સૌરાષ્ટ્રની રસધાર ૫
સૌરાષ્ટ્રની રસધાર ૫ ઝવેરચંદ મેઘાણી |
કરિયાવર → |
Saurastrani Rasdhār (Part-5)
tales of folklore of Saurastra by Jhaverchand Meghāņi
Ahmedabad : Gurjar Grantharatna Karyalaya
Ed. 5: 1980, reprinted 2006
આવૃત્તિઓ
પહેલી : 1927, બીજી : 1933, ત્રીજી :1942, ચોથી : 1944,
સુવર્ણ જયંતી (પાંચમી) : આવૃત્તિ : 1980
પુનર્મુદ્રણ : 1982, 1991, 1994, 2003, 2006
પાનાં : 12 + 224 = 236
નકલ 1250
કિંમત : રૂ 85
: પ્રકાશક :
અમરભાઈ ઠાકોરલાલ શાહ
ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ
અમદાવાદ-380 001
: કમ્પ્યૂટર અક્ષરાંકન :
અપૂર્વ આશર, ઈમેજ સિસ્ટમ્સ, અમદાવાદ-3980058
ફોન : 98252 55249.
:મુદ્રક :
ભગવતી ઓફસેટ
સી/16, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ-380 004
અર્પણ
સદા મૂંગા હેતથી ભરેલી
મારી બહેન સમજુને
નિવેદન
[પહેલી આવૃત્તિ]
આ પાંચમા ભાગની તૈયારી અંગે વડિયા તાબાના વહીવટદાર અને મારા સ્નેહી શ્રી હાથીભાઈ વાંકનો, અકાળા ગામના ઠા. વાલજીભાઈનો, આસોદરના ગઢવી દાદાભાઈનો, ચારણ મિત્ર દુલા ભગતનો ને ભાઈ ધીરસિંહજી ગોહિલનો હું ઋણી છું.
‘રસધાર’નો આ છેલ્લો જ ભાગ રજૂ થાય છે. સોરઠી જીવનના સંસ્કાર વિશે આંદોલન ઉત્પન્ન કરવાના પ્રયત્નોમાં પોતાનો બન્યો તેટલો ફાળો ઉમેરવાનો જે યશ પ્રજાએ ‘રસધાર’ ને આપેલ છે તે ગનીમત છે; એટલી બધી કમાઈની આશા નહોતી. ગુજરાતની ગુણબૂજકતાને વંદન કરું છું.
‘રસધાર’ બંધ થાય છે. છતાં સોરઠી જીવનનો સર્વદેશીય પરિચય આપવાના મારા કાર્યક્રમ પૈકી આટલા મનોરથ હજુ બાકી છેઃ સોરઠના બહારવટિયા, સંતો, શાયરો, સોરઠનું નર્મ-સાહિત્ય, ભજન સાહિત્ય.
આ પૈકી કેટલીક સામગ્રી લગભગ તૈયાર છે અને એ જેમ બને તેમ સત્વરે પ્રગટ થશે.
[બીજી આવૃત્તિ]
સોરઠી સાહિત્યને અંગે બે મહત્ત્વનાં કાર્યો પણ કરવાનો રહે છે; એક તો સુવાંગ સોરઠી કથાઓનો જ સિનેમાઃ ને બીજું, આ સાહિત્યને અંગ્રેજી ભાષામાં ઉતારવાનું સાહસઃ ‘લાખો વણઝરો’ કે “રા’ કવાટ” જેવી છૂટીછવાઈ કોઈ ફિલ્મો અત્યારે ઊતરી રહી છે. પરંતુ એ પ્રયાસ, એક જીવનકાર્ય તરીકેના જોશથી, સતત, સુવ્યવસ્થિત, શુદ્ધ ઇતિહાસ
નિવેદન
[પહેલી આવૃત્તિ]
આ પાંચમા ભાગની તૈયારી અંગે વડિયા તાબાના વહીવટદાર અને મારા સ્નેહી શ્રી હાથીભાઈ વાંકનો, અકાળા ગામના ઠા. વાલજીભાઈનો, આસોદરના ગઢવી દાદાભાઈનો, ચારણ મિત્ર દુલા ભગતનો ને ભાઈ ધીરસિંહજી ગોહિલનો હું ઋણી છું.
