હિંદ સ્વરાજ/૧૮. કેળવણી

વિકિસ્રોતમાંથી
← ૧૭. સત્યાગ્રહ–આત્મબળ હિંદ સ્વરાજ
૧૮. કેળવણી
મોહનદાસ કરમચંદ ગાંધી
૧૯. સંચાકામ →





૧૮
કેળવણી



वाचक :

તમે આટલું બધું બોલ્યા તેમાં તમે ક્યાંયે કેળવણીની તો જરૂર જ ન બતાવી. આપણે કેળવણીની ખામીની હંમેશાં રાવ ખાઈએ છીએ. ફરજિયાત કેળવણી આપવાની હિલચાલ આખા હિંદુસ્તાનમાં જોઈએ છીએ. મહારાજા ગાયકવાડે ફરજિયાત કેળવણી દાખલ કરી છે. તેની તરફ બધાની આંખ દોરવાઈ છે. આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. આ બધો પ્રયાસ શું વૃથા સમજવો ?

अधिपति : જો આપણે આપણો સુધારો સર્વોત્તમ માનીએ તો મારે દિલગીરીપૂર્વક કહેવું પડશે કે એ પ્રયાસ ઘણે ભાગે વૃથા છે. મહારાજા સાહેબ તથા બીજા આપણા ધુરંધર આગેવાનો બધાને કેળવણી આપવા મથી રહ્યા છે. એમાં તેમનો હેતુ નિર્મળ છે, તેથી તેમને ધન્યવાદ જ ઘટે છે. પણ તેમના હેતુનું પરિણામ જે આવવા સંભવ છે તે આપણે ઢાંકી શકતા નથી.

કેળવણી એટલે શું ? જો તેનો અર્થ અક્ષરજ્ઞાન એટલો જ હોય તો તે એક હથિયાર થયું. તેનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ થાય. એક હથિયારથી વાઢકાપ કરીને દરદીને સાજો કરાય, તે જ હથિયાર જાન લેવાને સારુ વપરાય. એમ અક્ષરજ્ઞાન છે તેનો ગેરઉપયોગ પણ માણસ કરે છે એ તો આપણે જોઈએ છીએ. તેનો સદુપયોગ પ્રમાણમાં ઓછા જ માણસો કરે છે. આ વાત બરોબર હોય તો એમ સિદ્ધ થાય છે કે અક્ષરજ્ઞાનથી દુનિયાને ફાયદાને બદલે હાનિ થઈ શકે છે.


કેળવણીનો સાધારણ અર્થ અક્ષરજ્ઞાન એ જ થાય છે. લોકોને લખતાં, વાંચતાં, હિસાબ ગણતાં શીખવવું એ મૂળ અથવા પ્રાથમિક કેળવણી કહેવાય છે. એક ખેડૂત પોતે પ્રામાણિકપણે ખેતી કરી રોટી કમાય છે. તેને સાધારણ રીતે દુન્યવી જ્ઞાન છે. તેણે માબાપ પ્રત્યે કેમ વર્તવું, છોકરાં તરફ કેમ ચાલવું, જે ગામડામાં તે વસે છે ત્યાં તેણે કેમ રીતભાત રાખવી, આ બધાનું જ્ઞાન પૂરતું છે. તે નીતિના નિયમો સમજે છે ને પાળે છે. પણ તેને પોતાની સહી કરતાં આવડતી નથી. આ માણસને તમે અક્ષરજ્ઞાન આપી શું કરવા માગો છો ? તેના સુખમાં શો વધારો કરશો ? તેના ઝૂંપડાનો કે તેની સ્થિતિનો તમારે અસંતોષ ઉપજાવવો છે ? તેમ કરવું હોય તોપણ તમારે તેને અક્ષરજ્ઞાન આપવાની જરૂર નથી. પશ્ચિમના પ્રતાપમાં દબાઈ જઈ આપણે લઈ ભાગીએ છીએ કે લોકોને કેળવણી આપવી. પણ તેમાં આગળપાછળનો વિચાર કરતા નથી.


