સ્નેહસૃષ્ટિ/હાથમાં ઊતરતું ફળ
← સુરેન્દ્રની ધૂન | સ્નેહસૃષ્ટિ હાથમાં ઊતરતું ફળ રમણલાલ દેસાઈ |
આંખના અંગાર → |
યુવક-યુવતીએ કારમાં એકલાં બેસવું એટલે કામવનનાં દ્વાર ખુલ્લાં મૂકી દેવાં ! કૂવા, વાવ અને પનઘટ એ પ્રાચીન કાળનાં પ્રેમસ્થાન. આજ એ ભલે બદલાઈ ગયાં હોય; એને બદલે કાર એ પ્રેમીઓ માટે હાલતો-ચાલતો અને હરતો-ફરતો પનઘટ બની રહે છે. મધુકરના માનસને જ્યોત્સ્ના સ્પષ્ટ સમજી ગઈ હતી. સુરેન્દ્રની જવરઅવર એના ઘરમાં હવે ન થાય એની યુક્તિ મધુકરે ઠીકઠીક રચી હતી, એનું જ્યોત્સ્નાને ભાન હતું. સુરેન્દ્ર સાનુકૂલ હોત, આટલો વિચિત્ર ન હોત, તો મધુકરને જ્યોત્સ્નાના ઘરમાં સ્થાન મળી ન શકત. પરંતુ સુરેન્દ્રને તો સ્ત્રી જાતિથી જ અલગ રહેવું હોય એમ ક્યારનુંયે સ્પષ્ટ થઈ ચૂક્યું હતું. છતાં શા માટે જ્યોત્સ્ના હજી સુરેન્દ્રને યાદ કર્યા કરતી હતી ? જ્યોત્સ્નાને પોતાને પણ એ વિચાર આવ્યો.
સાથે સાથે એ પ્રશ્ન મધુકરના હૃદયમાં પણ બીજી વિચારશ્રેણીમાંથી જાગ્યો; અને એકાંત લાંબી શાંતિ સહન કરી શકતું ન હોવાથી મધુકરે પૂછ્યું :
‘જ્યોત્સ્ના ! હવે સુરેન્દ્રને શોધવાનો બીજો કાર્યક્રમ તો નથી ને ?’
‘આજે તો હવે નહિ જ.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.
‘એટલે આવતી કાલે પાછો કાર્યક્રમ ખરો; એમ ?’
‘ના.’
‘કારણ ?’
‘હવે એમ થાય છે કે… સુરેન્દ્રને… એને માર્ગે જ જવા દેવો… એને કોઈની જરૂર ન હોય તો આપણે ક્યાં પાછળ દોડવું… મદદ કરવા ? સહાય પણ કેટલે સુધી કરી શકાય ? જ્યોત્સ્નાએ કહ્યું.
‘બરાબર. એના કરતાં વધારે સુખી કે ધનવાનને સુરેન્દ્ર જુએ છે કે એના દિલમાં વેરઝેર વસી જાય છે. એને આખી દુનિયા એક સપાટી ઉપર લાવવી છે.’
‘એ બને ખરું ? સારું તો લાગે છે.’
‘શી રીતે બને ? બધાં જ માનવી સરખી ઊંચાઈનાં હોવાં જોઈએ… એના મત પ્રમાણે…’
‘એટલે ?’
‘એટલે એમ કે… માનવીની ઊંચાઈનું માપ પાંચ ફૂટ નક્કી કર્યું તો પાંચ ફૂટ ઉપરાંતનાં એક કે બે ઈંચવાળાંનાં પગ એટલાં કાપી નાખવા.’
‘અને છ ફૂટ હોય તો…’
‘ગરદન પણ કાપી નાખે !’
‘અને પાંચ ફૂટથી ઓછાં હોય તો ?’
‘તો જતરડામાં ઘાલી ખેંચી તાણી એટલા માપમાં લાવવાં જ જોઈએ !’
‘એ માપ ઠરાવે કોણ ?’
સહજ તિરસ્કારભર્યું હસી મધુકરે કહ્યું :
‘સરમુખત્યાર… જે સત્તાધારી હોય તે.’
‘આ તો ક્રૂરતા કહેવાય… અન્યાય કહેવાય.’
‘તો સમજી લે, જ્યોત્સના ! કે આખો સામ્યવાદ ક્રૂરતા અને અન્યાય ઉપર જ રચાયેલો છે… ન્યાય નહિ, ધર્મ નહિ, લગ્ન નહિ…’
‘લગ્ન તો સામ્યવાદમાં હોય છે.’
