સ્નેહસૃષ્ટિ/પ્રેમના વ્યૂહ

વિકિસ્રોતમાંથી
← રૂપ અને હૃદય સ્નેહસૃષ્ટિ
પ્રેમના વ્યૂહ
રમણલાલ દેસાઈ
પ્રેમની સ્પષ્ટતા →



૨૧
 
પ્રેમના વ્યૂહ
 

અનેક વિચારોમાંથી મધુકરનો એક નિશ્વય દૃઢ થયો : સુરેન્દ્રે એના માર્ગમાંથી દૂર થવું જોઈએ ! જ્યોત્સ્નાને સુરેન્દ્રનો મોહ હતો એ મધુકર સ્પષ્ટ જોઈ શક્યો. એ મોહની પાછળ સુરેન્દ્રની કેટલીક પરોપકારી દેખાતી પ્રવૃત્તિ કારણરૂપ હતી, ગરીબોની કાળજીનો સુરેન્દ્રનો દેખાવ કારણરૂપ હતો. અને વારંવાર સુરેન્દ્ર દ્વારા આગળ કરવામાં આવતી સેવાભાવના પણ કારણરૂપ હતી. જે જાતે ગરીબ ન હોય એને ગરીબોની સેવામાં કોઈ મહાકાવ્ય દેખાય છે, જેને કોઈનાયે ઉપકારની જરૂર ન હોય એને પરોપકાર એક સાહસ સરખું ગમે છે, જેને કોઈનીયે સેવા કરવી પડતી ન હોય તેને સેવાભાવના એક નવલકથા સરખી મોહક લાગે છે. જ્યોત્સ્ના સુરેન્દ્રને નહિ પરંતુ સુરેન્દ્રની સેવાભાવનાને મોહી પડી હતી એની મધુકરને ખાતરી હતી. રૂપગર્વિતા ભાવગર્વિત પુરુષને નમી પડે છે.

નહિ તો સુરેન્દ્ર કરતાં મધુકર ઓછો દેખાવડો ન હતો. પહેરવા ઓઢવાનું તો સુરેન્દ્રને ભાન જ ન હતું. જ્યારે મધુકરનાં વસ્ત્રો અને મધુકરની ટાપટીપ એ મધુકરનું મુખ્ય આકર્ષણ હતું. બનતાં સુધી યુવક યુવતીને જોઈ રહે, યુવતી યુવકને જોઈ રહે એ લગભગ અશક્ય ગણાય. છતાં... મધુકર જાણતો હતો કે સંખ્યાબંધ યુવતીઓ તેને જોઈ રહેતી !..એટલું જ નહિ, પરંતુ એનો પરિચય પણ માગતી હતી. એકલો પરિચય જ નહિ... પરંતુ પ્રેમ પણ ! કેટકેટલી યુવતીઓનાં નામ તે ગણાવી શકે ? ને જ્યોત્સ્નાએ ગણાવ્યાં પણ હતાં... કેટલાંક.

અને આ વિચિત્ર માનવ જગતમાં કેટકેટલી યુવતીઓને પ્રેમ આપવો પડે છે?... અને કેટકેટલી યુવતીઓ પાસેથી પ્રેમ પાછો ખેંચવી લેવો પડે છે ? એની છેલ્લી પ્રેમસંમતિ શ્રીલતાની ! સરસ છોકરી ! દેખાવડી ચબરાક, ભણેલી, પરંતુ વધારે જિદ્દી ! વધારે ચોંટે એવી; Possessive વળગે તો છોડે નહિ એવી ! એની સાથે લગ્ન થાય તો કોણ જાણે કેટલોયે જુલમ એ છોકરી કરે ! જેમ જેમ એનો સંબંધ વધતો જાય તેમ તેમ એ જાણે વધારે બંધનો બાંધવા મથતી હોય એમ મધુકરને લાગ્યા કરતું હતું... અને પ્રેમ, સ્નેહ અને લગ્ન, એ બંધન તો ન જ બની રહેવાં જોઈએ ! વ્યવહાર, વ્યવહારુપણું, સમતુલા હાલી જાય એવી ભાવના માનવીને કેટલો ઘેલો બનાવી મૂકે છે ! જીવન એક સંગ્રામ છે. ભાવનાનું, કલ્પનાનું, ઉડ્ડયન માત્ર નથી. માત્ર ખાલી આકાશમાં ઊડ્યા કરવું એનો અર્થ એ કે આપણે ખોવાઈ જવું ! અને ખોવાઈ જનારની જગતને બહુ જરૂર હોય એમ દેખાતું નથી. જીવન એ જો સંગ્રામ હોય તો એમાં જીત જ મળવી જોઈ. હારનારને જીવન બંદીવાન બનાવી મૂકે છે. જીવનમાં એકલવાયા માનવીએ એવી વ્યૂહરચના કરવી જોઈ કે જેમાં એ જીવે ત્યાં સુધી સતત વિજય મેળવતો જ ચાલે. અને મધુકર જીવનમાં વિજય ઝંખતો હતો.