હવે ઊંચી કેળવણી લઈએ. હું ભૂગોળવિદ્યા શીખ્યો, ખગોળવિદ્યા શીખ્યો, બીજગણિત મને આવડ્યું, મેં ભૂમિતિનું જ્ઞાન લીધું, ભૂસ્તરવિદ્યાને ભૂંસી બાળી; તેથી શું ? તેથી મારું મેં શું ઉજાળ્યું ? મારી આસપાસનાને શું ઉજાળ્યા ? મેં તે જ્ઞાન શા હેતુથી લીધું ? તેમાં મને શો ફાયદો થયો ? અંગ્રેજોના જ એક વિદ્વાને (હક્‌સ્લીએ) આ પ્રમાણે કેળવણી વિશે કહ્યું છે : 'તે માણસને ખરી કેળવણી મળી છે કે જે માણસનું શરીર એવું કેળવાયું છે કે તે તેના અંકુશમાં રહી શકે છે, તે શરીર ચેનથી અને સરળતાથી તેને સોંપેલું કામ કરે છે. તે માણસને ખરી કેળવણી મળી છે કે જેની બુદ્ધિ શુદ્ધ છે, શાંત છે ને ન્યાયદર્શી છે. તે માણસે ખરી કેળવણી લીધી છે કે જેનું મન કુદરતના કાયદાઓથી ભરેલું છે ને જેની ઈંદ્રિયો તેને વશ છે. જેની અંતર્વૃત્તિ વિશુદ્ધ છે, અને જે માણસ નીચ કામને ધિક્કારે છે તથા પોતાના સરખા બીજાઓને ગણે છે; આવો માણસ ખરો કેળવાયેલો ગણાય. કેમ કે તે કુદરતના નિયમ પ્રમાણે ચાલે છે. કુદરત તેનો સારો ઉપયોગ કરશે અને કુદરતનો તે સારો ઉપયોગ કરશે.' જો આ ખરી કેળવણી હોય તો મારે સોગનપૂર્વક કહેવું જોઈએ કે ઉપર હું જે શાસ્ત્રો ગણાવી ગયો તેનો ઉપયોગ મારા શરીરને કે મારી ઇંદ્રિયોને વશ કરવામાં મારે નથી કરવો પડ્યો. એટલે પ્રાથમિક કેળવણી લ્યો કે કે ઊંચી કેળવણી લો, પણ તેનો ઉપયોગ મુખ્ય વાતમાં નથી આવતો. તેથી આપણે માણસ નથી બનતા - તેથી આપણે આપણું કર્તવ્ય નથી જાણતા.

वाचक :

જ્યારે એમ જ છે ત્યારે તમને મારે સવાલ પૂછવો પડશે. તમે આ બધું બોલો છો તે શાના પ્રતાપ ? તમે અક્ષરજ્ઞાન અને ઊંચી કેળવણી ન લીધાં હોત તો તમે કેમ સમજાવી શકત ?

अधिपति :

તમે ઠીક સપાટો માર્યો છે, પણ મારો જવાબ તમને સીધો જ છે. જો મેં ઊંચી કે નીચી કેળવણી ન લીધી હોત તો કંઈ હું નિરુપયોગી થાત એમ માનતો નથી. હવે બોલીને ઉપયોગી થવાની ઇચ્છા રાખું છું. તેમ કરતાં જે ભણ્યો છું તેને કામે લગાડું છું, અને તેનો ઉપયોગ, જો તે ઉપયોગ હોય તો, હું મારા કરોડો ભાઈઓને નથી આપી શકતો, પણ માત્ર તમારા જેવા ભણેલાને આપું છું. તેમાં પણ મારા વિચારને ટેકો મળે છે. તમે અને હું બંને ખોટી કેળવણીના પંજામાં ફસાયા. હું તેમાંથી મુક્ત થયેલો માનું છું. હવે તે અનુભવ તમને આપું છું ને તે આપતાં લીધેલી કેળવણીનો ઉપયોગ કરી તમને તેનો સડો બતાવું છું.

