સ્નેહસૃષ્ટિ/બાગ અને પ્રેમ
સ્નેહસૃષ્ટિ બાગ અને પ્રેમ રમણલાલ દેસાઈ |
સમજની શરૂઆત → |
નદીતટનો સદુપયોગ કરતાં આવડે તો એ તટ બગીચો બની જાય છે. મોટે ભાગે ભારતનાં નગરેનગરમાં નદી હોય છે. નદી ન હોય ત્યાં તલાવ-સરોવર પણ હોય. અહીં તો નદીકિનારો હતો. કિનારા ઉપર એક વિશાળ સાર્વજનિક બગીચો હતો. બગીચામાં વૃક્ષોની ઘટા હતી, નીલમ લીલું ઘાસ પથરાયેલું હતું અને પુષ્પક્યારાઓ પણ વેરાયેલા પડ્યા હતા. ઉજાણી માટેની એ આદર્શ જગા. ઉજાણી આપણી પ્રાચીન ઉદ્યાનિકા માટે પ્રજાના મોટા ભાગને હવે ફુરસદ નથી. છતાં પ્રજાનો વિદ્યાર્થીવર્ગ હજી બાગબગીચા અને નદીતટનાં એકાંત શોધી સમૂહઆનંદ કદી કદી લે છે. રજાનો દિવસ હોય, દિવસનો ત્રીજો પ્રહર હોય, મિત્રોનું જૂથ હોય અને એ જુથમાં થોડી વિદ્યાર્થિનીઓ પણ હોય ત્યારે ‘પિકનિક’ના અંગ્રેજી નામ નીચે વિદ્યાર્થીઓને આવા સ્થળ બહુ આનંદ આપી રહે છે.
આ બગીચાનો એવો જ ઉપયોગ થઈ રહ્યો હતો. પંદર-વીસ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એક વિશાળ ઘટામાં અને ખુલ્લા ઘાસ ઉપર બેઠાં હતાં, ફરતાં હતાં, દોડતાં હતાં, હીંચકા ખાતાં હતાં, હસતાં હતાં અને બેડમિન્ટન પણ રમતાં હતાં. આનંદ નિર્દોષ જ હોય; છતાં એ આનંદમાં અંગત તત્ત્વ ભળે ત્યારે આનંદ દુષિત તો નહિ પરંતુ મર્યાદિત બની જાય ખરો. સમૂહમાં હસતાં રમતાં યુવક-યુવતીઓ વચ્ચેથી લાગ જોઈ કોઈને અલગ થઈ જવું હોય તો તેની સગવડ પણ આવા બગીચાઓમાં મળી શકે ખરી. જોકે એમાં એકાંતભંગ થવાનો પણ ભય પ્રત્યેક ક્ષણે હોય જ. યુવક-યુવતીના સમૂહ એકાંતશોધનનો ઠીકઠીક આગ્રહ રાખે છે, અને લાગ જોઈ એકાંત મેળવે પણ છે. આવો લાગ શોધી સહજ છૂટાં પડેલાં યુવકયુવતીનું એક યુગલ વૃક્ષના વિશાળ થડને ઓથે ઉભું રહ્યું હતું અને વાત કરતું હતું. વાત કરતે કરતે યુવતીએ યુવકનો હાથ પકડ્યો અને પૂછ્યું :
‘મધુકર ! આ વીંટી આપ્યે કેટલા માસ થયા ?’
‘છ માસ તો થયા હશે. શ્રીલતા !… કેમ, એનો અણગમો આવ્યો ! બીજી આપું ?’ મધુકરે કહ્યું.
મધુકર છટાભર્યો યુવક હતો; એનાં વસ્ત્રો પણ છટાભર્યાં હતાં; એની વાતચીત પણ છટાભરી જ હોય !
પરંતુ શ્રીલતા પણ મધુકર સરખી જ છટાભરેલી યુવતી હતી. એણે જવાબ આપ્યો :
‘એક જ વીંટી બસ છે. બીજી ન જોઈએ. હું સંભારું છું એ વીંટી નહિ, પરંતુ વીંટીના હક્ક.’
