ભાણ મહીયાને કહો, હું ગુંદા ગામના આયર જીવા પટેલની દીકરી : મારું નામ રાણદે : કુળની લાજ મરજાદ મેલીને આવી છું. માટે આજ કાં તો મૂછોના વળ ઉતારી મૂછ નીચી કર, ને કાં તો આ હેલ્યને હાથ દે !”

ભાણ મહીયો ઘડીભર વિચારમાં પડી ગયો. આયરોનાં વેર માથે લઈ જીવવું વસમું હતું. પણ તેથી વસમું તે હતું મૂછ નીચી કરવાનું કામ. મહીયો થઈને મૂછનો વળ કેમ કરી ઉતારે ? ઉઠીને એણે આયર-કન્યાની હેલ્યે હાથ દીધો. રૂપાળી, રઢીયાળી અને શૂરવીરનું એાઢણું એાઢવા સગાં વ્હાલાંના વિજોગ સહેનારી રાણબાઈ ગઢમાં ચાલી ગઈ. શાં એનાં સોજાં શીળ ! એારડા ય હસી ઉઠ્યા.

બાઈના બાપ જીવા આયરને જાણ થઈ કે દીકરી મહીયા માથે મોહીને ગઈ. આયરનું ડીલ તપી હાલ્યું અને મહીયા ઉપર દળકટક હાંકવા મન કર્યું. મૂછો મરડીને આયર બોલ્યો કે “કુવાડવા ઉપર મીઠાનાં હળ જોડાવું તો હું આયર સાચો.”

“આપા જીવા ! “ ડાહ્યા ચારણો હતા તેણે શીખામણ દીધી: “એમ કાંઈ મહીયો ગાંજ્યો નહિ જાય. અને પછી દેખાશો ભુંડા. માટે હાથે કરીને માત્યમ ખોવા શીદ ચડો છો ?”

“પણ મહીયો શું એમ મારી દીકરીને રાખે ?”

“આપા ! દીકરી ગઈ છે તો મૂછાળાને ને ? કોઈ નમૂછીયા ઉપર તો નથી મોહી ને ?”

"ના."

“ત્યારે મહીયાને સગો બનાવી લોને ! અરે ભુંડા ! તારે તો ભડ વસીલો મળ્યો.”

એ રીતે રાણદે આઈનો વસ્તાર મહીયા અને આયરનાં મોંઘાં લોહીમેળથી શોભી ઉઠ્યો. રૂપ ને શુરાતન બેયનાં સરખાં પાણી મહીયાના વંશને ચડવા લાગ્યાં. એ રાણદે બાઈનો દેહ અમારા શેરગઢ ગામના ટીલાત અમરાભાઈના ગઢમાં જ પડ્યો હતો

ભાઈ ! હજી જાણે ગઈ કાલની જ વાત.

ણ તમે જુનાગઢ પંથકમાં ક્યાંથી આવ્યા ?”

નવાબના તેડાવ્યા આવ્યા'તા ભાઈ ! નવાબને એક કોર કાઠીની ભીંસ, બીજી કોર ચોરવાડ વેરાવળમાં રાયજાદા રજપૂતોનો દા બળે, ત્રીજી કોર બીલખાના ખાંટ ખાંડાં ખખડાવે, એ સહુની આડા દેવા નવાબે મહીયા નોતર્યા. કાઠી અને રાયજાદાનો તાન ઝલાવાથી મહીયા ત્રણ વાર તો આવી આવીને પાછા કુવાડવા ગયા. પણ આખરે મહીયાનાં નાકાં બંધાણાં. કાઠી ને રાયજાદાનાં જોર ભાંગ્યાં. મહીયાને ચોવીસી મળી. શેરગઢ, અજાબ અને કણેરી જેવાં અમારાં મોટાં મથક બંધાણાં. અમારૂં ટીલાત ખોરડું શેરગઢમાં વસવા લાગ્યું. આજ પણ અમારા આગેવાન ધારાભાઈના ગઢમાં થાન ભાંગ્યું તે દિવસનાં કાઠીશાઈ માળડા, ચંદરવા વગેરે મોજુદ છે. અમારે ઘેરે હડ્ય રહેતી. અમારા બે હજાર મહીયાના એક જ શ્વાસ : આજ તો એ વારા વહી ગયા. સમો પલટાઈ ગયો. કાયદા, કરારો અને કોરટો અમ ફરતા આંટા લઈ લીધા. ને આંહી કનડે ડુંગરે અમારાં ઢીમ ઢળી ગયાં.

