હૃદયવિભૂતિ/ઘડતર/પ્રકરણ ૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૩ હૃદયવિભૂતિ
પ્રકરણ ૪
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૫ →
'તેજલી ! કેમ હસાવ્યા કરતી હતી ?' ટોળામાં ભેગા થઈ ગયેલા માનસીંગે તેજલને ખોળી કાઢી તેને ખેંચતાં પૂછ્યું.

'મૂઆ ! કેવો દેખાતો'તો ! તને કદી આમ અંગૂઠો પકડેલો જોયો નહોતો ! મને તો એવું હસવું આવ્યું !' તેજલે ટોળા બહાર નીકળી માનસીંગને જવાબ આપ્યો.

'તને શું હસવું ન આવે ? મારી કેડ રહી ગઈ તે...'

'એ કેડનો ઇલાજ પેલા સિપાઈએ કર્યો ને ?' માનસીંગને પડેલી સોટી હસવાનો વિષય હતો કે નહિ તેની તેજલને સમજ પડી નહિ. અંગૂઠો પકડી ઊભેલા માનસીંગ તરફ તેજલ જોયા કરતી હતી. માનસીંગે પણ અંગૂઠા પકડ્યા છતાં ચારે પાસ નજર ફેરવી તેજલને શોધી કાઢી. કોઈ ના દેખે એમ તેજલ માનસીંગના ચાળા પાડતી હતી અને તેને ચીડવતી હતી. માનસીંગને કોઈ કોઈ પ્રસંગે આ ચાળા જોઈ હસવું આવતું, અને હસવું ન ખળાતાં તેને સોટી ખાવી પડી. માનસીંગ અને તેજલ એ બન્નેની હાસ્યવૃત્તિ એ સોટી સાથે ઊડી ગઈ. માનસીંગે તેજલને કહ્યું :

'જો, તેજલ ! એ સિપાઈએ મને તો સોટી મારી છે, પણ એના જતા પહેલાં એનું માથું ડાંગથી ફોડું નહિ તો મારું નામ માનસીંગ નહિ.'

'બેસ હવે ! કેદમાં જવાનો થયો લાગે છે. હજી છે તો આવડો !' મોટી દેખાતી તેજલે કહ્યું.

'ગમે તેવડો હોઈશ અને મને ગમે તે થાય; તું જોજે !'

'ચાલ આપણે ઘરમાં જઈએ. પેલા ફોજદારને માટે ચા થાય છે; આપણે પણ પીશું.' કહી તેજલ માનસીંગને ખેંચી પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ.

તેજલની મા અને તેની બે ભોજાઈઓ ચા બનાવતાં હતાં. કલાઈ વગરનું કાળું પડી ગયેલું તપેલું ચૂલા ઉપર મૂકી તેમાં પાણી, ચા, ખાંડ અને દૂધ નાખી ઉકાળવાની ક્રિયા ગામડામાં પ્રચલિત છે અગર થતી જાય છે. મુખી જેવાના ઘરમાં તેનો પ્રવેશ થઈ ચૂક્યો હતો અને કોઈ અમલદાર આવે ત્યારે તેને માટે આવી ચા બનાવવાનો વિધિ આખા કુટુંબને રોકી રાખતો હતો. તેજલ અને માનસીંગ તરફ જોઈ તેજલની એક ભોજાઈ જરા હસી. સાસુએ કારણ પૂછ્યું. વહુએ માનસીંગના અને સસરાનાં વખાણ કર્યાં. ભીમા રાયજીને બદલે કેવી છટાથી ઘેમરપટેલે માનસીંગને ઘુસાડી દેઈ ફોજદારને મહાત કર્યા, અને માનસીંગે વગર ગભરાયે ભીમસીંગ બની સંઝેર ગામની જતી પ્રતિષ્ઠા કેવી રીતે બચાવી, તેનું વહુએ ટૂંકું વર્ણન કર્યું. તેજલ અને માનસીંગને ભેગાં રમતાં નિહાળી અનેક વિચારો કરતાં થયેલાં પટલાણીએ બન્નેને અત્યારે સાથે રહેવા દીધાં.

'ફોજદાર સાહેબ બહારની ઓસરીમાં એક ગોદડા ઉપર ઊંધા પગ નાખી બૂટ સાથે બેઠા. સામે મુખી જમીન ઉપર બેસી ગયા. ચુનીલાલ અડધો ગોદડા ઉપર અને અડધો જમીન ઉપર બેઠો હતો.

'અરે લાવો ચા ! શાની વાર છે ?' ઘેમરપટેલે બૂમ મારી.

'કાંઈ વાર નથી.' અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો. ઘેમરપટેલના બે દીકરાઓ પણ અંગૂઠા છોડી પિતાની સહાયે ઘરમાં આવી ગયા હતા તે ચા લાવવાના કામે રોકાઈ ગયા. તેજલ અને માનસીંગ ઓસરીની ઓથે અવરજવર કરતાં રહ્યાં.