વિજયપ્રાપ્તિનું મોટામાં મોટું સાધન ધન. એ તેની પાસે હતું જ નહિ. મહામુસીબતે ગરીબ માતાપિતાના પુત્ર તરીકે તેણે ભણતર તો મેળવ્યું હતું, પરંતુ એકલું ભણતર પણ ભાગ્યે જ વિજય અપાવી શકે. એને ઘણીયે ઇચ્છા હતી કે એ વિલાયત-અમેરિકા જાય, સોંઘી ડિગ્રી લઈ આવે. કોઈ સરસ અમલદાર બની જાય અને જીવનભર સ્વસ્થ, આરામભર્યું અને પ્રેમોત્તેજક જીવન ગાળી શકે. એવું જીવન એ જ વિજયી જીવન. પરંતુ એને માટે એ શક્ય બન્યું નહિ. સામાન્ય સ્થિતિનાં મા-બાપને ઘેર જન્મ લેવાની ભાગ્યે જ કોઈ મૂર્ખ ઇચ્છા કરે. છતાં કુદરતે એને મૂર્ખ બનાવ્યો જ હતો. એમાંથી વિજય મેળવતો મેળવતો એક સફળ સેનાપતિ તરીકે તે જીવન- સંગ્રામ જીતતો જતો હતો.

