સ્નેહસૃષ્ટિ/ગાંધીરંગ્યો સામ્યવાદ
← સાધુ અને વિતંડા | સ્નેહસૃષ્ટિ ગાંધીરંગ્યો સામ્યવાદ રમણલાલ દેસાઈ |
સ્વપ્નમાં સત્ય → |
સામ્યવાદ એટલે ધગધગતો વાદ. એને સ્વીકારવો હોય તો એને સર્વાંગે સ્વીકારવો જોઈએ, એમાં બીજો રંગ આવી શકે જ નહિ. અને આવવા મથે તો તે દુશ્મનદળના જાસૂસ તરીકે જ ! એમાં મધ્યમમાર્ગ ચાલે નહિ, એમાં સમાધાને ચાલે નહિ, આડોઅવળો માર્ગ ચાલે નહિ. કાર્લ માર્ક્સે જે માર્ગ ચીંધ્યો એ સિવાય બીજા કોઈ પણ માર્ગથી સામ્યવાદના અંતિમ સિદ્ધાંતો ગ્રાહ્ય થઈ શકે જ નહિ, એવો સામ્યવાદનો આગ્રહ. અર્ધોપર્ધો સામ્યવાદ હોઈ શકે જ નહિ; અને ગાંધીરંગ્યો સામ્યવાદ તો હોઈ જ શકે નહિ, જરાય નહિ ! માર્ક્સ પછીનું ગુરુસ્થાન ભલે લેનીનને મળે - એન્ગલ્સ તો માર્ક્સના પેટમાં આવી ગયો. પરંતુ એ નામ સિવાય સામ્યવાદથી સોગન ખવાય એમ હોય જ નહિ ! ટ્રોટ્રસ્કી પણ ખોટો ! બીતે બીતે કહી શકાય કે સ્તાલીન પણ ખોટો - સંભાળીને કહેવું ! પરંતુ સામ્યવાદ એ સામ્યવાદ - સત્યવાદ ! એમાં ગાંધીનું નામ પણ લેવું એને સામ્યવાદ પાપ ગણે !
સુરેન્દ્ર આ હકીકત જાણતો હતો. પરંતુ સાધુ પણ આ હકીકત જાણતા હતા એ જાણી સુરેન્દ્રને ઘણી નવાઈ લાગી. નહિ તો એ ગાંધીરંગ્યા સામ્યવાદને નવી વ્યાખ્યા તરીકે ન જ ઓળખાવે.
‘મહારાજ ! આપે સામ્યવાદનો અભ્યાસ કર્યો છે શું ?’
‘એટલો અભ્યાસ તો મેં જરૂર કર્યો છે જેથી સામ્યવાદ અને અમારું સાધુત્વ એક જ છે એમ કહેવા જાઉં તો સામ્યવાદીઓ મને શૂળીએ ચઢાવે.’ કહી સાધુ હસ્યા.
'એક ધૃષ્ટતા કરું ?’
‘હા. કંઈક પૂછવું છે કે કહેવું છે ?’
‘પૂછવું છે.’
‘શું ?’
‘આપનો પૂર્વાશ્રમ શો ?’
‘પૂર્વાશ્રમને યાદ કરું તો હું સાધુ મટી જાઉં, અને મારાથી હવે સાધુ મટાય એમ નથી. પૂર્વઆશ્રમોને સંભારવા જોઈએ નહિ. જે આશ્રમમાં હોઈએ તે આશ્રમને સફળ કરવા મથવું.’
‘પરંતુ એ મથન સફળ ન થાય તો ?’
‘તું સાચો માર્ક્સવાદી હોય તો… તું જાણે જ છે કે એ માર્ગને સફળતા મળવાની જ છે. અમારા જુનવાણી ગીતામાર્ગને તું માનવાનો હોય તો ગીતાના બોધમાં ફળની આશા રાખવાની રહેતી જ નથી. અમે સાધુઓ તો મંથનમાં માનીએ, અને ફળ ઈશ્વર ઉપર છોડી દઈએ - સામ્યવાદીઓ આંતરિક વિરોધમાંથી ઊપજતા સંવાદ ઉપર છોડી દે તેમ.’
