હૃદયવિભૂતિ/આપણા ગુનેગારો/પ્રકરણ ૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૪ હૃદયવિભૂતિ
પ્રકરણ ૫
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૬ →
રિવાજથી, ટેવથી કે પૂર્વ સંસ્કારોથી ગુનાઈત ગણાતી કોમો સંબંધી આપણે સહેજ વધારે વિસ્તાર એ અકરીને નમૂના તરીકે ગુજરાતમાં જ સારી રીતે જાણીતી થયેલી કોળી જાતમાં એવા ગુનેગારોનાં લક્ષણો તારવી કાઢીએ.

ગુજરાતમાં નિવાસ કરી રહેલી બારિયા, વાઘરી, ઠાકરડા, ધારાળા, કોળી, મિયાણા, વાઘેર, કાઠી વગેરે કોમનાં નામો આ પ્રસંગે આપણને સહજ યાદ આવે. એ ઉપરાંત હિંદભરમાં એવી અનેક કોમો પથરાયેલી છે કે જે એક જગાએ પોતાનું સ્થાન રાખે અને પરદેશમાં જઈ ગુના કરી પાછી પોતાને સ્થાને આવી જાય. કેટલીક જાતોને પોતાનું નિવાસસ્થાન હોતું જ નથી, તે હિંદભરમાં ભટકતી જ રહે છે. ગુજરાતની બહાર નજર નાખી આખા મુંબઈ ઇલાકાને આપણે દૃષ્ટિમર્યાદામાં લઈએ તો સહજ જણાઈ આવશે કે આવી ગુનાઈત કોમો ગુનાશોધનની દૃષ્ટિએ

૧ વણઝારા

ર બેડર

૩ ભામટા (જેમને જુદેજુદે સ્થળે અને જુદેદે પ્રસંગે ઘંટીચોર, ઊચળિયા, ખિસ્સાકાતરુ વગેરે નામે ઓળખવામાં આવે છે તે)

૪ રજપૂત. ભામટા

૫ ભીલ

૬ છપરબંદ

૭ કકાડી (જેમને પોરવા અને પોમચા તરીકે ઓળખવામાં આવે છે તે)

૮ કાતકરી અગર કાથુડિયા

૯ કોળી (જેમાં મહાદેવ કોળી અને ગુજરાતી કોળી એમ બે જાતોનો સમાવેશ થાય છે તે)

૧૦ માંગ

૧૧ માંગ-ગારૂડી

૧૨ મિયાણા ૧૩ પારધી

૧૪ રામોશી,

૧૫ વાઘરી

૧૬ વાધેર

જેવી કોમોમાં વહેંચાઈ ગયેલી હોય છે. આ તો મુંબઈ ઇલાકામાં નિવાસ કરી રહેલી જાતોની વાત થઈ, પરંતુ ઇલાકાની બહાર વસતી કેટલીક ગુનાઈત કોમો મુંબઈ ઇલાકામાં આવી અનેક ગુનાઓ કરી જાય છે. એમાં નીચેની જાતો મુખ્યત્વે આગળ તરી આવે છે –

૧ બાવરી (જેમાં વધક અને મોધિયાનો સમાવેશ થાય છે તે)

૨ મારવાડી અને ગુજરાતી બાવરી

૩ ઊજળા મીણા

૪ મેલા મીણા

૫ અવધિયા (જેમને અવધવાસી તરીકે પણ ઓળખવામાં આવે છે તે)

૬ પઠાણ (જેમાં રોહિલા, કાબૂલી, પેશાવરી, ખાન, અફઘાન, પશ્તુત્ની અને કંદહારી કોમોનો સમાવેશ થાય છે તે)

૭ શાનસી અગર બેરિયા (જેમને નીચેનાં નામે પણ ઓળખવામાં આવે છે - ૧. શાન્સ કંજર, ૨. અઘોડિયા, ૩. પોપટ, ૪. ઘાઘરિયા, ૫. ઘાઘરાપલ્ટણ, ૬. હાડકૂટિયા, ૭. છારા, ૮. ગીધિયા, ૯. ભામટા, ૧૦. ભંટુડા, ૧૧. કંજરબેડિયા, ૧૨. પોમલા, ૧૩. બાઘોડિયા વગેરે.)

આ ગુનેગારોમાં વળી હિંદુ ધર્મ પાળનારા હોય છે, અને મુસલમાન ધર્મ પાળનારા હોય છે. હિંદુઓમાં વળી અસ્પૃશ્ય ગુનેગારો પણ માંગ અને ડોમ જેવા મળી આવે છે. કેટલીક જાતો ઘરફોડ ચોરી અને લૂંટનો જ ધંધો કરે છે. મીણા, બાવરી, પારધી, અવધિયા, માંગગાડી, વણઝારા, કંજર, શાન્તી હરણી વગેરે કોમો ઘરફોડ ચોરી અને લૂંટમાં પ્રવીણ હોય છે. ભરવાડ, ચંદ્રવેદી અને ભામટા જેવી કોમો ચોરી અને છેતરપિંડીના ગુના પણ કરે છે. છપરબંદ એક મુસલમાન કોમ છે, જે ખોટા સિક્કા પાડવાનું જ કામ કરે છે. ઉપરાંત ઝેર આપવામાં નિષ્ણાત કોમો પણ હોય છે.

