હૃદયવિભૂતિ/ઘડતર/પ્રકરણ ૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
હૃદયવિભૂતિ
પ્રકરણ ૧
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૨ →ઘડતર


કુશ્પી નદી આખા ગામને ખાઈ જતી હતી. નદીમાં બારે માસ પાણી રહેતું નહિ, પરંતુ ચોમાસામાં એ સૂકી નદી દરિયાનો અવતાર ધારણ કરતી હતી. ડુંગરામાં વરસાદ પડે એટલે કુપીમાં પાણી ઊભરાય. એ પાણીને માઝા જ નહિ. ખેતરો અને ગામડાંને બોળતી એ નદીનાં વહેણ એટલાં જબ્બર અને ઝડપી હતાં કે એનાથી બચવા માટે કિનારાનાં ગામડાં ભાગી દૂર દૂર જઈ વસતાં હતાં. કુપીનાં પૂર સામે કોઈ તરી શકતું નહિ. એ જોગણી જે ભોગ માગે તે લીધા વગર રહે જ નહિ એવી લોકોની માન્યતા હતી. અને કુપીનાં પૂરને તરી જાય એવો કોઈ જુવાન પચીસ–ત્રીસ વર્ષે પાકે ત્યારે એ નદીના કૃપાપાત્ર જુવાનને આખા મહેવાસમાંની રૂપાળામાં રૂપાળી સ્ત્રી મળતી એમ કહેવાતું. ચોમાસામાં આખા પ્રદેશને રેલમછેલ કરી મૂકી મોટાં મોટાં કોતરાં પાડી ચારે પાસ રેતીના પટને વધારી શિયાળાની મધ્યમાં જ અદૃશ્ય થઈ જતી એ નદી ગ્રામજનતાની દેવી હતી. ભયંકર શ્રાપ આપી ધ્યાનસ્થ બની જતા યોગીસમી એ કુશ્મી પૂજનઅર્ચનને પાત્ર બની હતી. એને પ્રસન્ન કરવા ભોગ અપાતા. કુશ્પી માણસનો આકાર ધરી કોઈ કોઈને દેખા દેતી, અને વખતોવખત કોઈ સ્ત્રીપુરુષના દેહમાં પ્રવેશ કરી તેને ધુણાવતી પણ ખરી.

નદીના સતમાં લોકોને પૂરી શ્રદ્ધા હતી. કૈંક જુગથી કુશ્પીમાતાનું એક નાનું દેવાલય ઊંચી કરાડ ઉપર બાંધેલું હતું. ચમત્કાર એ હતો કે નદીનાં પાણી ગામડાંનાં ગામડાં બોળી દે, પરંતુ માતાના મંદિર આગળ આવીને અટકી જાય, અને એ કરાડને જરાય આંચ આવવા ન દે. ઊલટું એ ટેકરો ઊંચો અને ઊંચો થતો જતો હતો એવી લોકોની માન્યતા હતી. એ માતાનું મંદિર પચાસ પચાસ ગાઉના ઠાકોરોની જાત્રાનું ધામ હતું. મંદિર પાસે એક નાની ધર્મશાળા હતી.એની એક ભીંત તૂટી ગયેલી હતી. ચોગાનમાં થોડાં ઝાડ હતાં, અને પૂજા કરનાર સાધુએ બારમાસી, તગરો, મોગરો અને કાંટાશરિયાં વાવી એ મંદિર પાસે બાગની રચના કરી હતી. નજીકના થોડા આંબા અને બોરડીઓનાં પાસે આવેલાં ઝાંખરાંની માલિકી એ મંદિરની ગણાતી. પરંતુ સંઝેર ગામનાં બાળકો એ માલિકીમાં મોટો ભાગ પડાવતાં.

પ્રાચ્યવિદ્યાના અભ્યાસીઓ જળને સ્થાને સ્થળ અને સ્થળને સ્થાને જળ ઊભું કરવાની ઈશ્વરી શક્તિ ધરાવે છે. એવા ત્રણચાર અભ્યાસીઓ કુશ્પી નદી અને સંઝેર ગામનું નિરીક્ષણ કરી ગયા હતા. ગામમાંથી થોડા દટાયેલા સિક્કા એ ગામમાં પોલીસને હાથ લાગ્યા છે એવી વર્તમાનપત્રની હકીકત વાંચતાં પુરાતત્ત્વના ચાર અભ્યાસી વીરો આ ગામ ઉપર તૂટી પડ્યા. ગામ લોકોને તેમણે પૂછવા માંડ્યું : “આ નદીનું નામ કુશ્પી છે ?”

'નહિ કે તાણે !' નહિ કે ત્યારે ? ના શુદ્ધ ઉચ્ચારનો ગામડિયા ઉચ્ચાર મુશ્કેલીથી સમજી શકેલા વિદ્વાનોમાંથી એકે આગળ પ્રશ્ન કર્યો : 'પહેલેથી જ આ નામ ચાલ્યું આવે છે ?'