‘લગ્નની વાત કરે છે તું ?.... હું કોઈ યોગ્ય સ્થળે ગોઠવાઈ જઉં અને… અને તું પણ તારી છેલ્લી પરીક્ષા આપી દે… પછી ગમે તે ક્ષણે લગ્ન !’
‘હવે ક્ષણો યુગ બનતી જાય છે, મધુકર !’
‘માટે જ હું તને વધારે મળતો નથી. હમણાં !’ કહી મધુકરે પોતાનો હાથ સહજ ખેંચ્યો. હાથ સાથે જ આખી શ્રીલતા ખેંચાઈ ને મધુકરની વધારે નજીક આવી. મધુકરે શ્રીલતાનો દેહસ્પર્શ થતાં જ બેદરકારીપૂર્વક ખિસ્સામાંથી સિગરેટની ડબી કાઢી અને સિગરેટ – શિક્ષણના પ્રાધ્યાપકને શોભે એવી છટાથી તેણે સળગાવી મુખમાં મૂકી. જેના પ્રત્યે માનવીને આદર હોય અને પ્રેમ હોય એની નાનામાં નાની વિગતોમાં પણ પ્રેમીને કલામયતા દેખાઈ આવે છે. સફાઈથી સિગરેટની ધૂણી વેરતો મધુકર શ્રીલતાને કામદેવનો અવતાર પણ લાગ્યો હોય ! મધુકરના દેહસ્પર્શનો અનુભવ લઈ રહેલી શ્રીલતાએ જોયું કે મધુકર તેનાથી સહજ દૂર ખસી ગયો છે. શ્રીલતા પોતાનો અણગમો વ્યક્ત કરે તે પહેલાં જ મધુકરે કહ્યું :
‘જો જો. પેલો સુરેન્દ્ર આવે.’
શ્રીલતા સમજી શકી કે મધુકર શા માટે ખસી રહ્યો હતો. નૂતન યુવક-યુવતી હજી જાહેર પ્રેમદર્શનની ઉગ્રતાએ પૂરાં પહોંચ્યાં નથી. ત્રાહિત ઓળખીતાની રૂબરૂ સહજ મર્યાદા જરૂરની ખરી. અને મધુકરના કહેવા પ્રમાણે સુરેન્દ્ર એક વૃક્ષઘટામાંથી આવતો દેખાયો પણ ખરો. તેણે સાદો પહેરવેશ પહેર્યો હતો. આકર્ષક બનવાની એક પણ ટાપટીપનો પ્રયત્ન તેનામાં હોય એમ લાગ્યું નહિ. વધારામાં તેનું મુખ અત્યંત ગંભીર હતું, તેની આંખ ચારે પાસ ચબરાકીથી ફરતી ખસતી ન હતી. અને તેના હાથમાં વળી પુસ્તક પણ હતું. ‘પિકનિક’માં ગમ્મત માટે આવવું અને પાછું પુસ્તક સાથે લાવવું !
‘વેદિયો નર્યો !’ શ્રીલતાએ મધુકરની સાથે સુરેન્દ્રને સરખાવી સુરેન્દ્ર વિષે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
‘આજ એને જરૂર બનાવું.’ મધુકર બોલ્યો.
એક બાજુએ રમતાં પરાશર, યશોધરા અને નીતીન સહજ મોડા આવેલા સુરેન્દ્રને પકડી રમતની એક બાજુએ ઘસડી ગયાં. સુરેન્દ્ર પણ હસતો હસતો ઘસડાયો. સહુ કોઈ તેના મોડા પડવાની ટેવને, સતત સાથે રહેતી સખી સરખા સુરેન્દ્રના પુસ્તકને અને તેના ગાંભીર્યને હસતાં હતાં. અંગત વિચિત્રતાઓને કે વિશિષ્ટતાઓને વધારી તેમની ટીકા કરવાનો હક્ક મિત્રોને અને ઠઠ્ઠાચિત્ર દોરનાર ચિત્રકારને હોય જ. સુરેન્દ્ર પણ પોતાની વિચિત્રતાઓ ઉપર પોતે જ હસવા માંડ્યું.
