હૃદયવિભૂતિ/આપણા ગુનેગારો/પ્રકરણ ૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૧ હૃદયવિભૂતિ
પ્રકરણ ૨
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૩ →સમાજની રચના નિયમો માગે છે. નિયમો સનાતન ન હોય. પરિસ્થિતિ નિયમોને ઘડે છે, અને નિયમો પરિસ્થિતિને સ્થિરતા આપે છે. એ નિયમો જ્યાં સુધી ફેરવાય નહિ ત્યાં સુધી એ નિયમોના ઉલ્લંઘનમાં ગુનાની ઉત્પત્તિ રહેલી છે. પ્રાથમિક ભૂમિકાના માનવીને ઘણા નિયમોનું પાલન કરવાનું હોતું નથી. પરંતુ જેમ જેમ સમાજ વિકસિત થતો જાય છે તેમ તેમ તે વધારે નિયમબદ્ધ થતો જાય છે. પ્રાથમિક ભૂમિકામાં માનવીના ગુનાની સંખ્યા બહુ ઓછી રહેતી અને ગુનાની શિક્ષા માટેના ઉપાયો પણ ઝડપી અને બરછટ હતા. ઘણા ગુનાની શિક્ષા તો બદલા તરીકે કરવામાં આવતી.

વ્યક્તિને થયેલા નુકસાન કે અન્યાયનો બદલો વ્યક્તિ જ લઈ શકે અને પોતાની મરજીમાં આવે તેમ લઈ શકે, એ માન્યતા માનવસમાજના વિકાસ સાથે પલટાતી ગઈ. સમાજના આખા માનસનું વ્યવસ્થાપ્રતિબિંબ રાજસત્તામાં પડ્યું અને બદલો લેવાની છૂટ પણ વ્યક્તિ પાસેથી ઓછી કરવામાં આવી. સમાજના સંગઠન માટે સત્તાની તો જરૂર રહ્યા જ કરે. જ્યાં સુધી માનવજાત પોતાની મેળે વ્યક્તિ વ્યક્તિ વાર ઉચ્ચ કક્ષાનો વિકાસ સાધી પોતાની જાતને જ સર્વમાન્ય નિયમોનાં કેન્દ્ર તરીકે ન બનાવે ત્યાં સુધી સત્તાની જરૂર રહેવાની જ. બાહ્ય આક્રમણોથી તેમ જ આંતરિક અશાન્તિથી સમાજનું રક્ષણ કરવાનું મુખ્ય કર્તવ્ય રાજસત્તાનું ગણાય છે. સમાજવિરોધી કાર્યો એટલે ગુના; અને એ ગુનાની તુલના કરી ગુનેગારને અને તેનાથી દુભાતી સમાજને ન્યાય આપવો એ સંરક્ષણનું એક કર્તવ્ય. એટલે ગુનાનું સ્પષ્ટીકરણ કરવું, તેમનું વર્ગીકરણ કરવું, ગુનાઓની તુલના કરવી, શોધ કરવી, ગુનાઓ પકડવા, ગુના ન થાય એવી પરિસ્થિતિ ઊભી કરવી, ગુના થયે ગુનેગારને જરૂર પડ્યે શિક્ષા કરવી, જે વ્યક્તિ વિરુદ્ધનો ગુનો સમાજે માન્ય કર્યો હોય તે વ્યક્તિને સમાજના એક અંગ તરીકે ન્યાય અપાવવો અને આપવો અને વ્યક્તિને સમાજના અંગ તરીકે ન્યાય અપાવવા બંધારણો રચવાં, એ સઘળું કાર્ય અને કાર્યક્રમ રાજબંધારણના. એક મહાવિશાળ તંત્રરૂપ બની જાય છે.

ગુના કોને કહેવા અને કોને ન કહેવા એ વિષે વિચારકોમાં મતભેદ હોય છે. ગુના માટે વ્યક્તિની જવાબદારી કેટલી અને સમાજની જવાબદારી કેટલી એ વિષે પણ ઘણા વિચારો થયેલા છે. વ્યક્તિની જવાબદારી અંશતઃ પણ ગણવામાં આવે તો એ જવાબદારી માટે વ્યક્તિને શિક્ષા કેમ અને કેટલી કરવી, શિક્ષામાં ગુનેગારની સુધારણાનો ખ્યાલ રાખવો કે ગુનાથી પીડિત વ્યક્તિને બદલો અપાવવો, શિક્ષા કરવી તો કેવી રીતે કરવી - કેટલી કરવી - કેવા સ્વરૂપની કરવી, બદલો અપાવવો તો કેવે સ્વરૂપે કેટલો અપાવવો – આ બધા પ્રશ્નોની વિચારણામાંથી મોટાં ગૂંચવણ ભરેલાં ગુનાશાસ્ત્ર - Penology અને ન્યાયશાસ્ત્ર - Law ઊભાં થાય છે.

