હૃદયવિભૂતિ/આપણા ગુનેગારો/પ્રકરણ ૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૭ હૃદયવિભૂતિ
પ્રકરણ ૧
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૨ →આપણા ગુનેગારો


ચોરી, ખૂન, લૂંટનાં દૃષ્ટાંતો આપણે વર્તમાનપત્રોમાં વાંચીએ છીએ. ઠગાઈ, વિશ્વાઘાત, આગ જેવા ગુનાઓનાં વર્ણનો પણ વર્તમાનપત્રોમાં મોટાં મથાળાં નીચે આવે છે. રાજદ્વારી કેદીઓ સંબંધી પણ ચર્ચા અને હકીકતો અજાણી રહેતી નથી. ખોટા દસ્તાવેજો, ખોટાં વસિયતનામાં, ખોટી સાહેદી એ પણ રસભર્યા વર્ણનોને પાત્ર બને છે. કોકેન રાખનારની ધરપકડના અહેવાલો પણ આપણે લગભગ નિત્ય વાંચીએ છીએ.

વળી કોઈ અમલદારે લાંચ લીધાની, કોઈ પોલીસના માણસે ગેરકાયદે અટકાવી રાખેલા ગૃહસ્થોની અગર ધારાસભાની ચૂંટણીઓમાં સરકારી નોકરોએ કાયદા વિરુદ્ધ લીધેલા ભાગની વાતો પણ આપણે વાંચીએ છીએ. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીને થતી સજા, અસીલના પૈસા ખાઈ જનાર વકીલ ઉપર ચાલતા મુકદ્દમા અને બેકાળજીથી અગર જાણીજોઈને જીવલેણ દવાઓ આપનાર ડૉક્ટરોના ખાટલા પણ વચ્ચે વચ્ચે આપણા વાંચવામાં આવે છે. સ્ત્રીઓને નસાડી જવાના, બળથી, છળથી કે લોભથી થતી તેમના શિયળભંગના, સ્ત્રીઓને વેચી દેવાના અગર સ્ત્રીઓના ચારિત્ર્યની શંકામાં તેમનાં અંગછેદન કે તેમને ડામ દેવાના પ્રસંગો અજાણ્યા નથી. વર્તમાનપત્રો આવા આવા પ્રસંગોને આપણી સમક્ષ જીવંત રાખે છે. આપણને એ પ્રસંગોમાં રસ પડે છે. એ વાચન આપણને અમુક અંશે ગમે છે. ધર્મગુરુઓ વચ્ચે મિલકત અને આડંબર માટે થતા ઝગડા અને તેમનાં ધર્મવિરોધી વર્તન પણ આપણે થોડા વધતા રસથી વાંચીએ છીએ.

આ સર્વ પ્રસંગો ગુના છે, દોષ છે, અપરાધ છે એ પણ આપણે સામાન્યતઃ માની લઈએ છીએ, અને એ સર્વ દોષ શિક્ષાને પાત્ર છે એવી સામાન્ય માન્યતા પણ આપણે ધરાવીએ છીએ. બેડીમાં બંધાઈને જતા ચોરને જોઈ આપણે છેવટે મનમાં પણ ઉચ્ચારીએ છીએ : 'હરામખોરને ઠીક શિક્ષા થઈ !' એ સજાપાત્ર હરામખોરના હૃદયમાં ઉતરીને તેને ઓળખવાનો આપણે સહજ પ્રયત્ન કરીએ. એ ક્યાંથી આવ્યો, એ શી રીતે હરામખોર થયો, શા કારણે હરામખોર થયો, હરામખોર થઈને એણે આપણું શું નુકસાન કર્યું, એને પૂરી રાખવાથી જગતની હરામખોરી અદૃશ્ય થશે કે કેમ. વગેરે વિચારો આપણને સ્વાભાવિક રીતે જ આવે. જગતમાં આપણે માટે ખાવાનું છે, પીવાનું છે. ઓઢવાનું છે, પહેરવાનું છે, રહેવાનું છે, છતાં ખિસ્સાં કાતરવાની, ઘર ફોડવાની, લૂંટી લેવાની અને છળકપટ કરવાની વૃત્તિ હરામખોરોમાં શા માટે જાગતી હશે, એ પ્રશ્ન અન્વેષણ માગે છે.

ગુનેગારોનો વિચાર કરતાં બાળપણમાં મોઢે થઈ ગયેલું વિખ્યાત કવિ દયારામનું અપરાધક્ષમાસ્તોત્રનું વૈશ્નવ મોસાળમાં ગવાતું સાત્ત્વિક કાવ્ય યાદ આવે છે. ૬૦- ૬૪ લીટીના આ કાવ્યમાં કવિ પોતે જાણે અપરાધી હોય અને ઈશ્વર પાસે અપરાધોની કબૂલાત કરી ક્ષમા માગતા હોય એવો ભાવ ઉતારેલો છે :-

'હું અપરાધી કોટિ કલ્પનો, શરણ પડ્યો શિર નામી;
તે અપરાધ ક્ષમા કરીએ, શ્રી કૃષ્ણ કૃપાકર સ્વામી.
કામી, ક્રોધ, લોભી, મોહ ગર્વ મત્સર જ ભરીઓ,
દુષ્ટ દુમતિ, દુસ્સંગી, છું અખિલ દોષનો દરિયો.