‘ઈશ્વર તો હજી સમજાતો નથી - કોઈ કોઈ વાર સમજવા પ્રયત્ન કરું છું તોય !’
‘એ પણ એના ઉપર છોડી દે. ઈશ્વર હશે તો કોઈક દિવસ સમજાશે. એને ગરજ હશે તો આપણને સમજાય એવી સ્થિતિ એ ઊભી કરશે. ઈશ્વર હશે જ નહિ - સામ્યવાદ પણ કહે છે કે ઈશ્વર નથી - તો પછી એને શોધવા ખોળવામાં વખત બગાડીશ નહિ.’ સાધુએ કહ્યું.
સાધુની વાતચીત સુરેન્દ્રને જરા અવનવી લાગી ખરી. તેને સામ્યવાદમાં રસ લેનાર સાધુ ગમ્યો ખરો. છતાં પ્રથમ દર્શને તો એને એમ લાગ્યું કે નવા નવા વાદને સમજી લોકો ઉપર અસર કરી પીછેહઠને માર્ગે જનતાને વાળી, ધર્મમાં જનતાને ઘસડી જનાર કેટકેટલા સાધુસંન્યાસીઓ હિંદમાં પોષાય છે – એટલું જ નહિ પણ અમેરિકામાં પણ પોષાય છે ! એવા વર્તમાન ભણતરના ડોળઘાલુ સાધુઓ સરખો આ પણ એક સાધુ હશે એવી માન્યતાનો પણ ક્ષણ માટે તેણે આશ્રય લીધો. સુરેન્દ્ર પણ હજી પક્કો સામ્યવાદી થઈ શક્યો નહોતો. મિલકતની રાષ્ટ્રીયતા, જનતાનો શ્રમ, પૃથ્વીનું એક માનવ-મહારાજ્ય અને રાજ્યનો અંતિમ લોપ જેવા સામ્યવાદી સિદ્ધાંતોમાં તે માનતો હતો; પરંતુ એ સિદ્ધાંતોને સફળ કરવા માટે હિંસક ક્રાંતિ હજી તેને રુચતી ન હતી. ધ્યેય અને સાધન બન્નેની વિશુદ્ધિમાં તે માનતો હતો. મલિન દુનિયાએ આપેલાં સાધનો લઈને એ મલિનતા કાપી શકાય એવો તેનો મત હજી દૃઢ થયો ન હતો. એવા સંજોગોમાં તે પોતાના સામ્યવાદને ઘણી વાર ગાંધીરંગ્યા સામ્યવાદ તરીકે ઓળખાવતો. અને એ કારણે જ્યારે જ્યારે તે ગાંધીવાદીઓ પાસે વધતી જતી ખાનગી મિલકતો વિરુદ્ધ કડવા શબ્દો કહેતો ત્યારે ગાંધીવાદીઓ તેને સામ્યવાદી માની-મનાવી એને દૂર હડસેલી કાઢતા, અને સરકારી ખજાના લૂંટવા, રેલવેમાર્ગો કે પૂલો તોડી પાડવા, મિલકતવાદીઓને ચમકાવવા માટે દૂષિત ન હોય એવા પ્રજાજનના ખૂન કરવાં, એને છેતરપિડી દ્વારા બોલવું કાંઈ અને કરવું કાંઈ, એવી ગુપ્ત કાવતરાવૃત્તિ ખીલવી તેનો અમલ કરવો, એવી પ્રણાલિકાનો એ વિરોધ કરતો ત્યારે સામ્યવાદીઓ તેને મૂડીવાદીના ઉચ્છિષ્ટ - Humanitarian - અશાસ્ત્રીય, નિરુપયોગી, અડચણ કરતાં ભલામણ તરીકે સામ્યવાદમાંથી હડસેલી કાઢતા !