‘નહિ જેવાં.’
‘પણ એ તો સારું ને ?’
‘શી રીતે ?’
‘ફાવે અને ગમે ત્યાં સુધી લગ્ન… ન ફાવે કે ન ગમે એટલે ઝટ છૂટાં !’
‘એનું નામ તે લગ્ન કહેવાય ? જેમાં પ્રેમ નહિ, આત્મભોગ નહિ…’
‘આપણે લગ્ન પહેલાં જે કરીએ છીએ તે સામ્યવાદ લગ્ન પછી પણ કરવા દે છે… એટલો જ ફેર ને ?’
‘શું કહે છે તું ? આપણે લગ્ન પહેલાં આવું કશું જ કરી શકતાં નથી.’
‘કેમ એમ ? યશોધરા અને મીનાક્ષીને બાજુએ મૂકીએ, પરંતુ શ્રીલતા અને તું પરસ્પરને ચાહતાં જ હતાં ને ?’
‘શ્રીલતા જૂઠી છે.’
‘એ જૂઠી હોય કે સાચી. પરંતુ… તેં આપેલી વીંટી…’
‘અરે જ્યોત્સના ! તારા જ સોગન ખાઈને કહું છું કે એ વીંટી તો એણે ચોરી લીધેલી છે… હવે એનો આમ ઉપયોગ કરવા માગે છે… એ હું કેમ ચાલવા દઉં ? આવી શિરજોરી ?’
‘વીંટી તારી આંગળીમાંથી એણે ચોરી શી રીતે લીધી ?’
‘શું કહું તને જ્યોત્સ્ના ! એ છટેલ છોકરીની વાત ? કોઈ માને નહિ એવી સ્થિતિમાં એણે મને મૂકી દીધો છે !’
‘કહે તો ખરો, હું જરૂર માનીશ… સાચું કહીશ તો.’
‘તો હું તને તો જરૂર કહી દઉં… શ્રીલતા વિરુદ્ધ કહેવું ગમતું નથી છતાં… હું ટેનિસ રમતો હતો… તું જાણે છે હું ટુર્નામેન્ટમાં ઊતરું છું તે…’
‘હા. અને તું કેટલાય “કપ” જીતી લાવ્યો છું.’
‘એક વાર રમતાં રમતાં હું અને મારો હરીફ સરખા ઊતર્યા. મને લાગ્યું કે મારી વીંટી વચમાં આવતી હતી. શ્રીલતા જોવા ઊભી હતી… પાસે જ હતી… અને મેં એ વીંટી એને સાચવવા આપી. પછી તો પૂછવું જ શું ? કૉલેજનાં છોકરા-છોકરીઓ !… હું જીત્યો અને ધાંધળમાં વીંટી પાછી માગી ન શક્યો. બીજે દિવસે માગી એટલે શ્રીલતાએ આપી જ નહિ. મને લાગ્યું કે એ મશ્કરી કરે છે… પરંતુ એ તો ત્યારની જે ગળે પડી તે… હું શું કહું તને, જ્યોત્સ્ના ? શ્રીલતાથી મને… કોઈ પણ બચાવે તો તે તું જ !’
‘હું એટલે જ કહેતી હતી કે… લગ્ન પહેલાં જેમ છૂટવાની તક મળે, તેમ લગ્ન પછીય મળે તો હરકત શી ?’
‘લગ્નને તો પવિત્ર ગણવું જોઈએ.’
‘પવિત્ર રહે ત્યાં સુધી પવિત્રતાનો એ પ્રયોગ કરી જોવા જેવો ખરો. લગ્નને જીવનના એક મહાપ્રયોગ તરીકે ગણીએ તો શો વાંધો ? પ્રયોગ સફળ ન થાય તો એમાં ફેરફાર પણ કરી શકાય.’
‘તારો એવો મત હોય તો… મને શા માટે વાંધો આવવો જોઈએ ? જોકે લગ્નબંધન હળવા મતભેદથી તૂટવાં ન જ જોઈએ.’
‘અરે મધુકર ! લગ્નને ક્યાં સુધી બંધન બનાવ્યું રાખવું છે ?… પુરુષોનો ભારે જુલમ છે, ભાઈ !’
‘મારા લગ્નમાં તું જોઈ શકીશ કે બંધનનું કોઈ નામ કે નિશાન હશે જ નહિ.’ મધુકરે સહજ ભાવ લાવી કહ્યું.