થોડી વારમાં એક પિત્તળની થાળીમાં એક કાળાશ પડતો પિત્તળનો વાડકો, એક જાડા કાચનાં પ્યાલારકાબી અને માટીનું ઠોબરું ફોજદાર સાહેબની સામે મૂકાઈ ગયાં. લાયકાતની નક્કી થઈ ગયેલી કક્ષા પ્રમાણે ફોજદાર સાહેબની સામે ચુનીલાલે કાચનાં પ્યાલારકાબી મૂક્યાં, પોતાની સામે પિત્તળનો વાડકો મૂક્યો અને માટીનું શકોરું ઘેમરમુખી માટે તેમણે થાળીમાં જ રહેવા દીધું, તે મુખીએ જાતે લઈ લીધું.

સાહેબને ઊની ચા હરકત કરતી ન હતી, કારણ તેમની સેવામાં જાડાં જાડાં તોય કાચનાં પ્યાલોરકાબી હતાં; પરંતુ પિત્તળનો વાડકો ચુનીલાલને બહુ સતાવતો લાગ્યો. હાથની આંગળીઓ દાંઝતાં ધોતિયા વડે વાડકો ઉપાડતાં ચુનીલાલને લાગ્યું કે અનેક અનુકૂળતાવાળા ધોતિયાએ હજી હોઠને રક્ષણ આપવાનો રસ્તો બતાવ્યો ન હતો.

'રકુન સાહેબ ! આ થાળી લો.' ગડમથલ કરતા ચુનીલાલની વહારે ધાઈ મુખીએ ચાનો વાડકો થાળીમાં ખાલી કરી ચાની ગરમી ઓછી કરવાનો ઇલાજ સૂચવતાં થાળી ખસેડી. ચુનીલાલે તે લીધી અને ચા તેમાં ઠાલવી. પણ તે સાથે તેમણે ટીકા પણ કરી :

'અરે શું મુખી ! તમારા ગામમાં બે પ્યાલા પણ ન મળે ?'

'સાહેબ ! ગરીબ ગામ રહ્યું. અમને તો ચા શાની મળે ? આ તમારા જેવા ભાગ્યશાળી આવે ત્યારે બધું વાપરીએ. કાચનો એક પ્યાલો કાલે જ ફૂટી ગયો.' ઘેમરે કહ્યું. અને સાહેબે રકાબીમાંથી, ચુનીલાલે થાળીમાંથી અને પટેલે શકોરામાંથી સુસવાટાભેર ચા પીવી શરૂ કરી દીધી. ચા પીઈને સાહેબે કહ્યું : 'ઘેમરસંગ ! આ વખતે ચાલે એવું નથી.'

'શું બાપા નથી ચાલે એવું ?' નિર્દોષપણાની મૂર્તિ દેખાતા ઘેમર મુખીએ સામું પૂછ્યું.

'ચારપાંચ માણસો કાઢી આપવા પડશે.'

'પણ સાહેબ ! પેલો તો હમણાં જ છૂટી આવ્યો, અને એટલામાં બીજા ખાવા છે ?' ઘેમરસીંગે પૂછ્યું.

'તમારા ધંધા એવા હોય તેને અમે શું કરીએ ?'

'અમારા ધંધાની તો વાત જ ન કરશો. જીવ હથેળીમાં લઈ ફરવાનું.'

'નાની વાત હોય તો ઠીક, પણ આ તો દસ હજારની મહોકાણ માંડી છે !'

'ખરું કહું, સાહેબ ? માનશો ? અમારા ગામે દસ પાઈ પણ આવી નથી !'

'હું માનું નહિ ને ! એ રકમ ગઈ ક્યાં ?'

'શું કરવાને ઊંડા પાણીમાં ઊતરો છો ? કોનાં કોનાં નામ દઈએ ? અમારા લોકોને કરમે તો બંધિયા અને દાતરડું જ, હવેલીઓ બીજા કરે.' ઘેમરમુખી બોલ્યા.

'જુઓ, મુખી ! ચોરી થઈ એ વાત ચોક્કસ; તમારા ગામમાંથી થોડા રૂપિયા મળ્યા એ પણ ચોક્કસ. એકલા રૂપિયા હોત તો જુદી વાત, પણ આ તો પેલો નકશી ડબ્બો પણ સાથે જ મળ્યો. મારી ભણી એ બધું આવ્યું હોત તો હજી તમારું ગામ બચી જાત. પણ એ બધું ગયું મામલતદાર પાસે; હો. હા થઈ, પેપરે વાત ચડી. હવે શું થાય ?'

'પેલો બાવો અને વાણિયો એ બે મરવાના થયા છે. એ બધાં એમનાં કરતૂક. અમે તો સાહેબ ! કાંઈ ન જાણીએ.'

