સ્નેહસૃષ્ટિ/સ્વપ્નમાં સત્ય

વિકિસ્રોતમાંથી
← ગાંધીરંગ્યો સામ્યવાદ સ્નેહસૃષ્ટિ
સ્વપ્નમાં સત્ય
રમણલાલ દેસાઈ
નાગચૂડ →


૩૨
 
સ્વપ્નમાં સત્ય
 


‘હું તમારો ભારે આભાર માનું છું, પરંતુ હું ક્યાં છું એ તમે કહી શકશો ?’ આશ્ચર્યચકિત સુરેન્દ્રે પૂછ્યું.

‘તમે એકવીસમી સદીની માનવદુનિયામાં છો… પૃથ્વી ઉપર છો…’ યુવકે કહ્યું.

‘પરંતુ દેશ કયો ? સ્થાન કયું ? નગર કયું ?’

‘દેશ, સ્થાન અને નગરના નાનકડા ભેદ અમે ભૂલી ગયા છીએ. આ તો માનવ-મહારાજ્ય છે. જેમાં ઓછામાં ઓછા કાયદા છે, ઓછામાં ઓછા ભૂમિટુકડા છે, ઓછામાં ઓછા ઝગડા છે અને વિપુલ ખોરાક, વિપુલ જ્ઞાન અને વિપુલ કલા ઘેર ઘેર ફેલાય જાય છે.’

‘એમ ? ત્યારે હજી ઘર છે ખરા !… પણ બધાં જ લગભગ સરખાં લાગે છે… ઝૂંપડી તો એકે દેખાતી નથી. હું ઝૂંપડીનો શોખીન છું…’

‘તમારી ઈચ્છા હશે તો તમને ઝૂંપડી કરી આપીશું. મકાનના આકાર સંબંધમાં અમે ઝઘડતા નથી… અને ઝૂંપડી એટલે તો… વીસમી સદીના કલંક રૂ૫ ગરીબોના નિવાસ ને ?… એ ઝૂંપડી અને ચાલને નામે ઓળખાતાં પાપ ક્યારનાંયે અમે અદૃશ્ય કરી નાખ્યાં છે… છતાં અમારા સંગ્રહસ્થાનમાં એ નમૂના અમે સાચવ્યા છે ખરા…’

‘ઝૂંપડી અને ચાલીઓ અદૃશ્ય થઈ ગઈ ? શું કહો છો ! મને સમજાતું નથી !… તો હું ક્યાંથી આવું છું ?… મારું છેલ્લું સ્થાન તો ઝૂંપડીમાં જ હતું એમ મને યાદ આવે છે.’

‘અમારો ઇતિહાસ કહે છે કે ઝૂંપડીનો છેલ્લો નિવાસી સુરેન્દ્ર નામનો એક લડવૈયો હતો. એણે એક એવી વિશ્વવ્યાપી લડત જગાવી હતી કે જ્યાં સુધી એક પણ માનવીને ઝૂંપડીમાં રહેવું પડે ત્યાં સુધી બીજા કોઈને પણ ઝૂંપડી કરતાં વધારે સારું રહેઠાણ આપી શકાય જ નહિ.’

‘એમ ? મારું નામ પણ સુરેન્દ્ર છે…’

‘તમારા એ પૂર્વજનું નામ તમે ચાલુ રાખ્યું હશે. બહુ સારું કર્યું. મારી બે પેઢીએ “મધુકર” નામે જ ચલાવ્યું હતું; મેં માત્ર મારું નામ બદલ્યું.’ યુવકે કહ્યું.

સુરેન્દ્રનો પૂર્વજ કોણ ? વંશજ કોણ ? સુરેન્દ્ર તો પરણ્યો જ ન હતો. આ નવી દુનિયામાં હજી ‘સુરેન્દ્ર’ નામ કેમ યાદ રહ્યું હશે ? એ જાતે પોતે તો જીવતો જ છે ! અને તેના કાર્યક્રમમાં નિવાસસત્યાગ્રહની તો લડત હતી જ ! - જોકે હજી એ લડવાની બાકી હતી - કે એણે શરૂ કરી દીધી હતી ?

