લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/ચિત્રપટ

વિકિસ્રોતમાંથી
← વીંટીનો ઘા સ્નેહસૃષ્ટિ
ચિત્રપટ
રમણલાલ દેસાઈ
રોમાંચની લાલસા →



૧૮
 
ચિત્રપટ
 

ધનિકોને વાહનની હરકત કદી પડતી નથી. રાવબહાદુર અને યશોદાબહેન તો પોતાની કારમાં ખુશ થઈને ચાલ્યાં ગયાં. તેમને ગમતા યુવાનની સાથે તેમની પુત્રી એકલી ફરે તેમાં તેમને કાંઈ હરકત લાગી નહિ. અને જ્યોત્સ્નાએ બગીચા બહાર જઈ ટૅક્સી કરી લેવાની ખાતરી આપી હતી, અને અનેક ટૅક્સીઓ ભાડે કરી શકે એટલા રૂપિયા જ્યોત્સ્નાની રૂપાળી હાથથેલીમાં રહેતા હતા એમ જાણનાર રાવબહાદુર અને યશોદાબહેને આજ હિંમત કરી જ્યોત્સ્નાને મધુકર સાથે એકલી રહેવા દીધી. પ્રેમમાં જ નહિ, લગ્નમાં પણ, એકાન્ત મહત્ત્વનો ભાગ ભજવે છે.

બગીચાની બહાર નીકળતાં અત્યંત આનંદ અનુભવતા મધુકર સાથે જ્યોત્સ્ના કંઈ વાત કરશે એમ માની મધુકરે કાંઈ પણ વાત શરૂ કરી નહિ. પરંતુ જ્યોત્સ્નાએ કશી વાત કરી નહિ એટલે અંતે તેનાથી રહેવાયું નહિ. મધુકરે પૂછ્યું :

‘જ્યોત્સ્ના ! આજે ક્યાંથી મારા ઉપર કૃપા કરી ?’

‘શાની કૃપા ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારી સાથે એકલા ફરવાની અને સાથે ચિત્ર જોવાની.’

‘આપણે ક્યાં એકલાં જઈએ છીએ ? અને… જો ને, આપણી આસપાસ અને આગળ પાછળ આપણા જેવાં જ કેટલાંય માણસ આવતાં જતાં હોય છે, પછી એકલાં શાનાં ?’

‘એ તો બધાં સમજીને આપણાથી દૂર રહે છે - જેમ આપણે સહુથી દૂર રહીએ છીએ તેમ. અને થિયેટરમાં તો આપણે એકલાં જ હોઈશું ને ?’

‘સેંકડો માણસો જોવા આવશે તેમાં આપણે એકલાં ક્યાંથી ?’

‘આપણે એવી ખુરશીઓ પસંદ કરીશું કે જ્યાં ચારે પાસ દસ દસ ખુરશીઓ ખાલી હોય.’

‘કેમ એમ ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારે આજે તારી પાસે મારું હૃદય ખોલવું છે.’

‘હૃદય ખોલવા જેવું એકાંત થિયેટરમાં મળે એમ હું માનતી નથી.’

‘તો પછી આપણે એકાદ રેસ્ટોરાં શોધીશું, અજંતા. કિન્નરી કે આમ્રપાલી એ ત્રણમાંથી એકાદ રેસ્ટોરાંમાં આપણે માગીશું એટલું એકાંત આપણને મળશે… અને તારી એમ ઈચ્છા હોય કે આપણે ચિત્રપટમાં ન જઈએ અને ટૅક્સીમાં લાંબે ફરવા જઈએ તો તેમ પણ બને એવું છે. મને શહેર આસપાસનાં ઘણાં એકાંત સ્થળોની માહિતી છે.’ મધુકરે કહ્યું.

‘એની મને ખાતરી જ છે. પરંતુ આજે તું માગે છે એવું એકાંત મને અગર તને મળે એવું લાગતું નથી.’

‘નવાઈ જેવું ! ન મળવાનું કાંઈ કારણ ?’

‘હા. આપણે ચિત્રપટ જોવા સુરેન્દ્ર વગર ઓછાં જઈશું ?’

‘ટૅક્સીમાં જતે જતે આપણે સુરેન્દ્રને ઉપાડી લઈએ છીએ.’

મધુકર જ્યોત્સ્નાનું આ વાક્ય સાંભળી ચમક્યો. એકાંતની આટલી આશા આપી જ્યોત્સ્ના પાછી સુરેન્દ્રને શોધવા જાય છે ?

