હૃદયવિભૂતિ/આપણા ગુનેગારો/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૨ હૃદયવિભૂતિ
પ્રકરણ ૩
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૪ →

સમાજના પાયામાં રહેલાં આ ચારે તત્ત્વો વિરુદ્ધ થતું કાર્ય ગુનો બની જાય છે એ આપણે જોયું. ગુનાની તપાસ અને તેની શિક્ષાનું કાર્ય રાજસત્તા પોતાના હાથમાં રાખે છે. કારોબારીથી ન્યાયશાસન ભિન્ન અને સ્વતંત્ર હોવું જોઈએ એવી પણ એક માન્યતા છે – જોકે એ માન્યતા સંપૂર્ણપણે કોઈ પણ દેશમાં અમલમાં મૂકી શકાઈ નથી. શાસનધારા મંડળ, ધારાનો અમલ કરનાર મંડળ અને એ અમલ ધારા પ્રમાણે થયો છે કે નહિ તેનું નિરાકરણ કરનાર ન્યાયમંડળ, રાજવહીવટને અંગે અમુક અંશે વિભિન્ન તો બની શકે છે. પરંતુ રાજસત્તાના અંગ તરીકે ત્રણેય મંડળો એક જ સત્તાસૂત્રમાં વણી દેવાં પડે છે. એટલે એ ત્રણેય મંડળોની એક બીજા ઉપરની અસર તથા શહ અવગણવા જેવી હોતી નથી. મહાસભાના હાથમાં મુંબઈ સરકારનું કારોબારી તંત્ર હતું ત્યારે મદ્યનિષેધ વિષે થયેલા પ્રયત્નો અને શાસન છોડી દીધા પછી મદ્યનિષેધના કાર્યક્રમની થયેલી દશા ત્રણેય રાજશાસન નિભાવતા મંડળોની પરસ્પર અસરનું બહુ સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. સ્થાપિત શાસનો અને વ્યવસ્થાઓ મોટે ભાગે સ્થાપિતની તરફેણમાં જ રહે છે. સ્થાપિત સમાજમાં સાચી કે ખોટી થતી હાલમડોલમ તેમને અનુકૂળ પડતી નથી એમ કહેવામાં તેમનો દોષ કાઢવાનો ઉદ્દેશ નથી. તથાપિ સ્થાપિત રચના સદાકાળ એક ને એક સ્વરૂપે જ ચાલ્યા કરે એ બનવું અશક્ય જ છે. ફેરફાર, પ્રગતિ, ક્રાન્તિનાં તત્ત્વો માનવસમાજને એક બાજુએ ખેંચે છે જ્યારે સ્થાપિત સંસ્થાઓ માનવજાત સ્થાપિત બીબામાં જ જડાઈ રહે એવો આગ્રહ રાખે છે. આમ સંરક્ષણ અને નવીનતા વચ્ચે ઘર્ષણો ઊભાં થયાં જ કરે છે, સંરક્ષક સ્વભાવ નવીનતાપ્રિય વ્યક્તિ પરત્વે અણગમો જ દર્શાવ્યા કરે છે, અને સંરક્ષણ અને નવીનતા વચ્ચે સુમેળ સાધવાની સર્વમાન્ય ચાવી હજી સુધી સમાજને હાથ લાગી નથી. સંરક્ષણ કે નવીનતાને દોષ દેવો સહેલો છે પરંતુ સમાજમાનસનાં એ બંને તત્ત્વો અત્યંત સાચાં છે અને બંનેના અસ્તિત્વમાં ભારે તથ્ય રહેલું છે. નવીન સામ્યવાદનો રશિયામાં વિજય થયો એટલે તેના પ્રથમ આવેશમાં તેણે રાજ્ય, ધર્મ, લગ્ન અને મિલકતનો ભાંગીને ભૂકો કરી નાખવાના પ્રયત્ન કર્યા. હિંદમાં સ્થાપિત સત્તા સંરક્ષકવાદી હોવાથી સામ્યવાદ અને સામ્યવાદીમાત્રનું નામનિશાન કાઢી નાખવાની તેણે પ્રવૃત્તિઓ આદરેલી છે. એ જ સામ્યવાદી રશિયા અને સંરક્ષકવાદી બ્રિટનની વચ્ચે હજી સુધી મૈત્રી છે એ ઘટના આપણી સત્તાનો - કહો કે માનવસ્વભાવના વૈચિત્ર્યનો એક રસમય અને મનનીય નમૂનો છે. સામ્યવાદી થવું એ હિંદમાં ગુનો ગણાય ! અને સામ્યવાદી સિદ્ધાન્તો ઉપર રચાયેલી સરકાર સાથે બ્રિટન તાબાના હિંદસરકારની મૈત્રી રહે ! એ સંજોગ ખરેખર વિલક્ષણ છે ! આ સંજોગ ગુના પ્રત્યેની આપણી આખી દૃષ્ટિને કુમળી બનાવે તેમાં શી નવાઈ?