પ્રાચીન કાળમાં આપણી સ્મૃતિઓ આપણા કાયદારૂપ હતી. અંગ્રેજોના આક્રમણ કે આગમન પછી તેમણે મેળવેલી સત્તામાં એક ગુનાશાસ્ત્ર રચાયું અને વિખ્યાત લેખક મેકૉલેએ ઈન્ડિયન પીનલ કોડ - ગુનામીમાંસાની રચના કરી હિંદુસ્તાનના એ ગુનાશાસ્ત્રને બહુ જ વ્યવસ્થિત અને આધારરૂપ આકાર આપવામાં આવ્યો છે. થોડા થોડા ફેરફાર થતા જતા હશે અને દેશી રાજ્યોમાં કાયદાની કલમો અને શિક્ષાના પ્રમાણમાં જૂજ ફેરફારો હશે, છતાં એ પીનલ કોડ - ફોજદારી કાયદો - સર્વત્ર આધારભૂત બની ગયો છે તેમાં જરાય શક નથી. એ ફોજદારી નિબંધની રચના સમજવા સરખી છે.

ગુનાની જવાબદારી વિષેની અને શિક્ષા વિષેની સ્પષ્ટતા પછી સૌથી પ્રથમ રાજ્યવિરુદ્ધના ગુનાનું એમાં નિરુપણ થયેલું છે. રાજ્યને સમાજવ્યવસ્થાનો પાયો માનેલો હોવાથી આમ બનવું સહજ છે. રાજ્યવહીવટને સંબંધ કરતી બાબતો ત્યાર પછી ગુનાની ગણતરીમાં આવે છે, જેમાં લશ્કર સંબંધી, સરકારી નોકર સંબંધી, પોલીસ વિષેના, સિક્કા વિષેના, સ્ટાંપ વિષેના એવા એવા ગુનાઓનો રાજ્યવહીવટને અંગે વિચાર થયેલો છે. સમાજને વ્યવસ્થિત રાખતા રાજ્યતત્ત્વ વિરુદ્ધના વર્તનને ભારે ગુનો ગણી એ કાયદો આપણી સામાન્ય જનતા પાસે ઊતરે છે. એમાં લોકોની સમાધાની વિરુદ્ધ, લોકોની તંદુરસ્તી બગડે એવા વર્તન વિષેના, ધર્મ અને ધાર્મિક લાગણી બદલના, લોકોની સ્વીકારેલી મર્યાદા અને નીતિનો ભંગ કરતાં કાર્યો, શરીર સંબંધી ગુના, સ્વતંત્રતા બદ્દલના ગુના, ધમકી, અપમાન અને ત્રાસ આપવાથી થતા ગુના અને આબરૂ લેવાના કાર્યમાં રહેલા ગુનાના તત્ત્વ વિષે વિચારણા થયેલી છે. વળી જડ પરંતુ સમાજના બંધારણમાં સ્વીકારાયલી મહત્ત્વના તત્ત્વ સરખી મિલકત વિષે પણ ગુના ગણાવાયા છે. એટલું જ નહિ પરંતુ લગ્નની સંસ્થાને પણ માન્ય કરી લગ્નની ભાવનાને નિષ્ફળ કરતાં કાર્યોને પણ ગુનાનું સ્વરૂપ આપી તેમનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. સમાજે જાનવરોને પણ પોતાનાં અંગભૂત બનાવી દીધાં છે એટલે જાનવર પ્રત્યેનું ઘાતકીપણું એ પણ ગુનો ગણાય છે એ ભૂલવા સરખું નથી. એથી પણ આગળ વધીએ તો આપણને સમજાશે કે ગુનામાં મદદગારી કરવી અગર ગુનાની કોશિશ કરવી એમાં પણ રહેલું ગુનાઈત તત્ત્વ આ કાયદામાં પકડાયેલું છે અને વ્યવસ્થિત નિરૂપણ પામેલું છે. એટલે પ્રત્યક્ષ ગુનો ન કરવા છતાં સીધી અગર આડકતરી રીતે ગુનાને ઉત્તેજન આપતાં વલણો એમાં પરખાયાં છે, અને ગુનાનું કાર્ય સફળ થાય કે ન થાય તોપણ ગુના અર્થે કરેલો પ્રયત્ન પણ શિક્ષાને પાત્ર એવું કાર્ય બની જાય છે.

આ વર્ગીકરણના ઊંડાણમાં ઊતરશું તો આપણને સમજાશે કે આપણી સમાજરચનામાં ચાર મહા તત્ત્વોનો સ્વીકાર થયેલો છે. વર્તમાન સમાજ ચાર પાયા ઉપર રચાયો છે એમ કહીએ તો ચાલે-

૧. રાજ્ય.
૨. ધર્મ
૩. લગ્ન
૪. ખાનગી મિલકત

એ તત્ત્વોને જરા પણ હરકત ન પહોંચાડે એવી રીતે એમાંથી જ ફલિત થતી વ્યક્તિ વ્યક્તિની સ્વતંત્રતા પણ એ બંધારણમાં ભાગ ભજવે છે; એટલું જ નહિ પરંતુ સમાજે સ્વીકારેલા સદ્વર્તનને પણ એમાં સ્થાન મળે છે, જેની વિરુદ્ધનાં કાર્યો પણ ગુનામાં આવી જાય છે - પછી તે જનતાની તંદુરસ્તીને હરકતકર્તા હોય કે સમાજની સુખશાન્તિમાં ખલેલ પહોંચાડનારાં હોય.

