હૃદયવિભૂતિ/ઘડતર/પ્રકરણ ૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૨ હૃદયવિભૂતિ
પ્રકરણ ૩
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૪ →

અભાજી ઊઠ્યો. તેણે માનસીંગને, ઢોલ વગાડનારને, મુખીને અને પોલીસને દેવાય એટલી ગાળો દીધી. ગામમાં શિક્ષણ જ ન હતું, એટલે શિક્ષક વગર ગાળો ન દેવાનું શિક્ષણ તો મળે જ ક્યાંથી ? વૃદ્ધ, યુવાન અને બાળક, પુરુષ અને સ્ત્રી સહુ વગર સંકોચે ગાળ દઈ શકતાં હતાં. જીવનના બલિષ્ઠ ભાવને વ્યક્ત કરવાનું ભાષામાં સામર્થ્ય ન હોય ત્યારે ગાળ દ્વારા એ સામર્થ્યની પૂર્તિ કરવામાં આવે છે.

'જો, હું જરા જાઉ છું, ઘરમાં બેસી રહેજે. બહાર નીકળ્યો તો મૂઓ સમજજે.' અભાજીને ન છૂટકે જતાં જતાં માનસીંગને કહ્યું.

માનસીંગે જવાબ ન આપ્યો. આવી અનેક વખત ધમકી મળી ચૂકી હતી અને તેણે એ ધમકીને બાજુએ મૂકી પિતાની આજ્ઞા વિરુદ્ધ અનેક કાર્યો કર્યાં હતાં. અલબત્ત તેની એને શિક્ષા ભોગવવી પડતી હતી, પરંતુ આજ સુધી તે જીવતો હોવાથી શિક્ષા મૃત્યુ સુધી ખેંચી નહિ જાય એવી તેને ખાતરી થઈ હતી.

ઢોલ હજી વાગ્યા કરતું હતું. અભાજી રાતના અંધકારમાં અદ્રશ્ય થયો એટલે માનસીંગને તેની પાછળ જવાનું મન થયું. ઢોલનું આકર્ષણ અસહ્ય હોય છે. રાતને સમયે દૂર અગર પાસેના ગામમાં ચોરી કરવા જવાની ગામલોકોને તક ન મળે એ ઉદ્દેશથી સામાન્યત: સવારસાંજ બે વખત ગામના બધા જ પુરુષોને એકત્ર કરી તેમની હાજરી લેવાની પ્રથા ગુનાઈત ગણાતી જાતના લોકો માટે સરકારે પ્રચલિત કરી છે. એથી ગુના કરવા ટેવાયેલી ઘણી જાતો સુધરી ગઈ હશે, પરંતુ સંઝેર ગામની બૂમ ઓછી થયેલી જણાતી ન હતી. ગામના મુખી ઘેમરસીંગની ઉદારતા અદ્ભુત હતી. તેઓ સવારસાંજ પુરુષોની હાજરી પૂરવાની તકલીફ લેતા ન હતા, જોકે પોલીસ ખાતાના સાહેબો આગળ એમ સાબિત કરતા કે તેમની દિવસરાત મળીને બે વાર નહિ પણ ચાર વાર હાજરી લે છે. એટલું તો ચોક્કસ કે ગામની એકેએક વ્યક્તિની હિલચાલ તેમની નજર બહાર તો રહેતી નહિ જ, સહુની હિલચાલના તેઓ સૂત્રધાર હતા એમ કહીએ તોપણ ચાલે. એટલે પોલીસ કે મુલકી અમલદારની ગામમાં પધરામણી થાય ત્યારે જ હાજરીનું ઢોલ વાગતું. ઢોલ વાગે એટલે સહુ કોઈ સમજી લેતું કે ગામમાં કોઈ સરકારી નોકર – ખાસ કરીને પોલીસ – આવ્યો છે. માનસીંગે આવી હાજરી લેવાતી ઘણી વખત જોઈ હતી. સંઝેર ગામના મેળા જેવો જ આ એક પ્રસંગ ગ્રામજીવનની એકધારી નીરસતામાં રસ પૂરતો હતો, અને બાળક માનસીંગ વગર સમજ્યે રમતાં રમતાં કૈક વાર આવી હાજરીઓ કુતૂહલથી નિહાળતો હતો. એક વાર તેના બાપને તેણે પૂછ્યું હતું:

'બાપા ! હું હાજરીમાં ન આવું ?'

