હૃદયવિભૂતિ/ઘડતર/પ્રકરણ ૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પ્રકરણ ૫ હૃદયવિભૂતિ
પ્રકરણ ૬
રમણલાલ દેસાઈ
૧૯૪૦
પ્રકરણ ૧ →માનસીંગને ખોરાકની તેમજ મિત્રોની જરૂર હતી. સિપાઈને ડાંગ મારી ભાગી આવ્યા પછી તેના મનમાં અનેક તોફાનો ચઢી આવ્યાં. તેના દાદાની માફક બહારવટે નીકળવાનો તેણે નિશ્ચય કર્યો. તેના મામાની માફક સુરત, મુંબઈ જેટલે લાંબે જઈ ચોરીઓ કરવાની યોજના પણ તેણે વિચારી જોઈ. તેની ચોથી પેઢીએ થઈ ગયેલા પૂર્વજની માફક ધાડપાડુઓનું ટોળું જમાવવાની તેને કલ્પના થઈ આવી. એ બધી યોજનાઓમાં તેજલ એને સહાય આપ્યા કરશે એવો પણ વિશ્વાસ તેને આવવા લાગ્યો. પકડાઈને કેદમાં તો ન જ પુરાવું એવી તેની ધારણા બધીયે યોજનાના સૂત્ર રૂપે હતી. કેદખાનાં ભાંગી પોતાના પિતાને પણ છોડાવવાનો કાર્યક્રમ તેણે વડમાં સંતાઈને ઘડ્યો.

પરંતુ થોડી વારે તેને લાગ્યું કે માનવીનો ધસારો વડ નીચે હતો. પ્રથમ તો તેને ભય ઉત્પન્ન થયો. તેને લાગ્યું કે જરૂર તેનો પીછો પકડવામાં આવ્યો છે. તેણે થોડી ક્ષણ સુધી તો શ્વાસ પણ ન લીધો. કોઈ આકૃતિ આવીને કૂવાને થાળે પણ બેઠી એમ તેણે જોયું. વાઘેણી માતાએ માનવીનું રૂપ લીધું ? કે તેની માતા જીવતી થઈને પાછી આ લોકમાં પુત્રની ખબર જોવા આવી ?

એ આકૃતિને પરખવાની તેણે ઉતાવળ ન કરી. ધીમે ધીમે તે માળામાંથી સરકીને કૂવા ઉપરની ડાળે આવ્યો. એણે તેજલને ઓળખી પરંતુ ઓળખતા બરોબર બીજી સ્ત્રી પણ તેણે આવેલી જોઈ. થોડીવારમાં એ પણ સ્પષ્ટ થયું કે બીજી સ્ત્રી મંગી હતી. એ બન્નેને બિવડાવવાની ખૂબ મજા આવશે એમ ધારી ક્યી ઢબે એ બિવડાવવાનું કાર્ય કરવું તેની વિચારણામાં તે બહારવટાની ધાડ પાડવાની યોજના વીસરી ગયો. બૂમ પાડી 'ખાઉં, ખાઉં !' બોલી ઝાડ ઉપરથી કૂદી પડી તેમને ચમકાવવાની રમૂજ મેળવવાની તૈયારી કરતા માનસીંગે જોયું કે એ રમૂજ થઈ શકે એવી નથી. એ બન્ને મિત્રોની સામે ઝેરભર્યું ઝરખ આંખો કાઢી રહ્યું હતું. ડાંગ તો તેણે હાથમાંથી મૂકી જ ન હતી, અને ઝરખે ધસારો કરવાની તૈયારી કરી તે સાથે જ માનસીંગે ડાળેથી પડતું મૂકી ઝરખને ડાંગનો ફટકો - બે ફટકા લગાવી દીધાં. હિંસક પ્રાણી પણ મારથી ભાગે છે. ઝરખ અદૃશ્ય થઈ ગયું. મંગી અને તેજલ બન્ને માનસીંગના આ મહત્ કાર્યથી ચકિત થઈ ગયાં. આવડો નાનો છોકરો સિપાઈને ડાંગ મારવાની હિંમત કરે એટલું જ નહિ, પણ મારીને નાસી જઈ શકે એ કાર્ય અદ્દભુત હતું. ઝરખ જેવા પ્રાણીને પણ એ જ ડાંગથી નસાડે એમાં માનસીંગના અદ્ભુતપણામાં એકદમ વધારો થયો. માનસીંગને જમાડવામાં મંગી અને તેજલના હૃદયમાં મગરૂરી ઉત્પન્ન થઈ. એ છોકરો આગળ જતાં સંઝેર ગામનું નામ રાખશે એવી ખાતરી બન્નેની થઈ ગઈ.