‘મારો પૂર્વજ ? કોણ જાણે ! પરંતુ આવી એક લડત મેં ઉપાડી હતી એ તો મને સહજ યાદ આવે છે…’ સુરેન્દ્રે જવાબ આપ્યો.

‘અરે, માનવજાતની એ લડત તો આજ ઈતિહાસમાં અમર બની ગઈ છે… તમે તે સમયે જન્મ્યા પણ નહિ હો… કદાચ છેલ્લી લડતમાં તમે હો તો… કોણ જાણે !’

‘છેલ્લી એટલે ? એવી ઘણી લડત હતી શું ?’

‘હા જી. પહેલી લડત શરૂ થઈ ભારત નામના પ્રદેશમાં…’

‘ભારત ?… ત્યારે આપણે ક્યાં ઊભા છીએ ? આ ભારત નથી ?’

‘આ સદી પહેલાં જેને ભારત કહેતા હતા તે આ પ્રદેશ ખરો. પરંતુ હવે એ નાનકડો દેશ રહ્યો નથી. વહીવટી સરળતા ખાતર જૂના એશિયાખંડને અમે ચાર વિભાગમાં વહેંચી નાખ્યો છે.’

‘એમ ? એ કયા વિભાગ ?’

‘આપણે જે વિભાગમાં ઊભા છીએ એ વિશાળ ભૂમિટુકડાને અમે ગાંધીખંડ કહીએ છીએ.’

‘ગાંધીખંડ ?… વાહ !… બીજા કયા ટુકડા !’

‘ખંડ એટલે જ ભૂમિટુકડો… ખરું ને ? ગાંધીખંડ એ દક્ષિણ વિભાગ; ઉત્તરખંડ આખો લેનીન વિભાગ; પૂર્વખંડને અમે માઓ વિભાગ કહીએ છીએ અને પશ્ચિમખંડને અમે મહમદ વિભાગ કહીએ છીએ.’

‘હું ખરેખર નૂતન દુનિયામાં આવી લાગ્યો છું ! પરંતુ… નવી દુનિયામાં તમે ધર્મો રાખ્યા લાગે છે !’

‘ધર્મ તો અમારો એક માનવધર્મ. હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી કે બૌદ્ધ તરીકે કોઈ વ્યક્તિ પોતાને ઓળખાવશે જ નહિ… હા, જેને જે ધર્મનો અભ્યાસ કરવો હોય, જે ધર્મનું કર્મકાણ્ડ પાળવું હોય, તેને અમે રોકતા નથી. દાખલા તરીકે… જૂના હિંદુ ધર્મમાંથી યોગનો પ્રયોગ આજ ઠીકઠીક વ્યાપક છે… પરંતુ હવે યોગ એ માત્ર હિંદુઓનો જ નહિ, પરંતુ સમગ્ર માનવજાતની સમૃદ્ધિ બની ગયો છે.’

‘પરંતુ તમે મહમદખંડ રાખી ઈસ્લામ ધર્મની ખુશામદ તો આજ પણ કર્યે જાઓ છો !’ સુરેન્દ્રનું રહ્યુંસહ્યું હિન્દુત્વ સળવળી ઊઠ્યું અને હિંદુધર્મે ઈસ્લામને આપેલી પાકિસ્તાન રૂ૫ ખંડણી તેને યાદ આવી.

‘નહિ, નહિ, નહિ ! નવીન દુનિયાને ખુશામદની જરૂર રહી જ નથી. ખુશામદને જીવવા માટે અહીં સ્થાન જ નથી !’

‘તો પછી તમે પશ્ચિમ વિભાગને મહમદખંડ નામ કેમ આપ્યું ?’

‘કારણ મહમદ એક મહાન અર્થશાસ્ત્રી હતો.’

‘મહમદ ? અર્થશાસ્ત્રી ? કદી વાંચ્યું કે સાંભળ્યું નથી.’