‘સુરેન્દ્રને લઈ જવો હોય તો પછી મારી જરૂર નથી. હું ચાલ્યો જાઉ.’ મધુકરે જરા ખોટું લગાડી કહ્યું.

‘અરે, ચાલ તો ખરો ! મારે ખાસ કામ છે. એક ચિત્ર જોવું છે, જેમાં તારી અને સુરેન્દ્રની એમ બેની સલાહ લેવી છે.’

કહી બગીચાની બહાર નીકળતાં બરોબર જ્યોત્સ્નાએ એક ટૅક્સી બોલાવી અને મધુકરના વિરોધને ગણકાર્યા વગર તેને ગાડીમાં બેસાડી દીધો અને પોતે પણ સાથે બેસી ગઈ. મધુકર જરૂર મૂંઝવણ અનુભવી રહ્યો. જ્યોત્સ્ના મધુકર સાથે એકાંત ગાળવાની ઇચ્છા રાખતી હતી એ તેની કલ્પના ભ્રમ પુરવાર થઈ. જ્યોત્સ્નાને ચિત્ર તો જોવું છે પણ એને ચિત્રની બાબતમાં કાંઈ સલાહ લેવી છે, અને એ સલાહ મધુકરની એક્લાની નહિ પરંતુ સુરેન્દ્રની પણ સાથે સાથે લેવાની છે ! અને તે સાથે ચિત્ર જોઈને ! જ્યોત્સ્નાનો શો વિચાર હશે ? જ્યોત્સ્નાને સુરેન્દ્ર સાથે જ એકાંત જોઈતું હોત તો તે જોઈએ એટલું મેળવી શકી હોત, અત્યારે પણ. તો પછી તે મધુકર સાથે શા માટે આવી ? ઘણી વાર આપણી ઇચ્છા પ્રમાણે જ દુનિયા ઘડાતી હોય એવું આપણને દેખાયા કરે છે. ચિત્ર જોઈને મધુકરની અને સુરેન્દ્રની પરીક્ષા કરવાનો તો જ્યોત્સ્નાનો હેતુ નહિ હોય ? એમ હોય તો ચિત્રના નાજુક પ્રસંગોની સમજ સુરેન્દ્ર કરતાં મધુકરને પોતાને વધારે પડે એ સંભવિત હતું. જડ સુરેન્દ્ર ભાગ્યે જ ચિત્ર જોતો, અને ઘણી વાર તો ચિત્રની નાજુક ખૂબીઓ તેને સમજાતી પણ નહિ.

‘ચિત્રની બાબતમાં તું સુરેન્દ્રની સલાહ લેશે ?’ મધુકરે એકાએક ટૅક્સીમાં પૂછ્યું અને જ્યોત્સ્નાની પાસે વધારે ખસીને બેઠો.

‘હા.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘અરે, પણ એ તો ચિત્ર જોતો જ નથી… બને ત્યાં સુધી. એ શી સલાહ આપશે ?’

‘કોઈ વાર એનાં સૂચનો સરસ હોય છે.’

‘પરંતુ એ ઘેર મળશે ખરો ? તું જાણે છે કે એ તો દિવસે દિવસે સામ્યવાદ તરફ ઢળતો જાય છે, અને આપણે ન ઇચ્છીએ એવાં સ્થળે રખડ્યા કરે છે.’

‘એનું ઘર પાસે જ આવ્યું છે. આપણે જોઈ લઈએ. હશે અને આવશે તો ઠીક; નહિ તો આપણે બન્ને મળી ચિત્ર જોઈશું.’ આટલું કહી જ્યોત્સ્નાએ ટૅક્સીને અટકાવી. સુરેન્દ્રનું નાનકડું મકાન આવી ગયું હતું. જ્યોત્સ્નાએ અને મધુકરે ગાડીમાંથી ઊતરી સુરેન્દ્રના નાનકડા ઘરમાં પ્રવેશ કર્યો. સુરેન્દ્ર એકાએક બારણા પાસે આવીને ઊભો રહ્યો અને તેણે પૂછ્યું :

‘ઓહો, તમે બે જણ ક્યાંથી ? પધારો.’

‘અમારે પધારવું નથી. અમારે તને સાથે લઈ જવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘ક્યાં ? અત્યારે જ ?’ સુરેન્દ્રે જરા ચમકીને પૂછ્યું.

હા, અત્યારે જ. એક સરસ ચિત્રપટ આવ્યું છે તે જોવા માટે તને અને મધુકરને લઈ જવા છે. જલદી ચાલ વધારે વખત રહ્યો નથી.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘ચિત્રપટ જોવા… મને લઈ જવો છે ? હું તો બને ત્યાં સુધી ચિત્ર જોતો જ નથી.’