‘હું થોડાં પાંદડાં તોડી લાવું.’ તેજલે કહ્યું.

‘સંભાળજે, ઝરખ સંતાયું ન હોય !’ માનસીંગે કહ્યું.

‘એક મોટું ઝરખ નસાડ્યું તેમાં તો જાણે વાઘ માર્યો હોય એમ ફુલાઈ જાય છે ! મારા હાથમાં ડાંગ હોત તો હુંયે એને નસાડત.’ તેજલ બોલી.

‘તમે બન્ને જરા લઢો. હું એટલામાં પાંદડાં ચૂંટી લાવું.’ મંગી બોલી અને જરા થાળાથી દૂર ગઈ.

માનસીંગે ઢેબરાનો એક કકડો તેજલના મુખમાં મૂકી દીધો.

‘શું કરે છે તું, મૂઆ ?’ તેજલ બૂમ પાડી ઊઠી.

‘મારે એકલાને ખાવાનું છે ?’ માનસીંગે પૂછ્યું.

‘તે અહીં કોણ તને રોજ સાથ આપવાનું છે ?'

‘તું ઘેરથી આવે તો ભૂખી આવજે. મારી ભેળી ખાજે.'

‘ભેળું ખાય તારો ભા ! મૂઆને ચરબી ઓછી છે ?'

‘ત્યારે આપણેયે નહિ ખાઈએ. જે દહાડે તું જોડે ના જમે તે દહાડે હું ભૂખ્યો રહેવાનો.'

‘તારે અહીંથી નાસી જવું પડ્યું, કે વખતે તું પકડાયો અને કેદમાં ગયો, ત્યાં હું ક્યાંથી આવીશ ?’

‘હું જ્યાં જઈશ ત્યાં તને ઢસડી જઈશ.'

‘મોટો ઢસડનારો ના જોયો હોય તો ! એક ઝરખને નસાડ્યું તેમાં તો ફુલાઈ ગયો ?'

તેજલને ઊંચકી ગમે ત્યાં નાસી જવાની ઊર્મિ માનસીંગના હૃદયમાં જાગી. ડાંગનો એક સાધારણ ફટકો મારતાં તેજલ બેભાન બને અને તેને સહેલાઈથી ઉપાડી જવાય; પણ એ ડાંગ વધારે વાગી ગઈ તો ? માનસીંગ તેજલની સામે જોઈ રહ્યો.

‘શું સામું જોયા કરે છે ? તારે કામે લાગ.’ તેજલે માનસીંગને ધમકાવ્યો. માનસીંગે મનમાં વિચાર કર્યો :

‘આ છોકરીને પોશ પોશ આંસુએ રડાવું નહિ તો મારું નામ માનસીંગ નહિ.'