'શી ખબર પડે કે એનું નામ કુશ્પી હતું કે પુષ્પી ? અમે તો જન્મ્યા ત્યારથી કુશ્પી સાંભળતા આવ્યા છીએ.” ગ્રામવાસીએ જવાબ આપ્યો. અંધકારમાં વીજળી ઝબકે તેમ પુરાતત્વવેત્તાઓના અજ્ઞાનમાં જ્ઞાન ઝબકી ઊઠે છે.

'ત્યારે મૂળ નામ પુષ્પા. તેનું 'પુષ્પી' કરી નાખે એ સહજ છે. અને “પ” બોલવાની તકલીફ ન લેતા આળસુ ગામડિયા પુષ્પીનું કુશ્પી કરે એ. સંભવિત છે.” એક વિદ્વાને ભેદ ખોલ્યો.

'પુષ્પાવતી નામની નદીનો ઉલ્લેખ તો ઐતિહાસિક છે. એટલે પુષ્પા હોય નહિ પણ પુષ્પા હોય એ વધારે સંભવિત છે.' બીજા વિદ્વાન વધારે ઊંડાણમાં ઊતર્યા.

ત્રીજા વિદ્વાનને આ ઉકેલ રુચ્યો નહિ. તેમણે વાંધો લીધો; 'કંઠસ્થ' 'ક'નું ઉચ્ચારણ સહેલ કે ઓષ્ઠસ્થાની 'પ'નું ઉચ્ચારણ સહેલ એ નક્કી કરવું જોઈએ; 'પ'માંથી 'ક' માં સરી પડાય એવો સંસ્કૃત કે પ્રાકૃતનો નિયમ જાણ્યો નથી.'

ચોથા વિદ્વાન એ ત્રણેથી આગળ વધ્યા. તેમની સર્વવ્યાપી દૃષ્ટિ હિંદ બહાર દોડી અને તેમણે અભિપ્રાય ઉચ્ચાર્યો :

'હું તો આ નદીના ચાલતા આવેલા નામનું જ સમર્થન કરું છું. કાસ્પીયન સમુદ્રનો ટુકડો આ કુશ્પીમાં સચવાઈ રહેલો લાગે છે. ગામનું નામ પણ બહુ સૂચક છે. સંઝેર, સંઘેર સંઘ - સંઘ નો – ની - નું એમ ત્રીજી કે છઠ્ઠી વિભક્તિની સહાય વડે બની શકે. આર્યોનો એક સંઘ કાસ્પિયન સમુદ્રકાંઠેથી આવી અહીં વસ્યો...'

'પણ અહીંના રહેવાસી આર્યો છે ?' એક વિદ્વાને શંકા બતાવી.

'આપણે એમની છબીઓ પાડીએ અને તેમનાં દેહમાપ અને મુખમાપ લઈ લઈએ.' બીજા પુરાતત્ત્વવેત્તાએ સત્યશોધનનો માર્ગ બતાવ્યો. એ માર્ગ પુરુષો પૂરતો બહુ મુશ્કેલ ન નીવડ્યો. બેચાર નમૂનેદાર ગ્રામવાસી પુરુષોએ પોતાની છબીઓ પાડવા દીધી, અને પોતાના દેહની લંબાઈ, પહોળાઈ તથા ખોપરી, ગાલ અને હડપચીનાં માપ લેવા દીધાં. પરંતુ જ્યારે આ વિદ્વાનોએ સ્ત્રીઓની છબીઓ પાડવાની તથા તેમના દેહમાપ - અંગમાપ લેવાની પ્રામાણિક ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે સ્ત્રીઓને સ્થાને ડાંગો અને ધારિયાં ધસી આવતાં જોયાં. પુરાતત્ત્વના અભ્યાસીઓ જાતે પુરાતત્ત્વનો વિષય બનવા તૈયાર ન હતા, એટલે આર્યોના મૂળ સ્થાન કાસ્પિયનને કિનારે આંખ મીંચી ઉઘાડતા બરોબર પહોંચી જવાય એવી ઝડપથી તેમણે આ સંઝેર સરખું વિદ્યાસ્થાન છોડી દીધું.

થોડે દિવસે સંઝેર અને કુશ્પી ઉપર એક વિદ્વત્તાપ્રચુર લેખ 'ઇન્ડીયન એન્ટીક્વેરી'માં પ્રગટ થયો. એમાં સાબિત કરવામાં આવ્યું હતું કે આર્યો નહિ પરંતુ આર્યો બનતા મથતા કેટલાક સાહસિક કુશાનોનો સંઘ ગુજરાતમાં આવી વસ્યો હતો અને સંઝેર ગામ અને કુશ્પી નદીને કિનારે વસતા તેમના વંશજો હજી સુધી એ કુશાન થાણાંની સાક્ષી આપી રહ્યા હતા. કુશાન સંઘની સાથે સ્ત્રીઓ પણ આવી હતી કે એ સંઘે અહીં વસ્યા પછી જ સ્ત્રીઓની વ્યવસ્થા કરી લીધી હતી, એ પ્રશ્ન ઉપર એ લેખમાં કશો જ પ્રકાશ પડ્યો ન હતો, પરંતુ કુશ્પી, કુશાન, કાસ્પિયન સમુદ્ર અને કશ્યપમુનિ સંબંધમાં ઇતિહાસ, ભૂગોળ, પુરાણ કે કુરાનમાં ન મળી આવે એવી કેટલીક માહિતી એ લેખમાં પહેલી જ વાર પ્રગટ થઈ.