‘વ્યાજને નાબૂદ કરવાની આજ્ઞા આપી મહમદે ધનનો એક ભયંકર ઝેરી ડંખ કાપી નાખ્યો છે. વ્યાજની પ્રથાએ માનવજાતની કેટકેટલી સધ્ધરતાને નાદારીમાં ફેરવી નાખી છે એનો ઇતિહાસ તમે જાણો ત્યારે…’

‘એ હું જરૂર જાણું છું. મહમદની સ્મૃતિ આ રીતે જાળવી રાખવા માટે હું તમને મુબારકબાદી આપું છું… પરંતુ આપણે ફરતા ફરતા ક્યાં જવા ધારીએ છીએ ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘હું તમને અતિથિગૃહમાં લઈ જાઉં છું. ત્યાં તમે આરામ લો. તમે ક્યાંથી અહીં કેમ આવ્યા એ સંભારી કાઢો… નહિ તો અમારા માનસચિકિત્સકો - જેમને યોગાભ્યાસે બારે શક્તિઓ આપી છે તેઓ જરૂર તમારા ડૂબેલા મનવિભાગને તરતો બનાવી દેશે… અને તમને તમારો ભુલાયેલો ભૂતકાળ ગોતવામાં મદદ કરશે. આ રહ્યું અતિથિગૃહ !’ કહી મધુકરનો વંશજ તેને એક સુંદર બગીચામાં લઈ ગયો.

‘હું ક્યારનો જોયા કરું છું… આ તે શહેર છે કે ઉદ્યાનનગર છે ?’ સુરેન્દ્ર પૂછ્યું.

‘ઉદ્યાનની સગવડ વગરનું એક પણ મકાન નવી દુનિયામાં હોઈ શકે નહિ.’

‘અને… કેવાં કેવાં ઉદ્યાનો ? ભારતનાં ઉપવન, કાશ્મીર-ઈરાનના મોગલાઈ બગીચા, ચીની અને જપાની વાડીઓ, ઈટલીના વિસ્તૃત બાગ… અને એથીયે કાંઈ અવનવું… હું જોયા જ કરું છું. ઝૂંપડીમાંથી આ કેમ ઉપજ્યું એની વિગત મને જણાવશો ?’ સુરેન્દ્રે માગણી કરી.

‘આપ જરા આરામ લો. અતિથિગૃહના સંચાલક એક ઇતિહાસકાર પણ છે… આ તમને લેવા માટે આવ્યા. એ તમને ઘણી માહિતી આપશે.’

‘તમે હવે ક્યાં જશો ?’

‘હું બે કલાક ખેતી કરું છું.’

‘એમ ? શા માટે ?’

‘ઘઉમાં ગળપણ વધે એવો એક પ્રયોગ અને હાથમાં લીધો છે. પચીસ ટકા સફળતા મળી છે. વર્ષ આખરે પ્રયોગ સંપૂર્ણ સફળ થવો જ જોઈએ.’ કહી અતિથિગૃહનાં પગથિયાં સુધી જઈ વિવેક પુર:સર સામે આવતા સંચાલકને સોંપી મધુકર સરખા મુખવાળો યુવક ફરી મળવાનું વચન આપી ખસી ગયો.

પરંતુ સુરેન્દ્રના આશ્ચર્યનો આજે પાર રહ્યો ન હતો. અતિથિગૃહનું સંચાલન એક યુવતી કરી રહી હતી !

અને એ યુવતીનું મુખ આબેહૂબ શ્રીલતા સરખું જ હતું ! જાણે અમૃતસાગરમાં સ્નાન કરી વધારે રૂપાળી બની શ્રીલેખા સુરેન્દ્ર સામે આવીને ઊભી ન હોય !

‘આપનું નામ… શ્રીલતા… તો નહિ ?’ સુરેન્દ્રે પરિચય બાદ પૂછ્યું.

‘પધારો ! મારા માતૃપૂર્વજોમાં એક શ્રીલતા નામની વડિયાઈ હતી ખરી. આપ કૌટુમ્બિક પ્રજનનશાસ્ત્રના અભ્યાસી છો શું ?’

‘ના જી… પરંતુ એ શાસ્ત્રમાં તમે સાધો છો શું ?’