હમણાં… ધીમે રહીને… ટોળામાં ભળી જવાશે એમ ધારી મધુકર સાથેના એકાન્તને લંબાવવા ઇચ્છતી શ્રીલતાએ જોયું કે કાંઈ પણ બોલ્યા વગર મધુકર એકાએક તેને પાછળ મૂકી આગળ ચાલ્યો જાય છે ! શ્રીલતા તેની પાસેથી ખસી જતા મધુકરને જોઈ રહી. સહુથી મોડી આવ્યા છતાં મહારાણીના ઠસ્સાપૂર્વક કારમાંથી ઊતરતી જ્યોત્સ્ના તરફ સહુનું લક્ષ્ય ખેંચાયું. જ્યોત્સ્ના પ્રથમ છાપે ગર્વિષ્ટ લાગતી હતી. તેના હાથમાં ‘વેનિટી બૅગ’ હતી, જેનો આકાર સઘળી યુવતીઓને ગમ્યો. સહુ કોઈ જ્યોત્સ્ના પાસે ગયાં. મધુકર પણ ઝડપથી જ્યોત્સ્નાની સામે જઈ પહોંચ્યો અને તેની સાથે હાથ મેળવવા પોતાનો હસ્ત લાંબો કરી તે બોલ્યો :
‘હલ્લો ! ગુડ આફ્ટર નૂન, જ્યોત્સ્ના ! કેમ જરા મોડું થયું ?’ જ્યોત્સ્ના સહજ હસી અને બોલી :
‘મને તો લાગ્યું કે હું વહેલી પડીશ. અહીં તો બધાં આવી ગયાં છે !’
મધુકરના શેકહૅન્ડ માટે લંબાયેલા હાથને જરા પણ ગણકાર્યા વગર જ્યોત્સ્ના મિત્રસમૂહમાં ભળી ગઈ. મધુકર એક ક્ષણ માટે જરા ઝંખવાયો. ‘શેકહૅન્ડ’ ઇચ્છતો હાથ ખાલી પડ્યો. લંબાયેલા હાથ સફાઈભરી ઢબે તેણે મુખ તરફ વાળી મુખમાંથી સિગરેટ કાઢી પાસે જ ફેંકી અને તેને પગ નીચે કચરી નાખી… જાણે શેકહૅન્ડ માટે તેણે જ્યોત્સ્ના સામે હાથ કદી લંબાવ્યો જ ન હોય !… સિગરેટને કચરી નાખતાં તે પોતે પણ કોઈને કચરી નાખવાનો નિશ્ચય જ ન કરતો હોય !
ઉજાણીની ગમ્મતમાં સહુએ ભેગાં રમવું પડે, ગાવું પડે અને ખાવું પડે. દોડાદોડી કરી થાકેલું મિત્રમંડળ કશી બેઠી રમત રમવા માટે ટોળે વળી બેસી ગયું. આજના ઝડપી જીવનમાં તો વર્ષે વર્ષે રમતોનાં સ્વરૂપ બદલાય છે. રમત, અને તે પણ બેસીને રમવાની રમતનો શોખીન પરાશર બેઠો બેઠો ક્યારનો કોઈ રમતની યોજના કરતો હતો. તેણે ભેગા થયેલા ટોળાને ઉદ્દેશીને કહ્યું :
‘ચાલો, હું તમને એક નવી રમત રમાડું… એ રમતમાં તમારું ભાવિ પણ સમજાઈ જશે, હોં ! મારી ચિઠ્ઠીઓ સાચી જ પડે છે… જુઓ, મધુકરની સ્વચ્છ સાહેબટોપીમાં હું આ મારી લખેલી અને મંત્રેલી ચિઠ્ઠીઓ નાખું છું… એકેએક ઉપાડી જુઓ… તેમાંથી તમારું ભાવિ તમને જડી આવશે.’
પરાશરે ટોપી સહુની વચમાં મૂકી અને તેમાં પંદર-વીસ ચિઠ્ઠીઓ વાળીને ભેગી કરી મૂકી.