'બેસો બેસો હવે, ઘેમરસીંગ ! સીધી વાત કરતા હો તો ઠીક, નહિ તો પુરાવો બધો મળી ગયો છે. તમે અને આખું ગામ એમાં સંડોવાશો. બોલો, શી મરજી છે ?'

'અમારી માથાવટી હલકી એટલે આપ કહો તે કબૂલ કરવાનું. પણ એમાં પેલા વાણિયાને કેમ લાવશો ?'

'એ અમારા ઉપર છોડો ને, યાર ! ચારપાંચ માણસો ચોરી કબૂલ કરે અને વાણિયાને ત્યાં બધી મતા રાખી એમ જાહેર કરે, એટલે બસ.'

'અમે પકડાઈશું અને વાણિયો બચી જશે હો !'

'તે તમારે એને પકડાવીને કામ શું? એના વડે તો તમારો ધંધો ચાલે છે.'

'આ વખતે એમ નહિ બને. સંઝેરના કોળી જોડે વડજના વાણિયાને પણ હાથકડી થવી જોઈએ. નહિ તો અમે ફરી બેસશું.'

'તમારા ગામને રોટલે રઝળાવવું હોય તો તમે જાણો. વાણિયાને પકડવો મુશ્કેલ છે. એના ચોપડા તો ચોખા છે. અને તમારા ગામને પછી ઊભું કોણ રાખશે ?'

'રોટલો ભગવાન આપી રહેશે. અને વાણિયાના ચોપડા હું ઉઘાડા પાડું એમ છું. આ વખતે એ બધી જ રકમ ખાઈ ગયો અને ઉપરથી અમારા ગામ ઉપર આળ ! સાહેબ ! એને સરકાર છોડશે તો અમે ઝાલીશું. હું વચ્ચે ન પડ્યો હોત તો એ ધરમાનું હાડકુંયે હાથમાં ન આવત.' ઘેમરસીંગ બોલ્યો.

'મેં ધરમચંદને બોલાવ્યા છે, મંદિરમાં જ છે. એને અહીં બોલાવીશું?'

'એને શું બળીએ ચડાવવો છે ? આપણે તો તમારો હુકમ પહેલો. તમે કહો એટલા કાઢી આપીએ.'

'ચારપાંચને તૈયાર કરો, બેત્રણ વર્ષે પાછા આવશે.'

'મહેનત કરી જોઉં. પછી ખરાખોટા ઊભા કરી આપું. આપને ના પડાય એમ છે ?'

'એ તમે જાણો. ગામને બચાવવું હોય તો પાંચ જણે બે વરસ કેદખાનું જોવું પડે ! અને હવે તમારા ગામે માઝા મૂકી છે.'

'સાહેબ ! ખાતરી રાખો, આપની જાણ બહાર કશું નહિ થાય. અને અમે ભડકું ખાઈશું પણ આપનાં પકવાન નહિ ખૂટવા દઈએ.' ઘેમરસીંગ બોલ્યા.

ફોજદાર સાહેબે આજુબાજુએ જોયું, કોઈ હતું નહિ એની ખાતરી તેમણે કરી લીધી. બહાર નીકળી અજાણ્યા થઈ ચોરીની તપાસ કરવામાં તેઓ રોકાયા.

સાહેબે ચા પીધી ત્યાં સુધી લોકોના અંગૂઠા છૂટી ગયા હતા. પાછા ફરીને આવતાં ગુનો પાછા કબૂલ કરાવવાની એ પ્રાથમિક રીત નવેસર શરૂ થઈ.

ઘેમરમુખી ફોજદાર સાહેબની સાથે લોકોને ધમકાવતા હતા અને સમજાવતા હતા. ત્રણેક માણસોને તેઓ બાજુએ લઈ ગયા, અને કલાકેકની સમજૂત પછી એ ત્રણ માણસોને ફોજદાર સાહેબની પાટ પાછળ બેસાડી દીધા. ત્યાર પછી તેમણે માનસીંગના પિતા અભાજીને અંગૂઠા છોડાવી ઊભો કર્યો અને પોતાની પાછળ આવવા ઈશારત કરી. અભાજીના મુખ ઉપર હઠીલાઈ જડીભૂત બની ગઈ હતી.

'અલ્યા અભા ! કેમ આમ અકડુ બની ગયો છે ?' ટોળાની બહાર નીકળી ઘેમરપટેલે અભાજીને કહ્યું.

'હું તો કાંઈ અકડુ નથી બન્યો !' અભાજીએ કહ્યું.

'તારું મોં તો જ ? જાણે કોઈને ઝટકાવવા નીકળ્યો હોય. ચાલ ઘરમાં જરા ચા પી ટાઢો પડ.' ઘેમરમુખી અભાજીને ઓસરીમાં લઈ આવ્યા. તેમણે બૂમ મારી :

'એક વાડકો ચા મોકલો.'

