સ્નેહસૃષ્ટિ/પ્રેમની સ્પષ્ટતા
← પ્રેમના વ્યૂહ | સ્નેહસૃષ્ટિ પ્રેમની સ્પષ્ટતા રમણલાલ દેસાઈ |
આશાની મીટ → |
મધુકરની બાજી ગોઠવાઈ ગઈ હતી. પ્રભાતનાં પત્રો વંચાઈ રહ્યાં. વ્યવસ્થિત રીતે ચાલતા ધનિકના ઘરમાં અને ધંધામાં ધનિકને બહુ જોવું પડતું નથી. સમય ઘણો ફાજલ રહેતો હોય છતાં ઘણું કામ કરવાનું રહી જતું હોય એવો ભ્રમ સેવનાર મોટા માણસોનું શ્રમજીવન સમય સામે ખાલી
બાથોડિયાં મારવા પૂરતું જ ભરેલું હોય છે. પત્રો વંચાઈ ગયાં; આસપાસ પડેલ પુસ્તકોમાંથી કેટલાંક રાવબહાદુરે ઉથલાવ્યાં: કેટલાંકનાં પૂઠાં જોયાં. કેટલાંક પુસ્તકોનાં પહેલાં પાન જોયાં, કેટલાંકનાં છેલ્લાં પાન, કેટલાંક પુસ્તકોનાં ચિત્રો અને કેટલાંકનાં લેખક નામ નિહાળતા હતા એટલામાં ભક્તિમાર્ગનો એક ગ્રંથ વાંચતાં યશોદાબહેને પૂછ્યું :
‘આ સામ્યવાદીઓ શું કરતા હશે ?... એમને શું જોઈએ તેની મને જરાય સમજ પડતી નથી.’
નવરાશના ઢગલા ઉપર બેઠેલી ધનિક સ્ત્રીઓ છેક નિરુપયોગી જીવન નથી ગાળતી. કાં તો તેઓ ભરતગૂંથણમાં ગૂંચવાયેલી રહે અગર ધર્મગ્રંથોના વાંચનમાં ! એ સિવાયનો આછો રહેલો સમય દવા, ડૉક્ટર અને નિદ્રા લઈ જાય છે !
પરીક્ષિતને મોક્ષ આપતા ભાગવતના વાંચનમાંથી સામ્યવાદ યશોદાબહેનને કેમ યાદ આવ્યો એ રાવબહાદુરથી સમજાયું નહિ.
‘ભાગવત વાંચતાં સામ્યવાદ ક્યાંથી તને જડ્યો ?’ રાવબહાદુરે પૂછ્યું.
‘આ તો મને યાદ એમ આવ્યું કે... આપણા ઋષિમુનિઓ સંસારસુખ ત્યાગીને જતા એમને સામ્યવાદી કહેવાય કે નહિ ?’
‘અરે સામ્યવાદીઓ તો બીજાઓની મિલકત લૂંટી લેનારા !’
‘એમ? તે લોકો મિલકત લૂંટી કેમ લેવા દેતા હશે ?’
‘મિલકત જેની હોય તે તો કાંઈ બીજાને લૂંટી લેવા ન દે... પણ આ તો એમનો સિદ્ધાંત જ એ કે ધનિકોને લૂંટવા અને ગરીબોમાં જિયાફત ઉડાવવી. ગરીબી ઘટાડવા જેટલી જેમનામાં બુદ્ધિશક્તિ ન હોય તેમને એ વાદ ગમી ગયો !’
‘તે રશિયામાં એમ જ ચાલતું હશે શું ?’ યશોદાબહેન ધીમે ધીમે વિદ્વતા તરફ વળતાં જતાં હતાં. મધુકરે રશિયા વિશે કેટલીક હકીકત તેમને કહી હતી.
'રશિયામાં તો કોઈને જવા દેતા નથી, ને રશિયા બહાર કોઈને આવવા દેતા નથી ! પણ આ હડતાલો પડે છે, તોફાનો થાય છે, સરઘસો ફરે છે, પથરો ફેંકાય છે, ધાડો પડે છે, તિજોરીઓ લૂંટાય છે એ બધું સામ્યવાદના પ્રતાપે જ થાય છે.’ રાવબહાદુરે સામ્યવાદ વિશે પોતાનું જ્ઞાન પ્રદર્શિત કર્યું.