વળી તમે મને સપાટો મારવામાં ભૂલ્યા છો, કેમ કે મેં કંઈ અક્ષરજ્ઞાનને દરેક સ્થિતિ માટે વખોડ્યું નથી. માત્ર એટલું જ બતાવ્યું છે કે તે જ્ઞાનની આપણે મૂર્તિપૂજા નથી કરવાની. તે કંઈ આપણી કામધુક નથી. તેની જગ્યાએ તે શોભી શકે છે. અને તે જગ્યા તો એ છે કે જ્યારે મેં ને તમે આપણી ઇંદ્રિયોને વશ કરી હોય, જ્યારે આપણે નીતિનો મજબૂત પાયો નાખીએ, ત્યારે આપણને અક્ષરજ્ઞાન લેવાની ઇચ્છા થાય તો તે લઈને તેનો સદુપયોગ કરી શકીએ ખરા. તે આભૂષણ ઠીક લાગવા સંભવ છે. પણ જો અક્ષરજ્ઞાનનો એ ઉપયોગ હોય તો આપણે તેવી કેળવણી ફરજિયાત આપવાની જરૂર નથી રહેતી. આપણી પુરાણી નિશાળો બસ છે. તેમાં નીતિની કેળવણીને પ્રથમ મૂકી છે. તે પ્રાથમિક કેળવણી છે. તેની ઉપર જે ચણતર કરીશું તે નભી શકશે.

वाचक :

ત્યારે અંગ્રેજી કેળવણીનો ઉપયોગ સ્વરાજને સારુ તમે ગણતા નથી. એ હું બરોબર સમજ્યો છું ?

अधिपति :

હા અને ના એવો મારો જવાબ છે. કરોડો માણસોને અંગ્રેજી કેળવણી દેવી તે તેઓને ગુલામીમાં નાખવા બરોબર છે. મેકોલેએ જે કેળવણીનો પાયો રચ્યો તે ખરું જોતાં ગુલામીનો પાયો હતો. તેણે તેવું સમજીને પોતાનો લેખ ઘડ્યો એમ હું નથી સમજાવતો. પણ તેના કાર્યનું એ જ પરિણામ આવ્યું છે. આપણે સ્વરાજની વાત પરભાષામાં કરીએ છીએ એ કેવી કંગાલિયત !

જે કેળવણી અંગ્રેજીનો ઉતાર છે તે આપણો શણગાર બને છે એ જાણવા જેવું છે. તેઓના જ વિદ્વાનો બોલ્યા કરે છે કે આ સારું નથી, તે સારું નથી. કેળવણીના ધોરણો ફર્યા જ કરે છે. આપણે તો તેઓ જે ભૂલી ગયા જેવા હોય તેને પણ અજ્ઞાનપણે વળગી રહીએ છીએ. તેઓમાં સહુ સહુની ભાષા વધારવાને મહેનત થાય છે. વેલ્સ એ એક ઇંગ્લાંડનું પરગણું. તેની ભાષા ધૂળ જેવી ગણાય. તેનો જીર્ણોદ્ધાર હવે થઈ રહ્યો છે.

વેલ્સનાં છોકરાંઓ પાસે વેલ્સ બોલાવવું એવો પ્રયાસ ચાલે છે. તેમાં ઇંગ્લાંડનો ખજાનચી લૉઈડ જ્યૉર્જ મુખ્ય ભાગ લે છે. ત્યારે આપણી દશા કેવી છે ? આપણે એકબીજાને કાગળ લખીએ તે ભૂલભરેલા અંગ્રેજીમાં. આવા ખોડવાળા અંગ્રેજીમાંથી સાધારણ એમ. એ. પણ મુક્ત નથી. આપણા સરસમાં સરસ વિચાર બતાવવાનું વાહન તે અંગ્રેજી, આપણી કોંગ્રેસ તે અંગ્રેજીમાં ચાલે, આપણાં સરસ છાપાં તે અંગ્રેજીમાં. જો આવું લાંબી મુદત સુધી ચાલશે તો આપણા પછીની પ્રજા અપણો તિરસ્કાર કરશે ને તેમનો શાપ આપણા આત્માને લાગશે એમ મારું માનવું છે.

