લખાણ પર જાઓ

સ્નેહસૃષ્ટિ/રૂપ અને હૃદય

વિકિસ્રોતમાંથી
← રોમાંચની લાલસા સ્નેહસૃષ્ટિ
રૂપ અને હૃદય
રમણલાલ દેસાઈ
પ્રેમના વ્યૂહ →



૨૦
 
રૂપ અને હૃદય
 


સુરેન્દ્ર અને મીનાક્ષી બન્નેએ મળીને ટૂંકી વાત કહી દીધી. મીનાક્ષી બહાર નીકળી ત્યારે ત્રણ જબરજસ્ત ગુંડાઓએ આવી તેને ઘેરી લીધી. તેની બહેનપણીઓએ સહજ બૂમ તો પાડી. પરંતુ ઘોંઘાટમાં અને લોકોની જવરઅવરમાં કાંઈ સમજાયું નહિ. ઘેરી લીધેલી મીનાક્ષીને વીજળીની ઝડપે ગુંડાઓએ ઉપાડી લીધી અને પાસેની જ એક કારમાં બળપૂર્વક બેસાડી દીધી. ગભરાઈ ગયેલી મીનાક્ષીથી એક ઉદ્‌ગાર પણ કાઢી શકાયો નહિ.

કારની એક બાજુએ સુરેન્દ્ર ઊભો હતો. એણે ગુંડાઓને ટોક્યા :

‘ક્યાં એને ઊંચકી જાઓ છો ?’

’ફાવે ત્યાં !’ કહી એક ગુંડાએ પોતાની આંખ ચમકાવી.

‘લેઈ જાઓ જોઈએ… કેમ લેઈ જવાય છે એ હું જોઉં છું.’ કહી સુરેન્દ્ર ત્યાં જ ઊભો રહ્યો અને કારનું એન્જિન ધબક્યું.

પરંતુ કાર આગળ ચાલે ત્યારે ને ? એક જણે ઊતરી પૈડાં જોયાં. પૈડામાં હવા ન જોઈ એટલે સુરેન્દ્ર હસ્યો. અને હસતો મૂકી બાવરી મીનાક્ષીને ગાડીમાં જ રહેવા દઈ ત્રણ ગુંડા અને ચોથો શૉફર ટોળામાં ભળી અદૃશ્ય થઈ ગયા.

‘ગાડીનાં પૈડાં કેમ ન ચાલ્યાં ?’ એક બહેનપણીએ પૂછ્યું.

‘કદાચ ને સુરેન્દ્રે એ પૈડાંને નિરુપયોગી બનાવ્યાં હોય.’ મીનાક્ષીએ કહ્યું.

અને એ જ વાત સાચી હતી. ચિત્ર અંદર ચાલતું હતું ત્યારે જ સુરન્દ્રે જોયું કે મીનાક્ષીને બતાવતા એક યુવાને ત્રણ માણસોને અંદર બેસાડી પોતે ત્યાંથી રવાનગી લીધી હતી. સુરેન્દ્ર બહાર આવી સગવડબંધ ઊભેલી એક ગાડીને ઓળખી લીધી અને એનો ડ્રાઇવર આમતેમ ફરતો હતો ત્યારે તેણે બે પૈડાંને કોરી કારની ગતિને નિરર્થક બનાવી દીધી હતી.

‘પણ સુરેન્દ્ર ! તને આ બધી ખબર ક્યાંથી પડી ગઈ ?’ એક યુવતીએ પૂછ્યું.

‘સુરેન્દ્ર હમણાંનો ગુંડાઓની સૃષ્ટિમાં ફરે છે.’ મધુકરે સહજ હસીને કહ્યું.

‘હાય હાય, બાપ ! એમ ? સુરેન્દ્ર ! તું ગુંડાઓમાં ફરે છે ?’ બીજી યુવતીએ જરા ગભરાટભર્યું આશ્ચર્ય બતાવ્યું.

'અરે, જોતજોતામાં એ જુગારીઓનો આગેવાન બની જશે.’ મધુકરે મશ્કરી કરી.