સ્થાપિત શાસન અને તેનો વિરોધ જોકે તાત્કાલિક ગુનામાં પરિણામ પામે છે છતાં એ જ વિરોધમાંથી માનવજીવનને અને માનવસમાજને પ્રગતિપંથે લઈ જવાના ઇતિહાસપ્રસિદ્ધ અને પૂજનીય પ્રસંગો પણ ઊભા થાય છે. વોશિંગ્ટને ઈંગ્લેન્ડની સ્થાપિત સત્તા સામે બળવો ઉઠાવ્યો. એ બળવો સફળ થયો એટલે એ સ્વાતંત્ર્યયુદ્ધ તરીકે લેખાયો, અને વોશિંગ્ટન એક મહાન દેશાભિમાની પુરુષ તરીકે અમર થયો. બળવો અફળ ગયો હોત અને વોશિંગ્ટન અંગ્રેજોને હાથ પડ્યો હોત તો તે ભયંકર રાજદ્રોહી ગુનેગાર ગણાઈ ફાંસીને માંચડે ચડ્યો હોત કે નેપોલિયનની માફક એકાન્ત કેદની સજા પામ્યો હોત. સને ૧૮૫૭નો હિંદનો બળવો બીજા દ્રષ્ટાંત તરીકે આપણી નજર બહાર રહે એમ નથી. જોન ઑફ આર્કને અંગ્રેજોએ ડાકણ તરીકે જીવથી બાળી; ફ્રાન્સ એકલું જ નહિ પણ આખું જગત એને સ્વતંત્રતાની વેદી ઉપર હોમાયેલી દેવી તરીકે હવે માને છે. મેઝિની અને ગેરિબાલ્ડી ઈટાલીમાં સ્થપાયેલી ઑસ્ટ્રિયન સત્તાના રાજદ્રોહી વિરોધીઓ હતા. પરદેશી સત્તાને ફેંકી દેવામાં સફળ થયેલા એ બંને વીર પુરુષો જગતભરમાં આજ વંદનીય મનાય છે. ઈટાલીને સ્વાતંત્ર્ય અપાવનાર મેઝિની ઈંગ્લેન્ડમાં રહીને બળવાની યોજનાઓ ઘડતો હતો, આજ ઈટાલી અને ઈંગ્લેન્ડ જાહેર દુશ્મનો છે. લોકમાન્ય તિલક, અરવિંદ ઘોષ અને મહાત્મા ગાંધી લગભગ રાજદ્રોહીઓ તરીકે આપણી દૃષ્ટિ નીચે જ આપણી સાંભરણમાં મનાઈ ચૂકેલા છે. એમને મળવું, એમનું નામ દેવું કે એમની છબીઓ પાસે રાખવી એમાં અપરાધ મનાતો - નિદાન એમાં અપરાધ જોવાની વૃત્તિ તો સત્તાધીશોમાં ઊભી થતી જ. આજ તેમના બાવલાં જાહેરમાં મૂકી શકાય છે, અને અરાજક તિલકનું ડહાપણ પણ આગળ કરી તેનું અનુકરણ કરવા ગાંધીજીને સૂચનાઓ કરવામાં આવે છે. છૂપી પોલીસથી પરહદમાં હંકાયેલા અરવિંદ ઘોષ પરાજિત સરહદમાં રહીને બ્રિટનને નાણાંની સહાય આપે છે અને એ નાની સરખી નાણાંની સહાયને ડિંડિમ વગાડી જાહેર કરી યુદ્ધવિરોધી કૉંગ્રેસની આંખ સામે મૂકવામાં આવે છે. અરાજકતાના અખાડા ઉઘાડવાનું જાહેર કરી સજા પામેલા મહાત્મા ગાંધી વાયસરૉયના મહેલમાં મસલત કરે છે. આ બધી વસ્તુસ્થિતિ રાજસત્તા વિરુદ્ધના કે કોઈ પણ ગુનામાં રહેલી વિચિત્રતા તરફ ધ્યાન દોરવા માટે બસ થઈ પડે એમ છે. રશિયન ક્રાન્તિને વિજય અપાવી ચૂકેલો ટ્રોટ્સ્કી દેશનિકાલ થઈ પરિણામે એક ખૂનીના હાથે માર્યો ગયો.