‘રસધાર’નો આ છેલ્લો જ ભાગ રજૂ થાય છે. સોરઠી જીવનના સંસ્કાર વિશે આંદોલન ઉત્પન્ન કરવાના પ્રયત્નોમાં પોતાનો બન્યો તેટલો ફાળો ઉમેરવાનો જે યશ પ્રજાએ ‘રસધાર’ ને આપેલ છે તે ગનીમત છે; એટલી બધી કમાઈની આશા નહોતી. ગુજરાતની ગુણબૂજકતાને વંદન કરું છું.
‘રસધાર’ બંધ થાય છે. છતાં સોરઠી જીવનનો સર્વદેશીય પરિચય આપવાના મારા કાર્યક્રમ પૈકી આટલા મનોરથ હજુ બાકી છેઃ સોરઠના બહારવટિયા, સંતો, શાયરો, સોરઠનું નર્મ-સાહિત્ય, ભજન સાહિત્ય.
આ પૈકી કેટલીક સામગ્રી લગભગ તૈયાર છે અને એ જેમ બને તેમ સત્વરે પ્રગટ થશે.
[બીજી આવૃત્તિ]
સોરઠી સાહિત્યને અંગે બે મહત્ત્વનાં કાર્યો પણ કરવાનો રહે છે; એક તો સુવાંગ સોરઠી કથાઓનો જ સિનેમાઃ ને બીજું, આ સાહિત્યને અંગ્રેજી ભાષામાં ઉતારવાનું સાહસઃ ‘લાખો વણઝરો’ કે “રા’ કવાટ” જેવી છૂટીછવાઈ કોઈ ફિલ્મો અત્યારે ઊતરી રહી છે. પરંતુ એ પ્રયાસ, એક જીવનકાર્ય તરીકેના જોશથી, સતત, સુવ્યવસ્થિત, શુદ્ધ ઇતિહાસ
તેમજ શુદ્ધ સોરઠી સંસ્કાર પ્રતિની વફાદારી ધ્યાનમાં રાખીને થવાની જરૂર છે. પરંતુ આ વાતની શક્યતા વિચારવાનો અધિકાર મારો ન હોવાથી કેવળ અંગુલીનિર્દેશ જ કરું છું.
અંગ્રેજી અનુવાદોનું કાર્ય વધુ મહદ્ છતાં ઓછું કઠિન છે. યુરોપની અંદર લોકસહિત્યની ખૂબીઓ પ્રીછવાની જે દૃષ્ટિ ખીલી નીકળી છે, તેની સન્મુખ અપણું આ સાહિત્ય મારી પેઠે આદર પામશે. એ નક્કી છે. બંગાળી વગેરે અન્ય પ્રાંતોમાં આ પ્રયાસ યુનિવર્સિટી જેવી સંસ્થા તરફથી થઈ રહ્યો છે.
આ જહેમત ઉઠાવવા માટે અસાધારણ શક્તિની નહિ. પણ ફક્ત અખંડિત પરિશ્રમની જ જરૂર છે. મારા મિત્ર-મંડળના મનોરથના ક્ષિતિજ ઉપર આ ઉમેદ થઈ રહ્યો છે. બીજા ભાઈઓ પણ ઈચ્છે તો મેદાન ઘણું વિશાલ છે. ભીડાભીડ થવાનો ભય નથી.
1933
[ત્રીજી આવૃત્તિ]
આ વાર્તાઓનું બન્યું તેટલું સંસ્કરણ કર્યું છે.
દુહાવાળી જે પાંચ-છ કથાઓ આમાં મૂકી છે, તેના જેવી અન્ય કથાઓનો સંગ્રહ ‘સોરઠી ગીતકથાઓ’ નામે પ્રસિદ્ધ છે. તેમાં એકંદરે આવા સાડા ચારસો દુહા છે.