આ પક્ષવિહીન યુવકને નવી દુનિયા રચવી હતી. એ નવી દુનિયાની રચના માટે એણે એક સિદ્ધાંત પોતાને માટે સ્વીકારી લીધો હતો. અને તે છે કે જીવનભર ધનસંચયને માર્ગે જવું નહિ. એણે શિક્ષણ તો ઊંચા પ્રકારનું લીધું; પરંતુ એ શિક્ષણનો ધનઉપાર્જનમાં ઉપયોગ ન કરવાની પોતાને માટે મર્યાદા બાંધી દીધી. હજી સુધી પોતાના સિદ્ધાંતનો બીજી કોઈ રીતે અમલ કરવાનો પ્રસંગ આવ્યો ન હતો; આજ ભજનિકો દ્વારા સરકારી જમીનનો પોષણ માટે ઉપયોગ કરવાનો રસ્તો તેણે દીઠો.
એથી તે સહેજ સંતુષ્ટ થયો અને તેમાં પણ જ્યારે જુનવાણી દેખાવના સાધુએ નવી ઢબની સંપત્તિ આપી ત્યારે એને લાગ્યું કે તેને સમજનાર એક સહાયક તેને મળી ચૂક્યો છે. કેટલીયે વાતચીત કરી રાત્રે તે ઘેર ગયો ત્યારે તેની માતાએ જ્યોત્સ્ના તથા શ્રીલતા આવી ગયાની હકીકત કહી. માતાના હૃદયમાં ઊંડે ઊંડે આશા-અભિલાષા જાગે જ કે આવા ભણેલાગણેલા પુત્રને કોઈ નૂતન દુનિયાની ભણેલીગણેલી છોકરી પત્ની તરીકે મળે !
પરંતુ માતાને ક્યાંથી ખબર હોય કે તેનો પુત્ર પત્નીત્વ માગતી એક પ્રવીણ અને ધનિક છોકરીને છોડીને આવ્યો હતો ? છોકરીને તો કદાચ છોડી શકાય, પરંતુ પાર્થિવ જીવન સતત નિભાવનાર આર્થિક ઉપાર્જનનું સાધન પણ એ સાથે સાથે મૂકીને આવ્યો હતો ! એને વધારે પૈસો જોઈતો ન હતો; પરંતુ રોજના ગુજરાન માટે અર્થ વગર ન જ ચાલે એટલું તો સત્ય તે સમજતો જ હતો.
સુરેન્દ્રને પોતાનું ઘર ન હતું; પોતાની કશી મિલકત ન હતી. આવકનું સાધન ન હતું. માતાએ દુઃખ વેઠી પોતાની પાસે જે કાંઈ હતું તે વેચી સાટી પુત્રને ઉત્તમ કેળવણી આપી હતી. માતાના પોષણની જવાબદારી પણ તેની જ ! જ્યોત્સ્ના પગાર બાકી રહી ગયાને બહાને બીજા રૂપિયા આપવા આવી હતી તેની પણ માતાએ એને ખબર આપી. આવી સહાનુભૂતિ ધરાવતી યુવતીને ખસેડવામાં એ ડહાપણ તો કરતો જ ન હતો એ સાચું. પરંતુ કનકની સાથે કામિનીનો મોહ પણ જતો કરવાની જરૂર આદર્શની સિદ્ધિ માટે છે. એમ તેણે નક્કી કરી રાખ્યું હતું. જેમાં તેણે મોટા પગારનાં લોભાવનારાં આમંત્રણોને જતાં કર્યાં હતાં તેમ એણે ધન કરતાં પણ વધારે આકર્ષક સ્ત્રી આકર્ષણને - સ્ત્રીઆમંત્રણને જતું કર્યું હતું !
શા માટે ?
ધન અને સ્ત્રી એના માર્ગની વચ્ચે ન આવે માટે - સિદ્ધિની એ બંને જબરજસ્ત આડખીલીઓ છે તે માટે !