કદી ન હસતા તેના પિતાને આ પ્રશ્ન સાંભળી જરા હસવું આવ્યું. તેણે હસવું અટકાવી કહ્યું :

'જા, જા ! ઘરમાં બેસ.' પરંતુ પિતાએ ન આપેલો જવાબ તેની માતાએ તેને આપ્યો.

'મા ! મારે હાજરીમાં નહિ જવાનું ?' માનસીંગે માને પૂછ્યું.

'તું જરા મોટો થાઉં, મૂછનો દોરો ફૂટે ત્યારે તારે હાજરીમાં જવાનું; હમણાં નહિ.' માએ જવાબ આપ્યો.

ત્યારથી માનસીંગ મૂછનો દોરો ફૂટવાની રાહ જોયા કરતો હતો. ચોમાસાના પાણીમાં તરતે તરતે તેણે આ વર્ષે પોતાનું મુખ જોયું ત્યારે તેને આશા પડી હતી કે મૂછનો દોરો ફૂટતાં હવે બહુ વાર નહિ લાગે.

એટલે માનસીંગને આ હાજરીનો બનાવ આકર્ષે એમાં નવાઈ ન કહેવાય. માબાપનું કહ્યું માનવું જોઈએ એટલી માન્યતા તો સંઝેર ધામમાં વંશપરંપરાથી ચાલી આવેલી. પરંતુ માબાપ ન જુએ એવી સંભાળ રાખી માબાપનો હુકમ તોડવામાં સંઝેરનાં બાળકોને પાપ લાગતું નહિ. પકડાઈ જતાં ગાળ અને મારની શિક્ષા સહન કરવી પડે એ સ્વાભાવિક વિશ્વનિયમ પણ તેમને માન્ય હતો. શિક્ષા અને શિક્ષાનો ભય બાળકોને આજ્ઞા તોડવાની અને શિક્ષા સહેવાની વધારે અને વધારે તાકાત આપતાં જતાં હતાં.

અભેસીંગ – અભાજી હાજરીના વર્તુલમાં દાખલ થઈ ગયો હશે એવી ખાતરી થતાં માનસીંગે ઝૂંપડીનો ઝાંપો બંધ કર્યો. ઝૂંપડીમાં ચોરી થવાનો ડર હતો જ નહિ, માત્ર કૂતરાં કે શિયાળ વણિયર પેસી ન જાય એટલો જ ઝાંપો દેવાનો ઉપયોગ હતો. ધીમે પગલે માનસીંગ આગળ ચાલ્યો. પુરુષો તો મુખીના ઘર આગળ ભેગા થઈ ગયા હતા, અને ઝૂંપડીઓમાંથી હવે સ્ત્રીઓ અને જાગતાં બાળકો તથા કિશોરોએ મુખીના ઘર તરફ ધસારો શરૂ કરી દીધો હતો. એક ટોળામાં માનસીંગ પણ ભેગો થઈ ગયો.

મુખીના ઘર પાસે આવતાં માનસીંગે જોયું કે સંઝેરના બધા જ પુરુષો હારબંધ બેસી ગયા હતા. બે ફાનસ બળતાં હતાં. અને મોટા મોટા ત્રણેક કાકડા સળગાવી અંધકારને ઘણો ઓછો કરી નાખવામાં આવ્યો હતો. પટેલની પાટ ઉપર દમામદાર પોશાક પહેરેલા એક પોલીસ અમલદાર બેઠા હતા, અને તેમની પાસે તેમનાથી સહજ ઓછો રુઆબદાર અમલદાર અને એક ચબરાક કારકુન બેઠા હતા. દસેક પોલીસ સિપાઈઓ આમ તેમ ઊભા હતા, અને ઘેમરસીંગ હાથમાં એક પત્રક લેઈ પેલા કારકુનને બતાવી રહ્યા હતા. સ્ત્રીઓ અને બાળકોની હાર બંધાવા લાગી હતી.