આ ગુનાઈત કોમોમાંથી એક જ કોમ વિષે આપણે થોડી માહિતી જોઈશું તો તેમાંથી તેમનાં રહેઠાણ, તેમની મુસાફરીઓ, તેમના ગુનાના પ્રકાર, તેમનાં ઓજારો, તેમની ભાષા અને તેમના ઇતિહાસ વિષે આપણને કાંઈક માહિતી મળશે અને ઉપર દર્શાવેલા સિદ્ધાંતોમાંના કેટલા તે કોમોના જીવનમાં સ્પષ્ટ થાય છે એનો પણ આપણને સાચો ખ્યાલ આવશે.

એ અર્થે આપણી નજીકના કોળીઓનો પરિચય સાધીએ. કોળીના બે પ્રકાર આપણે ગણાવ્યા. એક મહાદેવ કોળી જે દક્ષિણમાં મળે છે તે, અને બીજા ગુજરાતી કોળી. ગુજરાતના બધા જ કોળી ગુનેગાર કોમમાં ગણાતા નથી. સુરત, નવસારી અને વલસાડ બાજુના કિનારા ઉપર વસતાં કોળી સુધરેલા, વહાણવટું કરતા, આફ્રિકામાં વેપાર ખેડતા અગર હિંદુસ્તાનમાં રેલ્વે તથા પુલના બાંધકામમાં રોકાતા કારીગરો છે; ખેતી પણ તેમનો ધંધો છે. કાઠિયાવાડના કાંઠાના કોળી અને ગુજરાતના કાંઠાના કોળી વચ્ચે જૂનો સંબંધ હોય એમ લાગે છે. નવસારી પાસેના વાંસીબોરસી બંદરમાં કોળી સાહસિકોના શૌર્યનો ઇતિહાસ પણ સમાયલો છે. કેટલાક કોળી ભણીગણી સરકારી નોકરીઓમાં પણ દાખલ થયેલા જોવામાં આવે છે. એ કાંઠાના કોળી ગુનાઈત જાત નથી. તેમની સ્ત્રીઓ ઘણી સોહામણી હોય છે અને તેમના પહેરવેશ અને સ્વચ્છતા ધ્યાન ખેંચે એવાં હોય છે. તેમના વહાણવટામાં ગુજરાતના સાહસનો સમય ઇતિહાસ સમાયો છે. હજી પણ કચ્છ, કાઠિયાવાડ, મલબાર, લંકા, જંગબાર અને ઇરાન સુધી દેશી ઢબનાં વહાણોમાં દરિયો ખેડનાર કોળીઓ સારા પ્રમાણમાં મળી આવે છે. 'અબામણી'ના નામથી ઓળખાતાં તેમનાં ગીતોનો સંગ્રહ કરવા સરખો છે. એ ગીતોમાં તેમના ખલાસીજીવનનું બહુ સારા પ્રમાણમાં દર્શન થાય છે. નવું શિક્ષણ એ ગીતોને વિસારે પાડે તે પહેલાં એ ગીતો સંગ્રહાય અને છપાઈ જાય તો આપણા ગુજરાતની સાહિત્યસમૃદ્ધિનો એક પ્રકાર સચવાઈ રહે.

અહીં તો આપણે ગુનેગાર ગણાતા ગુજરાતી કોળીનો વિચાર કરીએ. એ કોમ ચાર વિભાગમાં વહેંચાયેલી છે -

૧ ચુંવાળિયા - જાઘડિયા કોળી.
૨ ખાંટ કોળી - એટલે સરહદ ઉપર વસનારા.
૩ પાટણવાડિયા અગર અણહિલપુર કોળી. એમને કહોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. સંભવ છે કે કુહાડા જેવી કઠોરતા. તેમનામાં હોવાના ખ્યાલે તેમને આ નામ આપ્યું હોય.
૪.તળપદા કોળી અગર ધારાળા અગર ઠાકરડા, ધારાળા નામ તેમનાં ધારદાર હથિયારોને લઈને પડેલું હોય એમ લાગે છે.

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કાઠિયાવાડમાં તેમની ભારે વસ્તી છે. ચુંવાળિયા કોળી અમદાવાદ, કાઠિયાવાડ અને વડોદરા રાજ્યના ઉત્તર પ્રદેશમાં મોટે ભાગે વસેલા છે. ખાંટ કોળી ગુજરાતની ઈશાન સરહદ ઉપર અને કંઈક અંશે કાઠિયાવાડમાં વસેલા હોય છે. પાટણવાડિયા મધ્ય ગુજરાતમાં - ખાસ કરીને ખેડા જિલ્લામાં રહે છે. તળપદા કોળી આખા ગુજરાત ઉપર વસેલા છે - જોકે અમદાવાદ, ખેડા અને વડોદરાની આસપાસ તેમની વધારે વસ્તી છે.

કોળી ભટકતી જાત તરીકે ઓળખાતી નથી - જોકે મજૂરીની શોધમાં તેઓએ શહેરમાં વસવાટ કરેલો છે અને દક્ષિણે મદ્રાસ અને ઉત્તરે સિંધ સુધી કેટલીક કોળી વ્યક્તિઓ મળી આવે છે.

