લખાણ પર જાઓ

હળવે હળવે હળવે

વિકિસ્રોતમાંથી
હળવે હળવે હળવે
નરસિંહ મહેતા


હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો, મોતીડે વધાવ્યા રે. હળવે.
કીધું કીધું કીધું મુજને, કાંઇક કામણ કીધું રે;
લીધું લીધું લીધું મારૂં, ચિતડું ચોરી લીધું રે. હળવે.
જાગી જાગી જાગી હું તો, હરિ મુખ જોવા જાગી રે.
ભાગી ભાગી ભાગી મારા, ભવની ભાવટ ભાગી રે; હળવે.
ફૂલી ફૂલી ફૂલી હું તો, હરિમુખ જોઇને ફૂલી રે;
ભૂલી ભૂલી ભૂલી મારા, ઘરનો ધંધો ભૂલી રે. હળવે.
પામી પામી પામી હું તો, મહા પદવીને પામી રે;
મળિયો મળિયો મળિયો મેહેતો, નરસૈંયાઓ સ્વામી રે.હળવે.


અન્ય સંસ્કરણ

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.