મુખીના દીકરા બહાર હતા. એટલે ઘરમાંથી એક વહુ ઘૂમટો તાણી ચા લઈ આવી, અને તે અભાજી પાસે મૂકી ચાલી ગઈ.

'ચા પી લે.'

'મારે ચા નથી પીવી.' અભાજીએ કહ્યું.

'પી પી, હવે, ચાથી તો મહુડી વધારે ચડે.' ઘેમરપટેલ બોલ્યા.

'અં હં.” અભાજીએ કહ્યું.

'માતાના સોગન, ના પીએ તો. આ ફોજદાર જાય તેની બીજી ઘડીએ હું આખા ગામને મહુડી પાઈશ. બધો મસાલો તૈયાર છે.'

માતાના સોગન અને તે ઘેમરપટેલે દીધા, એટલે અભાજીએ ચા પી નાખી અને પછી પૂછ્યું :

'કહો મુખી ! શું કહેવું છે ?'

'કહેવાનું તો શું હોય ? તું સમજી લે ને !'

'શું સમજવાનું ? મને નથી ભાગ મળ્યો, લાગ મળ્યો. હું કશું માથે લેતો નથી.' અભાજીએ કહ્યું.

'તે હું જાણતો નથી ? પણ મોટો ભાગ તો પેલો ધરમો ખાઈ ગયો અને ઉપરથી આપણને પકડાવે છે એ જુદું.'

'પછી હું શું કામ કાંઈ માથે લઉં ?'

'તું મારો ભરોંસો રાખ. વાણિયો મારી દાઢે ચડ્યો છે. તું પાછો આવ્યો નહિ હોઉં અને તારો ભાગ તને મળી જશે.'

'તમારે શું મુખી ? કેદમાં જઈશ તો હું જઈશ, માથાં અમે વેગળાં મૂક્યાં...'

'અને મારા દીકરાને તમારી ભેગો મોકલ્યો તે ભૂલી જાય છે ?'

'ત્યારે એને જ આ વખતે જવા દો ને? હું તો પહેલાંયે છ મહિના જઈ આવેલો.'

'એમ કે ? મુખીના જ દીકરાને તારે ચોર ઠરાવવો છે ? જરા શરમ રાખ, શરમ !' ઘેમરપટેલ બોલ્યા. અત્યાર સુધી જરા પણ કડક ન થયેલી ઘેમરપટેલની આંખ કડક થઈ. અભાજીએ તે જોયું. ઘેમરપટેલની આંખ ફરતાં આખું ગામ થરથરતું. માત્ર અભાજી કદી કદી મુખીની સામે થતો.

'તે બીજા ક્યાં નથી ?' અભાજીએ કહ્યું.

'બધાએ તારા કરતાં વધારે કેદ ભોગવી છે. આ વખતે તારો વારો છે; મેં નક્કી કરી રાખ્યું છે.'

'તે હું આ વખતે તો કંઈ જવાનો નથી.'

'તું શું ! તારો બાપ પણ જશે !'

'મુખી ! બાપ સુધી ન પહોંચો.'

'તારા બાપે કદી તારા જેવું કર્યું નથી. મુખી કહે અને ના પાડે એવો તું જ એકલો ગામમાં પાક્યો !' ઘેમરમુખીની આંખ કતરાવા લાગી. અભાજી પણ પોતાની આંખમાં લાલાશ લાવતો હતો.

એકાએક ઘેમરમુખીનાં પત્ની સહજ આવું ઓઢી ચાનો વાડકો લેવા ઓસરીમાં આવ્યાં. તેમણે કહ્યું : “અભાજીને આ વખત જતા કરો. પેલી મંગી એના ઘરમાં બેસવાની છે ને !” કહી કોઈનીયે સામે નજર નાખ્યા વગર પટલાણી ઝૂંપડીમાં ચાલ્યાં ગયાં.

મુખી એકાએક ખડખડ હસી પડ્યા અને બોલ્યા :

'મર ભૂંડા ! આમ બૈરામાં લપટાયો છે ?'

'તે જેને બૈરું ના હોય તેને પૂછો, મુખી !' મુખીને સામો જવાબ આપવાની હિંમત અભાજીમાં જ હતી.

'જા જા, માળા મડદાલ ! આમ બૈરી દેખી રડી પડે એવો સંઝેરમાં તો તું જ નીકળ્યો. સાત પેઢી લજાવી ! હટ્ ! કેદખાનાથી ડરી ગયો ?'

'કેદમાં જવાની કોણ ના પાડે છે? એકબે મહિના પછી હોય તો...'

'તે એકબે મહિના પછી મંગી મરી જવાની છે ?'

'એમ નહિ પણ...'

