સ્નેહસૃષ્ટિ/લાજ-મલાજો

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← પ્રેમવૈચિત્ર્ય સ્નેહસૃષ્ટિ
લાજ-મલાજો
રમણલાલ દેસાઈ
પ્રેમનમન →૩૫
 
લાજ-મલાજો
 

‘ચમકવાની જરૂર નથી... આ ગાડીવાળો ભલે સાંભળે ! તોય હું કહું છે કે તારી સાથે પ્રેમ કરતી જ રહીશ.’ ચમકી ઊઠેલા સુરેન્દ્રને શ્રીલતાએ કહ્યું.

‘પરંતુ... એમાં મને મુશ્કેલી તો ખરી જ ને ?’ સુરેન્દ્રે બીતે બીતે જવાબ આપ્યો.

‘પુરુષોને પ્રેમમાં કદી મુશ્કેલી પડે જ નહિ ?’

‘કેમ એમ ?’

‘જો ને ! મધુકરે મારો પ્રેમ જતો કર્યો અને હવે જ્યોત્સ્ના તરફ વળ્યો.’

‘એનું મધુકરને બહુ દુઃખ દેખાતું નથી.’

‘હું એ જ કહું છું ને ! પ્રેમમાં પુરુષ કદી દુઃખી થતો જ નથી. જ્યોત્સ્નાના સાથે મધુકરનું લગ્ન થાય એટલી જ વાર... પછી એ મધુકર નવો પ્રેમ કરશે.’

‘શ્રીલતા ! હું એમ પૂછું છું કે સ્ત્રીઓને પ્રેમ સિવાય બીજી વાત જ સૂઝતી નથી શું ?’

‘પુરુષોનું પણ એમ જ છે. બન્ને વચ્ચે પ્રેમની શરત રચાય છે... સ્ત્રીઓને તો પ્રેમ પછી, ઘર અને બાળકનો પણ વિચાર આવે; પુરુષને તો પ્રેમ સિવાય બીજો ખ્યાલ જ રહેતો નથી. એટલે એ પુરુષ સર્વદા પ્રેમમાં જીતે જ છે... અને પ્રેમનાં ઇનામો કબાટમાં ભેગાં કરે છે.’

‘પરંતુ મારે પ્રેમમાં જીતવું નથી... હારવું છે.’

‘હરવાનો ધંધો જ તું લઈને બેઠો છે. એમાં કોઈ શું કરે ?’

‘પછી તું તો પ્રેમ કરવાની મને ધમકી આપે છે !’

‘ધમકી નહિ... એ સત્ય છે.’

‘તો પછી મારે ક્યાં ભાગવું?’

‘ભાગવાની જરૂર જ ક્યાં છે ?’... તું તો સ્વાતંત્ર્યનો હિમાયતી છે ને ?’

‘હા; જરૂર.’

‘તો પછી... મારી પ્રેમ કરવાની સ્વતંત્રતામાં તું વચ્ચે કેમ આવી, શકે?’

‘પરંતુ એમાં તો મારો પ્રશ્ન પણ આવે ને ?’

‘તને ફાવતું ન હોય તો તું પ્રેમ ન કરીશ... પરંતુ મારા હક ઉપર કોઈ તરાપ મારી શકશે નહિ.’

‘હું પ્રેમની ના પાડ્યા કરું.. અને તું મને પ્રેમ કર્યા કરે એમ ?’

‘હવે એ વાત જ ભૂલી જા.. મારું ઘર પાસે આવે છે... અને અંધારું પણ થઈ ચૂક્યું છે... હું મારે રસ્તે અને તું તારે રસ્તે.... પરંતુ એ રસ્તામાં કદી કદી આપણે મળીશું ખરાં જ....’

‘ક્યારે ?’

‘એક અઠવાડિયામાં. અમારો નાટ્યપ્રયોગ તારે જોવો જ પડશે ને ?...બે વખત... રીહર્સલ અને પ્રયોગ...’

‘હમણાં “રીહર્સલ” તો ચાલે છે ને ?’

‘જીવનને “રીહર્સલ” માનીને જ ચાલજે. નાટક સાચું પડે ત્યારે ખરું.’

‘શ્રીલતા ! તુંયે કોઈ મહાન ફિલસૂફ જેવું બોલે છે !’