‘આ હડતાલો પડાવવી, તોફાનો કરાવવાં, સરઘસો કાઢવાં, એ તો ગાંધીવાદીઓ પણ કરે છે, નહિ ?’
‘આ તમારો મધુકર આવ્યો. એ ઘણું ઘણું વાંચી જાણી લાવે છે. એને પૂછો.’ રાવબહાદુરે કહ્યું અને મધુકરે રાવબહાદુરના ખંડમાં પ્રવેશ કર્યો. હમણાંનો મધુકર ઘણો જ માનીતો બની ગયો હતો. સવારમાં આવી છેક રાત્રે એ ઘેર જતો. બન્ને વાર જમતો પણ રાવબહાદુર સાથે. એને લેવા તથા મૂકવા રાવબહાદુરની કાર તેને ઘેર જતી... અને ઘર કરતાં રાવબહાદુરનું સ્થાન વધારે સુખસગવડવાળું હોવાથી વધારે સમય રાવબહાદુરને ત્યાં ગાળવામાં મધુકરને હરકત ન હતી. મધુકરને આખોય દિવસ અહીં જ રહેવાનું હોવાથી બંગલાનો એક સુંદર ખંડ પણ ઈલાયદો કાઢી આપવામાં આવ્યો હતો. ઝડપથી એ ઘરનો માણસ બની જતો હતો.
‘મને શું પૂછવાનું છે. યશોદાબહેન ?’ મધુકરે પૂછ્યું.
‘આ હમણાંની સામ્યવાદની બહુ વાતો હું વર્તમાનપત્રોમાં વાંચું છું, અને સાંભળું છું. એ શો વાદ હશે એ હું એમને પૂછતી હતી.’ યશોદાએ કહ્યું.
‘હા જી. રાવબહાદુરને હમણાં કોઈ વ્યાખ્યાનમાં એની જરૂર પડી હતી. મેં ગ્રન્થો કાઢી ભાષણ પણ તૈયાર કરાવ્યું હતું.’ મધુકરે કહ્યું.
‘હુંયે તેથી જ પૂછું છું... એ તો કહે છે કે એ ધાડપાડુઓનું મંડળ છે.’
‘છેક એમ નહિ... પણ હા, રાજકીય ધાડ પાડવામાં સામ્યવાદને હરકત નહિ.’
‘બાપ રે ! એવા લોકો શું ન કરે ?’
‘ફેરફાર, ઊથલપાથલ, ક્રાંતિ, બળવો, વિપ્લવ એ એમના સિદ્ધાંતો. શક્તિ હોય ત્યાં સુધી ખુલ્લી ક્રાંતિ અને ન હોય ત્યાં છૂપી કાંતિ !’
સામ્યવાદના સિદ્ધાંત ઉપર મધુકરે પ્રકાશ પાડ્યો.
'કહે છે કે બધા જુવાનિયા જ એમાં પડે છે ?'
‘એમ ખરું... કંઈક અંશે... જુવાનોને અસર થાય છે... બધામાંય' પ્રામાણિક દેખાઈ સામ્યવાદ વિરુદ્ધ વાતાવરણ મધુકરે બન્નેના મનમાં ઊભું કરવા માંડ્યું હતું. એની પોતાની યોજનાનો આ એક વિભાગ હતો. મધુકરને પોતાને સામ્યવાદ પ્રત્યે વેર પણ ન હતું અને મૈત્રી પણ ન હતી. જે વાદ તેને જીવનમાં વિજય અપાવે એ વાદ તેનો બની શકતો. અને જાતે બહુશ્રુત તથા વાંચનશોખીન હતો એટલે વાત કરી શકાય એટલું એ ઘણું જાણતો.
'જોજો, ભાઈ ! આપણી આસપાસ કોઈ સામ્યવાદી ભરાઈ ન જાય !' યશોદાબહેને જરા ભયનો દેખાવ કરી કહ્યું અને મધુકરે બહુ સૂચક હાસ્ય કર્યું.