કારકુને પત્રકમાંથી નામ વાંચવા માંડ્યાં. બધાએ 'હાજર સાહેબ'ના ઉચ્ચાર સાથે પોતાની હાજરી પુરાવી. હાજરી પૂરી થતાં ફોજદાર સાહેબે પૂછ્યું :

'કેમ મુખી ! બધાય હાજર છે ને ?'

'હાજર ના હોય એમ બને ? આપ આવ્યા તે પહેલાં જ બધાને મેં ગણ્યા છે.'

ફોજદાર સાહેબને ખબર હતી કે મુખીનું બીજું કથન ખોટું હતું. તેમણે કહ્યું :

'ચુનીલાલ ! બધાને ગણી લો. હું એ લોકોને બરાબર ઓળખું છું.' કારકુનનું નામ ચુનીલાલ હતું. લખવાના કામમાં હોશિયાર બની ગયેલો એ ઑર્ડરલી ઝડપથી જમાદારીનાં સ્વપ્ન સેવતો હતો. તેની ટોપી પોલીસ ખાતાને દીપે એવી મોટી દીવાલની હતી. તેણે મુખીની જોડે રહી બધા માણસોને ગણવા માંડ્યા. મુખીએ ચુનીલાલને ત્રણચાર વખત ગૂંચવ્યા, અને ચુનીલાલને ખાતરી થઈ કે ત્રણચાર માણસો ગેરહાજર હતા.

મુખી ચુનીલાલના મુખ ઉપરની ગૂંચવણ સમજી ગયા. ચારેપાસ ઘૂમટાવાળી અને ઘૂમટા વગરની સ્ત્રીઓ અને બાળકોની વાતચીત અને રોકકળ ઘોંઘાટનું સ્વરૂપ ધારણ કરતી હતી તેનો લાભ લેઈ મુખીએ બહુ ધીમેથી માણસો ગણાવતાં ચુનીલાલને કહ્યું :

'કારકુન સાહેબ ! બહુ ખેંચતાણ ના કરશો. જેટલા ગેરહાજર એટલાનો એક એક રૂપિયો... સમજ્યા ?'

ચુનીલાલ આવી વાત ઝટ સમજી જતા હતા. છતાં ગેરહાજરીનો એકાદ 'કેસ' તો કરવો જ જોઈએ એવી ફોજદાર સાહેબની ટેવથી તેઓ વાકેફ હતા. અને સચ્ચાઈનો દેખાવ કરી મુખી પાસેથી પણ થોડી રકમ લેવાય એવી બારી રાખી તેમણે ગણતરી કરી સાહેબને કહ્યું :

'સાહેબ ! એક માણસ ગેરહાજર લાગે છે.' 'શું નામ એનું?' સાહેબે પૂછ્યું.

'ભીમા રાયલા.' કારકુને પત્રક જોઈ જાણે ખાસ શોધ કરી હોય એમ જણાવ્યું.

'અલ્યો ભીમસીંગ, ક્યાં મરી ગયો એટલામાં ! ભાન નથી ?' ઘેમરપટેલે જાણે ભીમસીંગ હમણાં જ અદૃશ્ય થઈ ગયો હોય એવો દેખાવ કરી બૂમ મારી.

'અરે હમણાં જ મારી જોડે બેઠો હતો ને !' એક હાજરી પુરાવનારે કહ્યું અને મુખીને ટેકો આપ્યો.

'ઘેમરજી ! એ જવા દો બધી તરકીબ. ભીમલો હાજર જ ક્યાં છે ?' સાહેબે કહ્યું.

'ભોગ એના ત્યારે ! હું શું કરું ? થવા દો કેસ અને કરો દંડ એનો. અહીં હમણાં ભાળ્યો હતો અને એટલામાં અલોપ થઈ ગયો !' મુખીએ ગેરહાજરીની પુષ્ટિમાં કહ્યું.

