હૃદયવિભૂતિ/ઘડતર/પ્રકરણ ૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૪ હૃદયવિભૂતિ
પ્રકરણ ૫
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૬ →


રાત્રિનો અંધકાર પ્રથમ દર્શને પરમ શાન્તિનું ભાન કરાવે છે, પરંતુ એ શાન્તિ માત્ર નામની જ. ઘરમાં સૂતાં સૂતાં અનુભવવી હોય ત્યારે જ સમજાય એવી હોય છે. ઘરની બહાર નીકળતાં અંધકાર અનેક આકૃતિઓ ઊભી કરે છે; શાન્તિના સાદ અનેક વિકૃત સૃષ્ટિઓ જગાડે છે. અંધકાર જીરવવા માટે બહાદુરી અગર ગ્રામ્યતાની જરૂર છે.

ઝાડ જરા હાલ્યું ! અંદરથી જીન પ્રગટી નીકળ્યો શું ?

ચીબરી બોલી કે ચુડેલ ?

એ તમરાંનો તમતમાટ કે પ્રેતનું ગીત ?

નદીની રેતીમાં કોણ લાંબું થઈને સૂતું હશે ? બ્રહ્મરાક્ષસ ?

એ ઝાંખરાં ન હોય, જોગણીની જટા છે !

કોતરમાંથી કાળભૈરવ સામો આવે છે શું ?

ભેખડને માથે તારો ચમકતો હશે કે ડાકણની આંખ ?

ફાલુનાં હાસ્ય હોય નહિ; લૂંટારાઓના સંકેત જ હોય !

શિયાળ રડ્યું કે શિકોતરી ?

આવું આવું ભાન કરાવતી રાત્રિના અંધકારમાં જમરાજાની સવારી પૂરા ઠાઠથી નીકળી હોય છે. ગામડાંના લોકો ભાથીજીનાં કે ખેતરપાળનાં નામ લેતાં અંધકારનાં ભયાનક સત્ત્વો વચ્ચેથી માર્ગ કરી શકે, પરંતુ શહેરી જીવન ગાળનાર સુખી સ્ત્રીપુરુષ સંઝેર જેવા ગામની સીમમાં કે કુશ્પીની ટેકરીઓમાં એકલાં રાતે નીકળે તો તેમને મૂર્છા આવે કે ઘેલછા ઊપડે.

એ અંધકારમાં અણટેવાયલી આંખે ઝાંઝવાં વળે છે. તોય એમાં કુશ્પી નદીની ભેખડે કોઈ ઊતરતું હતું. ભેખડ ઊતરી નદીની રેતીમાં પગ મૂકી ચાલતાં તેને લાગ્યું કે રાત્રિની શાન્તિ ધીમાં પગલે પણ ભારે સૂર આપતી હતી. જેમ તેમ કરી નદીનો લાંબો પટ તેણે ઓળંગ્યો.

સામે પાર નાની ઝાડી હતી. વડ, સીમળાં, લીમડા અને જૂજજાજ આંબાના ઝાડને ઘેરી રહેલી બાવળી આ વૃક્ષસમૂહને ઝાડીનું નામ આપતી હતી. એ ઝાડીમાંથી રસ્તો જતો નહિ, માત્ર પગદંડીઓ જાનવરે પાડેલી. ઝાડી મૂકી એટલે ચોમાસામાં ફરી વળતો કુશ્પીનો એક નાનો ફાંટો રેતી વેરી રહ્યો હતો. એ મૂકતાં જ એક મોટો કૂવો અને હવાડો વૃક્ષોની છાયામાં છુપાઈ રહેતો.

કૂવો આવતાં જ એ વ્યક્તિના પગ અટક્યા, અને તેનાથી બોલાઈ ગયું:

'કોણ છે એ ?'

સ્ત્રીનો અવાજ અંધકારમાંયે ઓળખાયો. પરંતુ એમાં આછા ભયનો થડકાર હતો.

'જે હશે તે ! તારે શું છે ? જે રસ્તે આવી તે રસ્તે ચાલી જા.' સામે જવાબ મળ્યો, એ જવાબ પણ એક સ્ત્રીનો જ લાગ્યો. તેને લાગ્યું કે કોઈ પ્રેતયોનીનું સત્ત્વ તેની પાછળ આવ્યું છે.