'ત્યારે બીજું શું ? જા, ખાતરી આપું છું કે તારા આવતા સુધી મંગી બીજે નહિ જાય.' 'અને જાય તો ?'

'તું શું બોલતો હોઈશ ! ઘેમરપટેલને ધારિયું વાપરતાં નથી આવડતું, કેમ ?'

'પણ આ વખતની કેદ તો કોણ જાણે લાંબી થાય !'

'તે બેપાંચ વરસમાં તું અને મંગી ઘરડાં થઈ જશો, એમ ?'

અભાજી ગૂંચવાતો હતો. ગામ આખું મુખીને વશ હતું. રાજ ગમે તેનું કહેવાતું હોય, વાવટા ગમે તેના ફરકતા હોય, પરંતુ સંઝેરમાં તો ઘેમરમુખીની આણ ફરતી હતી. મુખીનો બોલ એ કાયદો હતો. મુખીની પાસે આસપાસના પચાસ સો ગાઉના ધનિકોની યાદી હતી. ખેતી, વેપાર કે પરદેશગમનમાંથી કોને ત્યાં કેટલો પૈસો આવ્યો તેની માહિતી ઘેમરપટેલને જેવી હતી તેવી સરકારનો વેરો ઉઘરાવનારને પણ નહિ હોય ! ઉપરાંત પાટણ, પાલણપુર, રાધનપુર અને જોધપુર જેવાં સ્થળ તો ઘેર બેઠે તેમની આંખ આગળ ખુલ્લાં થતાં જ. અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરત માત્ર નહિ, પણ દક્ષિણનાં પૂના, સતારા તથા સોલાપુર–કોલ્હાપુર તેમ જ ઉજજૈન, ઈન્દોર અને ભોપાળ જેવાં શહેર સુધી ઘેમરપટેલની આંખ ફરતી રહેતી. પગરસ્તા, રેલગાડી, નદીમાર્ગ અને કોતરના નકશા તેમની નજર આગળ ચિતરાઈ રહેતા. નાનપણથી તેઓ જુદાં જુદાં હથિયારો વાપરવામાં પ્રવીણ બની ગયા હતા. ખાતરિયું તો તેમને વશ હોય જ, પરંતુ તીર, ભાલો, ગોફણ અને ડાંગ ઘેમરપટેલને હાથ ચડતાં તો મોતનાં દર્શન કરાવતાં. થોડાં વર્ષથી તેમણે બંદૂક પણ રાખી હતી. જામગરી વાળી નહિ, પણ અદલ કરામત વાળી. અને તેઓ ઘોડી ઉપર ચડતા ત્યારે ઘોડીમાં વિમાનનો વેગ આવતો. એક વખત વીસ ગાઉ સુધી તેમણે રેલગાડીની ઝડપ સાથે શર્ત કરી કહેવાતી. રેલગાડી એમની ઘોડીથી આગળ નીકળી શકેલી નહિ.

એકલા સંઝેર ગામના જ નહિ પણ આખા મહેવાસના કોળી તેમને તાબે હતા. ઘેમરમુખી છેલ્લાં થોડાં વર્ષથી ભગત બની ગયા હતા. અને વારંવાર માળા હાથમાં રાખી રામનું નામ નવરાશમાં દીધા કરતા હતા, પરંતુ તેમની હાક એવી ને એવી જ વાગતી રહી. તેમણે એક મહત્ત્વનો મુદ્દો સાચવ્યો હતો, તેઓ સરકારી નોકર જોડેનો સંબંધ કદી બગાડતા નહિ, અને પોલીસ ખાતાને તો પોતાનું જ માનતા હતા. તેમણે કૈંક ચોરીઓ પકડાવેલી, કૈંક ગુનેગારોને ઝાલેલા, કૈંક બદમાશોનાં ટોળાં વિખેરેલાં અને કૈંક ધાડપાડુઓને જેર કરાવેલા અને પોલીસ ખાતાને તથા તેના અમલદારોને શાબાશીઓ અપાવેલી. માત્ર તેમની એક જ શર્ત હતી : એ બધા ગુનામાં ઘેમરમુખીનો હાથ હતો કે નહિ એ બાબત કોઈએ વહેમ પણ. રાખવો નહિ. પછી તેની તપાસ કરવાની તો હોય જ નહિ. કોઈ નવોસવો ફોજદાર, ઇન્સ્પેક્ટર કે તેથીય વધારે મોટો સાહેબ ઘેમરમુખી માટે વહેમાવાનું શરૂ કરે તો તેની આંખ, તેના હાથ અને તેના પગ બંધાઈ જતાં, અને તેના ખુલ્લા કાનમાં એક જ સૂર સંભળાતો : ઘેમરમુખી વગર કશું નહિ બને.