પરંતુ એમની ચકોર આંખ ચારે પાસ ફરતી હતી. એક ટોળાની વચમાં તેમણે માનસંગને ઊભો રહેલો જોયો. તેઓ ટોળામાં ગયા અને માનસીંગનો હાથ પકડી તેમણે એને ટોળામાંથી ખેંચી કાઢ્યો. ખેંચતા ખેંચતાં ધીમે રહીને તેમણે માનસીંગને કહ્યું.

'દીકરા ! ડરતો નહિ. ભીમસીંગ રાયસીંગ બની જા.'

સહુ કોઈ પટેલ અને માનસીંગ તરફ જોતાં હતાં. માનસીંગના પિતાએ પુત્રને ઓળખ્યો અને તેની આંખો લાલ બની. તેણે દાંત કચકચાવ્યા, પરંતુ માનસીંગે પિતા તરફ જોયું જ નહિ. મુખીએ તેને અણધાર્યું મહત્ત્વ આપ્યું હતું, તેમાં તે પ્રથમ ગૂંચવાઈ તો ગયો, પરંતુ એક વાત તેણે નક્કી કરી લીધી ભીમસંગનો ભાગ તેણે ભજવવો.

'આ લ્યો સાહેબ ! તમારો ભીમો.' કહી મુખીએ તેને હાજરીવાળા પુરુષો ભેગો ભેંચી બેસાડી દીધો. હાજરીવાળા પુરુષોમાં વૃદ્ધ અને યુવાન હતા, પરંતુ આ કિશોર તો એકલો જ જુદો તરી આવ્યો.

'આવડા છોકરાને હાજરીમાં નાખ્યો છે ?' ફોજદારે પૂછ્યું.

'અરે સાહેબ ! અમારાં દુઃખને તે અમે ક્યાં કહીએ ?' મુખીએ પોતાના મુખ ઉપર દુઃખની છાપ લાવી કહ્યું.

'એની ઉમ્મર કેટલી છે ?' સાહેબે પૂછ્યું.

'હજી તો બચ્ચું છે, સાહેબ !' મુખીએ કહ્યું.

'પણ પત્રકે ઉમ્મર લખી છે ને?' સાહેબે ચુનીલાલને પૂછ્યું. 'એમાં તો બાવીસ લખ્યાં છે, સાહેબ !' ચુનીલાલે જવાબ આપ્યો.

'અમને ગામડિયાઓને શી ખબર કે બાર અને બાવીશમાં કાંઈ ફેર છે ?' મુખીએ બચાવ કર્યો.

'અલ્યા તારું નામ શું ?' ફોજદારે ખાતરી કરવા માનસીંગને પૂછ્યું.

'ભીમસીંગ રાયસીંગ, સાહેબ !' માનસીંગે કહ્યું. માનસીંગના બોલમાં છટા હતી. એનામાં કશો ગભરાટ ન હતો. સચ્ચાઈને શોભતી બેફિકરાઈ વડે એ ખોટી વાત કહેતો હતો, અને તેમાં એ ફતેહમંદ પણ થતો હતો એનું એને ભાન હતું. ગામના મહારથીઓ ભેગું તેને સ્થાન મળ્યું હતું એથી તે પ્રસન્ન પણ થયો હતો – જોકે તેને ભય હતો કે હાજરીમાંથી છૂટતાં જ તેનો બાપ તેનો રોટલો ઘડી નાખશે.

'ચાલો. ચુનીલાલ ! હવે બધાયને અંગૂઠા પકડાવી દો. બોચી ઉપર મૂકો કાંકરો અને પડે તો ફટકાવો બરાબર.' ફોજદાર સાહેબે હુકમ આપ્યો.