'તેજલ ને તું તો ?' સામો પ્રશ્ન પુછાયો.

'આ તો નામે જાણે ! રામ, રામ, ભાથીજી, ગોરખનાથ, મછેંદરનાથ!' પ્રેતથી બચવા માટે તેણે મંત્રમાં આવતાં નામો દેવા માંડ્યાં.

'મૂઈ ! આટલે આવી અને હવે બીએ છે શાની ?'

'કેમ મારી પાછળ આવે છે ? પાછી જા ! ભાથીજીની તને આણ છે ! વાઘેણી માતા તને પૂછે જો આગળ આવી તો...'

'જરા ભાન રાખ ! હું ડાકણ નથી, શાકણ નથી...'

'ત્યારે કોણ છે તું ?'

'હું મંગી ! જરા જો તો ખરી ?'

'મંગી ? તું ક્યાંથી ? હાશ ! બહુ સારું થયું તું આવી તે ! હું તો બીઈને મરી ગઈ ! હમણાં જ મારાથી ચીસ પડાઈ જાત.' તેજલે કહ્યું.

મંગી પાસે આવી તેજલની ખાતરી થઈ કે તે મંગી જ હતી.

'હું તારી પાછળ પાછળ આવી. મને લાગ્યું કે પેલો માનિયો તને કહીને જે ભાગ્યો હશે. હું એને જોતી હતી.' મંગીએ જવાબ આપ્યો.

'તારે માનસીંગનું શું કામ પડ્યું ?'

'રાતે ખાધાપીધા વગર નીકળ્યો છે. એનો બાપ તો પોલીસના જામામાં ગયો, અને એણે અકર્મીએ પણ એ જ ધંધો શરૂ કર્યો. જોયું નહિ એણે પેલા સિપાઈને ડાંગ મારી તે ?'

'મારેસ્તો ! સિપાઈએ એને શા માટે સોટી મારી ?'

'એ તો સિપાઈનું કામ જ છે. પણ આ આવડો છોકરો ! અત્યારથી આમ હાથ છૂટો કરવા માંડ્યો છે તે એનું શું થશે ?'

'પણ એ ક્યાં નાઠો એની કોઈને ખબર છે ?' ‘મારા મનમાં કે તને કહ્યું હશે, માટે તો તારી પાછળ આવી.’

‘એ તે કહીને જાય ? મહામીંઢો છે ! કહેતો હતો કે સિપાઈને ડાંગ મારવી છે. પણ મને શી ખબર કે રાતમાં ને રાતમાં આમ મારી બેસશે ?’

‘ત્યારે તું અહીં શું ધારીને આવી ?’

‘મને લાગ્યું કે માનસીંગ નાસીને ક્યાંઈ જાય તો લાલા પીરના વડે જ સંતાય.'

‘પણ તને ભલી આવવા દીધી !'

‘આવવા કોણ દે ? બધા એને પકડવા નીકળ્યાં. તે ભેગી હું અહીં ચાલી આવી !'

‘તેજલ ! એણે જુલમ કર્યો. એને હવે કેદમાં જવું પડશે. એનો બાપ તો એ છોકરાને મારી પાસે માગશે ! મને સોંપીને ગયા છે.’

‘પકડાશે ત્યારે કેદમાં જશે ને ?’ તેજલ બોલી.

‘એ કાંઈ ચાલશે ? ઘેમરપટેલ જ પકડાવી દેશે. પટેલ ધારશે તો એને કાલ સવારે ઝાલશે. એ છોકરું ભાગીને ક્યાં જવાનું હતું !’

કૂવાના થાળા ઉપર તેજલ બેઠી હતી. મંગી પણ એની પાસે જ બેસી ગઈ. રાત્રીનો ત્રીજો પ્રહર ચાલતો હતો. ભયાનક સૂનકારમાં એક યૌવના અને એક કિશોરી વણઝારા કૂવાને થાળે બેસી વાતો કરી સૂનકારનો ભય ટાળતાં હતાં.