તેમણે એવી તજવીજ રાખી હતી કે દસ ગુનામાંથી પાંચની ખબર જ ન પડે, બે જુઠ્ઠા નીકળે, બે કદી સાબિત થાય જ નહિ અને એક બરાબર પકડાય, સાબિત થાય અને ગુનો શોધનારને તેનો યશ પણ મળે. પકડાયેલા ગુના માટે તેઓ જેને હુકમ કરે તેમણે ગુનો કબૂલ કરી કેદમાં જવાની તૈયારી બતાવવી પડતી હતી. અને વારાફરતી સંઝેર અને તેની આસપાસનાં ગામોમાં રહેતા અનેક યુવાનોને તેમની દ્વારા કેદખાને જવાની તાલીમ મળ્યા જ કરતી હતી.

ગુનો ક્યારે પકડાવવો તેની પણ ઘેમરપટેલને સાચી સમજ હતી. પચીસેક ગાઉ દૂર આવેલા શહેરના એક હિંદુ મંદિરમાંથી ઘરેણાં અને રોકડ મળી વીસપચીસ હજાર રૂપિયા જેટલી ચોરી વર્ષ દોઢેક પહેલાં થયેલી. ખૂબ તપાસ થઈ. પૂજારીઓ, ભક્તો અને દર્શન કરનારાઓને દેવ અવળા પડ્યા; ચોરીની તપાસમાં તેમને જે કાંઈ વીતવું જોઈએ તે વીત્યું, છતાં ચોરનો પત્તો ન લાગ્યો.

કેટલેક દિવસે સંઝેર ગામના બાવાને ધર્મશાળા દુરસ્ત કરાવતાં જમીનના પાયામાંથી એક મેલા પરંતુ નકશીદાર ડબ્બામાંથી થોડા રૂપિયા જડી આવ્યા. રૂપિયા ઘણા જૂના અને મેલા હતા. વડજ ગામના ધરમચંદ શેઠને ડબ્બો અને રૂપિયા બતાવતાં તેણે અત્યંત પ્રામાણિકપણું બતાવી જમીનમાંથી મળેલું ધન સરકારી હોવાના કારણે મહાલે મોકલવા બાવાને સૂચના કરી, અને ચારે બાજુએ તેમણે વાત ફેલાવી કે જૂના જમાનાના સિક્કા સંઝેર ગામમાંથી મળી આવ્યા છે. વર્તમાનપત્રોના ખબરલેખકોએ તે વાતને જગજાહેર કરી અને સિક્કા મહાલે પહોંચી ગયા. એ સિક્કા બહુ જૂના ન હોવાનું પોલીસ તપાસમાં નીકળી આવ્યું અને ફોજદાર સાહેબે મંદિરની ચોરી સાથે આ જડી આવેલા ધનને સાંકળી પોતાની બાહોશી બતાવવાનો નિશ્ચય કરી ઘેમરમુખીની સહાય લીધી.

ઘેમરમખીને ખબર ન હોય એવી ચોરી આસપાસ કદી થતી નહિ. આ ચોરી પકડી આપવાનું તેમણે બીડું ઝડપ્યું, અને પોતાના જ ગામમાંથી એ ચોરીના ગુનેગારો મળી આવશે એમ ફોજદાર સાહેબને જાહેર કરી દીધું. પરંતુ સાથે સાથે વડજગામના ધરમચંદને પણ આ કાર્યમાં સંડોવવાની જરૂર છે એ મુદ્દા ઉપર તેમણે ફોજદાર સાહેબનું ધ્યાન ખેંચ્યું. જેમ વધારે માણસો ગુનામાં સંડોવાય તેમ પોલીસ અમલદારને વધારે ખુશાલી, અને તેમાંયે ધરમચંદ જેવા મોટા પ્રતિષ્ઠિત વ્યાપારી અને જમીનદારનું ગુના સાથે જોડાણ થાય તો પોલીસ ખાતાના નાના મોટા અમલદારોમાં તેજી આવે એમ હતું. એટલે ફોજદાર સાહેબે ધરમચંદને પણ પકડી મંગાવી ધર્મશાળામાં બેસાડી રાખ્યા હતા.

પણ ગામના ગુનેગારોને ઊભા કરવામાં રોકાયેલા ઘેમરપટેલને અભાજીનો વિશ્વાસ ન હતો. બીજા ચાર જણાએ વગર બોલ્યું ગુનો કબૂલ કરવાની તૈયારી બતાવી પરંતુ અભાજી એમ કોરો કાગળ આપતો ન હતો.

મંગી સાથે પરણવાની તેની ઇન્તજારી ઘેમરપટેલને હાસ્યપાત્ર લાગી. બેપાંચ વર્ષ કોઈનાં લગ્ન કે પુનર્લગ્ન મુલતવી રહે તેમાં ઘેમરપટેલને દુઃખ થાય એવી સુંવાળાશ તેમણે કેળવી ન હતી.