સૉક્રેટિસ ગ્રીસ દેશના ધર્મનો વિરોધી ગણાયો અને એને ઝેરનો પ્યાલો પીવાની સજા થઈ. આજ એ સૉક્રેટિસ પાશ્ચિમાત્ય તત્ત્વજ્ઞાનનો આદ્ય પુરુષ ગણાય છે.

ઈસુ ખ્રિસ્તને યહુદીઓએ અધર્મી માન્યો. વધસ્તંભ ઉપર વળગેલા ઈસુના દેહમાં ખીલા ઠોકી તેનું કરપીણ રીતે મોત નિપજાવવામાં આવ્યું. એ ઈસુનો ધર્મ જગતની કંઈક મહાપ્રજાએ સ્વીકાર્યો અને હજી પણ પાળવાનો ડૉળ કરે છે. મુસલમાન - નિદાન મુસ્લિમ કુટુંબમાં ઊછરી મોટા થયેલા કબીરસાહેબ હિંદુઓના એક મોટા કબીરપંથી વિભાગના ગુરુ મનાય છે. આમ તાત્કાલિક અધર્મી મનાયેલા કંઈક પુરુષોએ સજા ખમીને પણ પોતાનો ધર્મ ફેલાવ્યો છે. જેમ દેશદ્રોહનો ગુનો સ્થિતિ પલટાતાં પૂજનીય દેશાભિમાન બની જાય છે, તેમ ધર્મદ્રોહનો ગુનો નવીન અને વ્યાપક ધર્મોના સ્થાપનનું મૂળ બની જાય છે.