‘સ્ત્રી એટલે કવિતા જ માત્ર નહિ...સ્ત્રી એટલે ફિલસૂફી પણ ખરી જ. બાય. બાય... ધ્યાનમાં રાખજે. તારે માથે મારા પ્રેમઅભિનયનું જોખમ છે ખરું !’ કહી હસી શ્રીલતાએ ગાડીમાંથી ઊતરી પોતાના મકાન તરફનો માર્ગ લીધો, અને સુરેન્દ્રને લેઈ ગાડી આગળ ચાલી.

ચાલતે ચાલતે કોણ જાણે કેમ પણ સુરેન્દ્રને જ્યોત્સ્ના યાદ આવી. સુરેન્દ્ર સાથે એ આજ બોલી પણ ન હતી અને સુરેન્દ્રને પોતાની સાથે કારમાં આવવાનું આમંત્રણ પણ આપ્યું ન હતું !

શા માટે એ હવે એને આમંત્રણ આપે ?

ત્યારે.... આ નવી રોજિંદા પગારની નોકરી પણ એણે જ અપાવી લાગે છે, એ શું? એ દયાભાવના કે પ્રેમ ? એક પુરુષને જ્યોત્સ્નાએ દયા આપી. બીજાને પ્રેમ આપ્યો ! દયા ઉપર જિવાય? પ્રેમ ઉપર જિવાય ? કે બન્ને ઉપર ? સુરેન્દ્રને નહોતી જોઈતી દયા કે નહોતો જોઈતો પ્રેમ !

ત્યારે શા માટે એને જ્યોત્સ્નાના વિચાર આવવા જોઈએ ? મધુકર સાથેના પ્રેમમાં એ ભલે સુખી થતી ! મધુકર અને જ્યોત્સ્ના અત્યારે શું કરતાં હશે એની કલ્પના સુરેન્દ્રે શા માટે કરવી જોઈએ ? કોઈ ક્લબમાં ગયાં છો ? કારમાં ફરવા ગયાં હશે ! અથવા કોઈ ચલચિત્ર જોતાં બેઠાં હશે !

પરંતુ સુરેન્દ્રની એ કલ્પના સાચી ન હતી. જ્યોત્સ્ના મધુકર સાથે કારમાં પાછી ફરતી હતી એ સાચું, પરંતુ મધુકરની બહુ જ ઈચ્છા છતાં જ્યોત્સ્ના તેને અઢેલીને કે અડીને બેઠી નહિ, અને મધુકરના તેવા પ્રયત્નો તેણે નિષ્ફળ બનાવ્યા હતા. મધુકર સાથે જ્યોત્સ્નાએ વાત પણ કશી કરી નહિ. અને તેને વાતમાં દોરવાની મધુકરની ચબરાકી પણ જાણે નિરર્થક બનતી હોય એમ જ્યોત્સ્નાનું વલણ મધુકરને દેખાયું.

‘અત્યારે ક્યાં જઈશું ?’ મધુકરે અશબ્દ સાન્નિધ્યમાં શબ્દ મૂકી જાગૃતિ લાવવા માંડી.

‘ઘેર જ જઈશું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘હજી ઘણો વખત રહેશે... તું કહે તો ક્લબમાં જઈએ.’

‘ના રે ! મને એ પત્તાં, નિંદા અને હસાહસ પસંદ નથી.’

‘તો... બગીચામાં જઈ ઘડી બેસીએ.’

‘અબોલ ખીલતાં પુષ્પોને માનવવાણી રંજ પહોંચાડતી લાગે છે...’

‘તુંયે કાંઈ કવિતા લખવા જેવું બોલે છે !’ મધુકરે હસીને કહ્યું.

‘મને હમણાં ઘણી કવિતા સ્ફુરે છે.’

‘તો ચાલ. આપણે એક સરસ ચિત્ર જોઈએ.’

‘ના, આજ નહિ... ફરી કોઈ વાર...’

‘હું કહું છું એ ચિત્ર આજ છેલ્લું જ બતાવાશે...’

‘બીજાં આવશે ને ?’

‘પણ આવું સારું નહિ હોય !’