‘કુટુંબનાં સ્વરૂપ, ગુણ અને વિશિષ્ટ લક્ષણો સચવાઈ રહે અને માનવવિરોધી - પ્રગતિનિરોધી લક્ષણો ઓગળી જાય, એવા પ્રયોગો એ શાસ્ત્રના અભ્યાસમાં સતત ચાલે છે…’

‘મારી મિત્રમંડળીમાં શ્રીલતા નામની એક યુવતી હતી… ઘણી ચબરાક, ઘણી રૂપાળી, ઘણી તેજસ્વી અને ઘણી જ આગ્રહી…’

‘તમે ક્યાંની વાત કરો છો ? એને તો ત્રણ પેઢી થઈ ગઈ… શ્રીલતાની છબી અમે સાચવી રાખી છે… આપની ઉમર જોતાં આપ ત્રણ પેઢી ઉપરના હો એમ લાગતું નથી… મને આપને વિશે સહજ ઈશારો તો થઈ ચૂક્યો છે. આપ જમીને આરામ લો ! પછી હું એક નિષ્ણાત માનસશાસ્ત્રીને બોલાવીશ, જે તમારી સ્મૃતિ તાજી કરવામાં તમને સહાયભૂત થશે.’ કહી સંચાલક યુવતી સુરેન્દ્રને આરામમાં બેસાડી, થોડી વારે તેને માટે જમણ લઈ આવી સામે બેઠી.

જમવાની વસ્તુઓના આકાર ફરી ગયા હતા; એટલું જ નહિ, એ આકારો વધારે સુધર્યા હતા અને આકર્ષક બન્યા હતા. સુરેન્દ્રથી પુછાઈ ગયું :

‘આમાં કાંઈ સામિષ ભોજન તો નથી ને ?’

‘ના જી. છેલ્લાં પચીસ વર્ષથી માનવજાતને માંસાહારને વર્જ્ય કર્યો છે.’

‘કારણ ?’

‘અન્ન મબલખ પાકતું હોય, અન્ન સ્વાદિષ્ટ હોય અને અત્ર પૌષ્ટિક હોય પછી જીવંત પશુપક્ષીઓને મારી તેમનાં માંસહાડકાં ચૂસવાની જરૂર જ ક્યાં રહે ?’

‘માંસાહારથી ટેવાયેલી જનતાને એનો સ્વાદ છોડતાં ભારે મુશ્કેલી પડી હશે… નહિ ?’

‘ના રે ! સ્વાદ તો ટેવની આંગળીએ વળગીને ચાલે છે… અને માંસાહારમાં પણ વનસ્પતિ મશાલો જ મહત્ત્વનો ગણાય. માનવજાતને પૂરતું અનાજ થયું ત્યારથી માંસાહાર અટકી જ ગયો છે… આપોઆપ. કાયદાની જરૂર જ પડી નથી.’

‘પરંતુ… માંસાહાર વગર જનતાનું વીરત્વ ઘટી ગયું હશે ને ?’ સુરેન્દ્રે પૂછ્યું.

સંચાલક યુવતી ખડખડાટ હસી પડી - જાણે કોઈ અજાણ માણસ સૂર્યદેવને કેટલા હાથ છે એમ પૂછતો હોય એવો યુવતીના હાસ્યનો ધ્વનિ હતો ! સુરેન્દ્રને જરા ખોટું લાગ્યું. એ પોતાને એવો બબૂચક માનતો ન હતો કે જેથી તેની વાણી આવા હાસ્યને પાત્ર તેને લાગે.

‘મારો પ્રશ્ન હસવા જેવો કેમ લાગ્યો ?’

‘એ ચર્ચા અમારે ત્યાં પણ ચાલી હતી… પરંતુ વનસ્પતિઆહાર શાસ્ત્રીય રીતે જ માંસાહાર કરતાં વધારે ઉપયોગી નીવડ્યો… અને હવે વીરત્વનો અર્થ અમારે ત્યાં જુદો થાય છે. યુદ્ધ તો હવે બંધ જ થયું છે.’

‘યુદ્ધ બંધ થઈ ગયું ? શું કહો છો ?’

‘હા જી. માનવ-મહારાજ્ય સ્થપાયા પછી કોણ કોની સાથે ઝઘડો કરે ?’

‘એ બધું બન્યું શી રીતે ! મને જલદી કહો. હું પણ એ જ માંગતો હતો.’