જીવનના સ્થિર વિકાસ માટે, બાળકો અને કુટુંબના સંરક્ષણ માટે અને વાસનાનાં અમર્યાદિત સ્ખલનો અટકાવવા માટે રૂઢિબદ્ધ બની ગયેલા લગ્ને પોતાના વિરુદ્ધ અનેક ગુનાઓ ઊભા કર્યા છે. પતિપત્નીની પસંદગી, પુરુષ સ્ત્રીનાં રૂપરંગ, ન્યાત, જાત અને પ્રાન્તભેદ કે રાષ્ટ્રભેદ, સ્ત્રીપુરુષોનાં નિકટ સંમેલનો, સ્ત્રી-સ્વાતંત્ર્યની ભાવના, સહશિક્ષણ, લગ્નના સંસ્કાર કે કરારના સ્વરૂપભેદના પ્રશ્નો રૂઢિબદ્ધ લગ્નની વિરુદ્ધ આજકાલ એવો અસંતોષ ઉપજાવી રહ્યા છે. અને સામાજિક જીવનમાં એવા કરુણ પ્રસંગો સર્જી રહ્યા છે કે તેનો સ્વીકાર કર્યા વગર આપણો છૂટકો થાય એમ નથી. હિંદુસ્તાનનો જ વિચાર કરીએ તો જ્ઞાતિ બહારનાં લગ્ન, કેળવાયેલાં સ્ત્રી-પુરુષોમાં પણ બહુપત્નીત્વના થતા સ્વીકાર, છૂટાછેડા - એ સઘળા એક અગર બીજે સ્વરૂપે ગુનો કે નિંદાત્મક વ્યવહાર બની ગયેલા સંબંધો ગુનાના ઊંડાણમાં રહેલું તત્ત્વ કેવું ચળ છે તેનો આપણને ખ્યાલ આપે છે. સિનેમાની નદીઓ જ નહિ પરંતુ પર્લ બક અને એથિલ મેનીન સરખી પ્રજાઘડતરમાં ફાળો આપતી સાહિત્યસ્વામિનીઓએ પણ એક લગ્ને સંતુષ્ટતા અનુભવી નથી એ વસ્તુસ્થિતિ આવેશ રહિત, વિચારણા માગે છે. ઈચ્છા વિરુદ્ધ લગ્ન થયાં હોય તો શું કરવું? લગ્ન પછી સ્વભાવમેળ મળતો ન હોય તો શો માર્ગ લેવો ? અતિ નિકટતામાંથી ઉદ્દભવતા પ્રેમપ્રસંગોને વ્યભિચારની કક્ષામાં મૂકી સજાપાત્ર ગણવા કે કેમ? આ સભ્ય સમાજમાં ઢંકાઈ જતા કે ઓપ પામતા સંબંધ પ્રકારો સાધન રહિત ગરીબ અને ઊતરતી કહેવાતી કોમોમાં ગુના બની અદાલતોમાં ઊકલ્યે જાય છે. અને કંઈક મારામારીઓ, ખૂન અને અપહરણની પાછળ રૂઢિબદ્ધ લગ્નની વિસંગતતા જ કારણભૂત હોય છે.

છતાં લગ્નનો સ્વીકૃત કાયદો જ્યાં સુધી બદલાય નહિ ત્યાં સુધી એ સઘળા પ્રદેશોમાંથી ગુનાઓ થવાના ચાલુ જ રહેવાના. અણગમતા પતિને ઘેર જઈને રહેવાની ફરજ હિંદની અનેક અદાલતો હજી પણ પાડે છે એ આપણું અજાણ્યું નથી.

ખાનગી મિલકત પણ બહુ જ વિકૃત સ્વરૂપ ધારણ કરી રહી છે. અપંગ, નિરાધાર વ્યક્તિઓને પોષણ આપવાની નૈતિક ફરજ સમાજની છે. ગૃહસ્થને બારણે આવેલો માણસ ખાલી હાથે ન જાય એ કુલીનતાનું ધોરણ હતું. આજ ભીખ માગનારને સજા કરવા માટે આપણી કુલીનતા તત્પર થાય છે. ભિખારીઓ અને માગણોએ હિંદનું સત્યાનાશ વાળ્યું એમ આપણું દેશાભિમાન અને અર્થશાસ્ત્ર પોકારીને કહે છે. પરંતુ આપણી કુલીનતા આપણું દેશાભિમાન, આપણું અર્થશાસ્ત્ર નથી ભીખ આપતું, નથી કામ આપતું કે નથી પોષણની બીજી સગવડ કરતું. જન્મે તેને જીવવાનો હક છે - વ્યક્તિગત રીતે તેમ જ સામાજિક રીતે. ભૂખે મરતો. ભિખારી દાન ન આપનાર ગૃહસ્થને ઓટલેથી છત્રી કે લોટો ચોરી ન જાય તો બીજું શું કરે ? માનવીને કામ ન મળે, ખોરાક ન મળે, આરામ ન મળે; એને કામ, ખોરાક તથા આરામ ખાનગી મિલકત માત્ર ખાઈ જતી હોય તો ભૂખે મરતા માણસે કોઈ પણ રીતે ભૂખને સંતોષવી જ એ તેનો જીવનધર્મ બની જાય છે - પછી એને છેતરપિંડી કહો, ચોરી કહો કે લૂંટ કહો.