‘રસધાર'ના પાંચ ભાગોએ એક ચોક્કસ પ્રકારનું બળવાન સોરઠી સાહિત્ય સજીવન કરવાની જે પ્રતિષ્ઠા બાંધી છે તે આટલાં વર્ષે પણ અણઝંખવાયેલી રહી છે એ મારું સદ્ભાગ્ય છે.
[પાંચમી આવૃત્તિ]
આ કથાઓમાં આવતા દુહા-છંદોમાં કેટલીક ભૂલો અગાઉનાં મુદ્રણ વખતે શિથિલ પ્રૂફવાચનને કારણે ઉત્તરોત્તર દાખલ થઈ ગઈ હશે અને કેટલાક મૂળ પાઠો જ ક્ષતિવાળા હશે એ વાત તરફ ડિંગળી
સાહિત્યના અભ્યાસી શ્રી રતુભાઈ રોહડિયાએ અમારું ધ્યાન દોર્યું અને આવી ભૂલો તારવી આપી. આ પછી પહેલાથી છેલ્લા પાના સુધીના તમામ કાવ્યાંશોની શુદ્ધિ તપાસી લેવાનું અમે યોગ્ય ધાર્યું. શ્રી રતુભાઈ રોહડિયા ઉપરાંત શ્રી તખતદાન રોહડિયાએ સૂચવેલાં ક્ષતિઓ-પાઠાન્તરો શ્રી મકરન્દ દવેની વિવેકવંતી સરાણે ચડીને પાર ઊતર્યા એ આ આવૃત્તિમાં સમાવી લીધાં છે. આ દરમિયાન કેટલીક શંકાઓ ઊભી થઈ એ અંગેની સ્પષ્ટતાઓ શ્રી બળદેવભાઈ નરેલાએ અને શ્રી જયમલ્લ પરમારે પૂરી પાડી છે. રસધારના ત્રીજા ભાગને છેડે (અને ચોથા ભાગની ત્રીજી આવૃત્તિને અંતે) તળપદા સોરઠી શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આપ્યા છે. કથાઓમાં આવતા બીજા અનેક શબ્દો અને રૂઢિપ્રયોગોના અર્થો આટલા કાળાન્તરે ઉમેરવા જેવા લાગ્યા એ શ્રી ખોડીદાસ પરમારે તૈયાર કરી આપ્યા એનો ઉપયોગ કરીને આ અર્થસારણી વિસ્તારી છે. આ ઉમેરણને પણ શ્રી મકરન્દ દવેની ચકાસણીનો લાભ મળ્યો છે. રસધારની આ આવૃત્તિ હવે આમ વિશેષ પ્રમાણભૂત બને છે એમાં આ સહુ મિત્રો-સ્નેહીઓના ઝાઝા હાથ રળિયામણા નીવડ્યા છે. એમાં એમનો ‘રસધાર’ અને તેના લેખક પ્રત્યેનો ઊંચો પ્રેમાદર જોઈએ છીએ અને અમારો આભાર વ્યક્ત કરીએ છીએ.
‘સોરઠી બોલીનો કોશ’ અને ‘કાઠી અને ચારણી બોલીની ખાસિયતો’ એ બેઉ પરિશિષ્ટો સૌરાષ્ટ્રની રસધારની અગાઉની આવૃત્તિઓમાં ત્રીજા ભાગમાં હતા. એ સામગ્રી હવે પાંચમા ભાગના અંતમાં મૂકી છે. પાંચેય ભાગની કથાઓની સંકલિત સૂચિ પણ હવે પાંચમા ભાગમાં ઉમેરી છે.
ભલેં ઊગા ભાણ!
[સૂર્યસ્તવન]
નિત્ય પ્રભાતે નદીને તીરે ઊભા રહી, ઉગમણી દિશાએ ઉદય પામતા સૂર્યદેવનાં વારણાં લેતા લેતા, ભુજાઓ અને મસ્તક લડાવતા લડાવતા ચારણો એની કાલી મીઠી વાણીમાં નીચેના દુહાથી સૂર્યદેવને સંબોધે છેઃ
ભલેં ઊગા ભાણ,
ભાણ તુંહારાં ભામણાં,
મરણ જીયણ લગ માણ,
રાખો કાશપરાઉત!