‘સાંભળો ! ગાંધીખંડનો એક વિભાગ ભારત તરીકે ઓળખાતો હતો. એ ભારતને સ્વરાજ્ય મળ્યું… પછી તો એક એકથી ચઢતી ચળવળો શરૂ થઈ. નિવાસહીન માનવીઓનાં સંગઠન થયાં અને તેમણે ગવર્નરો, પ્રધાનો તથા અમલદારોનાં મહાલયોને સતત ઘેરો ઘાલવા માંડ્યો… જનતાના દુઃખે દુઃખી થવાની ગર્જનાઓ કરી સત્તા ઉપર આવેલા એ સર્વને તેમનાં મહાલયોમાં રહેવું પ્રજાએ મુશ્કેલ કરી દીધું…’

‘એમાં કાંઈ તોફાનો ન થયાં ?’

‘તોફાનો થયાં ખરાં. કારમાં બેસી લોકોનાં દુઃખ જોતા પૂતળાં-ગવર્નરો કે નિરુપયોગી ગાંધીસ્તંભોની રચનામાં બાંધકામનો સામાન વેડફી નાખી કુમકુમ ચાંદલા હસતે મુખે કરાવી ઉદ્‌ઘાટનની મોજ માણનાર પ્રધાનો પોતાનાં મહાલયોમાં બેઠા હોય તો તેમને લોકો બહાર ન નીકળવા દે. અગર બહાર નીકળ્યા હોય તો મહાલયમાં જવા ન દે… એવો લોકપ્રયત્ન સરકારી સામનાને આકર્ષે અને તેમાંથી તોફાનો પણ થાય… અરે થયાં જ… ત્યાર પછી ગાંધીપ્રેરી અહિંસાનો ઉપયોગ કરનાર એક સુરેન્દ્ર નામનો નેતા નીકળી આવ્યો.’

‘સુરેન્દ્ર ! એ તો મારું જ નામ છે… હાં; પછી ?’

‘એણે જનતામાં પાછી અહિંસાની પ્રતિષ્ઠા સ્થાપી… મરવું, પણ મારવું નહિ… અને મરતાં સુધી લીધેલી પ્રતિજ્ઞામાંથી ખસવું નહિ, એવા સિદ્ધાંતવાદીઓ દ્વારા યોજાયેલા સત્યાગ્રહે બહુ મોટા ફેરફારો ઉપજાવ્યા. નિવાસીનતા ટળી ગઈ અને મજૂર તથા પ્રધાન બન્નેના નિવાસ સરખા બની જવા લાગ્યા.’ યુવતીએ કહ્યું.

‘બહુ નવાઈ જેવું.’

‘આમ તો કાંઈ જ નવાઈ જેવું ન કહેવાય. નિરુપયોગી, નિરર્થ-બિનજરૂરી શોભાવાળાં મકાનો બંધાતાં અટક્યાં અને… જુઓ ને મિત્ર ! પૃથ્વી બાંધકામ માટે એટએટલાં વિપુલ સાધનો આપી રહી છે કે કોઈને મકાન વગર રહેવાની જરૂર નથી.’

‘પરંતુ… આ તમારી દુનિયામાંથી ભૂખમરો કેમ અદૃશ્ય થયો ? …આવાં સરસ પકવાનો તમે કેમ સર્જી શકો છો ?’