હુકમ આપતા બરોબર પોલીસના સિપાઈઓએ હાજરીમાં આવેલા પુરુષોને ફટકાવી અંગૂઠા પકડાવવા માંડ્યા. વૃદ્ધ અને યુવાન સહુ ગ્રામપુરુષો આ કઢંગી આકૃતિમાં ઊભા રહેવા લાગ્યા. કેટલાક ધીમે ધીમે નમતા હતા, કેટલાક ઘૂંટણ ઉપર જ હાથ મૂકતા હતા, અને કેટલાક અંગૂઠા સુધી પહોંચી પણ ગયા હતા. જેમણે અંગૂઠા નહોતા પકડ્યા તેમના વાંસામાં મુક્કા અગર સોટીના સપાટા લાગતા તેમણે પણ હુકમનું સંપૂર્ણ પાલન કર્યું.

ગામનાં બૈરાંછોકરાં આ દૃશ્ય જોતાં હતાં. અંગુઠા પકડનારમાં કોઈ સ્ત્રીનો પતિ હતો, કોઈ સ્ત્રીનો પિતા હતો, કોઈ સ્ત્રીનો ભાઈ હતો અને કોઈ સ્ત્રીનો પુત્ર હતો. સ્ત્રીઓના હૃદયમાં આ અપમાન કશું ઝેર ઉપજાવતું દેખાતું નહિ. આવાં દૃશ્યો તેમના જીવનમાં સામાન્ય બની ગયાં હતાં. જીવનનો એક વિભાગ બની ગયાં હતાં.

અંગૂઠા પકડનારાઓમાંથી એક જણને હસવું આવ્યું. હસવું ખાળવા છતાં તેનાથી હસાઈ ગયું. સહુએ એ તરફ નજર કરી. માનસીંગને હસવું આવતું હતું.

'કેમ અલ્યા એ ! કોણ મરવાનો થયો છે ?' ચુનીલાલે ફોજદારીની લાયકાત આપતી ભાષા વાપરી કહ્યું.

'લગાવ, લગાવ એને !' ફોજદારે કહ્યું.

એક સિપાઈએ હસવાનો ગુનો કરનાર માનસીંગને ખોળી કાઢ્યો અને તેના વાંસામાં એક સોટી ચમકાવી દીધી. માનસીંગને ઝાળ લાગી ગઈ. તે ઊભો થઈ ગયો. તેના ઊભા થતા બરોબર સિપાઈએ તેને બીજી સોટી મારી. માનસીંગે સોટી હાથમાં પકડી લીધી એટલે સિપાઈએ તેને ગડદાપાટુ મારવા માંડ્યાં.

'અરે સાહેબ ! જવા દો. નાદાન છોકરું છે. એને શી ખબર?' કહેતા બેચાર પુરુષો અંગૂઠા છોડી વચ્ચે પડ્યા.

ફોજદાર સાહેબ સંઝેર ગામના લોકોને બરાબર ઓળખતા હતા. એકલી ધમકીથી આ ગામે ઘણાં વિકટ પરિણામ આવેલાં તેમણે નજરે જોયાં હતાં, એટલે કે ગુનેગારોના નિત્ય સંસર્ગથી ફોજદાર સાહેબ પણ બહાદુર બન્યા હતા, છતાં સમાધાનીથી સ્થિતિ પલટી નાખવાની કળા પણ તેમણે ખીલવી હતી. માનસીંગના પિતા અભાજીના મુખ ઉપર વરુનું હિંસકપણું તરી આવ્યું હતું તે ફોજદાર સાહેબે પારખ્યું. હાથથી જતા ગુનેગારોને ભાન હોતું જ નથી.

'ચાલો, છુટા પડો, એ છોકરાને બેસાડી દો. એનું આપણે કામ નથી!' એમ ફોજદાર સાહેબે જાહેર કર્યું. માનસીંગને ધક્કો મારી સિપાઈએ આસપાસના ટોળીમાં ધકેલી દીધો. સિપાઈનું ગળું દાબી દેવાની ઊર્મિ માનસીંગે હળવી બનાવી દીધી. પાછા સહુ કોઈ અંગૂઠા પકડી ઊભા રહ્યા.

