હૃદયવિભૂતિ/આપણા ગુનેગારો/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૫ હૃદયવિભૂતિ
પ્રકરણ ૬
રમણલાલ દેસાઈ
૧૯૪૦


પંદર લાખની ગણાતી એક જ કોળી કોમની આ વાત થઈ. ગુનો કરનારી સ્થિર અને ભટકતી જાતોની સંખ્યાનો અંદાજ લગભગ ચાલીસ લાખનો થવા જાય છે. પ્રજાની આબાદીના શત્રુ બની બેઠેલા આ ચાલીસે લાખ માનવીઓ દેશની વ્યવસ્થાને, દોલતને અને શાન્તિને જોખમમાં નાખે છે. હિંદ હવે તો ગરીબ દેશ બની ગયો છે. ગરીબી અને પરાધીનતા ગ્રાહ્ય કરનાર પ્રજા આખી ગુનેગાર પ્રજા છે. ગુનેગારો અને ગુનો કરનારી જાતો ઉપર તલપૂર પણ સરસાઈ કરવાને આપણે ઉજળિયાતો પાત્ર નથી - જ્યાં સુધી નિદાન હિંદ પરાધીન અને ગરીબ રહે ત્યાં સુધી આ લોકોની ઉન્નતિમાં સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ સમાયેલી છે. ગુના કરનારી જાતોના સહાનુભૂતિપૂર્વક અભ્યાસ થવાથી તેમનાં નામ, તેમનાં રહેઠાણ, તેમનો ઇતિહાસ આપણા જાતિવિજ્ઞાનનું ઘણું જ્ઞાન વધારે એમ છે. એમની વંશવાર્તામાં પણ ઘણો ઇતિહાસ સમાયલો હોય છે. દૃષ્ટાંત તરીકે, સમગ્ર હિંદમાં ફેલાયેલા બાવરી જાતના ગુનેગારોનું મૂળ ગુજરાતના રજપૂતોમાં રહેલું છે એમ માનવાનાં કારણો બાવરીની ભાષામાં તેમ જ તેમની દંતકથામાં મળી આવે છે. હજી એ લોકો રોટલાને ગુજરાતી ઢબે રોટલો કહે છે, બળદને ઢાંઢો કહે છે, વાદળાંને વાદળાં કહે છે, ઘંટીને ઘંટી કહે છે, ચાલવાને માટે ઝડપથી ભુલાઈ જતો હીંડવું શબ્દ એ લોકો વાપરે છે. છોરાં, છોરી, લૂગડાં, ચૂલો જેવા શબ્દો હજી તેમનામાં પ્રચલિત છે. એમ કહેવાય છે કે સાડાત્રણસો ચારસો વર્ષ ઉપર ગુજરાતના એક રજપૂત રાજાની કન્યાને અકબર બાદશાહના જનાનખાનામાં મોકલવામાં આવી. રાજકન્યાના પિતાએ તેની સાથે તેની જ કોમના રાજપૂત ઠાકોર, નોકરો અને નોકરડીઓ મોકલ્યાં. આ નોકરો રજપૂતથી ઊતરતી કોમના જ હોય. જોધપુર કે અલ્વરની સરહદમાં આવેલી એક વાવ પાસે એક દિવસ સર્વેએ મુકામ કર્યો. મુસ્લિમ શાહ સાથે પરણવામાં શરમ માનતી એ રાજકન્યાએ વાવમાં પડતું નાખી ડૂબી જઈ આપઘાત કર્યો. સાથે આવેલા રજપૂત-રક્ષકો અને નોકરો ન આગળ દિલ્હી જઈ શક્યા, ન પાછા ગુજરાત જઈ શક્યા. આખી ટોળી ત્યાં ને ત્યાં જ રહી પડી. ખોરાક અને પૈસા પહોંચ્યા ત્યાં સુધી તેમણે શાન્તિભર્યો વસવાટ કર્યો. અને એ જ સ્થળે તેમનું એક ગામ જ વસી ગયું. સાથે આવેલી રાજદાસીઓ અને નોકરડીઓ સાથે રજપૂતોએ લગ્ન કરી લીધાં અને સાધન ખૂટતાં લૂંટફાટનો ધંધો તેમણે શરૂ કરી દીધો. વાવ ઉપરથી તેઓ બાવડી અગર બાવલીવાળા ઠાકોરો તરીકે પ્રથમ ઓળખાયા. તેમની સંખ્યા વધતાં અને લૂંટનો ધંધો પરંપરાગત ચાલુ રહેતાં તેઓ બાવડી અગર બાવલી જાતના લૂંટારા તરીકે ઓળખાયા. વધક, વાઘરી, દેલીવાલ, મોવિયા, થોરી વગેરે નામોથી જુદે જુદે સ્થળે જાણીતી થયેલી આ જાત આખા હિંદુસ્તાનમાં પ્રસરેલી છે.