‘ચાલ, યશોધરા ! તું શરૂ કર… પછી મધુકર… ઉપાડો ચિઠ્ઠીઓ.’
રમતો ભાગ્યે જ સાચી હોય; છતાં, રમતો ગમ્મતપ્રેરક હોય છે અને એ ઘણી વાર સૂચક પણ નીવડે છે. યશોધરાએ હસતાં અને શરમાતાં એક ચિઠ્ઠી ટોપીમાંથી ઉપાડી અને વાંચી.
સહુએ પૂછ્યું :
‘શું નામ આવ્યું ?’
‘સીતા.’ યશોધરાએ અર્ધ હાસ્ય અને અર્ધ અણગમાથી કહ્યું. સીતાના આદર્શ ઉપર નિબંધો લખતી અને વ્યાખ્યાનો આપતી યુવતીને સીતાનું જીવન ગમતું હશે કે કેમ એ પ્રશ્ન પૂછવા સરખો છે !
‘ચાલ, મધુકર ! તું ઉપાડ. તારી સફાઈ તને ક્યાં સુધી લઈ જાય છે એ જોઈએ.’ રમત નિયામક પરાશરે હુકમ કર્યો. કોઈના પણ હુકમની કશી જ દરકાર તેને ન હોય એમ મધુકરે લાંબા થઈ બેઠેબેઠે ટોપીમાંથી ચિઠ્ઠી કાઢી પોતે જ ચિઠ્ઠીમાં લખેલું નામ વાંચ્યું :
‘કૃષ્ણ !’
કૃષ્ણના નામ સાથે જ મધુકરની વિજયી મુખમુદ્રા વધારે વિજયી બની. હસતે હસતે પરાશરે કહ્યું :
‘કાંઈ મેળ ન આવ્યો. આ યશોધરાને હજી રામ શોધવા રહ્યા અને કૃષ્ણને રાધા !’ સહુએ હસવું જોઈએ એમ સહુ હસ્યાં. પરાશરે શ્રીલતાને અને નીતીનને ચિઠ્ઠી ઉપાડવાની આજ્ઞા કરી. એક ચિઠ્ઠી યુવતી ઉપાડે અને બીજી ચિઠ્ઠી યુવક ઉપાડે એવો ક્રમ ગોઠવ્યો હતો. યુવતીઓએ કયા રંગની ચિઠ્ઠી ઉપાડવી અને યુવકોએ કયા રંગની એ નિશ્ચિત થઈ ચૂક્યું હતું. શ્રીલતાએ ચિઠ્ઠી ઉપાડી ઉઘાડી, વાંચી અને હસતે હસતે બોલી ઊઠી :
‘મારે તો રાધાનું નામ આવ્યું !’
યશોધરાએ હસીને સામે ટહુકો કર્યો :
‘બરાબર છે… અને રાધા જેવી જ લટકાળી તું તો છે જ ને ?’
ઉજાણીનો ઉદ્દેશ જ ગમતનો ! મોજનો ! અને યુવક યુવતી ભેગાં મળે ત્યાં રાધા-કૃષ્ણની વાત પણ સહુને ગમે તો ખરી જ. હસતે હસતે નીતીને પણ ચિઠ્ઠી ઉપાડી અને કપાળે હાથ મૂકી તે બોલી ઊઠ્યો :
‘અરે, હું તો શંકર બન્યો !… જ્યારે મારે બનવું હતું વિષ્ણુ !’
‘સારું થયું માની લે કે અપૂજ બ્રહ્મા ન બન્યો !… જ્યોત્સ્ના ! હવે તારો વારો.’ પરાશરે કહ્યું.
જ્યોત્સ્નાએ પણ ચિઠ્ઠી ઉપાડી વગર વાંચે પરાશરને સોંપી દીધી. પરાશરે કહ્યું :
‘ચાલો ! એનું પરિણામ હું જાહેર કરું… ઓહો ! એ તો ઈંદ્રાણી બની ગઈ !’
‘તે બરાબર છે. જુઓને એનો દમામ !’ શ્રીલતા બોલી.