‘માટે તો હું તારા લગ્નની રાહ જોઉં છું.’
‘મારા લગ્નની ? તારા લગ્નની કેમ નહિ ?’
‘એની રાહ તારે જોવાની !’
‘જ્યોત્સ્ના !’ કહી મધુકરે જ્યોત્સ્નાને ગળે હાથ નાખવા પ્રયત્ન કર્યો. જયોત્સ્નાએ કૌશલ્યથી હાથ ખસેડી નાખી કહ્યું :
‘તારું ઘર પાસે આવે છે, મધુકર !… અને કારના વ્હીલ ઉપર જેનો હાથ હોય તેની સાથે કદી પ્રેમ ન કરવો… એનાથી પ્રેમનો જવાબ ન અપાય… અને જવાબ આપવા જાય તો અકસ્માત કરી બેસે.’
એકાએક જ્યોત્સ્નાએ ગાડી ઊભી રાખી. અંધારું થઈ ગયું હતું; મધુકરનું મકાન પણ આવી રહ્યું હતું. મધુકરની ઈચ્છા ન હતી કે તે પોતાના નાનકડા ભરચક વસ્તીમાં આવેલા લજામણા ઘર આગળ જ્યોત્સ્નાને લઈ જાય… જે જ્યોત્સ્નાનો પ્રેમ અડધ ઉપરાંત મધુકરે જીત્યો હતો ! વિજયના માર્ગમાં નાનું સરખું સ્ખલન પણ પરાજય સર્જાવે છે ! પ્રેમી યોગ્ય હોય, પરંતુ પ્રેમનું મકાન ગરીબીસૂચક હોય અથવા પ્રેમીના માતાપિતા પ્રેમીનું માન વધારે એવાં દબદબા ભર્યાં ન હોય, તો પ્રેમની ભરતી ઓટમાં ફેરવાઈ જાય છે ! મધુકર ગાડી નીચે ઊતરી જ્યોત્સ્નાની બાજુએ આવી ઊભો.
‘તારું ઘર અહીં છે છતાં આવવાનો આગ્રહ તો તું કરતો જ નથી !’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘તને બોલાવીશ એ ઘર જુદું જ હશે.’ મધુકરે કહ્યું.
‘શા માટે ? મને ગમે તો ગમે તેવું ઘર ગમે… ન ગમે તો હું મહેલને પણ સળગાવી દઉં.’
‘તો તારો આભાર માનું. મારા ઘરમાં તારાં પગલાં સહુ કોઈ વધાવી લેશે.’
‘સહુ કોઈ કોણ ?’
‘મારાં માતાપિતા.’
‘એમને મારું આમંત્રણ છે… કાલ ત્રીજે પ્રહર ચા ઉપર.’
‘નહિ નહિ; એમને ન ફાવે.’
‘શા માટે ન ફાવે ?’
‘રાવબહાદુર કે યશોદાબહેન કહે તો… વધારે સારું ને ?’
‘મેં કહ્યું એ માતાપિતાએ જ કહ્યું માની લેજે. જોજે… ભૂલતો નહિ… એમને નહિ લાવે તો… જોઈ લેજે. ગુડ નાઇટ !’ જ્યોત્સ્નાએ કહ્યું અને ગાડીનું એન્જિન ધબક્યું.
‘ગુડનાઈટ !’ મધુકરે પણ સામો જવાબ આપ્યો.
‘શેક હૅન્ડ્ઝ !’ કહી જ્યોત્સ્નાએ પોતાનો હાથ બારીમાં ધર્યો. અને મધુકરે પોતાનો હાથ લંબાવી જ્યોત્સ્નાનો હાથ અત્યંત ભાવપૂર્વક પકડી દબાવ્યો. ગાડી ઊપડી અને જ્યોત્સ્નાનો છૂટેલો હાથ કારના વ્હીલ ઉપર પાછો આવી બેસી ગયો અને તરત ગાડીએ વેગ ધારણ કર્યો.
જ્યોત્સ્નાએ કદી કોઈ યુવકને આમ હાથ આપ્યો ન હતો ! કોઈ દિવસ આછી સરખી પણ છૂટ ન લેતી યુવતી આમ માગીને મધુકરનો હાથ દબાવી રહી હતી ! એનો શો અર્થ ?
ઉપરાંત મધુકરનાં માબાપને પણ જ્યોત્સ્ના આમંત્રણ આપી ગઈ !