તેણે ભણતર પ્રાપ્ત કર્યું, લખવાની. બોલવાની વાતચીતની સરસ લઢણ પણ તેણે હાથ કરી. માગે તે ક્ષણે એ કોઈ સુંદરીને લગ્નમાં પત્ની તરીકે મેળવી શકે એમ હતું. અંતે એક ઉદાર, ભલા, ધનિક અને અનુકુળ આગેવાનના કુટુંબમાં તેને સ્થાન મળ્યું હતું. જીવનસંગ્રામમાં તેને એક સરસ મોરચો મળી ગયો. એ મોરચો હજી પણ વધારે સરસ બની શકે એમ હતું - જો એ ધનિક કુટુંબની એકની એક પુત્રી જ્યોત્સ્ના તેના ધન-મિલકત સાથે તેની પત્ની બની રહે તો ! સંસાર - સંબંધ - શ્રેણી પણ જીવનસંગ્રામનો એક મહત્ત્વનો ભાગ છે. શ્રીલતા જરૂર દેખાવડી હતી. અને સાથે સાથે જ્યોત્સ્ના પણ એના કરતાં ઓછી દેખાવડી ન હતી. આમે માત્ર રૂપની દૃષ્ટિને તો લગભગ મોટા ભાગની યુવતીઓ રુચે જ. એટલે એમાં બહુ પસંદગીનો પ્રશ્ન રહેતો નથી. શ્રીલતા જેમ ભણેલી અને સંસ્કારી હતી તેમ જ્યોત્સ્ના પણ ભણેલી અને સંસ્કારી હતી જ. શ્રીલતા વધારે ચબરાક ખરી, વધારે છૂટથી હરીફરી શકે એવી ખરી, જ્યોત્સ્ના ઓછાબોલી સંકોચભરેલી અને વાતચીતની પટાબાજીમાં ભાગ્યે જ ઊતરે એવા સ્વભાવવાળી હતી. છતાં એ બોલતી ત્યારે શ્રીલતા જેવું જ, મનને ગમી જાય એવું બોલતી. જિદ્દી તો બંને યુવતીઓ ખરી. શ્રીલતાને એ જરાય મળવા ચાહતો ન હતો છતાં ત્યાંથી, અને ગમે ત્યારે, એ મધુકરને પકડી કાઢી એનાં પ્રેમવચન અને એની મુદ્રિકા યાદ આપ્યા જ કરતી હતી ! મધુકરનો અણગમો, મધુકરની અનિચ્છા, મધુકરનો પ્રતીકાર શું શ્રીલતાને નહિ સમજાતો હોય ? ન સમજાતો હોય તો હવે એને સ્પષ્ટ સમજાવવાની જરૂર ખરી કે નહિ? પ્રેમમાં કે લગ્નમાં કોઇએ પીછો પકડવો ન જ જોઈએ... અને... એ... ગમે કે ન ગમે... આજ સુધીની ભાવનાને કે નીતિને ઘાવ લાગે કે ન વાગે તોય... એ તો સ્પષ્ટ જ કે... પ્રેમને અવધિ છે... પ્રેમ બદલાય છે. એક પ્રેમ બીજા પ્રેમ જેટલો સુખદ કે દુઃખદ નીવડે એટલે એને પલટી નાખવો એ જ સત્ય અને વ્યવહાર છે. કલ્પિત ભાવનાને વળગી રહી એક સૂર સાંભળ્યા કરવો અને દુઃખ ખમ્યા કરવું એમાં પ્રેમને પણ ન્યાય મળતો નથી. એવી પ્રગતિશીલ ફિલસૂફી આજની દુનિયાએ સ્વીકારી લેવાની જરૂર છે જ.

તેની ફિલસુફી સમજીને જ જ્યોત્સ્નાએ એને બર્ટ્રાન્ડ રસેલની ઉપમા આપી હશે ? પ્રામાણિક પ્રેમપ્રયોગ કરતા એ ફિલસૂફને હસી કાઢી જ્યોત્સ્ના હવે જેમ બને તેમ જલદી મધુકરના હૃદયને સમજી, પારખી. અપનાવી લે એ જ વધારે ઇચ્છનીય. જીવનસંગ્રામની વિજયસીડીનું એ જ હવે મહાસોપાન. એના ઉપર પગ મૂકી દેવાય તો જીવન વિજયી બની રહે. પરંતુ એ સોપાન ઉપર પગ મૂકવાની હિમ્મત પેલો સુરેન્દ્ર પણ કરી રહ્યો હતો - એની પોતાની ઢબે ! સેવાનો દેખાવ આગળ કરીને ! પ્રેમની પરવા નથી એવો ભ્રમ ઉપજાવીને ! વિજયમાર્ગમાં જે વચ્ચે આવે છે એ દુશ્મનઃ પછી દુનિયાની દૃષ્ટિએ ભલે એ મિત્ર બની રહ્યો હોય ! સુરેન્દ્ર મિત્ર ખરો, એણે એને રાવબહાદુરની પાસે સેક્રેટરીની જગા અપાવી એ સાચું... પરંતુ એમાં એનો પોતાનો જ સ્વાર્થ નહિ હોય એમ કેમ માની શકાય? પોતે સેક્રેટરી બનવાને બદલે જ્યોત્સ્નાનો શિક્ષક બની બેઠો. જેથી જ્યોત્સ્ના ઉપર એ પોતાનો જાદુ કરી શકે ! સેક્રેટરી તરીકે તો... કદાચ... રાવબહાદુરને એ પસંદ ન પડ્યો હોત તો એમણે ઝડપથી તેને દૂર કરી દીધો હોત. રાવબહાદુરને લખી આપવામાં વ્યાખ્યાનોમાં ગરીબીને કેમ ગોઠવવી એ સુરેન્દ્રને ન જ આવડે. અત્યંત સુખ ચારેપાસ ખડકાયલું રાખી પરોપકારનું ડિંડિમ વગાડવું હોય તે સુરેન્દ્ર જેવા એકમાર્ગી બોચિયાને કેમ આવડે? જરૂર એની મર્યાદા રાવબહાદુરે પકડી કાઢી હોત અને એને ક્યારનીયે વિદાયગીરી આપી દીધી હોત !... એ વિચારીને જ એ શિક્ષક બન્યો ! કોનો ? જ્યોત્સ્નાનો !...