આનો અર્થ રખે કોઈ એવો કરે કે ચોરી, વ્યભિચાર, નાસ્તિકતા કે રાજદ્રોહનો સીધો પક્ષ - અકારણ - અત્રે કરવામાં આવે છે. પ્રત્યેક સંજોગમાં એવા ગુના ક્ષમ્ય કે અનિવાર્ય હોય છે એમ માનવાની જરૂર નથી. પરંતુ એટલું તો ખરું જ કે કોઈ પણ ગુનો ક્ષમ્ય કે અનિવાર્ય ગણાઈ શકે એમ ન હોય ત્યાં આખી સમાજરચનાના પાયામાં લૂણો લાગ્યો છે એમ કહેવામાં હરકત નથી. અને એ લૂણો કાં તો નીકળી જાય અગર આખો સમાજ ગુનેગારોનો બની જાય એ સિવાય એનું બીજું કશું પરિણામ આવી શકે એમ નથી.

આમ એક દૃષ્ટિએ સમાજની ઘટના - અગર ઘટનાની ખામી ગુનાને શક્ય બનાવે છે, અને તેથી જ ગુના પ્રત્યેનું આખું વર્તમાન દૃષ્ટિબિંદુ વધારે માણસાઈભર્યું અને ગુના પ્રત્યે શિક્ષાના સ્વરૂપમાં વધારે સુંવાળું બનતું જાય છે. અલબત્ત ગુનેગારના પ્રશ્નનું અંતિમ નિરાકરણ આવી શક્યું નથી. અને જૂના ગુનાને બદલે નવા ગુના જન્મવાની શક્યતા હજુ દૂર થઈ નથી. રાજ્ય, ધન, લગ્ન અને મિલકતની ભાવનામાં થતાં પરિવર્તનો ગુનાના સ્વરૂપમાં અને ગુનાને અંગે થતી શિક્ષાના સંબંધમાં પરિવર્તન કરતાં જ રહેશે. રાજ્યસત્તા એક જ વ્યકિતના હાથમાં રહેવી જોઈએ એવું જ સમાજ સ્વીકારે તો એ સત્તામાં ભાગ પાડવાનું કહેનાર રાજદ્રોહી મનાય. પ્રજાના હાથમાં સત્તા રહેવી જોઈએ એમ સમાજની માન્યતા થાય ત્યારે વ્યક્તિગત રાજા પણ ફાંસી કે દેશનિકાલને પાત્ર છે. ઈંગ્લેન્ડનો પહેલો ચાર્લ્સ અને જર્મનીનો છેલ્લો કૈસર કે રશિયાનો ઝાર આ પરિવર્તનના દૃષ્ટાન્ત રૂપ છે.

અનીશ્વરવાદી હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહ્લાદ ઈશ્વરવાદી હોવાથી ધગધગતા લોહસ્તંભે બઝાડવાની શિક્ષાને પાત્ર અપરાધી મનાયો. ઈશ્વરત્વનો વિરોધ નહિ પરંતુ માત્ર માન્યતાની ફેરફારીઓ કેવી વિકટ પરિસ્થિતિ ઊભી કરે છે તે હિંદુસ્તાનના હિન્દુ-મુસ્લિમ ઝઘડા ઉપરથી આપણને જણાઈ આવે એમ છે. તોફાન, દંગા, ખૂન અને અગ્નિસંચાર જેવાં કૃત્યો ધર્મવિરોધને પરિણામે દેખા દે છે. રશિયામાં ધાર્મિકતા માત્રને તીખી નજરે જોવામાં આવે છે. આમ ધર્મના અંગે થતા ગુનાની સ્થિતિ છે.