પણ એનો માર્ગ કયો ! સમાજપલટાનો માર્ગ ! સમાજને એવી રીતે પલટી નાખવો કે એમાં ગરીબ-તવંગરના ભેદ રહે જ નહિ. એનું પ્રથમ પગથિયું તો એ જ હોઈ શકે કે તેણે પોતે જ ગરીબીની સામાન્ય કક્ષા સ્વીકારી, એને ઓળખી. એમાંથી સમાજપલટો કરવાના માર્ગને શોધી કાઢવો. ધનનો ઢગલો કરી તેના ઉપર બેસનારથી ધનની સાચી વહેંચણી કદી થઈ શકે જ નહિ. ધનસંચયી માનવ માનવજાતનો દુશ્મન છે એમ તેને સ્પષ્ટ લાગતું જ હતું. ધને મેળવીને નહિ, પરંતુ એને જતું કરીને જ એ દૃષ્ટાંતરૂપ બની શકે. જે માનવીને કારકિર્દી શોધવી હોય, જે માનવીને વધારે પગાર ખોળવો હોય, જે માનવીને સુખવૈભવનો ખ્યાલ કરવો હોય, જે માનવીને સ્ત્રીસુખ ભોગવવું હોય અને બાળકો માટેનાં વાત્સ્લ્યની મોજ માણવી હોય, આજ્ઞા અને હુકમ કરવાની જાજ્વલ્ય પરિસ્થિતિએ પહોંચવું હોય, ફૂલહાર, જયનાદ અને તાળીઓના કોડ જેને રહ્યા હોય, તેનાથી સમાજપલટો કદી થઈ શકે જ નહિ એવી તેની માન્યતા હતી. એવો માનવી ચાલુ પરિસ્થિતિને જ પોષે છે, એટલે કે માનવજાતની અસમાનતા ચાલુ રાખવામાં એ હથિયાર બને છે. પલટો કરનારથી - પલટો માગનારથી એમાંનું કશું સ્પર્શી શકાય નહિ.
સુરેન્દ્રે એટલી સાધના તો કરી જ. પરંતુ એ સાધનાની પાછળ સિદ્ધિ લાવવા માટેની શક્યતા ચાલી જતી દેખાતી હતી. બેચાર ભૂખે મરતા માનવીઓને એક ટંક ખોરાક આપવાથી, બેચાર આંખવિહીન માનવીઓને પુસ્તક વાંચી સંભળાવવાથી માનવ અસમાનતાનો આખો પ્રશ્ન ઊકલે એમ તો કદી બને જ નહિ. એમ ન બને માટે ચાલતી દુનિયા ભેગા ચાલીને મળે તે લાભ ખેંચી લેવો. એવી અનુકૂળ પરિસ્થિતિમાં સેવાભાવના ગોઠવાઈ જઈ, પોતાનું વિલોપન કરી દે છે. એમાંથી તો તે બચી ગયો હતો. પરંતુ એના એકલાના પ્રયત્નથી સિદ્ધિ મળે અને માનવજીવન સમાન થાય એમ તેને ખાતરી થતી ન હતી.
સામ્યવાદ તેને આકર્ષી રહ્યો હતો. અર્થનું રાષ્ટ્રીયકરણ કરી રાષ્ટ્રના પ્રત્યેક માનવઅંગને શ્રમનો અને પોષણનો અધિકાર આપી, જ્ઞાન, કલા ને આનંદ સહુ માટે છુટ્ટાં રેલાવવાની પરિસ્થિતિ ઊભી કરી માનવજાતની અસમાનતા દૂર કરવાનો સામ્યવાદી કાર્યક્રમ તેને અશક્ય લાગતો ન હતો. એ કાર્યક્રમ તેને ગમતો હતો; પરંતુ એ સિદ્ધ કરવા માટે લોહીનું ટીપું પણ રેડવું પડે, કુટિલ કાવતરાંનો ઓછો પણ આશ્રય લેવો પડે, અને એ સિદ્ધિ મળ્યા પછી