પરંતુ એ પ્રસંગ ક્યારે આવે? માનસીંગનો અનુભવ હતો કે સંઝેર ગામમાં કોઈ પણ પતિ પોતાની પત્નીને મરજી ફાવે ત્યારે ઝૂડતો અને રડાવી શકતો. તેજલ તેની પત્ની બને તો એને બરાબર હાથ દેખાડી દેવાય! તેજલને બે ગાલમાં જોરથી એક એક તમાચ ત્યારે લગાવી દેવાય ! એનું હસતું અને ખીજવતું મુખ ત્યારે કેવું દેખાય ? એની આંખમાં આંસુ કેવાં દેખાય ?... પણ તેજલને બહુ વાર રડવા ન દેવાય !... અને એટલુંયે ક્યારે રડાવાય કે તેજલને તે જ્યારે પોતાની પત્ની બનાવી શકે ત્યારે !'

એ બને ખરું ? ઘેમરપટેલ જેવાની દીકરી...

'હવે તું ખાઈ લે એટલે થયું. આમ બાધો કેમ બની ગયો ?'

'અને સવાર થવા આવ્યું ! સાંભળો કૂકડો બોલે છે તે !' મંગીએ. આવીને કહ્યું.

ખરે, રાત્રીનો અંધકાર ઓગળી ગયો હતો. પ્રકાશની સ્પષ્ટતા થતી હતી અને દિવસનું ડહાપણ જગત ઉપર ઊતરતું હતું. અંધકાર કેટકેટલી ઘેલછાઓ માનવી પાસે કઢાવે છે ? દિવસે ડાહ્યો લાગતો માનવી રાત પડે શી ઘેલછાઓ નથી કાઢતો ?

અને કુદરત પણ રાત્રે ઘેલછાઓ પોષે છે !

ચોરી, લૂંટ અને આગ ! એ રાતના જ પ્રસંગો. નશો, વેર અને વ્યભિચાર ! નિશાનાં જ આશ્રિત. નિદ્રા અને સ્વપ્ન જેવી ન સમજાતી. ઘટમાળ ! રાત્રિની જ એ પ્રેરણા.

પરંતુ કૂકડાંના બોલથીયે વધારે પાસે કાંઈ રવ સંભળાયો. માનસીંગે આસપાસ જોયું. સંઝેરની આખી કુદરત તેનાથી દેખી શકાતી હતી. વડ, કૂવો, બાવળી, ઝાડી, કુશ્પી નદીની રેતી, માતાનું મંદિર : એ સહુ આછા અંધકારમાં ઊપસી આવી માનસીંગની સામે જોઈ રહ્યાં. એ આખું દૃશ્ય તેજલની પશ્ચાદ્ ભૂમિ બની ગયું હતું. તેજલની મૂર્તિને દિપાવવા જાણે એ આખાયે દૃશ્યની રચના થઈ હોય એમ માનસીંગને લાગ્યું. ન સમજાતો, મૂંઝવણમાં નાખતો, છતાં ગમતો ભાવ માનસીંગે અનુભવ્યો. તેજલને લીધે સંઝેર તેને ગમતું હતું, નહિ ?

સાથે થોડે દૂર મંગી પણ ઊભી હતી ! ગામનો ઉતાર મંગી ! ગામ ઘરોમાં સંતાઈ રહ્યું હતું અને મંગી ઘર છોડી માનસીંગને શોધવા નીકળી હતી, એટલું જ નહિ પણ તેની ભૂખ મટાડવા ખાવાનું પણ લાવી હતી ! મંગીમાં માનસીંગની મૃત માતાએ તો પ્રવેશ નહિ કર્યો હોય ? મંગી અભાજી જોડે ઘર માંડે તો માનસીંગને દુઃખ નહિ દે એની માનસીંગને ખાતરી થઈ. આવી મંગી ગામનો ઉતાર કેમ ?

પાછો કાંઈ પગરવ સંભળાયો ! ચમકીને માનસીંગે આસપાસ જોયું.

'તું ખાઈ લે તો હવે અમે જઈએ.' તેજલે કહ્યું.