‘ભૂખમરો તો કૃત્રિમ હતો જ - બિનજરૂરી. બાંધકામની વસ્તુઓ માફક અનાજ પણ પૂરતું થાય એવી શક્તિ જમીનમાં રહેલી છે… કમનસીબે બુદ્ધિ અને શ્રમ વચ્ચે ભારે ફાટ પડતી ચાલી… શ્રમની મહત્તા બદલ બુદ્ધિએ ભારે ભારે ભાષણો કરવા માંડ્યાં… એની સામે લડતની સુરેન્દ્રે શરૂઆત કરી… ખાલી પડેલી જમીનમાં એણે ખેતી રહિત બેકાર જનતા પાસે ખેતી કરાવી અને સત્તા સાથે એને ઝઘડો શરૂ થયો… ઝઘડો વધતાં એવી પરિસ્થિતિ આવી કે ધારાસભામાં લવારો કરતા સભ્યો અને કાગળિયાં ચૂંથતા અમલદારો તથા પ્રધાનોને બબ્બે ત્રણત્રણ કલાકની ખેતી કરવાનો અને પછી સત્તા ભોગવવાનો અધિકાર આપવાની ઝુંબેશ ચાલી… ભાષણખોરો ભાગ્યા અને સાચા શ્રમજીવીઓ આગળ આવ્યા… પછી શું બાકી રહે ? વિદ્યાર્થીઓ, કારકુનો, વ્યાપારીઓ, સહુએ મઝદૂરી શરૂ કરી અને ભૂખમરો ભાગ્યો… ભારતમાંથી બીજે પણ એ જ પવન ફૂંકાયો… બુદ્ધિમાનોએ - કહેવાતા બુદ્ધિમાનોએ બહુ ભારે સામનો કર્યો… પરંતુ નિષ્ફળ, નિષ્ક્રિય, ઓછું કામ કરી મહત્તાનું શિખર માગતી શોષક બુદ્ધિની દુનિયાને જરૂર નથી… શ્રમહીન બુદ્ધિ બાળી નાખવાને પાત્ર છે એવી જેહાદ ઊભી થઈ અને કવિઓ, લેખકો, પ્રોફેસરો, વકીલો, ડૉક્ટરો, અમલદારો, મુત્સદ્દીઓ, સહુ ઘમંડ છોડી ઉત્પાદનમાં સામેલ થઈ ગયા… શ્રમને બુદ્ધિ મળી ને બુદ્ધિને શ્રમ મળ્યો… આખી દુનિયા માટે પોષણ તૈયાર થયું. અરે, એટલું સાધન આજ ઊપજ્યું છે કે કદાચ આ વર્ષે મંગળની જનતાને પણ અમે અનાજ આપી શકીશું.’

એકચિત્તે સુરેન્દ્ર આ હકીકત સાંભળી રહ્યો હતો. એને પોતાને પણ કંઈક આવા પરંતુ અસ્પષ્ટ વિચારો આવ્યા જ કરતા હતા. એ જ વિચારો અમલમાં મુકાઈ નવી દુનિયા રચાઈ ચૂકી શું ? અને રચાઈ હોય તો એ ત્રણ પેઢી પછી જીવતો શી રીતે શક્યો ?

‘એ સુરેન્દ્રની છબી મળી શકે ખરી ?’ સુરેન્દ્રે યુવતીને પૂછ્યું.

‘કેમ નહિ?… અમે તેની ભવ્ય પ્રતિમા ગોઠવી છે. ચાલો, હું તમને એ બતાવું.’ કહી સુરેન્દ્રનો હાથ પકડી એ યુવતી તેને આગળ લઈ ગઈ. જમી તો એ ક્યારનો રહ્યો હતો.

રસ્તે જતાં સુંદર વીજળીમાં ચમકતાં સૂત્રો તેણે સ્થળે સ્થળે વાંચ્યા.

असतो मा सद् गमय ।
तमसो मा ज्योतिर्गमय ।
मृत्योर्मा अमृतं गमय ।

‘આ શું ?’ સુરેન્દ્રે પૂછ્યું.

‘એ આ નવી દુનિયાનાં સૂત્રો.’ યુવતીએ જવાબ આપ્યો.

‘પરંતુ… એ તો… બહુ પ્રાચીન… જૂના વૈદિક સંસ્કૃતિનાં સૂત્રો છે… નવી દુનિયાને એ ફાવે ખરાં ?’

‘હા જી. નવી દુનિયા જ એનો સાચો અર્થ સમજી શકી છે… જુઓ. આ પેલી ભવ્ય પ્રતિમા !… સુરેન્દ્ર નામી આદ્યપુરુષની…’

‘આદ્યપુરુષ ?’

‘હા જી. નવીન દુનિયાની સ્થાપનાની સાચી ઝાંખી એને જ થઈ હતી… ગાંધીનો એ વારસ…’

સુરેન્દ્ર ચમક્યો ! એ તો એની પોતાની જ પ્રતિમા જોઈ રહ્યો હતો ! પ્રતિમા પણ જાણે બોલતી ન હોય એમ એણે સાદ સાંભળ્યો :

‘સુરેન્દ્ર !… ઓ સાચા સુરેન્દ્ર ! જો આ તારી પ્રતિમા !’