અને જમીનમાંથી મળી આવેલા સિક્કા કોઈ ક્ષત્રપ, ગુપ્ત કે આંધ્રસમયના નહિ પરંતુ ઓગણીસમી સદીની ટંકશાળમાંથી પડેલા ધુમાડા અને કચરા વડે મેલા બનાવાયેલા અંગ્રેજી સિક્કા હતા એવી હકીકત પણ વર્તમાનપત્રોમાં જાહેર થઈ. પ્રાચીન આર્યો કે કુશાનોના અનેક ગુણ સંઝેર ગામના લોકોમાં ઊતરી આવ્યા હશે એમાં શક નહિ; પરંતુ અટલ ચોરી અને ભયાનક લૂંટ કરવાની પોતાના પૂર્વજોની શક્તિ સંઝેરના ઠાકોરોએ સફાઈપૂર્વક જાળવી રાખી હતી એના પુરાવા પુરાતત્ત્વવેત્તાઓને પોલીસનાં કાગળિયાં ઉપરથી મળી આવે એમ હતું.

કદાચ એ શક્તિનો વિકાસ પણ તેમણે કર્યો હોય. કદાચ કુશ્પી નદીએ પ્રસન્ન થઈ કિનારાવાસીઓને પોતાનું શિક્ષણ પણ આપ્યું હોય ! અચાનક જાગવું, લાગ મળે ત્યાં કોતરો પાડવા અને પકડાતા પહેલાં પાણી સાથે અંતધ્યન થઈ જવું, એ કુશ્પીના બોધ. સંઝેરના ઠાકોરોથી આસપાસનો પ્રદેશ ભયભીત રહેતો. તિરસ્કારમાં 'ઠાકરડા' તરીકે ઓળખાતા એ પુરાતત્ત્વ ઉત્તેજક લોકો સામે મળતા 'ઠાકોર'નું બિરુદ પામતા, અને ઠાકોરની માફક તેઓ અણધારી ખંડણીઓ પણ ઉઘરાવી લેતા.

કુશ્પીમાતા, તેમની સંભાળ લેતી. માતા જમીનની ભૂખી હતી. એક સાલના ખેતરને બીજી સાલ તે ભાઠામાં ફેરવી નાખતી, અને એક વર્ષના ભાઠાને તે રણ બનાવી દેતી હતી. જમીન અને ખેતર સદાકાળ ખોવાયા કરતાં હોય ત્યારે ગામની માતા ગામલોકોને છેક મરવા તો ન જ દે ! કુશ્પીમાતા જ્યારે જ્યારે બોલતાં ત્યારે કહેતાં :

'મૂર્ખાઓ ! તમે કેમ સમજતા નથી ? હું કોતર પાડું છું: તમે ખાતર પાડો !'

ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ક-ખનો અભેદ કે તેમનું સામીપ્ય શીખવતી કુશ્પી નદીનો મહાઆશ્રય મેળવતી. સંઝેરની પ્રજા ખેતી કરતાં ખાતર પાડવામાં વધારે પ્રવીણ હતી. ખેતી માટે તેમની પાસે પૂરતી જમીન ન હતી; જે જમીન હતી તે પાંચેક ગાઉ આવેલા વડિયા ગામના શાહુકારોને ઘેર હતી, જમીન ઉપર નામ ગામલોકોનાં ચાલતાં હતાં, પરંતુ ખરી માલિકી શાહુકારોની હતી.

પરંતુ માલિકી સંબંધી તીવ્ર લાગણી ગામલોકોમાં ન હતી. અંગ્રેજી રાજ્ય આવ્યા પછી મારા તારાની ભાવના અતિશય તીણી બની ગઈ છે. એ તીણી ભાવના આ ગામ લોકો સુધી પહોંચતાં બુઠ્ઠી બની જતી હતી, અને જરૂર પડ્યે ગમે ત્યાંથી પૈસા કે માલ ઊંચકી લાવતા ગામલોકોને ચોરનું નામ આપતાં તેમને બહુ ખોટું લાગતું. માનવી ભૂખે મરવા જન્મતો નથી, ભૂખ શાંત પડે એટલું મેળવવાનો સહુનો હક્ક છે. તેમની અને ક્ષુધાશાન્તિની વચમાં આવતા સમાજના અનુદાર નિયમો તેઓ જરા પણ સંકોચ કર્યા વગર તોડતા, અને ધન તથા મિલકતનો ઢગલો કર્યે જતા વર્ગનો ભાર હળવો કરતા.

ગામલોકોનું અર્થશાસ્ત્ર સામ્યવાદને ઘણું મળતું આવતું. પરંતુ એ શિક્ષણ વર્તમાન યુગના કોઈ શિક્ષિત સામ્યવાદીએ આપ્યું ન હતું.

એટલે સંઝેર ગામનો સહુને ભય રહેતો.