'આ ખાઈ રહ્યા આપણે !' કહી માનસીંગે રોટલાનો મોટો કડકો પોતાના મુખમાં મૂક્યો. થાળામાં થોડું પાણી ભરાઈ રહ્યું હતું તે વડે તેણે હાથ અને મુખ ધોઈ નાખ્યાં, અને સ્વાભાવિક રીતે ફાળિયું માથેથી કાઢી હાથ અને મુખ ઉપર ફેરવ્યું.

'કહો, ના કહો, પણ કોઈ આપણી પાછળ પડ્યું છે.' માનસીંગે કહ્યું.

'બીકણ !' તેજલ બોલી.

એ બોલતાંની સાથે હવાડાને ઓથેથી ત્રણ માણસો આગળ ધસી આવ્યા, અને તેમણે માનસીંગને મજબૂતીથી ઝાલ્યો. પાછળથી ઘેમરમુખી પ્રગટ થયા અને ધમકી તથા કટાક્ષ વ્યક્ત કરતાં મોટેથી બૂમ મારી ઊઠ્યાઃ

'મારાં બેટા ! *[૧]ગટા કરે છે ! ખબર નથી, પેલા સિપાઈને માર્યો છે તે હવે શું થશે ?'

માનસીંગે છૂટવા માટે તરફડિયાં ખૂબ માર્યાં, પરંતુ સંઝેરના ઉંમરે પહોંચેલા ઠાકોરો આગળ એ બાળકનું કશું ચાલ્યું નહિ. જોકે તેણે બને એટલી લાતો ફેંકી ફાવે એટલાં બચકાં ભર્યા અને જમીન ઉપર તે આળોટી પણ પડ્યો !

'કરો ટીંગાટોળી અને ઊંચકી જાઓ અહીંથી. ખરો માર પડ્યા વગર એ સીધો થવાનો નથી.' ઘેમરપટેલ બોલ્યા.

'પણ બાપા ! એનો શો...' તેજલ માનસીંગનો વાંક પૂછવા જતી હતી. તેના પિતાએ તેને એકદમ બોલતી અટકાવી કહ્યું 'છાની મર કટકટ કરતી, રાતને વખતે અહીં આવી ભરાઓ છો તે ! પેલી રાંડ મંગીનાં જ બધાં કરતૂક છે !' ઘેમરે કહ્યું.

'રાંડ રાંડ ના કરશો, મોટા!' મંગીએ લૂગડાં માથા ઉપરથી મુખ ઉપર લંબાવતાં કહ્યું.

'રાંડ નહિ ત્યારે તને મરદ કહું? આખા ગામને વંઠાડી મૂકવાની છે! નાક-કાન કાપીને ગામની બહાર તને તગડી ન મૂકું તો જોજે !' મુખીએ તેને ધમકાવી.


  1. * ગેલ કરે છે, મઝા કરે છે.

‘એવું બધું શું મેં કર્યું છે ?' મંગી વગર ગભરાયે બોલી. ઘેમરમુખી આગળ ભાગ્યે કોઈ પુરુષ પણ બોલી શકતો. તેમનો હોકારો થતાં બૈરાંછોકરાંના તો હાંજા જ ગગડી જતા. મંગી ઘેમરમુખી સામે બોલતી હતી એ નવાઈ જેવું હતું. સહુને લાગ્યું કે મંગીનું હવે આવી બન્યું !

‘એક લાત મેલ ને ? બોલતી જરા બંધ થાય ! પાછલી રાતે તેજલને અહીં લાવે છે અને પાછી શું કર્યું એમ પૂછે છે ?’ પટેલ બોલ્યા.

‘તે હું તેજલને ક્યાં લાવી છું? પૂછો એને ! મારા કરતાં તો એ પહેલી આવી હતી.’ મંગીએ કહ્યું.

‘હા બાપા ! મંગી ખરું....’ તેજલ સાચું બોલવા ગઈ.

‘મર છાની ! નહિ તો હમણાં જીભડી કાપી નાખીશ. મંગીની વાદે ચઢે છે તું ?’