કોળી લોકો મોટે ભાગે ગુના અર્થે પોતાના ગામથી ઘણે દૂર જતા નથી એટલે તેમનાં ગુનાઈત કાર્યો ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશમાં જ સમાઈ જાય છે. અલબત્ત રતલામ અગર બી. બી. સી. આઈ. રેલ્વે ઉપર આવેલાં મોટાં શહેરો કે માળવાની સરહદ સુધી તેઓ પહોંચી જાય છે, છતાં મોટે ભાગે પોતાના ગામથી ૩૦-૪૦ માઈલના ગોળાવાથી બહાર તેઓ ભાગ્યે જ જાય છે.

અમુક મોસમમાં જ ગુનાઈત કાર્યો કરવાં એવી કેટલીક કોમોનો રિવાજ તેમનામાં નથી. ગુજરાતની એક કહેવત છે : આવી હોળી અને પરવાર્યો કોળી. હોળી પહેલાં ખેતીના અંગની મજૂરીમાં મુખ્યત્વે તેમનો સમય રોકાય. પછીથી ચોમાસું આવતા લગીની નવરાશ કોળી લોકોને હરવાફરવાની અને ગુના કરવાની છૂટ સ્વાભાવિક રીતે જ આપતી હોવાથી આ કહેવત પડી લાગે છે. તોપણ નિયમિત રીતે ચોરીચખારી માટે નીકળવું જ જોઈએ એવું તેમનામાં નથી. તેઓ ચોરી તથા લૂંટનો ભાગ શોધતા રહે છે, તક મળતાં ચોરી કે લૂંટ કરે છે અને પાછા પોતાને ગામ ચાલ્યા આવે છે. આવાં કાર્યોમાં તેઓ આખા કુટુંબકબીલાને સાથે લઈ જતા નથી; બહાર નીકળ્યા પછી પોતાના મિત્રોને ત્યાં, એકાંત ધર્મશાળામાં કે મંદિરમાં અગર ગામથી દૂર ઝાડની છાયા નીચે તેઓ પડી રહે છે અને પોતાને વટેમાર્ગુ તરીકે ઓળખાવે છે. ગુજરાતભરમાં તેમની વસ્તી લગભગ પંદરેક લાખ ઉપરાંતની હોવાનો સંભવ છે.

આપણું જીવન અને આપણી ભૂગોળ આપણા બાહ્ય દેખાવને ઘડે છે. એ બંનેની વિશિષ્ટતા કોમોના દેખાવને પણ વિશિષ્ટતા આપે છે. તળપદા કોળી વધારે સુધરેલા હોય છે અને તેમની રીતભાત તથા દેખાવ પાટીદાર અને રજપૂત કોમને મળતાં આવે છે. સામાન્યતઃ તેમનો દેખાવ સારો, બાંધો મજબૂત. અને તેમની ઊંચાઈ સારી હોય છે. તેઓ બહુ ઉડાઉ હોતા નથી અને તેમાં કેટલાક તો સારી સ્થિતિના હોય છે. તળપદી કોળણ મજબૂત છતાં નાજુક દેખાય છે, તેનું મુખ જોવું ગમે એવું હોય છે અને કેટલીક તળપદી કોળણો તો રૂપાળી પણ હોય છે.

ચુંવાળિયા કોળીમાં ભીલને મળતા ગુણ અને મુખઘાટ જોવામાં આવે છે. એક સમયે ચુંવાળિયા કોળી ટોળાબંધ વ્યવસ્થિત લૂંટનો ધંધો કરતા હતા. અને આખા ગુજરાતમાં તેમનો ભય વ્યાપક હતો. હજી પણ ચુંવાળિયા કોળીમાં તોફાની સ્વભાવ અને ગુનાઈત ટેવો જોવામાં આવે છે. આ જાતના લોકોનું કદ ઊંચું હોય છે, તેમનો બાંધો મજબૂત હોય છે, તેમનામાં એક પ્રકારનું ચાપલ્ય અને કઠણાશ જોવામાં આવે છે.

ખાંટ કોળી હજી જંગલી - પ્રાથમિક દશામાં જોવામાં આવે છે. દેખાવ અને રહેણીકરણીમાં તેમની અને ભીલની વચ્ચે બહુ જ ઓછો તફાવત હોય છે. તેમના આગેવાનોમાં સારા દેખાવ મળી આવે છે, પરંતુ સામાન્યતઃ ખાંટ કોળી કદરૂપા હોય છે. તેમનો રંગ કાળો અને તેમનો દેહ બહુ મજબૂત હોય છે. કોમ તરીકે ચોરી કરવામાં તેમને સારો રસ રહે છે.

પાટણવાડિયા કોળી પણ રંગે કાળા, શરીરે ખૂબ મજબૂત, મિજાજી અને ભારે હિંમતવાળા હોય છે. વાઘરી અને ભીલ જેવી કોમ સાથે તેમનું વધારે મળતાપણું દેખાઈ આવે છે. ઓગણીસમી સદીમાં પાટણવાડિયાઓની ગણના મહાક્રૂર લૂંટારા તરીકે થતી હતી. એ પણ સાથે સાથે નોંધવું જોઈએ કે વિશ્વાસપૂર્વક તેમને સોંપેલાં કામમાં તેઓ પ્રામાણિક અને અડગ રહે છે.