હે ભાનુ ! તમે ભલે ઊગ્યા. તમારાં વારણાં લઉં છું. હે બાપ ! હે કશ્યપ મુનિના કુમાર ! એટલી જ યાચના છે કે મૃત્યુ સુધી અમારાં માન-આબરૂનું જતન કરજો.
કાશપ જેહડો ન કોય..
(જે ને) દણીઅણ જેહડા દીકરા,
લખદળ ભાંગે લોય,
ઊગે ને અંજવાળા કરે.
અહો! કશ્યપ મુનિ જેવો બીજો કયો ભાગ્યવંત કહેવાય ! સુર્ય સરખા તો જેને ઘેર દીકરા છે : અને કેવો એ દીકરો ! પ્રભાતે લાખો અસુરોનાં સૈન્યને સંહારીને ઊગી અજવાળાં ફેલાવે છે.
ઊગેવું અચૂક,
ઊગાનું આળસ નહીં,
ચળુ ન પડે ચૂક,
કમણે કાશપરાઉત!
હે કશ્યપના કુમાર! તમારે કંઈ ઊગવામાં આળસ છે! આજ
કોટિ કોટિ વર્ષો વીત્યાં, પણ કદીયે તમારા ઉદય-કાળમાં એક ઘડીનીયે ચૂક નથી પડી. સદાયે અચૂક ક્ષણે ઊગતા આવ્યા છો.
તેજ-પંજર, તિમ્મર-ટળણ,
ભયા કાશપકુળ-ભાણ,
અમલાં વેળા આપને,
રંગ હો, સૂરજરાણ!
કશ્યપકુળના હે ભાનુ ! તેજના પુંજ ! હે તિમિરના ટાળણહાર ! હે રાજા ! કસુંબાની અંજલિ લેવાને આ સમયે અમે આપને જ રંગ દઈએ છીએ. આપના નામનો ધન્યવાદ ગજાવી અમે અફીણ પીએ છીએ.
સામસામા ભડ આફળે,
ભાંગે કેતારા ભ્રમ્મ,
તણ વેળા કાશપ તણા
(તમે)સૂરજ રાખો શરમ્મ.
સામસામા શૂરવીરો લડી રહ્યા હોય, ભલભલા વીર પુરુષોની આબરૂ પણ ધૂળ મળતી હોય, તેવે યુદ્ધને ટાણે, હે સૂરજ ! હે કશ્યપના (પુત્ર) ! તમે મારી ઇજ્જત રાખજો. મને મરદની રીતે મરવાની સુબુદ્ધિ દેજો. પીઠ દેખાડવાનો પાપી વિચાર કરવા ન દેજો.
તું ઊગાં ટળિયાં તમ્મર,
ગૌ છૂટા ગાળા,
તસગર ભે ટાણા,
દન કર કાશપદેવાઉત !
હે કશ્યપદેવના કુંવર ! તું ઊગતાં તો તિમિર ટળ્યાં, ગાયોની ડોકેથી ગાળા છૂટ્યા અને ચોરનો ભય ભાગ્યો. દિવસ થયો.
અળ પર ઊગતાં અરક,
ઓસડ તું અંધાર,
થે ઝાલર ઝણકાર,
દીઓળે કાશપદેવાઉત !
હે અર્ક ! પૃથ્વી ઉપર તારો ઉદય થતાં તો અંધકાર ઊતરી જાય છે. અને દેવાલયોમાં ઝાલરના ઝંકાર થાય છે.
તારાં અજવાળાં તણો
મે’મા કાંઉ મા’રાજ,
અયણું ચારણ આજ,
કીં રે’ કાશપરાઉત !
હે મહારાજ ! તારા પ્રકાશનો મહિમા તો હવે મારે કેટલાક ગાવો ? તું આવો મહિમાવંત છતાં શું આજ આ ગરીબ ચારણ એક ભેંસ વિનાનો રહેશે? અરે, રહે કદી?
સૂરજ સાંભળતલ થિયો.