મંગીએ ખભા ચઢાવ્યા. ઘેમરપટેલે તે જોયું. એક યુવાન સ્ત્રી આમ તેમની ધમકીની ઉપેક્ષા કરે એ તેમને માટે અસહ્ય હતું.

મંગીના હૃદયમાં થરકાટ થયો. ગામલોકો ડાકણોના શા હાલ કરતા હતા તેની એને ખબર હતી.

અને શું પોતે ડાકણ હશે ખરી ? મંગીએ આંખો ફટાવી સામે જોયું. તેજલને એની આંખ જોઈ ભય લાગ્યો.

પૂર્વ બાજુએ ઝાંખો પીળો ચંદ્ર સરખો સૂર્યનો ગોળો આછા ઝબકારા કરતો ક્ષિતિજ ઉપર લટકી રહ્યો.

‘શું બાઘા જેવા ઊભા રહ્યા છો ? ચડાવો ધક્કે અને લેઈ લો આગળ.' ઘેમરમુખીએ આજ્ઞા કરી.

અતિશય અનિચ્છા છતાં, બને એટલું તોફાન કરવા છતાં માનસીંગને ચારે માણસોએ ઝડપથી આગળ લીધો. મોટા ભાગે ધક્કે ચઢી અને કોઈ વાર ઊંચકાઈને માનસીંગ ગામમાં આવ્યો.

ગામમાં દાખલ થતાં જ માનસીંગને ધર્મશાળા તરફ ધકેલ્યો. બેત્રણ પોલીસના સિપાઈઓ જાગી પથરાના તત્કાળ બનાવેલા ચૂલામાં લાકડાં સળગાવતા હતા. પટેલે કહ્યું : ‘આ લો તમારો ગુનેગાર. હવે કાંઈ ?’

‘ગુનેગાર જહાનમમાં ગયો. પણ હમણાં સાહેબ ઊઠશે અને ચા માગશે, તેનું શું કરશો ?’ એક સિપાઈએ માનસીંગને પકડી પાસે બેસાડતાં કહ્યું.

‘ચા-ખાંડ તો મોકલાવી છે.’ ‘પણ દૂધ ક્યાં છે ?'

‘હમણાં આવે છે. આ માનિયાને ઝાલવા ગયો એમાં રહી ગયું. એ છોકરાને બાંધી રાખજો, હોં ! બાપ જેવો જ કપરો છે.’ ઘેમરપટેલ બોલ્યા, અને તેમણે આગળ ચાલવા માંડ્યું.

તેજલે પાછળ જોયું તો એક સિપાઈ માનસીંગને જબરજસ્તીથી અંગૂઠા પકડાવતો હતો. માનસીંગની ડાંગ જરા દૂર પડી હતી. તેજલને વિચાર આવ્યો ?

‘ડાંગ માનસીંગની પાસે જઈને હું મૂકું તો કેવું ?’ પરંતુ એ વિચાર કલ્પનામાં જ રહ્યો. તેના પિતાએ તેને ખેંચી.

‘ચાલ આગળ ! શું જોયા કરે છે ?’

‘બાપા ! સિપાઈઓ માનસીંગને મારશે ?’ તેજલે સહજ આગળ જઈ પૂછ્યું.

‘મારશે નહિ તો પૂજા કરશે ?'

ઘેર જઈને ઘેમરપટેલે દૂધ મોકલવા માટે ધમાલ શરૂ કરી. ગાય, બકરીના દૂધ જેને તેને ત્યાંથી થોડાં થોડાં ઉઘરાવી તેમાં પાણી ઉમેર્યું. પશુની ઓછી સંખ્યા અને નબળી જાત સરકારી નોકરોના એક સામટા આવતા સમૂહને પૂરતું દૂધ આપી શકે એમ ન હોવાથી મિશ્રણની યોજના અનુકૂળ થઈ પડતી હતી.

દૂધની તામડી તૈયાર થઈ એટલે તેજલે પૂછ્યું : 'બાપા ! હું જઈને આપી આવું ?’