સુરેન્દ્ર ત્યારે ધાર્યા જેટલો એકમાર્ગી ન જ કહેવાય. એને બોચિયું ગણી બાજુએ ફેંકી રાખવાની ભૂલમાં મધુકર સરખો મહારથી પણ ગોથું ખાઈ જાય એ સંભવિત ગણાય. દેખાય છે એવો સુરેન્દ્ર એકમાર્ગી હોત તો એણે પોતાની બાજી આવી કુશળતાથી ગોઠવી જ્યોત્સ્ના ઉપર છાપ પાડવાની સતત મળતી તક આમ ઝડપી લીધી ન હોત. યુવતીઓ ઉપર...કે જગત ઉપર... છાપ પાડવા માટે એકલી છટા જ જોઈએ છે એમ નથી. છટા તો જોઈએ જ, છતાં કેટલાંક માનસ એવાં પણ હોઈ શકે છે કે જેના ઉપર છાપ પાડવા માટે ભાવના, સેવા, ભેખ જેવા મુદ્રાલેખ કપાળે લગાડી ફરવું જોઈએ. સુરેન્દ્ર એ સ્વાંગ ભજવવા માંડ્યો અને ઘણી વાર બને છે તેમ એ સ્વાંગ પણ ઘણાની સહાનુભૂતિ જીતી જાય છે. સુરેન્દ્રના એ સ્વાંગ માટે મધુકરે આજ સુધી ખાસ કાંઈ વાંધો ઉઠાવ્યો ન હતો. પરંતુ હવે જ્યારે એ સ્વાંગ હથિયાર બની એની સામે ઊભો રહ્યો હોય ત્યારે એનો પ્રતીકાર કરવો એ જ સાચા લડવૈયાનો ધર્મ બની રહે છે. સુરેન્દ્ર જ્યોત્સ્નાને સેવાના સ્વાંગથી જીતી જાય એ બહુ સોંઘો વિજય ગણાય. અને એમાં મધુકર ભારે પરાજય માને એમાં પણ નવાઈ નહિ. જ્યોત્સ્ના અને તેની મિલકતમાં મધુકરે વિશ્વવિજય નિહાળ્યો. એના વિજયની વચમાં ઊભેલા સુરેન્દ્રને બને એટલી ત્વરાથી દૂર કરવો એ જ હવે એનું ધ્યેય હોઈ શકે !

કમનસીબી એ હતી કે હજી જ્યોત્સા સુરેન્દ્રની મહત્તાને માન આપતી જતી હતી. જ્યોત્સ્નાને મધુકર સાથે ફરવાહરવાની છૂટ હતી. એ છૂટમાં માતાપિતાની સંમતિ હતી; એ છૂટમાં માતાપિતાની સંમતિનો અર્થ સમજી શકાય એવો હતો. બગીચામાં સાથે ફરવું, સિનેમાનાં ચિત્રો સાથે નિહાળવાં, કારમાં એકલાં જવું, એ બધું ધીમે ધીમે શક્ય બનતું જતું હતું. પરંતુ... તે છતાં હજી સુરેન્દ્રનો બચાવ કરવા જ્યોત્સ્ના પ્રવૃત્ત થતી હતી એ આંખ ઉઘાડનારું સત્ય મધુકરથી ભુલાય એમ ન હતું. એ સત્યને મિટાવવા માટે એક જ ઈલાજ : જ્યોત્સ્ના અને સુરેન્દ્ર પરસ્પરથી દૂર થવાં જ જોઈએ.