સમાજની રચનામાં રાજ્ય, ધર્મ, લગ્ન કે ખાનગી મિલકત આવશ્યક છે કે કેમ એ વિષે વર્તમાન સામાજિક તત્ત્વજ્ઞાન જુદા જુદા મત દર્શાવે છે. રાજ્ય પોતાની સત્તાનો ઉપયોગ ખરેખર સમાજની ઉન્નતિ અર્થે કરતું નથી, કરી શકતું નથી, અને કરવાની ઇચ્છા રહિત બની જાય છે એમ રાજ્ય વિરુદ્ધ આરોપ મુકાય છે. રાજ્યકર્તા વ્યક્તિ હોય તો રાજા, રાજ્યકુટુંબ અને તેમાંથી ઉત્પન્ન થતી અમીરઉમરાવની લગાર રાજ્યને - કહો કે રૈયતને - પણ પોતાની મિલકત માની તેનું શોષણ કરે છે, એટલું જ નહિ પણ એ શોષણક્રિયા ચાલુ રહે એ ઢબે જ રાજ્યસત્તાનો અને રાજ્યસાધનોનો ઉપયોગ કરે છે. જગતમાં બે જ મહારાજ્યો છે કે જેમણે વ્યક્તિગત રાજાનો સ્વીકાર કર્યો છે : ઈગ્લેંડ અને જાપાન. હોલંડ, નોર્વે, રૂમાનિયા તથા હિંદુસ્તાનના અતીભ્રષ્ટ તતોભ્રષ્ટ રાજાઓની ગણના અત્રે ન કરીએ તો ચાલી શકે, કારણ આજ તેમનું આંતરરાષ્ટ્રિય મહત્ત્વ નથી. અને જીવન્ત ફિલસૂફીમાં તેમનું સ્થાન નથી. જીવંત ફિલસૂફી જેમને સ્વીકારે છે એ ઈંગ્લેન્ડ અને જાપાનના રાજાઓ સંપૂર્ણ મર્યાદિત રાજ્યકર્તાઓ છે અને સાચા દેવ અને મૂર્તિ વચ્ચે જેટલો તફાવત હોય એટલો તફાવત સાચી રાજ્યસત્તા અને તેમની છે. મૂર્તિપૂજાનો ઉપયોગ ભલે હોય, મૂર્તિની જરૂર ભલે હોય, એને શૃંગાર, ભોગ, આરતી અને નમન ભલે થતાં હોય, છતાં રાજકીય ફિલસૂફી એ ભેદ સમજવા એટલી તો જરૂર આગળ વધેલી છે જ. વ્યક્તિગત રાજાઓ નિરર્થક બની જ ગયા છે અને શ્રીમંત સયાજીરાવ સરખી વિરલ વિભૂતિઓને બાદ કરતાં હિંદનાં રાજ્યસંસ્થાનો મધ્યકાલીન ભાવનાના અવશેષો કરતાં કાંઈ પણ વધારે ઉપયોગી નથી. એમ કહેવાની તાત્વિક રીતે તો જરૂર ઊભી થયેલી જ છે. એ રાજવીઓ લોકશાસનના સ્વીકાર દ્વારા સત્તામર્યાદિત અને માત્ર ભાવનારૂપ બની રહે તો નિરર્થક અંગોની માફક તે કાં તો ઘસાઈ જાય કે માત્ર મૂર્તિરૂપ બને એ બહુ જ સંભવિત છે. જગતની રાજ્યનીતિ લોકશાસિત રાજ્યમાં હવે શ્રદ્ધા ધરાવતી થઈ છે.

