હાં રે ચાલો ડાકોર

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search

હાં રે ચાલો ડાકોર જઈ વસિયે,
હાં રે મને લેહ લગાડી રંગરસિયે રે ... ચાલો.

હાં રે પ્રભાતના પહોરમાં નોબત વાજે,
હાં રે અમે દરશન કરવા જઈએ રે ... ચાલો.

હાં રે અટપટી પાઘ કેસરિયો વાઘો,
હાં રે કાને કુંડળ સોઈયે રે ... ચાલો.

હાં રે પીળા પીતાંબર જરકશી જામો,
હાં રે મોતીન માળાથી મોહિયે રે ... ચાલો.

હાં રે ચંદ્રબદન અણિયાલી આંખો,
હાં રે મુખડું સુંદર સોઈયે રે ... ચાલો.

હાં રે રુમઝૂમ રુમઝૂમ નેપૂર બાજે,
હાં રે મન મોહ્યું મારું મોરલીએ રે ... ચાલો.

હાં રે મીરાંબાઈ કહે પ્રભુ ગિરિધર નાગર,
હાં રે અંગોઅંગ જઈ મળિયે રે ... ચાલો.