હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
હાં રે મેં તો જોયા ચતુર નંદલાલ
પ્રેમાનંદ સ્વામીહાં રે મેં તો જોયા ચતુર નંદલાલ રે, ઊભા ઓસરીએ;
હાં રે કર્યાં તિલક કેસર કેરાં ભાલ રે, સુંદરવર હરિએ... ટેક

શ્વેત પાઘ શિર ઉપર શોભે,
હાં રે જોઈ છોગલિયાં ચિત્ત લોભે રે... ઊભા ૧

શ્વેત હાર પહેર્યા ઉર પર કાજુ,
હાં રે બાંધ્યા શ્વેત ફૂલોના બાજૂ રે... ઊભા ૨

શ્વેતાંબર સરવે અંગે બિરાજે,
હાં રે જોઈ કોટિક કામ છબી લાજે રે... ઊભા ૩

પ્રેમાનંદ કહે પલવટ વાળી,
હાં રે ચડતા ઘોડલડે વનમાળી રે... ઊભા ૪