લોકશાસિત રાજ્યનીતિ પણ ઓછા આક્ષેપોને પાત્ર થઈ નથી. લોકશાસનની સામાન્ય સમજ એટલી જ હોઈ શકે કે લોકના પ્રતિનિધિઓ રાજ્યસત્તા અને ધારાધોરણો ઘડે અને એ પ્રતિનિધિઓમાંથી જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રધાનમંડળ બનાવી એ ધારાધોરણ પ્રમાણે રાજ્યસત્તા ચલાવે - એટલું જ નહિ પરંતુ રાજ્યસત્તા ચલાવતું એ પ્રતિનિધિમંડળ, લોકપ્રતિનિધિ મંડળ પાસે પોતાના કાર્યનો હિસાબ આપે અને લોકપ્રતિનિધિ મંડળને જવાબદાર રહી તેની જ ઈચ્છા પ્રમાણે રાજ્યસત્તા ચાલુ રાખે અગર છોડી દે. લોકશાસન પણ આપણે ધારીએ એવું સરળ. નથી. લોક એટલે કોણ ? લોકનો મત કેવી રીતે લેવો? મત ક્યાં લેવો ? એ બધા ઝીણવટભર્યા પ્રશ્નો છે. લોકશાસનમાં પક્ષો વિકસી આવે છે અને એ પક્ષો સત્તા હાથ કરવા માટે અગર હાથ આવેલી સત્તા ચાલુ રાખવા માટે કૂટનીતિ અખત્યાર કરે છે, મતવેચાણને ઉત્તેજન આપે છે, લાંચરુશવતને જાહેરમાં વિસ્તૃત કરે છે અને ધ્યેય રહિત બની સત્તાનો ઉપયોગ પોતાના સ્વાર્થની પુષ્ટિ માટે અને અસાવધ પ્રજાજનોનાં શોષણ માટે કરે છે. પ્રજા અગર પ્રજા વર્ગના ધનિક અને વગદાર પક્ષોની ખુલ્લી ખુશામત પણ એમાં થાય છે, અને અતિશય દીર્ઘસૂત્રીપણાને લીધે વેગભર્યું કાર્ય કે ફલદાયી નીતિ અમલમાં મૂકી શકાતાં નથી. વળી સાચા લોકમતનો પડઘો પણ તેમાં પડતો નથી એવો પણ લોકશાસિત કહેવાતી પ્રથાઓ વિરુદ્ધ આરોપ મુકાય છે. રાજ્યશાસનનું ત્રીજું સ્વરૂપ રાષ્ટ્રવાદને નામે ઊભી થયેલી સરમુખત્યારીનું છે. રાષ્ટ્ર, લોક કે પ્રજાને નામે તેમાં બોલવાનો પ્રયત્ન હોય છે. પરંતુ એક જ પક્ષ અને એક જ વાદ પક્ષનું સ્વરૂપ લઈ રાજ્યસત્તા હાથ કરી વિરોધ પક્ષને સંપૂર્ણપણે દાબી દઈ અન્ય કોઈ પણ પક્ષ ઊંચી ડોક સુધ્ધાં ન કરી શકે એવી સ્થિતિ ઊભી કરી આર્થિક, લશ્કરી, કેળવણીવિષયક, સાંસ્કારિક, એ બધી જ પ્રજાઘડતરની ઘટના પોતે સ્વીકારેલા વાદ પ્રમાણે દોરે છે. રશિયા, ઈટાલી અને જર્મની એ રાષ્ટ્રપૂજનમાંથી ઉદ્ભવેલી, લોકશાસનના દીર્ઘસૂત્રીપણાને અને જૂઠાણાને ટાળી કાઢવાનું ખુલ્લે છોગે માન લેતી સરમુખત્યારીની પ્રથા છે. સ્ટેલીને સામ્યવાદને ભૂમિમર્યાદા આપી સંકુચિત કર્યો છે એટલે તેની આ પ્રકારમાં ગણના કરવાની જ રહે છે.

એ ત્રણે પદ્ધતિના ગુણદોષોનું વર્ણન કે તેમનું સ્વરૂપ સમજાવવાનું આ સ્થળ નથી. માત્ર સમાજના પાયા તરીકે વર્તમાન રાજ્ય સત્તા અને ગુના વચ્ચે ગાઢ સંબંધ હોવાથી આટલું રાજસત્તાનું નિરૂપણ કર્યું છે. રાજ્યસત્તાના સ્વરૂપની સાથે રાજસત્તા વિરુદ્ધના ગુનાઓની પણ ફેરફારી થયા જ કરે છે. રાજ્યપ્રણાલિકામાં અને લોકશાસનમાં રાજ્યદ્રોહ એ દેહાંતદંડને પાત્ર ગુનો ગણાય. પરંતુ રશિયા જેવા સરમુખત્યારીના શાસનમાં તો અણઆવડત, ગફલત કે કાર્યશિથિલતા પણ દેહાંતદંડને પાત્ર ગુનો ગણાય છે. દેવ સરખા પૂજાતા ઝારને ગોળીથી વીંધી નાખનાર ક્રાંતિકારીઓ દેશાભિમાની પુરુષો તરીકે પૂજાય, એ સ્થિતિ બતાવી આપે છે કે રાજ્ય વિરુદ્ધના ગુનાનું સ્વરૂપ કેટલું ચલ છે.