‘ઉત્તમોત્તમ નથી એવી જાહેરાત વાળું એક ચિત્ર કદી હોય ખરું?’

‘જવા દે આજ !’ કહી જ્યોત્સ્નાએ ખસી ગયેલો માથા ઉપરનો સાડી છેડો સફાઈપૂર્વક ગોઠવ્યો અને બારી બહાર એણે નજર સ્થિર કરી.

મધુકર આ ગુમાનભરી ધનિક છોકરીની અર્થહીન આડાઈ જોઈ રહ્યો - વિચારી રહ્યો. લગ્ન સુધી પુરુષપ્રેમીઓને સ્ત્રીપ્રેમીની આડાઈ સહન કરવી જ રહી. પરંતુ લગ્નમાં સ્ત્રીઓની બધી જ વિચિત્રતાનો અંત લાવવાનો ઇલાજ સમાયેલો છે એમ મધુકરનું જ્ઞાન ન હોય એવું બને જ નહિ. લગ્નને પ્રથમ દિવસે જ આ લાડઘેલી ને મનમોજી જ્યોત્સ્નાને સીધી બનાવી દેવાની તક જરૂર મળશે એવી સ્વાભાવિક આશા તે સેવી રહ્યો. લગ્ન એટલે ? પુરુષની મુક્તિ અને સ્ત્રીનું બંધન ! નહિ, પરંતુ એ લગ્નની કક્ષાએ પહોંચતા સુધી યોગીને શોભે એવી ધીરજ પુરુષે ધારણ કરવી રહી. મધુકર તેને માટે તૈયાર હતો.

‘ભલે, તારી મરજી… પણ તું આમ અબોલ કેમ બની જાય છે ?’ મધુકરે પૂછ્યું.

‘હું કદી પણ ક્યારે વધારે બોલતી ? બોલવાની ટેવ તો શ્રીલતામાં છે…’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘એનું નામ બાજુએ મૂક… જ્યાં અને ત્યાં એ સામે અને સામે ખરી… અને તુંયે એને બહુ બોલાવ બોલાવ કરે છે… એવી ચઢી ગઈ છે એ છોકરી !’

‘એના વગર કેમ ચાલે ? આખી નાટ્યદૃશ્યની યોજના જ એની.’

‘પછી એનો બહુ સાથ ન રાખીશ… એણે હવે સુરેન્દ્ર જોડે લટૂડાં કરવા માંડ્યાં છે… જોયું ને ?’

‘શું કરે બિચારી ? તેં તરછોડી એટલે ?’

‘મેં કારણ વગર એને તરછોડી નથી જ… આવું આવું ઘણું જોયા પછી જ મેં એને ના સંભળાવી. છતાંય, એને કશી શરમ કે મર્યાદા જ નહિ.… જ્યાં હોય ત્યાં પ્રેમની જ વાત… સહુ સાંભળે એમ… બહુ વાંધાભરેલું વલણ.’

‘હં’ કહી જયોત્સ્નાએ બારી બહાર જોવું ચાલુ રાખ્યું. અને થોડી વાર કારની અંદર શાન્તિ પ્રસરી.

સ્નેહ શાન્તિ સહી શકતો નથી. જરા રહીને મધુકરે કહ્યું :

‘જ્યોત્સ્ના !'

‘કેમ ?’ જ્યોત્સ્નાએ ઝડપી પ્રશ્ન કર્યો.

‘મારી સાથે એકાક્ષરી ઉચ્ચારણની જરૂર નથી.’

‘તેં જ હમણાં કહ્યું ને કે શરમ તથા મર્યાદા ન હોવાથી તે શ્રીલતાને બાજુએ મૂકી ! પછી હું કેમ વધારે બોલું ?’

‘શ્રીલતા તો જ્યાંત્યાં ચપચપાટ કરતી… આપણે બન્ને તો એકાન્તમાં છીએ… અહીં પડદાની જરૂર નથી.’

‘અહીં જ પડદાની જરૂર છે.’

‘જરા પણ નહિ…’ જ્યોત્સ્નાનો હસ્તસ્પર્શ કરવા મથતા મધુકરે કહ્યું

મથન સફળ ન હતું.