‘તોપણ મારે તને લઈ જવો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘જ્યોત્સ્ના ! બીજો કોઈ દિવસ રાખ, હું જરૂર આવીશ. પરંતુ આજે… તો હું એવો ગૂંચવાઈ ગયો છું કે મારાથી ન જ અવાય.’ સુરેન્દ્રે કહ્યું.

‘કાંઈ ઊથલપાથલ કરવાની સભા મળવાની હશે, સુરેન્દ્ર ! મેં તને એક કરતાં વધારે વાર ચેતવણી આપી છે કે જો તું તારો સામ્યવાદ મૂકી નહિ દે તો તું તારી નોકરી ગુમાવીશ.’ મધુકરે જરા ધમકી આપી.

સુરેન્દ્રે હસીને તેને જવાબ આપ્યો :

‘મધુકર ! સામ્યવાદ કે કોઈ પણ વાદ મારી નોકરી જાય કે રહે એના ઉપર તો આધાર ન જ રાખે. અને ઊથલપાથલ તો સામ્યવાદ નહિ કરે તો બીજા કોઈ કરશે. એટલે મારા વાદને તો તું આગળ કરીશ જ નહિ, પરંતુ અત્યારે તો હું ન આવી શકું એવી સ્થિતિ છે.’

‘અમે બન્ને લેવા આવીએ તોય તમારી ના જ હોય !’ જ્યોત્સ્નાએ જરા રીસ ચડાવી કહ્યું.

‘મારે થોડું અગત્યનું કામ છે… એ પૂરું થશે તો હું જરૂર તને થિયેટર ઉપર મળીશ.’ સુરેન્દ્રે કહ્યું.

‘પરંતુ અમારી સાથે તો તું ન જ આવે, ખરું ને ?’ જ્યોત્સ્ના બોલી

‘જ્યોત્સ્ના ! મને આજ માફ કર.’ સુરેન્દ્રે કહ્યું.

‘તો હું અને મધુકર બન્ને જઈએ છીએ… ચાલ મધુકર !’ કહી જ્યોત્સ્નાએ આગ્રહનો અંત આણ્યો અને પાછા ફરી ચાલવા માંડ્યું.

સુરેન્દ્ર જ્યોત્સ્નાને જરા જોઈ રહ્યો… એ મધુકરે પણ પાછળ ફરી જોયું… અને તેની આંખો હસી રહી… જાણે તેણે સુરેન્દ્ર ઉપર વિજય મેળવ્યો ન હોય !

આવજો કહેવાની રાહ જોયા વગર સુરેન્દ્ર પાસેથી ચાલી ગયેલી જ્યોત્સ્ના અને મધુકર નાટ્યગૃહ પાસે આવી ઊતર્યા.

આવતા બરોબર જ્યોત્સ્નાએ બે ટિકિટો ખરીદ કરી અને બે એકાંત ખુરશીઓ ઉપર આવી બન્ને જણ બેઠાં. તેમના બેસતા બરોબર જ ગૃહમાં અંધકાર ફેલાયો અને પડદા ઉપરના પ્રકાશમાં ચિત્ર, ચિત્રના લેખક, ચિત્રના સર્જક, ચિત્રના દિગ્દર્શક, ચિત્રના ચિત્રકાર, વસ્ત્રકાર, નાયક, નાયિકા, સંગીતદિગ્દર્શક, પ્રત્યેકના મદદનીશ અને એવાં પાર વગરનાં નામની પરંપરા ધ્રૂજવા લાગી.

‘આ ચિત્ર જોવાનું તેં કેમ પસંદ કર્યું ?’ મધુકરે બહુ જ ધીમેથી પૂછ્યું. સિનેમાગૃહમાં પાસે બેઠેલા પ્રેક્ષકોને હરકત ન થાય એમ વાત કરવાની છૂટ છે.

‘મારે આ ઢબનું એક ગુજરાતી નાટ્ય કરવું છે.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.

‘તારે ? શા માટે ?’

‘નગર અને ગ્રામજીવનના તફાવતો આ ચિત્રમાં બહુ જ સુંદર રીતે આપ્યા છે. નગરનિવાસી ધનિક યુવાન એક ભણેલી શહેરી યુવતીને મૂકી ગ્રામયુવતીને કેમ પરણે છે. એનો બહુ રમૂજી પ્રયોગ આ ચિત્રમાં છે. તું પણ ધ્યાન રાખજે… આપણે આપણા નાટકમાં શું શું કરી શકીએ તે બદલ.’ જ્યોત્સ્નાએ ધીમે ધીમે મધુકરને કહ્યું.