'ઘરડાં નહિ થઈએ, પણ મંગી જરૂર જતી રહેવાની.' અભાજીએ પ્રેમવેદના ગાઈ.

'મૂરખ, મૂરખ, મૂરખ ! મંગી વગર બીજી કોઈ બૈરી જ દુનિયામાં તને નહિ મળે ? તું એક વખત જઈ આવ, અને પછી જો કે ઘેમરપટેલ તને બે મંગીઓ સાથે પરણાવશે.'

આનો ઉત્તર આપવો મુશ્કેલ થઈ પડ્યો. બેપાંચ વર્ષનો જ પ્રશ્ન હતો. અને એકને બદલે બે મંગીઓ લાવી આપવાનું વચન દેનાર ઘેમરપટેલને મંગીના કારણે હવે હૂકવાય એમ હતું નહિ એટલે અભાજીએ બીજી વાત કરી : 'પણ આ મારો માનસીંગ એકલો પડશે તેનું શું?'

'તારો માનસીંગ તારા જેવો નહિ નીકળે. જોયું નહિ કેવો ચબરાક છે તે ? કહેતા બરોબર એણે નામ બદલી નાખ્યું. એનો ઊંચો જીવ ન કરીશ. એ મારે ઘેર રહેશે અને કામ કરશે. હવે કાંઈ ?'

અભાજીને એ બાબતનો ઉત્તર પણ મળી ગયો. બહુ દિવસથી અભાજીને કહેવામાં આવ્યું હતું કે હવેની ચોરીમાં તેનું નામ દેવાનું છે. કેદમાં જવું પડશે એની તેને ખાતરી હતી, અને મંગી સાથે પરણી લેવાની તેને ઉતાવળ હતી. પરંતુ મંગીએ થોડા દિવસ માન માગ્યું, અને તેણે નાતરું કરવાની હા પાડી ત્યારે બ્રાહ્મણે મુહૂર્ત વહેલું ન શોધ્યું. એ બ્રાહ્મણને ગરદન મારવો કે કેદમાં ધકેલી દેતા ઘેમરમુખીને ગરદન મારવો તેની તુલના કરતા અભાજીએ કશો જવાબ ન આપતાં મુખ ઉપર મૂંઝવણ અને ક્રૂરતાને જ દેખાવા દીધી.

પરંતુ ઘેમરપટેલે અભાજી જેવા કૈંક ક્રૂર ઠાકરડાઓની ક્રૂરતાને ઘોળી પીધી હતી. તેમણે બેપાંચ ક્ષણ જવાબ માટે રાહ જોઈ, અને પછી અભાજીને પણ ભય લાગે એવું મુખપરિવર્તન કરી જણાવ્યું:

'અને હવે જો બહાનું કાઢ્યું છે તો તને જીવતો જ નદીમાં દાટી દઈશ. ખબર નથી કે હું ક્યારનો તને પટાવું છું?'

અભાજીને જીવતો દાટી દેવાની ઘેમરપટેલની શક્તિ અભાજીના ધ્યાન બહાર ન હતી. કચવાતા મને અભાજીએ કહ્યું : 'તે તમને ક્યો ના પાડે છે ? આ તો મારા મનમાં કે આ વખત નહિ ને આવતી વખતે મારો વારો રાખો.'

'ગયા વાર વખતે તારી બૈરી માંદી હતી, તે પહેલાં તારો દીકરો માંદો હતો. માળો જાતવાન છે કે કજાત ?'

'ગાળો ના દેશો મુખી ! મેં કંઈ કેદમાં જવાની ના નથી પાડી.'

'તે એમ માણસ જેવું ભસ ને ! ચાલ, સમજ્યો એ સારું કર્યું. તારી મંગીને કોઈ ઝાંપડોયે લઈ જવાનો નથી, અને તારા માનસીંગને કોઈ વાઘે ખાવાનો નથી. ફિકર ન રાખીશ.' કહી ઘેમરપટેલે હુક્કો અભાજીને પીવાને આપ્યો. મુખી હુક્કો આપે એ માનની પરાકાષ્ઠા ગણાય. અભાજીએ. નેહમાંથી થોડી વરાળ લીધી અને મુખીને હુક્કો પાછો આપ્યો.

ઓસરીમાંથી બહાર નીકળતાં નીકળતાં ઘેમરપટેલ બોલ્યા : 'અલ્યો કોણ ભીંત પાછળ ભરાયું છે ?'

'એ તો બાપા હું બહાર નીકળતી હતી.' તેજલનો સૂર સંભળાયો, તે દેખાતી ન હતી, છતાં તેના પગરવની જાણ પટેલને થઈ ગઈ હતી.

'મૂઈ ! હજી જાગે છે ? સૂઈ જા ને !' કહેતા કહેતા પટેલની સાથે અભાજી પણ આગળ ચાલ્યા.