વણઝારા કૂવા પાસે એક મોટો વડ હતો. એ વડમાં એક ઝૂંપડી જેવી બખોલ હતી, અને તેમાં સિંદૂર ચોપડેલો પાળિયો મૂકેલો હતો. એ પાળિયા ઉપરનું ચિત્ર તો સિંદૂર નીચે ઢંકાઈ ગયું હતું, પરંતુ સંઝેરના લોકો એને વાઘેણી માતા કહેતા અને કુશ્પી દેવીથી બીજે ક્રમે તેની માનતા રાખતા.

પાસે એક ઈંટનો છલ્લો હતો. વર્ષો પહેલાં કોઈ મુસ્લિમ ફકીર ત્યાં ધૂપ કરતો હતો. એ સ્થાન લાલા પીરના સ્થાનક તરીકે ઓળખાતું હતું. ગામના લોકો બન્નેને પગે લાગતા હતા. વડનું નામ પણ લાલા પીરનો વડ પડ્યું હતું.

વડનો વિસ્તાર અત્યંત વિશાળ હતો. જમીનમાં ચોંટેલી વડવાઈઓ વડશ્રેણી ઊભી કરી હતી, અને લટકતી વડવાઈઓ એ વિસ્તારને ભુલભુલામણીનું સ્વરૂપ આપતી હતી. વણઝારા કૂવા ઉપર પણ વડની ડાળો પથરાઈ ગઈ હતી. દિવસે ગામનાં ઢોર ત્યાં આશ્રય લેતાં અને રાત્રે સંઝેર ગામમાં ન બની શકે એવાં કાર્યો વડ નીચે થઈ શકતાં.

માનસીંગ અને તેજલ ઢોર ચારવા નાનપણથી અહીં આવતાં અને અન્ય બાળકો સાથે વડ ઉપર આમલીપીપળી રમતાં હતાં. વડમાં સંતાકૂકડી રમાતી ત્યારે સંતાનારને શોધી કાઢવામાં બહુ મુશ્કેલી ઊભી થતી. વડની મોટી મોટી ડાળીઓ, અને ઘટા રચતાં પાંદડાં, વચ્ચે વચ્ચે લંબાતી વડવાઈઓ અને તેમાંથી ઊભાં થયેલાં થડ એ વડને ગુપ્ત સ્થાનનું પણ મહત્વ આપતાં હતાં. વડમાં સંતાયેલા બાળકને શોધવો એ લગભગ અશક્ય મનાતું. અને કોઈ ગુનેગાર એમાં સંતાય ત્યારે એની શોધ લગભગ મૂકી દેવામાં આવતી હતી. વડમાં સંતાનારને વાઘણી માતાનું તેમ જ લાલાપીરનું રક્ષણ પણ મળતું હતું. હિંદુની અનાર્ય દેવી અને મુસ્લિમ પીર અહીં ધર્મભેદ ભૂલી શાન્તિથી રહેતાં હતાં, અને ઘણી વખત એક દેવની પ્રસન્નતા મેળવવા ગામલોકો બીજા દેવને વીનવી હિંદુમુસ્લિમ ઐક્યને વગર સમયે સિદ્ધ કરતા હતા.

તેજલને સ્વાભાવિક રીતે જ લાગ્યું કે ગામમાં તપાસ કર્યા છતાં ન મળતો માનસીંગ વડ પાસે જ આશ્રય શોધી રહ્યો હોવો જોઈએ. સિપાઈને મારી તે દોડી ગયો ત્યાર પછી થોડી વારે આખા ગામમાં એ ગુનાની હો હો થઈ ગઈ, અને ગામના લોકો ઘેમરમુખીની આગેવાની નીચે ઝંપડેઝૂંપડી ખોળી વળ્યા.

'મળસ્કે હાથ આવશે. જઈ જઈને એ ક્યાં જશે ?' ઘેમરમુખીએ અડધી રાત્રે શોધ અધૂરી મૂકવાનું કારણ બતાવ્યું. સિપાઈની સારવાર ચાલુ હતી અને પકડાયેલા ગુનેગારોના જવાબો પણ ચુનીલાલ બાહોશીથી લખતા હતા, એટલે માનસીંગને રાત પૂરતો સહુએ વિસારે નાખ્યો.