આમ ગુનેગાર ગણાતી કોમોના ઇતિહાસ રસભર્યા છે. ગુનેગાર કોમ સિવાય ગુના કરનારા ધીટ, ટેવાયેલા, આકસ્મિક અને બાળગુનેગારોની પાછળ સમાજની અવ્યવસ્થા કારણરૂપ હોય છે. તેમનાં કાર્યો સમાજવિરોધી છે એ ખરું, પરંતુ સમાજે પણ એમને ગુનેગાર બનવામાં અને ગુનેગાર રહેવા દેવામાં ઓછો ભાવ ભજવ્યો છે એમ કહેવાય નહિ. રાજ્ય, મિલકત, ધર્મ અને લગ્નમાં રૂઢિબદ્ધતા, અંધશ્રદ્ધા, ઝનૂનભરી પ્રતિષ્ઠા અને અંગત સ્વાર્થ એટલાં વ્યાપક હજી લગી છે કે સમાજની પ્રત્યેક વ્યક્તિ એક અગર બીજા રૂપમાં આજ નહિ તો કાલ સતત - ગુનો કરતી જ રહે છે. ગુનેગાર અને બિનગુનેગાર વચ્ચેનો પડદો બહુ બારીક છે. પાણીમાં રૂપ નિહાળતા સાબરે પગનો તિરસ્કાર કર્યો હતો. આપણો સમાજ માથા ઉપરના શણગાર અને ચળકાટ જોઈ ગુનાઈત વર્ગોનો તિરસ્કાર કરે છે એટલે એના શણગાર સદાય ગૂંચવાયલા, કલંકિત અને દુઃખદ બને છે.

ન્યાયની અદાલતો, બંદોબસ્તી વ્યવસ્થા, ગુનેગારોના વસવાટો - colonies, કેદખાનાં, શિક્ષા, બાળઅદાલતો, અનાથગૃહો, રક્ષણગૃહો એ સઘળાં જરૂરી છે, પરંતુ વધારે જરૂરી તો એ છે કે સમાજમાં જન્મેલી પ્રત્યેક વ્યક્તિના પોષણ, શિક્ષણ અને રક્ષણનો હક્ક માન્ય થાય. નફાખોરી ચલાવી લેતો સમાજ ભૂખમરો ઊભો કરી ગુનેગારો ઉપજાવે જ. ભૂખે મરતા ચોરનો ન્યાય તોળી તેને શિક્ષા ફરમાવતો પુષ્ટ, સુખી અને ધનિક ન્યાયાધીશ એક જ ઢાલની બીજી બાજુ છે. બંને વચ્ચે અકસ્માતનું જ અંતર છે. કદાચ ન્યાયાધીશવાળી બાજુ ચોરની બાજુ કરતાં ઓછી મેલી નહિ હોય. પ્રજાનું સભ્યતા કે અસભ્યતાથી શોષણ કરતું રાજ્ય જ રાજદ્રોહના ગુના માટે જવાબદાર છે, પછી તે કોઈ દેશી રાજ્ય હોય કે નિયમનો ડોળ કરી સરસમાં સરસ ભાષા વાપરી પરાધીન પ્રજાને ફોલી ખાતી ગોરી પ્રજાનું રાજ્ય હોય.