સામાન્યતઃ કોળી એક વર્ગ તરીકે હિંમતબાજ, કુનેહબાજ, ખારીલો, ક્રૂર, કષ્ટ અને થાક સહન કરવાની ભારે શક્તિવાળો, ચપળ, ઉડાઉ અને આળસુ મનાય છે - જોકે એ વર્ગમાં પણ કેટલીક આબાદ અને શાન્તિપ્રિય વ્યક્તિઓ નથી હોતી એમ કહેવાય નહિ. | ગુજરાતના ગરીબ વર્ગને મળતો આવે એવો પોશાક એ સામાન્યત; કોળીનો પોશાક. માથે ધોળું કે રંગીન ફાળિયું, દેહ ઉપર હાથ-કાપિયું કે બંડી, કમરે ધોતી અને પગે જૂની ઢબના જોડા એ તેમનો સામાન્ય પોશાક હોય છે, કોઈ વાર તેઓ અંગરખાં પણ પહેરે છે. કાઠિયાવાડ, પાલનપુર અને ચૂંવાળમાં તેઓ સુંથણાં પણ પહેરે છે અને વખતે ગરાશિયાઓની માફક કમરે ભેટ પણ બાંધે છે. કદી કદી તેમાં દાઢી ઉગાડનાર પુરુષો પણ મળી આવે છે. તેમને માંસ ખાવાનો બાધ હોતો નથી. પરંતુ હિંદુ તરીકે ગૌમાંસ તેમનામાં તદ્દન નિષિદ્ધ છે. સ્ત્રી અને પુરુષ બંને દારૂ પીએ છે અને બીડી પીવાનો પણ તેમનામાં ભારે શોખ હોય છે. અફીણની ટેવ તેમનામાં ઓછી થવા માંડી છે. કોળી સ્ત્રીઓ ઘાઘરો, ચોળી અને સાલ્લો પહેરે છે; ઘરેણામાં મોટે ભાગે ચાંદીની હાંસડી, કાને લટકણિયાં, કાચની બંગડીઓ. ચાંદીનાં કલ્લાં અને જોટવાંનો ઉપયોગ સ્ત્રીઓમાં કરવામાં આવે છે.

કોળી દેખીતી રીતે ખેતી અને મજૂરીનો ધંધો કરે છે. ઘણીવાર રખેવાળ કે પગી તરીકે તેઓ નોકરી પણ કરે છે. આંબામહુડાની સાચવણીનું કામ પણ તેઓ કરે છે. ભાડે ગાડાં ફેરવવાં, લાકડાં વેચવાં, મિલમાં મજૂર તરીકે કામ કરવું વગેરે કામોમાં પણ તેઓ જોડાય છે. સુરત, નવસારી બાજુના કોળી મત્સ્યવ્યવસાયમાં પડેલા હોય છે કે ખલાસી તરીકે કામ કરતા હોય છે.

વેશપલટો કરવો હોય ત્યારે કોળી લોકો રજપૂત, ઠાકોર, બારોટ કે પાટીદારનો સ્વાંગ ધારણ કરે છે. કદી કદી નાનકશાહી સાધુ અગર બ્રાહ્મણનો વેશ પણ ધારણ કરે છે. પરંતુ તેમનું ધાર્મિક અજ્ઞાન તેમના એ વેશપલટામાં તેમને પૂરા સફળ થવા દેતું નથી. ગુનો કરતી વખતે તેઓ માત્ર લંગોટી પહેરે છે, મોં ઉપર બુકાની બાંધે છે અને જાનવરોના વાળની બનાવટી દાઢીમૂછથી પોતાના મુખને ઢાંકી દે છે.

કવિ દલપતરામે પણ
કોળી, નાળીનો ભય ટાળી'

એમ કહી ગુનાના ઇતિહાસમાં એ કોમનું મહત્ત્વ વર્ણવ્યું છે. ૧૮૨૫માં બિશપ હરબર્ટ નામના એક લેખકે કોળીઓને મહા તોફાની અને લૂંટારુ જાત તરીકે ઓળખાવ્યા છે. સને ૧૮૩૨નો પણ એક ઉલ્લેખ છે, જેમાં નોંધ થયેલી છે કે પચાસથી બસો માણસો સુધી કોળીઓનાં મજબૂત ટોળાં ખેડા જિલ્લાના ધોરી રસ્તા ઉપર લૂંટ કરતાં હતાં. સને ૧૮૫૭માં કોળી લોકોએ બળવો કરવાનાં બધાં જ ચિહ્નો દર્શાવ્યાં હતાં, પરંતુ બ્રિટિશ તેમ જ ગાયકવાડ સરકારે તોફાની માણસોને દાબી દેઈ બળવા સાથે જોડાઈ જતાં તેમને અટકાવ્યા હતા. જાંબુઘોડાવાળા રૂપા નાયકનું બંડ હજી સુધી પંચમહાલ અને સંખેડા-મહેવાસમાં લોકકથાના વિષય તરીકે પ્રસિદ્ધ છે. બ્રિટિશ હકૂમતમાં કોળી લોકો વધારે શાન્ત પડી ગયા છે એ ખરું; છતાં વંશપરંપરાનો લૂંટનો તેમનો શોખ નિર્મૂળ થયો છે એમ કહેવાય નહિ. આજ પણ એક કોમ તરીકે કોળી લોકો ગુનાઓ કરવા ટેવાયેલા હોય છે. લૂંટ કરવી, ધાડ પાડવી, ઘરફોડ ચોરી કરવી, ઢોર વાળવા, પાક લઈ જવો, આગ લગાડવી, રેલ્વે ટ્રેનમાંથી માલ ચોરવો, મારામારી કરવી, ખૂન કરવાં વગેરે ગુનાઓમાં કોળી લોકો સંડોવાયલા જ માલૂમ પડે છે. ખેડા જિલ્લાના કેટલાક કોળી મારા તરીકે ભાડૂતી ખૂનીનું પણ કામ કરે છે. વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલો બહારવટિયો બાબર દેવા ખેડા જિલ્લાનો જ હતો. દારૂ ગાળવો, ભય પમાડી પૈસા કઢાવવા, ઢોર ઊંચકી જઈ તેના બદલા માગવા, અફીણની દાણચોરી કરવી વગેરે ગુનાઓમાં પણ કોળી જાત પાવરધી મનાઈ છે.