ધર્મ એ પણ રાજ્યસત્તાની માફક સમાજનો બીજો પાયો ગણાય છે, કેટલાંક રાષ્ટ્રોમાં રાજ્યસત્તાને સ્વીકૃત ધર્મ પણ હોય છે અને કેટલાંક રાષ્ટ્રોમાં જુદા જુદા ધર્મો હોવા છતાં સર્વ ધર્મોનો સ્વીકાર રાજ્યધર્મ બની જાય છે. જર્મની જેવાં રાષ્ટ્રો તો છડેચોક યહૂદી જેવા વિધર્મીઓને ધર્મને બહાને નહિ તો જાતિને - Raceને બહાને દેશપાર કરવા સુધીની નીતિ અખત્યાર કરી શકે છે. સમાજ જગતભરમાં અત્યારે એવી પરિસ્થિતિએ છે કે જેમાં ધર્મ અને રાજ્યશાસન અલગ બની શકે એમ છે. ગુરુશાહી સત્તા લગભગ અદ્રશ્ય થઈ છે અને જોકે આપણા આર્થિક, રાજકીય કે વ્યાપારી અગર અંગત સ્વાર્થ અર્થે સમાજના મોટા મોટા વિભાગો ધર્મની ચિઠ્ઠી ચોઢી ફરે છે, ધર્મને નામે ઝઘડા પણ કરે છે, અને ખૂબ લોકલાગણી ઉશ્કેરી પણ શકે છે, છતાં સ્થાપિત ધર્મો સમાજજીવનની ચાવી રૂપ હવે રહ્યા નથી. એનાં કારણો ધર્મની નીચે દર્શાવેલી પરિસ્થિતિ ઉપરથી સ્પષ્ટ થશે. પ્રથમ તો ધર્મ માટે હવે એક પ્રકારનું ઉદાસીનપણું વધતું ચાલ્યું છે - ખાસ કરીને ભણેલા અને બુદ્ધિમાન વર્ગોમાં. વળી ધર્મનાં બાહ્ય સ્વરૂપો અને કર્મકાર્ડ માટે હવે બહુ આગ્રહ રહેતો નથી. શિક્ષિત સમાજ ઉદાર બનતો જાય છે અને એક ધર્મના અહંકારને બદલે સર્વ ધર્મોમાં રહેલી એકતા નિહાળવા પ્રેરાય છે, એટલું જ નહિ પરંતુ પ્રત્યેક ધર્મમાં રહેલી વિશિષ્ટતા પ્રત્યે આદર રાખી તેને ગ્રહણ કરવા માટેની ઉત્સુકતા પણ ધરાવે છે. ઉપરાંત જગતરચનામાં રહેલી અદ્દભુત ચમત્કૃતિ તીવ્ર આવેશમય ભક્તિભાવને બદલે બુદ્ધિજન્ય ઊર્મિ રહિત વૈજ્ઞાનિક કે વેદાન્તી દૃષ્ટિ ઉઘાડે છે એટલે સ્થાપિત ધર્મ જીવનતત્ત્વ તરીકે તો નહિ જ, પરંતુ જૂની સમાજરચનામાં એક ટેકા તરીકે ભાવ ભજવે છે. તોપણ રશિયા સિવાય કોઈ પણ દેશે ધર્મનો ખુલ્લો અસ્વીકાર કર્યો નથી. અને ટર્કીએ જોકે ખિલાફતને નષ્ટ કરી મુસ્લિમ ધર્મના પાયામાં રહેલી મૂળભૂત ભાવનાને ફેંકી દીધી છે તોપણ ધર્મનો ચોખ્ખો ઇન્કાર હજી સુધી કોઈ પણ દેશે કર્યો નથી. રશિયામાં અંગત ધર્મમાન્યતાઓ માટે બાધ ગણવામાં આવતો નથી.

સમાજમાં આ બધી વસ્તુસ્થિતિ ઉપરથી ધર્મ અને સમાજનો એટલો સંબંધ રહેલો ગણાય કે જેમાં વિધર્મીઓ પ્રત્યેનું વર્તન અને સ્વીકૃત ધર્મ સંબંધી માન એ બન્ને શાસનને - નિયમનને પાત્ર વર્તન ગણાય છે, એટલે ધર્મનાં કે તીર્થનાં સ્થાનોનું રક્ષણ તથા તે પ્રત્યેની માનભરી લાગણી. ધર્માંતરના પ્રસંગો, ધર્મના અંગની ભાવિક્તા, ધર્મક્રિયાઓ અને ધર્માચાર એ વિષે સમાજે કરેલા નિર્ણયો કે સ્થાપિત કરેલી રૂઢિઓ નિયમના વિભાગ રૂપ બની જાય છે, અને તે વિરુદ્ધનું વર્તન ગુનાનું નામ પામે છે. આમ રાજ્યસત્તાની સાથે ધર્મ પણ સમાજના પાયા રૂપ હોવા છતાં, તેમાં અનેકાનેક પ્રયોગો, સંબંધોનાં સ્થાપન અને ઉત્થાપન અને બાહ્ય સ્વીકાર ન પામેલા અગણિત ફેરફારો એ આપણા ધર્મવ્યવહારનું સામાજિક સ્વરૂપ બની જાય છે. આજના હિંદુ ગાંધીજી મુસ્લિમના હાથનું પાણી પીને કે તેની સાથે જમીને વટલાઈ જતા નથી, અને હિંદુઓના અવતારને સ્વીકારતાં પંથમાં જન્મી દાઢી રાખ્યા વગર પણ ઝીણા મુસ્લિમો વતી બોલવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. ખ્રિસ્તી ઈટાલી ખ્રિસ્તી બિસિનિયાને ખાઈ જાય છે અને ખ્રિસ્તી ધર્મની ખ્રિસ્તી ઈંગ્લેન્ડનું ગળું રહેંસવા એકપગે તૈયાર થઈ બૌદ્ધ જાપાન કે અનીશ્વરવાદી રશિયા સામે પ્રેમથી ભેટે પણ છે. સમાજને સંગઠિત કરતા ધર્મની આ પરિસ્થિતિ છે.