કારણ ? જ્યોત્સ્ના બદલાઈને તેની બનતી હતી શું ?
મધુકરનાં પ્રેમપ્રકરણોમાં એનાં માતાપિતાને જરાય સ્થાન મળે એમ એ ઇચ્છતો નહિ. ઉચ્ચ કક્ષાના પ્રેમ-વાતાવરણમાં લેઈ આવવા જેવી માતાપિતાની પાત્રતા પણ ન હતી. વળી માતાનાં લગ્ન કાંઈ પ્રેમલગ્ન કે રોમાંચક લગ્ન હતાં જ નહિ. રૂઢિબદ્ધ ગતાનુગતિક લગ્ન અને જીવન ગુજારનાર માતાપિતાને મધુકરનાં પ્રેમઉડ્ડયનોનો પરચો ન જ હોય… છતાં… જ્યોત્સ્ના મધુકરનો હાથ પકડી ગઈ… ને વધારામાં માતાપિતાને આમંત્રણ આપી ગઈ ! જ્યોત્સ્નાએ લગ્નનો ઝડપી વિચાર તો નહિ કર્યો હોય ? સુરેન્દ્ર જ્યોત્સ્નાના જીવનમાંથી સમૂળ અદૃશ્ય થયો ન હોય ત્યાં સુધી જ્યોત્સ્ના મધુકર સાથે હાથ મિલાવે નહિ જ.
અને માતાપિતાને આમંત્રણ એટલે ? લગ્નની જ સ્પષ્ટતા અને ઉતાવળ ! બીજું શું ?
જ્યોત્સ્નાને એનાં માતાપિતા ભલે ઉચ્ચ શિક્ષણ આપી રહ્યાં હોય; અંતે તો તેઓ જુનવાણી વિચારનાં ખરાં જ ખરાં ! આજ સુધીના રાવબહાદુર તથા યશોદાબહેનના પરિચયે તેને એટલું તો સ્પષ્ટ કરી આપ્યું હતું કે આગળ વધેલાં કહેવાવાની ઇચ્છા રાખનારાં રાવબહાદુર અને યશોદાબહેન તત્વતઃ તો જુનવાણી ઢબનાં જ કહી શકાય. કોઈ પણ કાર્ય કે વસ્તુને આર્યતાનો ઓથ અપાય તો તે તેમને ગ્રાહ્ય બની જતું હતું. આર્યતાથી વીંટાઈને પાપ પણ આવતું હોય તો તે તેમને આવકારપાત્ર લાગે ખરું.
એટલે તેમની જ સમજદાર દીકરી જ્યોત્સ્નાએ તેમના સ્વભાવને સમજીને જ લગ્નમાર્ગ સરળ કરવા માટે મધુકરનાં માતાપિતાને આમંત્રણ આપ્યું હતું એની એને ખાતરી થઈ ગઈ. ઘરમાં પ્રવેશ કરતાં જ માતાને તેણે કહ્યું :
‘મા ! આવતી કાલ તું બહુ સારા સમાચાર સાંભળીશ.’
‘એમ ? શું છે એવું ? આમે તારી નોકરી પછી બધું સારું જ થયે જાય છે ને ?’ માતાએ કહ્યું.
'કાલે રાવબહાદુરને ઘેર તમને બન્નેને ચા માટે આમંત્રણ છે.’ મધુકરે કહ્યું.
‘તે આમંત્રણ તું લાવ્યો ?’ સહજ દૂર હીંચકે બેઠેલા પિતાએ પૂછ્યું. હજી મધુકરની બાબતમાં માતા જેટલા પિતા શ્રદ્ધાળુ બન્યા લાગતા નહિ.
‘ના, જી. એમની દીકરી જાતે અહીં આવી કહી ગઈ.’ મધુકરે કહ્યું.
‘અમને કેમ ન મળી ?’ પિતાએ પૂછ્યું.
‘જરા શરમાઈ.’ મધુકરે કહ્યું.
‘એને શરમાવાનું કંઈ કારણ ?’