‘પણ અહીં તો એણે મીનાક્ષીને ગુંડાઓથી બચાવી. એ કેમ બન્યું ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મારા કરતાં મીનાક્ષી એ વધારે સારી રીતે કહી શકશે.’ સુરેન્દ્રે કહ્યું.

‘વાહ ! મને વળી શી ખબર કે મને ગુંડાઓ ઊંચકી જવાના છે ?’ મીનાક્ષીએ કહ્યું. કેટલીક યુવતીઓનાં માનસ પોતાની આસપાસ કાંઈ અને કાંઈ અદ્ભુત પ્રસંગ બન્યા કરે એમાં જ પ્રસન્ન રહે છે. યુવકો સાથે એ હસીને લળીને, લાડીને બોલે છે; તેમનો સાથ સેવે છે. તેમની ભેટ સ્વીકાર્યે જાય છે; એક કરતાં વધારે યુવકો તેની સાથે પ્રેમ કરતાં હોય એમાં પોતાનાં રૂપ અને માનસનો વિજય માની લે છે; પત્રવ્યવહાર કરે છે, પત્રમાં પ્રેમની કલ્પના ઊભી થાય એવાં સૂચનો પણ કરે છે, અને પ્રેમીઓની એક સાતતાળી ઉપજાવે છે, ભણવાને નામે મોજ કરતા, એક જ વર્ગમાં ત્રણ ત્રણ વર્ષની ઓછામાં ઓછી આસાએશ લેતા અને અંતે ભણવાનું છોડી પિતાના પૈસાથી ધંધાની વ્યવસ્થા કરતા નીતીન નામે યુવક સાથે મીનાક્ષીએ બહુ હરવાફરવા માંડ્યું. તેની ભેટ એ સ્વીકારતી ચાલી અને અંતે છણકાઈ રિસાઈ નીતીનને એક વખત તમાચો પણ લગાવી કાઢ્યો - નીતીનના પૌરુષને પડકાર કરીને !

ત્યારથી નીતીને મીનાક્ષી ઉપર વેર લેવાનો નિશ્ચય કર્યો. નીતીન અને મીનાક્ષી વચ્ચે પ્રેમ હતો કે ન હતો એ પ્રશ્નનું નિરાકરણ બધા મિત્રો કરે તે પહેલાં તો લટકભરી મીનાક્ષીએ નીતીનની હળવી નીતિ ઓળખી લીધી. એક વાર મધુકર પ્રત્યે આકર્ષાયલી મીનાક્ષી મધુકર કરતાં નીતીન ઉપર વધારે પ્રેમ ઢોળવા માંડ્યો. પરંતુ નીતીનને પ્રેમ-શુદ્ધ પ્રેમ જોઈતો હતો. પ્રેમના વળગણ સરખું લગ્ન નહિ. એ સૂચનનો જવાબ મીનાક્ષીએ ધોલથી આપ્યો અને ધનિક નીતીન વેર લેવા તલપી રહ્યો. સ્ત્રી ઉપર પુરુષને વેર લેવું એનો અર્થ મર્યાદિત બની રહે છે. સ્ત્રીને નિઃસહાય સ્થિતિમાં મૂકી તેને લજ્જિત બનાવવી એ એની મોટામાં મોટી મોજ અને મોટામાં મોટી મરદાઈ ! પુરુષ પોતાની જાતને પૂછતો નથી કે સ્ત્રીની લાજ લૂંટવામાં પુરુષની પણ લાજ લૂંટાય છે કે નહિ ! શા માટે એકલી સ્ત્રીની લજ્જાને જ લૂંટાયલી કલ્પવી?.. કે પછી પુરુષે લૂંટાવા માટે પોતાની લજ્જા પણ પોતાની પાસે રાખી નથી ?