પરંતુ તેજલે એને વિસાર્યો નહિ. પોતાના ઘરમાં જ માનસીંગ રહેવાનો હતો એના આનંદભર્યા વિચાર કરતી એ બાલિકાએ જ્યારે સાંભળ્યું. કે માનસીંગ પોલીસને ડાંગ મારી ભાગી ગયો છે, ત્યારે તેને પ્રથમ તો ગર્વ થયો.

'આવડો નાનો ! પણ કહેતો હતો એમ એણે કર્યું ખરું!' તેજલે વિચાર કર્યો. પરંતુ જ્યારે એણે જાણ્યું કે માનસીંગને તો પકડી કેદમાં પૂરવાનો છે ત્યારે તેને આછો કંપ થયો. એને થોડા દિવસ સંતાડી રાખ્યો હોય તો ? એને થોડા દિવસ ગામમાંથી નસાડી મૂક્યો હોય તો ? લોકો ભૂલી જશે, પોલીસવાળા થાકશે અને માસ બે માસમાં માનસીંગને પાછો ઘેર લાવી શકાશે, એવી કલ્પનામાં પડેલી તેજલને રાત્રે નિંદ્રા ન આવી. થોડાં માણસો હજી ગામમાં શોધખોળ કરતાં હતાં, પરંતુ મોટા ભાગનાં માણસો સૂતાં હતાં. ચોરપગલે તેજલ ઊઠી અને લાલા પીરના વડનો તેણે માર્ગ લીધો.

ઘણી વખત તે અંધકારમાં ફરતી હતી, એકલી પણ ફરતી હતી, પરંતુ તે મધરાત પછી નહિ. આજે મધરાત પછી તે ચાલી નીકળી. જગતને લાગતો અંધકાર તેની આંખને રોધી શક્યો નહિ. માનસીંગને મળી તેને ગુનાની ભયંકરતા સમજાવી સંતાડી રાખવો કે નસાડી મૂકવો એનો વિચાર કરતી એ બાલિકાને ન ટેકરા કે કોતરની, રેતીના પટ કે ઝાડીની, કૂતરાંના ભસવાની કે શિયાળના રડવાની બીક લાગી. તે આવીને વણઝારા કૂવાના થાળા ઉપર બેઠી અને બેસતા બરોબર તેને એકાએક ભય લાગ્યો.

ભયનું કારણ પણ મળી આવ્યું. એનો પીછો કોઈ લેઈ રહ્યું હતું ! ભૂતપ્રેત સિવાય મધરાત પછી કોણ પાછળ પડે ? પરંતુ એનો ભય ધન બની જાય તે પહેલાં તો એણે જોયું કે એની પાછળ આવતું સત્ત્વ કોઈ પ્રેત નહિ પરંતુ જીવતીજાગતી મંગી હતી. ભૂત મંગીનું રૂપ ધારણ કરે એ ખરું, પરંતુ રામનામ દેતાં ભૂત હોય તો ભાગી જાય એ સિદ્ધાન્ત તેને આ વખતે કામ લાગ્યો. રામનું નામ દેતાં પણ ન ભાગનાર માનવી જ હોઈ શકે ! મંગીની હાજરીએ તેજલના ભયને નષ્ટ કરી નાખ્યો.

'મંગી ! એને અહીં સંતાડી રાખીએ તો ? બાપાને કહીશું.' તેજલે પૂછ્યું.

'એવું તેવું રખે કહેતી ! તારા બાપા તો મુખી છે અને ગુના કરનારને ન પકડાવે તો સરકાર એમનું મુખીપણું ગૂંચવી લે, ખબર છે ?' રાતની વાત આ અજ્ઞાન બાલિકા મુખીને ન કરે એ માટે મંગીએ તેજલને સમજ પાડી.

'ત્યારે શું કરવું ?' તેજલે પૂછ્યું.

'હજી માનિયો જડે તો ખરો !'

'અહીં જ હશે. જો એ જડશે તો વાઘેણી માતાને કાલે જ હું નાળિયેર વધેરીશ.' તેજલ બોલી.