તેમનો કાર્યક્રમ પણ સમજવા જેવો હોય છે. ઘરફોડ ચોરી કરવામાં જે તે ગામના તેમના મિત્રોએ મોકલાવેલી ખબર ઉપર તેઓ ઘણો આધાર રાખે છે. પરંતુ એ આધાર ઉપરાંત નિયમિત રીતે તેઓ ચોરી માટે સારી શક્યતા ધરાવતાં મકાનો જોઈ જાય છે અને તેમને નિશાનીઓ સુધ્ધાં કરી રાખે છે. આવી તપાસ સિવાય પણ રાત્રે અનુકૂળ પડતાં ઘરોમાં તેઓ ચોરી કરે છે. ચોરી થયેલા ઘરમાં કોળી નોકર હોય તો તે પણ પોતાના ચોરમિત્રોને ઘણી હકીકત પૂરી પાડે છે. મોટે ભાગે ઘર નક્કી કરીને પહેલી રાત્રે જ કોળી ગુનેગારો ગામમાં નીકળી પડે છે, અને પોલીસની રાતફેરણી શરૂ થાય તે પહેલાં પોતાના મિત્રોના મકાનમાં અગર વસ્તી વગરનાં ખંડેરો. દહેરાં કે મસ્જિદોમાં ભરાઈ રહે છે. રાત વધે તેમ શાંતિ વધતી જાય છે, એ શાંતિમાં આ ગુનેગારોની ટોળી ડાંગો, છૂપાં હથિયાર અને ખાતરિયાં લઈ નક્કી કરેલા મકાન પાસે આવી પહોંચે છે. ટોળીનાં કેટલાક માણસો બહારની બાજુ ઊભા રહી કોઈ આવતા જતા માણસોથી સાવધ રહેવા માટે ચોકી કરે છે અને બાકીના ‘રૂમાલી’ ઢબે ભીંત કોચે છે. મોટે ભાગે ઘરની પછીત જ કોચવામાં આવે છે, કારણ ઘરનો આગલો ભાગ કોચવો એ અપશુકનિયાળ મનાય છે. સંકોચાઈને એક માણસ જઈ શકે એવું બાકું પાડ્યા પછી ગુનેગારો પોતાની ડાંગ તેમાં ફેરવી જોઈ સામી બાજુ કોઈ નથી એવી ખાતરી કરે છે, અને જરૂરિયાત પ્રમાણે એકથી ચાર સુધી માણસો બાકા દ્વારા ઘરમાં પેસે છે. તપાસ માટે ઊભા રાખેલા માણસો તપાસનું કામ કરે છે અને બાકા પાસે પણ બે-ત્રણ માણસો માલ લેવા માટે ઊભા રહે છે. ઘરમાં પ્રવેશ કરી ગયેલા માણસોમાંથી થોડા પેટીપટારા અથવા તિજોરી તોડી માલ ઉઠાવે છે, અને બાકીના ગુનેગારો ઘરમાં સૂતેલા માણસો ઉપર પહેરો ભરે છે. ઘરમાંથી કોઈ જાગી જાય અને બૂમ પાડવાનો પ્રયત્ન કરે તો તેને મારવાનો ભય અને હથિયાર દેખાડી શાંત પાડવામાં આવે છે. અનાજ કે રાંધેલા ખોરાક સિવાય જે કાંઈ વસ્તુ તેમના હાથમાં આવે તે તેઓ ઉઠાવે છે અને બારી કે બારણામાં થઈને તેઓ બહાર નીકળી જાય છે. ઘરની બહાર પગલાં ઓળખાય નહિ એટલા માટે થોડેક સુધી આ ગુનેગારો પગનાં આંગળા ઉપર ચાલે છે. પોતાના ગામની નજીકના ગામમાં આવી ચોરી કરી હોય તો પોતાનાં વધારાનાં કપડાં, પહેરેલા જોડા વગેરે ગામની બહાર નાખી પોતાની ટોળીના એક માણસને તે સોંપે છે અને ચોરી કર્યા પછી એ જ જગાએ આવી કપડાં પહેરીને પોતાને ગામ ચાલ્યા જાય છે. આને લીધે તેમનું પગેરું પકડવું મુશ્કેલ થઈ પડે છે.