એક રસ્તો એને મળ્યો જ હતો. સુરેન્દ્રના શિક્ષણમાં જ્યોત્સ્ના અણગમતાં સ્થળોએ જતી હતી અને અણગમતા માણસોના સંસર્ગમાં આવતી હતી, એ વાત તો એનાં માતાપિતાના મન ઉપર મધુકર ઠસાવી હતી. પરંતુ જ્યોત્સ્ના માતાપિતાની માનીતી દીકરી હતી. સહજ અણગમો બતાવ્યા ઉપરાંત માતાપિતાએ બીજું કાંઈ જ વધારે કર્યું નહિ. છતાં એ માર્ગે સુરેન્દ્ર પ્રત્યેનો માતાપિતાનો વિરોધ વધારી શકાય એમ હતું.

એકાએક તેને બીજો માર્ગ મળી ગયો. સૂતે સૂતે વિચાર કરતો મધુકર નવા માર્ગનો પ્રકાશ પડતાં એકદમ જાગૃત બની બેઠો થઈ ગયો. પયગંબરોને ઈશ્વરી સંદેશા પણ આ જ રીતે મળતા હશે ! શોધકોને સત્ય પણ આમ જ પ્રાપ્ત થતાં હશે ! મધુકરને ખરેખર આનંદ થયો. એને નવો માર્ગ મળ્યો. એ અજમાવવાની વહેલામાં વહેલી તક મધુકરે ઝડપી લેવી જ જોઈએ. એથી સુરેન્દ્ર અને જ્યોત્સ્ના વચ્ચેનો સંબંધ એકાએક અટકી જ જવાનો !

અને છતાં જ્યોત્સ્નાની જીદ ચાલુ રહે તો?

એ પ્રશ્ન ઊભો થાય ત્યારે એનો ઇલાજ કરવાનો. હમણાં તો પ્રથમ પગલું - એક જ પગલું બસ થઈ જાય ! બંનેને જુદાં પાડવા માટે સફળ પ્રયાસ કરતાં બંનેની પરસ્પર જાગતી સહાનુભૂતિ માટે તક જ ઉત્પન્ન થતી અટકી જાય... અને ઘણા પ્રેમ, ઘણા સ્નેહ, ઘણાં વહાલ પરસ્પરથી દૂર થતાં ઘસાઈ ભૂંસાઈ જાય છે, એ સત્ય મધુકર સરખા વિજયનાદે ચઢેલા યુવાનને ખબર ન હોય એમ તો બને જ નહિ ! જ્યોત્સ્ના અને સુરેન્દ્ર પરસ્પરથી છૂટાં પડશે તો સ્વાભાવિક રીતે બંને એકબીજાને ભૂલતાં જશે. કદાચ સુરેન્દ્ર નહિ ભૂલે તો તેની હરકત નહિ, એની સેવાભાવનાના ઢોંગને બરાબર જવાબ મળી શકશે. અને જ્યોત્સ્નાની સાથે વધારે સમય મધુકર ગાળતો રહેશે તો જ્યોત્સ્નાના હૃદયમાંથી સુરેન્દ્રની જડને ઉખાડી નાખી શકાશે. એ શક્તિ મધુકરમાં હતી જ.

પયગમ્બરોને ઈશ્વરી સંદેશ મળે એની ખુશાલીમાં આવેલી ઝબકતી જાગૃતિ પછી તેમને સત્ય જડ્યાના આનંદમાં સાચી નિદ્રા પણ આવી જતી હશે. મધુકરને સારી નિદ્રા આવી, અને બીજે દિવસે તેને શુકન પણ સારાં થયાં. રાવબહાદુરને બંગલે પહોંચતાં જ તેને જ્યોત્સ્ના પાસે ઝડપથી જવાનું આમંત્રણ મળ્યું. જ્યોત્સ્નાએ મધુકરને આ ઢબે પહેલી જ વાર બોલાવ્યો હતો, તેને લાગ્યું કે તેની યોજનામાં સફળતાની કડીઓ સંધાવા લાગી છે.