નીતીને ત્યારથી મીનાક્ષી ઉપર નજર રાખવા માંડી - વેર લેવા માટે. એ ધનિક હતો એટલે એને ધન વેરવામાં જરા હરકત આવે એમ ન હતું. ધનને માટે માનવજાત અનેક પાપ કરી રહી છે... એ પાપ બહાર દેખાતાં હોય કે ન દેખાતાં હોય તોય. ખુલ્લાં પાપ કરનાર ગુંડાઓ પણ ધનિકોને મળી આવે એમ છે, કારણ છૂપાં પાપ કરનાર ધનવાનોને ભાડુતી ખુલ્લા પાપીઓની ઠીક ઠીક જરૂર પડે છે. નીતીને ગુંડાઓ મેળવ્યા; અને મીનાક્ષી ફરવા જતી હોય, સિનેમા જોવા જતી હોય, સભામાં જતી હોય ત્યાંથી તેને ઊંચકી લાવી નીતીન પાસે મૂકી દેવાની ક્રિયા આજના મોટરકારના યુગમાં ગુંડાઓને બહુ જોખમભરેલી ન જ લાગે એ સ્વાભાવિક હતું.

નીતીને એક વખત બેત્રણ મિત્રોના દેખતાં મીનાક્ષીને ધમકી પણ આપી હતી :

'મીનાક્ષી ! ભર રસ્તામાંથી હું તને ઉઠાવી ન જાઉ તો... જોજે !'

મીનાક્ષીને આમાં કાંઈ ભય લાગ્યો નહિ. અર્ધ મિત્ર, અર્ધ પ્રેમી, અને દૂર ફેંકાયેલો પુરુષ ધમકી આપે એ માત્ર શબ્દની જ હોય એમ માની મિનાક્ષીએ તેનો એ પ્રસંગે ફરી તિરસ્કાર કરી અંગૂઠો બતાવ્યો હતો. સુરેન્દ્રને કાને એ વાત આવી; અને તેના વૃન્દાવનના ભ્રમણમાં તેને ખબર પડી કે આજ ચિત્રગૃહમાંથી એક યુવતીને ઉઠાવી લાવવાના પ્રયોગમાં સારી રકમ વેરાવાની છે ! એટલે એણે નીતીનના કાર્યને પારખી લીધું, ને ઝડપથી ઘેર જઈ એ ચિત્રગૃહ પાસે આવી ગયો - જે ચિત્રગૃહમાં કેટલીક મિત્રયુવતીઓ ગઈ હતી અને જ્યોત્સ્ના તથા મધુકર સાથે જવાનું તેને આમંત્રણ પણ મળ્યું હતું. એ ચિત્રગૃહમાં તો ગયો, પરંતુ કોઈની સાથે નહિ છુપાઈને ગયો... કદાચ એક ક્ષણ માટે તેને લાગ્યું પણ ખરું કે જ્યોત્સ્નાએ તેને જોયો અને ઓળખ્યો પણ હતો - જોકે બીજી કોઈએ નહિ! એણે એ પણ જોયું કે નીતીને આવીને મીનાક્ષીને છાની રીતે ઓળખાવી દીધી હતી અને એની સાથમાં આવેલાં ગુંડાઓની 'કાર’ અપહરણના કાર્ય માટે તૈયાર જ હતી. કાંઈ પણ વધારે ધાંધળ કર્યા વગર એણે કારનાં પૈડાં બગાડી મૂકી ગુંડાઓની યોજનાને નિષ્ફળ બનાવી દીધી. મીનાક્ષીએ જ્યારે કહ્યું કે ગુંડા તેને ઉપાડી જવાના હતા એની ખબર તેને ન હતી. ત્યારે સુરેન્દ્રે માત્ર એટલું જ કહ્યું :

‘તને નીતીનની ધમકી યાદ છે ને ?'

સહુ કોઇ એકાએક ચમક્યા. નીતીન સરખો ભણેલો લહેરી યુવક મૈત્રીને જોખમાવી મીનાક્ષીનું આવું અપહરણ કરે ખરો ?

'શું તુંયે, સુરેન્દ્ર ! બકે છે? નીતીનનું નામ શા માટે વચ્ચે લાવે છે?' મધુકરે ઠપકો આપ્યો.

‘હું જાણું છું માટે એનું નામ વચ્ચે લાવું છું... માત્ર હું જ નહિ પરંતુ મીનાક્ષી પણ એ જાણે છે !' સુરેન્દ્રે કહ્યું.

'મારા મનમાં કે એવી ધમકી નીતીને મને રમતમાં જ આપી હશે..' મીનાક્ષી જરા છંછેડાઈ બોલી.