પાડેલું બાકું સામાન્યતઃ મોટું હોય છે. જ્યાં ભીંત કોચવાનું શક્ય ન હોય ત્યાં કોળી લોકો અગાસી ઉપર અગર છેક ઉપરને માથે ચઢી જાય છે, મિજાગરામાંથી બારણાં ખસેડી નાખે છે. નાની બારીઓ તોડી નાખે છે અગર છાપરાનાં નળિયાં ખસેડી ઘરમાં પ્રવેશ કરે છે.

પાલનપુર, રાધનપુર, પાટણ અને ચરોતરના કોળી સિવાય બીજા કોળીઓ વ્યવસ્થિત રીતે લૂંટનો ધંધો કરતા નથી. ગુજરાતના કોળી ધાડપાડુ અને લૂંટારાનાં વંશપરંપરાગત તત્ત્વો રહેલાં હોય છે. આખી ટોળી રસ્તા ઉપર લાગ જોઈને બેઠેલી હોય છે. કોની અને શાની લૂંટ કરવાની છે તે પ્રથમથી તેમણે નક્કી કરેલું હોય છે અને જેની લૂંટ કરવાની હોય તેની સાથે વગર પરખાયે ટોળીનો એક માણસ સંબંધ રાખતો જ હોય છે. એ માણસ ટોળીને વખતસર બધી ખબર આપે છે. નિશાની થતાં બરોબર સંતાઈ રહેલું ટોળું બહાર પડે છે અને ગાડી, ગાડું કે માણસોનું ટોળું જે હોય તેને રોકી તેમની પાસે મૂકેલાં કે તેમના શરીર ઉપરનાં ઘરેણાં અને કિંમતી વસ્તુઓ બળજબરીથી પડાવી લે છે. સામા થનારને નિર્દયપણે માર પણ મારવામાં આવે છે અને જરૂર પડ્યે સ્ત્રી ઉપર પણ હાથ ઉગામતાં તેઓ પાછું વાળી જોતાં નથી; આવા લૂંટના પ્રસંગે મહાવ્યથા અને ખૂન પણ કરવામાં આવે છે.

ઢોર વાળવાં અને ઊભો પાક ચોરવો, એ બંને ગુનામાં કોળી લોકો પ્રવીણ હોય છે. બનતાં સુધી ગાયને તેઓ ચોરતા નથી, જોકે પાટણવાડિયા ગાયને પણ લઈ જાય છે. ભેંશ, બળદ અને ઘોડા તેમને સ્થાનેથી અગર ચાલતે ગાડે તેઓ લઈ જાય છે, ઘણે દૂર હાંકી જાય છે અને બદલાની રકમ ન મળે તો એ જાનવરોને તેઓ વેચી મારે છે.

ગુડ્ઝ ટ્રેનમાં ચોરી કરવાની આ લોકોની શક્તિ પણ આશ્ચર્યજનક હોય છે. ગાડીઓના શન્ટિંગમાં અને સાંધાવાળા તરીકે નોકરીઓમાં રહેલા કોળી લોકોને તેમજ તેમનાં સગાંવહાલાંને રેલ્વે ગાડીઓની સારી માહિતી હોય છે અને તે માહિતીઓનો પૂરો ઉપયોગ તેઓ કરી લે છે. ચાલતી ગાડીએ ચડવાની અને ચાલતી ગાડીએ ઊતરવાની તેમની સિફત અને હિંમત પણ આશ્ચર્યજનક હોય છે. રાત્રે જતી પેસેન્જરના તેમ જ માલગાડીઓના ડબ્બા તેઓ જોઈ રાખે છે અને સ્ટેશનથી દૂર નીકળીને ચાલતી ગાડીએ નક્કી કરેલા ડબ્બાના પગથિયા ઉપર તેઓ આબાદ ચડી જાય છે અને બારણાને તાળું વાસ્યું હોય તોપણ બારણું તોડી ડબ્બામાં પ્રવેશ કરી નક્કી કરેલી જગાએ માલ ગબડાવી સ્ટેશન નજીક ગાડી ધીમી પડતાં અગર તો વાંક કે ચઢાવ ઉપર ગાડી જતાં તે કુશળતાપૂર્વક ઊતરી પડે છે. ચાલતી ગાડીના ધબકારામાં બારણું તોડવાનો ખડખડાટ કોઈને કાને પડતો નથી એટલે તેમનું કામ સરળ બને છે. કેટલીક માલગાડીઓના ડબ્બા ખુલ્લા પણ હોય છે અને ડબ્બાને સાંધનારા આંકડાઓ ઉપર પણ સ્ટેશન ઉપરનું અંધારું અને લાંબી ગાડીનો લાભ લઈ આ લોકો વળગી રહે છે. ગાડી ચાલવા માંડે એટલે ડબ્બામાં ચઢી આ લોકો થેલા અગર બીજો માલ બહાર ફેંકે છે અને સંતલસ પ્રમાણે ઊભા રહેલા તેમના સાથીદારો પડેલા માલને વગે કરી નાખે છે. બીડી કે ચલમ સળગાવીને પણ નીચે ઊભેલા સાથીદારો ગાડીમાં ભરાયેલા ચોરને સ્થાનનિર્દેશ કરે છે. ઢોળાવ ચડતી ગાડીઓ સામાન્યતઃ ધીમી પડે છે; ચપળ કોળીને તેના ઉપર ચડી જતાં કાંઈ પણ મુશ્કેલી પડતી નથી.

