હિંડોળ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હિંડોળ
દામોદર બોટાદકર
(સોના ઇંઢોણી રૂપા બેડલું રે,

પાણીડાં ગઈ'તી તળાવ, મારા વાલ્યમા ! - એ ઢાળ)


<poem>

ઊંચી આંબા કેરી ડાળીએ રે, હીરની દોરીએ હિંડોળ; મારી બહેનડી ! ઝૂલું-ઝૂલું હિં તો એકલી રે, ઉરમાં ઉમંગ અમોલ. મારી બહેનડી !

સરખી સાહેલી ઝૂલાવતી રે, શીળી ઝૂકે શિર છાંય, મારી બહેનડી ! ઝીણા-ઝીણાં વહે ઝૂલણાં રે, નિંદર નેણે ભરાય. મારી બહેનડી !

આવ્યો જોગી એક બાલુડો રે, વાંસલડી રૂડી વાય; મારી બહેનડી ! હળવે નાખ્યો એક હીંચકો રે, આભલડે અડી જાય. મારી બહેનડી !

જોયું મેં તો જગ ઝૂલતું રે, વાદળીના રણવાસ; મારી બહેનડી ! જોઈ અમરની અટરીઓ રે; વ્યોમનદીના વિલાસ. મારી બહેનડી !

જોઈ સૂરજકેરી શેરીઓ રે, ચાંદલિયાકેરા ચોક; મારી બહેનડી ! સામી રમે સુરસુન્દરી રે, ગાય ચડી-ચડી ગોખ. મારી બહેનડી !

ઊભો જોગી એ તો આભમાં રે, આંખડીએ શા ઉજાસ; મારી બહેનડી ! ઝીલી લીધાં મુજ ઝુલણાં રે, હેતભર્યું કરી હાસ. મારી બહેનડી !

એ પળની એમ પ્રીતડી રે, એ દિનના ઉછરંગ; મારી બહેનડી ! ઝૂલું-ઝૂલું હું તો જોડલે રે, નિત્ય વધે નવરંગ. મારી બહેનડી !