'તું તારી મેળે જ સમજી લે ! નીતીને તને ધમકી આપી હતી, એ જ ધમકી આજે ખરી પડી હતી.' સુરેન્દ્રે કહ્યું.

‘તારી ભૂલ થાય છે, સુરેન્દ્ર ! તારી જડતાએ અને ગુંડાઓ સાથે નીતીનને જોડવા પ્રેર્યો છે... બાકી... ગુંડાઓ તો ગમે તેને ઉપાડી જાત...મીનાક્ષી ઉપર હાથ કર્યો એ તો માત્ર અકસ્માત...' મધુકરે કહ્યું.

'મધુકરના કથનથી સ્ત્રીમંડળનો મોટો ભાગ સંતુષ્ટ થયો ! ગુંડા ઉપાડી જાય એવું રૂપ તો પ્રત્યેક યુવતીનું હતું જ! મીનાક્ષી કાંઈ એના રૂપને માટે જ ઊંચકાઈ હતી એવું ધારતી હોય તો તેની ભૂલ ગણાય ! મીનાક્ષીનો પ્રસંગ માત્ર અકસ્માત હતો.

'જો, મધુકર ! હું જાણતો ન હોઉં એ કદી કહેતો જ નથી. નીતીન ગુંડાઓ અને મીનાક્ષીની રાહ જોતો ક્યાં બેઠો છે તે પણ. કહે તો હું સહુને બતાવું.' સુરેન્દ્રે કહ્યું.

‘તું છે જ વહેમી, સુરેન્દ્ર ! તને ગમ્મત અને ગુના વચ્ચેનો ભેદ સમજાય એમ છે જ નહિ.' મધુકરે કહ્યું.

ધનવાનોની ગમ્મત એટલે જ ગુનો !... અને મીનાક્ષી ! જરા આવા પ્રેમપોચટ ચિત્રો જોવાનું ઘટાડી નાખ, અને કોઈ સખ્ત મહેનતનું કામ માથે લે...’ સુરેન્દ્ર કહ્યું.

'અને નહિ તો ?' મધુકરે પૂછ્યું.

પોતાને ઉઠાવી જાય એવાં લક્ષણો આપણી બહેનોમાં વધી જશે.' સુરેન્દ્રે કહ્યું.

‘એમાં તારું શું ગયું ?' મધુકરે કહ્યું.

‘એ હું હમણાં નહિ કહું. તારામાં કોઈ યુવતીને ઉઠાવી જવાની હિંમત આવશે ત્યારે હું તારા પ્રશ્નનો જવાબ આપીશ.' સુરેન્દ્રે કહ્યું અને એણે યુવતીઓના ટોળાને જવા દઈ બીજો માર્ગ લેવા માંડ્યો.

'તું ક્યાં જાય છે. સુરેન્દ્ર ?' જ્યોત્સ્નાએ પૂછ્યું અને હસીને સુરેન્દ્રે જવાબ આપ્યો :

'મારા વૃન્દાવનમાં.'

અને તે અંધકારમાં અદૃશ્ય થઈ ગયો.

'સાંભળ્યું એ ક્યાં જાય છે તે ?' એક યુવતીએ કહ્યું. નૂતન યુગને પણ વૃંદાવનની ભાવના ગમે છે ખરી.

'બે મિત્રોના ઝઘડામાં સુરેન્દ્રને વચ્ચે પડવાનો શો અધિકાર ?' મધુકરે સુરેન્દ્રની કિંમત આંકવા માંડી.

'એટલે ? મીનાક્ષીને મરજી વિરુદ્ધ નીતીન ઊંચકી જાય છતાં સુરેન્દ્રે કાંઈ કહેવું કરવું નહિ, એમ ?' જ્યોત્સ્નાએ પૂછ્યું.

'તું સમજ બરાબર, જ્યોત્સ્ના ! સુરેન્દ્ર જાણતો હતો કે મીનાક્ષી અને નીતીન મિત્રો છે.' મધુકર બોલ્યો.

‘એટલે પુરુષમિત્ર સ્ત્રીમિત્રને ફાવે તે રીતે ઊંચકી જાય, એમ ?' એક યુવતીએ પ્રશ્ન કર્યો.