વેર અને બદલો લેવાની કિન્નાખોરી કોળીઓમાં વિકસેલી હોય છે, એટલે ઝૂંપડાં, પાક અને ઘાસની ગંજીઓ અન્યાયના બદલા તરીકે બાળવામાં તેઓ પાછા પડતા નથી. જખમ કરવા, અંગછેદન કરવાં વગેરે વ્યથાનાં કાર્યો પણ તેમનામાં સામાન્ય હોય છે. સાથે સાથે એ પણ ભૂલવાનું નથી કે કોળી લોકોને ચીંધાયલા જલિત અને વ્યથાના કેટલાય ગુનામાં વાણિયા અને પાટીદાર જેવી ઊજળી કોમના સભ્ય પરંતુ ધીટ ગુનેગારોની પ્રેરણા અને દોરવણી હોય છે. અણગમતા માણસો કે પ્રતિસ્પર્ધીઓ વિરુદ્ધ ગુનાઓ કરવા માટે કોળી ગુનેગારોને રોકવા એ પણ ગ્રામજનતાની ઉજળિયાત ગુંડાગીરીનો એક જાણીતો પ્રકાર છે.

કોળી લોકોની ટોળી બનતાં સુધી એક જ ગામના માણસોથી રચાતી નથી; જુદા જુદા ગામના માણસો તેમાં ભાગ લે છે. એટલે એ ગુનાઈત કાર્યમાં મવાસનાં કૈંક ગામો સંડોવાયેલાં હોય છે. સગપણ અને મૈત્રી તેમ જ મોટાઈ, ઈર્ષા અને દુશ્મનાવટ આવા ગામોને એકત્રિત કરવામાં ઉપયોગી ભાવ ભજે છે. ટોળીમાંથી કોઈનો સામનો થતાં મૃત્યુ થાય ત્યારે લીંબડાનાં પાદડાંનો ભૂકો અગર લીંબડાની ડાળ મૃત્યુ પામેલા માણસની ઝૂંપડીને છાપરે ધરવામાં કે મૂકવામાં આવે છે એટલે કાંઈ પણ હોહા કર્યા વગર તેના મૃત્યુની ખબર ઘરનાં માણસોને પડે છે, અને તેના કુટુંબીઓને તેના મૃત્યુની ખબર ન આપવી એવી આજ્ઞાનું પણ તેમાં સૂચન રહેલું હોય છે.

કોળીનાં હથિયાર, ઓજાર પણ ગુજરાતમાં જાણીતાં હોય છે. ગણેશિયું અગર ખાતરિયું તો તેમણે પાસે સંતાડેલું હોય જ; મિયાનવાળો છરો પણ સામાન્યતઃ તેમની કમરે બાંધેલો હોય છે જ, એટલે ગુનો કરતી વખતે તો તે કમ્મરે જ હોય. હાથમાં કડિયાળી ડાંગ, ધારિયું અગર વાંસી પણ રાખવામાં આવે છે. કાતર અગર કાતરિયું નામનું હવે ઓછા પ્રમાણમાં વપરાતું મજબૂત લાકડાનું શસ્ત્ર પણ કોળી લોકો રાખે છે. કાતરિયું અઢી ત્રણ હાથનું અર્ધ ચંદ્રકારથી સહજ ઓછું વળેલું અને ક્વચિત્ ચામડાના પટ્ટા વડે મજબૂત બનાવેલ જોવાલાયક શસ્ત્ર છે. ઑસ્ટ્રેલિયાના જાણીતા બૂમરેન્ગ નામના શસ્ત્રને એ મળતું આવે છે. જોરથી ફેંકનારને હાથે કાતરિયું ચક્કર ચક્કર ફરતું પચાસ વાર જેટલે દૂર ફેંકી શકાય છે. કાતરિયું ફેંકવામાં બહુ સારી સિફત જોઈએ છે. સિફતથી ફેકેલું કાતરિયું દોડતા કે ચાલતા માણસના પગ ભાંગી શકે છે, એટલું જ નહિ પરંતુ હરણ જેવી ચપળ જાતના દોડતા પગને ભાંગી નાખે છે, અને સસલા જેવા નાના પ્રાણીનો તો જાન પણ લઈ લે છે. કદી કદી કોળી લોકો તીરકામઠાંનો પણ ઉપયોગ કરે છે અને ચોરી કરવા જતાં કુચીઓનાં ઝૂમખાં, ખીલા, ચપ્પુ, દીવાસળીની પેટી અને મીણબત્તીના કટકા પણ રાખે છે.

ચોરી કર્યા પછી માલ સંતાડવાનું કામ પહેલું કરવાનું હોય છે. સંતાડવાની જગાઓ પણ નિશ્ચિત કરી રાખેલી હોય છે. ખુલ્લાં ખેતરો, કચરાના ઢગલા, ઘાસની ગંજી, ઝાડનાં પોલાણ અને ખાબોચિયાં કે કૂવા જેવી જગાઓ માલ સંતાડવા માટે પસંદ કરવામાં આવે છે. ઘર આગળ આ માલ સંતાડવાનો પ્રસંગ આવે ત્યારે તેને ચૂલા તળે અગર ખોડિબારા નીચે ખાડામાં દાટવામાં આવે છે. વળી પોલા વાંસ, છાપરાના મોભ કે ઢોરની ગમાણમાં પણ માલ સંતાડવામાં આવે છે.