ગામમાં એકાએક કૂતરાં ભસી ઊઠ્યાં હોય એવો ભાસ થયો. એ ભાસ ન હતો, થોડી વારમાં એ સત્ય સમજાઈ ગયું. એક કૂતરાએ ભયાનક ચીસ પાડી અને ટ્યાહુ ટ્યાહુ કરતું તે જાણે ખેંચાતું હોય એમ કળકળીને શાન્ત થઈ ગયું. કૂતરાં પણ ભસવા અને રડવાનું કાર્ય ચાલુ રાખી રહ્યાં.

સાથે શિયાળ પણ રડી ઊડ્યાં. વડની વડવાઈઓને ઓથેથી ઝટપટ દોડી જતાં જાનવરોના ઓળા દેખાતા હતા. ક્વચિત્ અંગાર ચમકી ઊઠતા હોય એમ કેટલાંક શિયાળ કૂવા ભણી જોતાં ત્યારે લાગતું. એ બિહામણાં અંગારાએ બંને સોબતીના હૃદયમાં ધડકાર ઉપજાવ્યો.

'કુશ્પીનાં કોતરોમાં વાઘ ખરા, નહિ મંગી ?' તેજલે પૂછ્યું.

'વાઘ તો હોય જ ને !' 'અહીં આવે તો ?'

'વડે ચઢતાં આવડે છે કે નહિ ?'

'વખતે વાઘ પણ ચઢી જાય, આ વડવાઈએ ચડવું સહેલું છે.'

'હું અને તું કેવાં મૂરખ ? શું જોઈને આ અંધારી રાતે અહીં આવ્યાં હોઈશું ?'

'કેમ ? માનસીંગ તો મારો ભીલુ છે એટલે હું આવું. પણ, મંગી ! તું કેમ આવી ?'

'જો ને ! અભાજી રોજ કહેતા કે હું એના ઘરમાં બેસું તો માનસીંગ જરા સુખી થાય.'

'પણ હવે તો અભાજી કેદમાં પડશે. તું શું કરીશ ?'

'માનસીંગને સંભાળી બેસી રહીશ. વરસ બે વરસમાં તો અભાજી આવશે ને ?'

'મંગી ! તને અભોજી જેવો મારકણો વર ગમશે ખરો ?'

તેજલની ઉંમર મંગી સાથેની વાતચીતમાં વધી ગઈ. અભાજી વિરુદ્ધ માનસીંગની રોજ ફરિયાદ આવતી તે સાંભળી તેજલે કહ્યું.

'છાની મર, ચિબાવલી ! મોટાંની વાતમાં તારે કેવું પડવું? જો, જરા બૂમ તો પાડી જો કે માનસીંગ અહીં હોય તો જવાબ આપે ?'

બન્નેને આછી આછી બીક લાગવા માંડી હતી. ઝડપથી અનેક વાતો કરતાં કરતાં બીક ભુલાઈ જાય એ ઉદ્દેશથી તેમણે આવી વાતો શરૂ કરી હતી. બૂમ પાડવાથી બીક સમૂળ જતી રહે એમ હતું. એટલે તેજલે ધીમી બૂમ પાડી :

'માનસીંગ ! એ માનસીંગ !'

હવામાંથી પડઘા બોલી ઊઠ્યા :

'એ માનસીંગ !'

થોડી વાર રાહ જોયા છતાં કોઈ બોલ્યું નહિ એટલે મંગીએ જરા મોટેથી બૂમ મારી :

'માનસીંગ ! એ માનિયા !'

આકાશ, હવા અને કૂવો ત્રણે બોલી ઊઠ્યાં : 'એ માનિયા !'

સહુની બૂમનો જવાબ સૂનકારમાં આવ્યો. માનસીંગ બોલતો સંભળાયો નહિ. 'મૂઓ ક્યાં ભરાયો હશે ?' મંગી બોલી.

'હોય તો આટલામાં જ.'

'ત્યારે બોલતો કેમ નથી ?'

'એ છે જ એવો ! જિદ્દી, હઠીલો ! મૂઆને એનો બાપ મારતો એ જ ઠીક હતું.' તેજલે કહ્યું.