'એક મિત્ર બીજા મિત્રને ક્વચિત્ ચમકાવે એમાં શું મહાઅનર્થ થઈ ગયો ? રસ્તે ચાલતા કોઈ મિત્ર મારી આંખ મીંચે... એમાં ચમકાવવા સિવાય અને પછી હસવા સિવાય બીજો શો હેતુ હોય ? હું તો મીનાક્ષી નીતીનના આ પ્રસંગને મહત્વ આપી જ શકતો નથી.. બંને ગઈ કાલ સુધી તો હાથમાં હાથ નાખીને ફરતાં હતાં !' મધુકરે કહ્યું.

'ગઈ કાલ સુધી નહિ... એક મહિનાથી તો હું એની સાથે બોલી પણ નથી.' મીનાક્ષીએ કહ્યું.

'માટે જ... કદાચ તને ખૂબ બોલવાની તક મળે માટે જ નીતીને આ ગમ્મત ગોઠવી હોય... નાહક સુરેન્દ્ર ગમ્મતો બગાડે છે. જ્યાં અને ત્યાં....'

ટૅક્સી જોવામાં આવી. બે ટૅક્સી જ્યોત્સ્નાએ લઈ લીધી. સ્ત્રીમિત્રોને પોતપોતાને ઘેર ઉતારી દીધી અને મીનાક્ષીને પણ છેલ્લે છેલ્લે તેને ઘેર ઉતારી મીનાક્ષીની લટક અત્યારે ઓછી થઈ ગઈ હતી એની મધુકરે નોંધ પણ લીધી. હજી મીનાક્ષીના હૃદયમાંથી ભય પૂર્ણપણે ગયો ન હતો. જેમ જેમ તેણે નીતીનનો મધુકર દ્વારા થતો બચાવ સાંભળ્યો તેમ તેમ તેને પોતાને માટે તથા પોતાના મિત્રોને માટે ગમે એવા વિચારો આવવા લાગ્યા. એણે ઘર આગળ કોઈને કશી જ વાત કરી નહિ. આજની યુવતીઓ સિનેમા-નાટકમાં જાય ત્યાંથી જરા વહેલી મોડી આવે, અને યુવામિત્રો તેને ઘર સુધી વળાવી જાય, એમાં નૂતન ઢબનાં માતાપિતા બહુ વાંધો લેતાં નથી, અને કદાચ વાંધો લે તો પુત્રીઓ બહુ સાંભળતી પણ નથી ! નૂતન નારીમાં ઠીક આત્મવિશ્વાસ આવતો જાય છે- જોકે અત્યારે તો મીનાક્ષી જરા મૂંઝવાઈ ગઈ હતી. એના સતત હાસ્ય અને હાસ્યમય જીવનમાં એને તાંડવના ભણકાર સંભળાયા ખરા-આજ !

સહુને પોતપોતાને ઘેર મૂક્યા પછી જ્યોત્સ્નાની સાથે ઘર સુધી આવવાનો મધુકરે આગ્રહ પકડ્યો.

'મારે જરૂર બિલકુલ નથી... હું ચાલી જઈશ એકલી ઘેર.' જ્યોત્સ્નાએ કહ્યું.

'ના, ના. મારે બીજું કાંઈ કામ પણ નથી.... અને મીનાક્ષીનો પ્રસંગ બન્યા પછી હું તને એકલી ન જ જવા દઉ.' મધુકરે કહ્યું.

'ભલે, સાથે ચાલ. અને પાછો એ જ ટૅક્સીમાં વળી જજે. હજી તને વિશ્વાસ નથી કે સ્ત્રીઓ સ્વરક્ષણ કરી શકે એમ છે ?' જ્યોત્સ્નાએ કહ્યું. કાર ચાલવા માંડી અને ફરી મધુકર માગતો હતો એવું જ્યોત્સ્ના સાથેનું એકાંત તેને મળ્યું.

'રક્ષણનું કાર્ય પુરુષો કરતા જ આવ્યા છે; અને તે ચાલ્યા જ કરવાનું.' હસીને મધુકરે કહ્યું.