“હાં ! હાં ! ઝટ એ વાત ઉપર આવો. અંધારાં ઘેરાય છે. ને આ ડુંગરાની ખાંભીઓ જાણે સજીવન થાય છે. મારૂં હૈયું થર રહેતું નથી. હું આ ધરતીને રોતી સાંભળું છું. કનડાની વાત કહો !”

સાંભળો ભાઈ, સંવત ૧૯૩૯ની સાલ સુધી મહીયો કર વેરા વિનાનો હતો. લીલાં માથાં ઉતારી આપનાર મહીયાને માથે લાગા નહોતા. પણ પછી તો નાગરોનો કારભાર જામ્યો, અને મહીયા ઉપર રાજની ચિઠ્ઠી ઉતરી કે કાંઈક કર તો તમારે રાજને ભરવો જ પડશે.”

આવી તવાઈના જવાબમાં શેરગઢથી અમારે આગેવાન અમરેભાઈએ લખી મોકલ્યું કે “મહીયાને નવા કર ન હોય, અમથી ખમાય નહિ.” તે વખત મહોબતખાનજી ગાદીએ. કુંવર બહાદૂરખાનજી શાહપૂર બાંધીને નોખા રહે. અમારા અમરાભાઈને તો બહાદૂરખાનજી 'ચીચા બાપુ' કહીને બોલાવે ને અમારા મહીયાના એક દીકરાને પોતાની પાસે જ રાખે. એવાં હેત ને એવી પ્રીત. એ બહાદરખાનજીએ અમરા મહીયાને કહેણ મોકલ્યું કે “ચીચા બાપુ ! તમે શાહપર આવો. આપણે વષ્ટિ કરીએ.”

અમરો મહીયો ઘોડીએ ચડી શાહપર ગયા. બહાદરખાનજીએ ઘણા ઘણા સમજાવ્યા. પણ ભાઈ ! સલાહ અવળી પડી ગઈ. પડખીઆએ અમરાભાઈને સમજાવી દીધા કે “રાતમાં ને રાતમાં દીકરાને લઈ શેરગઢ ભેળા થઈ જાઓ. નીકર ઠામ રે'શો !”

અમરો મહીયો દીકરાને લઈ ચોરી ચુપકીથી ચાલ્યો ગયો. સવારે બહાદરખાનને ખબર પડી. એને પડખીઆએ ભંભેર્યો. એટલે એને આ વાતની ખટક રહી ગઈ. મહોબતખાંનો દેહ પડ્યો, બહાદૂરખાં તખ્ત પર આવ્યા. પછી એના હુકમ છૂટ્યા કે “હાં, મહીયા કર ન કબૂલે તો એનાં ખળાં જપત કરો.”

અમારાં ખળાં પર જપ્તી બેઠી. પણ માથાકઢા મહીયા તો ચોરી છુપીથી ખળાં ખાવા લાગ્યા. ફરી હુકમ છૂટ્યો કે “એનાં ઘાસ ચારોળાં જપત કરો.”

પછી તો અવધિ આવી રહી. ઢોર ઢાંખર ઉપર જે ગુજારો ચાલતો તે અટકી ગયો.

માગશર મહિનાની મધરાતે અમે નીંદર કરતા હતા. ત્યાં અમારા ચારા પાસે એક સાંઢીયો ઝૂક્યો. અને અસ્વારે ડેલીએ આવી અવાજ દીધો કે “મહીયા ભાઈઓ, જાગો ! હવે ઉંઘવાનું ટાણું નથી રહ્યું."

બેબાકળા જાગીને અમે પૂછ્યું “કેમ ભાઈ ! ક્યાંનો સાંઢીયો ?”

“સાંઢીયો છે શેરગઢનો. અમરોભાઈએ કહેવાર્યું છે કે ઘેરે ઘેરથી અક્કેક મહીયો પ્રાગડના દોરા ફુટ્યે કનડા ડુંગરને માથે આવી પોગે. હું જાઉ છું. મારે આજ રાતોરાત જ આખી ચોવીસી ફરવી છે.”

“પણ ભાઈ, બારવટે ? કે રીસામણે?”

“રીસામણે. હથીઆર હોય તો પણ ઘેર મેલીને નીકળજો.”