*

ચોર ગુરુ તલ્પગ મધુપાની, બ્રહ્મહત્યાદિક કરતો,
સંગી સહિત મહાપાપી પંચય તેનો પણ હું ભરતો;
આતતાયી આધેતિત.... ...

*

પરોપકાર કર્યો નહિ કો દિ, પરનિંદા બહુ કીધી;
પરધન પર૫ત્નીમાં પ્રીતિ, મતિ ન સુપંથમાં દીધી.

*

અસદ્ અલાપ, અહર્નિશ અશુચિ, નીચની કરી ગુલામી;
તે અપરાધ ક્ષમા કરીએ શ્રી કૃષ્ણ કૃપાકર સ્વામી.

ગુજરાતી પ્રાચીન સાહિત્યમાં આવેલા આ અપરાધોનું વર્ણન ખરેખર બહુ જ સૂચક છે. તે એટલા માટે કે એમાં લગભગ ગુનાશાસ્ત્રે વર્ણવેલા ઘણાખરા ગુના આવી જાય છે, એટલું જ નહિ પણ ગુના કબૂલ કરવાની હાલના કાયદાની રીતનો પડઘો પણ તેમાં પડે છે. વળી તેનું વધારેમાં વધારે સૂચકત્વ તો પહેલા પુરુષ એકવચનમાં થયેલી આ કાવ્યની રચનામાં રહેલું છે. 'હું અપરાધી કોટી કલ્પનો’ એમ કહી દયારામ જગતના બેડી જડેલા કે છૂટા રહેલા, આપણાથી પર રહેલા હરામખોરનું દર્શન કરાવતા નથી. પરંતુ 'હું' માં, આપણ સર્વમાં છુપાઈ રહેલા જગતના સાચામાં સાચા હરામખોરનું તે દર્શન કરાવે છે. પતિતાને પથ્થરે પથ્થર મારવા નીકળી પડેલા ઉશ્કેરાયલા નીતિમાનોના ટોળાને રોકીને ભગવાન ક્રાઈસ્ટે પથ્થર મારતા લોકોને પૂછ્યું :-

‘શા માટે પેલી દોડતી ગભરાતી બાઈને તમે આમ ક્રૂરતાથી મારો છો ?'

ટોળાએ જવાબ આપ્યો : ‘એ પતિતા છે, પાપિણી છે. એને પથ્થરે પથ્થર મારવી જ જોઈએ.’

ભગવાન ક્રાઈસ્ટે કહ્યું :

'વાત સાચી છે. પાપિણીને ભલે તમે પથ્થરે પથ્થર મારો; પરંતુ એ પથ્થર મારવાનો કોને અધિકાર છે એ તમે જાણો છો ?'

ટોળું થંભ્યું અને વિચારમાં પડ્યું. ટોળામાંથી કોઈકે પથ્થર મારવાના અધિકારની વિગત પૂછી.

દયાસાગર ઈસુએ કહ્યું :

‘જેણે કદી પાપ ન કર્યું હોય તે આ પાપિણીને પથ્થર મારે.’

ટોળું અવાચક બન્યું. સહુએ પોતપોતાના હૃદયમાં દૃષ્ટિ કરી. આખા ટોળામાંથી કોઈને પથ્થર મારવાની પોતાની પાત્રતા દેખાઈ નહિ. કદી પણ પાપ ન કર્યું હોય એવી એકેય વ્યક્તિ એ ટોળામાં ન હતી. શિક્ષા કરનાર ન્યાયાધીશો, શિક્ષા કરાવનાર વકીલો, શિક્ષા ખમનાર હરામખોરો અને હરામખોરોને ઉત્પન્ન કરતી આખી સમાજને માટે ઈસુનું આ દ્રષ્ટાંત સાચા માર્ગદર્શન રૂપ બની જાય છે. એ રીતે તો ગુનો ન કર્યો હોય એવો માનવી ભાગ્યે જ સમાજમાં મળી આવે. ગુનાનું શાસ્ત્ર પણ મન, વચન અને કર્મ વચ્ચે દૃઢ સંબંધ રહેલો માને છે. મન, વચન અને કર્મથી ગુનો કર્યો જ ન હોય એવી વ્યક્તિ સમાજભરમાં નથી. એટલે પકડાય તે ગુનેગાર, અને પકડાય નહિ તે ચારિત્ર્યશીલ એટલો જ ભેદ ગુનેગાર અને બિનગુનેગાર વચ્ચે રહેશે. એ ભેદ સાચો છે ખરો ?