'અલ્યા, બોલી જાઓ. બોલી જાઓ કાંઈ કાળુંધોળું કર્યું હોય તો ! સાહેબના રાજમાં નહિ ચાલે ગમે તેમ ! કબૂલ કરશો તો બચશો, નહિ તો ચામડાં ઊતરી જશે.' અંગૂઠા પકડી ઊભેલા આજન્મ ગુનેગારોને ઘેમર મુખી સમજણ પાડતા હતા. કોઈએ જવાબ ન આપ્યો.

'કબૂલ નહિ કરો ત્યાં સુધી આમ ને આમ ઊભા રહેવાનું છે.' ચુનીલાલે જોર કર્યું.

'એ તો સારું છે કે તમારે નસીબે આ સાહેબ આવ્યા છે. પહેલાં ચામડું કેમ રંગાતું તે યાદ છે ને ?' કહી ઘેમરપટેલે અંગૂઠા પકડાવનાર સાહેબનાં વખાણ કર્યાં.

'પણ સાહેબ ! લાંબા વખતની વાત અને અમારે માથે કેમ ઢોળી પાડો છો ?' એક જણે અંગૂઠા પકડી રાખી કહ્યું.

'તમારા ગામમાં તો દસ દસ વરસની ચોરીઓ જડી આવે એમ છે, સુવ્વરો ! આટઆટલા તમારા માણસો કેદમાં ગયા તોય તમને ભાન નથી?' ફોજદારે બોધ કર્યો.

'સમજો, સમજો ! આવું કહેનાર બીજા સાહેબ નહિ મળે. આજ ગમે તેમ નથી ચાલવાનું. સાહેબના રાજમાં તો ગુનો પાતાળમાંથીયે પકડાઈ જવાનો. નાહક શું કરવા મરી જાઓ છો ?' ઘેમર પટેલે પોતાની સુંવાળી ભાષામાં સમજણ પાડી.

ગાળો દેવા અને ખાવામાં પ્રવીણ થયેલા હિંદવાસીઓને ગાળનું ઉચ્ચારણ સહજ થઈ ગયું છે. સમજૂત કરતાં કરતાં મુખી, ચુનીલાલ અને ફોજદાર ગાળોનો ગુલાલ તો ખૂબ ઉરાડતા હતા. ટોળે વળેલી ગામની સ્ત્રીઓની હાજરી કોઈને સંકોચ રૂપ થઈ પડતી ન હતી. સ્ત્રીઓ પણ ગાળો દેવા અને સહેવા ટેવાઈ ગયેલી હતી.

'બાપા ! કાંઈ ન હોય તોય આવો જુલમ ? મારી નાખવા હોય તો મારી નાખો. પણ પરગણે જ્યાં ચોરી થઈ કે આવા સંઝેરનું નામ. ગામમાં જન્મ્યા એ અમારા ભોગ ! બીજું શું ?' એક વૃદ્ધ કાવશિયાએ કહ્યું.

જન્મસિદ્ધ ગુના કરનારી કેટલીક જાતો નક્કી કરવામાં આવેલી છે. એ જાતોના ઉમ્મરલાયક પુરુષોનાં જે તે ગામપત્રકે નામ ચઢે છે, અને તેમને કાવશિયા કહેવામાં આવે છે. ચોરી, લૂંટ, ખૂન જેવા ગુના કરનારા આ વર્ગમાંથી જ પાકે છે એ માન્યતા ઉપર આપણી રક્ષક અને શાસકપદ્ધતિ રચાઈ છે.

'તું ના બોલ, ડોસા ! તને છાનો મરતાં શું થાય છે ?' ઘેમરપટેલ બોલ્યા. તેમને આ ડોસાનો પરાક્રમી ભૂતકાળ ખૂબ યાદ હતો.

'અને પેલા રૂપિયા તમારી જ હદમાંથી જડ્યા એનું શું ?' ચુનીલાલે પૂછ્યું.

'અરે કારકુન સાહેબ ! એ તો ધરતીમાતાનું ધન. લાખો વરસના એ ભંડાર. અમે તો તરત મોકલાવી દીધા ને ! ચોરીચબારીનું એ ધન હોય તો અમે જાતે થઈને કહીએ ખરા ?' બીજો માણસ બોલ્યો.