લગ્ન એ વર્તમાન સમાજનો ત્રીજો ભાગ. જીવનનો આવિષ્કાર અને જીવનનો વિકાસ એ સમાજનું અનિવાર્ય અને અપરિહાર્ય કર્તવ્ય, પછી તે, જાણ્યે કે અજાણ્યે થાય. એ આવિષ્કાર કોઈ અણઉકલ્યા પરંતુ લગભગ વિશ્વવ્યાપી સિદ્ધાંતને આધારે થાય છે એટલે સ્ત્રીપુરુષના સંસર્ગની એક અદ્ભુત ઘટના માનવજાતમાં રચાય છે. જીવન અને મૃત્યુ, ભૂખ અને તરસ જેટલું જ સાચું સ્ત્રીપુરુષનાં આકર્ષણનું તત્ત્વ સમાજમાં લગ્નને નામે વ્યવસ્થિત થયું છે. એ આકર્ષણને વ્યવસ્થિત કરવાને મથતી લગ્નસંસ્થાનાં અનેક સ્વરૂપો માનવજાતમાં વિકસ્યાં છે અને એકપત્નીત્વ, બહુપત્નીત્વ, એકપતિત્વ તેમ જ અનેક પતિત્વમાંથી ગમે તે એક સ્વરૂપમાં વ્યક્ત થાય છે. એક પતિત્વ અને એક પત્નીત્વનાં આદર્શ તરફ નજર રાખી રહેલી આ લગ્નસંસ્થા માનવી માનવી વચ્ચેના સંબંધોનું કેન્દ્ર બને છે, અને ભાવિ પ્રજાની સ્થિરતાનો ભાર ઉપાડવા મથે છે. લગ્નમાં પરિણામ પામતા પહેલાં અને પામ્યા પછી પણ આ આકર્ષણ અનેક પ્રશ્નો ઉત્પન્ન કરે છે, અને લગ્ન એ સ્વીકૃત બહુમાન્ય સંસ્થા બનેલું હોવાથી લગ્નની રૂઢિઓ, સંબંધો સ્વાભાવિક રીતે જ નિયંત્રણ માગી લે છે એ નિયંત્રણ વિચિત્ર લાગતું હોવા છતાં સમાજ તેના પાલનનો આગ્રહ રાખે છે અને તે વિરુદ્ધ થતા વર્તનને ગુના તરીકે ઓળખાવે છે. માનવીની જાતિભાવના મુખ્યત્વે આ લગ્નસંબંધને અવલંબીને જ રચાય છે.

સાચી વસ્તુ આકર્ષણ. આકર્ષણના પરિણામમાં પ્રજોત્પત્તિ; એ પરિણામને લીધે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ તોપણ એ આકર્ષણ નિયમન અને નિયંત્રણ માન્યા વગર ન જ રહે. ગમતે અણગમતે પણ માનવજાતે એ નિયંત્રણનો સ્વીકાર કરી તેને લગ્નનું નામ આપ્યું છે. આકર્ષણને પરિણામે થતો બાળકોનો જન્મ સ્ત્રીપુરુષના સાહચર્યમાં અમુક અંશે તો સાતત્ય માગે જ છે – પશુપક્ષીઓમાં પણ એ પ્રેરણાજન્ય સાતત્ય હોય છે જ.

એ સાતત્ય કેટલું હોવું જોઈએ કેવું હોવું જોઈએ ? સાતત્યખંડન દૂષિત કે અદૂષિત ? ભાવિ પ્રજાનો વિકાસ સાહચર્યની લંબાઈમાં મર્યાદા સહી શકે કે કેમ ? એ સઘળા પ્રશ્નો વર્તમાન લગ્નસંસ્થાને ગૂંચવી રહેલા છે. લાગણીની અસ્થિરતા, આકર્ષણનો આવેગ, સંબંધની ભારેમાં ભારે દેહસુખ આપવાની શક્તિ અને તેમાંથી ઊપજતું અનિચ્છનીય હોવા છતાંય અનિવાર્ય પ્રજોત્પત્તિનું પરિણામ લગ્નને એક વિકટ સામાજિક પ્રશ્ન બનાવી રહે છે - જોકે અલગ્ન સંબંધ સામાજિક સ્વીકાર કે સામાજિક પ્રતિષ્ઠા પામી શક્યો નથી. સગવડ, લાગણી, સંબંધને ફુટ કરતા કાયદા તથા નિયમો લગ્નની આસપાસ ગૂંથાઈ સમાજને વ્યવસ્થિત બનવાનું એક સાધન પૂરું પાડે છે. જોકે રાજ્યસત્તાની માફક અને ધર્મની માફક વર્તમાન લગ્નસંસ્થા અસ્થિર બની ગઈ છે અને સમસ્ત માનવજાત લગ્નની - કહો કે સ્ત્રીપુરુષના સંબંધની પુનર્ઘટના માગી રહી હોય એમ દેખાય છે.