'કેમ હસ્યા, મધુકર ?' રાવબહાદુરે પૂછ્યું.
‘કાંઈ નહિ... આ તો યશોદાબહેનનો ભય કેવો સાચો છે એનો ખ્યાલ આવતાં મને જરા હસવું આવ્યું.. હવે સામ્યવાદીઓ તો ઘેર ઘેર ભરાઈ ગયેલા છે... આજના સમયમાં.' મધુકરે સ્વસ્થતાથી જવાબ આપ્યો.
'આપણે ત્યાં પણ ત્યારે એમ જ હશે શું? જ્યોત્સ્નાને તો કાંઈ એવું ભૂત વળગ્યું કર્યું તો નથી ને ?' યશોદાબહેને વધારે ધડકતે હૃદયે પૂછ્યું.
'એ તો સુરેન્દ્ર જાણે. સુરેન્દ્ર એમનો શિક્ષક.. એ છે તો મારો મિત્ર પરંતુ જ્યારે તમને સહુને સામ્યવાદનો આવો ભય છે ત્યારે મારે કહેવું જોઈએ કે-'
'કેમ અટકી ગયા ?'
'કાંઈ નહિ. આગળ ઉપર હું કહીશ.'
'ના ના, હમણાં જ કહો. મારા ઘરમાં એવાં તૂત ન ચાલે. કાંઈ હોય તો કહી નાખો. સુરેન્દ્ર માટે તમે શું કહેવા જતા હતા?'
'આમ તો એ... બહુ સારો યુવાન છે... પણ... ગરીબો માટેની ખોટી લાગણી ઝડપથી માનવીને સામ્યવાદ તરફ ઘસડી જાય છે.' મધુકરે ધીમે ધીમે અચકાતે અચકાતે કહ્યું.
એ સુરેન્દ્ર સામ્યવાદી છે ?' રાવબહાદુરે પૂછ્યું.
'ખુલ્લો નહિ હોય... પણ ગરીબી અને સેવાની ધૂનવાળા બધા લગભગ સામ્યવાદી વલણના તો ખરા જ. પૈસાદારો પ્રત્યે એમને ભારે દુશ્મનાવટ !' મધુકરે કહ્યું.
'લો ! આપણે કોઈનું શું બગાડીએ છીએ જે આપણા તરફ દુશ્મનાવટ રાખવી પડે ? બાકી આપણે તો પાંચપચાસ આપી છૂટીએ છીએ ગરીબોને !.. તોય આપણે દુશ્મન ? એ ખરું !' યશોદાબહેન બોલ્યાં. ગરીબોને ઉદારતાપૂર્વક દાન આપતા ધનિકો ગરીબોને દુશ્મન કેમ લાગે એની યશોદાબહેનને સમજ ન પડી.
‘એમ હોય તો... આપણે... સુરેન્દ્રને આપણે ત્યાં ન જ રાખી શકીએ. એ લાલ ઝેર જ્યોત્માના લોહીમાં ઊતરે તો પછી આફત ને ?' રાવબહાદુરે આવતી આફત ઓળખવા માંડી.
'એ લાલ ઝેર કયું પાછું ?' યશોદાબહેને પૂછ્યું. લોહી લાલ હોય તે સારું લાલ કંકુ સૌભાગ્યચિહ્ન મનાય પણ સામ્યવાદ પોતે જ લાલ ઝેર તરીકે ગણાયું છે એનું નવું જ્ઞાન યશોદાબહેને હજી હવે મેળવવાનું હતું. કોઈની પાસે ખાનગી મિલકત ન હોવી જોઈએ. ન્યાત, જાત કે ધર્મ કોઈએ પાળવા ન જોઈએ, અને સ્ત્રીપુરુષ વચ્ચે લગ્નસંબંધ હોવો ન જોઈએ - લગભગ વ્યભિચાર કહો ને ! આવા આવા સિદ્ધાંતો સામ્યવાદમાં હોય છે એટલે ઘણા વિચારકો એને લાલ ઝેર તરીકે ઓળખાવે છે. મધુકરે સામ્યવાદને વધારે સ્પષ્ટતાપૂર્વક ઓળખાવ્યો... તરફેણ કરનારી આંખ જુદી જ હોય છે... અને જેવી આંખ તેવી જીભ.