'ન હોય લાખો વરસનું ધન એ. એમ છેતરો તે ચાલે એવું નથી. એ રૂપિયા તો બોલતા છે !' ફોજદાર સાહેબે કહ્યું. તેમના મુખ ઉપર જરા ખુશાલી હતી.

'ચોરી કોઈ કરે અને માર બધાને પડે. સાહેબ ! ગામને ગોળે ઉડાડી. મૂકો એટલે પાર આવે.' બીજા કાવશિયાએ કહ્યું.

'કેમ અલ્યા ! તારું બાકી રહ્યું હતું કે ? શું મોં લઈને તું બોલતો હોઈશ ? હજી કેદમાંથી છૂટીને તો આ મહિને આવ્યો છે !' મુખીએ તેને ડાર્યો.

'માટે તો હું કહું છું. ગુનો કરનારને ગરદન મારો. પણ હું તો કશામાં હતો જ નહિ. કેદમાં રહ્યે રહ્યે મેં આ ચોરી કરી ?' મુખીએ ડારેલો માણસ વધારે આગળ બોલવા જતો હતો, એટલામાં તેના વાંસા ઉપર લાકડીનો એક પ્રહાર થયો.

'કેમ બકબક કરે છે ?' મારનાર સિપાઈએ કહ્યું. શૂદ્રને તાડનનો અધિકાર મળ્યો છે એમ તુલસીદાસનું કથન છે, સંઝેરના લોકો શૂદ્ર હતા કે કેમ તેનો નિવેડો કરવાની તક ઊભી થઈ જ ન હતી. પોલીસને પાલે પડેલા સહુને એ તાડનનો ભારે અધિકાર મળે છે, એમાં કોઈના હુકમની જરૂર પડતી નથી. ફોજદારે એવા પ્રહારોમાં કશો વાંધો લીધો નહિ.

'સાહેબ ! જરા અંદર ચાલો.' મુખીએ કહ્યું.

'કેમ ? શું છે ?' ફોજદારે પૂછ્યું.

'આ થોડી ચા મૂકી છે. અને આજ તો આખી રાતનો ઉજાગરો થયો એમ લાગે છે.' મુખીએ કહ્યું.

'અરે આજ શું ? રોજ જ ઉજાગરા છે ને ! પોલીસની તે કાંઈ નોકરી છે !' ફોજદારે કહ્યું. તેમના કદ ઉપરથી પોલીસ ખાતાની નોકરીએ તેમના દેહને બહુ દમ્યો હોય એમ લાગતું ન હતું, પરંતુ ઘણાં દુઃખ દેખાય નહિ છતાં પીછો છોડતાં નથી. દુઃખી મુખ કરી આ ચોરના કહેવાતા ગામે પણ ફોજદાર સાહેબે ચાની ના પાડવાનો અવિવેક ન જ કર્યો. તેઓ ઊઠ્યા અને મુખીના જરા મોટા ઝૂંપડાની એક છાયલી ઓસરી તરફ વળ્યા.

ફોજદાર સાહેબની સાથે એક ફાનસ પણ ગયું. અંગૂઠો પકડી ઊભેલા કાવશિયાઓએ અંગૂઠા છોડી દીધા, અને બીડીઓ પીવાનું તેમણે શરૂ કર્યું, પોલીસના સિપાઈઓને પણ બીડીની લાગેલી તલબ કાવશિયાઓએ પૂરી કરી. સિપાઈઓ અને શક્ય ગુનેગારો વચ્ચે બીડીઓની અદલાબદલી થઈ અને ચારે પાસ મૈત્રીભાવનું પ્રદર્શન થઈ રહ્યું. ભેગાં થયેલાં બૈરાંછોકરાં પણ આમતેમ છૂટાં થઈ ગયાં.

ચુનીલાલને ફોજદાર સાહેબની સાથે જ આમંત્રણ હતું. એટલે મુખી, ફોજદાર અને મોટી ટોપીવાળા ચુનીલાલ એ ત્રણ મોટા માણસો ટોળામાંથી અદૃશ્ય થયા.