લગ્નનો જ અસ્વીકાર થાય તો વ્યભિચાર અને તેની આસપાસ વીંટળાયેલા અનેક ગુનાઓનું અસ્તિત્વ જ મટી જાય. પરંતુ અલગ્ન સંબંધને બાળકો પ્રીત્યર્થે માન્ય રાખવાના યુરોપ અને ખાસ કરીને રશિયાના પ્રયાસ છતાં એ સંબંધ હજી જગતસ્વીકાર પામી શક્યો નથી. અને બટ્રૉન્ડ રસેલ જેવા વિચારકો વિવિધ લગ્નપ્રયોગો કરે છે છતાં લગ્નની સામે એવું એક પણ અલગ્ન સ્વરૂપ હજી મુકાયું નથી કે જે સમાજનો સ્વીકાર પામે અને નવી મુશ્કેલીઓ ઊભી ન કરે. હેવલૉક એલીસ જેવા જાતીય શાસ્ત્રના સમર્થ ચિંતકે પણ કહ્યું છે કે 'જૂની પ્રથા પ્રમાણે મારું લગ્નજીવન ઘડાયું હોત તો કદાચ હાલ છું એના કરતાં હું વધારે સુખી હોત.'

પ્રત્યેક માણસ બીજાને ઓટલેથી વસ્તુ લઈ જાય. કે ઘર ફોડીને ધન લઈ જાય તો પણ તેને પ્રતિષ્ઠિત કાર્ય ગણવું એવું કહેવાનો પણ આશય મિલકત વિરુદ્ધની ટીકાનો કોઈ ન જ સમજે. કાર્લ માર્ક્સે ખાનગી મિલકત દ્વારા થયેલા માનવવિકાસનું કવિત્વમય વર્ણન કર્યું છે. અને ખાનગી મિલકતનો વિરોધ કરવા છતાં રશિયાને એ સંસ્થાનાં કૈંક સ્વરૂપો કાયમ રાખવાં પડ્યાં છે એ પણ આપણે જાણીએ છીએ.

પ્રશ્ન એ છે કે સમાજના ઘડતરમાં રહેલાં તત્ત્વો ગુનાને શક્ય બનાવે છે; કારણ એ પાયા અચલ નથી. ગુનો એ સમાજને કોઈ પણ ખૂણે રહેલી ખામીનું પ્રતિબિંબ છે. ગુનેગારો એ ખામીના ઘણે અંશે ભોગરૂપ જ છે અને તેમને ભોગ બનાવનાર વ્યક્તિ અને વ્યવસ્થાને શિક્ષા કરવાનો વિચાર બાજુએ જ રહી જાય છે. દારૂથી જાહેરમાં તોફાન કરતાં કંઈક અભણ, ગરીબ અને નીચી કક્ષાના લોકો ગુનેગાર ગણાઈ સજા પામે છે. દારૂ પી ક્લબમાં કે ઘરમાં બેસવાની સગવડ ધરાવનાર મિજાનસર દારૂ પીવામાં હરકત નથી એવો છડેચોક બોધ કરનાર અને દારૂ પીવામાં અને તેને જીરવવામાં મહાન બહાદુરી રહેલી છે એવું જાહેર કરનાર સદ્દગૃહસ્થો ગરીબ મદ્યપીઓના ગુના માટે કેટલા જવાબદાર છે એની આપણે ખૂબ વિચાર કરવો જોઈએ.

આમ પરિસ્થિતિ ગુના ઉપજાવે છે, ચલાવી લેવાની વૃત્તિ ગુના ઉપજાવે છે અને ગુનેગાર ન ગણાતા અસંખ્ય ખાનદાન અને ઊજળા દેખાતા ગૃહસ્થોની વૃત્તિઓ આ ગુનાઓને ઉઘાડા સ્વરૂપમાં સમાજ સમક્ષ મૂકે છે. આખી ખાનગી મિલકતની ભાવના સંગ્રહ, કૃપણતા, લાંચ, લોભ, સ્વાર્થ અને વેચાણની ભાવનાને જીવંત રાખે છે. સમાજ એ ભાવનાને ચલાવી લે છે. એને લઈને ગુનાઈત વૃત્તિ સર્વ હૃદયમાં ઘર કરે છે અને પરિણામ લગભગ એ જ આવે છે કે ગુનાનો ન્યાય તોળતો ન્યાયાધીશ ગુનેગારની પરિસ્થિતિમાં મુકાયો હોય તો તે ગુનેગાર જેવો જ અપરાધ કર્યા વગર ચૂકે નહિ.