‘પેલા માનિયાની વાદે ચડી છે, ખરું ને ? આજે જો ઘરની બહાર નીકળી તો ટાંટિયો વાઢી જ નાખીશ !' ઘેમરપટેલ બોલ્યા, અને તેઓ જાતે જ દૂધની તામડી લેઈ ધર્મશાળામાં પહોંચ્યા.

ત્રીજા પ્રહર સુધી ઘેમરપટેલ ગામમાં ન આવ્યા. તેજલ ઘરમાં અને ઘરની બહાર ફર્યા કરતી હતી. તેને બહુએ મન થયું કે તે ધર્મશાળાની પાસે જાય. પરંતુ પિતાએ તેને ધમકી આપી બહાર ન નીકળવા આજ્ઞા કરી હતી. માતાપિતાની આવી આજ્ઞાઓ પાળવા સંઝેર ગામની છોકરીઓ બંધાઈ ન હતી, આજ્ઞાનું ઉલ્લંઘન સહજ હતું. માત્ર એ ઉલ્લંઘન થયું છે એની માતાપિતાને ખબર ન પડે એ જોવાની જ કાળજી જરૂરની હતી.

મંગી તેના ઘર આગળથી જતી હતી. તેજલ તેની પાસે દોડી ગઈ, અને તેને પૂછવા લાગી :

‘પછી શું થયું ?’ ‘થાય શું? અભાજીને અને માનિયાને બાંધીને લઈ જાય છે.’ મંગીએ કહ્યું.

'ક્યાં ?'

‘ક્યાં તે કેદમાં સ્તો !'

‘તને કોણે કહ્યું ?'

‘હું જોઈને આવી.'

‘મને ન લેઈ જાય ?'

‘હવે તો નદી પાર થઈ ગયા હશે.'

‘આપણે દોડીને પહોંચીશું.’

‘તારા બાપા હજી છૂટા નહિ પડ્યા હોય.’

‘કોઈ દેખે નહિ એમ આપણે ભરાઈ જઈશું.’ તેજલે કહ્યું. કોઈ ન દેખે એવી ભરાઈ જવાની આવડત સંઝેર ગામનાં બાળકબાળકીઓમાં સ્વાભાવિક રીતે જ વિકાસ પામતી.

મંગી અને તેજલ બીજે માર્ગે ઝડપથી ચાલી નીકળ્યાં. નદીની પાર આવેલી ઝાડીની પાસે જવાનો એક માર્ગ હતો. થોરિયાના એક ઝુંડ પાછળ બંને સંતાઈ રહ્યાં. સહુથી આગળ ધીમે ધીમે ઘોડા ઉપર સાહેબ આવતા. હા; તેમની જોડે ઘેમરમુખી અને પાઘડી સહ સારાં કપડાં પહેરેલા શેઠ ધરમચંદ વાતો કરતા કરતા ચાલતા હતા, તેમની પાછળ થોડા સિપાઈઓનું ઝૂમખું ચાલતું હતું. થોડી જગા મૂકી અભાજી અને માનસીંગને દોરડે બાંધી ચાર સિપાઈઓ ચાલતા હતા, પાછળ બીજા ચાર કેદીઓ આવતા હતા. થોરના ઝુંડ પાસે આવતાં અભાજીની આંખે જોયું કે પાછળ કોઈ તેમને જુએ છે. અભાજીએ કહ્યું :

‘માના !'

‘હા ! બાપા !’ માનસીંગે જવાબ આપ્યો. બંને વચ્ચે ક્યારની વાત થઈ ન હતી.

'તું વહેલો છૂટવાનો.'

‘તેનું શું છે ?'

‘જો મંગી બીજે ઠામ બેસે તો એનું નાક ટચકાવી નાખજે.'