‘સ્ત્રીઓ પોતાને માત્ર રૂપાળી બનાવવાનો ભગીરથ પ્રયત્ન છોડી દે તો એમના રક્ષણનો પ્રશ્ન ઊભો જ ન થાય.' જ્યોત્સ્નાએ કહ્યું.

'જ્યોત્સ્ના ! જીવન એટલે જ સૌન્દર્યશોધ…... અને સૌન્દર્ય-ઉપભોગ... નહિ ?'

'શી સમજ પડે ? કોઈ વાર સૌન્દર્ય ગમે છે, કોઈ વાર સત્ય પણ ગમે છે, કોઈ વાર સ્વાતંત્ર્ય પણ ગમે છે.'

'જે વખતે જે ગમે એ લેઈ લેવું અને ભોગવવું...'

'કેમ બને એ ?... જોને, મીનાક્ષી તથા નીતીન એક વાર કેવાં ભેગાં ફરતાં હતાં! એ ઝઘડશે અને નીતીન એને ઊંચકી જવા મથશે એવી શંકા પણ કોઈને ઊપજે ખરી ?' જ્યોત્સ્ના બોલી.

‘એમાં દોષ મીનાક્ષીનો જ છે.'

‘કેવી રીતે ?'

'પ્રેમની - લગ્નની મીનાક્ષીએ નીતીનને આશા કેમ આપી ?'

'મીનાક્ષી એની બિલકુલ ના પાડે છે.'

'આટઆટલું સાથે ફરવું, હસવું, રમવું, સાથે ચિત્રો જોવાં, ભેટ લેવી, અને છતાં એને કહેવું કે એમાં આશા અપાઈ ન હતી. એ કેવું કહેવાય ?' ‘એટલે તમે પુરુષો એમ જ માનો છો કે સ્ત્રીઓ તમારી સાથે સહજ હસે, વાત કરે, સાથે ફરે એટલે તેમણે તમને પ્રેમ આપી દેવો જ જોઈએ ખરું?’ જરા ઉગ્રતાથી જ્યોત્સાએ કહ્યું.

‘એમ છેક નહિ. પણ.… સામાન્ય સમજવાળો પુરુષ જ્યાં પ્રેમ દેખાય એવાં સ્ત્રીઆચરણ નિહાળે. ત્યાં પ્રેમનો સાક્ષાત્કાર તો માગે જ ને?’

‘તારી ફિલસૂફી બહુ સ્પષ્ટ લાગે છે.’

‘હું તો બહુ જ સ્પષ્ટતાપૂર્વક આખા પ્રશ્નને સમજી ચૂક્યો છું.’

‘એ તારી ફિલસૂફીમાંથી તો આખો સ્ત્રીવર્ગ ગણિકાવર્ગમાં ફેરવાઈ જશે.’

‘તે તું એમ માને છે કે સ્ત્રીઓમાં સામાન્યતઃ એ વૃત્તિ હોતી નથી ?’

‘હું નથી માનતી કે સ્ત્રીઓનો મોટો ભાગ કિંમત લઈને જાત વેચવા તૈયાર હોય !’

‘પેલો આગળ બેઠેલો શૉફર આપણી વાત સાંભળશે... કિંમત કિંમતના સ્વરૂપમાં ભલે ફેર હોય... પણ તને આવી સ્પષ્ટ વાત કરવાની ટેવ સુરેન્દ્રના પરિચયમાંથી પડી લાગે છે.’

‘એમ શા ઉપરથી ?’

‘પહેલાં તું કદી આટલું બધું બોલતી નહિ.’

‘હજી પણ બહુ બોલવું મને ગમતું નથી જ.’

‘છતાં તું કેટલું બોલી એ ધ્યાનમાં રાખ... અને... પહેલાં તો... આપણે મિત્રોમાં પ્રેમની કે લગ્નની આછી - સૂચક વાત થતી તોયે તું કાંઈ સમજતી નહિ... હવે તું ન બોલાય એવી વાત કર્યો જાય છે.’

‘દુનિયામાં જે બનતું હોય એની વાત ન કરવી એ દંભ છે. ઢોંગ છે...’