એટલું કહીને સાંઢણી–સ્વાર ઉપડતે પગલે ચાલી નીકળ્યો.

અને પ્રાગડના દોરા ફુટતાંની વાર તો કનડાને માર્ગે ઘોડાં, સાંઢીયાં, ગાડાં અને પાળાએાની કતાર બંધાઈ ગઈ. ચોવીસ ગામમાંથી નવસો મહીયા કનડે રીસામણે મળ્યા. અમારા મુખીને એક જ બોલે અમે કટકા થઈ જનારા: અમે મહીયા તો અમારા સરદારના શબદ પર તોપે બંધાઈ જનારા: એક ઘર પણ પોતાનો જણ મોકલ્યા વિના ન રહ્યું.

“જ્યાં મોટો પુરૂષ ન હોય તેનું શું ?”

તો ઘરથી નાનો છોકરો આવે. તરસીંગડાવાળી બાઈઓએ ઘરમાં કોઈ પુરૂષ નહોતો તો દસ વરસનો દીકરો દઈ મેલ્યો'તો.

“એના ભેગી બે બેનો આવી હતી તે વાત સાચી ?”

એ વાતમાં મોટો ભેદ છે. હું હમણાં જ કહું છું. નવસો મહીયા કનડે બેઠા. એક દિવસ-બે દિવસ–ત્રણ દિવસ–એમ બેઠા જ રહ્યા. આસપાસ કાઠીનો મુલક: મધુવંતીને કાંઠે મેંદરડાનાં હાંડા જેવાં ગામડાં: વસ્તીને અમારી ભે તે બહુ લાગી કે મહીયા ક્યાંક લૂંટી ખાશે. પણ અમારા મુખી અમરાભાઈએ અમને કહી દીધું કે

“મહીયાના પેટનો હોય તે આંહી ભૂખ્યો મરી જાય, પણ લૂંટફાટ ન કરે.”

એટલો બોલ બસ હતો. અમારામાં યે ચોરી લૂંટ કરનારા હશે. અમારી મથરાવટી જ મેલી ગણાય. પણ કનડે તો અમે તપ તપવા મળ્યા'તા. ધણીની રામદુવાઈ લોપવામાં મહીયો મહા પાપ ગણતો'તો. અમે કનડા ઉપર પોષ મહિનાની ટાઢ્ય વેઠતા અને ગાંઠનું ખીચડું ખાતા બેઠા. મનમાં આશા હતી કે હમણાં અમારો ધણી જૂનાગઢથી ઉતરશે અને અમને મનામણાં મેલશે. વષ્ટિઓ આવવા પણ માંડી. રાજે અમને કહેવરાવ્યું કે “વીંખાઈ જાઓ. કનડો છોડી દ્યો. પછી તમારો વિચાર કરશું.”

અમે જવાબ વાળ્યો કે “મહીયા ધર્માદા નથી ખાતા, માથાં દીધા બદલની જમીન ખાય છે. આમ માથે નવા લાગા ન હોય. બાકી તો ધણી છો. બધું ય આંચકી લ્યો ને ! અમે બેઠા બેઠા જોશું. અમારે લૂણહરામી થઈને રાજ સામી સમશેરૂં નથી ખેંચવી.”

વે સમે એક દિવસ મોણીઆ ગામથી શામળાભાઈ નામે ચારણ ઉતર્યા. મોણીયું એટલે તો આઈ નાગબાઈનું બેસણું : અને નાગઈ તો મહીયાની ઈષ્ટ દેવી : નાગઈ ઉપર અમારી હાડોહાડની આસ્થા : એ ચારણીનું છોરૂં તે આ શામળોભાઈ. શામળોભાઈએ રાજની ને અમારી વચ્ચે વષ્ટિયું લાવવા લઈ જવા માંડી. છેલ્લે દિવસ તો શામળાભાઈ અમને કસુંબા સાટુ અઢી શેર અફીણ સોત આપી ગયા. અને પોષ મહિનાની અજવાળી ચોથની રાત સૂસવતી હતી ત્યારે શામળોભાઈએ આશાભર્યો સંદેશો આણ્યો કે “વષ્ટિ લઈને રાજના મોટા અમલદાર કાલે પ્રભાતે મનામણે પધારશે. માટે હથીઆર ૫ડીઆર હોય તેટલાં આઘાં પાછાં કરી દેજો.”