‘કદાચ… હવે પછી તું મને તારી લાજ કાઢતી જુએ તો આશ્ચર્ય ન પામીશ.’ કહી જ્યોત્સ્નાએ જરા તીરછી આંખે મધુકર તરફ જોયું. તીરછી નજર સર્વદા તલવારનો ઘા કરે છે, પરંતુ એ ઘાવ ગમી જાય છે. મધુકરે પ્રસન્ન થઈ હસતે હસતે કહ્યું :

‘લાજ ? ઘૂમટો ?… અરે શી વાત તું કરી રહી છે, જ્યોત્સ્ના !… વીસમી સદીમાં ?’

‘લાજ અને ઘૂમટા ઉપર તો કવિતાઓ રચાઈ છે, મધુકર !’

‘પણ તે કાયમ રાખવા માટે નહિ, ખોલવા માટે !’

મધુકરની ચબરાકીએ તેને મદદ કરી. વાર્તાલાપમાં તેને વિજય મળ્યો એમ માની મધુકર હસ્યો પણ ખરો… આટલી સ્પષ્ટ વાત બોલવાનો તેને હવે અધિકાર હતો ! પરંતુ જ્યોત્સ્ના પાસે પણ જવાબ હતો ખરો.

‘વીસમી સદીમાં તો ઘૂમટા બહુ ખૂલી ગયા… ન ગમે એટલાં મુખ ખુલ્લાં થયાં… પાછાં બુરખે ઢાંકી દેઈએ - જેથી કવિતા લખાવી શરૂ થાય… જો, આમ !’ મુખ વધારે ઢાંકી જ્યોત્સ્ના બોલી.

ઘર આવી ગયું હતું એટલે બન્નેને ગાડીમાંથી ઊતરવાનું હતું જ ! જ્યોત્સ્નાએ વાક્ય પૂરું કરી મુખ ઉપર જૂની ઢબે સહજ સાડી ખેંચી અને તે કારનું બારણું ખોલી એકાએક મધુકરને હસતો મૂકી ચાલી જ ગઈ ! મધુકરને એમાં પ્રેમરમત દેખાઈ ! યુવતી મુખ ખોલે કે ઢાંકે તોય તે બન્ને અભિનય પ્રેમીને તો દિલ ધડકાવનાર જ હોય છે.

જ્યોત્સ્નાએ ફરીને પાછું જોયું નહિ - જોકે મધુકરને આશા હતી કે દૂરથી જ્યોત્સ્ના પોતાનું મુખ દર્શાવશે. ધીમે ધીમે તે પોતાને મળેલી સેક્રેટરીની ઓરડી તરફ ચાલ્યો. મુખ્ય ખંડમાં રાવબહાદુર અને યશોદાબહેન હસતાં હતાં. ધ્યાનથી સાંભળનાર તેમની વાતચીત સાંભળી શકે એમ હતું. અને મધુકર તો ભાવિ સસરાસાસુની વાણીના અર્થ સાંભળવા તલપી જ રહે ! એણે મધ્યવયી પતિપત્નીની વાતચીત સાંભળી પણ ખરી !

‘તે… જ્યોત્સ્ના નવી ઢબે પરણવાની ના કહે છે ?’ રાવબહાદુરે પૂછ્યું.

‘હા… એ તો કહે છે કે એ પાનેતર પહેરશે… મુખ ઢાંકશે… મોડ માથે પહેરશે… પીઠી ચોળાવશે… કપાળે ટીલડીઓ ચોડાવશે… અને ખાસ્સો ઘૂમટો તાણીને ચૉરીમાં બેસશે ! પુત્રીએ પ્રદર્શિત કરેલી ઈચ્છા યશોદાબહેને પતિ સમક્ષ વ્યક્ત કરી, અને બન્ને જણ પાછાં ખડખડ હસ્યાં.

‘એને આપણો યુગ પાછો લાવવો છે શું ?’ હસી રાવબહાદુરે પૂછ્યું.

‘તોય શું ખોટું ? લાજ-મરજાદ મને તો ગમે… આજની દુનિયા ભલે લાજ-મરજાદને હસે ! ખરું પૂછો તો લાજ-મલાજો આપણું ભૂષણ છે.’ યશોદાબહેને પુત્રીની તેમને કહેલી માન્યતાને ટેકો આપ્યો.