લખાણ પર જાઓ

સૌરાષ્ટ્રની રસધાર ૨/મોત સાથે પ્રીતડી

વિકિસ્રોતમાંથી
← કામળીને કોલ સૌરાષ્ટ્રની રસધાર ૨
૧3. મોત સાથે પ્રીતડી
ઝવેરચંદ મેઘાણી
'સમે માથે સુદામડા' →
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


૧૩

મોત સાથે પ્રીતડી

શરે ત્રણસો વરસ પહેલાં, પાલિતાણાની ગારિયાધારવાળી ગાદી ઉપર કાંધાજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા. અઢારેક વરસની અવસ્થા હતી. લોહીના ટીપેટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, 'મને મરવા દે; મોતની સાથે રમવા દે.' જુવાનીમાં જ મોતની સાથે પ્રીતડી બાંધવાનો એ શૌર્ય-જુગ ચાલતો હતો.

એક દિવસ કચેરીમાં દરબારના વૃદ્ધ મામાને દમ ચડ્યો. ઉધરસ ખાતાં ખાતાં એના મોંમાંથી લાળ પડી ગઈ. સવાજીએ મોં મલકાવી કહ્યું : "અરે મામા, ગધપણમાંય માનસને જીવવું શે ગમતું હશે ? આ દમ ચડે, નાકે લીટું વહી જાય, મોઢે લાળું વરસે એમાં શી મઝા પડે છે ?”

મામા બોલ્યા : “ભાઈ, શું કરવું ? માત આવે ત્યારે જ છુટકારો થાય ને ?”

“મોત તેા આપણે બોલાવીએ ત્યારે હાજર જ છે ને, મામા ! ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે ?”

“એ તો વાતો થાય, બાપ ! પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે ?”

“ના, મામા ! વાત નહિ, સાચું કરી બતાવું. લ્યો, આ પ્રતિજ્ઞા છે કે ત્રીસ વરસે મારે દેહ પાડી નાખવો.”

આખી કચેરીનાં મોં કાળાં પડી ગયાં, સહુ સમજતા હત્યા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી. મામીને મરવા જેવું થઈ પડયું સવાજીનાં બહેન સાસરે હતાં. ત્યાં એમને ખબર પડી. બહેન ગારિયાધાર આવ્યાં. ભાઈની પાસે કાપડાની માગણી કરી. ભાઈ કહે : “બેલે બહેન, જે માગે તે આપું.”

“ભાઈ, હું માગું છું કે તું પાંચ વરસ વધુ દેહ રાખ્ય.”

હસીને સવાજી બોલ્યા : “અરે બહેન! મૂરખી ! પાંચ વરસ વધારે જીવું તે તારી પાસેથી ઊલટું કાપડું લીધું કહેવાય. માટે જ, મારા ત્રીસ વરસમાંથી પાંચ વરસ તને કાપડાનાં કરું છું. એટલે હવે હું ત્રીસને બદલે પચીસ વરસ દેહ પાડીશ.”

ધ્રુસકે ને ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ. ભાઈનું બેાલ્યું કોઈથી ફરે તેમ નહોતું, બહેન, ભાઈને બરાબર એાળખતી હતી. મોતની વાટ જોતાં જેતાં સવાજીનાં વરસ વીતવા લાગ્યાં, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે. ઘણે ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહિ. પછી પોતાના વાવણી ગામને પાદર ડૂબાણિયા નામે એક માટે ભયંકર કૂવો છે. તેના ઉપર એક વેંત પહોળું પાટિયું મુકાવીને પોતે પાટિયા ઉપર ઘોડો હાંકયો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘેાડે લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય, કારણ કે જુદ્ધ મળતું નથી, અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવામાં જ ઊકલી જવું વધુ સારું. પણ તેમાંય ઘોડે ન લથડ્યો.

પછી સવાજીએ એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠીએાની કાઠિયાણીએાનું હરણ કર્યું . બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનોની રીતે રાખી.

ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી. સવાજી રણસાજ સજીને હાજર થયા. સામસામી બે હાર કરીને કાઠીએાની ફેાજ ખુલ્લે શસ્ત્ર ઊભી હતી. સામે ઊભા રહીને સવાજીએ કહ્યું : “ શુરવીરો, સાંભળો ! તમે બરાબર તલવાર વાપરજો, તમારી ફોજ સોંસરવો હું મારો ઘોડો દોડાવવાનો છું. તમારી બાઈએાને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાબિતી બતાવું છું.”

એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડો નાખ્યો. સામે તલવારોની ઝીંક બોલી, પણ સત્યવાદી ધાડેસવાર સાવ કોરેકોરો સામે કાંઠે નીકળી ગયો, કાઠીએાની તલવારે સામસામી જ અથડાઈ.

સામે પડખેથી ફરી વાર સવાજી બેાલ્યે : “શૂરવીરો ! આખા જગતની બાઈઓને મેં મન, વચન, કાયાથી મા-બહેનો ગણી છે કે નહિ તેની સાક્ષી હવે જોજો.” એમ કહીને પાછો ફેાજ વચ્ચે ઘુસ્યો. ખડિંગ ! ખડિંગ કાઠીએની તલવારો સામસામી અફળાઈ સવાજી સહીસલામત પાર નીકળી આવ્યો.

પછી એ બોલ્યો : “ હવે તો આવો શૂરવીરો ! સ્વર્ગને માગે મને વળાવવા આવો.”

એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મરાયો. આજ એનાં બિરદ ગાય છે કે,

કાંધાઉત સવે અખીયાત કીધી,

જુગે જુગ વંચાણી ખ્યાત જાકી.
કૂવા પર હાંકિયો અસવ જીવ તરણું કરી

ભૂવો વરસ પચીસે ગોહિલ માંકી.

કાંધાજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગ વંચાય છે, જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો, અને આખરે પચીસ વરસે એ મર્યો.