‘એ પછી સુરેન્દ્ર નામ ધારીએ જ ચિઠ્ઠી ઉપાડવી જોઈએ. એનું ભાગ્ય શું બોલે છે એ તો સમજીએ ? ઉપાડો તમારી ચિઠ્ઠી, મહાશય સુરેન્દ્ર !’ મધુકરે કહ્યું અને ગંભીરતાપૂર્વક સુરેન્દ્રે ચીઠ્ઠી ઊંચકી અને વાંચ્યું :
‘બ્રહ્મચારી !’
સુરેન્દ્રને પોતાને પણ સહજ હસવું આવ્યું, સહુને ખડખડાટ હસવું આવ્યું. રમત-નેતા પરાશરે વગર હસ્યે નિર્ણય આપ્યો :
‘જિંદગીભર આ સુરેન્દ્રને કોઈ સ્ત્રી મળવાની નથી.’
અને સહુ ફરી હસ્યાં… ન હસી માત્ર જ્યોત્સ્ના. આમે જ્યોત્સ્ના ઘણું ખરું અતડી અને ગંભીર ગણાતી હતી.
રમત આમ આગળ ચાલી અને પૂરી થઈ. માથે લેનાર એકબે યુવકો અને યુવતીઓએ ચા-નાસ્તાની તૈયારી કરવા માંડી. ઉજાણીમાં, અને એ જૂનો અશિષ્ટ શબ્દ નવા યુગને ગમતો ન હોય તો ‘પિકનિક’માં, છેલ્લું પણ મહત્વનું સુમધુર કાર્ય ચા-નાસ્તાનું હોવું જ જોઈએ. એ પણ પૂરું થવા આવ્યું. છતાં સુરેન્દ્રની પાસે પડેલા પ્યાલારકાબી એમ ને એમ ભરેલાં જ હતાં. વાતોના રસમાં ઊંડી ઊતરેલી મંડળીમાંથી શ્રીલતાએ તે તરફ જોયું અને એનાથી બોલાઈ ગયું :
‘આ સુરેન્દ્ર તો ચા પીતો નથી… એને માટે બીજું કાંઈ ?’
‘અરે, એ તો કોઈ ગળી ચીજ પણ ખાતો નથી… અને બજારુ ચીજ પણ નહિ ! શું થાય એને માટે ?’ ઉજાણીની વ્યવસ્થા માથે લેનાર પરાશરે કહ્યું.
નીતીને એની મશ્કરી કરી પૂછ્યું :
‘સુરેન્દ્ર ! ક્યાં સુધીની આ બાધા છે ?’
‘લગ્ન થતાં સુધીની. નહિ ?’ શ્રીલતાએ કહ્યું અને સહુ હસ્યાં. હસવાથી ન અટકતી મશ્કરી લંબાવવા મધુકરે કહ્યું :
‘ભલે સુરેન્દ્ર ! તું ચા ન પીતો કે મીઠાઈ ન ખાતો… પરંતુ લે. આટલી સિગરેટ આજે ચાખી જો !… તારાં બધાંય પાપ બળીને એમાં ભસ્મ થઈ જશે.’ મધુકરે વાતને મજબૂતી આપવા સિગરેટ સળગાવી સુરેન્દ્ર સામે ધરી. સુરેન્દ્રે બે હાથ જોડી મધુકરને નમસ્કાર કર્યા, અને અત્યંત નમ્રતાથી કહ્યું :
‘મધુકર ! તમે સહુ જાણો છો, હું આવી આનંદી મંડળી માટે તદ્દન અપાત્ર છું… છતાં મને આવવું ગમે છે. શું ખાવું અને શું પીવું એ વાતને જ બાજુએ મૂકીએ.’
‘એ તારો ઘમંડ છે, સુરેન્દ્ર ! તું એકલો જ નીતિમાન છે, નહિ ?’ મધુકરે જરા કરડાકીમાં કહ્યું.
‘નિતિનની આમાં વાત જ નથી, મધુકર ! એ તો ટેવનો પ્રશ્ન છે.’ સુરેન્દ્રે કહ્યું.