“હાય હાય, બાપ ! આવું બધું ચાલે છે દુનિયામાં?... એને લાલ ઝેર પણ શી રીતે કહેવાય? એ તો કાળું હળાહળ ઝેર ! સુરેન્દ્ર આવા પંથમાં છે ?' યશોદાબહેનની દૃષ્ટિ હજી પંથ, માર્ગ અને ધર્મની સીમા બહાર નીકળી શકતી ન હતી.
'જ્યોત્સાને શિક્ષકની જરૂર હોય તો બીજો શિક્ષક શોધો.' રાવબહાદુરે પણ કહ્યું. પરંતુ મધુકરને પોતાને માટે હજીય વધારે પ્રમાણમાં ઉદારતા અને ગૃહસ્થાઈની છાપ પાડવી હતી.... અને સાથે સાથે બન્નેના હૃદયમાં હજી વધારે સ્પષ્ટતાભર્યું સ્થાન લેવું હતું.
‘એ તો બની શકશે. યશોદાબહેન ! હમણાં કેટલાય દિવસથી જ્યોત્નાબહેન જ ક્યાં સુરેન્દ્રને મળે છે ?” મધુકરે કહ્યું.
'એટલે ?'
'મને એમ લાગે છે કે.… હમણાં હમણાં જ્યારે જ્યારે સુરેન્દ્ર આવે છે ત્યારે જ્યોત્નાબહેન કાં તો ઘરમાં જ ન હોય કે પછી નાટકની તૈયારીમાં રોકાયાં હોય... એટલે હું જોઉં છું કે સુરેન્દ્ર કચવાઈને પાછો જાય છે.' મધુકરે આનંદપૂર્વક અનુભવેલું જ્યોત્સ્નાનું આ નવું વર્તન કહી સંભળાવ્યું.
'તો પછી સુરેન્દ્ર જતો કેમ નથી ?' માતાએ જરા ઉગ્રતાથી કહ્યું.
‘જ્યોત્સ્નાબહેનના આવા ઇશારાથી એ નહિ સમજે તો આપણે એને વધારે સ્પષ્ટતાથી સમજાવીશું... એ આખી વાત મારા ઉપર આપ છોડી દો... આવતે મહિને એ જ્યોત્સ્નાબહેનનો શિક્ષક નહિ હોય.' કહી મધુકર પોતાને કામે ગયો.
મધુકરની બાજીમાં પોબાર પડતા હોય એમ મધુકરને લાગ્યું. સામ્યવાદની ભડક રાવબહાદુરને ઘેર ઉપજાવવામાં મધુકરને સફળતા મળી. સુરેન્દ્ર સામ્યવાદી પક્ષમાં સભ્ય તરીકે જોડાયેલો છે કે કેમ એની ખાતરી કરવાની જરૂર રહેતી જ નથી... માત્ર એનું વલણ સામ્યવાદી છે એમ કહેવું, સામ્યવાદનું ભયંકર ચિત્રણ ચીતરવું ને એનો સ્પર્શસંબંધ અનિષ્ટ છે એવું વાતાવરણ ઉપજાવવું, એ મધુકર સરખા કલાકારને માટે બહુ મુશ્કેલ તો હતું જ નહિ.
હમણાં હમણાં જ્યોત્સ્ના સુરેન્દ્રનું શિક્ષણ અને શિક્ષણના સમયને ટાળતી હોય એમ મધુકરને લાગ્યું... અને સુરેન્દ્રને પણ લાગ્યું. વળી જ્યોત્સ્ના મધુકરને પહેલા કરતાં વધારે પ્રમાણમાં બોલાવતી. વધારે પ્રમાણમાં તેની સાથે વાતચીત કરતી, નાટકની અને બીજા પ્રશ્નોની મધુકર સાથે સહજ વધારે ચર્ચા પણ કરતી અને મધુકરની સાથે ચાહીને ફરવા પણ જતી હતી. જ્યોત્સ્નાના નાનપણમાં માતાપિતાએ પરખી રાખેલા ભાવિ પતિઓ તો અધ્ધર ઉડી ગયા હતા. જ્યોત્સ્નાની મરજી વિરુદ્ધ તેનાં લગ્ન કરવાની વૃત્તિ માતાપિતામાં હતી જ નહિ, જોકે તેનાં યોગ્ય વર સાથે લગ્ન થઈ જાય એવી તીવ્ર ઈચ્છા તેમને રહેતી ખરી ! અકસ્માત તેમના આકાશમાં મધુકર સરખા ચમકતા યુવકનો પ્રવેશ થયો. મધુકરે માતાપિતાને વશ કરી લીધા અને માતાપિતા એમ પણ ઈચ્છી રહ્યાં કે હવે જ્યોત્સ્નાને પણ મધુકર વશ કરી લે.