માનસીંગને મહત્ત્વનું કામ મળ્યું. થોરિયા પાછળથી મંગી અને તેજલે આ વેણ સાંભળ્યું અને બંનેએ અરસપરસ સામે જોયું. આખું સરઘસ દૂર ચાલ્યું ગયું, અને ઘેમરપટેલ તેમ જ ધરમચંદ પાછા ફરતા દેખાયા. મંગી અને તેજલ ઉતાવળાં પાછાં ફર્યા. નદીને ટેકરે ઊભાં રહીને બંનેએ આથમતા સૂર્યને નિહાળ્યો. રેતીમાં તેમના પગ દાઝી ગયા હતા, અને તેજલને પગે તો એક કાંટો પણ વાગ્યો હતો. એક બાજુએ બેસી મંગીએ બાવળની શૂળ વડે તેજલનો કાંટો કાઢવા માંડ્યો.

ભેખડે ચઢતા ઘેમરપટેલ અને શેઠ ધરમચંદની વાતો બંનેએ સાંભળવા માંડી. રસ્તા તરફ પીઠ કરીને મંગી તથા તેજલ બેઠાં હતાં. તેજલનું મુખ અર્ધ રસ્તા તરફ પડતું હતું.

'શેઠ ! આ વખતે અમને તમે દગો દીધો, હો !' ઘેમરમુખીનો અવાજ આવ્યો.

'અરે વાત છે વાત ? અને તે તમારી જોડે ? એ તો શું કરું કે મારે જાત્રાએ જવું પડ્યું.' ધરમચંદ શેઠ બોલ્યા.

'તમે જાત્રાએ ગયા અને બાવાએ ડબ્બો પકડાવી દીધો. બંનેએ મોત નોતરવા માંડ્યાં છે.'

'અરે વાત છે વાત, મુખી ! તમેયે શું ઊંધું વેતરો છો ? આ જોયું નહિ સાહેબને સમજાવી દીધા તે ? બે જણ માથે લેશે તો બીજા બધા ઊગરી જશે.'

'અને ગામનો ભાગ તમારે ખાઈ જવો છે, ખરું ને ?'

'અરે શી વાત છે એ ? મારે ગામની પાઈ પણ હરામ છે. જોયું નહિ મેં ગામને ઘાસ અપાવ્યું તે ? મહાજન સાથે બાઝીને તમારે માટે એટલું લેઈ આવ્યો.'

'શેઠાઈ મૂકો, શેઠાઈ !' આ દોરીલોટો લઈ આવ્યા'તા તે આજ હવેલીઓ બંધાવી, એ પૈસો અમારો છે એ ભૂલશો નહિ !'

'વાત કરો છો વાત, મુખી ! તમારી જોડે જુદાઈ માની છે ? ક્યારે માગ્યું અને મેં ન આપ્યું ?' ભેખડ ચઢી રહેતા બરાબર ઘેમરપટેલે મંગી અને તેજલને જોયાં. ધરમચંદે પણ તે તરફ નજર કરી.

'અલી છોડીઓ ! શું કરો છો અહીં ?' ઘેમરપટેલે પૂછ્યું.

'તેજલને કાંટો વાગ્યો છે, મોટા !' મંગીએ કહ્યું.

'તેજલને તારા વગર બીજું કોઈ જડ્યું નહિ, ખરું? અરે ધરમાશેઠ ! તમારા ઘરમાં કોઈ બાઈ કામ કરવા જોઈતી હતી ને ?' ઘેમરે પૂછ્યું.

'હા ભાઈ ! હા. ઘરમાં સુવાવડ આવવાની છે અને કામમાં હરકત પડે છે.'

'આ મંગી છે, એને હું મોકલી આપીશ.' ઘેમરપટેલ બોલ્યા. 'ના રે, મોટા ! હું તો ગામ છોડીને નહિ જવાની.' મંગીએ તે બાજુએ જોઈને કહ્યું.