તમારે સમજવા જેવું છે કે અંગ્રેજી કેળવણી લઈને આપણે પ્રજાને ગુલામ બનાવી છે. અંગ્રેજી કેળવણીથી દંભ, રાગ, જુલમ વગેરે વધ્યાં. અંગ્રેજી ભણનારે લોકોને ધૂતવામાં, તેઓને ત્રાસ પમાડવામાં મણા નથી રાખી. હવે જો આપણેતેઓને સારુ કંઈ જ કરીએ છીએ તો તે આપણે કરેલા કરજનો એક કટકો વાળીએ છીએ.

એ કંઈ થોડી જુલમની વાત છે કે પોતાના દેશમાં મારે ઇનસાફ મેળવાવો હોય તો મારે અંગ્રેજી ભાષા વાપરવી પડે ! હું જ્યારે બૅરિસ્ટર થાઉં ત્યારે મારાથી સ્વભાષામાં બોલાય નહીં ! મારી પાસે બીજા માણસે તરજુમો કરવો જોઈએ ! આ કંઈ થોડો દંભ ! આ ગુલામીની સીમા નથી તો શું છે ? તેમાં હું અંગ્રેજનો દોષ કાઢું કે મારો પોતાનો ? હિંદુસ્તાનને ગુલામ બનાવનાર તો આપણે અંગ્રેજી જાણનાર છીએ. પ્રજાની હાય અંગ્રેજ ઉપર નથી પડવાની, પણ આપણી ઉપર પડવાની છે.

પણ મેં તમને કહ્યું કે મારો જવાબ હા અને ના છે. હા છે કેમ તે સમજાવી ગયો.

ના તે કેમ તે હવે કહું છું. આપણે દરદમાં એવા ઘેરાઈ ગયા છીએ કે તદ્દન અંગ્રેજી કેળવણી લીધા વિના ચાલે તેવો સમય રહ્યો નથી. જેણે તે કેળવણી લીધી છે તે તેનો સદુપયોગ કરે. પોતે તેનો ઉપયોગ માની જરૂર જણાય ત્યાં કરે, અંગ્રેજોની સાથે વહેવારમાં, બીજા હિંદી જેની ભાષા આપણે ન સમજીએ તેને સારુ, અને અંગ્રેજો પોતે પોતાના સુધારાથી કેવા કાયર થાય છે તે જાણવા સારુ. જેઓ અંગ્રેજી ભણ્યા છે તેમની પ્રજાને પ્રથમ નીતિ શીખવવી, તેઓને સ્વભાષા શીખવવી, તેઓને એક બીજી હિંદની ભાષા શીખવવી. પ્રજા જ્યારે પાકી ઉંમરે પહોંચે ત્યારે ભલે અંગ્રેજી કેળવણી લે. તે માત્ર તેનું છેદન કરવાના ઇરાદાથી નહીં. આમ કરતાં પણ આપણે વિચારવું પડશે કે અંગ્રેજી શું શીખવું ને શું ન શીખવું. કયાં શાસ્ત્રનો અભ્યાસ કરવો તે વિચારવું પડશે. સહેજ ખ્યાલ કરતાં જણાઈ રહેશે કે જો અંગ્રેજી ડિગ્રી વગેરે લેતા આપણે બંધ થઈએ તો અંગ્રેજ રાજ્યધિકારી ચમકશે.

वाचक :

ત્યારે કેળવણી કેવી આપવી ?