‘તને આ બધું સુરેન્દ્ર શીખવ્યું ખરું ?... તે તને અભ્યાસમાં રોકે છે કે આવી અધકચરી અસભ્ય વાતોમાં ? મીનાક્ષી તેમ જ નીતીનનું દૃષ્ટાંત તું ધ્યાનમાં રાખજે.’

‘એટલે ? મને ન સમજાયું.’

‘સુરેન્દ્ર દેખાય છે એટલો ચોખ્ખો નથી.’

‘એમ ? સાચું કહે છે તું?’ વાતનો ઝોક ફેરવી જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘મને મારા એક મિત્ર વિરુદ્ધ કાંઈ પણ કહેવાનો ત્યારે જ અધિકાર મળે કે જ્યારે હું સત્ય હકીકત જાણતો જ હોઉં.’

‘પરંતુ એ તું મને કેમ કહેવા માગે છે ?’

‘કારણ મને તારામાં ઘણો જ રસ છે... સ્વાર્થ છે. લાગણી છે...’

‘તને કયી કયી છોકરીઓમાં રસ છે ?… અને નથી ?’

‘મશ્કરી ન કર, જ્યોત્સ્ના ! હું બહુ ગંભીરતાથી વાત કરું છું.’

‘એ હું જાણું છું. તું ગુજરાતનો બર્ટ્રાન્ડ રસેલ બનવાનો છે.’

‘એ તો મહાન ફિલસૂફ... યુરોપનો મહાગુરુ... હજી જીવે છે...’

‘અને પ્રેમપ્રયોગ કર્યે જ જાય છે !’ હસીને જ્યોત્સ્નાએ કહ્યું.

‘એટલે ?’

‘સ્ત્રીઓને પરણે છે અને થોડે વર્ષે છૂટાછેટા આપી નવો લગ્નપ્રયોગ આદરે છે, વૃદ્ધ વયે પણ. યુરોપનો એ મહાગુરુ એશિયામાંયે પહોંચવા લાગ્યો... શું ?’

‘નૂતન યુગ અનેક પ્રેમપ્રયોગો માગે છે, એમ શું તને નથી લાગતું ?’

‘પણ તું તો ગુરુ કરતાં પણ આગળ વધ્યો.’

‘તું સ્પષ્ટ વાત કર, જ્યોત્સના ! મેં એવું શું કર્યું કે...’

‘બર્ટ્રાન્ડ રસેલ તો લગ્નપ્રયોગ કરે છે. તું વળી લગ્ન પહેલાં જ પ્રેમપ્રયોગ કરે છે.’

‘જ્યોત્સ્ના ! એ જુઠાણું સુરેન્દ્રે જ ફેલાવ્યું છે... મારી વિરુદ્ધ.’

‘સુરેન્દ્રને તો તારી વાત કરવાની પણ ફુરસદ મળતી નથી, પરંતુ અમારી આંખો મીંચાયેલી રહેતી નથી...’

‘શું તારી આંખે જોયું ?’

‘એ યશોધરાને પૂછીએ... મીનાક્ષીને પૂછીએ... શ્રીલતાને પૂછીએ...જેમને જેમને આશા આપી તું છોડતો ચાલ્યો છે તેમને સહુને પૂછીએ. સામો પ્રેમ ન આપે એ સ્ત્રીને તો ઊંચકી જવાય... ગુંડાઓ રોકીને; પણ સામો પ્રેમ ન આપે એ પુરુષને શી શિક્ષા થાય તે તું કહી શકશે? મીનાક્ષી પણ એક વાર તારા રૂપમાં...’

‘જ્યોત્સ્ના ! તું મને અન્યાય કરે છે. મને પૂરો સાંભળી લે. પછી...’

‘હવે ફરી કોઈ બીજી વાર હું તને સાંભળીશ. મારું ઘર આવી ગયું. ગુડ નાઈટ... આપણે ફરી તો મળીશું જ.’ કહી બંગલામાં આવી અટકેલી ગાડીમાંથી જ્યોત્સ્ના ઊતરી ગઈ અને મધુકરને એકલો છોડી એને પાછા ઘેર જવાની સગવડ આપતી ગઈ.

મધુકરના હૃદયમાં પાછા જતે જતે અનેક વિચારો ઉદ્ભવ્યો.