જાત્રાએ જઈ આવેલા ધરમચંદ શેઠને લાગ્યું કે મંગી જેવી બાઈ ઘરમાં નોકર હોય તો તેમની શેઠાઈ શોભાસ્પદ બને.

'એ છો ને બોલે ! વડજ ગામ કેટલું વેગળું છે ? એને મોકલી આપીશ.' કહી મુખી અને શેઠ આગળ વધ્યા.

મંગીએ તેજલના પગમાં વાગેલો કાંટો દૂર કર્યો. બન્ને જણ ઊભાં થયાં અને ક્ષિતિજમાં નિહાળી રહ્યાં. તેમની દૃષ્ટિ અને ક્ષિતિજ વચ્ચે અંધકાર ઊતરતો હતો. વગર બોલ્યે બન્ને જણ પાછાં ફર્યા.

પાછળથી તેમને કોઈ બોલાવતું હોય એવો ભાસ થયો. પાછળ જોતાં. માતાનો બાવો તેમની પાછળ આવતો દેખાયો.

બાવાએ બૂમ પાડી : 'મંગી ! જરા ઊભી રહે. મારે કામ છે.'

'તેજલ જોડે છે.'

'એને જવા દે. તું અત્યારે ક્યાં જઈશ?'

'હું તો મારી ઝૂંપડીમાં પડી રહીશ, બાવાજી !'

આટલું કહી મંગી તેજલનો હાથ પકડી ઝડપથી આગળ વધી. તેજલને ઘર આગળ મૂકી મંગી પોતાની ઝૂંપડી તરફ વળી.

તેજલે રાતે ખાધું નહિ. તેને ઊંઘ પણ ન આવી. પિતાની પાસે તે ખુલ્લામાં બીજા ભાઈઓ નજીક સૂતી હતી. તેના પિતાએ તેની અશાન્તિ નિહાળતાં પૂછ્યું :

'હજી ઊંઘતી નથી ?'

'ના બાપા ! ઊંઘ નથી આવતી.'

'કેમ ?'

'અમસ્તી જ.'

થોડી વારે તેજલે ધીમેથી પિતાને પૂછ્યું : 'બાપા ! માનસીંગનું શું થશે ?'

'ઘેલી રે ઘેલી ! એટલા માટે ઊંઘતી નથી ?'

'એનો વિચાર આવ્યા કરે છે ખરો. આવતી કાલ હું એને બરુનો મુગટ પહેરાવવાની હતી.'

'વરસ બે વરસમાં માનિયો બદલાઈને આવવાનો. બડો હોશિયાર થશે. થોડું ભણશે પણ ખરો. અને બધાને માથે ધૂળ ભભરાવે એવો બનીને આવવાનો !' ઘેમરપટેલે માનસીંગનું ભવિષ્ય ભાખ્યું.

તેજલને એ ભવિષ્ય ગમ્યું. માનસીંગ બદલાશે ! કોઈ પૂર્વજ બહારવટિયા સરખો તે દેખાવડો અને બહાદુર થઈને આવશે !

પણ પછી એ તેજલને ઓળખશે ખરો ?

એક પાસથી શિયાળ રડી ઊઠ્યું ને બીજી પાસ ઝરખનો ચિત્કાર સંભળાયો. ગામનાં કૂતરાં જાગૃત થઈ એકસામટાં ભસી રહ્યાં.

'બાપા ! ઝરખ લાગે છે, નહિ?' તેજલે પૂછ્યું.

ઘેમરપટેલે જવાબ ન આપ્યો. તે ઊંધી ગયા હતા. ભાઈએ માથા પાસે મૂકેલી ડાંગ તેજલે પોતાની પાસે લીધી.

ડાંગધારી માનસીંગ પાછો આવી ઝરખને ફટકો લગાવતો હતો શું? તેજલ એ દ્રશ્યની સચ્ચાઈ નક્કી કરી લે તે પહેલાં તેને નિંદ્રાએ ઘેરી લીધી.