‘એ કાલે સમજાશે.’ કહી મધુકર પોતાના સુસજ્જ ખંડ ભણી ચાલ્યો ગયો. અને મધુકરનાં માતા તથા પિતાની માનસિક રંગીન ૨ચનાઓએ આકાર લેવા માંડ્યો. માતાઓ તો પુત્રપુત્રીના દોષ સૃષ્ટિમાં અનેક ભાગ્યે જ જોઈ શકે છે; એટલે મધુકરની માતાએ તો પોતાના પુત્રની મહત્તાનો બાંધેલો આંક બહુ ઊંચે ચઢાવી દીધો એ સહજ ગણાય; પરંતુ ખર્ચાળ, મોજી, ચબરાક અને વાચાળ પુત્રની અસ્થિરતા માટે સતત અધીર રહેતા પિતાને પણ લાગ્યું કે પુત્રની પ્રથમ આંકણીમાં તેમની કાંઈ ભૂલ થતી હતી ! રાવબહાદુરને ત્યાં મંત્રીપદ સ્વીકાર્યા પછી મધુકરમાં આવેલી સ્થિરતા, તેને રાવબહાદુરની પુત્રીનો પતિ ને મિલકતનો માલિક બનાવી દે એવો સંભવ - ઝાંઝવા સરખો પણ - પિતાની આંખ આગળ રમવા લાગ્યો ખરો ! કલ્પનાને અનેક રમતો આવડે છે.
જ્યોત્સ્ના એકલી પડી ઘેર ચાલી આવી. આર્યધર્મનું અભિમાન ધારણ કરનાર ધનિકને પણ પોતાની પુત્રી સંગીત, નૃત્ય, નાટ્ય અને બીજી કલાઓમાં પ્રવીણતા મેળવે એમાં આર્યધર્મનું અહિત દેખાતું નથી; બીજાની પુત્રી હોય તો તેમાં ચોખ્ખો ધર્મભંગ દેખાય જ ! પરંતુ પોતાની પુત્રીનો વિચાર કરતાં તેમને ગાર્ગી, સાવિત્રી, સુકન્યા, સીતા, દ્રૌપદી જેવી આર્યત્વભૂષણ સતીઓનો ખ્યાલ આવે છે, અને અંગ્રેજી અસરમાંથી ઊપજેલી સ્વતંત્રતાને આર્યતા સાથે ભેળવી દઈ પુત્રીઓ તરફ સન્માનની દૃષ્ટિ તેઓ ખીલવે છે. મોટરકાર ચલાવવાની જયોત્સ્નાએ પહેલવહેલી ઈચ્છા પ્રદર્શિત કરી ત્યારે યશોદાબહેને એ ઈચ્છાનું નાવિન્ય જરા અસ્થિર બનાવતું લાગ્યું ખરું, પરંતુ પછીથી કાર ચલાવતાં શીખી ગયેલી જ્યોત્સ્નાની ઝડપ વિષે કોઈ ઓળખીતાં બાઈએ જરા ચેતવણી આપી ટીકા કરી કે :
‘યશોદાબહેન ! આ તમારી જ્યોત્સ્ના ભલે કાર ચલાવે… નવો જમાનો છે… વળી એ નવું ભણતર પણ ભણી છે… છતાં જરા ધીમે ચલાવવાનું કહેશો તો સલામતી વધારે સચવાશે…’ ત્યારે યશોદાબહેને જવાબ પણ આપ્યો કે :
‘જ્યોત્સ્નાને હું ધીમે ધીમે ચલાવવાનું કહીશ…પણ ગાડી ચલાવવામાં નવો જમાનો કે નવું ભણતર વચ્ચે લાવવાની જરૂર નથી.’
‘તે જૂના જમાનામાં આવી ગાડીઓ હતી ખરી ? લગભગ સરખી ધનિક સ્ત્રીઓ વાદવિવાદમાં એકબીજાથી હારતી નથી. ઓળખીતાં બાઈએ પુત્રીનો બચાવ કરતી માતા સામે આહ્વાન ફેંક્યું.
કોઈ પણ આહ્વાન ન ઝીલે એ આર્યતા જ નહિ ! યશોદાબહેનની આર્યતાએ ઝડપથી ધર્મશાસ્ત્ર અને કથાપુરાણનો આશ્રય શોધ્યો. ને એવા આશ્રય લેનાર કોઈ પણ પ્રસંગે નિષ્ફળ નીવડે જ નહિ. ધાર્મિક નમ્રતાપૂર્વક યશોદાબહેને કહ્યું :
‘કેમ બહેન ! એમ કહો છો ? રામાયણ તો તમે રોજ વાંચો છો એમ કહો છો, અને કૈકેયીની વાત કેમ ભૂલી જાઓ છો ? દશરથ રાજાનો રથ એણે બચાવ્યો એ રથ ચલાવવાની આવડતને જ લીધે હોય ! નહિ ?’