ખાનગી મિલકત એ સમાજ બંધારણનું ચોથું અને કદાચ સહુના કરતાં વધારે મહત્ત્વનું તત્ત્વ. પ્રત્યેક વ્યક્તિને વસ્તુ, ધન અગર જમીન પોતાની વ્યક્તિગત માલિકી નીચે લાવી મૂકવાનો હક્ક સમાજમાં સર્વમાન્ય છે. જીવન માટે ખોરાક એ જરૂરની વસ્તુ. એ ખોરાક મેળવી લેવાની આખી પ્રવૃત્તિમાંથી ધન, માલ, વ્યાપાર, રોજગાર, ઉદ્યોગ, પર્યટન, વેચાણ, ધીરાણ અને તેના અંગેની આખી આર્થિક ઘટના માનવજાતે રચી છે, અને વેચાણ, મજૂરી, બક્ષિસ, નોકરી એ સઘળાં મિલકત હક્કનાં સાધનો બની જાય છે. મિલકતની ભાવનાના વિકાસ વિષે આપણે અહીં ખાસ વિચાર કરવાનો નથી. પરંતુ મિલકતના હક્કને લીધે ઊભા થયેલા ધનવાન અને નિર્ધનના ભેદ આખી ખાનગી મિલકતના સિદ્ધાન્તને આજ હચમચાવી નાખે છે. માનવવિકાસમાં ખાનગી મિલકતે બહુ મોટો ફાળો આપ્યો છે, માનવીની શોધકવૃત્તિને ખીલવી છે અને સાહસ, ડહાપણ તથા ઉદ્યોગના ઘણા ઘણા ગુણ તેણે ખીલવ્યા છે. પરંતુ પૂર્વને લૂંટવાની પશ્ચિમની દાનત તથા આવડત અને પશ્ચિમે વિકસાવેલો યંત્રવાદ ખાનગી મિલકતને ભયંકર બેડોળ સ્વરૂપ આપી રહ્યો છે. ખાનગી મિલકતના સ્વીકારમાં રહેલી ખેંચાખેંચી - competition યંત્રવાદે એટલી ઉગ્ર બનાવી દીધી છે કે આજ એક બાજુએ ધન અને ધાન્યના ઢગલા થાય છે જ્યારે બીજી પાસ કંગાલિયત, ભૂખમરો અને અનારોગ્યની જ્વાલા પ્રગટી આખા જગતને તેમાં હોમવાની તૈયારી થઈ રહી છે.

આથી આગળ વધીએ તો ખાનગી મિલકતની સંસ્થા - ધર્મને, લગ્નને અને રાજ્યસત્તાને પણ ભારે અસર પહોંચાડી તેમાં ખાનગી મિલકતનાં સઘળાં અનિષ્ઠો દાખલ કરી, સ્ત્રીઓનાં વેચાણ, મુક્તિ અને ઈશ્વરનાં વેચાણ તેમ જ સત્તાનાં પણ વેચાણ - શક્ય બનાવે છે, એટલું જ નહિ; તેમને ધમધોકાર ચલાવ્યે રાખે છે. મિલકત ખાનગી હોવી જોઈએ જ નહિ, મિલકતની માલિકી પ્રજાની અગર રાષ્ટ્રની હોય, અગર અઢળક ધન આપતા ઉદ્યોગો ખાનગી માલિકીના ન હોવા જોઈએ એવી માન્યતાઓ પ્રચલિત થયેલી છે, રશિયાએ અંશતઃ સફળતાપૂર્વક એવા પ્રયોગો કર્યા પણ છે અને જર્મની તથા ઈટાલીએ પણ મોટા ધંધા ઉપર રાષ્ટ્રના અંકુશ મૂકી દીધેલા છે. યુદ્ધ પ્રસંગે લોકશાસિત કહેવાતું બ્રિટન પણ ખાનગી મિલકતો ઉપર અને મોટા ઉદ્યોગો ઉપર ભારે નિયંત્રણ મૂકે છે. આમ છતાં રશિયા સુધ્ધાંમાં પણ હજી ખાનગી મિલકત પૂરેપૂરી નષ્ટ થઈ શકી નથી, એટલે સમાજનો મોટો ભાગ હજી સુધી ખાનગી મિલકતને પોતાના પાયા તરીકે માનીને ચાલે છે - એ ખાનગી મિલકત ગમે એટલી દૂષિત હોય તે છતાં.

આ ખાનગી મિલકતના સામાજિક સ્વીકારમાંથી મિલકત વિરુદ્ધના ગુના ઊભા થાય છે. ખાતર પાડવું, ચોરી કરવી, લૂંટ કરવી, ધાડ પાડવી, છેતરપિંડી કરવી, વિશ્વાસઘાત કરવો વગેરે સામાન્ય રીતે ઓળખાઈ આવતા ગુનાઓ ખાનગી મિલકતના સ્વીકારમાંથી ઊભા થાય છે.