અને એકાએક બન્નેના દેહમાં થડકાર ઉત્પન્ન થયો.

કૂવાની સામે એક ઝાડને ઓથે બે ગોળ મોટા અંગાર તેજલ અને મંગી સામે સ્થિરતાપૂર્વક ચમકચમક થઈ રહ્યા.

કૂતરાં ભસતાં બંધ થઈ ગયાં હતાં, શિયાળનું રુદન શાંત પડી ગયું હતું; તમરાં પણ પોતાનો શ્વાસ અધ્ધર લઈ બેસી રહ્યાં હતાં.

બે અંગારાની આસપાસ એક ભયાનક આકૃતિ અંધકારમાં પણ સ્પષ્ટ બનતી જતી હતી. એકી નજરે જોયા કરતા એ પ્રાણીની આંખનો ચમકાર હીરાને પણ લજવે એવો હતો. એના સ્થિર પ્રકાશમાં ક્રૂર પણ દૃઢ નિશ્ચય દેખાતો હતો. એણે બે માનવીઓને નિહાળ્યાં. માનવીનો પરિચય એ પ્રાણીને છેક ન હતો એમ તો ન કહેવાય. પરંતુ બનતાં સુધી તે માનવીની નજરે પડતું નહિ અને માનવીને છેડતું પણ નહિ. છતાં માનવીની એને બીક તો ન હતી. આંખ સ્થિર કરી એ પ્રાણી માનવીનો તેજોવધ કરતું હતું, અને માનવીને થથરાવી સામે થવાની માનવીની શક્તિ હરી લેતું હતું.

પ્રાણી થડને ઓથેથી સહજ આગળ વધ્યું. આંખ તો તેની મીંચેલી હતી જ નહિ. બન્ને સ્ત્રીઓ ઉપર તેણે પ્રથમથી જ કરેલું ત્રાટક ચાલું જ હતું. તેજલ અને મંગી થોડી ક્ષણ મૂંગાં બની ગયાં. તેમની બોલવાની કે બૂમ પાડવાની શક્તિ અદૃશ્ય થઈ હતી. પ્રાણી તલપ મારવામાં કેમ વાર કરતું હતું તેની સમજ ન પડી, અને મંગીએ ધીમે રહીને કહ્યું.

'તેજલ ! આંખ ન મીંચતી. સામે જોયા કરજે.'

હિંસક જાનવરની સામે ટગર ટગર જોયા કરવાની હિંમત માનવીમાં હોય તો એ જાનવર નાહિંમત બની જાય છે, એવી પ્રચલિત માન્યતાનો મંગીએ આધાર લીધો. તેજલ એકલી ન હતી એટલે તેની બીકમાં ભાગ પડ્યો. બન્નેએ અંગારા વરસતી આંખો તરફ જોયા કર્યું.

હિંસક જાનવરને જાણે ઉતાવળ ન હોય તેમ તે ધીમે ધીમે આગળ વધતું હતું.

'તેજલ ! વાઘ ન હોય. આ તો ઝરખ છે !' મંગીએ કહ્યું.

'વાઘ હોય તો ક્યારનો ખસી ગયો હોય ! પણ આ તો હલકટ ઝરખ! એ કેડો નહિ મૂકે.' તેજલ બોલી.

હિંસક પ્રાણીઓમાં પણ જાતવાનપણાની કલ્પના માનવી કર્યા કરે છે. વનરાજ સિંહને ઉદારતાભર્યો આપણે માનીએ છીએ; વાઘની ખાનદાની એથી ઊતરતી. પરંતુ ચિત્તા, વરુ અને ઝરખ તો અધમ કોટિનાં હિંસક પ્રાણીઓ ગણાય, એમની પાસે ઔદાર્યના નિયમો ન હોય.

'હાથમાં લાકડીયે હોત તો કેવું ?' મંગી બોલી.