“હથીઆર !” મોટા ચોટલાવાળા મહીયા જુવાનોની આંખો તાપણાંને અજવાળે ચમકી ઉઠી: “હથીઆર તો અમારા હાથમાંથી સરકારે સંવત ૧૯૨૯થી જ આંચકી લીધાં છે, શામળાભાઈ ?”

“આકળા મ થાવ જુવાનો !” શાણો સરદાર અમર મહીયો બેાલ્યો : “અને શામળાભાઈ ! હથીઆર હોય તોય આજ અમે વાપરવા નથી નીકળ્યા. આજ તો અમારે બેઠું બારવટું ખેડવું છે. આજ ધણીની સામે કાંઈ ઘા હોય ? અને તું તો અમારે ગૌ સ્વરૂપ : તું ચારણ આડો ઉભો હો ત્યાં હત્યા ન હોય. ખુશીથી સરકારના સરદારો પધારે.”

“અને હથીઆર લેવાં હોત તે આંહી કનડે શીદ બેસત ? ગર ક્યાં છેટી છે ?” એક જુવાન કળકળ્યો; “શું કરીએ ભાઈ ! આજ અમારો મુખી અમને ભામણપણાનું ભણતર ભણાવે છે.”

“મહીયા જુવાનો !” ચારણે ખાત્રી દીધી, “હું તમને ઠાલો રૂડું મનવવા નથી આવ્યો. રાજના પેટમાં કૂડ નથી દેખાતું. તમારાં રીસામણાં રાજને ભારે પડે તેવાં છે. તમારે એક જ ડગલાવામાં ગર પડી છે, એટલે જ આજ રાજનાં મનામણાં આવે છે. આજની રાત જંપીને ઉંઘજો.”

મહિના મહિનાના ઉજાગરા હતા. ભૂખ, ટાઢ ને તડકા ઘણાં ઘણાં વેઠ્યા હતા. ઘરના વિજોગ, ગરાસની ચિંતા અને મરવું કે મારવું તે વાતના વિચારો થકી મહીયા થાક્યા હતા. આજ નવ સો યે જીવ જંપી ગયા. કાલ તો કનડેથી ઉતરીને ઘરને છાંયડે જાવું છે : એવી ધરપત થકી મીઠી નીંદરે આંખો મળી ગઈ. ઘસઘસાટ નીંદર : પણ ત્યાં તો સૂરજની કોર ફુટતાં અમને સૂતેલાને કોણે જગાડ્યા ! મનામણાને મીઠે બોલે નહિ, પણ બંદૂકને સણસણાટે ! આટલી સેના ક્યાંથી ઉમટી ? કનડો ક્યારે ઘેરી લીધો ? રાતમાં ને રાતમાં આ હજારૂં હથીઆરવાળા ક્યાંથી ઉતાર્યા ! સંધવાડનાં સાંતી ને કોસ છોડાવી છોડાવીને શું હજારુંને મોઢે સંધી ઉતાર્યો ? ઝબકેલા મહીયામાંથી કેટલાકને પોતાનો ધર્મ સૂઝ્યો તે સામી છાતી પાથરીને ઉભા રહ્યા, ને બીજા દૃશ્ય ભૂલીને ડુંગરેથી દોટ દેતા ઉતરી ગયા. એંશી ને ચાર ચોરાશી જવાંમર્દો એક બોલ પણ બોલ્યા વિના ઉભા રહ્યા. એના લાંબા લાંબા ચોટલા ઝાલીને એક હારમાં બેસાર્યા. પછી માથાં કાપ્યાં–તરવારે નહિ હો, કૂવાડે. એની આ ખાંભીયું ભાઈ ! એ ખાંભીયું અમારે પૂજ્યાનાં ઠેકાણાં. ચોરાસી જણાએ જીવ દઈ જાણ્યા.