પરંતુ, જ્યોત્સ્ના હજી પૂરી ન સમજાય એવી છોકરી હતી. માતાપિતાને તેમ જ મધુકરને ઘડીમાં ખ્યાલ આવતો કે એ મધુકરને જરાય ગણતી નથી, અને બીજી ઘડીએ લાગતું કે તે મધુકર સાથે જરા હસીને બોલે છે ! હસીને બોલવાના પ્રસંગો વધતા જતા હતા એ ચિન્હ ખરેખર સારું જ ગણાય. કુશળ યોજક તરીકે તેણે પણ જ્યોત્સ્નાના આમંત્રણ સિવાય જ્યોત્સ્ના પાસે ન જવાનો નિયમ લીધો.. અને વધારામાં જ્યોત્સ્ના પ્રત્યેના પોતાના પ્રેમને પ્રગટ કરવાનું પણ તેણે ઓછું કરી નાખ્યું... લગભગ બંધ જ કરી દીધું.... માત્ર પોતાનો ભાવપ્રેમ જ્યોત્સ્ના તરફ નથી એમ માનવા જ્યોત્સ્ના પ્રેરાય નહિ એટલી સાવચેતી એણે રાખી ખરી. ધીમે ધીમે જ્યોત્સ્ના તેને વધારે પ્રમાણમાં બોલાવતી થઈ હતી એની પણ નોંધ મધુકરે મનમાં લખી રાખી.
રાવબહાદુર અને યશોદાબહેનને સામ્યવાદ વિષે થોડું જ્ઞાન આપી પોતાને કામે જતા મધુકરને એક નોકરે આવીને ખબર આપી કે જ્યોત્સ્ના તને યાદ કરતી હતી. મોટા માણસો બોલાવે ત્યારે તેઓ કાંતો યાદ કરે અગર સલામ કહાવે ! જ્યોત્સ્ના બોલાવે છતાં મધુકર ન જાય એવી શ્રેષ્ઠત્વભરી પ્રેમભૂમિકાએ પહોંચાય ત્યાં સુધી જ્યોત્સ્નાના બોલને આજ્ઞા માનવાનું ડહાપણ મધુકર વાપરતો હતો. મધુકર પણ તત્કાળ જ્યોત્સ્નાના ખંડમાં ગયો. ત્યાં શ્રીલતાને બેઠેલી જોઈ મધુકર પ્રથમ તો ચમક્યો, પરંતુ જોતજોતામાં સ્વસ્થ બની એણે પૂછ્યું :
‘કેમ જ્યોત્સ્ના ! મને કેમ બોલાવ્યો ?'
મધુકરે શ્રીલતા તરફ ન જોયું; અને શ્રીલતા તો મધુકરની સામેથી મુખ ફેરવીને બેઠી જ હતી - તેના આવતા બરોબર.
‘આપણું નાટ્યસંમેલન સફળ થાય એમ લાગતું નથી. મધુકર !' જ્યોત્સ્નાએ જવાબમાં કહ્યું,
'તને તો ભારે આશા હતી. શો વાંધો પડ્યો ?' મધુકરે કહ્યું.