'માનસીંગ ! તું તો હવે મારા ઘરમાં જ રહેવાનો !' તેજલે સંતાવાની જગા છોડી કહ્યું. આ આખી ચર્ચા તેજલ અને માનસીંગે સંતાઈને સાંભળી હતી. તેજલને થતો આનંદ માનસીંગને થયો કે નહિ તે માનસીંગના મુખ ઉપરથી સમજાયું નહિ. પોતાના પિતાને થોડાં વર્ષ કેદખાને જવાનું જ છે એ ખ્યાલ તેને ચિંતાપ્રેરક નીવડ્યો. બાપનો માર પડતાં બાપને જ ઠાર કરવાની શક્તિ માગતો પુત્ર બાપના કારાવાસનો સંભવ વિચારી વ્યગ્ર બન્યો. ક્રૂર પિતા તેનો સાથી હતો. ક્રૂર સાથીદાર પણ છોડી જાય ત્યારે ભયભય એકાંતનો ઓથાર મૂંઝવી નાખે એવો બની જાય છે.

'કેમ બોલતો નથી ? કહું સિપાઈને કે તને સોટી ચમચમાવે ?' તેજલ હસતાં હસતાં બોલી.

'મને સોટી મારનારનું આવી બન્યું જાણજે !' માનસીંગ જાગૃત થઈ બોલી ઊઠ્યો. તેને ચિંતામાંથી મુક્તિ મળી. દુઃખ અને અપમાન ઘણી વાર સુષુપ્ત જીવનને જાગ્રત કરે છે.

'મોટો ના જોયો હોય તે ! કશું જોર તો છે નહિ ! મારી જોડે તો હારી જાય છે !' કહી તેજલે માનસીંગના વાંસામાં એક ધબ્બો માર્યો અને તે હસતી હસતી દોડી ગઈ.

રાત્રિના અંધકારમાં માનસીંગ ધીમે ધીમે વીખરાતા ટોળામાં ભળી ગયો.

'જાઓ, ભાગો અહીંથી ! તમારા બાપનું શું દાટ્યું છે અહીં ?' ઘેમરપટેલ બૂમ પાડી મેદનીને વિખેરતા હતા.

ફોજદારસાહેબ, ચુનીલાલ અને સિપાઈઓ પાંચેક માણસોને સાથે લઈ આગળ ફાનસ પકડાવી ધર્મશાળા તરફ જતા હતા.

માનસીંગ ઊભો રહ્યો. ટોળામાંથી તે છૂટો પડ્યો. પોલીસની સાથે જતા પોતાના પિતાને તે જોઈ રહ્યો. થોડે દૂર સાથે જઈને તેણે પૂછ્યું:

'બાપા ! રાતે પાછા આવશો ને ?'

અભાજીએ માનસીંગ તરફ જોયું. તેની ક્રૂર આંખમાં આછી મૃદુતા ઊતરી આવી.

'ગભરાતો તો નથી ને ?' અભાજીએ પૂછ્યું. માનસીંગે જવાબ ન આપ્યો. એક પોલીસ સિપાઈએ કહ્યું :

'ચાલ, છોકરા ! ભાગ અહીંથી !' અને તેણે સોટી ઉગામી. માનસીંગે પોતાના હાથમાં પકડેલી ડાંગ ઊંચકી અને હતું એટલા બળ વડે સિપાઈના માથામાં ફટકારી. કડિયાળી ડાંગ બાળક પણ મારે તો વાગે. માનસીંગ છેક બાળક ન હતો, તેના શરીરમાં કુદરતી જોર હતું. રાતના આખા દૃશ્યે તેને મૂંઝવ્યો હતો, સોટીના ચમચમાટે તથા તેજલના મહેણાએ તેને ઝનૂની બનાવ્યો હતો. સિપાઈની સોટી દેખતાં તેના હૃદયે બળવો કર્યો અને કશો પણ વિચાર આવે તે પહેલાં તેણે ડાંગનો ફટકો સિપાઈને લગાવી દીધો.

ફટકો મારતા બરોબર માનસીંગને લાગ્યું કે તેણે કાંઈ અયુક્ત કાર્ય કર્યું છે. શું થયું એની અંધારામાં કોઈને પણ સમજણ પડે તે પહેલાં માનસીંગે દોટ મૂકી.

સિપાઈ તમ્મર ખાઈ નીચે પડ્યો. તેના માથામાંથી લોહી નીકળતું હતું. સિપાઈએ ચીસ પણ પાડી, આસપાસ બધા ભેગા થઈ ગયા, અને માનસીંગની તપાસ કરવાને બદલે સિપાઈની સારવારમાં જ બધા પડ્યા. જરા રહી જોયું તો માનસીંગનો પત્તો જ ન પડ્યો.