પણ પોતાના વિચારોને અમુક શબ્દોમાં જ આકાર આપવો પડે, એ ત્રણે તત્ત્વો સુરેન્દ્રને અણગમતાં થઈ પડ્યાં. ગાંધીજીએ અહિંસાથી આખા હિંદને સ્વરાજ અપાવ્યું. એ જ અહિંસાનું સાધન માનવજીવનની સમાનતા માટે ઉપયોગમાં આવી કેમ ન શકે ? આત્મભોગ તો હિંસા પણ માગે છે, સામ્યવાદ પણ માગે છે; અહિંસા પણ આત્મભોગ જરૂર માગે ! એટલે અહિંસા દ્વારા સમાજપલટો કરવાના માર્ગમાં પણ ભારેમાં ભારે આત્મભોગ કરનાર કોઈ માનવી મળી જાય તો માનવ સમાનતાની સિદ્ધિ જોતજોતામાં વ્યાપક બને, એમ સુરેન્દ્રને ઝાંખો ઝાંખો ખ્યાલ આવ્યા કરતો હતો. અને તેના પ્રથમ આત્મભોગ તરીકે એણે ધનને, સત્તાને અને સ્ત્રીને પોતાનાથી દૂરના દૂર આજ સુધી રાખ્યાં હતાં. એને માટે એના મિત્રો સુરેન્દ્રને ભારે ઠપકો પણ આપતા હતા. ધન સહુનામાં વહેંચવું હોય તો ધનની પરખ તો જોઈએ જ; ધનની શક્તિ પણ સમજવી જોઈએ; ધન કેમ વહેંચી શકાય એના કાયદા પણ જોઈએ. સત્તા વગર કોઈ પણ ફેરફાર શક્ય થઈ શકે નહિ. અને થઈ શકે તોપણ, તે લાંબો વખત ચાલે પણ નહિ. અને સ્ત્રીવિહોણા બ્રહ્મચારીઓના, બ્રહ્મચારિણીઓના મઠમંદિરમાં કેવા અનાચાર પ્રવેશી ચૂક્યા હતા તેનાં દૃષ્ટાંતો બૌદ્ધ અને ખ્રિસ્તી મઠ મંદિરોના ઇતિહાસમાંથી જોઈએ એટલાં મળી આવે એમ હતાં. સ્ત્રીને પુરુષ હડસેલે અગર પુરુષને સ્ત્રી હડસેલે, એમાં આખા જીવનક્રમનો વિરોધ ઊભો થતો હતો. દુનિયા પલટવામાં દુનિયાના સ્વયંભૂ કાયદાઓ તોડવાની જરૂર ન રહે. આવી દલીલો તેના મિત્રો પણ કરતા હતા અને સુરેન્દ્ર પોતે પણ કરતો. છતાં તેને વારંવાર લાગ્યા કરતું હતું કે જીવનક્રમના બહાના નીચે સ્ત્રીપુરુષ ભોગવિલાસમાં લુપ્ત રહેતાં હતાં. ધનને ઓળખવાને બહાને ધનપતિ બની શોષણ કરતાં હતાં, અને સત્તાની સોટી સમાનતાને માટે વાપરવાને બદલે પોતાની સરમુખત્યારી સાચવવા માટે ઉગામી રાખતાં હતાં. સુરેન્દ્રના જીવનમાં તો એ ન જ બનવું જોઈએ તેણે નિશ્ચય કર્યો હતો.
નોકરી ગુમાવી, સ્ત્રીને હડસેલી, પૈસાને ફેંકી દઈ, ઘેર આવેલા સુરેન્દ્રને આવતી કાલે કેમ પોષણ કરવું એની આછી ચિંતા તો જરૂર ઉત્પન્ન થઈ. તે તો ખરો - માતાનું મન મનાવીને - માતાને પોતાની આર્થિક ચિંતા ન કરવા દઈને. શરૂઆતમાં તેને નિદ્રા ન આવી અને નિદ્રા આવી ત્યારે તેણે એક અનુપમ સ્વપ્ન નિહાળ્યું.