‘આજથી ટેવ પાડવા માંડ.’ મધુકરે વાત લંબાવી.
‘મારાથી આવી ખર્ચાળ ટેવ ન પડાય… લો, હું ફળ ખાઉં છું.’ કહી સુરેન્દ્રે લીલી દ્રાક્ષનો એક મણકો મુખમાં મૂક્યો. મધુકરે સુરેન્દ્ર સામે તાકીને કહ્યું :
‘જોજે સુરેન્દ્ર ! તારા આ નીતિઘમંડને એક દિવસ હું ઉઘાડો પાડીશ… સિગરેટ પીતી, શરબતના પ્યાલા-શીશી સાથે રમતી, હોટેલના કોચ ઉપર ગબડવાની તૈયારી કરતી તારી છબી આખા ભારતનાં પત્રોમાં પ્રગટ ન કરાવું તો !’
સહુએ ધાર્યું કે આ ધમકી હાસ્યનો જ વિભાગ છે. સહુ હસ્યાં. સુરેન્દ્રે નમ્રતાપૂર્વક કહ્યું :
‘મધુકર ! હું સહુની માફી માગી લઉં… જો કોઈને મારા વર્તનમાં ઘમંડ લાગતો હોય તો.’
બધાંએ હસતાં રમતાં વેરાવાની તૈયારી કરી. પોતપોતાની સાઈકલો સહુએ ખોળવા માંડી. જેને જેને સાઇકલો ન હતી તેને અંગત મિત્રોએ સાઈકલ ઉપર લઈ જવાની તૈયારી પણ બતાવી. કૉલેજ સુધી પોલીસના કાયદા પહોંચતા નથી. અંધારું સહજ ઊતરી આવતું હતું. જ્યોત્સ્ના પોતાની કાર તરફ જતી હતી, સુરેન્દ્રની પાસે સાઈકલ ન હતી. જ્યોત્સ્નાએ હળવી બૂમ પાડી :
‘સુરેન્દ્ર !’
‘કેમ ?’ સુરેન્દ્રે ચાલવા માંડ્યું હતું. અટકી પાછા ફરી તેણે પૂછ્યું.
‘મારી સાથે કારમાં ચાલ ને, જરા…’
‘હું જઈ શકીશ. મને ચાલવું જ ફાવે છે…’
‘મારે કામ છે.’
‘મારું કામ ? શું ?’
‘તને હું કારમાં કહું છું… ચાલ.’ જ્યોત્સ્ના બોલી અને સુરેન્દ્રને લઈ કાર તરફ ચાલી. બંને બેઠાં અને કાર ઝડપથી અદૃશ્ય થઈ ગઈ.
મધુકરે એ જોયું અને એની આંખમાં એની સાઈકલના દીવા સરખો ઝગઝગાટ અંગાર પ્રગટ્યો.
મધુકરની ઇચ્છા હોય કે ન હોય તોપણ શ્રીલતા મધુકરની ‘બાઈક’ ઉપર બેસી મધુકર સાથે જ ગઈ. હિંદમાં સાઈકલો બબ્બે માનવીના ભાર કેટલાંય વર્ષોથી ઝીલે છે !
સાઈકલ ઉપર બેઠેલી શ્રીલતાએ મધુકરને પૂછ્યું :
‘કેમ નિશ્વાસ નાખે છે, મધુકર !’
‘કાંઈ નહિ.’
‘આજ મારી કાર તને ન મળી, એથી ?’
‘ના ના; એવું કાંઈ જ નથી.’
‘જો મધુકર ! મેં આજથી નિશ્ચય કર્યો છે. પિતાજીને તો ખોટ આવવાથી કાર વેચી દેવી પડી, પરંતુ હવે હું કે તું કાર લાવીએ નહિ ત્યાં સુધી કારમાં બેસવું જ નહિ.’ શ્રીલતાએ કહ્યું.
‘નહિ રે નહિ ! એવા નિશ્ચયોમાં પડીશ નહિ.’ મધુકરે કહ્યું. અને રસ્તાના પ્રકાશમાં બંને અદૃશ્ય થયાં.