अधिपति :

તેનો જવાબ ઉપર કંઈક આવી ગયો. છતાં વધુ વિચારીએ, મને તો લાગે છે કે આપણે આપણી બધી ભાષાને ઉજ્જવળ કરવી ઘટે છે. આપણી ભાષામાં આપણે કેળવણી લેવી તે શું, તેનો વિસ્તાર કરવાની આ જગ્યા નથી. આપણે અંગ્રેજી પુસ્તકો જે કામનાં છે તેનો તરજુમો કરવો પડશે. ઘણાં શાસ્ત્રો શીખવાનો મિથ્યા ડોળ ને વહેમ છોડવાં. ધર્મકેળવણી અથવા નીતિકેળવણી તે પહેલાં હોવી જ જોઈએ. દરેક કેળવાયેલા હિંદીને સ્વભાષા, હિંદુને સંસ્કૃત, મુસલમાનને અરબી, પારસીને પર્શિયનનું અને બધાને હિંદીનું જ્ઞાન હોવું જોઈએ. કેટલાક હિંદુએ અરબી તથા કેટલાક મુસલમાને તથા પારસીએ સંસ્કૃત શીખવું જોઈએ. ઉત્તર અને પશ્ચિમ હિંદુસ્તાનના હિંદીએ તામિલ શીખવું જોઈએ. આખા હિંદુસ્તાનને જોઈએ તે તો હિંદી હોવી જોઈએ. તે ઉર્દૂ અથવા નાગરી લિપિમાં લખવાની છૂટ ઘટે છે. હિંદુ-મુસલમાનના વિચાર ઠીક રહે, તેથી આ બંને વિધિ ઘણા હિંદીએ જાણી લેવાની જરૂર છે. આમ થતાં આપણે એકબીજાની સાથે વ્યવહાર રાખવામાં અંગ્રેજીને હંકારી શકીશું.

અને આ બધું પણ કોને સારુ છે ? આપણે કે જેઓ ગુલામ થયા છીએ તેને સારુ છે. આપણી ગુલામીએ પ્રજા ગુલામ થઈ છે. આપ્ણે છૂટીએ તો પ્રજા છૂટી જ છે.

वाचक :

તમે ધર્મકેળવણીની વાત કરી એ ભારે પડતી છે.

अधिपति :

છતાં તે વિના છૂટકો નથી. હિંદુસ્તાન કદી નાસ્તિક બનવાનું નથી. નાસ્તિકનો પાક હિંદની ભૂમિને ભાવતો નથી. કામ વિકટ છે. ધર્મની કેળવણીનો વિચાર કરતાં માથું ફરવા લાગે છે. ધર્માચાર્યો દંભી અને સ્વાર્થી જોવામાં આવે છે. તેઓને આપણે વીનવવા પડશે. મુલ્લાં, દસ્તૂર અને બ્રાહ્મણના હાથમાં તે ચાવી છે. પણ જો તેઓને સદ્‌બુદ્ધિ ન આવે તો અંગ્રેજી કેળવણીથી જે ઉત્સાહ આપણને આવ્યો છે તે ઉત્સાહ વાપરી આપણે લોકોને નીતિની કેળવણી આપી શકીએ છીએ. આ બહુ મુશ્કેલીની વાત નથી. હિંદી દરિયાની કિનારીને મેલ લાગ્યો છે. તે મેલમાં જે ખરડાયા છે તેમને સાફ થવું રહ્યું છે તેવા આપણે, તે પોતાની મેળે પણ ઘણે ભાગે સાફ થઈ શકીએ છીએ. મારી ટીકા કંઈ કરોડોને સારુ નથી, હિંદુસ્તાનને મૂળ દિશા ઉપર લાવવામાં આપણે મૂળ દિશામાં આવવું જ રહ્યું છે. બાકી કરોડો તો મૂળ દિશામાં જ છે. તેમાં સુધારા, બિગાડા, વધારા કાળાનુક્રમે થયા જ કરશે. પશ્ચિમના સુધારાને હાંકી કાઢવો એ જ પ્રયત્ન કરવો રહ્યો. બીજું તેની મેળે આવી રહેશે.