'બધા જ વાંધા. શકુન્તલા બનવાની ગૌરીએ હા પાડી, પરંતુ શિશિરને દુષ્યંત બનાવવા માંડ્યો ત્યારે ગૌરીએ ચોખ્ખી ના પાડી. જયા બનવાને નયના તૈયાર થઈ, ત્યારે વિહારી કહે છે કે નયના જયા બનવાની હોય તો એ જયંત નહિ બને... આમ ચાલ્યા જ કરે છે.' જ્યોત્સ્નાએ કહ્યું.
'બીજી ઘણી છોકરીઓ અને છોકરાઓ મળી શકે એમ છે.' મધુકરે કહ્યું.
‘તો તું જરા કામમાં જીવ રાખ ને, ભાઈ ! આ ગરબામાં પણ એનું એ જ તોફાન !'
'ગરબા તો આપણે નક્કી કરી નાખ્યા છે ને ?'
'હા. પણ કોણ ઉપાડે અને કોણ ઝીલે એનો મોટો ઝઘડો પડ્યો છે.'
‘પણ નંદાબહેનની સુરેશાએ પહેલો ગરબો ઉપાડવો એમ આપણે નક્કી કર્યું હતું.'
‘તે હવે સંધ્યાબહેન અને “પાર્ટી” એમાં જોડાવાની ના કહે છે.'
'સંધ્યાને પોતાને ગરબો ઉપાડવો હશે !...'
‘એટલું જ નહિ... પણ તે પહેલો જ એમનો ઉપાડેલો ગરબો જોઈએ; . ને તો જ એ આવે; આવી તો શર્ત છે સંધ્યાબહેનની !' જ્યોત્સ્નાએ પોતાની મુશ્કેલી રજૂ કરી.
'પાંચ બાળકોની મા થઈ તોય સંધ્યાને હજી ગરબે ઘૂમવાનું મન ઘટતું નથી. એનો તે કાંઈ અવાજ છે ? એ તો ગાય છે કે ચિચિયારી પાડે છે ?'
'એ જે હોય તે!... ઉપરાંત એમને તો અભિનય સાથે ગરબો યોજવો છે!'
'શું આ બૈરાં ગરબા અંગે ઘેલછાએ ચઢે છે ? થડ જેવું તો શરીર બની ગયું છે અને હજી એને નાચવું છે !' મધુકર બોલ્યો. અણગમતા માણસોને વખોડવામાં પણ ઠીક મઝા આવે છે ! પરંતુ સંધ્યાના દેહની મશ્કરીમાં જ્યોત્સ્નાને રસ હોય એમ લાગ્યું નહિ. સ્ત્રીઓનાં દેહપરિવર્તન અને રૂપપરિવર્તન તો થયા જ કરે છે; ગંભીર સ્ત્રીઓને એમાં હસવું ગમતું નથી.
'પણ હવે એનો નિકાલ શો લાવવો?' જ્યોત્સ્નાએ પૂછ્યું.
'આ શ્રીલતા શું કહે છે? વાતચીતમાં જરા રસ બતાવ્યા વગર મુખ ફેરવી બેઠેલી શ્રીલતાને જરા સારું લગાડવા મધુકરે પૂછ્યું.
'મારું નામ ન લેઈશ, મધુકર ! મારે અને તારે કોઈ લેવાદેવા નથી.' શ્રીલતાએ છણકાઈને કહ્યું.
'એની સાથે તું પરણે નહિ ત્યાં સુધી એ તારી સાથે બોલવાની નથી!' જ્યોત્સ્નાએ જરા હસી મધુકરને કહ્યું.
'પરણે છે મારો દૈવ!... હવે તો તું એને પરણે તો ખરું!' કહી શ્રીલતા ઊભી થઈ.
'કેમ ? જાય છે? જરા બેસને ?' જ્યોત્સ્નાએ કહ્યું.
'ના રે ! તમારા બેની વચમાં હું આવવા માગતી નથી... તમારા બેમાંથી કોઈનું લગ્ન થાય તો મને બોલાવજો.... હું આવીશ. નાટ્યપ્રયોગમાં તો મધુકરે મને નપાસ કરી... ચાલ.. હવે હું જાઉં છું કહી શ્રીલતા દમામથી ચાલી ગઈ.
જ્યોત્સ્નાએ જરા સ્મિત કર્યું. મધુકર ક્ષણભર સંકોચ પામ્યો.