ચોરીની તપાસ તો થાય જ. એ તપાસ ઠંડી પડે એટલે ગુપ્ત સ્થળેથી માલ કાઢી લેવામાં આવે છે અને સોની, લુહાર, પાટીદાર, ગરાસિયા, વાણિયા, વોરા તથા મેમણ ફેરિયા વેપારીઓની મારફત એ માલ વેચી દઈ તેના પૈસા ઊભા કરવામાં આવે છે. નાના મુલ્કી અને પોલીસ નોકરોનો પણ હાથ ગુનાની આખી ક્રિયામાં છેક નથી હોતો એમ પ્રત્યેક પ્રસંગે ખાતરીથી કહી શકાતું નથી. કિંમતી માલને દૂર મોકલી દેવામાં સભ્ય અને પ્રતિષ્ઠિત દેખાતા પાટીદાર, વાણિયા અને ગરાસિયાઓની પણ સહાય કોળીઓને ઠીકઠીક પ્રમાણમાં મળે છે. ચોરેલા ઘોડા, ઊંટ અને બીજા જાનવરો મેળાઓમાં અગર વખતોવખત ભરાતાં હાટ અને ગુજરીઓમાં વેચી દેવામાં આવે છે. ચોરીનાં જાનવરો ગુજરાતમાંથી સિંધ સુધી પણ વેચાવા માટે જાય છે.

ભૂત, પ્રેત અને ડાકણનો વહેમ તેમનામાં પ્રચલિત હોય છે. માતા - પછી તે મેલડી હોય, શિકોતરી હોય, રાંઘળી હોય કે કાલિકા હોય તેના ઉપર કોળી લોકોની ઘણી આસ્થા હોય છે. બકરો. પાડો વગેરે જાનવરો વધેરવામાં તેઓ માને છે. પોતાને તેઓ હિંદુ કહેવરાવે છે અને શુકન અપશુકનમાં તેઓ ખૂબ શ્રદ્ધા રાખે છે. તેમની બહાદુરી, સાહસ, કોમ અને ટોળી પ્રત્યેની વફાદારી અને મૈત્રીના ગુણ એવા તીવ્ર હોય છે કે એ ગુણો ઉપર ભાર મૂકી તેમનો સુધાર કરવાનો પ્રયત્ન થાય તો જરૂર આ કોમનું ભાવિ ઉજ્વળ અને યશસ્વી બને.

રવિશંકર મહારાજના અમૂલ્ય પ્રયત્નોની અત્રે નોંધ લીધા વગર ચાલે એમ નથી. ચરોતરનું તેમનું કાર્ય એક માર્ગસ્તંભ કહી શકાય. વડોદરા રાજ્યમાં તેમની સલાહ અને સહાય આ ગુનાઈત કોમના ઉદ્ધાર - પ્રયત્નમાં સ્વીકારાઈ છે. હાજરીમાંથી નામ કાઢી નાખી એ કોમ ઉપર વિશ્વાસ રાખી ગામના આગેવાનોને ગુના માટે જવાબદાર બનાવી જન્મસિદ્ધ ગુનેગારીની છાપ ભૂંસવાના અને અનુકૂળ કેળવણી તેમની મધ્યમાં જ લઈ જવાના વડોદરા રાજ્યના પ્રયત્નો પણ સાચી દિશામાં છે.

આવી કોમોનો નોકરી અંગે થયેલો મારો અંગત અનુભવ પણ મને તેમના ભાવિમાં આશાવાદી બનાવી રહ્યો છે. માંગરોળના શિયાળજ ગામે આગગાડીમાંથી માલ પાડવાનો પ્રકાર બનતો હતો. સાબરમતીમાં કોતરોમાં વસેલા અનોડિયા જેવા ગામમાં રહેતા તેમ જ વિજાપુરના વસાઈ, ડાભલા ગામમાં પશુવધ કરવાનો આગ્રહ રાખતા ઠાકરડાઓ અને સિદ્ધપુરના વાધણા ગામની આસપાસમાં શંકાશીલ ટેવોવાળા સામાન્ય ગુનેગાર ગણાતા વર્ગનો મને બહુ સારો પરિચય થયો હતો. ગુનો કરી ચૂકેલા કેટલાય ગુનેગારોએ મને તેમનાં સફળ કે નિષ્ફળ ગુનાઈત કાર્યો કહી સંભળાવ્યાં છે. એટલું જ નહિ, તીરકામઠાં, ભાલોડું, કાતરિયું તેમ જ ગણેશિયાનો ઉપયોગ કેમ થાય તેનો બિનગુનાઈત પદાર્થપાઠ પણ મને આપેલો છે. તેઓ ખૂબ સરસ મિત્રો બની શકે છે, સભ્યતા દર્શાવતાં ઝડપથી તેઓ આપણા બની જાય છે અને પ્રેમ તથા સાચી સહાનુભૂતિ અનુભવતાં ક્રૂર અને ખૂની મનાયલી આ કોમના કઠણહૃદયી પુરુષોની આંખમાં પણ આસુ આવી જાય છે.