જ્યોત્સ્ના પાસે તે ઝડપથી ગયો.

‘હું તારી જ રાહ જોઈ રહી છું, મધુકર !’ મધુકરને જોતાં બરાબર જ્યોત્સ્નાએ કહ્યું.

‘મારું એવું શું કામ પડ્યું છે ?’ મધુકરે પૂછ્યું.

‘કેમ, મેં તને કહ્યું હતું ને કે આપણે એક સરસ નાટક ગોઠવવાનું છે? એમાં મારે તારી મદદ જોઈએ.’

‘મેં ના નથી પાડી. તું કહે તે રીતે આપણે નાટકની યોજના કરીએ.’ મધુકરે કહ્યું. અને જ્યોત્સ્ના તથા મધુકર બંને થોડા સમય સુધી નાટકની યોજના વિચારતાં બેઠાં. ગ્રામજીવન અને શહેરીજીવનના ભેદ બતાવતું એક દૃશ્ય રચવાનું હતું અને તેમાં વસ્તુ, પાત્રો અને સાધનોનો પ્રાથમિક વિચાર બંનેએ મળીને કરી લીધો. પાત્રોમાં શ્રીલતાનું નામ જ્યારે જ્યારે જ્યોત્સ્ના લેતી ત્યારે ત્યારે એક અગર બીજે કારણે મધુકર તેનો વિરોધ કરતો.

‘શ્રીલતાને ગ્રામ્ય યુવતી તરીકે આપણે સમજાવીએ તો કેવું ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘શ્રીલતાને ? ગમે તેવા ગામડિયા વેશમાં પણ શ્રીલતા શહેરી છે એ દેખાઈ આવ્યા વિના રહેવાનું નથી.’ મધુકર જવાબ આપતો.

‘તો આપણે એને નગરયુવતી તરીકે શણગારીએ.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘હા, ભાઈ ! તું એને વધારે સમજે.’

‘એને શહેરી લલનાનો સ્વાંગ આપીશું તો શ્રીલતા મર્યાદાનું અતિક્રમણ કરશે. આમ તું નથી જોતી કે કેટલો વધારે પડતો દેખાવ કરે છે?’

‘મધુકર ! તને એ ક્યાંથી ખબર પડી કે શ્રીલતા વધારે પડતો શહેરીપણાનો દેખાવ કરે છે ?’

‘જ્યારથી મેં એને મળવાનું ઘટાડી દીધું ત્યારથી જ હું એની અતિશય શહેરી લટક ઓળખી ગયો છું. નાટકમાં પણ વધારે પડે એવી એની ભભક છે. એની ભભક મને અણગમતી થઈ પડી છે.’

‘એ... મ ? તો આ રીતે એને કશો પણ સ્વાંગ નહિ આપી શકાય...ખરું?’ કહી જ્યોત્સ્ના મધુકરની સામે ક્ષણ બે ક્ષણ ધારીને જોઈ રહી. અને પછી બન્નેએ મળીને આખા નાટકની યોજના વિચારી અને નક્કી કરી નાખી.

સુરેન્દ્રને જ્યોત્સ્નાએ બિલકુલ યાદ જ કર્યો નહિ એ મધુકરની આજે પ્રથમ ખુશાલી; ધારીને જ્યોત્સ્નાએ મધુકરની સામે જોયું એ મધુકરની બીજી ખુશાલી; સાંજે સાથે ફરવા આવવાનું આમંત્રણ જ્યોત્સ્નાએ પોતે જ આપ્યું એ એની ત્રીજી ખુશાલી; અને ચોથી ખુશાલી તેને એકબે દિવસમાં મળી જવાની હતી એ ખાતરીએ મધુકરને અત્યંત પ્રફુલ્લિત બનાવ્યો હતો.