આમ એકસહ વિચાર કરતાં આપણને સમજાશે કે રાજ્ય ધર્મ, લગ્ન અને મિલકતના સામાજિક સ્વીકારનો વિરોધ મોટે ભાગે ગુનાઓના મૂળ તરીકે ગણી શકાય. સામાજિક રચના બદલાય તો ગુનાઓનાં સ્વરૂપ પણ બદલાઈ જાય. મોગલ શહેનશાહત. જ્યારે હિંદમાં સાર્વભૌમ સત્તા હતી ત્યારે મોગલાઈ વિરુદ્ધના સઘળા પ્રયત્નો રાજ્યદ્રોહ ગણાતા હતા, પરંતુ એ જ સત્તા સામે પડીને શિવાજીએ મહારાષ્ટ્રિય રાજ્ય સ્થાપન કર્યું, અને એ મહારાષ્ટ્રિય તથા મોગલાઈ રાજ્યમાંથી છૂટાં પડેલાં રાજ્યદ્રોહી ગણાવાને પાત્ર કૈંક રાજયો હાલ બ્રિટિશ રાજ્યના મિત્રો તરીકે અસ્તિત્વમાં છે ! સ્ત્રીઓના સ્વયંવર સાથે સ્ત્રી હરણની પણ પ્રથા હિંદુસમાજને માન્ય હતી, અને અનેક પત્ની તથા અનેક પતિનાં દૃષ્ટાન્તો પણ આપણી પૂજનીય ગાથાઓ અને કથાઓમાંથી નીકળી આવે છે. બ્રાહ્મણોનો વધ ન થાય એ ધર્મઆજ્ઞા હાલ આપણે પાળતા નથી, અને પરદેશગમનનો એક સમય જબરજસ્ત વિરોધ કરી રહેલા હિંદુઓ પરદેશી અને પરધર્મી મુસલમાનો અને ટોપીવાળાઓની રાજકીય તાબેદારી સ્વીકારવામાં અધર્મ માનતા નથી. કોઈના ખિસ્સામાંથી રૂપિયો કાઢી લેનાર ભૂખ્યો માણસ ચોર મનાઈ મિલકત વિરુદ્ધના ગુના માટે કેદખાનું ભોગવે છે. જ્યારે અસહ્ય વ્યાજ લેનાર શરાફ કંપનીને નામે આખા કુટુંબને કમાણી કરાવતો વંશપરંપરાનાં લવાજમો લઈ જઈ એકમાંથી અનેક ધંધા ઉપજાવી ખાનગી મિલકતનો નાગપાશ લંબાવતો રહેલો મિલ એજન્ટ વગર માલે લાખો રૂપિયા ઉપજાવી લેતો સટોરિયો કે હૂંડિયામણના ભાવમાંથી હિંદનું અગણિત દ્રવ્ય ઘસડી જતો ઈંગ્લેન્ડનો કે હિંદનો રાજદ્વારી ગોરો : એ સર્વ શાહુકારોના નમૂના રૂપ મનાય છે, અને બુદ્ધિમાન વેપારી તરીકે સમાજમાં પ્રતિષ્ઠિત બની રહે છે.

માણસ ભૂખે મરતો હોય, સમાજ કે રાજ્ય તેને ધંધો પણ ન આપે અને ભિક્ષા પણ ન આપે, સમાજને ઉપયોગી થઈ પડવા જેવું વાતાવરણ કેળવણી દ્વારા તેની આસપાસ ઊભું કરવાની જવાબદારી કે કાળજી કોઈની જ ન હોય. અને સત્તા, ધર્મ તથા ધનિકો માણસને શોષણના સાધન તરીકે જ ગણે તો. તેણે ચોરી કે લૂંટ સિવાય બીજું શું કરવું એ પ્રશ્ન ખરેખર વિચારવા સરખો છે. ગુનેગારની સાચેસાચી જવાબદારી કેટલી એ પ્રશ્ન આખા શિક્ષાના પ્રકારોમાં ક્રાન્તિ ઉપજાવે છે. ચોરી કરે તેનાં કાંડાં કાપી નાખવાં એવી શિક્ષા પણ એક વખત પ્રચલિત હતી; કાનમાં સીસું રેડવું, હાથીને પગે ગુનેગારને બાંધી છૂંદી નાખવો, શૂળી પર તેને ચડાવવો વગેરે સજાઓ હાલ કાયદાનો સ્વીકાર પામતી નથી, અને ન્યાયસિદ્ધાંતમાંથી તદ્દન અદ્રશ્ય થઈ વધારેમાં વધારે પ્રાચીન કાળ કે મધ્યકાળની નવલકથાઓનો જ વિજય બની રહે છે. સાથે સાથે થર્ડ ડિગ્રી - Third degree, ગેસ્ટેપો Gestapo, Concentration Camps- કોન્સન્ટ્રેશન કેમ્પ્સ વગેરે નામે ઓળખાતી કૂર, દૈહિક અને માનસિક યાતનાઓ જર્મની, અમેરિકા અને રશિયામાં પ્રચલિત છે એ પણ ભૂલવા સરખું નથી.