“અને ઓલી બે બાઈઓની ખાંભીઓ વિષે શું?” હા, લોકો બોલે છે કે તરસીંગડાવાળા બાળ મહીયાને સાચવવા બે બેનો આવેલી મહિના સુધી એ બે જુવાનડીઓ પોતાના બાળા ભાઈને વીંટીને બેસી રહી હતી. સાત ખોટનો એક જ કલૈયા કુંવર જેવો એ ભાઈ હતો. કતલ ચાલી તે ટાણે “અમારા ભાઈને મારશે મા ! ભલા થઈને મારશો મા ! એને સાટે અમને મારી નાખો !” એવી કાળી વરાસ્યો નાખતી એ બેનોએ પોતાના ભાઈની કતલ કરનારાની આડા દેહ દીધેલા. એટલે એને પણ કાપેલી. પણ વળી કોઈક આ વાતને ખોટી ઠરાવે છે. મુખીઓ કહે છે કે એક મહિના સુધી કોઈ બાઈ માણસ અમારા સંઘમાં નહોતું. મુખીનો હુકમ જ નહોતો. તેમ છતાં ફોજવાળા વાતો કરે છે કે “અમે જ્યારે કાપતા હતા, ત્યારે એક નાની કુંવારિકા એક રૂડા રૂપાળા બાળ મહીયાની આડાં અંગ દઈને ધા નાખતી હતી કે મારા ભાઈને મ મારો ! મારા વીરને મ મારો ! એને સાટે મને મારો ! એને પણ અમે તો મારેલી. પછી ગાડામાં નાખીને અમે સહુનાં માથાં લઈ જતા હતા, ત્યારે પણ એક ગાડે એક આંગડીઆળી કુંવારકાનું શબ સુતેલું દેખાતું હતું. દેહ પર જખમ નહોતો, રગતનો છાંટો નહોતો, પણ મરેલી પડી હતી. કોણ જાણે કેમ થયું, પણ જૂનાગઢ પહોંચતા પહેલાં એ શબ અલોપ થઈ ગયું....... વોંકળો વળોટ્યા પછી અમે એને દેખી જ નહિ.'

આમ ગીસ્તવાળા વાતો કરતા હતા.

“કોણ હશે એ કુંવારકા ?”

બીજી કોણ ? આઈ નાગબાઈ ! પાંચ મહીયા મરે ત્યાં આઈ પણ ભેળી મરે છે. વારે વારે મરે છે બાપ ! મરી ન જાણ્યો એક શામળો ભાઈ ચારણ.

“ખૂટામણ હશે ?”

ના, ના, ના, ના ! હોય નહિ. કહેનારની જીભ કપાય. ચારણ છેતરાઈ ગયેલો. એ સમજ્યો નહિ. દગાની રમત એના કળ્યામાં ન આવી. એટલે એણે જોયું ને અમે કપાણા. “તો એણે મરવું'તું.”

હા, એણે મરવું'તું. પણ એને મરતાં આવડ્યું નહિ. આખી ચારણ કોમે એને ફટકાર દીધો.

“તમે મહીયા આ વાતને કેવા દિલથી યાદ કરો છો ?”

ઉજળા દિલથી. અમે જૂનાં વેર જગાડવા આ ખાંભીઓ નથી જુવારતા. અમે તો જુવારી જુવારીને સંભારીએ છીએ કે ખાનદાનીથી મેાતને શી રીતે ભેટાય છે. અમે મરી જાણવાના પાઠ ભણીએ છીએ. બાકી વેર કેવાં ? કડવાશ કેવી ? માનવી બિચારા કોણ માત્ર ? જે માનવી મત્ય ભૂલી જાય, તેના ધોખા શા હોય?” ખાંભીઓ અને ઇતિહાસની વાતો ઝેરવેર શીખવવા સાટુ ન્હોય.

“પછી રાજને માથે શું થયું ?”

અમારી સો બાઈઓ રાજકોટ ગઈ. જઈને સરકારને જાણ દીધી. સરકારનું કમીશન બેઠું. કૈંક રમત રમાણી. નવાબ ખા. બ. સાલેહ હિંદી અને બાપાલાલ ભાઈનો કારભાર તુટ્યો. સરકારને ઠપકો મળ્યો. થોડીક તોપની સલામો કમી થઈ, ને અમારા હક અખંડ રહ્યા. અમને એજન્સીની હકુમત હેઠળ લીધા. અમારે રાજને રૂા. ૫૭૮૦ ખરચ ભાગે આપવા ઠર્યા. ત્રણ વરસ પછી અમે રાજને કુલ સાઠ સાંતીની જમીન કાઢી આપીને એ કરમાંથી મોકળા થયા અને પાછા જુનાગઢ રાજ્યની હકુમતમાં આવ્યા. આજ અમારા ઉપર લાગો નામ ન મળે. આ અમારી કથની થઈ ભાઈ ! હાલો હવે, ચંદ્રમા ચડ્યો છે. શુરાપૂરાને જાગવાની વેળા થઈ છે. હવે આપણે ઉતરી જઈએ.”