હું તો જાઈશ ગિરિધર જોવા રે

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
હું તો જાઈશ ગિરિધર જોવા રે
પ્રેમાનંદ સ્વામી



 હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા
  મારા ઉરમાં છબીલાજીને પ્રોવા રે, મેણલે મારીશ મા... ટેક

જાઈશ જોવા હું તો નંદજીનો લાલો,
  હાં રે મારો પરમ સનેહી લાગે વાલો રે... મા મુને ૧

છેલછબીલો વા'લો કુંજનો વિહારી,
  હાં રે એ તો જીવનદોરી છે મારી રે... મા મુને ૨

વારીશ મા રે તુંને કહું છું રે વહેલું,
  હાં રે હું તો માથું જાતાં નહીં મેલું રે... મા મુને ૩

પ્રેમાનંદના સ્વામીને સારુ,
  હાં રે કુરબાન કર્યું જીવિત મારું રે... મા મુને ૪