અને ઝરખ પોતાના નીચા ઢસડાતા પગ ખેંચતું વધારે નજીક આવ્યું. ઝરખનો પાછલો ભાગ તદ્દન નિર્માલ્ય દેખાતો હતો. પરંતુ તેનું મુખ, આગલા પગ અને તે ઉપર ઝૂકતી ગરદન મજબૂતીભર્યાં હતાં. તેના મુખ ઉપર સિંહનો રુઆબ ન હતો, વાઘનો મોરો ન હતો અને વરુની કૂર તીણાશ ન હતી. ઝરખની હિંસક ક્રૂરતામાં આછી મૂર્ખાઈનો ભાસ થતો હતો. અંધકારમાં પણ ઝરખ ઓળખાઈ આવ્યું.

એકી ફાળે તે બન્ને સ્ત્રીઓ ઉપર તૂટી પડે એટલું પાસે આવતાં તેણે પોતાની ટૂંકી પૂંછડી જરા હલાવી અને બેડોળ ચિત્કાર કર્યો. તેજલ અને મંગીએ જાણ્યું કે આ જાનવર તેમના ઉપર તૂટી પડે છે. તેમાંથી એક છૂટું રહે તો ઝરખની સામે થવાની તક લેવી એવો નિશ્ચય બન્નેએ કરી હિંમત રાખી, અને એકાએક વડવાઈ ઉપરથી ઝરખની પાસે જ કોઈ ધબ દઈને કૂદી પડ્યું.

'માળા કૂતરા ! હજી ખબર નથી ?'

ચમકીને બાજુએ જોતા હિંસક પ્રાણીના મુખ ઉપર અત્યંત બળભર્યો એક ફટકો પડ્યો, અને અણધાર્યો ઘા પડવાથી ક્રુધ બની તે હુમલો કરે તે પહેલાં તો ડાંગનો એક બીજો ઝપાટો એટલા જ જોરથી તેના ઉપર પડ્યો.

'ભાગ ! ભાગ અહીંથી, નહિ તો મરી ગયું જાણજે ?'

ખરે, ઝરખ પગ ઘસડતું, આંખો પટપટાવતું એકાએક અદૃશ્ય થઈ ગયું !

'કોણ હશે ! માનસીંગ ?' તેજલ બોલી ઊઠી.

'તે બીજું કોણ હોય ?' માનસીંગનો ઉચ્ચાર ઓળખાયો.

'મૂઆ ! ક્યારનો બોલતો કેમ નથી ?' તેજલે કહ્યું.

'શું બોલે ? મને કોઈ પકડવા આવ્યું હોય તો શી ખબર પડે ?'

'તે હવે પકડાઈશ ને ?' મંગીએ કહ્યું.

'શું કરું ? નીચે ના ઊતર્યો હોત તો તમારા બેમાંથી એકને ઝરખ ઝાલી જાત.' 'અહીં આવાં જાળામાં શું કામ ભરાયો ?' તેજલે પૂછ્યું.

'તો ક્યાં ભરાઉં ? મેં મારી પાછળ થતી બધી હો હો સાંભળી છે.'

'ચાલ પાછો. તને ક્યાંઈક એવો સંતાડીએ કે કોઈને ખબર ન પડે અને તારે આમ ભરાઈ રહેવું ન પડે.' મંગીએ કહ્યું.

'પેલા પોલીસવાળા જાય પછી હું આવીશ.'

'ત્યાં સુધી શું કરીશ?' તેજલે પૂછ્યું.

'આપણો બાંધેલો જૂનો માળો છે ને, ત્યાં સંતાઈ રહીશ; કોઈ ચકલું યે જાણશે નહિ.' માનસીંગે કહ્યું.

'પણ ખાવાનું શું કરીશ ?' મંગી બોલી.

'એ તો હું કે તું એને આપ્યે જઈશું. આપણે સવારસાંજ આમે નીકળવું તો પડે છે.' તેજલે કહ્યું.

'લે, બેશ અહીં થાળા ઉપર. હું તારે માટે કાંઈ ખાવાનું લાવી છું.' મંગી બોલી.

'મેં તો ખાધું છે.' માનસીંગ બોલ્યો.

'હું જાણું છું તેં કેટલું ખાધું છે તે !' મંગીએ કહ્યું.

'હવે બહુ ડાહ્યો ન થા. અહીં સંતાઈ રહીશ તો કાલે કોણ જાણે ક્યારે યે ખાવાનું પામીશ.' તેજલે કહ્યું.