વર્તમાન યુગની કારને સ્વહસ્તે ચલાવવાના સ્ત્રીઓના હક્કને ત્રેતાયુગના દૃષ્ટાંતનો ટેકો આપી લગભગ સામી દલીલ નિરર્થક બનાવી ચૂકેલા યશોદાબહેનને પુત્રીને એકાંતમાં કારની ઝડપ ઘટાડવા સલાહ આપી, ત્યારે જ્યોત્સ્ના તરફથી ઢાલની બીજી બાજુ પણ તેમને સમજાઈ. શિખામણ આપનાર સન્નારીની જ પુત્રી નવનવી કાર ચલાવવાનું શીખી જ્યોત્સ્ના સાથે શર્તમાં ઊતરવા માગતી હતી !… અને જરા સરખી હરીફાઈમાં એ જ છોકરી અકસ્માત કરવાની તૈયારીમાં હતી ! આમ આર્યત્વને આશ્રયે ઊછરેલી જ્યોત્સ્ના વર્તમાન યુગની કાર ચલાવવાનું ક્યારનીયે શીખી ગઈ હતી. એવી જ ઢબે નવાં શિક્ષણ આર્યતાને અનુકૂળ બની જાય છે.
પુત્રપુત્રી જ્યારે પણ બહારથી ઘેર આવે ત્યારે માતાપિતાને એમ જ લાગવાનું કે સંતાનો આવવું જોઈએ એટલું વહેલાં આવતાં જ નથી. મધુકરને ઘેર મૂકી આવેલી જ્યોત્સ્ના પાછી ફરી એટલે માતાએ પહેલો જ પ્રશ્ન કર્યો :
‘કેમ, બહેન ! આટલી મોડી ?’
‘બહુ મોડું તો નથી થયું, મા ! પણ હું મધુકરને એને ઘેર મૂકવા ગઈ હતી.’ જ્યોત્સ્નાએ હાથની ઘડિયાળમાં ઝડપી નજર નાખી કહ્યું. ઘડિયાળને આર્યતામાં સ્થાન હશે કે કેમ એની ચર્ચા જાહેરમાં હજી થઈ જાણી નથી. ઘડી શબ્દ જ આર્યજ્યોતિષનો સૂચક છે એટલે આર્યતાવિરોધીઓની એ ચર્ચા માટે હિંમત નહિ ચાલી હોય !
‘કેવું ઘર છે એનું ?’ માએ પૂછ્યું.
‘ઘર તો… જેવું હોય તેવું ખરું… બધાંને ઓછા મહેલ-બંગલા રહેવા માટે હોય છે ?… હું ઘરમાં ગઈ ન હતી.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.
‘સારો છોકરો છે, નહિ ?’ માએ પુત્રીના મનનું રહસ્ય શોધવા પ્રશ્રજાળ નાખી.
‘કયો છોકરો, મા ?’
‘કેમ ? મધુકર વળી ! બીજો કોણ ?’
‘હા, સારો છે. કેમ ?’
‘તને ગમ્યો ખરો ?’ પિતા કરતાં માતા સંતાનોના મનને પરખવાની કળા વધારે સારી રીતે સમજે છે.
‘હા, મા ! તને ગમે એ મને ગમે જ.’
‘એમ ? તું સાચું કહે છે ? આગળ હું પગલું લઉ ?’
‘શું તુંયે મા ?… આવું આવું બોલે છે !… હું કપડાં બદલી આવું… જમવાનું મોડું થશે.’ કહી જ્યોત્સ્ના પોતાના ખંડમાં ચાલી ગઈ.
પાસેના ઑફિસખંડમાં વર્તમાનપત્ર વાંચતા રાવબહાદુરનું મુખ પ્રસન્ન થયું. તેમને યશોદાબહેનની કુશળતા માટે હતું એથી વધારે માન ઉત્પન્ન થયું. યૌવનમાં નિભાવી લીધેલી પત્નીઓ પ્રૌઢપણમાં અત્યંત માનપાત્ર બની રહે છે.
જ્યોત્સ્ના પોતાના ખંડમાં જઈ કપડાં બદલ્યા વગર જ પોતાના પલંગ પર સૂતી અને તેની આંખ આગળ ભજનમંડળીના ભિખારીઓ તરવરી રહ્યા !
પ્રભુનું ભજન કરનાર પણ ભિખારી !