સ્વપ્નમાં એ જાણે કોઈ જુદી જ દુનિયામાં ફરતો હોય એમ એને લાગ્યું. બાગબગીચાથી ઊભરાઈ રહેલા એક માનવનિવાસમાં તેણે પોતાને ઊભેલો જોયો. ચારે પાસ સ્વચ્છતા, સફાઈ અને કલામયતા વિસ્તરી રહ્યાં હતાં. અદૃશ્ય સંગીત વાતાવરણને નચાવી રહ્યું હોય એવી સ્ફૂર્તિ ફેલાવી રહ્યું હતું. તદ્દન અજાણ્યો પ્રદેશ તેને લાગ્યો. ખૂલતાં, સ્વચ્છ કપડાં પહેરી પુરુષો ને સ્ત્રીઓ હસતાં રમતાં, વાતો કરતાં, કદી સિસોટી વગાડતાં અગર આછું ઝીણું ગાતાં ટોળાબંધ ચાલ્યાં જતાં હતાં. માનવટોળાં જે મકાનમાંથી નીકળતાં હતાં એ મકાનો લગભગ સરખી ઊંચાઈનાં, સરખાં સુંદર અને સરખી સગવડવાળાં લાગતાં હતાં. અને પ્રત્યેક મકાન બગીચાઓથી ચારેપાસ ઊભરાતું હોય એવો ભાસ થતો હતો. આવું વ્યવસ્થિત અને આનંદમય સ્થળ તેણે હજી સુધી કદી જોયું ન હતું. મકાન પાસેના રસ્તા પણ ખૂબ વિશાળ, સગવડભરેલા, મૂર્તિઓ અને પુષ્પવેલની આકૃતિઓથી સુશોભિત લાગતા હતા.
એકાએક તેને મધુકર સરખી આકૃતિનો યુવાન દેખાયો. સુરેન્દ્રે તાળી પાડી તેને બોલાવ્યો :
‘મધુકર, મધુકર !’
મધુકર જેવી આકૃતિના પુરુષે જ નહિ પણ આસપાસ જતા આવતા પુરુષોએ તેની સામે જોયું અને સહુ કોઈ તેની પાસે દોડી આવ્યાં. મધુકર જેવા દેખાવના યુવકે સુરેન્દ્રને કહ્યું :
‘હું મધુકર તો નથી… પરંતુ મારી ત્રીજી પેઢી ઉપર મધુકર નામના મારા એક પિતૃ હતા ખરા ! તમારે મધુકરનું શું કામ પડ્યું ?’ યુવકે અત્યંત મીઠાશથી પૂછ્યું.
‘મને કાંઈ સમજ પડતી નથી. હું ક્યાં આવી ચડ્યો તેનો જરા પણ ખ્યાલ નથી. મને કહી શકશો કે હું ક્યાં છું ?’ સુરેન્દ્રે લાચારીથી પૂછ્યું.
‘તમે ક્યાંથી આવો છો ?’
‘એ તો ખબર નથી. હું એટલું કહી શકું કે હું વીસમી સદીમાંથી આવું છું.’ સુરેન્દ્રે જવાબ આપ્યો. સુરેન્દ્રને પોતાને જ સમજ ન પડી કે પોતે આ ઢબનો જવાબ કેમ આપ્યો. આખું ટોળું અત્યંત ખુશમિજાજથી સુરેન્દ્રનો જવાબ સાંભળી હસી પડ્યું અને મધુકરની ત્રીજી પેઢીનો પુરુષ પણ સાથે હસીને બોલ્યો :
‘એમ ? ત્યારે હજી વીસમી સદીના કોઈ કોઈ પુરુષો જડી આવે છે ખરા ! કહો, શું કામ છે ?’
‘હું પણ એ જ પૂછું છું. મારું શું કામ છે ? હું ક્યાં આવ્યો છું ? મારે કેમ જીવવું ? ક્યાં જવું ? ક્યાં રહેવું ? હું અહીંનો ભોમિયો બિલકુલ નથી.’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘તમે જરાય ચિંતા ન કરશો. વીસમી સદી એકવીસમી સદીને ત્યાં મહેમાન તરીકે આવી છે. ભલે; એને સ્થાન પણ મળશે, એને કામ પણ મળશે, એને પોષણ પણ મળશે અને આનંદ પણ મળશે.’ યુવકે કહ્યું અને સુરેન્દ્ર આશ્ચર્યચકિત બની યુવક સામે જોઈ રહ્યો.