ચિત્ર ચાલુ જ હતું. જ્યોત્સ્ના તે રસપૂર્વક જોતી હતી, પરંતુ મધુકરને ચિત્ર કરતાં જ્યોત્સ્નામાં વધારે રસ હતો. સુરેન્દ્ર સાથમાં ન હતો એ એક મોટી રાહત હતી. જ્યોત્સ્નાનાં માતાપિતા ઉપર તો મધુકર સરસ છાપ પાડી શક્યો હતો; એટલી સરસ કે તેની સાથે જ્યોત્સ્નાને એકલી મોકલવાને તેઓ તત્પર થયાં હતાં ! જ્યોત્સ્ના પણ છેક અસ્પૃશ્ય બની રહી ન હતી. બગીચામાં તેનો હાથ પકડ્યો ત્યારે જ્યોત્સ્નાએ ખાસ વાંધો લીધો ન હતો. અને પેલી શ્રીલતા વચ્ચે આવી ચડી ન હોત તો જ્યોત્સ્નાને તે તત્કાળ - તે જ ક્ષણે - જીતી શક્યો હોત. સુરેન્દ્ર સાથે ન આવ્યો ત્યારે પણ તેણે સુરેન્દ્રને આગ્રહ ન કરતાં મધુકર સાથે ચિત્ર જોવાનું પસંદ કર્યું. આ ચિત્ર પ્રસંગે જ વિજય મેળવવો ? કે જરા લંબાણભરી વ્યુહરચના કરવી ?

‘જો જો. મધુકર !… શો સરસ અભિનય !’ કહી જ્યોત્સ્નાએ ચિત્રપટ ઉપર ચાલતા એક પ્રસંગ તરફ મધુકરનું ધ્યાન ખેંચ્યું.

મધુકરનું ધ્યાન ચિત્ર ઉપર હતું જ નહિ. યોગી, વેદાન્તી અને ભક્ત જેમ સંસારના કાર્યમાં રત રહેતો જણાય છતાં એનો માનસિક સંપર્ક એના ઇષ્ટ સાથે જ હોય, તેમ મધુકરની આંખ ચિત્ર સામે ફરતી હોવા છતાં એનું માનસ જ્યોત્સ્ના સાથે જ જોડાયેલું હતું.

‘હા, ઘણો સરસ અભિનય.’ મધુકરે એકાએક કહ્યું.

‘તારું ચિત્ત આજે આ ચિત્રમાં નથી લાગતું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘સાચું કહું ?… મારું ચિત્ત આજ ક્યાં છે તે ?’

‘હું જાણું છું ક્યાં છે તે !’

‘તો તું જ કહે.’

‘શ્રીલતામાં… વળી. બીજે ક્યાં ?’

‘તારી ભૂલ થાય છે, જ્યોત્સ્ના !’

‘કેમ ? તારી અને શ્રીલતાની વચ્ચેના પ્રેમની હકીકત તો જગજાહેર થઈ ચૂકી છે… ક્યારનીયે.’

‘એ સત્ય નથી.’

‘તો પછી તારું ચિત્ત ક્યાં છે ?’

‘કહું ? તારામાં.’

‘જા જા, ઘેલી વાત ન કરીશ. કેટલી સ્ત્રીઓમાં તારે તારું ચિત્ત રોકવું છે ?’

‘એકમાં જ… અને તે તારામાં.’

‘ચાલ… એ વાત ફરી કરીશું… હમણાં આ ચિત્ર ઉપર ધ્યાન આપ.’ કહેતાં બરોબર ચિત્રનો પ્રથમાંક થયો, અને અંધકાર ભર્યું… અનેક ભાવ ઉપજાવતું ચિત્રગૃહ ઝળાંઝળાં થઈ રહ્યું.

મધુકરે ચારપાસ સ્મિતભરી નજર નાખી.

મધુકરને ઘણી છોકરીઓ ઓળખતી હતી. એના તરફ અનેક રૂમાલો ફરફર્યા. મધુકરે ચારેપાસ નમન તથા સ્મિત પણ સારા પ્રમાણમાં ફેંક્યાં.

‘મધુકર ! તારી વિજયપતાકાઓ બહુ ઊડે છે.’ જ્યોત્સ્નાએ સહજ હસીને કહ્યું.

‘હું કહીશ… મારી વિજયપતાકા સાચી ઊડશે ત્યારે.’ મધુકરે કહ્યું. અને થોડી વારમાં ચિત્રનો બીજો અંક શરૂ થયો.