જગની રાવ જકે,
ચારણ છાશ પખે,
કીં રે' કાશપરાઉત!
આખા જગતની રાવ સાંભળવા જ્યારે સૂર્ય જેવો દાતાર બેઠો છે ત્યારે ચારણ છાશ વિના રહે કદી? ચારણને છાશ ખાવા જરૂર એક દુઝાણું સૂરજ દેશે.
સવારે ઊઠેં કરે
કરે સૂરજની આશ,
(એને) ગોરસ રસ ને ગ્રાસ !
દેશે કાશપદેવઉત !
સવારે ઊઠીને જે સૂર્યની આશા કરશે તેને ગોરસ, બીજાં રસવાળાં ખાદ્યો અને ગરાસ એ કશ્યપનો કુમાર બક્ષશે.
ચોખા મગ તલ જવ ચણા
બાજ ઘઉં બોળા,
સૂરજ સવરોળા,
દેજો કાશપદેવાઉત !
હે કશ્યપદેવના કુમાર ! હે સવરોળા (કૃપાવંત) સૂર્ય ! અમને ચોખા, મગ, તલ, ગોળ, ચણા ને બહોળા ઘઉં-બાજરા દેજો.
સૂરજથી ધન સાંપડે,
સૂરજથી ધણ્ય હોય,
સૂરજ કેરે સમરણે,
દોખી ન લંજે કોય.
સૂર્યની મહેરથી દ્રવ્ય મળે, સ્ત્રી મળે; એનું સ્મરણ કરીએ એટલે દુશ્મન પણ ઇજા ન કરી શકે.
સૂરજ ને શેષનાગ,
બેય ત્રોવડ કે’વાય
એકે ધરતી સર ધરી,
એકે ઊગ્યે વાણું વાય.
સૂર્ય અને શેષનાગ બંને સરખા શક્તિમાન કહેવાય; કેમકે શેષનાગ ધરતીને શિર પર ઉપાડે છે, તો સૂર્ય ઉદય થાય છે ત્યારે જ સવાર પડી શકે છે.
કે’ દાદર કે’ ડાકલાં
કે પુંજે પાખાણ,
રાત ન ભાંગે રાણ,
કમણે કાશપરાઉત!
કોઈ મનુષ્યો કાળજી કરીને અમુક દેવતાનું આરાધન કરે; કોઈ વળી ડાકલાં વગાડીને વિકરાળ દેવદેવીઓને ઉપાસે; કોઈ પથ્થરોને પૂજે. પણ હે કશ્યપના કુમાર ! તમારા વિના અન્ય કોઈ દેવીની મગદૂર નથી કે રાત્રિને ભાંગી શકે.
સૂરજ પ્રત્યક્ષ દેવ હે.
નર વંદે પખાણ,
ઈસર કે ઉમૈયા સૂણો,
એતાં લોક અજાણ.
શંકર કહે છે કે હે ઉમિયાજી ! સાંભળો, સૂરજ સરખા પ્રત્યક્ષ દેવને છોડીને પથ્થરને પૂજનારાં મનુષ્યો તો અજ્ઞાન છે.
❀
ક્રમ
નિવેદન | [5] |
ભલેં ઊગા ભાણ! | [7] |
| |
કરિયાવર | 3 |
બાપનું નામ | 10 |
બહારવટિયો | 19 |
દીકરાનો મારનાર | 26 |
હીપો ખુમાણ | 32 |
ભીમો ગરણિયો | 56 |
રખાવટ | 69 |
શેત્રુંજીને કાંઠે | 75 |
રતન ગિયું રોળ! | 93 |
બાળાપણની પ્રીત | 109 |
દેહના ચૂરા | 125 |
ભૂત રૂવે ભેંકાર | 140 |
સુહિણી-મેહાર | 156 |
મલુવા | 170 |
| |
સોરઠી બોલીનો કોશ | 188 |
કાઠી અને ચારણી બોલીની ખાસિયતો | 214 |
કથા-સૂચિ | 216 |
ઝવેરચંદ મેઘાણી : સાહિત્યજીવન | 218 |
મેઘાણી સાહિત્ય | 221 |