ગુનેગારો તરફ આપણું હજી પૂરતું લક્ષ ગયું નથી. એ ગુનેગારો આપણા સૂક્ષ્મદેહના જ પડછાયા છે એ વાત હજી આપણને સાચી રીતે સમજાઈ નથી. નિષ્ફળ, વ્યર્થ, પોતાને અને સમાજને હાનિકારક છતાં ઉન્નત તત્ત્વોના સુંદર અંકુર ધરાવતું ગુનેગારોનું જીવન સમજવામાં સહજ રસ આપણને ઉત્પન્ન થાય એ અર્થે જ આ લેખ અને આ લેખમાં દર્શાવેલી વિગતોની ‘હૃદયવિભૂતિ'માં ગૂંથણી કરવાનો પ્રયાસ કર્યો છે. માનવ સ્વભાવના ચિત્રણમાં સાહિત્ય તો ગુનેગાર માનસનો ખૂબ સમભાવશીલ પરિચય સાધે છે. અંધકારમાંથી પ્રકાશમાં પ્રગતિ કરતો માનવી ગુના, અપરાધ અને દોષમાં થઈને જ આગળ વધે છે એ બિના સાહિત્ય બહુ જ સ્પષ્ટતાથી સમજાવી શકે છે. આપણા સાહિત્યમાં પ્રિય થઈ પડેલા નાયકનાયિકાનાં કાર્યનું પૃથક્કરણ કાયદાની દૃષ્ટિએ કરવામાં આવે તો તેમનો મોટો ભાગ કેદખાનાના સળિયા પાછળ જવાને પાત્ર હોય છે. પરકીયા નાયિકા તથા સામાન્યાનો સ્વીકાર કરી રસશાસ્ત્રે વ્યભિચારને કુમળો બનાવ્યો છે; શઠ અને દક્ષિણ નાયકને આવકાર આપી રસવેત્તાઓએ એકપત્નીવ્રતને જતું કર્યાનો દોષ વહોરી લીધો છે એવો આરોપ આજની નારી મૂકી શકે એમ છે. ગેરકાયદે ગણાય એવી મારામારીઓ અને ગૃહપ્રવેશમાં આપણને ગમતાં પાત્રો કૈંકવાર ગૂંથાયલાં હોય છે. પ્રતિનાયક તો ધૂર્ત અને ખલ હોય જ. કાવ્ય, નાટક કે નવલકથા ઘણે અંશે સમાજની અવ્યવસ્થાના જ ચિત્રપટ ઉપર રચાય છે. કવિ શામળના ઠગપાટણ અને ઊજળાં ઠગપાત્રો, પ્રેમાનન્દનાં અનિરુદ્ધ-ઉષા તથા નળાખ્યાનમાંના દમયંતીને છળતા દેવ તેમ જ પારધી, વલ્લભનું મિત્રધર્માખ્યાન તથા પ્રાચીન ગુજરાતી ‘તરંગલોલા’ કે ‘તરંગવતી'નો રાસો - જેના જર્મન અનુવાદ ઉપરથી પ્રખર મૂર્તિભંજક શ્રી નરસિંહભાઈ પટેલે આજની ગુજરાતીમાં ભાષાન્તર કર્યું છે એનો અત્રે નિર્દેશ કરી શકાય. સાહિત્યમાં ગુનેગારનું સ્થાન એ પણ અભ્યાસનો એક સરસ વિષય બની શકે એમ છે.

આપણી માનવતા એ આપણું સાચું ધન, શોધખોળ કરવાની આપણી વૃત્તિ ખંડેર બનતી માનવસંસ્થાઓના જીર્ણોદ્ધાર તરફ સહજ જુએ તોય બસ છે. ગુનેગારો પણ અંતે તો માનવીઓ છે.


♦♦♦